
રમેશ ઓઝા
જૂઠની સમસ્યા એ છે કે એને મેનેજ કરવું પડે. સત્યની સમસ્યા એ છે કે એ એની મેળે પ્રગટ થાય. તારસ્વરે જૂઠ ફેલાવવું પડે, ફેલાવનારાઓની ફોજ જોઈએ, એ ભાડૂતીઓ પાછા વ્હાલા થવા જૂઠમાં ઉમેરણ કરીને અને અતિશયોક્તિ કરીને જૂઠને હાસ્યાસ્પદ બાનાવી દે અને એને કારણે બને એવું કે મગજથી કેમ વિચારાય એની જેને ખબર ન હોય એ પણ હાસ્યાસ્પદ વાતો સાંભળીને વિચારતો થઈ જાય. કોઈ જૂઠનો ફુગ્ગો ફોડી ન નાખે એનું ધ્યાન રાખવું પડે, એટલે કે વિરોધીઓને પણ મેનેજ કરવા પડે અને સૌથી મોટી વાત તો એ કે કેટલા લોકો જૂઠને ગ્રહણ કરી રહ્યા છે તેના પર નજર રાખવી પડે. જ્યારે જૂઠની આવરદા ઘટવા લાગે અને જૂઠને ગ્રહણ કરનારાઓની સંખ્યા ઓછી થવા લાગે ત્યારે ચાલાક લોકો એકથી બીજી જગ્યાએ જતા રહેતા હોય છે. તમે જોયું હશે કે તંત્રમંત્ર અને ઝાડફૂંક કરનારાઓ ક્યારે ય એક જગ્યાએ લાંબો સમય રહેતા નથી. તેમને તેમના વ્યવસાયની મર્યાદાની જાણ છે. જૂઠ દ્વારા પેટ ભરનારા ચાલાક લોકો ઠેકાણાં બદલતા રહે છે.
પણ આપણે ત્યાં રાજકારણીઓએ જૂઠનું તંત્ર અપનાવ્યું તો છે, પણ જૂઠતંત્રનાં સ્વભાવ અને સ્વરૂપ સમજતા નથી. આ એકથી બીજી જગ્યાએ ફરતા રહેવાનો ધંધો છે. જૂઠ ફેલાવાની ટ્રીક બદલતી રહેવી જોઈએ, તેને પ્રચારિત કરનારાઓ બદલાતા રહેવા જોઈએ, તેના ફેલાવ માટે પેદા કરવામાં આવેલા લાભાર્થીઓ બદલાતા રહેવા જોઈએ, પ્રશ્ન અને શંકા કરનારાઓ પણ નવા હોવા જોઈએ અને ગ્રાહકો પણ નવા હોવા જોઈએ. એકની એક ટ્રીક, એકના એક અર્ણવ ગોસ્વામી અને એકના એક ગ્રાહકો હોય તો કેટલા દિવસ ધંધો ચાલે? સામે વિરોધીઓ પણ શંકા, પ્રશ્નો અને તર્ક સાથે ઊભા જ હોય. એ પણ એના એ જ લોકો અને એની એ જ મોડસ ઓપરેન્ડી જાણી ગયા હોય એટલે વધારે તૈયારી સાથે પોલ ખેલ.
હવે બન્યું એવું કે ગયા જૂન મહિનામાં આંધ્ર પ્રદેશમાં ચન્દ્રબાબુ નાયડુ મુખ્ય પ્રધાન બન્યા એ પછી ગયા જુલાઈ મહિનામાં તેમના ધ્યાનમાં આવ્યું કે તિરુપતિ બાલાજીમાં પ્રસાદના લાડુ બનાવવા માટે વાપરવામાં આવેલું ઘી ભેળસેળવાળું હતું. તિરુપતિ બાલાજીમાં રોજ ત્રણ લાખ લાડુ પ્રસાદ તરીકે બને છે અને વેચાય / વહેંચાય છે એટલે તમે કલ્પના કરી શકો કે રોજ કેટલું ઘી વપરાતું હશે. તિરુપતિ દેવસ્થાનમ્નું સંચાલન એક બોર્ડ દ્વારા થાય છે અને તેમાં રાજ્ય સરકારનો પણ પ્રતિનિધિ હોય છે. બોર્ડ ઘી, ખાંડ, અનાજ, એલચી વગેરેની ખરીદી કરવા ટેન્ડર મગાવે છે. મંદિરની અંદર જ જે તે ચીજની ગુણવત્તા તપાસવાની વ્યવસ્થા પણ છે. આવેલું ઘી ભેળસેળવાળું છે એ મંદિરના સંચાલકોને ઘરઆંગણે કરવામાં આવેલી તપાસ દ્વારા જ જાણવા મળ્યું હતું.
હવે અમિત શાહ કહેતા હોય છે એમ ક્રોનોલીજી સમજી લઈએ. ભેળસેળયુક્ત ઘીનાં બે ટેન્કર અનુક્રમે ૬ઠ્ઠી અને ૧૨મી જુલાઈએ આવ્યાં હતાં. ઘરઆંગણેની તપાસમાં ઘી ભેળસેળવાળું લાગતા સંચાલકોએ ૧૭મી જુલાઈએ એ ઘીનાં ચાર સેમ્પલ ગુજરાતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની લેબોરેટરીમાં સંપૂર્ણ તપાસ માટે મોકલ્યાં હતાં. ૨૩મી જુલાઈએ રીપોર્ટ આવી ગયો કે ઘીમાં ભેળસેળ છે. એમાં કોઈ એવું તત્ત્વ છે જે દૂધનિર્મિત નથી પણ વિપરીત (ટેકનીકલ ભાષામાં ફોરેન) છે. એ શું છે? તો એન.ડી.ડી.બી.એ તેનાં રીપોર્ટમાં ૧૪ શક્યતાઓ બનાવી છે. પ્રાણીજન્ય અને ગેર પ્રાણીજન્ય બન્ને. એન.ડી.ડી.બી.એ તેના રીપોર્ટમાં કોઈ જગ્યાએ કહ્યું નથી કે આમાં ગાયની ચરબી જોવા મળી છે. આ સિવાય લેબોરેટરીએ લાંબુ કેવીએટ ઉમેર્યું છે જેમાં કહ્યું છે કે આ રીપોર્ટ સંપૂર્ણ સત્ય કહે છે એમ માની લેવું નહીં, એને માટે હજુ વધુ અને વધારે સુક્ષ્મ ચકાસણી કરવી પડે.
એવી વધારે ચકાસણી કરાવવાની સંચાલકોને જરૂર લાગી નહોતી, કારણ કે એ ઘીને રીજેક્ટ કરવામાં આવ્યું હતું અને તેમાંથી લાડુ બનાવવામાં નહોતા આવ્યા. પ્લીઝ નોટ, એ ઘી લાડુ બનાવવા માટે વાપરવામાં નહોતું આવ્યું.
હવે જૂઠનો ખેલ ભજવાય છે. મુખ્ય પ્રધાન ચન્દ્રબાબુ નાયડુનાં ટેબલ પર આ રીપોર્ટ જુલાઈ મહિનામાં આવી ગયો હતો. તેમના અને તેમના નાયબ મુખ્ય પ્રધાન અને અભિનેતા પવન કલ્યાણના કોમળ હિંદુ હ્રદયને આ રીપોર્ટ જોઇને જરા ય આઘાત નહોતો લાગ્યો. જુલાઈ મહિનાનું એક અઠવાડિયું, આખો ઓગસ્ટ મહિનો અને અડધો સપ્ટેમ્બર એમ લગભગ ૬૦ દિવસ તેઓ બન્ને મસ્ત સત્તા ભોગવતા હતા રાતનાં સૂઈ જતા હતા. અચાનક ૧૮મી સપ્ટેમ્બરે ચન્દ્રબાબુ નાયડુના દિલમાં પીડા જાગી અને એમણે જાહેરમાં કહ્યું કે તિરુપતિનાં મંદિરમાં બાલાજી ભગવાનનાં ભક્તોને પ્રાણીઓની ચરબીથી યુક્ત લાડુ ખવડાવામાં આવ્યા હતા. હિંદુઓને અપવિત્ર કરવામાં આવ્યા હતા, તેમને અભડાવવાનું કાવતરું હતું અને તેમાં આંધ્ર પ્રદેશના આગલા મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીનો હાથ હતો, કારણ કે જગનમોહન ધર્મે ખ્રિસ્તી છે. તેમના ખ્રિસ્તી માસા બી. કરુણાકર રેડ્ડી જૂન મહિનામાં સત્તાપરિવર્તન થયું ત્યાં સુધી તિરુપતિ મંદિરના બોર્ડના અધ્યક્ષ હતા. ઘીના સપ્લાયરને કોન્ટ્રાક્ટ તેમણે આપ્યો હતો. માટે આ ખ્રિસ્તીઓનું હિંદુઓને અભડાવવાનું કાવતરું હતું. તેમણે લાખો ભોળા ભક્તોને અભડાવ્યા છે.
તેઓ બન્ને ૧૮મી સપ્ટેમ્બર સુધી શા માટે મૂંગા રહ્યા? હિંદુઓનું દિલ પાણીનાં નળ જેવું હોય છે કે ઓન કરો તો આંસુ ટપકવા લાગે? કારણ કે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાઓની ચૂંટણીને હજુ વાર હતી. ઑગસ્ટ મહિનાનાં અંતમાં ચૂંટણી જાહેર થઈ. હરિયાણામાં ચૂંટણી ભા.જ.પ. માટે સીધાં ચઢાણ જેવી છે અને હરિયાણા હાથમાંથી જઈ રહ્યું હોય એમ લાગે છે. એટલે લગભગ બે મહિના પછી ૧૮મી સપ્ટેમ્બરે ચન્દ્રબાબુ નાયડુનાં હ્રદયમાં પીડા ઉપડી. તેમણે ગંભીરતા બતાવવા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી જે આની તપાસ કરે.
આગળ કહ્યું એમ વહાલા થવા માટે કેટલાક લોકો અતિરેક કરવા લાગે છે અને તે વધારે શંકા પેદા કરે છે. આમાં પવન કલ્યાણ તો અભિનેતા! તેમને બધી જ જાણ હોવા છતાં પૂરા બે મહિના પછી ઓતાર આવ્યો. અને ઓતાર એટલે કેવો ઓતાર! ભગવા પહેરી લીધાં, કપાળે તિલક લગાવ્યું, ગળામાં ભગવો ઘમછો બાંધ્યો અને એ પછી એ માણસ જે ધૂણ્યો છે કે ભૂવા પણ તેની સામે હાર કબૂલી લે. અતિરેક કરવામાં તેને એ ભાન ન રહ્યું કે તે એ એક પબ્લિક ફિગર છે અને એમાં પણ ફિલ્મ અભિનેતા, જેની ઝીણામાં ઝીણી વિગતો જાણવામાં લોકોને ઉત્સુકતા હોય છે. પવન કલ્યાણ એક જામનામાં ક્રાંતિકારી હતા. નક્સલ આંદોલનના સમર્થક હતા. બુલંદ અવાજે લોહિયાળ ક્રાંતિનાં ગીતો ગાતા. તેઓ પોતાને ડૉ આંબેડકરના અનુયાયી તરીકે ઓળખાવતા. તેમણે હિંદુ ધર્મની ભરપૂર નિંદા કરી છે અને બ્રાહ્મણોને ગાળો દીધી છે. પોતે નાસ્તિક હોવાનું પણ કહ્યું છે. આપણે ભલે આ જાણતા ન હોઈએ, પણ તેલગુ ભાષીકો આ જાણે છે. તેમને આ નવો અવતાર જોઇને આશ્ચર્ય થયું હતું અને ભવાઈના ખેલને હસી કાઢ્યો હતો. આ સિવાય ગોદી મીડિયા અને સાયબર સેલે ઉપાડો લીધો હતો. ઘી સપ્લાય કરનાર કંપની મુસલમાનની માલિકીની છે એવું શોધી કાઢવામાં આવ્યું હતું, પણ માત્ર ચોવીસ કલાકમાં ફેક્ટચેકરોએ જૂઠાણું પકડી પાડ્યું હતું. એ જ નામની એક કંપની પાકિસ્તાનની હતી. આ બાજુ દેવસ્થાનમ્ના સંચાલકોએ નિવેદન બહાર પાડીને જાહેર જનતાને ખાતરી કરાવી કે એ ઘી વાપરવામાં જ નહોતું આવ્યું.
ફૂગો ફૂલ્યો નહીં, ઊલટો ફૂટી ગયો. ઉપરથી સોમવારે સર્વોચ્ચ અદાલતે ફિટકાર વરસાવ્યો. ચંદ્રાબાબુ નાયડુ અને બીજાઓને કહ્યું કે તમે ભગવાનને પણ છોડતા નથી! કોણે કહ્યું કે ઘીમાં પ્રાણીની ચરબી હતી? એક તો પ્રમાણ બતાવો? કોણે કહ્યું કે એ ઘી વાપરવામાં આવ્યું હતું? તપાસ કરવા માટે એસ.આઈ.ટી.ની રચના કરી હતી તો તેના અહેવાલ સુધી રાહ કેમ ન જોઈ?
મૂળ વાત પર પાછા ફરીએ. આગળ કહ્યું એમ જૂઠનું તંત્ર ઊઘાડું થઈ જાય પછી એ ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે. હરિયાણામાં તિરુપતિની કોઈ વાત નથી કરતું.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 06 ઑક્ટોબર 2024