ક્યાંથી શરૂ કરીશું? આમ તો, અરુણ શૌરિ અને તવલીન સિંહ, એ બે મોદી મિત્રોના તાજેતરનાં નિરીક્ષણો ને નુક્તેચીની ચાલુ પખવાડિયે નમો શાસનનું પહેલું વરસ પૂરું થવામાં છે તેની ચર્ચા વાસ્તે અચ્છો મુખડો બની શકે એ બરનાં છે. પણ મુખ્યમંત્રીપદે આનંદીબહેન પટેલનુંયે પહેલું વરસ પૂરું થવામાં છે ત્યારે આરંભ ગુજરાતના મોદીમિત્રોથી કરીએ તે જ ઠીક લેખાશે, ખાસ કરીને વણઝારાથી; કેમ કે મોદી મહિમામંડનના ગુજરાત મોડેલમાં વિકાસના વેશ પૂર્વે આતંકવાદવિરોધનો જે ખાસ તરેહનો ખેલ પડ્યો એમાં વણઝારાની સિંહભૂમિકા રહી છે.
ખરું જોતાં, વણઝારાને મોદી મિત્ર કરતાં વધુ તો મોદી ભક્ત કહેવા જોઈએ. જો કે લાંબા જેલવાસ દરમિયાન, ગુફાગત મુનિને લાધી શકે એમ એમને પણ કંઈક જ્ઞાન લાધવાની શરૂઆત જરૂર હતી. ભગવાન થકી પોતાનું ઠેકાણું ન પડ્યું અને ગુરુણાં ગુરુ શા આસારામ બાપુ પણ ઝડપાયા ત્યારે વણઝારાનો પહેલો લેટરબૉમ્બ બહાર આવ્યા હતો. (એમાં ધારો કે એમના ભ્રમનિરસનનું કંઈક ઇંગિત હોય તો પણ તેથી મોદી વણઝારા ચાહકોનું ભ્રમનિરસન થયાના કોઈ ચિહ્નો કમનસીબે નથી.) હવે ‘અચ્છે દિન’ને ધોરણે જામીનપ્રાપ્ત વણઝારાનો બીજો પત્રપ્રસ્ફોટ થયો છે. આ પ્રસ્ફોટ એ મુદ્દે છે કે અમિત શાહ અને પી.સી. પાંડેને એક રાજનેતા અને બીજા પોલીસ અફસર, એ બેને – બચાવી લેવા વાસ્તે આઈ.પી.એસ. જોહરીને બઢતી અપાઈ છે. જ્યારે ‘મારા માણસો’ને નથી અપાઈ. પરબારા નિયુક્ત અકાદમી અધ્યક્ષને મુદ્દે લેખકોની સહી ઝુંબેશને આ સ્થળેથી રાજ્ય સરકાર સામે ઠપકાવી દરખાસ્તરૂપે વર્ણવવાનું બન્યું છે. પણ વણઝારાનો આ પત્ર પ્રસ્ફોટ ખરું જોતાં નમોના ગુજરાત-શાસન પરત્વે તેમ આનંદીબહેનના પહેલા વરસ વિશે વિધિવત્ કાપ દરખાસ્ત કરતાં લગીરે કમ નથી.
કાશીપ્રસાદ જાયસવાલે જ્યારે ‘હિંદુ પોલિટી’માં આપણે ત્યાં લોકશાહી ભાવના અને ગણતંત્રચેતના પરત્વે ઇતિહાસબોધની રીતે થીસિસ માંડણી કરી ત્યારે સમજાવ્યું હતું કે ભક્તનો અર્થ ભાગિયો કે ભાગીદાર થાય છે તે લક્ષમાં લઈએ તો એ મુદ્દો ઊપસી રહે છે કે આપણી ધર્મપરંપરામાં ઈશ્વર અને ભક્ત વચ્ચે એક લોકશાહી સંબંધની ગુંજાશ હતી … હશે ભાઈ, આપણે તો એટલો સાર લીધો કે ભગવાન અને ભક્ત પરસ્પર ભાગિયા હોઈ શકે છે. જો આ સાર દુરસ્ત હોય તો વણઝારાનો પત્રપ્રસ્ફોટ આગળપાછળ, ઉપરનીચે જે પણ સાથી-ભાગીદારો હોય એને અંગે છે એમ માનવામાં હરકત નથી.
વાર્ષિકી ચર્ચાનો આરંભ વણઝારાના તાજેતરમાં પત્રપ્રસ્ફોટથી કરવાનું નિમિત્ત અરુણ શૌરિના એ વિધાને પૂરું પાડ્યું છે કે આજકાલ બધી સત્તા નમો, અમિત શાહ અને અરુણ જેટલીની ત્રિમૂર્તિમાં કેન્દ્રિત થયેલી છે. આ ત્રિમૂર્તિ પૈકી પહેલા બે તો વણઝારાની ભાષામાં, કર્ટસી જાયસ્વાલ, ચોખ્ખા ભાગિયા છે. અમિત શાહ પાછા વણઝારાની જેમ જ જામીન પ્રાપ્ત છે. અને ‘વારવનિતૈવ નૃપતીતિરનેકરૂપા’ એ ભર્તૃહરિવચનોનું પ્રત્યક્ષ દૃષ્ટાંત હજુ થોડા મહિના પર જ આપણે દિલ્હીક્ષેત્રે કુરુક્ષેત્રે જામીનધન્ય પક્ષપ્રમુખ અને તેજતર્રાર પોલીસ અફસરના ચૂંટણીડ્યુએટમાં જોયું પણ છે.
અલબત્ત, શૌરિની ટીકા સ્વતંત્ર ચર્ચા માગી લે છે. સત્તાના કેન્દ્રીકરણથી માંડીને લઘુમતીને આશ્વાસન કરવા બાબતે વિશ્વાસની ખાદ્ય સહિતના મુદ્દાઓ એમણે કર્યા છે એક પછી એક પ્રોજેક્ટની રીતે કે વારાફરતી નવાં નવાં સૂત્રોની ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’, ‘સ્માર્ટ સિટીઝ’, ‘સ્વચ્છ ભારત’)ની રીતે રોડવવું તે સળંગ સૂત્ર રોડમેપ અને લાંબા ગાળાની રણનીતિનો અવેજ નથી એમ પણ એમણે કહ્યું છે. ચૂંટણી આંદોલનનું રાજકારણ અને સુચારુ શાસનકાળ, બે એક નથી એવી શૌરિ-સમીક્ષા સાથે કોણ અસમ્મત થશે વારું.
મોદી પોલીસ અને એમની ને એમના પક્ષની આતંકવાદવિરોધ મુહિમની વાત હજુ પૂરી નથી થતી, પણ તેમાં ઘડીક રહીને જઈશું હમણાં તો શૌરિના મેળમાં તવલીન સિંહનાંયે થોડાં અવલોકનો નોંધી લઈએ. તલવીન સિંહ અને અરુણ શૌરિ નેહરુના, ખાસ કરીને નેહરુવિયન સોશલિઝમના બડા ક્રિટિક છે. એ અર્થમાં તમે એમને રાજાજી ને મસાણીની ધારામાં પણ મૂકી શકો. તવલીન સિંહની ફરિયાદ છે કે નેહરુના સમાજવાદમાં પબ્લિક સેક્ટર કોર્પોરેશનોથી માંડીને બધે આલા અફસરોનો દબદબો પેંધી ગયો હતો. નમો શાસનમાં (એમના વાક્વ્યાપારથી વાસ્તવમાં કંઈક ખરેખાત બન્યા જેવો વ્યામોહ વરતાયો હોય તો પણ) આવો જ એક દબદબો છે. આલા બાબુશાહી અને પોલીસ તરફથી સતામણી બંને વધ્યાં છે. પોલીસ સંબંધે તવલીને મુંબઈની શેરીઓમાં તળ કામગીરી કરતા સાથીઓના અનુભવને વિશેષરૂપે સંભાર્યો છે. શિક્ષણ અને સ્વાસ્થ્યમાં કોઈ પહેલનો અહેસાસ નથી. હજુ આશા તૂટી નથી પણ તે લાંબો વખત ટકશે નહીં, સિવાય કે જેને વિશે ગાજોવાજો ખાસો કરાયેલો તે રોકાણો અને કામગીરીઓ – જૉબ્સ વાસ્તવમાં બનવા લાગે.
અહીં જોવા સમજવાનું એ છે કે આજની તારીખે મોદી સિવાય કોઈ નેતા નથી એ બાબતે શૌરિ અને સિંહ બંને ચોક્કસ છે. મધુ કિશ્વરની જેમ સદ્યવિવાહ, સદ્યવિચ્છેદની ઘાટીએ તેઓ વિચારતાં નથી. તવલીન સિંહ ૨૦૧૪માં ચૂંટણીપૂર્વ તબક્કાથી તો શૌરિ તો એથી પણ વહેલાં મોદી બાબતે વલણબદ્ધ છે. ૨૦૦૯માં જ્યારે અડવાણી વડાપ્રધાનપદના વિધિવત ઘોષિત ઉમેદવાર હતા ત્યારે પણ શૌરિએ કહ્યું હતું કે અમારી કને અડવાણી ઉપરાંત મોદી પણ છે.
ગમે તેમ પણ તવલીન સિંહ નેહરુ અને નમો સંદર્ભે જે અફસરી જમાવટ જુએ છે એમાં કશીક સેળભેળ અને ગોસ્મોટાળો છે. માનો કે લોકશાહી કે સમાજવાદ અંતર્ગત બાબુશાહી અને બાળફીતાશાહી હતાં. પણ નેહરુરાજ પોલીસરાજ નહોતું સત્તા એની રાષ્ટૃવાદ વિશે નમો ભા.જ.પ. જે એકાધિકારવાદી માનસિકતાથી ચાલે છે તે તમે નેહરુની મુખ્યમંત્રીઓ જોગ નિયમિત પત્રમાળામાં તમે ‘એન્કાઉન્ટર’ના પ્રશ્ને પણ નિસબત જોઈ શકો. અહીં તો એન્કાઉન્ટર ગાન એક તબક્કે જાહેરમાં ભગવદ્દગીતાથી બીજે ક્રમે અને ખાનગીમાં કદાચ પ્રથમ ક્રમે હતું. મેક્સિમમ ગવર્નન્સની વ્યાખ્યામાં એન્કાઉન્ટર એક અવિભાજ્ય અંશ છે. ભાજપેતર શાસનોમાં એન્કાઉન્ટરો નથી થયાં એમ નથી. આંકડામાં તે આગળ પણ છે. પણ એન્કાઉન્ટરવાદી પોલીસ માનસિકતાને રાષ્ટ્રવાદનો આર જ નહીં માંજો પાઈ શકવાનો કે પછી તેવો વરખ ચોંટાડવાનો હુન્નર અને કસબ તો તો ગુજરાત મોડેલની અને ગુજરાત મોડેલની જ સુવાંગ સિદ્ધિ છે, જેનો તાજો ઉન્મેષ ગુજસીટોકની કવાયતમાં પણ તમે જોઈ શકશો.
વણઝારાને પોતાના એક કામના ભાગિયાને બચાવવા સારુ ‘મારા માણસો’ને બાજુએ રખાયાની ફરિયાદ છે. પણ જો તેઓ પોતે અને તેમના ચાહકો જરી સબૂરીથી વિચારી શકે તો તેમને સમજાઈ રહેશે કે તત્કાલીન ગુજરાતના ફરાર ગૃહરાજ્યમંત્રી છેવટે બધું ગોઠવ્યા પછી પ્રાયોજિત ટોળાં સાથે ‘ભારતમાતા કી જય’ બોલતા પોલીસ રૂબરૂ થયા ત્યારે એ સૂત્રોચ્ચારમાંથી ખંડણીખોર રાજકારણ વાટે માતાની કોખનો કારોબાર જ નકરો સોડાતો હતો …
ખેર. વડાપ્રધાન અને મુખ્યમંત્રી બેઉના પ્રથમ વરસનું એક મૂલ્યાંકન ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ના પ્રકાશનરૂપે પણ આ દિવસોમાં જ પ્રાપ્ય બન્યું છે. આ કિતાબ મૂફતી અબદુલ ક્યૂમ મનસૂરીએ લખી છે. મનસૂરી અક્ષરધામ ઘટના વખતે તાબડતોડ પડકવામાં આવેલા એ આરોપીઓ પૈકી છે જે સૌને વરસેક પર મોદીની શપથવિધિના અરસામાં જ સુપ્રીમ કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા. ભારતભક્ત નેતાઓ અને નેતાભક્ત પોલીસની બલિહારી જુઓ કે ગુજરાત પોલીસ આ સૌને બીજા ખૂંખાર આતંકવાદીઓનું પગેરું દબાવવા કાશ્મીર લઈ ગઈ હતી. મનસૂરી કહે છે કે જેવા અમે અમદાવાદ એરપોર્ટમાં પેઠા કે પોલીસ એકદમ ભાઈબંધ થઈ ગઈ. આતંકવાદીઓની શોધનું તો બહાનું હતું. સવાલ સહેલગાહનો હતો! થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ અથવા તો તવલીને નોંધ્યા મુજબની હેરસમેન્ટ વિશે આપણે જાણતા હોઈશું. પણ આતંકવાદપ્રતિરોધ ઉર્ફે પૃથ્વી પરના સ્વર્ગની સહેલગાહ એ અલબત્ત આલમની અજાયબીઓમાં એક અદકપાંસળો ઉમેરો છે, અને શેષ ભારતે જેને અનુસરવાળણું કહેવાય છે તે ગુજરાત મોડેલની એ દેણગી છે.
અરુણ શૌરિ અને તવલીન સિંહને આ બધું નહીં દેખાતું હોય? નમો નેતૃત્વ પર વારી વારી જવાના એમના વલણમાં ‘મજબૂત નેતા’ની શોધમાં કશીક મૂલ્યનિરપેક્ષ અધીરતા તો કામ નહીં કરતી હોય ને? દેશે શૌરિને કટોકટી કાળે ઓળખ્યા ને પ્રીછ્યા. ‘એક્સપ્રેસ’ના તેજસ્વી પત્રકાર તરીકે પોંખ્યા ને પ્રમાણ્યા. આ જ શૌરિ તદ્દન બીજે છેડે રાજીવ ગાંધી સાથે જઈને બેઠા હતા. વળી પાછા ફર્યા ને ભા.જ.પ.માં સક્રિય બન્યા (પિ.યુ.સિ.એલ.થી તો એ પૂર્વે જ ખસી ગયા હતા) અને આગળ ચાલતાં વાજપેયી પ્રધાનમંડળમાંયે ગયા. પણ આજે રાજીવ ને કાલે નમો એવી આ બોલાયમાન પ્રતિભા વિશે શું કહેવું! બને કે લોકમાં મૂળિયાં વગરની રાજનીતિ કરતા બૌદ્ધિકો આવી કોઈકેક વીરપ્રતિમાએ નાંગરવામાં નિજનું મોચન લહતા હોય. ક્યારેક અઢળક ઢળિયા પછી ‘દિલ્હી દરબાર’થી હટેલાં તલવીનસિંહ વિશે પણ આ એક છોડાવવાલાયક ઉખાણું તો ખરું જ ખરું.
બંને સન્માન્ય પત્રકારોની સેવામાં હમણેના દિવસોનો એક પેરેલલ રજૂ કરી, મારી વાત સમેટવાની કોશિશ કરીશ. નમો તમે જુઓ કે વરસેક પર ખાસા છવાઈ ગયા હતા. એકદમ પ્રત્યક્ષ અને મોરચે ખડા વરતાતા હતા. આજે ઉત્તરોત્તર વધુ ને વધુ ગેરહાજર વરતાય છે. (‘મોદીએ પ્રસંગોપાત ભારતની પણ મુલાકાત લેવી જોઈએ’ એ રાહુલ ગાંધીની એકે હજારા એકપંક્તિના અર્થમાં નહીં પણ પ્રજાને પક્ષે વાસ્તવિક પ્રતીતિ નથી થતી એ અર્થમાં.) એમની ટર્મ્સ ઑફ રેફરન્સ જાણે ‘રિયલ લાઇફ’ને બદલે ‘રીલ લાઈફ’ની ન હોય. અમેરિકાના મેડિસન ઇવેન્ટને અંગે “મોદી’સન મોમેન્ટ” જેવો પ્રયોગ ભલે થયો હોય પણ ત્યારે ય સરખામણી તો ‘રોકસ્ટાર’ સાથે જ થઈ હતી ને ઉલટ પક્ષે, દારૂ પી બેફામ ગાડી હાંકવા સબબ વાજબી રીતે જ નસિયતપાત્ર રીલ લાઇફ હીરોને આપણી નજર આગળ જ કેટલા બધા રિયલ લાઇફ ટેકેદારો મળી રહે છે!
શું સલમાન અને ફિલ્મડમ કે શું મોદી અને રાજકીય થિયેટર, આવા જ પેરેલલ આપણી સામે મૂકાવાના હોય તો આપણે શું કહીશું, સિવાય કે –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા …
સૌજન્ય : “નિરીક્ષક” 16 મે 2015, પૃ. 18-19