Opinion Magazine
Number of visits: 9446644
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડાયસ્પૉરિક ડિલૅમા, અથવા દરિયા-પારની દ્વિધા

પ્રીતિ સેનગુપ્તા|Diaspora - Features|22 February 2021

વિચાર ઘણા વખતથી આવ્યા કરે, પણ કઈ રીતે શરૂ કરવું તે સમજાય નહીં. વાત છે તો ગુજરાતી લેખન વિષેની, પણ એના જે અંશ વિષેનો સંદર્ભ છે, તે જરા જટિલ છે. શું મને જ લાગે છે એ જટિલ?

ઓકે, તો વાત છે અત્યારે જેને “ડાયસ્પૉરા સાહિત્ય” કહીને આગળ કરવામાં આવે છે તેની. શું આ શબ્દદ્વય વિષે બાકીનાં બધાં વિષદ છે? બાકીનાં એટલે કે મારા સિવાયનાં બધાં. થોડા મહિના પહેલાં મારી એક વાર્તાના વાંચન પછી મેં આ પ્રશ્ન પરિષદના શ્રોતાઓને પૂછેલો, કે ડાયસ્પૉરા કહો છો ત્યારે શું અપેક્ષિત ગણો છો? ત્યારે જવાબમાં મને ડાયસ્પૉરા શબ્દનો મૂળ અર્થ કહેવામાં આવેલો. પણ એ અર્થ તો હું જાણું છું – વર્ષોથી જાણું છું. મારે તો એ જાણવું છે કે જ્યારે આ શબ્દ ગુજરાતીમાં, અને ગુજરાતી લેખનના સંદર્ભમાં વપરાતો થઈ ચૂક્યો છે ત્યારે એનો અર્થ-વિસ્તાર શું છે? વળી, જ્યારે ‘ડાયસ્પૉરિક ( આ શબ્દ અંગ્રેજી શબ્દકોષમાં હજી નથી આવ્યો લાગતો, પણ હું વાપરવા માંડી છું) સાહિત્ય’નો ઉલ્લેખ થાય છે ત્યારે એની શું વ્યાખ્યા અભિપ્રેત હોય છે?

એની વ્યાખ્યા બંધાઈ છે ખરી? એમ હોય તો દરિયા-પાર રહેનારી-લખનારી મને જાણ હોવી ના જોઇએ કે મારી પાસેથી કશી અપેક્ષા છે ખરી? જો હોય તો એ શી છે તેની મને ખબર ના હોવી જોઇએ? જો ડાયસ્પૉરા સાહિત્ય એટલે દરિયા-પારથી લખાતું સાહિત્ય – આવો સીધો અર્થ થતો હોત તો મને જાણ-સમજણ મળી ગયાં હોત (મારા પ્રવાસ-લેખનના સંદર્ભમાં પણ), પરંતુ આવું સીધું ને સહેલું બન્યું નથી લાગતું.

ને તેથી હું આજીજીપૂર્વક પૂછ્યા કરું છું, આ શબ્દદ્વયની વ્યાખ્યા ને અપેક્ષા શું છે? કોઈ કહે, દેશ – એટલે કે ઇન્ડિયા વિષયક કથાનક ના જ હોવું જોઇએ. કોઇ કહે, પર-દેશના જીવન વિષે જ લખાવું જોઇએ. કોઈ વળી કહે, પાત્રો દેશી તથા પર-દેશી, એમ બંને બાજુનાં હોવાં જોઇએ. અને વળી,  વિષય તથા નિરુપણ-શૈલીની બાબતે પણ મને અમુક મૂંઝવણ છે.

જે સ્વગત રહેલું છે તેવું થોડુંક અહીં પ્રગટ કરવા માગું છું. ડાયસ્પૉરા શબ્દ હું અહીં નહીં વાપરું. દરિયા-પાર શબ્દ ચાલશેને? વળી, અમે ને તમે, કે અહીંનાં ને ત્યાંનાં -જેવા શબ્દો પણ હું આ લેખન માટે વર્જ્ય ગણું છું. તેથી દરિયા-પાર, પર-દેશ અને દેશ જેવા શબ્દ હું પ્રયોજીશ.

