Opinion Magazine
Number of visits: 9449543
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીનાં પુસ્તકો

મણિલાલ ભ. દેસાઈ|Gandhiana|30 November 2019

નવજીવનનું મુખ્ય કાર્ય ગાંધીજીનાં લખાણો પ્રગટ કરવાનું છે. એટલે એનાં પ્રકાશનોમાં ગાંધીજીનાં લખાણોના સંગ્રહો મુખ્ય હોય એ સમજી શકાય તેમ છે. એટલે એની પ્રકાશન પ્રવૃત્તિમાં પ્રથમ આપણે ગાંધીજીનાં પુસ્તકો જોઈશું.

૧૯૪૮માં ગાંધીજીનાં કેટલાંક મૂળ પુસ્તકો પ્રથમ વાર પ્રગટ થયાં.

ગાંધીજીએ ૧૯૩૨ સાલની જેલમાં સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ લખવા માંડ્યો હતો પણ તે પૂરો કરી શક્યા નહોતા. બહાર નીકળ્યા પછી તો તેમને એવાં કામ માટે અવકાશ પણ મળવો મુશ્કેલ હતો. તે ઇતિહાસની કાકાસાહેબે નકલો કરાવી લીધી હતી. તે રૂપે એ સચવાઈ રહ્યો હતો. તે અધૂરો ઇતિહાસ અપૂર્ણ રૂપે પણ પ્રજા સમક્ષ મૂકવો જોઈએ એમ વિચારી ૧૯૪૮માં એ सत्याग्रहाश्रमनो इतिहास એ નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો. એની પ્રસ્તાવનામાં એ ઇતિહાસનું મહત્ત્વ દર્શાવી કાકાસાહેબે કહ્યું છે કે,

“ભૂતકાળના એક બોધપ્રદ પ્રયોગના કેવળ બયાન તરીકે આ ચોપડી તરફ જોવાનું નથી. પણ રાષ્ટ્રપિતાએ હવે પછીની પાંચસો વરસની રાષ્ટ્રીય સાધનાને અર્થે આદરેલા એક પ્રેરણાદાયી પ્રયોગ તરીકે એનું અધ્યયન કરીને એમાંથી સંકલ્પબળ કેળવવા માટે આ ઇતિહાસનું અધ્યયન થવું જોઈએ. સન ૧૯૩૩માં જે પ્રયોગ ખંડિત થયો તે અનેક રૂપે, ઠેકઠેકાણે આખા દેશમાં ફરી શરૂ થવો જોઈએ, તો જ હિંદુસ્તાનનો પણ નવો અગ્નિસંભવ થશે.”

૧૯૩૨ના જેલવાસ દરમિયાન જેમ ગાંધીજીએ सत्याग्रहाश्रमनो इतिहास લખ્યો હતો, તેમ એક बाळपोथी પણ તૈયાર કરી હતી. એમાં માત્ર ૧૨ પાઠ છે. પરંતુ એની પાછળ જે ક્રાંતિકારી કલ્પના રહેલી હતી તેની સાથે કાકાસાહેબ આદિ તેમના નિકટના સાથીઓ સંમત થઈ શક્યા નહોતા, એટલે એ ત્યારે પ્રગટ થઈ શકી નહોતી. છેક ૧૯૩૭માં ગાંધીજીએ ‘પાયાની કેળવણી’ની વાત કરી ત્યારે પણ એને પ્રગટ કરવાનો વિચાર આવ્યો હતો. એ વિશે શ્રી નરહરિભાઈ કહે છે :

“૧૯૩૭માં જ્યારે ગાંધીજીએ પાયાની કેળવણીની વાત કરી ત્યારે મેં એમને કહ્યું કે હવે તમારી બાળપોથી છપાવીએ. એમણે કહ્યું : ક્યાં છે? મારી પાસે તે વખતે મૂળ બાર પાઠો જ હતા. તે એમને બતાવ્યા. ગાંધીજીએ કહ્યું : પણ એની આગળ શિક્ષકોને સૂચના રૂપે મેં લખ્યું છે તે ક્યાં છે? મેં શું લખેલું તે બધું અત્યારે યાદ નથી, પણ એના વિના કેવળ બાર પાઠો છાપવાનો કશો અર્થ નથી.

