Opinion Magazine
Number of visits: 9483928
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુરુદેવ અને ગુજરાતનું ગાંઠબંધન

દીપક મહેતા|Opinion - Literature|11 May 2019

કાળચક્રની ફેરીએ

મે મહિનો એટલે કવીન્દ્ર રવીન્દ્ર(નાથ)ના પ્રાગટ્યનો મહિનો. દેશના પૂર્વ કિનારે રચાયેલા રવીન્દ્ર-સાહિત્યનો પશ્ચિમ કિનારે આવેલા ગુજરાત પર એવો તો પ્રભાવ પડ્યો કે એક જમાનામાં થોડુંઘણું બંગાળી ન આવડતું હોય તે વરણાગી (ફેશનેબલ) ગણાય નહિ એવી સ્થિતિ હતી. ૧૯૪૮માં રજૂ થયેલી એક ગુજરાતી ફિલ્મમાં પોતાની નવપરિણીત ભાભીને નાની નણંદ એક ગીતમાં કેટલીક સલાહ આપે છે. ભાભી છે જુનવાણી પરંપરાની, આજની ભાષામાં કહીએ તો મણિબહેન. પતિની અપેક્ષા ફેશનેબલ પત્નીની છે. નણંદને આ વાતનો ખ્યાલ આવી ગયો છે એટલે તે એક ગીતમાં કહે છે: “તમે થોડાં થોડાં થાવ વરણાગી” અને વરણાગી (ફેશનેબલ) બનવા માટે શું શું કરવું તેની નાનકડી યાદી પણ આપે છે. તેમાં કહે છે: “થોડું બંગાળી ને અંગ્રેજી બહુ ભણો.” એટલે કે એક જમાનામાં ગુજરાતી યુવતીએ મોર્ડન ગણાવું હોય તો થોડું બંગાળી તો જાણવું પડે એમ મનાતું.

ભૌગોલિક રીતે ગુજરાત અને બંગાળ સામસામે છેડે, છતાં કોણ જાણે કેમ, બંગાળી ભાષા અને સાહિત્ય માટે ગુજરાતના મનમાં સારું એવું મમત્વ. ગુરુદેવ ટાગોરને ૧૯૧૩માં ગીતાંજલિ માટે નોબેલ પ્રાઈઝ મળ્યું તે સાથે દેશ અને દુનિયાનું ધ્યાન ટાગોર અને સાહિત્ય તરફ ગયું. પણ બંગાળી ભાષા-સાહિત્ય સાથેનો જ નહિ, ટાગોર અને તેમના સાહિત્ય સાથેનો ગુજરાતનો નાતો ૧૯૧૩ કરતાં ઘણો પહેલાંનો છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં આ સંબંધની શરૂઆત થયેલી. બંગાળના બ્રહ્મોસમાજની સીધી અસર નીચે મુંબઈમાં આત્મારામ પાંડુરંગે ૧૮૬૭માં પ્રાર્થના સમાજની સ્થાપના કરી. તેમાંથી પ્રેરણા લઈને ૧૮૭૧ના ડિસેમ્બરની ૧૭મી તારીખે ભોળાનાથ સારાભાઈએ અમદાવાદમાં પ્રાર્થના સમાજની શરૂઆત કરી. બ્રહ્મોસમાજના સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત જ્ઞાતિપ્રથાના અસ્વીકારનો હતો. પણ તે વખતે હજી પશ્ચિમ ભારતના લોકો તે માટે તૈયાર નહિ થાય એમ લાગવાથી પ્રાર્થના સમાજે એ સિદ્ધાંતથી દૂર રહેવાનું પસંદ કર્યું. તેના અનુયાયીઓ દર રવિવારે એકઠા મળીને નિરાકાર, નિર્ગુણ ઈશ્વરની – કોઈ મૂર્તિની નહિ – પ્રાર્થના કરતા તેથી નામ આપ્યું પ્રાર્થના સમાજ.

