સૌ મિત્રો સાવધાન થઈ નૉંધી લો કે લેખક અને પ્રકાશક વચ્ચેના સમ્બન્ધો પૂર્વે હતા તે હવે નથી રહ્યા. ત્યારે સાહિત્યકારો સાથે પ્રકાશકો માત્ર ધંધાની રીતે નહીં પણ સાહિત્યપ્રવૃત્તિના સહભાગી તરીકે જોડાતા હતા. હવે સવિશેષે ધંધાદારી દૃષ્ટિ જોવા મળે છે. પ્રકાશકો એનાં બે કારણો ખાસ જણાવે છે :
૧ : પ્રકાશકો જણાવે છે કે પુસ્તકો હવે પહેલાંની જેમ નથી વેચાતાં. કૉલેજો અને યુનિવર્સિટીઓની ગ્રાન્ટ્સ બંધ થઈ ગઈ છે. આ કેટલું સાચું છે એ નક્કી કરવું પડે.
૨ : કહે છે, હવે ‘અઘરાં’ પુસ્તકો નથી વેચાતાં. આ પણ કેટલું સાચું છે એ નક્કી કરવું પડે કેમ કે જેને તેઓ ‘અઘરાં’ કહે છે એ નિર્ણય કોને કર્યો એ જાણવા નથી મળતું. ભલે, એવાં પુસ્તકોની માંગ બીજે કદાચ ન હોય, પણ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં તો પહેલેથી છે જ ! અને ધારો કે અધ્યાપકો ‘સહેલું સહેલું’ ભણાવે છે, તો તેવાં પુસ્તકોની પણ જરૂરત તો પડે જ !
એટલે, આ બન્ને કારણો એક ટ્રૅપ છે.
તેમ છતાં, માંગ ન હોય, નફો ન થતો હોય, તો ધંધાદારી વ્યક્તિ ધંધો ન કરે, એ દુનિયાનો નિયમ છે, સમજી શકાય છે.
તેમ છતાં, અચરજ એ છે કે નવા નવા અનેક પ્રકાશકો આવ્યા છે કેમ કે નવા નવા એવા લેખકો પણ આવ્યા છે, જેમને પોતાનું પુસ્તક છપાવાની જરૂરત પડી હોય. જેમ કે, પીએચ.ડી.-નું સંશોધન, કાવ્યો કે ગઝલોનો સંગ્રહ, વાર્તાઓનો સંગ્રહ. વળી એમાં, લેખક રૂપે જાહેર થવાની દુર્દમ્ય છતાં વાસ્તવિક અને આવકાર્ય ઇચ્છા પણ ખરી. પરિણામે, પ્રકાશનના ધંધાનું સ્વરૂપ બદલાયું છે. એ નવા લેખકોમાંના કેટલાકને રૉયલ્ટી ન મળે એનો ય વાંધો નથી હોતો, એટલું જ નહીં, પ્રકાશકને તેઓ સામેથી પૈસા પણ આપે છે, પ્રકાશક પુસ્તકની અમુક નકલો આપી દે એટલે એમને થાય છે કે બહુ થયું. પ્રકાશકો એને સ્વાભાવિકતા ગણી લે છે, પણ એ લેખકોની એ ભલી માનસિકતા ઍળે જાય છે, તેનું કશું મૂલ્ય નથી થતું.
બીજું, આ ધંધામાં આવેલું મોટું પરિવર્તન ધ્યાનપાત્ર છે : પ્રકાશનો હવે ડિઝિટલ થવા માંડ્યાં છે. એટલે કે જોઈતી નકલો જ કરવાની, કેમ કે ગોડાઉનમાં વધુ જગ્યા ન કરવી પડે. પણ નકલો આટલી જ જોઇએ છે એ કોણ નક્કી કરે છે? ચા, ખાંડ કે મીઠું લેવા ગયેલા ગ્રાહકોથી ગ્રાહકોની સંખ્યા નક્કી થાય, પણ પુસ્તકો લેવા ગયેલા ગ્રાહકોની સંખ્યા કેવી રીતે નક્કી થાય અને તેથી પછી એ મુજબની નકલો તૈયાર કરાય? પ્રકાશકના એકથી વધુ કૉલેજોમાં અને યુનિવર્સિટીઓમાં પ્રસરણકેન્દ્રો હોય, આઈ મીન, આઉટલેટ્સ મોટી સંખ્યામાં હોય, તો થઈ શકે. બાકી, મારી જાણ મુજબ, પુસ્તક ખરીદવા પ્રકાશકની દુકાને ગુજરાતમાં તો લાઇન કદ્દી નથી લાગી.
પૂર્વેના પ્રકાશકો કૉલેજો અને યુનિવર્સિટીઓમાં સામે ચાલીને પુસ્તકો મોકલતા, એમના માણસો જાતે પુસ્તકો લઈને જતા. પ્રકાશકનો મૂળ ધર્મ જ એ છે કે પુસ્તકને એ ગ્રાહક સુધી લઈ જાય, પુસ્તકને પ્રકાશિત કરે એનો સાદો અર્થ જ એ, કે પ્રસરાવે.
ટૂંકમાં, આજે ડીઝીટલ પ્રકાશન મજબૂરી કે અનિવાર્યતા હોય તો પણ, એ પણ એક ટ્રૅપ છે. જે લેખક પોતાના સાહિત્યકાર્યના પ્રસરણ વિશે ઉદાસીન હોય, અને જેને એમાં રહેવું પાલવતું હોય, તો તેમાં તો કોઈને શો વાંધો હોઈ શકે?
પણ બનાવો એવા પણ બને છે કે હાર્ડ કૉપીઝ ૩૦૦ કહી હોય અને ડીઝીટલમાં ૩૦ તૈયાર કરે; જેથી ૩૦૦-ની રૉયલ્ટી આપવાનો ગાળો અતિ લંબાઇ જાય, અને પુસ્તક એ મન્દ ગતિએ જ પ્રસરે.
ડીઝીટલ નહીં કરનારા પ્રકાશકો લેખકને કહેતા હોય છે કે — અમે પુસ્તક પ્રકાશિત કરીશું પણ રૉયલ્ટી નહીં આપી શકીએ. — અમે તમારા ખર્ચે પુસ્તક તૈયાર કરીને તમે કહેશો એટલી નકલો તમને આપી દઈશું — અમે પુસ્તક-પ્રકાશનના આટલા રૂપિયા પહેલેથી લઇએ છીએ. વગેરે. એમ પ્રકાશકને ધાર્યું મળી જાય પછી, ફોન ન લેવા કે ઉપાડવા, મૅસેજ કે ચૅટિન્ગ ન કરવું, વગેરે જવાબ ન આપવાની જૂના ધોતી-શેઠિયાઓની કુટેવના પણ અનુભવ લેખકોને થતા હોય છે. કૉનવર્સેશનના આ અતિ ફાસ્ટ જમાનામાં પણ તેઓ એમ વર્તે છે !
અલબત્ત, પ્રકાશકો અને પ્રકાશનોનાં સારાં અને ઉમદાં દૃષ્ટાન્તો નથી એમ નથી.
તેમ છતાં, પ્રકાશનનો ધંધો હવે લેખકોની ગરજે થવા માંડ્યાં છે અને એ કઈ હદે વિસ્તરશે તે કલ્પી શકાય એટલું સરળ છે.
મારું મિત્રોને ખાસ એટલું જ કહેવાનું થાય છે કે પ્રકાશનને હવે એક બિઝનેસ ડીલ તરીકે, એક સોદા તરીકે, અપનાવો. પહેલાંની જેમ ભલાભોળા સારસ્વતની જેમ ન રહો, બલકે, અરસપરસ જે કંઈ નક્કી કરો, તેનું પાકું કરારનામું કરો; જેમાં, પુસ્તકની નકલસંખ્યા, પ્રકાશનની તારીખ, રૉયલ્ટીની ટકાવારી, તેના પેમૅન્ટની પદ્ધતિનો સ્પષ્ટ નિર્દેશ હોય.
ઉપરાન્ત, તમે ટાઇપિન્ગ અને પ્રૂફરીડિન્ગ કર્યું હોય, તો તેનું મહેનતાણું પણ તમે માગી શકવા જોઈએ. બધાંના ભાવ વધ્યા છે તો રૉયલ્ટીના ટકા વધારવાનું પણ તમે કહી શકવા જોઈએ, વરસોથી એ બાપડો ૧૦% જ રહ્યો છે.
મિત્રો, એ લેખક તો મોટો છે, હું તો હજી નાનો છું, એ હિણપતનો ત્યાગ કરો અને સ્વનિષ્ઠ બનો. અને એક પરમ સત્ય સમજી રાખો કે પુસ્તક પ્રકાશિત થઈ જવાથી જ સાહિત્યકાર નથી થઈ જવાતું તેમ છતાં એ જ દિશાનો એ એક સચ્ચાઇભર્યો પુરુષાર્થ હોય છે. એ પુરુષાર્થને ધંધાની રીતભાતમાં રોળાઈ જવા ન દો, કેમ કે એ તમારું સત્ય છે, એની તમે રક્ષા કરો, એ તમારી કરશે.
(આ લેખ મારા સ્વાનુભવોની ભૂમિકાએ આપણા સૌના હિતની ચિન્તાથી લખ્યો છે. તમે મારા સાહિત્યકારમિત્ર તો છો જ, મિત્ર પણ છો. એ નાતે આ પોસ્ટ મેં તમને tag કરી છે, એને કશા જ ખચકાટ વિના, પ્લીઝ, પ્રસરાવશો.)
= = =
(02Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર