
રમેશ ઓઝા
આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુપતિ બાલાજીનાં મંદિરમાં ધક્કામુક્કીમાં છ જણ માર્યા ગયા. આંધ્ર પ્રદેશનાં મુખ્ય પ્રધાને તપાસનો આદેશ આપ્યો છે, જવાબદાર અધિકારીઓને બરતરફ કર્યા છે અને માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોને ૨૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
આ અને આવા સમાચાર સમયાંતરે જોવાવાંચવા મળે છે, આપણે બે ઘડી ખિન્ન થઈએ છીએ અને પછી તેને એક કમનસીબ ઘટના તરીકે ખપાવીને ભૂલી જઈએ છીએ.
પણ આ અને આવી ઘટનાઓ દુર્ઘટના છે કે ખૂન? બહુ આકરો શબ્દ વાપરું છું એની મને જાણ છે, પણ કડવી હકીકત એ છે કે આ ધર્મને નામે થતાં ખૂન છે અને સમયાંતરે થતાં જ રહે છે. જે લોકોએ તિરુપતિ બાલાજીનું મંદિર જોયું હશે તેમને ખ્યાલ હશે કે મંદિર આવવાજવાની સડકથી લગભગ દસ ફૂટ નીચે છે. મંદિરના નિર્માતાઓએ લાંબુ વિચારીને આવી રચના કરી હતી. તમે અંદર ઉતર્યા વિના ઉપરનાં સ્તરેથી મંદિરનાં મુખ્ય દ્વાર પર નજર કરો તો બરાબર સામે બાલાજીનાં દર્શન થાય. સદીઓથી આમ ચાલતું હતું અને સનાતન ધર્મના ગૌરવને ક્યારે ય આંચ નહોતી આવી.
પણ એમ કેમ ચાલે? આધુનિક યુગમાં ધર્મનો ધંધો કરવો હોય તો ધાર્મિક સ્થાનોનો મહિમા વધારવો જોઈએ, મનોકામના પૂરી થવાની વાયકાઓ ફેલાવવી જોઈએ, કોઈ ખાસ દિવસોનો વિશેષ મહિમા કરવો જોઈએ, મોટા મોટા લોકોને એ ધાર્મિક સ્થળે લઈ આવવા જોઈએ અને એ પછી જુઓ લોકો કેવા ઉમટે છે! લોકો જ્યારે ઉમટે ત્યારે દર્શનને અઘરાં બનાવી દેવાનાં. તિરુપતિ બાલાજીનાં મંદિરમાં દૂરથી દર્શન કરનાર ભક્ત અને બાલાજી વચ્ચે એક ઊંચો થાંભલો બાંધવામાં આવ્યો છે કે જેથી ભક્ત દર્શન કરીને જતો ન રહે. એ થાંભલો જો સિમેન્ટ કોંક્રીટનો હોય તો એ અવરોધ કહેવાય, પણ જો એનાં પર સોનાનો ઢાળ ચડાવવામાં આવ્યો હોય તો એ મહિમા કહેવાય. હવે તમારે દર્શન કરાવનાર જે રીતે દર્શન કરાવે એ રીતે જ કરવાં પડે. અને પછી શરૂ થાય લાંબી લાઈનનો મહિમા. જેટલી લાંબી લાઈન એટલો મોટો વેપાર. સ્પેશ્યલ દર્શન, વી.આઈ.પી. દર્શન, ખાસ શ્રદ્ધાળુઓ માટે મંગળા આરતીનો લાભ (અને એવાં દિવસમાં પાંચેક લાભ આપવામાં આવે) વગેરે વગેરે અને દરેકના ઠરાવેલા ભાવ. આ સિવાય પ્રસાદ, માદળિયાં અને બીજી ચીજોનું વેચાણ. એક સોનેરી થાંભલો બાંધીને ભગવાનને કોમોડીટીમાં, મંદિરને બજારમાં અને ભક્તોને ગ્રાહકમાં ફેરવી નાખ્યા! તપાસ સમિતિનો જે અહેવાલ આવશે એ એમ નહીં કહે કે ધક્કામુક્કીનું કારણ સોનેરી થાંભલો છે.
તમને આ નથી સમજાતું? તમને ભક્તમાંથી ગ્રાહકમાં ફેરવી નાખ્યા, તમારા ભગવાનને ભગવાનમાંથી કોમોડીટીમાં ફેરવી નાખ્યા, મંદિરને બજારમાં ફેરવી નાખ્યાં અને તમે પોરસાવ છો? ધર્મના ખૂની વેપારમાં લોકો પણ ભાગીદાર છે, કારણ કે લોકો પણ લાલચુ છે અને ઉપરથી મૂર્ખ છે. ધર્મનો વેપાર કે ધર્મનું રાજકારણ કરનારાઓ આ જાણે છે, એટલે ધર્મનો અને ધર્મસ્થાનકોનો એટલો મહિમા કરો કે લોકોને તેમાં ભાગીદાર હોય એવું લાગે! જુઓ મારા ધર્મના કેવા પતાકા લહેરાઇ રહ્યા છે.
બનારસમાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક કાશી વિશ્વનાથનું મંદિર છે. કાશીનો મહિમા તો તમને જાણો છો. છેલ્લા ચાર દાયકા દરમ્યાન સોએક વાર હું બનારસ ગયો હોઈશ. મંદિર સડક અને ગંગા નદીની વચ્ચે અંદર ગલ્લીમાં છે. મેં ચાલીસ વરસમાં શ્રાવણ મહિનો છોડીને ક્યારે ય સડક સુધી લોકોની લાઈન જોઈ નહોતી. આજે બારેમાસ મુખ્ય સડક પર ચોક સુધી લાઈન જોવા મળે છે અને શ્રાવણ મહિનામાં મૈદાગીન સુધી એટલે કે લગભગ બે કિલોમીટર. મુંબઈમાં સિદ્ધિ વિનાયકનું એક નાનકડું દેરું હતું અને લોકો દૂરથી દર્શન કરી શકતા હતા. મહિમા ત્યારે પણ હતો, પણ દર્શનમાં અવરોધ પેદા કરવામાં નહોતો આવતો એટલે મંદિર નાનું નહોતું પડતું, લાઈન નહોતી લાગતી. આજે આજુબાજુનાં મકાનો ખરીદીને લગભગ ત્રણ-ચાર એકરમાં દેવસ્થાનને ફેરવી નાખવામાં આવ્યું છે અને એ છતાં ય લોકોની લાઈન લાગે છે. લાઈનની લંબાઈ તમારી શ્રદ્ધાને પ્રભાવિત કરે છે અને તમને તેની જાણ પણ નથી. તમને એમ લાગે છે કે તમે સનાતન ધર્મના નવોત્થાનના છડીદાર છો. ગ્રાહક પોતાને માલિક સમજે છે.
આજકાલ રાજકીય પક્ષો મફતમાં ધાર્મિક યાત્રાઓ કરાવે છે. કેન્દ્ર સરકારે યાત્રા સ્થાનો માટે સસ્તા દરની ટ્રેન શરૂ કરી છે. ધાર્મિક વેકેશનો અને રજાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારો પોતાને ત્યાનાં ધાર્મિક સ્થાનોમાં આવવા માટે સેલેબ્રીટીઝને બોલાવે છે. અમિતાભ બચ્ચનને ઉત્તર પ્રદેશની સરકારે કુંભના મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું છે. એને કારણે હજુ વધુ લોકો આવવા પ્રેરાશે અને ભીડ વિરાટ બનશે. ભીડનું કદ સનાતન ધર્મના પતાકા લહેરાવશે.
જે વાચક વિચાર કરતા ડરતો નથી એવા વાચકને બે સલાહ : એક, જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચે અવરોધ પેદા કરવામાં આવતો હોય એવા ધાર્મિક સ્થાનોમાં નહીં જવું. ભગવાન નારાજ નહીં થાય. એને નામે ધંધો કરનારાઓને અને સાચા ભક્તોને હેરાન કરનારાઓને નુકસાન નથી પહોંચાડતો તો તમને શું કામ નુકસાન પહોંચાડે? બે. ભીડ જોઇને સાવધાન થઈ જવું, કારણ ભીડ અને ધતિંગને સંબંધ છે.
ખેર, જે થઈ રહ્યું છે એ એક રીતે સારા માટે થઈ રહ્યું છે. નવનિર્માણ માટે વિનાશ જરૂરી છે. વિનોબા ભાવે કહેતા ગયા છે કે રાજકારણ અને ધર્મના દિવસો પૂરા થવામાં છે. એની અંદરની વિકૃતિ જ તેને ખતમ કરી નાખશે. જેમ પરિવારને પરિવારના લોકો જ ખતમ કરે છે એમ જે તે ધર્મને એ ધર્મના લોકો જ ખતમ કરી રહ્યા છે. પણ તો પછી નવનિર્માણ શેનું થશે? વિનોબાએ કહ્યું છે વિજ્ઞાન અને આધ્યાત્મનું. એ પછી માનવસમાજને પાછું ધાવણ મળતું થશે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2025