પતંગિયું બની આકાશમાં ઊડવું કોને ન ગમે? ઊડનારાઓ માટે આકાશમાં જગ્યાની કમી હોતી નથી, પણ પતંગિયું બનવા માટે શરત એ છે કે માણસે પોતાનું ઈયળપણું છોડવું પડે. નવા વર્ષે આપણે આપણા મનમાં, જીવનમાં કશુંક ઉમેરવું હોય કે કશુંક કાઢી નાખવું હોય તો ટૃીના પૉલસના ‘હોપ ફોર ધ ફ્લાવર્સ’ પુસ્તકને યાદ કરવા જેવું છે.
‘પતંગિયાનું સૌંદર્ય જોઈ આપણે આનંદ પામીએ છીએ, પણ એવું બનવા માટે તે કેવાં મોટાં પરિવર્તનોમાંથી પસાર થયું છે એ તરફ ભાગ્યે જ આપણું ધ્યાન જાય છે.’ માયા એંજેલુનું આ કથન અને ‘જે પળે ઈયળને લાગે છે કે હવે બધું ખલાસ, એ પળ પતંગિયાના જન્મની હોય છે.’ એ કહેવત બંને આજે યાદ આવે છે, કારણ કે આપણે સૌ વીતેલા સમયના કોચલામાંથી મુક્ત થઈ નવા વર્ષના આકાશમાં પાંખો ખોલવાના છીએ. આમ તો કાળના અનંત પ્રવાહમાં જતાં અને આવતાં વર્ષોનો કોઈ હિસાબ નથી, પણ આપણને મળેલી નાનકડી અવધિને મહાકાળ સાથે જોડવા થોડી ગણતરીઓની જરૂર તો પડે.
શક્યતાઓની વાત નીકળી છે ત્યારે યાદ કરીએ ‘હોપ ફોર ધ ફ્લાવર્સ’ નામના નાનકડા સુંદર પુસ્તકને પણ. આ પુસ્તક માટે ‘બ્યૂટીફૂલ માઈન્ડ્ઝ’ નામનું પ્રેરક માસિક ચલાવતા સ્કૉટ બેરી કૉફમેને કહ્યું છે કે ‘નાનો હતો ત્યારથી આજ સુધી જ્યારે પણ કોઈ નિરાશા ઘેરી વળતી લાગે ત્યારે હું આ પુસ્તક વાંચું છું અને મારી હતાશા ખંખેરાઈ જાય છે. મને થાય છે કે બીજાઓ સાથે સરખામણી કર્યા વિના હું મારા રસ્તે ચાલું એ જ બરાબર છે.’ ‘હોપ ફોર ધ ફ્લાવર્સ’ લખાયાને અડધી સદી વીતી ગઈ છે ને ત્યાર પછી દુનિયાએ બે નવી પેઢી જોઈ લીધી છે; પણ આજની જીવનશૈલી અને તેના ઉપાય માટેની જે વાત આ પુસ્તક કરે છે તે ત્યારે ય તાજી હતી, અત્યારે ય તાજી છે અને હંમેશાં તાજી રહેશે કારણ કે બીજું બધું ગમે તેટલું બદલાય, માનવીના મન અને જીવનની મૂળભૂત માગણી તો દરેક યુગમાં સરખી જ રહેવાની. નવા વર્ષે આપણે આપણા મનમાં, જીવનમાં કશુંક ઉમેરવું હોય કે કશુંક કાઢી નાખવું હોય તો ‘હોપ ફોર ધ ફ્લાવર્સ’ને યાદ કરવા જેવું છે.
આમ તો ‘હોપ ફોર ધ ફ્લાવર્સ’ એક ફેબલ છે. ફેબલને ગુજરાતીમાં નીતિકથા કે બોધકથા કહી શકાય : પ્રાણીઓ-પક્ષીઓ જેનાં પાત્રો હોય અને કોઈ ઉપદેશ હોય એવી વાર્તા. ફેબલ્સ ઑફ ઈસપ એટલે કે ઈસપની બોધકથાઓથી તો આખી દુનિયા પરિચિત છે. આ ગ્રીક સર્જક સેમોસ ટાપુમાં ગુલામ હતો અને તેના શેઠ ઈઆદમોએ તેને મુક્તિ આપી હતી. તેની કોઈ લેખિત રચના મળેલી નથી, પરંતુ તેના નામે કર્ણોપકર્ણ ચાલી આવેલી કથાઓ ઍથેન્સમાં ખૂબ લોકપ્રિય હતી. પ્લેટોના કથન મુજબ સૉક્રેટિસ જ્યારે જેલમાં બંદીવાન હતા ત્યારે તેમણે ઈસપની કેટલીક કથાઓનું પદ્યમાં રૂપાંતર કર્યું હતું.
ઈસપની કથાઓ જેવું જ કંઈક પ્રતીકાત્મક રૂપ છે ‘હોપ ફોર ધ ફ્લાવર્સ’નું. એક ટચૂકડું ઈંડું ફૂટે છે, તેમાંથી એક નાનોસરખો કીડો સ્ટ્રાઈપી બહાર નીકળે છે ને હૂંફાળા સૂર્યપ્રકાશમાં લીલાંછમ પાંદડાં ખાતો લીલાલહેર કરે છે. એક દિવસ તેને વિચાર આવે છે કે ખાવા સિવાય પણ જીવનમાં કંઈક હશે ખરું, શોધું. આમતેમ ફરતાં તે જુએ છે કે એક નાની ટેકરી છે અને હજારો-લાખો જીવડાં ધક્કામુક્કી કરતાં તેના પર ચડી રહ્યાં છે. એક જીવડાને ઊભું રાખી તે પૂછે છે, ‘ક્યાં જાઓ છો?’ ‘ટોચ પર.’ ‘ત્યાં શું છે?’ ‘ખબર નથી, પણ બધાં ત્યાં જાય છે તો કંઈક હશે તો ખરું જ ને! તું પૂછ પૂછ ન કર. મોડું થાય છે.’ કહી એ ચાલવા લાગે છે.
સ્ટ્રાઈપી પણ એ સમૂહમાં જોડાઈ જાય છે, પણ અડધે પહોંચે છે ત્યાં કંટાળી જાય છે. તેની જેમ કંટાળી ગયેલી એક ઈયળ યલો સાથે તે પાછો આવે છે. બંને ઘાસમાં રહે છે ને આનંદ કરે છે, પછી સ્ટ્રાઈપીને થાય છે, હું છેક સુધી ગયો નહીં તે બરાબર ન થયું. તે યલોને કહે છે કે ચાલ આપણે પાછા જઈએ. યલો સ્ટ્રાઈપીને ચાહે છે, પણ શાંતિ છોડી રઝળપાટ કરવાનું તેને મન નથી. અંતે સ્ટ્રાઇપી એકલો પેલા ધક્કામુક્કી કરતા સમૂહમાં જોડાય છે.
આમતેમ ફરતી દુ:ખી યલો ઝીણા તારના ગૂંચળામાં લપેટાયેલી એક ઈયળને જોઈ પૂછે છે, ‘ફસાઈ ગઈ છે? મદદ કરું?’ એ કહે છે, ‘હું ફસાઈ નથી, પતંગિયું બનવાની છું. એ માટે આમ કરવું પડે.’ ‘પતંગિયું? એ શું?’ તારમાં પોતાને લપેટતી જતી ઈયળ કહે છે, ‘આપણો જન્મ પતંગિયું બનવા માટે જ થયો છે. પતંગિયું રંગીન, પાંખોવાળું હોય છે. જાણે ઊડતું ફૂલ. ફૂલેફૂલે ફરે અને નવાંનવાં ફૂલો ખીલવે. જો પતંગિયાં ન હોય તો ફૂલ પણ ન રહે.’ ‘તો તું આમાં પુરાઈશ એટલે તને પાંખ આવશે? હું પણ પતંગિયું બની શકું? પણ મારે પુરાવું નથી, હં.’ ‘પુરાયા વિના, ઈયળ મટ્યા વિના તું પતંગિયું બની ન શકે, મિત્ર!’ કહી તે પોતાના ફરતો છેલ્લો તાર વીંટી કોકડું બની લટકવા લાગે છે.
થોડી અસમંજસ પછી યલોનું મન કોકડામાં પુરાવા તૈયાર થયું, પછી થયું કે સ્ટ્રાઈપી પાછો આવશે તો મને કેવી રીતે શોધશે? પછી પાછું એમ થયું કે પતંગિયું બનીશ તો સ્ટ્રાઈપીને શોધવાનું સહેલું બનશે. મને જોઈને કદાચ એ પણ પતંગિયું બનશે. યલોએ પોતાની આજુબાજુ કોશેટો બનાવ્યો અને કોકડું બની લટકવા લાગી.
આ બાજુ સ્ટ્રાઈપી મહામહેનતે ટોચ પર પહોંચ્યો. ટોચ પર પહોંચવા માટે તેને પોતાની સાથે અને બીજા જીવડાં સાથે નિષ્ઠુર બનવું પડ્યું હતું. ટોચ પર પહોંચીને તેણે જોયું કે દરેક જીવડું પોતાની જગ્યા સાચવવામાં પડ્યું છે. નીચેથી અને આજુબાજુથી આવી રહેલા ધક્કાઓ ખાતું ટકવા મથે છે. આકાશ સરસ છે, નીચેનું ઘાસ સુંદર દેખાય છે, પણ કશું જ જોવાનું પોષાય તેમ નથી. તેને યલો યાદ આવી. તેનું કહ્યું માન્યું હોત તો સારું થાત. આટલી મથામણ કરી, પણ શું મળ્યું? હવે શું કરું? પાછો નીચે જાઉં? પણ નીચેવાળા તો મને નસીબદાર માને છે.
ત્યાં જ સ્ટ્રાઈપીને એક પતંગિયું દેખાયું – ચડ્યા વિના જ ઉપર આવી પહોંચ્યું? કેવું સુંદર છે! તેની આંખો યલો જેવી હતી. હિંમત કરીને એ ઊતરવા લાગ્યો. ચડનારાઓ જીવલેણ પ્રયત્નો કરતા હતા. સ્ટ્રાઈપીએ એમને કહ્યું, ‘ઉપર કંઈ નથી.’ કોઈએ કંઈ સાંભળ્યું નહીં.
તે નીચે ઊતર્યો. પતંગિયું બનેલી યલોને જોઈ તેણે પણ પોતાની આસપાસ કોશેટો બનાવ્યો અને સમય જતાં પતંગિયું બનીને બહાર નીકળ્યો. બંને પતંગિયાં આકાશમાં ઊડવા લાગ્યાં.
‘હોપ ફોર ધ ફ્લાવર્સ’ માત્ર દોઢસો પાનાનું છે. સ્પૅનિશ, ડચ, જર્મન, બ્રાઝિલિયન, પૉર્ટુગીઝ, કૉરિયન, રશિયન, ચીની, જાપાની, થાઈ અને પર્શિયન ભાષામાં તેની લાખો નકલો છપાઈ છે. લેખિકા ટ્રીના પૉલસ કહે છે, ‘આ પુસ્તક બાળકો, પુખ્તો અને વાંચી શકતી ઈયળ સહિત બધા માટે છે.’ તે પોતાની ઓળખ ‘ઓર્ગેનિક ફાર્મિંગ, જૈવિક ખાતર, સમગ્રલક્ષી તંદુરસ્તી અને ન્યાયપૂર્ણ શાંત જિંદગીની શોધના સમર્થક’ તરીકે આપે છે. ‘હોપ ફોર ધ ફ્લાવર્સ’ પરથી સંગીતનાટક, ગીત, એનિમેટેડ મુવી બન્યાં છે. આ નામનું એક મ્યુઝિક બૅન્ડ છે.
ટ્રીના કહે છે, ‘પૃથ્વી અને આકાશ રાહ જુએ છે કે આપણે સમજદાર થઈએ અને સહિયારા આનંદ માટે કામ કરીએ. દરેક પોતાના ભાગનું કામ બરાબર કરે તો દુનિયા સરસ રીતે ચાલતી રહે. શાંતિ કે સંઘર્ષ, પ્રેમ કે વેર – માણસ પસંદગી માટે મુક્ત છે. મારા પુસ્તકનું હાર્દ મુક્ત રીતે પસંદગી કરવી તે છે. એન્ડ રિમેમ્બર, ધેર ઈઝ ઈનફ રૂમ ઈન ધ સ્કાય ફૉર ઑલ ફ્લાયર્સ.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 નવેમ્બર 2023