એક, દરિયા-પારનાં લખનારાંએ ઇન્ડિયા વિષયક કથાનક ના જ લખવાં જોઇએ, એમ જો મનાતું હોય તો મારે આમ કહી સમજાવવું પડે, કે ઘર-ઝુરાપા વિષે તો દરિયા-પાર, કે દેશ-પ્રાંત-શહેર-બહાર, કે ઘરથી દૂર રહેનારાં જ લખી શકે. વિયોગ અને વિચ્છેદનો આ ભાવ મનમાંથી વિમુખ કરવો દુષ્કર છે. અન્ય સ્થાને વસવા ને આનંદથી જીવવા છતાં, જે સ્થાન છોડ્યું છે તે જીવમાંથી જતું નથી.

આ સાથે જ, દરિયા-પાર અત્યારે એવા લોકોની સંખ્યા વધતી જાય છે કે જે ઇન્ડિયાથી વિમુખ થઈ ગયેલા હોય, ઇન્ડિયા જવા જ ના માગતા હોય, ને જેમને ઇન્ડિયન કાર્યક્રમો કે મંદિરોમાં પણ રસ જ ના હોય. આ લોકો ગુજરાતી વાંચતા પણ નથી, અને એ લોકો ગુજરાતી લખનારા તો નથી જ. જ્યારે ભાષા સાથેનો (ગુજરાતીનો) સંપર્ક છૂટી જાય છે ત્યારે તે સ્થાન (દેશ) સાથેનું વળગણ પણ નથી રહેતું.

બીજું, ગુજરાતી ભાષા સાથે દરિયા-પારથી જે બધાં હજી પરોવાયેલાં છે તે બધાં ગુજરાતી સંદર્ભ બીલકુલ ખંખેરી નથી જ શકતાં. ઉપરાંત, વાસ્તવિકતા પણ જાણવી પડે, ને તે એ કે દરિયા-પાર વસનારાં પોતપોતાનાં કૌટુંમ્બિક અને પ્રાંતીય જૂથોમાં જ વધારે રત હોય છે. વસવાટના દેશ(પર-દેશ)ના જીવન તથા અન્ય પ્રજાજનો સાથે એમનું હળવું-મળવું, આદાન-પ્રદાન ક્યાં તો નહીંવત્ હોય છે, ક્યાં તો હોતું જ નથી. આથી, સ્પષ્ટ રીતે જ, તદ્દન બિન-ઇન્ડિયન, અને પૂર્ણ-પરદેશી રહેણીકરણી અને મનોવિચાર વિષે પ્રમાણભૂત રીતે લખવું દરેક લખનાર માટે શક્ય ના પણ હોય.

દરિયા-પાર જન્મેલી કે ઊછરેલી પેઢી લગભગ સંપૂર્ણ રીતે વસવાટના દેશની બની જતી હોય છે. એ સમજવું, અને માન્ય કરવું અઘરું નથી, કારણ કે એમને માટે આ (પર-દેશ) જ ઘર છે, અહીં જ એમણે સ્થાયી થવાનું છે. એમણે ભિન્ન નહીં, સમાન થવા મથવું પડતું હોય છે. આ યુવા પેઢીનાં વલણ, વર્તન અને જીવન વિષે, ગુજરાતીમાં લખનારાં (મા-બાપો કે દાદા-દાદીઓ) લખી શકે. તો એ દરિયા-પારના જીવનનું પ્રતિબિંબ કહેવાય. અલબત્ત, ઇન્ડિયન કુટુંબો સાથે જોડાયેલું. 

ગુજરાતી જ નહીં, ઇન્ડિયન જ નહીં, અન્ય કોઈ પણ સ્થાનેથી આવીને દરિયા-પાર સ્થાયી થયેલાં સર્જકો લખે છે ત્યારે પોતાના દેશનાં જીવન અને એનાં સ્મરણોનો પૂરેપૂરો આધાર લેતાં હોય છે. હું અમેરિકામાં જાણીતાં બનેલાં, ફિક્શનનાં અને દસ્તાવેજી કેટલાંયે પુસ્તકો જોઉં છું તો એ બધાંનાં વિષય-વસ્તુ હોય છે પોતાની માતૃભૂમિ, પોતાનાં બાળપણના અનુભવો, અથવા તે તે દેશ-સ્થાનની આજની સ્થિતિ. લખનારાં ભલેને અમેરિકી, યુરોપી, આફ્રિકી, કે અન્ય-ખંડીય હોય.

જાણીતાં બનેલાં ઇન્ડિયનોનાં કેટલાંક નામો જોઇએ – પંકજ મિશ્રા, ચિત્રા બૅનરજી દિવાકરુની, ભારતી મુકરજી, અમિતાભ ઘોષ, કીરન દેસાઇ, વિક્રમ ભટ વગેરે, તો શું જોવા મળે છે? ઇન્ડિયાનું જ પ્રતિબિંબ. તે પણ ઝુરાપાના ભાવથી મિશ્રિત. દરિયા-પારનાં આ તથા અન્ય લખનારાંનું લેખન એમનો દૃષ્ટિકોણ નિરૂપે છે જે દેશમાંનાં લખાણમાં હોય તેનાથી જુદો પડતો જોવા મળે છે. એમનો છે તે દરિયા-પારનો દૃષ્ટિકોણ છે, એ “ડાયસ્પૉરિક ડિસ્કોર્સ” છે. (અને બિન-ભારતીય તથા અંગ્રેજી જ વાંચનારાં માટે આ જ છે ડાયસ્પૉરિક રાઇટિન્ગ.)

આમાં અત્યંત સૂચક એવી બાબત એ છે કે આ (તથા અન્ય) ઇન્ડિયન સર્જકો અંગ્રેજી ભાષામાં લખે છે, નહીં કે પોતપોતાની માતૃભાષામાં. આ બધાં દેશ ને વિદેશોમાં જાણીતાં બન્યાં છે અંગ્રેજી ભાષાના સેવનને કારણે. દરિયા-પાર રહીને માતૃભાષામાં લખવાની પ્રવૃત્તિ રણમાં આંબા ઉછેરવા જેવી ગણાય, અથવા દત્તક લીધેલા બાળકની જતનપૂર્વકની માવજત કરવા જેવી ગણાય.

ત્રીજું, પાત્રો ઇન્ડિયન અને પર-દેશી -એમ બંને હોવાં જ જોઇએ, આ બાબતે દરિયા-પારના ગુજરાતી લેખન પર જ ધ્યાન મૂકીએ, તો એક ઉપરછલ્લું સામાન્યીકરણ કરી શકાય કે પરદેશી પાત્રોનાં જીવન-રીતિ અને મનોવિચાર માટે ન્યાય્ય જાણકારી, તેમ જ ઊંડો રસ, તથા એમની સાથે ઘનિષ્ટતા બહુ ઓછાંને હશે. આથી પાત્રાલેખન રસપ્રદ અને પ્રમાણભૂત બને કે નહીં, તે વિચારવું પડે.

તદુપરાંત, સામાન્યતયા, સંપર્ક સાધારણ પરદેશી વ્યક્તિઓ સાથે રહેવાનો. પર-દેશના સમાજના વિખ્યાત, ધનિક અને આગળ પડતા લોકો સાથે ઓળખાણ કેટલાંને હોવાની? હા, કેટલાંકને હોય પણ ખરી, પણ એમાંનાં પાછાં ગુજરાતીમાં લખનારાં પણ હોવાનાં કે? સાધારણ જાણેલું કે વાંચેલું હોય તે પરથી કોઈ પાત્ર બનાવી શકાય તો ખરું, પણ તે કદાચ સ્કૅચ રૂપે. આખી નવલકથા આ રીતે લખી શકાય ખરી?

નવલકથાનો ઉલ્લેખ એક વાર ભગતભાઇ શેઠ પાસેથી સાંભળ્યો હતો. એ અહીં અમેરિકામાં ફરવા-મળવા આવ્યા હતા, ત્યારે એક વાતચીત દરમ્યાન એમણે કહ્યું, “અહીં થી (એટલેકે દરિયા-પારથી)  હજી આપણને સારી નવલકથા નથી મળી.” બરાબર એક પ્રકાશકને થાય તેવું નિરીક્ષણ, ખરું કે નહીં? આ બાબત માટે મારી જે કંઇક સમજણ છે તે આમ છે. અમેરિકામાં અત્યારે વસતાં ગુજરાતીઓમાંનાં મોટા ભાગનાંને અહીં આવ્યે ચાલીસ-પિસ્તાળીસ વર્ષ થયાં. એમાંનાં પહેલાં પચીસ, ને કદાચ ત્રીસ પણ, વર્ષો સ્થાયી થવા માટેની મહેનત-મથામણમાં, તેમ જ સંતાનોના ઉછેર પાછળ ક્યાંયે વીતી જતાં હોય છે.

શરૂઆતનાં એ વર્ષો દરમ્યાન તો કોઈને જાણે ઊંચું જોવાનો પણ ટાઇમ મળતો નથી. અમેરિકામાંના ગુજરાતી લેખનની તવારિખ તરફ કોઈ નજર કરે તો જણાશે કે છેલ્લાં લગભગ વીસ-પચીસ વર્ષથી અહીં આ લેખન-કામ થઈ રહ્યું છે. લખનારાં ધીરે ધીરે વધારે, અને જુદા જુદા પ્રકારોમાં લખવાના પ્રયત્ન કરતાં થયેલાં જણાય છે. છતાં, નવલકથા લખનારાં કેટલાં હોય? ક્યાં ય પણ? દરિયા-પારથી નવલકથા લખી હોય તેવાં બે-ત્રણ જણ જરૂર છે. નાનપણથી આજ સુધીમાં અસંખ્ય વાંચી હોય તેવાં અનેક હોય, પણ તેથી કરીને એક સારી કૃતિ લખતાં બધાંને આવડી જવાની નથી.

ચોથું, દરિયા-પારના લેખનમાં જો પર-દેશને લગતા વિષયોની અપેક્ષા હોય તો મારા મનમાં પ્રશ્ન છે કે એવા વિષયો ગુજરાતના વાચકોને ગમશે? એમાં રસ પડશે? એમાં અમુક સંદર્ભ આવવાના, કે જગ્યાઓ તથા વ્યક્તિઓનાં નામ આવવાનાં, તે વાચકોને પકડાશે?, ગમશે, રસદ્યોતક લાગશે? અમદાવાદ-મુંબઈમાં મારી વાર્તાઓના વાંચનના અનુભવ એવા છે કે અમુક સંદર્ભો પકડાતા નથી.

વળી, વાચકની ચેતનામાં પર-દેશને અંગે ખોટી છાપ ઊભી ના થવી જોઇએ. સાહિત્યની એક કૃતિમાં કોઈ પણ સ્થાન, કે પર-દેશની સમગ્રતાનું દર્શન મેળવી ના શકાય. પર-દેશીઓને અને ભારતીયોને પરસ્પરની વાસ્તવિકતા આશ્ચર્ય અને આઘાત પમાડવાની, તેથી પરસ્પરનાં જીવનનાં સમીકરણોની જાણકારી વ્યાપક રૂપે હોય તે આવશ્યક છે.

પાંચમું, નિરૂપણ ઉપરાંત શૈલી અંગે પણ હું મુંઝાઉં છું. જો પર-દેશી પાત્રોનું નિરૂપણ કરીએ તો એમના સંવાદો કઈ ભાષામાં મૂકવાના? ગુજરાતીમાં ચાલે? તો એ પાત્ર ખાતરીલાયક બનશે? કે સંવાદો અંગ્રેજીમાં હોવા જોઇએ? તો એ અંગ્રેજી લિપિમાં લખવાના, કે ગુજરાતી લિપિમાં? કઈ રીતે એ વાંચનમાં દખલ રૂપ નહીં લાગે? કે કથાનકમાં રસભંગ નહીં કરાવે? આ પ્રશ્નોના જવાબ પણ મને અભ્યાસીઓ પાસેથી મળ્યા નથી.

ગુજરાતી લખાણોમાં જ્યારે અંગ્રેજી સંવાદો ગુજરાતીમાં વાંચવા પડે છે ત્યારે, અને અંગ્રેજી લિપિમાં મૂકાયેલા હોય છે ત્યારે પણ, હંમેશાં ખટકે છે. એક કારણ એ કે અંગ્રેજી લગભગ હંમેશાં ખોટું હોય છે – સ્પૅલિન્ગ, વ્યાકરણ તેમ જ ઉચ્ચારોની રીતે. અને હમણાંથી ઉચ્ચારોની બાબતે એક એવી બેદરકારી સાંભળું છું કે કાન ખરી પડવા ઇચ્છે છે. ગુજરાતીમાં તો ભલભલા લોકો – સર્જકો અને સ્કૉલરો પણ – “શ”નો “સ” બોલતા થઈ જ ગયા છે. ને હવે એ જ લોકો અંગ્રેજી ભાષાના “શ” ધ્વનિને પણ “સ” ધ્વનિ બનાવી દેવા માંડ્યા છે. દા.ત. શનિવાર તો સનિવાર બની ગયેલો હતો જ, પણ હવે દા.ત. ‘શાવર’(વરસાદ કે સ્નાન)નો ઉચ્ચાર ‘સાવર’ (ખાટું), ને ‘રશ’(ઉતાવળ)નો ઉચ્ચાર ‘રસ’ (ફળનો), ને ‘શી’(તેણી)નો ઉચ્ચાર ‘સી’ (જુઓ, દરિયો) વગેરે બની ગયેલો સંભળાય છે.

પોતાની ભાસાનું જે થવાનું હસે તે થસે, પણ બીજાંની ભાસાને પણ બગાડવાની? આ તો ભવિસ્ય માટે બહુ નિરાસાજનક બનસે, અથવા સ્યૉરલિ વૅરિ સેમફુલ, ઍન્ડ સૉકિન્ગ જેવું ગણાસે … વગેરે.

આ ઉપરાંત, અન્ય ભાષાના શબ્દો લખીએ ત્યારે તે ભાષાના સ્પૅલિન્ગ પ્રમાણે લખવા કે તેના ઉચ્ચાર પ્રમાણે? ફ્રેન્ચ કે સ્પૅનિશ જેવી ભાષાઓમાં તો, બધાંને જાણ છે તેમ, લખાય કાંઇ અને બોલાય કાંઇ. દા.ત. જે દેખાય છે ‘ક્વિતો’ તે બોલાય છે ‘કિતો’, કે જે લાગે છે ‘એલોસ’ તે બોલાય છે ‘એયોસ’ વગેરે. તો કોઈ જરૂરી સંદર્ભમાં આવી ભાષાઓના શબ્દો વાપરવાના આવે તો એમને ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં લખવા પડે, તો જ એ ભાષાને ન્યાય થાય.

ગુજરાતીમાં લખીએ ત્યારે જુદાં જુદાં ગુજરાતી અને કદાચ ઇન્ડિયન પાત્રોને અનુરૂપ પણ ભાષાના સંવાદો આપણે મૂકી શકીએ છીએ. અન્ય-દેશીય પાત્રો નિરૂપાયાં હોય ત્યારે એમની જુદી જુદી બોલી કે વાક્છટાનાં વાક્યો કેવી રીતે મૂકવાં? મારાં અમેરિકન મિત્રો પાસેથી મેં સાંભળ્યું અને જાણ્યું છે તે પ્રમાણે અમેરિકાની તેમ જ અન્ય દેશોમાંની અંગ્રેજી ભાષામાં પણ તળપદી કહી શકાય તેવી બોલીઓ હોય છે, અને રોજિંદી વાતચીતમાંથી વપરાશમાં આવેલા વિશિષ્ટ શબ્દ-પ્રયોગો પણ હોય છે. અમેરિકામાં ફરતાં રાજ્યે રાજ્યે અંગ્રેજી જુદું બનતું જણાશે, અને સંભળાશે.

પાત્રાલેખનની આવશ્યકતા મુજબ જો આવી બોલી કે શબ્દો પ્રયોજવામાં આવે તો એમની સમજૂતી પણ કોઇક રીતે આપવી પડે, નહીં તો ભાષાની એ છટાઓ (ગુજરાતી) વાચકને સમજાશે નહીં, બલકે કંટાળો આપશે. આવાં શબ્દો ને વાક્યો અંગ્રેજી લિપિમાં જ લખવાં પડે, નહીં તો એ યથાર્થ કઈ રીતે બને? તો પછી, ફરી એ પ્રશ્ન, કે ભાષાની આ ભેળસેળ રસપ્રદ બનશે ને?

મનની આવી મૂંઝવણો ઉપરાંત મારું માનવું એમ છે કે દરિયા-પારથી થતા લેખનને માટે આટલું ઝટપટ એક લેબલ ના લાગી ગયું હોત તો સારું થાત. દરિયા-પારથી લખનારાં પર, ખાસ ઇમ્પ્રૅશન પાડવા માટેનું એક પ્રૅશર પડ્યું છે, તે નક્કી, પણ અહીં પ્રસ્તુત એવા કેટલાક પ્રશ્નોના ઉત્તર-ઉકેલ નથી મળ્યા. કે પછી આવી બહુ કશી ચિંતા કર્યા વગર વહેતાં રહેવાનું પાતળા પ્રવાહમાં?

(૧૭૦૫ શબ્દ)                                           

e.mail : preetynyc@gmail.com

Loading

22 February 2021 admin
← આઝાદીમાં ભારતે જગતને આશ્ચર્ય થાય એવો વિવેક કર્યો
ગઝલ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved