આમ જુઓ તો એને અને આને સીધો સંબંધ કશો નહીં. પણ આપણે ત્યાં ઇતિહાસના અને એવા અભ્યાસક્રમમાં ફેરબદલની કવાયત ચાલે છે એમાંથી અમથું જ પુતિનના રશિયાનું સ્મરણ થઈ આવ્યું.

પ્રકાશ ન. શાહ
વાત એમ છે કે થોડાં વરસ પર પુતિન શાસને એક તબક્કે સોલ્ઝેનિત્સિન કૃત ‘ગુલાગ આર્કિપેલાગો’નો અભ્યાસ સોળસત્તર વરસની વયના છાત્ર સારુ ફરજિયાત જેવો બનાવ્યો હતો … મન પણ માળું મસ્તીલું મર્કટ શું છે : સોળસત્તર કહ્યું ન કહ્યું ને ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક’નું પેલું નખરાળું ગીત સાંભરી આવ્યું કે યુ આર સિક્સટીન એન્ડ ગોઈંગ ઓન સેવન્ટીન. પ્રેમમાં પડવાની મુગ્ધ વયે ધાર્યું ભણાવ્યું પણ કદાચ ઠીક પાર ઉતરે એમ પુતિન તંત્રે માન્યું હશે? ભલે ભાઈ, કેચ ધેમ યંગ!
રહો, મારે નોબેલ પુરસ્કૃત સોલ્ઝેનિત્સિનની આ કિતાબ વિશે થોડીક વાત કરવી જોઈએ. સામ્યવાદી રશિયામાં તો એનું પ્રકાશન શક્ય નહોતું. 1973-75નાં વરસોમાં ત્રણ ખંડમાં વિસ્તરેલ ‘ગુલાગ’નું પ્રથમ પ્રકાશન પેરિસથી થયું. એના પહેલા ભાગની પચાસીના આ દિવસો છે, અને સ્વાભાવિક જ પુસ્તક ને લેખક બેઉ ચર્ચામાં છે. એના વસ્તુ વિશે કહું તે પહેલાં એમની એક શરૂઆતની ચોપડી સંભારી લઉં? ‘વન ડે ઈન ધ લાઈફ ઓફ ઈવાન ડેનિસોવિચ’માં સોવિયેત તંત્ર એને અણગમતા ને નહીં ખપતા લોકોને જે સિતમચક્કી ને શ્રમછાવણી જેલોમાં ધરાર ગોંધતું એમાં એક એક દિવસ કેવો તાવણીભર્યો જતો એનું આ નવલચિત્ર છે. સોલ્ઝેનિત્સિને લખ્યું છે કે એના પ્રકાશન સાથે મારા પર પત્રોનો મારો ચાલ્યો. જુલમ ને સિતમનો ભોગ બનેલા કંઈકેટલાંયે પોતાનાં દિલ ખોલ્યાં ને દાસ્તાં સુણાવી. લાકડિયો તાર ફરી વળ્યો. જાણે લાંબા મૌન પછી કશાંક બેતાર પૂર રેલાયાં ન હોય! એમાંથી સોલ્ઝેનિત્સિનને ખુદ પોતાના આઠ વરસ અને આવી અનેક ગુમનામ જિંદગીઓનાં વરસોવરસ અક્ષરબદ્ધ કરવાનો તીવ્ર ઇતિહાસધક્કો વાગ્યો.
કોઈ બોય મીટ્સ અ ગર્લ તરેહની કે પછી મિલ એન્ડ બુનની અગર તો ખાધુંપીધું ને રાજ કીધું એવી વાર્તાઓ નહીં પણ દર્દનાક વાસ્તવ તળે ઘડી ચંપાતાં ઘડી ખૂલતાં આપોપાંનાં બયાન એ સૌ હતાં. આમ તો એમનું સિતમમાં સડવું ને જીવતેજીવત આડાઊભા વહેરાવું એ લેનિન-સ્તાલિને ‘કચરો’ વહેવડાવવા ઊભી કરેલી ગટર વ્યવસ્થા હતી.
સોલ્ઝેનિત્સિનના અક્ષરતળ અને એકંદર ભૂમિકા વિશે ઘડી રહીને કહીશું. પણ અહીં સહેજ ખમી ખાઈને પેલો સવાલ પૂછી લઈએ કે પુતિન બહાદુરને એ ભણાવવામાં કેમ રસ પડ્યો હશે. લેનિન-સ્તાલિન બાદ ખ્રુશ્ચોફ કાળમાં કેટલીક રાહત જરૂર થઈ. જો કે ખ્રુશ્ચોફ પણ પ્રસંગે ધરાર કહેતા કે ખૂંધિયાની ખૂંધ તો કબરમાં જ સરખી થાય. ગોર્બાચોફ સાથે પેરેસ્ત્રોઈકા (નવનિર્માણ) અને ગ્લાસનોસ્ત (ખુલ્લાપણું) પ્રભાવકપણે ઊપસી આવ્યાં. તે પછી યેલ્ત્સિન, ને હાલ પુતિન.
પુતિનની પૂર્વ કારકિર્દી કે.જી.બી.ની છે. આંતરિક સુરક્ષા, વિદેશી ગુપ્તચર તંત્રની ભાળ વગેરેની આડશે જે નિર્ઘૃણ ડંડાશાહી ચાલતી, પુતિને એમાં પોતાની રાજકીય રોટી પકવેલી છે. એટલે ‘ગુલાગ’ના પ્રચાર-પ્રસાર વાટે પોતે જેના લાભાર્થી છે તે સ્તાલિન આદિની પોલીસ પરંપરા બાબતે લોકોને માહિતગાર કરી તેને મુકાબલે પોતાને મુક્તિદાતા રૂપે આગળ કરવાનીયે ગણતરી ખરી. પણ ગુલાગને થોડાં વરસ શિક્ષણમાં મળ્યાં ન મળ્યાં, અને હવે વૈકલ્પિક વિષયોની વાત ચાલે છે. કારણ, પુતિનને ભય પેઠો છે કે આગલા કરતાં પોતાની સૂરતમૂરત સરખી ઉપસાવવાની ચેષ્ટા જો લોકોમાં પુતિનના પૂર્વ જીવન વિશે સભાનતા પ્રેરે તો?
ખેર, સોલ્ઝેનિત્સિન તો 2008માં ગયા. પણ ‘ગુલાગ આર્કિપેલાગો’ લખવા પાછળ એમનો ખયાલ કેવળ સિતમકહાણીએથી ઊગી એમાં જ આથમતો નહોતો. કશાક અમાનુષી રાજકીય-શાસકીય પર્દાફાશની સટાક જલદૂડી (ક્વિકી) લખવાનું એમનું વલણ નહોતું. આવું અમાનુષી સિતમ તંત્ર દાયકાના દાયકા ચાલી શકે તે પ્રક્રિયા માત્ર તંત્રગત નથી પણ શુભ અને અનિષ્ટ વચ્ચેની ભેદરેખા મનુષ્યમાત્રના હૃદયમાંથી પસાર થાય છે. આ રેખામાં દુષ્ટમાં દુષ્ટ વૃત્તિઓ વચ્ચે ક્યાંક નાના બિન્દુ શા શુભને તો અત્યંત ઉદાર હૃદયભાવો વચ્ચે અનિષ્ટનેય અવકાશ રહેતો હોય છે. કંઈક આવી સમજ સાથે સોલ્ઝેનિત્સિનનું મૂળગામી અવલોકન એ છે કે જ્યારે આખી પ્રજા કોઈ વિચારધારાના ને સત્તાતંત્રના ભરડામાં આવી જાય છે ત્યારે એક જ ઓરડામાં સાથે સાથે રહેતા ફાંસીગર અને કેદી બેઉને આ હત્યા (અને હત્યાવું) ધર્મ્ય લાગે છે. ચપટીક શુભ ને ચપટીક અનિષ્ટ બેઉ એનાથી એવાં અથાઈ જાય છે કે પછી પુનર્વિચાર સારુ કશો અવકાશ ને હોશકોશ રહેતા નથી.
સોલ્ઝેનિત્સિન કહે છે કે શેક્સપીયરના ‘મેકબેથ’માં આપણે ખૂન પર ખૂન જોઈએ છીએ. પણ એ આંકડો બહુ આગળ વધી શકતો નથી, કેમ કે એનાં પાત્રો પાસે એ બળ અને તંત્ર નથી જે વિચારધારાંધ હોવાથી આવે છે.
મેં ઇતિહાસમાં ફેરબદલ તરેહની કવાયતથી વાતની શરૂઆત કરી, પણ એ અંગેનું તંત્ર બેલાશક સોવિયેત સિતમશાહી સાથે સરખામણીમાં નથી. પણ રશિયામાં કે લોકશાહી અમેરિકામાં પણ આજે જે ઉદ્યમ ચાલે છે તે સત્તાવાર ધોરણે એક ચોક્કસ રાજકીય કથાનક ખડું કરવાનો છે. આ સત્તાવાર કથાનક સાથે પ્રચારતંત્રવશ નાગરિકમાત્ર તેને પાયેલ પાણી પીવે છે અને દેખાડ્યું દેખે છે.
ઝુઝારુ ચિંતક ચોમ્સ્કી આપણા સમયને એ રીતે પ્રાયોજિત-વિનિર્મિત સંમતિ(મેન્યુફ્રેક્ચર્ડ કન્સેન્ટ)ના સમય તરીકે ઓળખે છે. આપણે ત્યાં પણ સ્વતંત્ર વિચારનાં થાણાં ને ઠેકાણાં ઓજપાતાં જાય છે ત્યારે ગ્લાસનોસ્ત ને પેરેસ્ત્રોઈકા છતાં રશિયાની પરિસ્થિતિ કે લોકશાહી અમેરિકામાં ટ્રમ્પ સાથે અનુસત્યની અનવસ્થા અને એની ચાલુ ધારા, આ બધાં સામે સોલ્ઝેનિત્સિનના ‘ગુલાગ આર્કિપેલાગો’ની પચાસી ઠીક ઇતિહાસબોધ લઈને આવે છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 મે 2023