“સૂચનાઓ વગેરેનો એ પ્રાસ્તાવિક ભાગ મારા હાથમાં ન આવ્યો એટલે તે વખતે છપાવવાની વાત રહી. અત્યારે [૧૯૪૮]માં ‘ગાંધીસંગ્રહ’ની ફાઈલોમાંથી એ સૂચનાઓ અને મહાદેવભાઈનો પરિપત્ર મળી આવ્યાં છે તેથી એ બાળપોથી પ્રજા આગળ મૂકી શકાય છે.”

૧૯૩૨ના કારાવાસમાં લખાયેલાં सत्याग्रहाश्रमनो इतिहास અને बाळपोथी ૧૯૪૮માં પ્રગટ થયાં તેમ ૧૯૪૨ના કારાવાસ દરમિયાન લખાયેલી आरोग्यनी चावी પણ એ જ વર્ષે પ્રસિદ્ધ થઈ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં आरोग्य विशे सामान्य ज्ञान નામનું પુસ્તક લખ્યું હતું. તે હિંદમાં પણ પ્રસિદ્ધ થયું હતું. તેને સુધારવાનો વિચાર ગાંધીજી ઘણા વખતથી કરી રહ્યા હતા, પણ અનેકવિધ પ્રવૃત્તિઓ આડે એમને સમય મળતો નહોતો. ૧૯૪૨માં એ આગાખાન મહેલમાં પુરાયા ત્યારે તેમણે આ ઘણા વખતથી ચડી ગયેલું કામ હાથ ધર્યું. જૂના પુસ્તકને સુધારવાને બદલે એમણે પોતાના જીવનભરના અનુભવોને આધારે આખું પુસ્તક નવેસરથી જ લખી નાખી એને आरोग्यनी चावी એવું નામ આપ્યું. એ પુસ્તકમાં એમણે આરોગ્ય વિશેના પોતાના વિચારોનો નિચોડ આપી દીધો છે. એનો હિંદી અને અંગ્રેજી અનુવાદ પણ તેમણે સુશીલા નાયર પાસે ત્યાં જ તૈયાર કરાવ્યો હતો. એ અનુવાદ પોતે તપાસી પણ ગયા હતા.

૧૯૪૨માં લખેલું આ પુસ્તક છેક ૧૯૪૮માં તેમના અવસાન પછી જ બહાર પડી શક્યું તેનું કારણ દર્શાવતાં પ્રકાશકે પોતાના નિવેદનમાં કહ્યું છે :

“આ ચોપડી ૧૮-૧૨-’૪૨ના રોજ પૂરી થઈ હતી. તો પછી તે આટલી મોડી અને એમના ગયા બાદ કેમ બહાર પડે છે? તેનું કારણ કહેવું જોઈએ. ગાંધીજીને મન તેમના આ લખાણનો વિષય એટલો મહત્ત્વનો હતો કે, તે એને પ્રસિદ્ધ કરવામાં થોભવાનું પસંદ કરતા. તેમને મન આરોગ્ય એક યોગસાધના જ હતી, એમ કહેવામાં કાંઈ ખોટું નથી. ઈ. સ. ૧૯૪૨થી તેઓ આ લખાણને પોતાની પાસે જ રાખતા અને નવરાશ પ્રમાણે ફરી ફરી જોતા રહેતા. રોજ વધતા જતા પોતાના અનુભવનો છેવટનો નિચોડ એમાં આપી શકું તો કેવું સારું! એમ એમને થતું. હું એ ચોપડી છાપવા માટે અનેક વાર એમને પૂછતો, પણ તે પોતાની વૃત્તિને વળગી જ રહેવાનું વધારે પસંદ કરતા. આથી છેવટે તે ગયા પછી જ હું એ લખાણનો હાથલેખ મેળવી શક્યો.”