નારાયણ હેમચંદ્ર (૧૮૫૫-૧૯૦૯) નામના એક વિચિત્રવીર્ય લેખક ભોળાનાથભાઈના મિત્ર હતા. તેઓ એક  બંગાળી કુટુંબમાં ઉછર્યા હોવાથી તેમને  બંગાળી ભાષાની થોડી જાણકારી હતી. આજે તો તેમનું નામ અને કામ ભૂલાઈ ગયું છે, પણ બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાની શરૂઆત કરી આ નારાયણ હેમચન્દ્રે. ૧૮૮૦માં ‘આર્યધર્મનીતિ’નો તેમનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો. બ્રહ્મોસમાજના આ પુસ્તકમાં નીતિબોધ વિશેના કેટલાક સંસ્કૃત શ્લોકો અને તેનો બંગાળી અનુવાદ આપ્યો હતો. નારાયણે મૂળ સંસ્કૃત શ્લોક જેમના તેમ રાખી બંગાળી પરથી તેનો ગુજરાતી અનુવાદ કરીને મૂક્યો. પછી દેવેન્દ્રનાથ ઠાકુર(રવીન્દ્રનાથના પિતા)નાં બ્રહ્મોસમાજ વિશેનાં કેટલાંક વ્યાખ્યાનોનો નારાયણે કરેલો ગુજરાતી અનુવાદ ૧૮૮૨માં પ્રગટ થયો. એ જ વર્ષે ‘બ્રહ્મધર્મ મતસાર’નો તેમનો અનુવાદ પણ પ્રગટ થયો. તેમાં બ્રહ્મોસમાજમાં ગવાતાં બંગાળી ભજનોનો ગુજરાતી અનુવાદ આપ્યો હતો. વખત જતાં નારાયણ બ્રહ્મોસમાજ સિવાયનાં બંગાળી પુસ્તકોનો પણ અનુવાદ કરતા થયા. બંકિમચંદ્રની દુર્ગેશનંદિની, દેવીપ્રસન્ન રાયચૌધરીની સંન્યાસી અને શરદચંદ્ર જેવી નવલકથાઓ, જ્યોતિરીન્દ્રનાથ ટાગોર(રવીન્દ્રનાથના મોટા ભાઈ)નાં અશ્રુમતિ અને પુરુવિક્રમ જેવાં નાટકો વગેરે સાહિત્યકૃતિઓના અનુવાદ પણ નારાયણે આપ્યા. અલબત્ત, તેમનું બંગાળીનું જ્ઞાન મર્યાદિત હતું, અને ગુજરાતીમાં તેમને આડેધડ – જોડણી કે ભાષાશુદ્ધિની દરકાર કર્યા વગર – લખવાની ટેવ હતી. આ અંગે નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે: “ભાષાની બાબતમાં નારાયણનાં ભાષાંતરોમાં દોષ આવતા હતા. હેમાં એક ખાસ કારણ એ હતું કે હેને જેમ બને તેમ જલદી અને સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ કરવાની ઉતાવળ અત્યન્ત ઘેલાઈભરેલી હતી. એક દિવસમાં એક ‘ફરમા’ જેટલું ભાષાન્તર કરવું જ એમ વ્રતનિયમ જેવું જ હેને હતું – અને એ એમ કરતો જ. હેના એક પુસ્તકનું ટૂંકુ અવલોકન લેતાં મ્હેં નારાયણના પ્રયાસને પુસ્તકોના ‘કારખાના’નું નામ આપ્યું હતું, તે શબ્દશઃ ખરું હતું.” (‘મનોમુકુર, ભાગ ૧) (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) તેથી આજે તેમના અનુવાદો સંતોષપ્રદ ન લાગે, પણ વખત જતાં જે રાજમાર્ગ બની ગયો તે બંગાળી-ગુજરાતી અનુવાદોની કેડી તો નારાયણ હેમચન્દ્રે કંડારી.

એટલું જ નહિ, ભોળાનાથભાઈને કારણે નારાયણ ટાગોર કુટુંબના પ્રત્યક્ષ પરિચયમાં પણ આવ્યા. બ્રહ્મોસમાજને કારણે ભોળાનાથભાઈ અને મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર વચ્ચે નિકટનો પરિચય. દેવેન્દ્રનાથ ૧૮૮૬માં જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમને પાલનપુરથી ટ્રેનમાં અમદાવાદ લઇ આવવા ભોળાનાથભાઈએ નારાયણને મોકલેલા. અત્યંત અમીર એવા દેવેન્દ્રનાથ પોતાના અલાયદા સલૂનમાં પ્રવાસ કરતા અને તેમની ઈચ્છા પ્રમાણે તે સલૂનના ડબ્બાને કોઈ પણ ટ્રેન સાથે જોડવા-છોડવામાં આવતો. નારાયણે તેમની સાથે અમદાવાદ સુધીની મુસાફરી કરી. અમદાવાદથી દેવેન્દ્રનાથ મુંબઈ જવાના હતા. ત્યાં તેમને માટે બંગલો ભાડે રાખવા ભોળાનાથભાઈએ બીજે જ દિવસે નારાયણને મુંબઈ મોકલ્યા. નારાયણે મુંબઈના વાંદરામાં બંગલો ભાડે રાખ્યો. દેવેન્દ્રનાથ ત્યાં રહ્યા ત્યાં સુધી રોજ નારાયણ તેમને મળવા જતા. એ દરમ્યાન સત્યેન્દ્રનાથ અને રવીન્દ્રનાથ પિતાને મળવા મુંબઈ આવેલા ત્યારે નારાયણને તેમનો પણ પરિચય થયેલો. રવીન્દ્રનાથી ઉંમર એ વખતે ૨૫ વર્ષ. ‘હું પોતે’ નામની આત્મકથા(ઈ.સ. ૧૯૦૦)માં નારાયણ રવીન્દ્રનાથ વિષે લખે છે: “તે વિદ્વાન, સરળ સ્વભાવના તથા ધાર્મિક છે. તેઓની જોડે વાત કરવામાં મને બહુ રસ પડ્યો. તેમનું બોલવું બહુ મધુર છે. તેઓ લાંબા વાળ રાખતા હતા. હાડે પણ હ્રુષ્ટપુષ્ટ છે. તેના મોં પર તેજ છે.” અલબત્ત, એ વખતે બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનારા નારાયણ એકલા નહોતા. તેમના ઉપરાંત છગનલાલ નારાયણભાઈ મેશ્રી, કૃપાશંકર દોલતરાય ત્રવાડી, કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, કૃષ્ણરાવ ભોળાનાથ, અને ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનો પણ સમાવેશ થાય છે.

