મિત્ર બાબુ સુથારે એમના પેજ પર આધુનિકતાવાદ પર પોસ્ટ મૂકી છે, એ, અને એમાં પૂર્તિ મેં જે કહ્યું છે એ, મૂકું છું :
બાબુ સુથાર :
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ પર કોઈએ સાંસ્કૃતિક અભ્યાસ કરવો જોઈએ. જો એવું કંઈક થાય તો એ જમાનો કેવો હતો એનો આજની પેઢીને ખ્યાલ આવે.
૧. સૌ પહેલાં તો એ જમાનામાં ઘણા બધા પ્રોફેસરો એમના બગલથેલામાં લેટેસ્ટ આવેલું પુસ્તક લઈને ફરતા અને એકબીજાને બતાવતા. સુરેશ જોષી કોઈ નવું પુસ્તક આવે તો અમારા જેવાને અને કદાચ એમના બીજા મિત્રોને પણ બતાવતા. શિરીષ પંચાલ પણ બાકાત ન હતા. જ્યારે એ પાદરા કોલેજમાં ભણાવતા હતા ત્યારે એમણે ત્યાં Phenomenological Movementનો ઇતિહાસ વર્ણવતાં બે પુસ્તકો ખરીદેલાં. જો મારી ભૂલ ન થતી હોય તો એ જ જમાનામાં એ આવરબાખના Mimesis પુસ્તકની પણ વાત કરતા અને નવ્ય વિવેચનના ભાગ રૂપે Understanding Poetry અને Understanding Fiction મોટે ભાગે ટેબલ પર રાખતા. પ્રમોદ પટેલ ત્યારે વિદ્યાનગરમાં હતા. મેં એમનું અંગત પુસ્તકાલય જોયું છે. એ પણ ત્યારે સુઝાન લેંગર અને કેસિરેર વાંચતા અને એમાંના કેટલાક લેખોનો અનુવાદ કરતા. સુમન શાહ પણ જોનાથન કલર અને બીજાં સંરચનાવાદી પુસ્તકોની હોંશે હોંશે વાત કરતા. ટોપીવાળા દાહોદ કોલેજમાં હતા ત્યારે એમણે North-Holland પ્રકાશન સંસ્થાનાં ભાષાશાસ્ત્ર પરનાં લગભગ બધાં જ પુસ્તકો ખરીદેલાં. એટલું જ નહીં, એમણે ત્યારે, જો મારી ભૂલ ન થતી હોય તો Lingua સામયિકનું લવાજમ પણ ભરેલું. સુ.જો. એક બાજુ રૂપરચનાવાદનો મહિમા કરતા અને બીજી બાજુ વિદેશી અને સ્વદેશી કૃતિઓનો પણ આસ્વાદ કરાવતા. ત્યારે ટોપીવાળા તદ્દન આધુનિકતાવાદી દૃષ્ટિએ ગુજરાતી કવિતાઓનું અને ગુજરાતી કવિઓનું વિશ્લેષણ કરતા. હું માનું છું કે ટોપીવાળાનું એ પ્રદાન ભૂલી શકાય એમ નથી. નીતિન મહેતા જ્યારે પણ મુંબઈથી વડોદરા આવતા ત્યારે થેલામાં બેચાર પુસ્તકો નાખી લાવતા. મને હજી યાદ છે એમાંનું એક પુસ્તક: Semiotics of Poetry.
૨. જેમ આજે છે એમ ત્યારે પણ આધુનિકતાવાદને વત્તે ઓછે વરેલા મોટા ભાગના સાહિત્યકારોનાં પોતાનાં પુસ્તકાલયો હતાં. પણ, એમાં વિશ્વસાહિત્ય પણ ઘણું જોવા મળતું. મેં સુ.જો.નું પુસ્તકાલય જોયું છે. ભૂપેન ખખ્ખરનું પણ થોડુંક ગુલામ શેખનું પણ. રસિક શાહના પુસ્તકાલયમાં ફિનોમીનોલોજી અને ગણિત તથા ફ્રોઈડ જોવા મળતા. જયંત પારેખના પુસ્તકાલયમાં સર્જનાત્મક સાહિત્ય ખૂબ જોવા મળતું. હું કોઈ પુસ્તકને અડકતો તો એ તરત જ એ પુસ્તક કાઢીને પોતાના હાથમાં રાખતા અને પછી એની વાત કરતા. હું એ રીતે રોબ્બ ગ્રિયે સહિતના ઘણા લેખકોને ત્યાં મળેલો. એવું જ અંગત પુસ્તકાલય પ્રબોધ પરીખનું અને અરુણ અડાલજાનું પણ હતું. બન્નેના ત્યાં નીત્શે, સાર્ત, ફિનોમીનોલોજી. આંગળી અડકાડો ત્યાં યુરોપ અને અમેરિકા. એવું કરમશીભાઈનું પણ પુસ્તકાલય હતું. વીરચંદ ધરમશીનું પુસ્તકાલય એક સંસ્થા જેવું છે. એમાં એટલું બધું ભરેલું છે કે જો કોઈએ એ બધાનું કેટલોગ તૈયાર કરવું હોય તો એને કદાચ છ મહિના પણ ઓછા પડે. અમૃત ગંગરનું પુસ્તકાલય પણ ત્યારે થોડુંક જોયેલું.
