ઉષાબહેન ત્રિવેદીએ 12 અૅપ્રિલ 2015ના રોજ, ટૂંકી માંદગીમાં ચિર વિદાય લીધી. મુંબઈના ગામદેવી વિસ્તારના લેબરનમ રોડ પરે આવેલા ‘મણિ ભવન’ ગાંધી સંગ્રહાલયના મકાનમાં, ભોંય તળિયે સમૃદ્ધ પુસ્તકાલય અને વાંચનાલય છે, અને ઉપરને માળે ખૂબ કાળજીએ ઊભું કરેલું એક ઉત્તમ સંગ્રહાલય છે. આ પુસ્તકાલયનાં પહેલાં ગ્રંથપાલ તરીકે ઉષાબહેન હતાં. એમણે આ પદે રહી 1958થી 1996 સુધી અનેરી સેવા આપી. સન 1996થી એ મણિ ભવન સંસ્થાના એક ટૃસ્ટી હતાં.
પાંચ દાયકા ઉપરાંતનો નિજી પરિચય. 1962થી મુંબઈ હતો. કૉલેજ-કાળ વેળા ગામદેવીમાં જ અને તેથી મણિ ભવનમાં નિયમિત જવાને કારણે ઉષાબહેન જોડે ય નજીકનો સંબંધ બંધાયો. આ પુસ્તકાલયમાંથી પુસ્તકો, સામયિકો બહુ નિરાંતે જોયાં છે, વાંચ્યાં છે. એ દિવસોમાં દર શુક્રવારે સાંય પ્રાર્થના થતી. ગણપતિશંકરભાઈ દેસાઈની આગેવાનીમાં કલાકેક બંદગી થતી. ત્યારે પિનાકિન ત્રિવેદી પણ હાજર રહેતા અને ભાવવાહી કંઠે સરસ હલકારે ભજન ને ધૂન પણ ગાતા. શાંતિનિકેતનમાં પિનાકિનભાઈ સંગીત શીખેલા. એમણે કાવ્યો ય રચ્યાં છે અને વિનોબાજી જોડે પદયાત્રામાં ય સામેલગીરી કરેલી છે. એમના આ દીકરી ઉષાબહેન, મારા માટે ય ભાવ રાખતાં. છેવટે, દાયકા પહેલાં, એક મિલનમાં પધારેલાં અને ભાવપૂર્વક શાલ ઓઢાડીને વિદાય થયાં હતાં.
મણિ ભવનમાં, એ દિવસોએ, વખતોવખત, શાંતિલાલ શાહ, વી,એસ, પાગે, ભારદેજી, મુકુન્દરાવ ચૌધરી, રફીક ઝકરિયા જેવા રાજકારણી આવતા, તો આલૂબહેન દસ્તૂર, ઉષાબહેન મહેતા, હિમ્મત ઝવેરી, જેવાં જેવાં અનેક કર્મશીલો ય આવતાં રહેતાં.
વારુ, થોડાંક વરસો પહેલાં, સોનલબહેન શુક્લનો આ લેખ “મુંબઈ સમાચાર”માં પ્રગટ થયેલો. ઉષાબહેનનાં સ્મરણોને વાચા આપતી ચોપડી લેખમાં કેન્દ્રસ્થાને છે. “જન્મભૂમિ પ્રવાસી”માં ઉષાબહેન ત્રિવેદીએ એમનાં સંભારણાં રૂપે એક લેખશ્રેણી આપી હતી. એ લેખોને આધારે તૈયાર થયેલું આ અંગ્રેજી પુસ્તક છે. આશા રાખીએ કે આ મૂળ ગુજરાતી લેખોની હવે ચોપડી પણ થાય.
િદવંગત ઉષાબહેન ત્રિવેદીને આપણી દિલ્લી વિદાય વંદના હજો.
− વિપુલ કલ્યાણી
•••••••
“કેમ મને નવું રજિસ્ટર આપો છો? શું હું પહેલો મુલાકાતી છું? મને સામાન્ય મુલાકાતીઓ માટેનું રજિસ્ટર આપો. હું એમાં જ સહી કરીશ.”
— જવાહરલાલ નહેરુ
"જો ગાંધીજી એર કંડિશન્ડ રૂમ કે લિફટ વગરના આ મકાનમાં રહી શકે તો હું અને મારા પત્ની શું કામ નહીં ?”
— માર્ટિન લ્યુથર કિંગ જુનિયર
આવી અનેક અણજાણીતી માહિતી પ્રગટ થાય છે એક દસ્તાવેજમાં. ‘મણિ ભવન’ એટલે કે મુંબઈમાંના મહાત્મા ગાંધીના નિવાસસ્થાનની કથા પ્રગટ કરે છે. પાંચ હજાર વર્ષના લાંબા ઇતિહાસવાળા આપણા દેશમાં છેલ્લાં પચાસ વર્ષનો ઇતિહાસ ભુલાઈ જતો હોય છે. મણિભવન ગાંધી સંગ્રહાલયના કર્મનિષ્ઠ ભૂતપૂર્વ લાઈબ્રેરિયન ઉષા એસ. ત્રિવેદી એમના પોતાના મણિભવન સાથેનાં પચાસ વર્ષનાં સંસ્મરણોમાં આવી કેટલીયે વાતોનું દસ્તાવેજીકરણ કરે છે, જે આ સંસ્થાના ઇતિહાસ માટે અતિશય મહત્ત્વનું રહેશે. માત્ર ત્રેંસઠ પાનાનું મણિભવન ગાંધી સંગ્રહાલય આ પ્રકાશન અંગ્રેજીમાં છે પણ એનો દરેક ભાષામાં અનુવાદ થાય તે સારા એવા ભંડોળવાળી ગાંધીજીના નામ સાથે જોડાયેલી સંસ્થાઓએ જોઈ લેવાની આવશ્યકતા છે. ઉષાબહેન આજે પણ મણિભવનથી અળગાં થયેલાં નથી. ત્યાંના મહત્ત્વના પ્રસંગો કે કાર્યક્રમો વખતે તો એ જરૂર તમને જોવા મળે. ૧૯૫૮માં યુવાન અને નવાસવા લાઇબ્રેરિયન તરીકે એમણે મણિભવનમાં પ્રવેશ કર્યો ત્યાર પછીના અડધા દાયકાની કથામાં લેખક આ હોદ્દા ઉપરના અને ત્યાર પછીના ગાળાની વાત ભાવનાત્મક તેમ જ માહિતી પ્રચૂરતા સાથે રજૂ કરે છે. એમની કરિયર અને મણિભવનની લાઈબ્રેરીનો ઇતિહાસ સાથોસાથ ચાલે છે.
‘પેલા પરદેશીઓ જાય છે ત્યાં જવાનું છે ને! રસ્તો મને ખબર છે.’ ચર્ચગેટ વિસ્તારમાંથી મણિભવન જવા નીકળનાર મુલાકાતીઓને હજી ગયા અઠવાડિયે જ એક ટેક્સીવાળાએ કહ્યું. આપણા શિક્ષિત જડભરતોને લાઈબ્રેરીઓ અને મ્યુિઝયમોને કેટલીક પડી હોય? ટૂરિસ્ટો માટેની મુંબઈમાં જોવાલાયક સ્થળોની યાદીમાં ગાંધી સંગ્રહાલયનું નામ હોય એટલે હાથમાં ચોપડી લઈ શોધતાં આવે, જેમ મહાલક્ષ્મી મંદિર અને ધોબીઘાટ જાય તેમસ્તો. અલબત્ત, કેટલાંક ગાંધીજીના નામથી અજાણ નથી. દેશીવિદેશી અભ્યાસીઓ તો આવે, આવે અને આવે જ. આ લોકોને હંમેશાં ત્યાંની લાઈબ્રેરી અને લાઈબ્રેરિયન યાદ રહી ગયા હશે. કમ્પ્યુટરોએ વર્ગીકરણ અને દસ્તાવેજ કે પુસ્તકપ્રાપ્તિ સરળ બનાવ્યાં તે અગાઉ પણ ચીવટથી આધુનિક લાઈબ્રેરિયનોએ લાઈબ્રેરીઓનો ઉપયોગકર્તાઓને સવલત આપવા ઘણું કામ કરેલું છે. સૌ પહેલાં તો એ કે દાયકાઓથી હવે લાઈબ્રેરી એટલે ગ્રંથાલય કે ગ્રંથભંડાર નથી રહ્યા પણ એમાં દસ્તાવેજો, સામયિકો, ફોટા, ફિલ્મો અને રમતો સુધ્ધાં હોય છે. બીજું કે લાઈબ્રેરીના પોતાના કાર્યક્રમો હોય છે જેમાં તેઓ વાચકો અને સામાન્ય જનતા સુધી પહોંચી શકે. મણિભવન પાસે જે કાંઈ ગાંધીજીને લગતાં પુસ્તકો હતાં તેમાંથી એક લાઈબ્રેરી ઊભી કરવાનું સદ્દભાગ્ય લેખકને પ્રાપ્ત થયું. લાઈબ્રેરીનું ઉદ્દઘાટન કરવા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ પોતે આવ્યા. એ પોતે બે માળ ચડી ન શકે એટલે એમને ખુરશીમાં બેસાડી ચાર જણે લઈ જવાના હતા. મુંબઈ રાજ્યના શિક્ષણમંત્રી અને મણિભવન સ્થિત સંસ્થાના અધ્યક્ષ શાંતિલાલ શાહે પોતે ખુરશીમાં બેસી ચાર જણને પ્રેક્ટિસ કરાવી કે ભૂલચૂક વગર ખુરશી કેવી રીતે ઉપર ચડાવાય. પ્રાઈવેટ મુલાકાતે આવી ચડેલા જવાહરલાલ નહેરુ તસવીર પ્રદર્શનમાં એક છબી આગળ ક્ષણવાર ઊભા રહી જાય છે ને કહે છે, ‘આ ફોટામાં છેલ્લે દેખાય છે તે કોણ છે, ખબર છે? એ મારાં પત્ની કમળા છે.’ આજ મકાનમાં નહેરુની કેટકેટલી સ્મૃિતઓ જળવાઈ હશે? આમ તો રસ્તાના નામ બદલી પોતાના પરિવારની કે પોતાને પ્રિય વ્યક્તિઓનાં નામ મુકાવવા પડાપડી થતી હોય છે પણ એ બધામાં રસ્તા પરનાં લેબરનમ વૃક્ષો અને તે ઉપરથી પહેલું નામ લેબરનમ માર્ગ જળવાઈ રહ્યા છે તેનું કારણ ગામદેવીમાં આવેલું એક નાનકડું લાલ મકાન મણિભવન એક હેરિટેજ છે, જાળવવા માટે રાખવાનો સૌને મળેલો વારસો છે. આસપાસ બંગલા તૂટીને બહુમાળી ઈમારતો થઈ છે અને થતી જાય છે પણ મણિભવન અકબંધ છે અને વીતેલા સમયના મુંબઈની નિશાની છે.
એ વાત સાચી કે મણિભવનની લાઈબ્રેરી વિશેષ અભ્યાસ માટેની લાઈબ્રેરી છે. ગાંધીજી તેમ જ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ વિષયો ઉપર કામ કરનારને માટે એ ખાસ ઉપયોગી છે, પરંતુ એ લાઈબ્રેરી સ્કોલરો પૂરતી મર્યાદિત રહેતી નથી. લેખક મણિભવન દ્વારા યોજાતી વિદ્યાર્થીઓ માટેની નિબંધ, કવિતા વગેરેની ગાંધીજી વિશેની સ્પર્ધાઓનો ઉલ્લેખ કરે છે. લેખકની ખૂબી છે કે જેટલા ઉત્સાહથી એ આચાર્ય કૃપલાણી કે જયપ્રકાશ નારાયણ જોડેના અનુભવો વર્ણવે છે એટલા જ ઉત્સાહ અને આનંદથી આ બાળકો કે કિશોર – કિશોરીઓ સાથેનાં શિબિરો કે સ્પર્ધાઓ વર્ણવે છે. એમને દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું અને લેખક જોડે ગયા તે સૌ પણ એમને માટે અમૂલ્ય આનંદનો પ્રસંગ છે. પંદર વીસ હજાર વિદ્યાર્થીઓ અને અઢીસોત્રણસો શિક્ષકો અને વિખ્યાત વ્યક્તિઓ ગાંધીદિન નિમિત્તેના કાર્યક્રમોમાં ભાગ લે છે. આવા એક કાર્યક્રમમાં એક છોકરાએ કવિતાના પઠનને બદલે એ ગાઈને સંભળાવી. બહુ સરસ એણે ગાયેલું અને ઈનામ જીતેલો. એક વાર એક મોટા કાર્યક્રમમાં હવે યુવાન બનેલો ગાયક એમની પાસે આવ્યો અને નમન કરીને એણે પૂછ્યું, ‘મને ઓળખ્યો?’ લેખકે ઓળખ્યો. એ હતો ઘરાણા/રૂપકુમાર રાઠોડ. જામનગરના ઓછા જાણીતા ઘરાણાના ગાયકગુરુ ચત્રભુજ રાઠોડનો ફેલોશીપ હાઈસ્કૂલમાં ભણેલો દીકરો અને નદીમ – શ્રવણમાંના શ્રવણકુમારનો નાનોભાઈ.
ગાંધી વિચારને અનુરૂપ સંસ્થાઓ જોડે મળીને મણિભવન ગાંધી સંગ્રહાલય કામ કરે છે. અહીં છ કલાકની લાંબી દસ્તાવેજી ફિલ્મના નિર્માણનું કામ કઈ રીતે થયું, પોતાની ફિકશન ફિલ્મ ‘ગાંધી’ માટે અભ્યાસ કરવા રિચાર્ડ એટનબરો આવ્યા તે સાથે દસ્તાવેજો એકઠા કરી વિઠ્ઠલભાઈ ઝવેરીએ કઈ રીતે કામ કર્યું અને ગાંધી મ્યુિઝયમનું પણ સર્જન કર્યું તેની માહિતી મળે છે. આપણા સાંસ્કૃિતક વારસાને સમજવા માટે જરૂરી છે કે કેટકેટલા જાણીતા અને વગર જાણીતા લોકોએ પૂરા મહેનત, પ્રતિબદ્ધતા અને સમર્પણ દ્વારા આ સંસ્થાનું સર્જન કર્યું છે. એકેનું નામ રહી ન જાય તેની લેખકે કાળજી લીધી છે; નથી લીધી માત્ર પોતાની બડાઈ હાંકવાની. એ માટે વાચકો એમના કૃતજ્ઞ રહેશે. લખાણમાંથી એક પ્રકારની સજ્જતા સાથેની, જાણકારીની વિનમ્રતા પ્રગટ થાય છે. માત્ર એક જ વાર લખે છે કે એમના પિતા પિનાકીન ત્રિવેદીનો એમને સાથ હતો. મણિભવન એ તો આમ પણ પિનાકીનભાઈનું આરાધ્ય સ્થાન, રવીન્દ્રનાથના વિદ્યાર્થી પૂરા દેશપ્રેમથી રંગાયેલા હતા. કેવળ નિઃસ્વાર્થી વિદ્વાનના ચહેરા પર જ ઝળકે તેવા એમના સ્મિતની ઝલક લેખક ઉષાબહેન એસ. ત્રિવેદીના ચહેરા ઉપર જોવાની તક મણિભવનની લાઈબ્રેરી વાપરી ચૂકનાર અને ઉષાબહેનના નિષ્ણાત માર્ગદર્શન અને સહાય લેનારને મળી ચૂકી હશે.
પુસ્તકમાં પ્રુફ રીડિંગ ફરી કરવાની જરૂર છે પણ તે આવનાર આવૃત્તિઓમાં થઈ જશે એમ આશા રાખીએ, તે સિવાય તો આ પ્રકાશન માટે મણિભવનના વહીવટકારોને અભિનંદન.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=62372