જુઠ્ઠો-જુઠ્ઠો સૂરજ ઊગ્યો;
જુઠ્ઠી-જુઠ્ઠી ઊગી સવાર;
ઊડ્યાં પંખી જુઠ્ઠાં-જુઠ્ઠાં,
જુઠ્ઠા આભે,
એની ઊડતી જુઠ્ઠી હાર,
જુઠ્ઠાં-જુઠ્ઠાં પલળ્યાં આપણે,
જુઠ્ઠાં રહ્યાં આપણે કોરાધાકોર,
જુઠ્ઠાણાંના બંધો તૂટ્યા,
જૂઠ્ઠાણાંના ઊમટ્યાં પૂર,
ઊંડે-ઊંડે ઝમીર ડૂબ્યાં,
માનવતા છેક રસાતાળ ગઈ,
શરમશેરડા તરડાઈ, તરડાઈ
ક્યાંય-ક્યાંય ગયા સમાઈ
પાશવતાનાં પ્રેત રઝળતાં,
ભોળપણાની તરતી લાશો …
ક્યાંથી નાતો?
જુઠ્ઠી ભાષા, જુઠ્ઠા અર્થો
હવામાં છે ફૂગ ચઢી-,
સઘળી દિશા એનાથી મઢી ….!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2020; પૃ. 13