૩. આધુનિકતાવાદના સમયમાં વિવાદો પણ કેવા થતા હતા! સુ.જો.એ લખેલું કે નવલકથાનો નાભિશ્વાસ ચાલે છે. રઘુવીર ચૌધરીએ લખેલું કે સુ.જો.એ ટૂંકી વાર્તા મારી નાખી છે. ઉમાશંકરે સુ.જો.ના 'ગૃહપ્રવેશ'ની સમીક્ષા પ્રગટ કરેલી. એનું શીર્ષક હતું : આમ ગૃહપ્રવેશ ન થાય. જવાબમાં સુ.જો.એ કહેલું : તો પણ મારો ગૃહપ્રવેશ થયો. ઉમાશંકરે લખેલું કે વસંત પંચમી ક્યારે આવીને ક્યારે ગઈ એની ખબર સરખી ના રહી. સુ.જો.એ, અલબત્ત અંગત વાતચીતમાં કહેલું કે દિલ્હીના ધક્કા ઓછા ખાઓ તો વસંત પંચમીની ખબર પડે. સુમન શાહ અને ભારતી મોદી ચોમ્સ્કીના સર્જનાત્મકતાના વિચારની બાબતમાં ઝગડેલાં. એક જમાનામાં સુમન શાહ અને ટોપીવાળાનું નામ સાથે બોલાતું. બન્ને અનુસંરચનાવાદ સાથે જોડાયેલા. પાછળથી બન્ને વચ્ચે મતભેદો ઊભા થયા અને બન્ને મિત્રો પોતપોતાના માર્ગે ગયા. ટોપીવાળા pluralism તરફ વળ્યા. પછી શું થયું એની ખબર નથી. જો મારી ભૂલ ન થતી હોય તો લા.ઠા. અને રઘુવીરભાઈ પણ ઝગડેલા. વાત મારામારી સુધી આવી ગયેલી. આ બધી નિંદાકુથલી નથી. આ બધું આધુનિકતાવાદના માહોલમાં બનેલું. બધા સાહિત્ય માટે લડતા.
૪. સુ.જો. અને ભાયાણી વચ્ચે પણ ઘણી દલીલો થતી. સુ.જો. કોઈ પશ્ચિમના ચિન્તકની વાત કરતા તો ભાયાણી એ જ ચિન્તકના બે ચાર ખંડ પસંદ કરીને એમનો અનુવાદ કરતા. ભાયાણી ભારતીય પરંપરાની વાત કરતા. દિગીશ મહેતા પણ ભારતીયતાની વાત કરતા. શિરીષ પંચાલ પાછળથી ભાયાણીના પક્ષમાં ગયા. તાજેતરમાં એમણે ભારતીય કથન પરંપરા પર જે પુસ્તકોનું સંપાદન કર્યું છે એના મૂળમાં ભાયાણી પડેલા છે.
૫. ત્યારે સુ.જો.ની સામે રે મઠવાળા પણ હતા. રે મઠનો કોઈ સાહિત્યકાર સુ.જો.ને ત્યાં જાય અને ખાય તો રે મઠમાં ચર્ચાનો વિષય બનતો. રે મઠનો પોતાનો ઇતિહાસ છે. રે મઠને સુ.જો. સામે વાંધો પણ પાછા એ લોકો સુ.જો.ને માન આપતા. મધુ રાયે ત્યારે આકંઠ શરૂ કરેલું., સુ.જો. મધુ રાયને અભણ સાહિત્યકાર કહેતા. પણ મધુ રાયને એમના માટે ખૂબ માન.
(બાકી)
આ તો યાદ આવી ગયું. બધું ટુકડે ટુકડે. હજી સુ.જો.ની સામે પડેલા ઘણા મહારથીઓની વાત બાકી છે ..
ટૂંકામાં, આ વિષય પર એક ગ્રંથ લખી શકાય. ફ્રાન્સમાં તથા અમેરિકામાં પણ આવાં પુસ્તકો લખાય છે. એની તુલનામાં આજે શું થઈ રહ્યું છે એની ખબર નથી. કોઈક એ વિશે વાત કરે ત્યારે ખબર પડે.
+++++
સુમન શાહ :
પ્રિય બાબુ :
આજની તારી આધુનિકતાવાદ પરની પોસ્ટ વાંચીને આનન્દ થયો.
તેં તો મુખ્યત્વે મિત્રોનાં પુસ્તકાલયોની વાત કરી, નવ્યવિવેચન સંરચનાવાદ વગેરે વાદવિચારની વાત કરી. પણ એ કાળે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાને નામે શું થયું એની ઉતાવળી, જેમ સૂઝે એમ, એક યાદી આપીને તારાં નિરીક્ષણોમાં ઉમેરણ કરું :
૧ : એક વાર આધુનિકતા વિશેની એક સભામાં હું હીરાબેન પાઠકની બાજુમાં બેઠેલો. એમણે મને વ્હાલથી પૂછેલું : સુમન, આ બધું શું છે? : મે કહેલું, તોફાન. પરમ્પરાગતો દિગ્મૂઢ હતા. તે દિવસથી હું એ સમગ્ર સમયગાળાને સાહિત્યક્ષેત્રનું એક આવકાર્ય તોફાન ગણું છું. એમાં, આધુનિકતા સાથે જોડાઈને ગુજરાતી સાહિત્યને વિશ્વ સાહિત્યના દરજ્જે લઈ જવાના અભિલાષ હતા.
૨ : આધુનિક કવિતાનો નૉંધપાત્ર પ્રારમ્ભ ગુલામ મોહમ્મદ શેખથી થયો છે એમ મનાતું હતું. લાભશંકર ઠાકરનું ભાષાની સામે પડેલા પ્રયોગશીલ આધુનિક કવિ તરીકેનું આકર્ષણ વિકસેલું. સિતાંશુ યશશ્ચન્દ્ર લગભગ દરેક કાવ્યને સર્રીયલ કહી ઓળખાવે એનું ય આકર્ષણ થતું, જો કે કેટલાકને એમાં પ્રદર્શન દેખાતું હતું.
૩ : નવલકથા, ટૂંકીવાર્તા અને નાટકમાં શ્રીકાન્ત શાહ પ્રયોગશીલ ગણાતા હતા.
૪a : કલ્પન પ્રતીક વિશેની સૂઝ વિકસી હતી, લગભગ બધાની રચનાઓમાં દેખા દે અને દે ! પણ અસ્તિત્વપરક પ્રશ્નોને સ્પર્શવાનું બનેલું. મુકુંદ પરીખની લઘુનવલ ‘મહાભિનિષ્ક્રમણ’ને અભ્યાસક્રમાં સામેલ કરવા અમારે લડત આપવી પડેલી.
૪b : ઍબ્સર્ડ કહેવાયેલાં નાટકોનાં પુસ્તકો થયેલાં. એ બારામાં રે મઠવાળા મિત્રો સુરેશ જોષી સાથે અભદ્ર રીતે ઝઘડેલા. ‘એક ઉંદર અને જદુનાથ’ના રચનાકારો લાભશંકર અને સુભાષ શાહને બૅકેટના દરજ્જાના ગણીને એ બધા ખુશ થતા હતા.
૫ : પ્રયોગશીલતા, ઊહાપોહ અને નવોન્મેષનો જમાનો હતો.
૬ : શેખના ઘરે રેસિડેન્સ્યલ બંગલે ૮ કલાકનો પરિસંવાદ થયેલો.
સુરેશ જોષીની હયાતિમાં એમના સાહિત્ય સંદર્ભે ભાવનગરમાં ૩ દિવસનો પરિસંવાદ થયેલો. સાહિત્યકાર-વ્યક્તિ વિશેના સૌથી વધુ પરિસંવાદ સુરેશ જોષી વિશે થયેલા.
૭ : નીતિન મહેતા બૉમ્બે યુનિવર્સિટીમાં દર વર્ષે પરિસંવાદ કરતા. એમણે સર્જકતા જેવા અઘરા વિષય પર પણ પરિસંવાદ કરેલો.
૮ : દાહોદ-કૉલેજમાં ટોપીવાળાએ રિલ્કે પર અને ‘સુજોસાફો’ના ઉપક્રમે અમદાવાદમાં મેં બૉદ્લેર પર પરિસંવાદ કરેલા. મેં ‘આધુનિકતા-રીથિન્ક’ બાબતે પણ ચર્ચાઓ ગોઠવેલી.
૯ : ગુજરાત યુનિવર્સિટીમાં મેં આધુનિકતા વિષયે ૭ દિવસનો પરિસંવાદ ગોઠવેલો.
૧૦ : અનેક લિટલ મૅગેઝિન્સ પ્રગટેલાં. ઇમેજને જ વિશેનું મધુ કોઠારીનું ‘મૉનો ઇમેજ’.
૧૧ : પત્રચર્ચાઓનો જમાનો હતો. એક જણે મારા ૭૦૦ પાનના થીસિસની અઘટિત નૉંધ લીધેલી. એક જ પ્રકરણ વાંચેલું, એને રીવ્યુ કેવી રીતે કહેવાય? એમ ઉધડા લેવાતા હતા.
૧૨ : આધુનિકતાને સમજવાના ભરપૂર પ્રયાસ થયેલા. મેં ગભરાતાં ગભરાતાં ‘સાહિત્યમાં આધુનિકતા’ પુસ્તક કરેલું.
૧૩ : ચન્દ્રકાન્ત બક્ષીની ‘આકાર' અને રઘુવીર ચૌધરીની ‘અમૃતા’ લોકપ્રિય થવાની હદે પ્હૉંચી ગયેલી છતાં આધુનિક નવલો હતી. ‘આકાર’માં લોકોએ અસ્તિત્વવાદ વાંચેલો !
૧૪ : સામયિકો જવાબદારી બાબતે હરીફાઈ કરતાં હતાં. વિશેષાંકો આવકાર્ય ફૅશન હતી – દાખલા તરીકે, ‘ક્ષિતિજ'નો દૃશ્યશ્રાવ્ય વિશેષાંક, ‘વિશ્વમાનવ’નો રવીન્દ્ર વિશેષાંક.
૧૫ : આદિલ મનસૂરી, ચિનુ મોદી અને મનહર મોદી ગઝલમાં નગરચેતના લાવેલા, એ અર્થમાં ગઝલ પણ આધુનિક થઈ હતી.
૧૬ : સુજો -ઉજો એવી છાવણીઓ હતી, જો કે થવું જોઈએ એ કક્ષાનું સાહિત્ય-યુદ્ધ લડાયું ન્હૉતું. પરન્તુ, એ રાહે સાહિત્યપદાર્થને જેટલો કંઈ ખંખોળી શકાય, એટલે અંશે હું એને મૂલ્ય આપું છું.
૧૭ : ઉમાશંકરે સુરેશભાઈને ટૉણો મારેલો કે વિદેશી પુસ્તકો એમને ત્યાં પણ આવે છે. સુરેશભાઈએ અમદાવાદમાં વ્યાખ્યાનો આપેલાં એમાં તેઓ અધ્યક્ષ હતા. સુરેશભાઈ અમને કહે, અધ્યક્ષ પછી આપણાથી તો કંઇ બોલાય નહીં. બહુ વ્યથિત હતા. આ સંદર્ભે મેં લખેલું : ગાયો ને ભેંશો તો બધા ચરાવે છે, દોહીને દૂધ કોણ આપે છે, એનો મહિમા છે. પરન્તુ, એ જ ઉમાશંકર વડોદરા ગયા હોય ને સુરેશભાઈને મળ્યા ન હોય એવું કદી બન્યું ન્હૉતું. સુરેશભાઈના અવસાનનો ખરખરો કરવા ઉમાશંકર અમદાવાદમાં મારા ઘરે આવેલા …
ઘણું યાદ આવે છે, પણ ઇતિ અલમ્.
(September 7, 2021: USA)