આ પુસ્તક વિશે ગાંધીજીએ પ્રસ્તાવનામાં કહ્યું છે :

“ધ્યાન દઈને વાંચનારને અને પુસ્તકમાં આપેલા નિયમોનો અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે. ને તેને દાક્તરોના, વૈદ્યોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા હું બંધાવી શકું છું.”

૧૯૪૮થી નવજીવને ગાંધીજીના પત્રોને એકત્ર કરી ગ્રંથસ્થ કરવા માંડ્યા. કેમ કે એમના પત્રો એમના અક્ષરદેહનું એક મોટું અંગ છે. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન દેશપરદેશની વ્યક્તિઓને લાખેક પત્રો લખ્યા હશે એવો અંદાજ છે. એ પત્રો બધા તો એકત્ર કરવા મુશ્કેલ, પણ જેટલા મળી શકે એટલા પણ પ્રજા સમક્ષ મૂકી શકાય તો ગાંધીજીની શીખ અને જુદા જુદા વિષય પરત્વે એમણે આપેલા અભિપ્રાયો સુલભ બને એ આશયથી નવજીવન ટ્રસ્ટે પત્રોના સંપાદનની વ્યવસ્થા કરી. ગાંધીજીએ બહેનોને લખેલા પત્રોનું સંપાદન શ્રી કાકાસાહેબ કરે એમ ઠર્યું. એ મુજબ કાકાસાહેબે आश्रमनी बहेनोने (૧૯૪૯), कुसुमबहेन देसाईने (૧૯૫૪), कु. प्रभाबहेन कंटकने (૧૯૬૦), गं. स्व. गंगाबहेनने (૧૯૬૦) અને श्री प्रभावतीबहेनने (૧૯૬૬) ગાંધીજીએ લખેલા પત્રોનું સંપાદન કર્યું. ઉપરાંત એમણે બહેન અમતુસ્સલામ ઉપરના પત્રો પણ સંપાદિત કર્યા તે હિંદીમાં બહાર પડી ગયા છે (૧૯૬૩). શ્રી કાકાસાહેબે તૈયાર કરેલા આ ગ્રંથો ઉપરાંત કુ. મણિબહેન પટેલે સરદારશ્રી ઉપરના (૧૯૫૨) તેમ જ પોતા ઉપરના પત્રો (૧૯૫૭) સંપાદન કરીને નવજીવનને સોંપ્યા તે પણ પ્રગટ થઈ ગયા છે. એ ઉપરાંત શ્રી છગનલાલ જોશી પરના પત્રોનો સંગ્રહ ૧૯૬૨માં અને શ્રી નારણદાસ ગાંધી ઉપરના પત્રો બે ભાગમાં-પહેલો ભાગ ૧૯૬૪માં અને બીજો ૧૯૬૫માં— બહાર પડ્યા છે.

આ ઉપરાંત ત્રણ સંગ્રહો અંગ્રેજીમાં બહાર પડ્યા છે : મીરાંબહેનને લખેલા Bapu’s Letters to Mira નામે (૧૯૪૯), એસ્થર ફેરિંગને લખેલા ‘My Dear Child’ નામે (૧૯૫૬) અને રાજકુમારી અમૃતકોરને લખેલા Letters to Rajkumari Amrit Kaur નામે (૧૯૬૧).

નવજીવને પોતે સંપાદન કરાવીને પ્રસિદ્ધ કરેલા આ પત્ર-ગ્રંથો ઉપરાંત શ્રી ઘનશ્યામદાસ બિરલા સાથેનો પત્રવહેવાર महात्माजीनी छायामां (૧૯૫૬) અને શ્રી જમનાલાલ બજાજ ઉપરના પત્રો पांचमा पुत्रने बापुना आशीर्वाद (૧૯૫૭) પણ નવજીવને ભાષાંતર રૂપે પ્રસિદ્ધ કર્યા છે.

હિંદુસ્તાનમાં ગાંધીજીને પહેલી વાર જેલ જવાનું ૧૯૨૨માં આવ્યું. તેમને છ વરસની સજા થઈ હતી. તે વખતના પોતાના જેલના અનુભવો એમણે લખ્યા છે તે ૧૯૨૫માં પુસ્તક આકારે यरवडाना अनुभव એ નામે પ્રસિદ્ધ થયા હતા. એ પુસ્તક ઘણા વખતથી અપ્રાપ્ય બન્યું હતું. ૧૯૫૬માં તેને ફરી પ્રગટ કરવામાં આવ્યું. એ બીજી આવૃત્તિ કરતી વખતે ગાંધીજીની ધરપકડ થઈ ત્યારથી માંડીને તેમને સજા થઈ ત્યાં સુધીનો કડીબદ્ધ હેવાલ, તેમણે કોર્ટમાં કરેલું ઐતિહાસિક નિવેદન તથા જે લેખો લખવા બદલ તેમના પર કેસ ચલાવવામાં આવ્યો હતો તે લેખો ઉમેરીને પુસ્તકની પૂર્વભૂમિકા પૂરી કરી લેવામાં આવી.

હિંદુસ્તાનના પ્રથમ જેલવાસનાં સ્મરણો પ્રગટ કર્યા પછી ૧૯૫૯માં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વેઠેલા ચાર કારાવાસોના અનુભવો નવજીવન તરફથી मारो जेलनो अनुभव એ નામે પ્રગટ થયા. આમ ગાંધીજીએ વેઠેલી જેલોનાં એમણે લખેલાં સ્મરણો બે પુસ્તકોમાં થઈને પ્રજા સમક્ષ આવી ગયાં છે.

દક્ષિણ આફ્રિકાના જેલના અનુભવો છાપ્યા પછી, નવજીવન ટ્રસ્ટે વિચાર્યું કે આફ્રિકામાં ગાંધીજીએ શરૂ કરેલા इन्डियन ओपीनियन માટે એમણે ટૉલ્સ્ટૉયની કેટલીક વાર્તાને સરળ ભાષામાં રજૂ કરી હતી, એ વાર્તાઓને નાનાં નાનાં પુસ્તકો રૂપે સુલભ કરવી જોઈએ. એ મુજબ ૧૯૬૪માં ટૉલ્સ્ટૉયની પ્રસિદ્ધ વાર્તા इवान ध फूलનું રૂપાંતર मूरखराज નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યું.

તે ઉપરાંત નવજીવને ગાંધીજીના વિવિધ વિષયો પરના વિચારોની વિષયવાર ગોઠવણી કરીને તે પ્રસિદ્ધ કરવાનું કામ પણ ચાલુ રાખ્યું છે. તેમાં બધાં પુસ્તકો ગણાવતાં લંબાણ થાય એટલે એમાં જે મુખ્ય મુખ્ય પુસ્તકો છે તે જોઈએ.

૧૯૫૦માં धर्मात्मा गोखले પ્રસિદ્ધ થયું. એમાં ગોખલેજી વિશે ગાંધીજીનાં લખાણો અને ભાષણનો સંગ્રહ છે. એ જ વરસે ગાંધીજીના પાયાની કેળવણી વિશેના લેખોનો સંગ્રહ पायानी केळवणी પ્રગટ થયો.

૧૯૫૭માં એક મહત્ત્વનો સંગ્રહ પ્રગટ થયો તે सत्य ए ज ईश्वर છે એમાં ગાંધીજીના ઈશ્વર, ઈશ્વરનો સાક્ષાત્કાર અને ઈશ્વરમય જીવન વિશેનાં લખાણો છે. એની પ્રસ્તાવનામાં રાજાજીએ કહ્યું છે :

“આપણા રાષ્ટ્રપિતા કેવા પ્રકારના પુરુષવિશેષ હતા તે સમજવા માગનારે આ પુસ્તક વાંચવું જોઈએ — આપણાં શાસ્ત્રોમાં અથવા બીજા ધર્મગ્રંથોમાં ન હોય એવું ધર્મ વિશેનું કંઈ પણ શીખવાની કોઈને ઇચ્છા ન હોય એમ બને. પણ આપણે જેને ચાહતા હતા અને આપણું રાષ્ટ્ર જેનું ઋણી છે એવા એક વિરલ મહાપુરુષના માનસના એક પાસાનું આપણને અહીં દર્શન થાય છે. ધાર્મિક શિક્ષણના પુસ્તક ઉપરાંત પણ એનું મૂલ્ય વિશેષ છે.”

૧૯૫૯માં संयम अने संततिनियमन નામનું પુસ્તક પ્રગટ થયું. એમાં ગાંધીજીના એ વિષયની છણાવટ કરતા લેખો એકત્ર કરીને આપવામાં આવ્યા છે. સરકારે વસ્તીવધારાનો હાઉ આગળ કરીને સંતતિનિયમનનો પ્રચાર આરંભ્યો હતો. ગાંધીજી શરૂથી જ તે પદ્ધતિના વિરોધી હતા અને એમના વિરોધ પાછળ સબળ નૈતિક અને ધાર્મિક કારણો રહેલાં હતાં, એ બતાવી આપવા માટે એમના બધા લેખોનો વ્યવસ્થિત સંગ્રહ કરવાની જરૂર હતી. એ પહેલાં નવજીવને ઘણાં વર્ષો પર આ જ વિષય પરના લેખોનું नीतिनाशने मार्गे નામનું એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું, એની પણ બાર આવૃત્તિ થઈ છે.

એ પછી ૧૯૬૧માં ગાંધીજીના ગામડાંને લગતા લેખોનો સંગ્રહ गामडांनी पुनर्रचना નામે પ્રગટ થયો અને બીજે વરસે યુનેસ્કોએ ગાંધીજીના જીવન અને વિચારનો પરિચય આપવા ગાંધીજીનાં લખાણોમાંથી સંકલન કરીને All Men are Brothers નામે એક પુસ્તક તૈયાર કરાવ્યું હતું તેનો અનુવાદ आपणे सौ एक पितानां संतान નામે પ્રગટ થયો. એ જ વરસે ખાદી અંગેનાં ગાંધીજીનાં લખાણોનો સંગ્રહ खादी शा माटे? પ્રગટ થયો. ૧૯૬૩માં ग्राम स्वराज અને मारा स्वप्ननुं भारत નામના સંગ્રહો પ્રગટ થયા, અને ૧૯૬૪માં सर्वोदय दर्शन નામે સર્વોદય વિચારનાં લખાણોનો સંગ્રહ પ્રસિદ્ધ થયો.

૧૯૬૭થી નવજીવને ગાંધીજીનાં લખાણો પ્રસિદ્ધ કરવાની એક મોટી યોજના આરંભી છે. એ યોજના તે ‘ગાંધીજીનો અક્ષરદેહ’. એ એક મોટી યોજના છે. ગાંધીજીનાં ઢગલાબંધ લખાણો, ભાષણો, પત્રો વગેરે મેળવી, એની પ્રમાણભૂતતાની ખાતરી કરી, સમયાનુક્રમ પ્રમાણે ગોઠવી, સંપાદિત કરી, વ્યવસ્થિત રૂપે સુલભ કરી આપવાં એ કસોટી કરે એવું કાર્ય છે છતાં ભારત સરકારે રાષ્ટ્રપિતા પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવવાની અને દેશની પ્રજા પ્રત્યેની પોતાની નૈતિક ફરજ અદા કરવાની ભાવના સાથે એ કાર્ય ઉપાડ્યું છે અને ૧૯૫૮થી અંગ્રેજી અને હિંદીમાં ગ્રંથશ્રેણી પ્રગટ કરવા માંડી છે. એ ગ્રંથશ્રેણીને ગુજરાતીમાં ઉતારવાની નવજીવન ટ્રસ્ટે પોતાની ફરજ માની ૧૯૬૭થી એ કાર્યનો પ્રારંભ કર્યો. આ ગ્રંથશ્રેણી એટલી મહત્ત્વની અને એવી મહત્ત્વાકાંક્ષી છે કે એ વિશે રાજેન્દ્રપ્રસાદ તથા જવાહરલાલનાં વચનો ઉતાર્યા વિના અમે રહી શકતા નથી.

