Opinion Magazine
Number of visits: 9667106
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રૂમઝૂમ

ઉમેશ સોલંકી|Poetry|22 September 2023

ઉપરથી સરળ જળ ખળખળ અવતરતું

બાલસહજ મલકમલક ઉછલતું

ના ઠરે, આથડે, પથ ઘડે ને દડે

નવ-ધવલ વસન સહ રમત કરતું

(ધવલ – સફેદ, વસન – વસ્ત્ર))

ઉપરથી સરળ જળ ખળખળ અવતરતું

બાલસહજ મલકમલક ઉછલતું.

લટકમટક નપુર-સુરવ-ધર ત્વરિત ચલત

(નપુર – નૂપુર)

તટ પર ચલિત તરુવર-નટ નરતે

પવનકર નિરમલ જલ-ગવન પલ પકડે

(પરવનકર – પવનનો હાથ, ગવન – વસ્ત્ર)

પલિક છોડે પલ પલ પરિવરતે

(પલિક – ક્ષણિક)

ચુંબનો વિહગગણ તીર-કેશ કરતા

(વિહગગણ – પક્ષીઓ, તીર – કિનારો)

લઈ જલદ-મદદ રવિ અજબ વરતે.

(જલદ-મદદ – વાદળની મદદ, રવિ – સૂર્ય)

ભલે

હશે

આમ પણ લટકમટક માફક આવે છે કોને?

માફક આવે જેને એની પરવા છે કોને?

ન માફક આવે જેને

એને માફક આવે છે નિયમ

કોંક્રિટનો તોતિંગ નિયમ

નિયમમાંથી નીકળે નાના નિયમ

નિયમ એટલે શણગાર

શણગાર એટલે રૂમઝૂમ

રૂમઝૂમ ગામ પડખેથી જાય શહેર પડખેથી જાય

જાય જાય છેક ખેતર પડખેથી જાય

ખેતર તોય ઉદાસ

રૂમઝૂમને તો ખેતર વહાલું

ખેતરમાંનું નાનું તેતર વહાલું

ગામ વહાલું ગામેતર વહાલું

પણ વહાલ આડે દલાલ ઊભો

જગા નથી તોય ધરાર ઊભો

વાહ રે વાહ, વાહ રે વાહ!

સદીઓથી જેને ‘માતા’ કહી

દલાલે એને ગણિકા કરી

દંભદેશે ગણિકાને શાનાં માન

દલાલની આંગળી માય ને બાપ

આંગળીમાં ડોલતું ખિસ્સાનું જોર

જોરને પોષે ગોચર-ચોર

જોરને પોષે ગોચર-ચોર, ગોચર-ચોર

રૂમઝૂમને રૂમઝૂમ થવું ગમે

આંગળી તો શું ન આંગળીનું ટેરવું ગમે

રૂમઝૂમ કલકલ વિચાર કરે છે

આંગળી રાખી અંધારે અંધારામાં દરાર કરે છેઃ

“ખેતર કરશે ગામ કરશે

 રૂમઝૂમ માટે કમાલ કરશે

 આજ ભલે ચૂપચાપ છે

 એક સવાર એવી આવશે

 ભેગા મળી સૌ ધમાલ કરશે”

રૂમઝૂમ કલકલ વિચાર કરે છે

આંગળી રાખી અંધારે અંધારામાં દરાર કરે છે.

e.mail : umlomjs@gmail.com

Loading

કેનેડાના આરોપો ફગાવીને ભારતે યોગ્ય જ કર્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 September 2023

રવીન્દ્ર પારેખ

G20 સમિટમાં ભારતની મહેમાનગતિ માણીને, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, કેનેડાની સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ કૉમન્સમાં શેર થઈ ગયા અને ભારત વિરુદ્ધ એવી શેખી મારી કે શીખ સમુદાયના નેતા હરદીપસિંહ નિજજરની હત્યા ભારતે કરાવી છે, એટલું ઓછું હોય તેમ, કેનેડાના વિદેશ મંત્રી મેલેની જોલીએ ભારતના ડિપ્લોમેટને ભારત ખદેડી મૂક્યાની વધામણી પણ ખાધી. ભારતે આવા મનઘડન્ત આરોપોને સત્વરે ફગાવી દીધા છે અને વિદેશ મંત્રાલયે કેનેડાના હાઇ કમિશનરને પાંચ દિવસમાં ભારત છોડવાનો આદેશ પણ આપ્યો છે. આવા આરોપો કેનેડિયન વડા પ્રધાન ટ્રુડોએ G20 દરમિયાન પણ વડા પ્રધાન મોદી સાથેની પુલ-અસાઈડ બેઠકમાં કર્યા હતા ને ત્યારે પણ વડા પ્રધાને એ તમામ આરોપો ફગાવી દીધા હતા. ભારતે કેનેડિયન વડા પ્રધાન ટ્રુડો સામે શીખ ત્રાસવાદીઓને કેનેડા આશરો આપે છે એ આક્ષેપ પણ એ બેઠકમાં કર્યો હતો, જેનો કોઈ ઉત્તર મળ્યો ન હતો, વધારામાં, 10 સપ્ટેમ્બરે જ કેનેડાએ ભારત સાથે ફ્રી ટ્રેડ ડીલ પર વાટાઘાટો ટાળી હતી, તો ભારતે પણ અન્ય બાબતોનો ઉકેલ ન આવે ત્યાં સુધી વેપાર કરાર પર બ્રેક મારી છે.

ગયા જૂનની 18મી તારીખે પીઢ શીખ અલગતાવાદી ને મોસ્ટ વોન્ટેડ નેતા હરદીપસિંહ નિજજરની, સરે શહેરમાં, બે અજાણી વ્યક્તિઓએ, ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરી હતી, નિજજર એ ગુરુદ્વારાના વડા પણ હતા. નિજજરને માથે આમ તો દસ લાખનું ઈનામ પણ હતું, તો ય એ હત્યારાઓ ભારતીય એજન્ટો હોવાનો કેનેડિયન વડા પ્રધાનનો આરોપ બધી રીતે સત્યથી વેગળો છે. એ ખરું કે ખાલિસ્તાન સમર્થકોએ નિજજરની હત્યામાં ભારતની ગુપ્તચર એજન્સી RAWનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો, પણ કેનેડા સરકારે એ ન ભૂલવું જોઈએ કે એ આરોપ ખાલિસ્તાન સમર્થકોએ લગાવ્યો છે. એની તપાસ કર્યા વગર કેનેડિયન સરકાર સીધો ભારત પર આરોપ લગાવે એમાં ઉતાવળ છે. એ પણ જોવાનું રહે કે કેનેડામાં કોઈકે ત્રાસવાદી નેતાની હત્યા કરી, એમાં કેનેડા વિરોધી પ્રવૃત્તિ થઈ એવું કેનેડિયન સરકાર કઇ રીતે માને છે? ત્રાસવાદીઓને રક્ષણ આપવાનો કેનેડાનો ઇજારો હોય તો વાત જુદી છે કે એક નાગરિકની હત્યાનો કેનેડા જરૂર અફસોસ કરી શકે, પણ, એક ત્રાસવાદી ઓછો થયો હોય તે આરોપ મૂકવાનું કારણ ન બનવું જોઈએ, તે પણ કોઈ નક્કર પુરાવો કેનેડિયન સરકાર પાસે ન હોય ત્યારે ! કેનેડિયન સરકાર આ મામલે તપાસ કરાવી રહી છે એવું કહે ત્યારે રમૂજ એ વાતે થાય છે કે તપાસ પૂરી થયા પછી આરોપ મૂક્યો હોત તો કોઈ વજૂદ પણ હોત ! કેનેડાની એ વાત સાથે સંમત થવાય કે કેનેડાની ધરતી પર કોઈ નાગરિકની હત્યામાં વિદેશી સરકારની સંડોવણી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. જે પણ દેશ આવું કરે તેનો નકાર જ હોય, પણ એ દેશ ભારત જ છે એવું માનવાનાં કયાં કારણો કેનેડા પાસે છે એનો કોઈ ખુલાસો નથી.

જો કે, કેનેડિયન વડા પ્રધાનને કાચું કપાયાનું લાગ્યું હોય કે કેમ, પણ ભારતની તીવ્ર પ્રતિક્રિયા સામે તેઓ થોડા નરમ પડ્યા હોય તેમ ઉમેર્યું કે અમે ભારતને ઉશ્કેરવા માંગતા નથી કે વાત આગળ વધે એવું પણ નથી ઇચ્છતા, પણ એક કેનેડિયન નાગરિકની હત્યા થઈ છે ત્યારે તેને ગંભીરતાથી લેવાય ને તેનો જવાબ મળે તે અપેક્ષિત છે. આવું કહેવામાં પણ કેનેડિયન વડા પ્રધાનના મનમાં એ વાત તો પડેલી છે જ કે ભારતનો ક્યાંક હાથ છે, નહીં તો ભારત કેનેડિયન નાગરિકની હત્યાને ગંભીરતાથી લે – એવું કહેવાનું કેનેડા પાસે કારણ જ કયું છે? હત્યાનો જવાબ ભારત પાસેથી જ મંગાય છે, એમાં પણ ઊંડે ઊંડે ભારત ક્યાંક સંડોવાયેલું છે એ વાત ટ્રુડોનાં મનમાં પડેલી છે.

ફ્રીડમ ઓફ સ્પીચને નામે જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાન સમર્થકોનો બચાવ કરે છે. કેનેડાના ખાલિસ્તાનીઓએ મંદિરોની તોડફોડ કરી છે, ભારત વિરોધી નારેબાજી કરી છે, ભારતીયોને મારવાનાં પોસ્ટરો લગાવ્યાં છે, ભારતે 40 ખાલિસ્તાની આતંકીઓની યાદી આપી છે, નિજજરનાં પ્રત્યાર્પણ અંગે પણ ભારતે આગ્રહ રાખ્યો હતો, પણ આ બધાં અંગે કેનેડિયન સરકારે કોઈ પગલાં ભરવાનું મુનાસિબ માન્યું નથી. સાચું તો એ છે કે જસ્ટિન ટ્રુડો વોટ બેન્કની રાજનીતિ કરી રહ્યા છે. જૂનમાં ઑન્ટારિયો શહેરમાં એક પરેડ નીકળી હતી, પરેડના એક ફ્લોટમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા પૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીની હત્યાનું મહિમા મંડન કરવામાં આવ્યું હતું. આ મામલે ભારતે વાંધો ઉઠાવ્યો, પણ કેનેડિયન સરકારે તો તે અંગે મૌન જ સેવ્યું છે.

કેનેડાની વસતિ 3.89 કરોડ છે, એમાં ભારતીય મૂળના 24 લાખ લોકો છે. એમાં શીખોની વસતિ 8 લાખ છે. 338 સાંસદોમાં ટ્રુડોની સરકાર સહયોગી ન્યુ ડેમોક્રેટિક પાર્ટી પર ટકેલી છે. ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ જગમિત સિંહ ખાલિસ્તાનના સમર્થક છે. આ સ્થિતિ હોય ત્યાં ટ્રુડો ઈચ્છે તો પણ ખાલિસ્તાન સમર્થકોની સામે ન પડી શકે. કોઈ પણ દેશ હવે સત્તા ટકાવવા એ બધાં જ સમાધાનો કરે છે, જે તેની આઈડિયોલોજીની વિરુદ્ધ હોય. કેનેડા પણ એમાંથી બાકાત નથી. એ હકીકત છે કે કેનેડિયન સરકાર ખાલિસ્તાનીઓના દબાવમાં છે, એટલે ભારતની સામે પડવું પડે તો તે કેનેડાની લાચારી છે. કેનેડાએ આતંકી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવું હોય કે આતંકીઓને આશરો આપીને બીજું પાકિસ્તાન બનવું હોય તો તે તેની પસંદગી છે, પણ તેનો અર્થ એવો હરગીઝ નથી કે તે કોઈ પણ તપાસ વિના ભારત પર નિજજરની હત્યાનો આરોપ મૂકે.

એટલું છે કે વડા પ્રધાન ટ્રુડો ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કૈં કરી શકે એમ નથી. આમ થવામાં જસ્ટિનના પિતા પ્રાઇમ મિનિસ્ટર પિયરે ટ્રુડો જવાબદાર છે. 1982માં ભારતીય વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ આતંકવાદી તલવિંદર સિંહને, ભારતમાં બે પોલીસ મેનની હત્યા કરવા સંદર્ભે, ભારતને સોંપવાની વિનંતી પિયરેને કરી હતી, પણ તે વાત પિયરેએ માની નહીં ને પાછળથી એ જ તલવિંદરે 23 જૂન, 1985 ને રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ મૂકીને 329 લોકોને ઉડાવી દીધા હતા, જેમાંથી 268 તો કેનેડિયન નાગરિકો હતા. એ જ પરિસ્થિતિ જસ્ટિનના વખતમાં પણ આવી. નિજજરનું પ્રત્યાર્પણ કરવાની ભારતની માંગ તેમણે એટલે ઠુકરાવી કે 2025માં થનાર ઇલેક્શનમાં ટ્રુડોને ખાલિસ્તાનીઓનું સમર્થન અનિવાર્ય છે. જસ્ટિન ટ્રુડોના 157 સાંસદોમાં 13 સાંસદો શીખ સમુદાયના છે એમાંથી 4 તો ટ્રુડોની કેબિનેટમાં છે. ટૂંકમાં, ટ્રુડોની સરકારમાં 18 શીખ સાંસદોને અવગણવાનું ટ્રુડોને કોઈ રીતે પરવડે એમ નથી. જો કે, ભારત પર નિજજરની હત્યાનો આરોપ મૂકાતા કેનેડાના અને અન્ય દેશોનાં ખાલિસ્તાન સમર્થકો ઉત્સાહમાં આવી ગયા છે.

ગયા વર્ષથી યુ.કે., યુ.એસ., કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્વતંત્ર ખાલિસ્તાન રાજ્યની હિમાયત કરતો લોકમત યોજવામાં આવ્યો. ભારતે આવા લોકમત અંગેનાં જોખમો જણાવ્યા હોવા છતાં આ દેશની મતલબી સરકારોએ લોકમતને લોકતાંત્રિક ગણાવી તેને મંજૂરી આપી. આવું કરવાનો આ દેશોને કોઈ અધિકાર ન હતો. ખાલિસ્તાનની અલગ માંગ એ ભારતનો મુદ્દો છે. તેને મંજૂરી આપવી કે ન આપવી એ ભારતનો અધિકાર છે, તેની દલાલી કોઈ પણ દેશ ભારત વતી ન કરી શકે, પણ આજનું વૈશ્વિક રાજકારણ વોટ બેન્ક પર ટકેલું છે. તમામ સરકારો તેને અનુસરવા કોઈ પણ અનીતિ આચરતાં અચકાતી નથી, ત્યાં એકલાં કેનેડાનું શું રડવું?

કેનેડાની નાદાનિયતનું પરિણામ એ આવ્યું છે કે ભારતે અહીંથી જતાં અને ત્યાં રહેતાં ભારતીયોને અત્યંત સાવધાનીથી વર્તવા જણાવ્યું છે, તો શીખ ફોર જસ્ટિસ-SFJએ ભારતીય મૂળનાં હિન્દુઓને તત્કાળ કેનેડા છોડવાનો આદેશ આપ્યો છે. બને કે કેનેડિયન સરકારને પૂછવાની જરૂર પણ SFJને ન લાગી હોય. એટલું નક્કી છે કે કેનેડિયન સરકારને ખાલિસ્તાનીઓને છાવરવાનું ભારે પડવાનું છે, પણ એ સમજાય એ પહેલાં ભારત-કેનેડા સંબંધો વણસી રહે એમ બને. આટલા વિરોધ છતાં 25 સપ્ટેમ્બરે કેનેડામાં ખાલિસ્તાનના સમર્થનમાં રેલી નીકળવાની છે ને એ હિંસક હશે એવી આશંકા સેવાય છે.

આમ તો ખાલિસ્તાન આંદોલન 1929માં થયું હતું. મોતીલાલ નહેરુએ લાહોર અધિવેશનમાં સંપૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ એનો ત્રણ પ્રકારના જૂથોએ વિરોધ કર્યો હતો, તેમાં એક જૂથ તારા સિંહનું શિરોમણિ અકાલી દળનું હતું. તારા સિંહે પહેલી વખત શીખો માટે અલગ રાજ્યની માંગ કરી હતી. 1947માં એ માંગ આંદોલનમાં ફેરવાઈ. 19 વર્ષ સુધી અલગ રાજ્યની ચળવળ ચાલી ને 1966માં ઇન્દિરા ગાંધીની સરકારે પંજાબને ત્રણ ભાગમાં વહેંચવાનો નિર્ણય કર્યો. એક, શીખોની બહુમતીવાળું પંજાબ, હિંદીભાષી લોકો માટે હરિયાણા અને ત્રીજો ભાગ તે ચંડીગઢ. આ પછી પણ કેનેડા અને યૂરોપમાં રહેતા અલગતાવાદીઓ 40 વર્ષથી ખાલિસ્તાનની માંગ કરી રહ્યા છે.

આ દેશની એ કમનસીબી છે કે એકતાની વાત કરનારા ભારતીયો એકજૂથ થઈને રહેવા ઇચ્છતા નથી. એવું નથી કે માંગ ખાલી ખાલિસ્તાનની જ છે, દક્ષિણનું અલગ રાજ્ય અરે, દ્રવિડિયન દેશની માંગ પણ અગાઉ થઈ ચૂકી છે. બાકી હતું તે 5 જુલાઇ, 2022 ને રોજ ડી.એમ.કે. નેતા એ. રાજાએ તમિલનાડુને ‘સ્વાયત્ત રાજ્ય’નો દરજ્જો આપવા કેન્દ્રને રજૂઆત કરી હતી ને સાથે એવી ચીમકી પણ આપી હતી કે એવું નહીં થાય તો સ્વતંત્ર દેશની માંગણી માટે મજબૂર થવું પડશે. આવી માંગણીઓ ભારતની એકતા પર મોટું પ્રશ્નચિહ્ન લગાવે છે. એ દુ:ખદ છે કે અલગ ખાલિસ્તાનની માંગ વિદેશની ધરતી પરથી થાય છે. વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની મૂકીને આપણે પોરસાઈએ છીએ, પણ રાજ્યોનાં એકીકરણનાં એમના પ્રયત્નોને ભૂલી જઈને અલગતાવાદી વિચારો સફળ થાય એનો મહિમા કરીએ છીએ. વધારે જોખમી તો એ છે કે જેને સીધી લેવા દેવા નથી એવું કેનેડા પણ, ખાલિસ્તાનીઓની સેવામાં ઊભું છે. આખા દેશમાંથી ખાલિસ્તાનની માંગણીનો અને તેનું સમર્થન કરતાં કેનેડાનો સાર્વત્રિક વિરોધ ઊઠવો જોઈએ…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 સપ્ટેમ્બર 2023

Loading

ચાલો, હરારી પાસે – 24 :  આપમૅળે ડેટાની ચોખ્ખાઈ

સુમન શાહ|Opinion - Opinion|21 September 2023

સુમન શાહ

આ પહેલાના લેખમાં મેં જણાવ્યું હતું કે ‘એ.આઈ.’ આપમૅળે ડેટા કલેક્ટ કરી શકે છે, આજે એ જણાવું કે ‘એ.આઈ.’-નો ડેટા ચોખ્ખો થઈ શકે છે; એની જોગવાઈ અનેકશ: થયેલી છે.

પણ ડેટાકલેક્શન વિશે કેટલીક ધ્યાનપાત્ર વાતો ઉમેરી લઉં : ડેટા ‘એ.આઈ.’ આપમૅળે કરી શકે છે છતાં એમાં માણસનો અમુક સહયોગ જરૂરી છે. સહયોગ બે બાબતે જરૂરી છે : ૧ : ‘એ.આઈ.’ ડેટાકલેક્શન માટે વાપરી શકે એવાં માણસે એને ઑલ્ગોરીધમ્સ સરજી આપવાં જોઈશે : ૨ : ‘એ.આઈ.’ પોતાનાં મૉડેલ્સને તાલીમ આપી શકે એ માટે માણસે એને અન્ય ડેટા પણ આપવો જોઈશે.

સંભવ છે કે માણસના આ સહયોગનું દુષ્પરિણામ આવે. કેમ.કે એ પ્રાણી જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પોતાનું પોત પ્રકાશ્યા વિના જંપતું નથી. માણસે દાખવેલો સહયોગ પૂર્વગ્રહદુષ્ટ હશે તો ‘એ.આઈ.’ આપોઆપ પૂર્વગ્રહદુષ્ટ થઈ જશે. દાખલા તરીકે, એને અમુક વર્ગના લોકોના ફોટોઝનો ડેટાસૅટ અર્પાયો હોય, તો ‘એ.આઈ.’ એ વર્ગના લોકોને જ ઓળખશે. ટૂંકમાં, માણસે એને જે ચશ્માં પ્હૅરાવ્યાં હશે એથી જે દેખાય તે જ જોશે.

એટલે, કેટલીક સાવધાની રાખવી જરૂરી છે : પહેલું એ કે ’એ.આઈ.’ જે ડેટા કલેક્ટ કરે તે પૂર્વગ્રદુષ્ટ ન જ હોવો જોઈશે. બીજું એ કે ડેટા ઉચ્ચ ગુણવત્તાવાળો હોવો જોઈશે, એમાં ભૂલો કે અવાજો ઘૂસી ગયાં હોય તે ન ચાલે. ત્રીજું એ કે ડેટાકલેક્શન માટે લોકોની સમ્મતિ માગવામાં આવી હોય કે ન આવી હોય, તોપણ બધી જ ‘એ.આઈ.’ સિસ્ટમ્સે લોકોની અંગતતા જાળવવી જોઈશે, અને એ માટે ડેટાને સલામત પ્રકારે સ્ટોર કરવો જોઈશે.

++

‘એ.આઈ.’-માં મુકાયેલો ડેટા ચોખ્ખો ન હોય તો થઈ શકે છે, અને એમાં મનુષ્યની સહાયની જરૂર નથી પડતી.

જેમ કે, નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગનાં ઑલ્ગોરીધમ્સનો વિનિયોગ થાય એટલે ભાષિક ટૅક્સ્ટના અર્થની ભૂલો, જોડણી અને વ્યાકરણની કે વિરામચિહ્નોની ભૂલો, વગેરે જાણવું અને એ બધું સુધારવું, આપોઆપ થઈ જતું હોય છે. નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગનાં ઑલ્ગોરીધમ્સનો વેપારમાં પણ ઉપયોગ થતો હોય છે. એ ઑલ્ગોરીધમ્સથી એવું મૉડેલ વિકસાવી શકાય છે જે ઉત્પાદનો વિશેના ગ્રાહકોના કે નિષ્ણાતોના રીવ્યુઝમાંથી માહિતી આપમૅળે ખૅંચી શકે છે.

જેમ કે, ડેટા-વૅલિડેશનના નિયમો પકડી શકે છે કે ડેટા ચૉક્કસ માનદણ્ડ અનુસારનો છે કે કેમ. ન હોય તો બદલી કે હટાવી દે છે. એ નિયમોનો વેપારમાં પણ ઉપયોગ થતો હોય છે. એ નિયમોથી નક્કી થાય કે ગ્રાહકસમ્બન્ધી બધો ડેટા સુસંગત ફૉરમેટમાં છે કે નહીં.

જેમ કે, મશીન લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સને અપાયેલી તાલીમથી ડેટામાં રહેલી ‘ટાઇપો’ અને કેટલીક વિસંગતિઓ વગેરે ભૂલચૂકો પકડાઈ જાય છે અને એ બધું સુધરી શકે છે. એ ઑલ્ગોરીધમ્સનો વેપારમાં પણ ઉપયોગ થાય છે. એ ઑલ્ગોરીધમ્સથી એવું મૉડેલ વિકસાવી શકાય છે જે ગ્રાહકોનાં નામોમાં થયેલી ‘ટાઇપો’ (ટાઇપ કરતાં થયેલી ભૂલો) શોધીને એ ભૂલોને સુધારી લે.

આ સંદર્ભમાં missing values-ને પકડી પાડવી બહુ જરૂરી મનાય છે. મિસિન્ગ વેલ્યુઝ ડેટાસાયન્સમાં એક કૉમન પ્રૉબ્લેમ ગણાય છે. જરા સમજીએ : 

ડેટા-ઍન્ટ્રીમાં માણસે ભૂલો કરી હોય, કશા ટૅક્નિકલ ઇસ્યુઝ સરજાયા હોય, ક્યારેક ડેટા પ્રયોજાયો હોય અમુક આશયથી અને પરિણામ આપે સાવ જુદું, વગેરેને ડેટા-પૉઇન્ટ્સ કહેવાય છે અને તેનું બીજું નામ મિસિન્ગ વૅલ્યુઝ છે. ડેટા-વિશ્લેષણ માટે એ પ્રૉબ્લેમ બની જાય છે. જો મિસિન્ગ વૅલ્યુઝ ઘણી વધારે હશે, તો દેખીતું છે કે, નિરધારેલાં ચૉક્કસ પરિણામો નહીં આપી શકે. અલબત્ત, આ પ્રૉબ્લેમને દૂર કરવા માટેના રસ્તા, મશીન લર્નિન્ગ વગેરે, ‘એ.આઈ.’ પાસે છે જ !

જેનો આપણે રોજ બ રોજ ઉપયોગ કરીએ છીએ એ આપણી આસપાસની કમ્પનીઓ ‘એ.આઈ.’-સંસૃજિત ભૂલસુધારથી જ પ્રગતિ કહેતાં પોતાનો વકરો અને નફો વધારી શકે છે.

જેમ કે, ‘ગૂગલ’ પોતાના સર્ચ ઍન્જિનમાંથી ડેટાને ચોખ્ખો કરવા માટે ‘એ.આઈ.’-નો વિનિયોગ કરે છે. પરિણામમાં એને પાનાંનાં પાનાં મળે છે. એથી ‘ટાઇપો’ તો સુધરે જ છે પણ પરિણામો જો બેવડાં મળ્યાં હોય તો તે પણ સુધરી જાય છે. ઉપરાન્ત, એ પરિણામો વપરાશકારોએ કરેલી પૂછપરછોની મહત્તાના ક્રમમાં ગોઠવાઈ જાય છે.

જેમ કે, ‘ઍમેઝોન’ પોતાના પ્રોડક્ટ કૅટલોગમાંથી ડેટાને ચોખ્ખો કરવા ‘એ.આઈ.’-ને પ્રયોજે છે. એથી ઉત્પાદનોનાં વર્ણનમાં થયેલી ભૂલો, ચિત્રો અને કિમ્મતો દર્શાવવામાં થયેલી ભૂલો પકડાય છે, ને સુધરે છે.

જેમ કે, ‘નેટફ્લિક્સ’-નો ડેટા દર્શકે જોયેલાં ટી.વી.-શોઝનો અને મૂવિઝનો ઇતિહાસ જાળવે છે, અને દર્શકોને ભલામણ મોકલે છે કે આ જુઓ, તમારાં રસરુચિ અનુસારનું છે, મજા પડશે.

આ ‘એ.આઈ.’-પદ્ધતિઓને રમૂજમાં ‘ડેટા-સાયન્ટિસ્ટ્સ’ કહેવાય છે. સ્વચ્છતા ઊભી કરવા જતાં એ ભૂલો પણ કરે છે. તેમછતાં, નૉંધપાત્ર હકીકત એ છે કે ‘એ.આઈ.’-ને કારણે અને પરિણામે ઘણી બધી માનવશક્તિ બચી જાય છે.

અરે, ‘એ.આઈ.’ તો સંકુલ અને વિશાળકાય ડેટાને સ્વચ્છ કરી આપી શકે, જે મનુષ્યને અતિ શ્રમ કરાવે, બલકે મનુષ્ય માટે લગભગ અશક્ય હોય !

= = =

(09/20/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...982983984985...9901,0001,010...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved