દક્ષિણ ભારતીય રાજ્યોમાં ધન વૈભવ, વિકાસ અને સારા વહીવટ છતાં ત્યાંના પ્રાદેશિક પક્ષોનો અભિગમ રાષ્ટ્રીય સ્તરે તેમને ધાર્યું મહત્ત્વ નથી અપાવી શકતો.
ચૂંટણીનાં પરિણામો આવી ગયાં, એક્ઝિટ પોલની ઐસીતૈસી પણ થઇ ગઇ અને જ્યાં જે અને જેને ગોઠવવાનાં હતાં એ બધું લગભગ લગભગ પાર પડ્યું છે. શપથ વિધિમાં દિપડો છે કે બિલાડી કે પછી કૂતરો એવી બધી ખબર પણ વાઇરલ થઇ અને બધું અંતે પત્યું. પણ અઢારમી લોકસભા ચૂંટણીમાં એવું ઘણું બધું થયું જે બહુ દેખીતા પરિવર્તનની શરૂઆત કહી શકાય. અહીં ભા.જ.પા.ના બહુમતની વાત નથી કે એ વાત પણ નથી કે અયોધ્યા અને રામ મંદિર વાળું પત્તું ધાર્યું પાર કેમ ન પડ્યું. અહીં આપણે આજે ફરી એકવાર દક્ષિણ ભારતનાં રાજકારણની વાત કરવાની છે. માળું દક્ષિણ ભારતનું રાજકારણ કોઇ એવા કોયડા જેવું છે જેના સાવ પ્રાથમિક લેવલ સુધી જવું પણ અઘરું છે. વળી દિલ્હીની બેઠક પર કોઇપણ બેઠું હોય, ત્યાંનું રાજકારણ દક્ષિણનાં રાજકારણમાં પોતાનો પગદંડો જમાવવામાં હંમેશાં પાછળ જ રહે છે. વળી દક્ષિણ ભારત અને ઉત્તર ભારતનાં રાજકારણમાં બહુ ફેર છે એવી ચર્ચાઓ એક કરતાં વધુ વાર થઇ ચૂકી છે. તો આ વાતને નકારતા વિધાનો પણ આવ્યા છે જેમાં એમ દાવો કરાયો છે કે દક્ષિણ અને ઉત્તર ભારતનાં રાજકારણમાં કોઇ ફેર નથી. આખરે દક્ષિણનાં રાજકારણની એવી કઇ બાબતો છે જે ઉકેલવી કે સમજવી અઘરી છે?
ભા.જ.પા. માટે દક્ષિણ ભારતમાં ઘુસવું બહુ જ અઘરું રહ્યું છે. લાંબા સમય સુધી દક્ષિણ ભારતે ભા.જ.પા.ને ઉત્તર ભારતીય પક્ષ તરીકે જ જોયો અને અથાક પ્રયત્નો પછી પણ કર્ણાટક સિવાય બીજે ક્યાં ય ભા.જ.પા.ને ધુસવા ન મળ્યું. 2019માં પણ દક્ષિણી રાજ્યોએ જ્યારે મોદી પ્રવાહમાં વહેવાનું ટાળ્યું ત્યારે ભા.જ.પા.ને તેની ગંભીરતા વધુ સારી રીતે સમજાઇ. આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળ્યાનો વાંધો તો હતો જ પણ તેની સામે કાઁગ્રેસે જગન મોહન રેડ્ડીના નેતૃત્વમાં એવી ગોઠવણ કરી કે બીજા કોઇ પક્ષ માટે કોઇ સંભાવનાઓ જ નહોતી. તમિલનાડુના દ્વવિડ પક્ષો સામે ભા.જ.પા.નું હિંદુત્વ ન ચાલ્યું અને સબરીમાલાના મુદ્દે કાઁગ્રેસને લાભ મળ્યો. જો કે 2024ની ચૂંટણીનાં પરિણામોમાં અમુક પરિવર્તનો નજરે ચઢ્યા.
પણ આ વખતે કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ભા.જ.પા.નું પ્રદર્શન સારુ રહ્યું. યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટનો ગઢ કહેવાતા કેરળમાં પણ ભા.જ.પે. એક બેઠક જીતીને પંદર વર્ષથી જ્યાં જરા ય જગ્યા નહોતી મળતી એવા ગઢમાં કાંગરો તો ખેરવ્યો. જો તામિલનાડુએ ભા.જ.પા.ને બરાબરનો પડકાર આવ્યો. જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હોવા છતાં તામિલનાડુએ ભા.જ.પા. સામે જરા ઢીલું ન મુક્યું.
દક્ષિણી રાજ્યોમાં શિક્ષણ, વહીવટ, ભ્રષ્ટાચાર, સામાજિક શાંતિ અને સ્થિરતા અન્ય રાજ્યો, ખાસ કરીને ઉત્તર ભારત કરતાં બહેતર રહ્યા છે. દક્ષિણ અને ઉત્તરના બે મુખ્ય રાજ્યોની વાત કરીએ તો સાંઇઠના દાયકાથી તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ વચ્ચે આવકને મામલે ખાસ્સો ફેર રહ્યો છે અને આજ તફાવત દક્ષિણ અને ઉત્તરમાં પૂર્ણપણે પણ નોંધાયો છે. દક્ષિણ ભારતીયો પોતાની ભાષાથી અલગ થવાનું પસંદ નથી કરતા એ એક ઉપરછલ્લું અવલોકન છે પણ તેનો ઊંડો અર્થ એ પણ થાય કે મૂળિયાં સાથે જોડાયેલા રહીને પણ વિકાસ, પરિવર્તન અને નવું કરવાની દિશામાં દક્ષિણ ભારતીય રાજ્યોએ પાછું વળીને નથી જોયું. આમ તો પિતૃસત્તાક માનસિકતા દક્ષિણમાં પ્રબળ છે છતાં પણ મહિલાઓમાં શિક્ષણ અને કારકિર્દીને મામલે દક્ષિણ ભારત ઉત્તર ભારત કરતાં વધુ ચઢિયાતું છે. સામાજિક પરિવર્તન હોય કે જ્ઞાતિવાદના પડકાર હોય એ બધાંની નાની-મોટી લડત સાથે દક્ષિણ ભારતનું યોગદાન હંમેશાં નોંધપાત્ર રહ્યું છે. વળી ઉત્તર ભારતીય રાજ્યોમાંથી કામ-ધંધા માટે જેમ લોકો મુંબઈ કે સુરત સ્થળાંતર કરતા હોવાનું નોંધાયું છે તે જ રીતે દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ સ્થળાંતર થયું છે. રાષ્ટ્રીય અર્થતંત્ર અને ટેક્સ રેવન્યુને મામલે દક્ષિણ ભારતનો ફાળો સારો એવો અને નિયમિત છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં આટલી સ્થિરતા, આર્થિક વિકાસ હોવા છતાં ય દક્ષિણ ભારતનું રાજકારણ રાષ્ટ્રીય સ્તરે એટલું પ્રભાવી નથી રહ્યું જેટલું હોવું જોઇએ. ભારતને સ્વતંત્રતા મળી એ પછીનાં વર્ષોમાં કે કામરાજ, સી.એન. અન્નાદુરાઇ, એમ.જી. રામચંદ્રન્, એન.ટી. રામા રાઓ અને આધુનિક સમયમાં કે કરુણાનિધિ, જે. જયલલિતા, પી. ચિંદમ્બરમ્, એચ.ડી. દેવગૌડા, એસ.એમ. કૃષ્ણા, વાય.એસ. જગમોહન રેડ્ડી, એન. ચંદ્રબાબુ નાયડુ, કે. ચંદ્રશેખર રાઓ જેવા નેતાઓએ પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકારણમાં કાઠું કાઢ્યું. છતાં પણ દક્ષિણ ભારત જાણે ખૂણો પાળીને પોતાના રાજકીય, સામાજિક અને આર્થિક વહીવટને બાકીનાં રાજકારણથી, ખાસ કરીને રાષ્ટ્રીય રાજકારણથી બચાવીને રાખવા માગતું હોય અથવા માગતું હતું એવું ચોક્કસ લાગે.
દક્ષિણ અને ઉત્તર ભારતનો ભેદ ઐતિહાસિક છે. દક્ષિણમાં દ્રવિડો તેમની ભાષા અને સંસ્કૃતિ રહ્યાં છે અને ઉત્તરમાં ઇન્ડો-યુરોપિયન ભાષા અને સંસ્કૃતિનો દબદબો રહ્યો છે. કમનસીબે એક વ્યક્તિ, એક વોટની ભારતીય રાજકીય ફિલસૂફીમાં સમૃદ્ધ દક્ષિણી રાજ્યોની રાજકીય સત્તા, ખાસ કરીને કેન્દ્રમાં ઓછી થઇ રહી છે. ઉત્તર ભારતમાં વસ્તી વધારે છે પણ આર્થિક શક્તિ પાંખી છે. દક્ષિણી રાજ્યોએ પહેલાં તો પોતાની પ્રાદેશિક ઓળખાણને કોટે વળગાડી રાખી પણ હવે આ રાજ્યોને એમ લાગે છે કે તેમનો વિકાસ અને શિક્ષણ સારા હોવા છતાં તેમને હાંસિયામાં ધકેલવામાં આવ્યા છે. જો કે આ બે ધારી તલવાર જેવું છે. પહેલાં ખૂણો પાળવો અ પછી કોઇ જોઇતું મહત્ત્વ ન આપે ત્યારે એમ કહેવું કે અમને કોઇ પૂછતું નથી એ પણ યોગ્ય તો નથી જ.
દક્ષિણમાં ભા.જ.પા.નું ઠીકઠાક પ્રદર્શન જે થયું તેમાંથી કોઇપણ રાષ્ટ્રીય પક્ષ ચાર બોધ લઇ શકે છે. સૌથી પહેલાં તો ઉત્તર ભારતીયો જે રીતે માને છે તેમ દક્ષિણ ભારત એક અલગ એકમ નથી. દરેક રાજ્યના પોતાના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિબળો છે જે મતદાન પર હંમેશાં પ્રભાવ પાડે છે અને તેને ગણતરીમાં લેવા અનિવાર્ય છે. આ કારણો મહત્ત્વનાં કારણ રહ્યાં જેને કારણે ભા.જ.પે. દક્ષિણના દરેક રાજ્યમાં વોટ શેર અને જીતના સંદર્ભે વિરોધાભાસી પ્રદર્શન કર્યું છે. વળી પ્રાદેશિક પક્ષો ભલેને ખોટું લાગાડીને બેઠેલી વહુ જેવો વેહવાર કરે પણ તેમની અવગણના કરવાનું કોઇપણ રાષ્ટ્રીય પક્ષને પોસાય એમ છે જ નહીં. TDP અને JS આ બન્ને પક્ષે આ વાત સિદ્ધ કરી છે. વળી જે નેરેટિવ આપવામાં ભા.જ.પા. નિષ્ણાત છે તે નેરેટિવથી કે રાજનૈતિક વિધાનો કરવાથી વોટ મળી જશે પણ એ વોટ બેઠકમાં ફેરવાશે એવી કોઇ ગેરંટી નથી હોતી. આ મામલો કેરળ અને તમિલનાડુએ ભા.જ.પ.ને બરાબર સમજાવી દીધો. એક સમયે દક્ષિણ ભારતમાં ફિલ્મસ્ટાર્સના ચેહરાઓથી ચૂંટણી જીતી શકાતી હતી એવું હવે નથી રહ્યું. આ બાબતના પુરાવા ભા.જ.પા.ને કેરળ અને આંધ્રમાં ફિલ્મસ્ટાર સાથે જોડાયા પછી મળ્યા. આ ચૂંટણી પરિણામો એ વાતની સાબિતી આપે છે કે ભા.જ.પા. માટે દક્ષિણ ભારતમાં બારી તો ખૂલી છે પણ હજી દરવાજા નથી ખૂલ્યાં.
બાય ધી વેઃ
આપણો દેશ સામાજિક ગોઠવણમાં બહુસ્તરીય છે અને માટે જ એક ભારતમાં અનેક ભારત વસે છે એ રીતે જ આપણે રાજકીય સંજોગો પણ નાણવા પડે. દરેક ભારતને પોતાનો હિસ્સો જોઇતો હોય તે સ્વાભાવિક છે પણ એને માટે જરૂર પડ્યે હાથ મિલાવવા પણ પડે. લાંબા સમય સુધી દક્ષિણી રાજ્યોએ એવો જ અભિગમ રાખ્યો કે તેમના રાષ્ટ્રીય રાજકારણમાં બહુ મહત્ત્વ નહીં મળે તો ચાલશે કારણ કે ઘર આંગણે તેમની પકડ સખત છે, પણ સમય બદલાયો છે અને તેમનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય રાજકારણમાં કેવી રીતે વધારવું એવો વિચાર દક્ષિણ ભારતીય રાજનેતાઓને રહી રહીને આવતો હોય તેવું લાગી રહ્યું છે. પ્રાદેશિક પક્ષો પણ કેન્દ્રમાં પોતાની પકડ સાવ ઓછી થઇ જાય એવું તો ન જ ઇચ્છતા હોય. ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનું મહત્ત્વ કેન્દ્રમાં સંતુલિત રહે એ જે – તે શાસક પક્ષે પણ પોતાનું સિંહાસન ડોલતું અટકાવવા માટે ગણતરીમાં લેવી પડે એવી બાબત છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જૂન 2024