રાજેન્દ્રપ્રસાદે પહેલા ગ્રંથમાં ગાંધીજીને ભાવભરી અંજલિ આપતાં કહ્યું છે :

“ગાંધીજીનાં લખાણો અને ભાષણોના આ સંગ્રહોનું નિઃશંક તેમ જ શાશ્વત મૂલ્ય દેખીતું છે. કંઈ નહીં તો છ દાયકા પર ફેલાયેલા, અસાધારણ માનવભાવથી અને ઉગ્ર કર્મથી ભરેલા સાર્વજનિક જીવનને આવરી લેતા ગુરુના શબ્દો અહીં સંઘરાયા છે. એ શબ્દોએ એક અનન્ય પ્રવૃત્તિને ઘડી અને પોષી અને સફળતાને આરે પહોંચાડી, અસંખ્ય વ્યક્તિઓને પ્રેરણા આપી અને પ્રકાશ આપ્યો, નવજીવનનો રસ્તો ખેડ્યો અને દર્શાવ્યો, આધ્યાત્મિક અને સનાતન, સ્થળકાળથી પર અને સમગ્ર માનવજાતિનાં તેમ જ સર્વ યુગોનાં લેખાય એવાં સંસ્કારનાં મૂલ્યો વિશે આગ્રહ સેવ્યો. તેથી તે શબ્દોને સંઘરીને સાચવવાનો પ્રયાસ થાય છે તે તદ્દન યોગ્ય છે…

“હું ખાતરી આપું છું કે આ ગ્રંથશ્રેણીમાં પ્રતિબિંબિત થતા ગાંધીજીના જીવનપ્રવાહમાં જે કોઈ ડૂબકી મારશે તેને બહાર નીકળતાં નિરાશા થવાની નથી કેમ કે અહીં એક એવો છૂપો ખજાનો સંઘરાયેલો છે કે જેમાંથી હરકોઈ પોતાને રુચે તેટલું, પોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર લઈ શકશે.”

પંડિત જવાહરલાલે પ્રથમ ગ્રંથના પરિચયમાં લખ્યું છે :

“આ કાર્ય આપણે પૂજ્ય ભાવથી હાથ ધરીએ, જેથી પોતાના પ્રકાશથી આપણી પેઢીને ઉજાળનારા અને આપણને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય અપાવનારા જ નહીં પણ માનવ પ્રકૃતિના ઊંડાણમાં રહેલા, માનવને મહાન બનાવનારા ગુણોને પારખવાની અંતર્દૃષ્ટિ પણ આપનારા આપણા પ્યારા નેતાની કંઈક ઝાંખી આપણી ભાવિ પેઢીઓને થતી રહે. એવો એક પુરુષ આપણી ભારતભૂમિ પર દેહ ધરીને વિચરતો હતો અને આપણા લોકો પર જ નહીં, સમગ્ર માનવજાત પર પોતાના પ્રેમ અને સેવાભાવની વર્ષા વરસાવતો હતો તે જાણીને હવે પછીના જમાનાઓમાં લોકો અચરજ પામતા રહેશે.”

આ ગ્રંથમાળામાં આજ સુધીમાં ગુજરાતીમાં ૧૪ ગ્રંથો પ્રગટ થઈ ગયા છે અને બીજા ગ્રંથોનું મુદ્રણ ચાલે છે. આ ગ્રંથશ્રેણી પૂરી થતાં રાષ્ટ્રપિતાનો અક્ષરદેહ આપણને અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપવા હંમેશાં હાથવગો રહેશે. આપણા રાષ્ટ્રપિતા કેવા વિરલ પુરુષ હતા તેનો પણ એ ગ્રંથો પરથી ખ્યાલ આવશે.

[‘નવજીવન વિકાસવાર્તા’માંથી]

સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, ઑગસ્ટ-સપ્ટેમ્બર 2019; પૃ. 273-276

Loading

30 November 2019 admin
← નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
વહેમ અને શ્રદ્ધા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved