
પ્રવીણભાઈ જે. પટેલ
સોક્રેટિસ અને એક ભારતીય મુસ્લિમ વચ્ચેના આ પહેલાંના એક કાલ્પનિક સંવાદમાં ભારતના મુસલમાનોની સ્ત્રીઓમાં હિજાબ અને બુરખો પહેરવાના તથા પુરુષોમાં દાઢી રાખવા જેવા રિવાજ વિષે ચર્ચા થઈ હતી. અને સોક્રેટિસે બહુ સરસ દલીલો કરીને પોતાના ભારતીય મુસ્લિમ મિત્રને સમજાવ્યું હતું કે વર્તમાન સમયમાં જો આવી પ્રથાઓથી મુસ્લિમ સ્ત્રીઓના વ્યક્તિગત પસંદગીના અધિકાર પર કાપ મુકાતો હોય, શીલ-મર્યાદાની રક્ષા માત્ર સ્ત્રીઓની જ જવાબદારી બની જતી હોય, અને વ્યાપક સમાજ સાથેના મુસ્લિમ સમુદાયના જોડાણમાં અવરોધો ઊભા થતા હોય તો તે અંગે તેમણે ગંભીરતાથી પુનર્વિચાર કરવો જોઈએ. વધુમાં, સોક્રેટિસે એમ પણ સમજાવ્યું હતું કે જો ભારતીય મુસ્લિમોની આગવી પહેચાન દેખાડનાર આવાં બાહ્ય ચિહ્નોથી સામાજિક-રાજકીય તણાવ ઊભો થતો હોય તો તેમણે તેવાં ચિહ્નો જાળવી રાખવાનો આગ્રહ છોડીને તેમની આજુબાજુના સમાજ સાથે અનુકૂલન વધારવાના રસ્તા વિચારવા જોઈએ.
હવે અહીં આપેલા બીજા કાલ્પનિક સંવાદમાં મુસ્લિમ સમુદાયની ગૌમાંસ ખાવાની, બહુ પત્નીત્વની અને તીન તલાક જેવી કેટલીક પ્રથાઓના વાજબીપણાની સમીક્ષા કરવામાં આવી છે. સોક્રેટિસ આવી પ્રથાઓની આધુનિક સમાજમાં સુસંગતતા વિશે તેમની આગવી ઈલેન્કસ (elenchus) શૈલીમાં ઊલટ તપાસ કરે છે. અને સંવાદનો અંત, સોક્રેટિસના આવા સંવાદોની ખાસિયત મુજબ, એક બૌદ્ધિક મડાગાંઠ એટલે કે એપોરીયા(aporia)માં પરિણમે છે, જે આવા સંવેદનશીલ મુદ્દાઓ અંગે વધુ ગહન ચિંતન કરવા પ્રેરે છે.
•••••
પાર્શ્વ ભૂમિ : સોક્રેટિસ સ્વર્ગના એક બગીચામાં ટહેલતા હતા ત્યાં એમનો પરિચિત ભારતીય મુસ્લિમ આવી ચઢે છે અને સોક્રેટિસ સાથે વાતોએ વળગે છે.
ભારતીય મુસ્લિમ : સોક્રેટિસ, તમારી વાતો વાજબી લાગતી હોવા છતાં મને હજુ પણ કેટલાક પ્રશ્નો મૂંઝવે છે.
સોક્રેટિસ : કઈ એવી સમસ્યાઓ છે જે તમને મૂંઝવે છે? ચાલો આપણે તેની પણ ચર્ચા કરીએ. કારણ કે, સંવાદથી જ શાણપણ વધે છે.
ભારતીય મુસ્લિમ : અમારી આસપાસના વ્યાપક સમાજ સાથે અનુકૂલન સાધવા માટે અમારે કેટકેટલી બાંધછોડ કરવાની ! અમારી એવી ઘણી પરંપરાઓ છે જે બીજા સમુદાયોથી જુદી પડે છે. જ્યારે અમારી આવી બધી પરંપરાઓ પર હુમલા થાય છે, ત્યારે મને તો ક્યારેક એમ લાગે છે કે આવી પરિસ્થિતિમાં અમારે અમારી પરંપરાઓને મક્કમ થઈને વળગી રહેવું જોઈએ, એ જ એકમાત્ર વિકલ્પ છે. સમાધાનને ક્યારેક નબળાઈ માની લેવામાં આવે છે. થોડું પણ સમાધાન જાણે કે વધુ ને વધુ સમાધાન કરવા માટેનું આમંત્રણ બની જાય છે. કહે છે ને કે, ‘આ બૈલ મુઝે માર.’
સોક્રેટિસ : ખરેખર, આ એક વિચારવા જેવી સમસ્યા છે, મારા મિત્ર. પરંતુ પહેલાં, મને તમે જણાવો કે તમને તમારી બીજી કઈ પ્રથાઓ વિષે ચિંતા છે?
ભારતીય મુસ્લિમ : અમારી ગૌમાંસ ખાવાની આદત તથા બહુપત્નીત્વ અને તીન તલાક જેવી પ્રથાઓ અમારી સંસ્કૃતિના અભિન્ન ભાગો છે. તેથી ઘણા લોકો અમારા પર આધુનિક સમાજમાં ન ભળી જવાનો એટલે કે પછાત હોવાનો આરોપ લગાવે છે. પણ આવા રિવાજોનો ત્યાગ કરવો એટલે અમારી ઓળખ જ છોડી દેવા જેવું મને લાગે છે.
સોક્રેટિસ : તમે માનો છો કે આ પ્રથાઓ તમારી ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા માટે જરૂરી છે?
ભારતીય મુસ્લિમ : હા, સોક્રેટિસ. આ રિવાજો અમારી માન્યતાઓ સાથે જોડાયેલી છે. અમે સદીઓથી તેમનું પાલન કરતા આવ્યા છીએ.
સોક્રેટિસ : બિરાદર, તમે માનો છો કે આ પ્રથાઓ સદીઓથી ચાલી આવતી તમારી માન્યતાઓ સાથે જોડાયેલી છે. પરંતુ ચાલો આપણે એ વિષે વિચારીએ. શું આ રિવાજોનું પાલન એ તમારી ધાર્મિક ઓળખને જાળવવાનો એકમાત્ર રસ્તો છે?
ભારતીય મુસ્લિમ : પરંતુ જો અમે ગૌમાંસ ખાવાનું છોડી દઈએ, બહુપત્નીત્વ અને તીન તલાક જેવી પ્રથાઓ છોડી દઈએ તો અમારી વિશિષ્ટતા શું રહે?
સોક્રેટિસ : કદાચ તમારા ધર્મનો સાર આવા બાહ્યાચારોમાં નહીં પણ ન્યાય, કરુણા, અને ધર્મનિષ્ઠા જેવા મુખ્ય સિદ્ધાંતોમાં રહેલો છે. શું કોઈ વૃક્ષનાં મૂળિયાં મજબૂત હોય તો તેની કેટલીક ડાળીઓ કાપી નાંખવામાં આવે તો તે ટકી ન શકે?
ભારતીય મુસ્લિમ : વિચારમાં પડી જાય છે.
સોક્રેટિસ : શું તમારે બીફ જ ખાવું એવો દૈવી આદેશ છે?
ભારતીય મુસ્લિમ : ના. કુરઆનમાં બીફનો ઉલ્લેખ નથી.૧
સોક્રેટિસ : તો એ એક રિવાજ છે. તમે વિચાર કરો કે ઘણા હિન્દુઓ ગાયને માતા સમજે છે. તેઓ ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવા છાશવારે માંગણી પણ કરે છે. અને ભારતનાં ઘણાં રાજ્યોમાં, હિન્દુ બહુમતીની માન્યતાઓનો આદર કરવા માટે, ગૌમાંસ કે ગૌહત્યા પર પ્રતિબંધ છે. તો બીફથી દૂર રહેવાથી, શું તમારો ધર્મ નબળો પડે છે?
ભારતીય મુસ્લિમ : તમે એમ સૂચવો છો કે અમે ગૌમાંસ ખાવાનું છોડીને પણ અમારી ધાર્મિક આસ્થાને જાળવી શકીએ છીએ?
સોક્રેટિસ : ચોક્કસ. કેમ નહીં?
ભારતીય મુસ્લિમ : પરંતુ આવી છૂટછાટ સ્વીકારવી એટલે બહુમતીના સામાજિક દબાણ સામે ઝૂકી જવા જેવું લાગે છે.
સોક્રેટિસ : શું આવા અનુકૂલનમાં નમ્રતા પણ નથી? જ્યારે પર્વતોની સાથે અથડાવાનું થાય છે ત્યારે સૌથી મોટી નદી પણ માર્ગ બદલી નાખે છે. અને ભયાનક તોફાન સામે ઘેઘૂર વૃક્ષ પણ ઝૂકી જાય છે. આવું અનુકૂલન હારની નિશાની નથી; તે શાણપણનું ચિહ્ન છે.
ભારતીય મુસ્લિમ : તો પછી અમારા બહુપત્નીત્વ અને તીન તલાક જેવા રિવાજોનું શું? આ રિવાજો તો અમારા કાયદા અને પરંપરા દ્વારા માન્ય છે.
સોક્રેટિસ : ચાલો, આપણે તેની પણ ચર્ચા કરીએ. તમે માનો છો કે બહુપત્નીત્વને કુરઆનની મંજૂરી છે.
ભારતીય મુસ્લિમ : ચોક્કસ, સોક્રેટિસ. કુરઆન સ્પષ્ટપણે તેની મંજૂરી આપે છે. એક પુરુષ વધુમાં વધુ ચાર પત્નીઓ રાખી શકે છે. અનેક પુરુષો આમ કરતા આવ્યા છે. અને તેમાં મોહમ્મદ પયગંબર સાહેબનો પણ સમાવેશ થાય છે.
સોક્રેટિસ : ઓહ, તમે માનો છો કે પયગંબર મોહમ્મદના જમાનામાં થયેલ લગ્નો બહુપત્નીત્વને ન્યાયી ઠેરવવા માટે એક ઉત્તમ ઉદાહરણ ગણી શકાય?
ભારતીય મુસ્લિમ : હા, સોક્રેટિસ. પયગંબર સાહેબે વિધવાઓનું રક્ષણ કરવા અને બીજા કબીલાઓ સાથે સામાજિક-રાજકીય ગઠબંધન બનાવવા માટે એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં.૩ અને તે અમારા માટે એક મિસાલ છે. બહુપત્નીત્વની છૂટ અમુક ચોક્કસ પરિસ્થિતિઓના વ્યવહારુ ઉકેલ તરીકે ઉપયોગી છે. ખાસ કરીને યુદ્ધ અથવા અંધાધૂંધીના સમયમાં જ્યારે અનેક સ્ત્રીઓ વિધવા થાય અને બાળકો અનાથ થઈ જાય ત્યારે તેમને રક્ષણની જરૂર હોય છે. બહુપત્નીત્વ આવી સ્ત્રીઓ અને બાળકોને આશ્રય અને રક્ષણ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે. પુરુષો એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરીને તેમને જરૂરી સલામતી પૂરી પાડી શકે છે.
સોક્રેટિસ : તો એવું લાગે છે કે બહુપત્નીત્વ, ઐતિહાસિક રીતે વાજબી હતું. તે જૂના સમયની કેટલીક ગંભીર સામાજિક સમસ્યાઓનું સમાધાન હતું. પરંતુ, જો યુદ્ધ અને રાજકીય અસ્થિરતા તથા તેમાંથી પેદા થતી કેટલીક સામાજિક અને આર્થિક હાડમારી ન હોય, પરિસ્થિતિઓ અલગ હોય, તો પણ શું બહુપત્નીત્વ જરૂરી રહેશે?
ભારતીય મુસ્લિમ : કદાચ નહીં, સોક્રેટિસ. જો સમાજ બધા લોકો માટે સમાન તકો અને રક્ષણ પૂરું પાડવા સક્ષમ હોય, વિકસિત હોય, તો બહુપત્નીત્વનું ઐતિહાસિક વાજબીપણું રહે નહીં.
સોક્રેટિસ : તો પછી શું એમ નથી લાગતું કે તમારા સમાજે આજની બદલાયેલી પરિસ્થિતિઓમાં, ઐતિહાસિક ઉકેલોને વળગી રહેવા કરતાં પોતાની પ્રથાઓને બદલવી જોઈએ?
ભારતીય મુસ્લિમ : હા. એમ થઈ શકે. પરંતુ બહુપત્નીત્વનો વિકલ્પ એવા લોકો માટે રહે છે જેઓ ખરેખર માને છે કે તેઓ ન્યાયની શરત પૂરી કરી શકે છે. કુરઆનમાં આદેશ છે કે પુરુષે પોતાની બધી પત્નીઓ સાથે ન્યાયી વ્યવહાર કરવો જોઈએ.૪
સોક્રેટિસ : ચાલો, આપણે આ વિશે વધુ જાણીએ. તમે કહો છો કે બધી પત્નીઓ સાથે ન્યાયી વ્યવહાર કરવો એ બહુપત્નીત્વ માટેની મુખ્ય શરત છે. શું ‘ન્યાય’નો તમારો મતલબ દરેક પત્ની સાથે બધી બાબતોમાં સમાન વર્તન કરવાનો નથી?
ભારતીય મુસ્લિમ : હા, સોક્રેટિસ. એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની શરત એ છે કે પતિએ તેની બધી પત્નીઓ પર એકસરખું ધ્યાન આપવું જોઈએ, તેમને એક સરખો પ્રેમ કરવો જોઈએ અને આદર આપવો જોઈએ.
સોક્રેટિસ : અને શું ન્યાયની આ શરત બધા કિસ્સામાં સરળતાથી પૂરી થાય તેવી છે?
ભારતીય મુસ્લિમ : જરૂરી નથી. હકીકતમાં, કુરઆન ચેતવણી આપે છે કે જો કોઈ પુરુષને ડર હોય કે તે ન્યાયી વ્યવહાર ન કરી શકે, તો તેણે ફક્ત એક જ લગ્ન કરવું જોઈએ.૫
સોક્રેટિસ : તો, કુરઆન પરવાનગી પણ આપે છે અને પ્રતિબંધ પણ લગાવે છે. બરાબર?
ભારતીય મુસ્લિમ : હા. પરંતુ જેઓ માને છે કે તેઓ આ શરત પૂરી કરી શકે છે તેમના માટે આવી પરવાનગી તો છે જ.
સોક્રેટિસ : અને કોણ નક્કી કરે છે કે કોઈ માણસ આ શરત પૂરી કરી શકે છે કે નહીં? શું જે માણસ એકથી વધુ લગ્ન કરવા માંગે છે તે પોતે જ આ નક્કી કરતો નથી?
ભારતીય મુસ્લિમ : હા, આખરે તો તે માણસે જ નક્કી કરવાનું છે.
સોક્રેટિસ : તો મને કહો, મિત્ર, શું કોઈ માણસ પોતે જ પોતાને ન્યાયી ઠેરવતો ન્યાયાધીશ થઈ શકે ?
ભારતીય મુસ્લિમ : ના, સોક્રેટિસ. મનુષ્ય પક્ષપાત કરી શકે છે, પોતાની જાતને છેતરી પણ શકે છે.
સોક્રેટિસ : તો પછી, જો માણસ પક્ષપાતનો કે આત્મવંચનાનો શિકાર બની શકતો હોય, તો શું એવો ભય નથી રહેતો કે કોઈ માણસ ખરેખર ન્યાયી ન હોવા છતાં પણ એક કરતાં વધુ પત્નીઓ કરવાની લાલચ રાખતો હોય?
ભારતીય મુસ્લિમ : તેવો ખતરો તો રહે જ છે.
સોક્રેટિસ : તો, આપણે એક વિરોધાભાસ પર આવીએ છીએ. કુરઆન કડક શરતો હેઠળ બહુપત્નીત્વની મંજૂરી આપે છે, છતાં માનવીનો સ્વભાવ આવી શરતોને પૂર્ણ કરવાનું ખૂબ જ કપરું બનાવે છે.
ભારતીય મુસ્લિમ : તમે એમ કહી શકો છો, સોક્રેટિસ. આદર્શ તો એકપત્નીત્વ જ હોઈ શકે છે. પરંતુ અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં આવી પરવાનગી મળી શકે છે, જો પુરુષ તેની બધી પત્નીઓ સાથે ન્યાય કરી શકતો હોય તો. પયગંબર સાહેબનું વલણ નિશંક તેમની પત્નીઓ સાથે ન્યાયી હતું.
સોક્રેટિસ : મિત્ર, બહુપત્નીઓ ધરાવતા પુરુષના પરિવાર પર આર્થિક બોજો વધુ નથી હોતો?
ભારતીય મુસ્લિમ : હા, વધુ પત્નીઓ અને બાળકો હોવાથી પુરુષ પર ભારે આર્થિક ભારણ પડી શકે છે. પણ કુરઆનના આદેશ મુજબ પુરુષે તેની બધી પત્નીઓને સમાન રીતે ખોરાક, કપડાં, આશ્રય, અને અન્ય જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ.
સોક્રેટિસ : મને કહો, મિત્ર, જો કોઈ પુરુષ પાસે મર્યાદિત સંસાધનો હોય, તો શું તે વાસ્તવમાં તેના મોટા પરિવારનું સારી રીતે પાલન કરી શકે ?
ભારતીય મુસ્લિમ : ના, સોક્રેટિસ. જો સંસાધનો ઓછાં હોય, તો મોટા કુટુંબનું પાલન કરવું મુશ્કેલ થઈ પડે.
સોક્રેટિસ : અને જ્યારે પૂરા કુટુંબને પહોંચી ન વળાય ત્યારે શું થાય? શું કેટલીક પત્નીઓ અને બાળકોને તેમની જરૂરિયાત કરતાં ઓછું ન મળે ? અને જો પત્ની કે બાળકને મૂળભૂત જરૂરિયાતોનો અભાવ હોય, તો શું આનાથી રોષ અને અસંતોષ પેદા ન થાય?
ભારતીય મુસ્લિમ : હા, સોક્રેટિસ. નાણાંકીય મુશ્કેલીઓને કારણે પરિવારમાં કંકાસ થઈ શકે છે.
સોક્રેટિસ : તો પછી શું બહુપત્નીત્વ, જ્યારે આર્થિક મુશ્કેલીઓમાં પરિણમે છે, ત્યારે પરિવારોને ગરીબી અને દુ:ખના ચક્રમાં ફસાવાનું જોખમ નથી ઊભું કરતું?
ભારતીય મુસ્લિમ : વિચારમાં પડે છે.
સોક્રેટિસ : ચાલો હવે આપણે બહુપત્નીત્વની માનસિક અસરો પર વિચારીએ. બહુપત્નીઓ ધરાવતા કોઈ પુરુષની કોઈ એક પત્નીને જ્યારે લાગે કે તેનો પતિ બીજી પત્નીને વધુ પ્રેમ કરે છે, ત્યારે શું થાય?
ભારતીય મુસ્લિમ : તે સ્ત્રીના આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે. તેને માનસિક ત્રાસ થાય, અને કદાચ તેને ઇર્ષ્યા થાય કે રોષ પણ આવે. અને આવી લાગણીઓને કારણે કદાચ કૌટુંબિક સંબંધોમાં ભંગાણ પણ પડી શકે છે.
સોક્રેટિસ : તો શું તેની અસર બાળકો પર ન પડી શકે?
ભારતીય મુસ્લિમ : ચોક્કસ. બાળકો ઘણાં સમજદાર હોય છે; તેઓ તેમનાં માતાપિતા વચ્ચેના તણાવ અને તકરારને અનુભવી શકે છે. જો કુટુંબમાં સતત તણાવ રહેતો હોય તો તેથી બાળકોની માનસિક અને વર્તણૂક સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
સોક્રેટિસ : તો પછી, મારા સાહેબ, તમને એવું નથી લાગતું કે બહુપત્નીત્વની પ્રથામાં ફક્ત જીવનસાથીઓ પર જ નહીં પરંતુ ભાવિ પેઢીને પણ નુકસાન પહોંચાડવાનું જોખમ રહેલું છે? શું આથી પરિવારની સુખાકારીને નુકસાન નથી થતું?
ભારતીય મુસ્લિમ : તો પછી તીન તલાકનું શું? આ તો અમારા કાયદા અને પરંપરા દ્વારા માન્ય છે. ઇસ્લામમાં લગ્ન એક પવિત્ર કરાર છે, પરસ્પર આદર અને સમજણ પર આધારિત ભાગીદારી છે. અને જ્યારે આ ભાગીદારી મુશ્કેલીમાં મુકાય ત્યારે કુરાનમાં છૂટાછેડાની જોગવાઈ છે.૬
સોક્રેટિસ : આ જોગવાઈમાં શું તીન તલાકનો સ્પષ્ટ ઉલ્લેખ છે?
ભારતીય મુસ્લિમ : ના. માત્ર છૂટાછેડાનો ઉલ્લેખ છે. પરંતુ, મુસલમાનોમાં પુરુષ ત્રણ વખત તલાક બોલીને તેની પત્નીને છૂટાછેડા આપી શકે તેવી પ્રથા છે.
સોક્રેટિસ : તો તલાકની છૂટ છે, પણ તીન તલાકની નહીં. એટલે, આ એ એક પરંપરા છે, કુરાનનો સ્પષ્ટ આદેશ નથી. બરાબર?
ભારતીય મુસ્લિમ : હા, તે સાચું છે. કુરાનમાં છૂટાછેડાની અનુમતિ છે. પણ તેમાં તીન તલાકનો ચોખ્ખો ઉલ્લેખ નથી. તેથી મુસ્લિમ સમુદાયમાં પણ તે એક વિવાદાસ્પદ પ્રથા ગણાય છે.
સોક્રેટિસ : અચ્છા. તો પણ ચાલો આપણે આ પ્રથા વિષે વિચારીએ. મને કહો, મિત્ર, શું ત્રણ તલાકની પ્રથા સ્ત્રીને પણ તેના પતિને છૂટાછેડા આપવાનો અધિકાર આપે છે?
ભારતીય મુસ્લિમ : ના, એવું નથી. આવો અધિકાર ફક્ત પુરુષને જ આપવામાં આવ્યો છે.૭
જો કે, ઇસ્લામમાં સ્ત્રીઓને ખુલા તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા છૂટાછેડા મેળવવાનો અધિકાર છે.
સોક્રેટિસ : તો, પુરુષો તાત્કાલિક લગ્નનો અંત લાવી શકે છે, પરંતુ સ્ત્રીઓ નહીં. આવી પ્રથા શું પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સમાનતા દર્શાવે છે?
ભારતીય મુસ્લિમ : ના. પરંતુ કેટલાક લોકો માને છે કે પરિવારમાં પુરુષોએ વધુ જવાબદારીઓ નિભાવવાની હોવાથી તેમને વધુ અધિકાર મળવા જોઈએ.
સોક્રેટિસ : હા, કેટલાક કિસ્સાઓમાં પરિવારમાં પુરુષોની જવાબદારીઓ વધુ હોય છે. પણ મને કહો, શું આવી જવાબદારીઓને કારણે પુરુષોને સ્ત્રીઓ પર જોહુકમી કરવાનો અધિકાર મળે છે? જો કોઈ પુરુષ તેની પત્નીની સંમતિ વિના તાત્કાલિક જ લગ્ન બંધન તોડી શકે, તો શું આ તેની સ્ત્રી ઉપરની જોહુકમી ન કહેવાય?
ભારતીય મુસ્લિમ : ના, તેવું ન હોવું જોઈએ.
સોક્રેટિસ : ચાલો, આપણે બીજા મુદ્દા પર વિચાર કરીએ, મિત્ર. જ્યારે કોઈ પુરુષ તેની પત્નીને ત્રણ તલાક દ્વારા છૂટાછેડા આપે છે, ત્યારે શું સ્ત્રીને પોતાનો કેસ રજૂ કરવાની અથવા સમાધાન કરવાની કોઈ તક મળે છે?
ભારતીય મુસ્લિમ : ના, પુરુષનો આવો નિર્ણય અંતિમ ગણાય છે અને તે તાબડતોબ લાગુ પડે છે.
સોક્રેટિસ : તો તમે મને કહો, શું કોઈ સ્ત્રીના સમગ્ર જીવનને અસર કરતા નિર્ણયમાં તેનો પક્ષ રજૂ કરવાનો ઇન્કાર કરવો તે અન્યાય ન કહેવાય?
ભારતીય મુસ્લિમ : હા, તે નાઇન્સાફી છે.
સોક્રેટિસ : અને જો ન્યાયનો ઇન્કાર કરવામાં આવે તો શું તેથી સ્ત્રીને દુ:ખ અને રોષ ન થાય? શું તેથી સ્ત્રીના આદર અને ગૌરવને હાનિ ન પહોંચે? અને જો કોઈ પ્રથા સ્ત્રીના આદર અને ગૌરવને નબળી પાડતી હોય, તો શું તેના પર સવાલ ઉઠાવવો જોઈએ નહીં?
ભારતીય મુસ્લિમ : હા, તે થવું જોઈએ. અને ઘણા સમજુ મુસલમાનો તેનો વિરોધ કરે છે.
સોક્રેટિસ : તો પછી, મિત્ર, શું તમારા સમાજ માટે એવી વ્યવસ્થા શોધવી જરૂરી નથી કે જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનું ગૌરવ જળવાય અને બંને સાથે ન્યાયી વ્યવહાર કરવામાં આવે?
ભારતીય મુસ્લિમ : હા, તે વધુ સારું રહેશે. પરંતુ પરંપરાઓ બદલવી મુશ્કેલ છે.
સોક્રેટિસ : ખરેખર, પરિવર્તન મુશ્કેલ છે. પરંતુ મને કહો, શું કોઈને અન્યાય કરવો તે વાજબી કહેવાય? જો કોઈ સ્ત્રીને અચાનક છૂટાછેડા આપી દેવામાં આવે, તો શું તેની પાસે પોતાને અને તેનાં બાળકો માટે નાણાંકીય સહાય મેળવવા માટે કોઈ સાધન હોય છે?
ભારતીય મુસ્લિમ : ના, ક્યારેક એવું નથી હોતું. ક્યારેક પુરુષો તલાક પછી નાણાંકીય સહાય પૂરી પાડવાનો ઇન્કાર કરે છે. કેટલીક સ્ત્રીઓ ગરીબીમાં સરી પડે છે અથવા તેમના પૈતૃક પરિવાર પર નિર્ભર બની જાય છે.
સોક્રેટિસ : અને મને કહો, શું આવું પરિણામ સ્ત્રીના નિર્ણયનું છે કે પુરુષના નિર્ણયનું?
ભારતીય મુસ્લિમ : તે પુરુષના નિર્ણયનું પરિણામ છે.
સોક્રેટિસ : હવે, તમે વિચારો કે જે સ્ત્રીને અચાનક તેનો પતિ ત્રણ વાર તલાક, તલાક, તલાક કહીને છોડી દે અને તે સ્ત્રી એકદમ નિરાધાર થઈ જાય તો તેની માનસિક સ્થિતિ કેવી થઈ જાય?
ભારતીય મુસ્લિમ : ખરાબ. તેને માટે આવું અપમાન આઘાત-જનક અને અસહ્ય થઈ પડે.
સોક્રેટિસ : અને બાળકોનું શું? જ્યારે તેમનો પરિવાર અચાનક વિખેરાઈ જાય ત્યારે તેમને કેવું લાગે?
ભારતીય મુસ્લિમ : હા, તેમને ખૂબ પીડા થઈ શકે છે. તેમનામાં મૂંઝવણ, ચિંતા, અને અસુરક્ષાની ભાવના પેદા કરી શકે છે.
સોક્રેટિસ : તો, ત્રણ તલાક માત્ર સ્ત્રીને જ નહીં પણ બાળકોને પણ નુકસાન પહોંચાડે છે?
ભારતીય મુસ્લિમ : હા, તે આખા પરિવારને અસર કરે છે.
સોક્રેટિસ : શું આ સ્ત્રીઓ અને બાળકોને થતું નુકસાન તમારા ધર્મમાં રહેલા કરુણા અને દયા, જરૂરિયાતમંદોની સંભાળ, ક્ષમા અને સમાધાન જેવા માનવીય સિદ્ધાંતો અનુસાર કહેવાય?૮
ભારતીય મુસ્લિમ : ના, હરગિજ નહીં.
સોક્રેટિસ : હવે આપણે બીજો પણ વિચાર કરીએ. જો કોઈ પુરુષ આટલી સરળતાથી ત્રણ તલાક બોલીને છૂટાછેડા લઈ શકે, તો શું તેનો દુરુપયોગ થવાનું જોખમ નથી? કદાચ ગુસ્સામાં કે નાની નાની બાબતોમાં મતભેદ થવાથી તેની પત્નીને છૂટાછેડા આપી દે તે યોગ્ય કહેવાય?
ભારતીય મુસ્લિમ : હા, એવું થાય છે.
સોક્રેટિસ : જો કોઈ પ્રથા માત્ર સ્ત્રીને જ નહીં પણ સમગ્ર પરિવારને આર્થિક રીતે નુકસાન પહોંચાડે, માનસિક તકલીફ આપે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે તો શું તમારા પવિત્ર કુરાનમાં જે ન્યાયીપણાનો આદેશ આપવામાં આવ્યો છે તેની સાથે સુસંગત છે?
ભારતીય મુસ્લિમ : ના, હરગિજ નહીં.
સોક્રેટિસ : તો પછી, મિત્ર, ન્યાય અને કરુણા માટે પ્રતિબદ્ધ સમાજે આવી પ્રથાનો અંત લાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ?
ભારતીય મુસ્લિમ : તમે સાચા છો, સોક્રેટિસ. મારે કબૂલ કરવું પડશે કે તમારી દલીલોનો કાટ શોધવો મુશ્કેલ હોય છે. પરંતુ, તકલીફ એ છે, સોક્રેટિસ, કે અમારી કોમના કેટલાક લોકોને ડર છે કે જો અમે વધારે પડતું અનુકૂલન કરીશું, તો અમે અમારી પહેચાન બિલકુલ ગુમાવી દઈશું.
સોક્રેટિસ : મિત્ર, સાચી ઓળખ પુરાણા અને નિરર્થક રિવાજોના પાલનમાં છે કે માનવતાનો સંદેશ આપતા પોતાના ધર્મના સનાતન સિદ્ધાંતોના પાલનમાં છે?
ભારતીય મુસ્લિમ : હા, કદાચ અમે તે સિદ્ધાંતો પર વધુ ધ્યાન આપીએ તો અમારી આગવી ઓળખ ગુમાવ્યા વિના પણ અનુકૂલન સાધી શકીએ.
સોક્રેટિસ : મિત્ર, સમાધાન એ શરણાગતિ નથી. જો તમારો ધ્યેય શાંતિ અને સુમેળમાં રહીને પ્રગતિ કરવાનો હોય તો શું સતત અથડામણ કરતા રહેવા કરતાં વ્યાપક સમાજ સાથે સમાયોજન કરવું વધુ હિતાવહ નથી?
ભારતીય મુસ્લિમ વિચારે ચઢી જાય છે.
નોંધ સૂચિ
૧. કુરઆનમાં માન્ય (હલાલ) અને પ્રતિબંધિત (હરામ) ખોરાક વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને તે મુસ્લિમોને ઇસ્લામિક આહાર કાયદાઓ અનુસાર કતલ કરવામાં આવેલ પશુઓનું માંસ ખાવાની મંજૂરી આપે છે. પરંતુ, તેમાં ગૌમાંસ ખાવાનો કોઈ ઉલ્લેખ નથી (૨:૧૭૩, ૫:૩)
૨. ભારતનાં અનેક રાજ્યોએ ગૌહત્યા અને ગૌમાંસ પર પ્રતિબંધ મૂકેલો છે.
૩. (i) કુરઆન પુરુષોને વધુમાં વધુ ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની મંજૂરી આપે છે. પરંતુ બધી પત્નીઓ સાથે ન્યાયી વ્યવહાર કરવા પર ભાર મૂકે છે. અને જો તેઓ એમ ના કરી શકતા હોય તો તેમણે ફક્ત એક જ સ્ત્રી સાથે લગ્ન કરવાં જોઈએ (૪:૩). પયગંબર મોહમ્મદને અગિયાર પત્નીઓ હતી. તેમનાં નામ નીચે મુજબ છે : ૧. ખદીજાહ બિન્ત ખુવાયલિદ (Khadijah bint Khuwaylid), ૨. સવદાહ બિન્ત ઝમાઆ (Sawdah bint Zam’ah), ૩. આયશા બિન્ત અબી બક્ર (Aisha bint Abi Bakr), ૪. હફસા બિન્ત ઉમર (Hafsa bint Umar),, ૫. ઝૈનબ બિન્ત ખુઝાયમા (Zaynab bint Khuzayma), ૬. સલમા બિન્ત અબી ઉમય્યા(Salma bint Abi Umayya) ૭. ઝૈનબ બિન્ત જહશ (Zaynab bint Jahsh), ૮. જુવેરિયા બિન્ત અલ-હરિથ (6 Juwayriya bint al-Harith), ૯. સફીયા બિન્ત હુયાય (Safiyya bint Huyayy), ૧૦. હબીબા બિન્ત અબી સુફયાન(Bint Abi Sufyan), અને ૧૧. મયમુનાહ બિન્ત અલ-હરિથ (Maymunah bint al-Harith). કુરઆનમાં જણાવ્યા મુજબ (૩૩:૬) મુસ્લિમો પયગંબર મોહમ્મદની બધી પત્નીઓને ‘આસ્થાવાનોની માતા’ (ઉમ્મ-અલ-મુ’મિનીન) તરીકે ઓળખે છે. (ii) જોકે, તુર્કી અને ટ્યુનિશીયા જેવા કેટલાક મુસ્લિમ દેશોએ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકેલો છે.
૪. કુરઆનમાં લગ્નને સ્થિર અને નૈતિક સમાજના પાયા તરીકે જોવામાં આવે છે. કુરઆન ન્યાય, પ્રેમ, કરુણા અને પરસ્પર સહાયને પ્રોત્સાહન આપે છે (૪:૧, ૪:૧૩૫, ૨૧:૧૦૭, ૩૦:૨૧).
૫. કુરઆન (૪:૩).
૬. કુરઆન (૨:૨૨૯, ૨૩૧, ૬૫:૧).
૭. (i) ત્રણ તલાકનો રિવાજ, ઇસ્લામિક કાયદામાં તાત્કાલિક છૂટાછેડાનો એક પ્રકાર છે. પરંપરાગત રીતે એક મુસ્લિમ પુરુષ એક સાથે ત્રણ વખત ‘તલાક’ (છૂટાછેડા) ઉચ્ચારીને લગ્નને તાત્કાલિક અને કાયમી અસરથી તોડી શકે છે. આ પ્રથાનો કુરઆનમાં ઉલ્લેખ નથી. પરંતુ, ઇસ્લામિક ન્યાયશાસ્ત્ર અને હદીસ (પયગંબર મોહમ્મદનાં કથનો) દ્વારા સમય જતાં તે રિવાજ વિકસ્યો છે. જો કે, આ પ્રથા મહિલાઓ માટે અન્યાયી હોવાથી તેની વ્યાપક ટીકા કરવામાં આવે છે અને તેના દુરુપયોગની સંભાવના અને તે માટેની યોગ્ય પ્રક્રિયાના અભાવને કારણે તેના વિષે મોટા વિવાદ ચાલે છે. (ii) તાજેતરનાં વર્ષોમાં, તેમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. ઉદાહરણ તરીકે, ભારતની સુપ્રીમ કોર્ટે ઈ.સ. ૨૦૧૭માં ત્રણ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. વધુમાં, મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ આ પ્રથાને ગુનાહિત બનાવવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે તાત્કાલિક ત્રણ તલાક હવે ભારતમાં કાયદેસર રીતે માન્ય નથી, અને તે મુસ્લિમ મહિલાઓને વધુ અધિકારો અને સુરક્ષા પૂરી પાડે છે.
૮. કુરઆનમાં કરુણા અને દયા (૨૧:૧૦૭) , જરૂરિયાતમંદોની સંભાળ (૧૦૭:૧-૩), ક્ષમા અને સમાધાન (૭:૧૯૯) જેવા માનવતાવાદી સિદ્ધાંતોનું મહિમામંડન કરવામાં આવ્યું છે.
સંદર્ભ ગ્રંથ:
(i) મૌલાના અબુલઆ’લા મૌદૂદી (રહ.), ૨૦૨૧, દિવ્ય કુરઆન (ગુજરાતી અનુવાદ), ઇસ્લામી સાહિત્ય પ્રકાશન, અહમદાબાદ. (ii) https://en.wikipedia.org/wiki/WivesofMuhammad
૧૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા-390 002
ઈ-મેલ:pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ફેબ્રુઆરી 2025; પૃ. 04-08