એટલે ૧૯૧૩માં જ્યારે ગુરુદેવને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે બંગાળી ભાષા-સાહિત્ય કે ટાગોર કુટુંબ પણ ગુજરાત માટે અજાણ્યાં નહોતાં. હકીકતમાં ૧૭ વર્ષની ઉંમરે રવીન્દ્રનાથ પહેલી વાર અમદાવાદમાં કેટલોક વખત રહ્યા હતા. તેમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ જે સૌથી પહેલા ભારતીય સિવિલ સર્વન્ટ (ICS) હતા તેમની અમદાવાદના કમિશ્નર તરીકે નિમણૂક થઇ હતી. તે દરમ્યાન ૧૮૭૮માં તેમના શાહીબાગ(જે શાહજહાંના મહેલ તરીકે પણ ઓળખાતો)ના આવાસમાં રવીન્દ્રનાથ રહ્યા હતા. સત્યેન્દ્રનાથનાં પત્ની અને બાળકો એ વખતે ઇન્ગલન્ડ ગયાં હતાં. રવીન્દ્રનાથ અને સત્યેન્દ્રનાથ પણ થોડા વખત પછી ત્યાં જવાના હતા. એ વખતે સત્યેન્દ્રનાથ તો આખો દિવસ ઓફિસમાં હોય. વિશાળ બંગલામાં રવીન્દ્રનાથ એકલા જ હોય. અહીંના વસવાટ દરમ્યાન જ ગુરુદેવે પહેલવહેલી વાર પોતાનાં કેટલાંક ગીતોને પોતે જ સ્વરબદ્ધ કર્યાં હતાં. આમ, વખત જતાં રવીન્દ્રસંગીત તરીકે પ્રખ્યાત થયેલી તેમની પ્રવૃત્તિનો પ્રારંભ અમદાવાદમાં ૧૮૭૮માં થયો હતો. જીવનસ્મૃતિ (૧૯૧૨) નામની આત્મકથામાં ગુરુદેવ લખે છે: “ચાંદની રાતે વિશાળ અગાશીમાં હું આંટા માર્યા કરતો. અગાસીમાંથી નદી દેખાતી. આમ આંટા મારતી વખતે મેં પહેલી વાર મારાં પોતાનાં ગીતોને સંગીતમાં ઢાળ્યાં. તેમાંનું એક ગીત તો આજે પણ મારા કાવ્ય સંગ્રહમાં સમાવેશ પામ્યું છે.”

એક અગ્રણી ભારતીય કવિ તરીકે જગપ્રસિદ્ધ થયા પછી ગાંધીજીના આમંત્રણથી ગુરુદેવ ૧૯૨૦માં અમદાવાદ આવ્યા હતા અને એપ્રિલની ૨,૩,૪ તારીખે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનમાં ગાંધીજીની સાથે હાજરી આપી હતી. મૂળ યોજના અધિવેશન પ્રેમાભાઈ હોલમાં રાખવાની હતી, પણ ગુરુદેવની હાજરીને કારણે ઘણા વધારે લોકો અધિવેશનમાં આવશે એમ જણાતાં અંબાલાલ સારાભાઈના આનંદ થિયેટરમાં અધિવેશન યોજાયું હતું.

પહેલા દિવસે બપોરની બેઠકમાં ગુરુદેવને માનપત્ર આપવામાં આવ્યું હતું જે આનંદશંકર ધ્રુવે વાંચી સંભળાવ્યું હતું. તેના જવાબમાં ટાગોરે કન્સટ્રકશન વર્સિસ ક્રિએશન નામનું છાપેલાં ૧૭ પાનાંનું અંગ્રેજી ભાષણ વાચ્યું હતું. અધિવેશનના બીજા દિવસે લાલ દરવાજા ગ્રાઉન્ડમાં ગુરુદેવે જાહેર પ્રવચન આપ્યું હતું. વિષય હતો, મેસેજ ઓફ સ્પ્રિંગ. ભાષણ પૂરું થતાં જ શ્રોતાઓમાંથી તેના ગુજરાતી અનુવાદ માટે માગણી થઇ. ગુરુદેવની સાથે મંચ પર આનંદશંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા જેવા મહારથી સાહિત્યકારો બેઠા હતા. પણ તેમાંથી કોઈ અનુવાદ કરવા તૈયાર ન થયું. એ જોઈ મંચ પર બેઠેલા ગાંધીજીએ ભાષણની ટાઈપ કરેલી નકલ ટાગોર પાસેથી માગી, તેના પર એક નજર ફેરવી, અને પછી ઊભા થઈને સડસડાટ અનુવાદ કરી સંભળાવ્યો. અધિવેશનના છેલ્લા દિવસે સાંજે યોજાયેલી ગાર્ડન પાર્ટીમાં પણ ગાંધીજીની સાથે ટાગોર હાજર રહ્યા હતા. એ પાર્ટી દરમ્યાન ગુજરાતી ગીત-સંગીત-નૃત્ય પણ રજૂ થયાં હતાં. ’જળ ભરવાને ચાલો રે, મીઠડાં જળ ભરવા’ ગરબો જોઈ ગુરુદેવ અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા. ગુરુદેવે કહ્યું હતું: “આ ગરબો ગાનારી બહેનોને મારે ત્યાં શાંતિનિકેતન મોકલો. હું તેમની પરોણાગત રજવાડી ઠાઠમાઠથી કરીશ. અમારી દીકરીઓ તેમની પાસેથી ગરબા શીખી લે પછી તમારી બહેનોને હું તરત પાછી મોકલીશ.” 

ગુરુદેવ અને ગુજરાતનું જે ગાંઠબંધન ૧૯મી સદીનાં છેલ્લાં વર્ષોમાં બંધાયું તે આજ સુધી અતૂટ રહ્યું છે. તાજેતરમાં જ શ્રી જયંત મેઘાણીએ ટાગોરના ઉત્તમ અનુવાદનાં ચાર પુસ્તકો આપણને આપ્યાં છે: સપ્તપર્ણી, રવીન્દ્ર-પત્રમધુ, અનુકૃતિ, અને રવીન્દ્ર સાન્નિધ્યે. આપણી ભાષાનું એ સદ્ભાગ્ય છે કે રવીન્દ્રનાથનું સાન્નિધ્ય એને સતત રહેતું આવ્યું છે. છેક ૧૯૩૬માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું તે આજે પણ એટલું જ સાચું છે: “રવીન્દ્રનાથ એક સાહિત્યવારિધિ છે. કલાસૃષ્ટિના એ બ્રહ્માસમા છે. એમની કૃતિઓ કેવળ એક વારના વાચનનો વાર્તારસ આપીને ગોટલાંછોતરાં રૂપે ફેંકાઈ જનારી કેરીઓ નથી. એ તો અટલ રસની, ચિરાભ્યાસની, રાષ્ટ્રાભિરુચિને કણ કણ ઘડનારી રચનાઓ છે. માટે જ એના ગુજરાતી અનુવાદો ચિરકાલની આરાધનાથી અંકિત બનવા જોઈએ.”

સંદર્ભ:

૧. હું પોતે / નારાયણ હેમચન્દ્ર, ૧૯૦૦

૨. ગુજરાતી સાહિત્ય પરિષદ: છઠ્ઠા અધિવેશનનો અહેવાલ, ૧૯૨૧

૩. જીવનસ્મૃતિ / રવીન્દ્રનાથ ટાગોર, અનુ. રમણલાલ સોની,૧૯૬૦

૪. Tagore in Ahmedabad/Shailesh Parekh. Kolkata, Vishwa-Bharati, 2008

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com 

[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, મે 2019]

Loading

11 May 2019 admin
← નવરંગપુરનો વાસીઃ સન એકવીસસો ચોર્યાસી
કથાની કથા, ઉપદેશનો ઉપદેશ ! →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved