Opinion Magazine
Number of visits: 9666244
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રી જો શક્તિ છે તો તેનામાં આટલી અશક્તિ કેમ છે?  

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 October 2023

રવીન્દ્ર પારેખ

નવરાત્રિ મહોત્સવ હવે સંપન્ન થવાની દિશાએ છે. આજે માતાની આઠમ છે. મંદિરો, ઉત્સવોની ઝાકઝમાળમાં આકાશ રંગી રહ્યાં છે ને રાત્રે તો દરેક શેરીથી માંડીને મેદાનો, અનેક સ્ત્રી-પુરુષોથી ગરબે ઘૂમવા થનગની ઊઠશે. એમાં જ ક્યાંક આંખો મળશે તો ક્યાંક છલકાશેય ખરી. ક્યાંક પ્રસાદ વહેંચાશે તો ક્યાંક પ્રાસાદ શૃંગાર-શણગારથી મહેકશે પણ ખરા. કોણ જાણે કેમ પણ ભક્તિનું ઘોડાપૂર આ વખતે તો અનેક કંઠ ને કાંઠાઓ છલકાવતું વધારે જ આવ્યું છે. એમાં ક્યાંક માતા ને ભક્તિ ગૌણ થઈ જાય તો ય, ઉજવણું તો ધોધમાર થાય જ છે ને એમાં સ્ત્રીઓ પણ રંગેચંગે ઊતરે છે. અપાર રંગરૂપનો વૈભવ ગરબા, દોઢિયું ને રાસ વગેરેમાં ઊતરે છે. હજી ક્યાંક શેરીની રોશનીમાં સ્ત્રીઓ ગરબે ઘૂમતી ગાય પણ છે, પણ મોટે ભાગે ઘૂમવાનું એટલું વધ્યું છે કે ગાવાનું ગૌણ થઈ ગયું છે. કોઈ ખાસ ગાતું નથી, પણ તાલ પર ઘૂમવાનું ધ્યાન બરાબર રખાય છે. ગાવાનું ગૌણ થયું તો ગરબો ગાનારા ગાયકોને મંચ મળી ગયો છે. એ ગાય છે ને પછી તો એ જ ગાય છે ને ઘૂમનારા યાંત્રિક રીતે ઘૂમ્યા કરતાં હોય છે. રેકોર્ડેડ ઇન્સ્ટ્રુમેન્ટલ ફિલ્મી ધૂનો તો વધુ તીવ્રતાથી ગરબૈયાઓને મેદાનોમાં દોડાવે છે. મોટે ભાગે હવે ઘૂમનારાઓ ગાવાની પ્રેક્ટિસ નથી કરતા, પણ ઘૂમવાની પ્રેક્ટિસ તો મહિનાઓથી કરતા હોય છે. થોડાં વર્ષો પર તો નવરાત્રિને દિવસે ઘરેલુ અવસ્થામાં જ છોકરીઓ ને ગૃહિણીઓ શેરીમાં ઊતરી પડતી ને એ જ એની પ્રેક્ટિસ ને એ જ એનો ગરબો થઈ જતો. કોઈ બુલંદ સ્વરે ગવડાવતું ને એવા જ કંઠે ગરબો ઝીલાતો, પણ હવે એવું રહ્યું નથી. હવે તો ગરબામાં પણ ઘણો વિકાસ થયો છે. ઘૂમનારાઓ વાર્ષિક પરીક્ષા આપવાના હોય તેમ એની તૈયારીઓમાં મહિનાઓથી લાગે છે.

એમાં આ વખતે હાર્ટ ટ્રબલનો ઉમેરો થયો છે. યુવાનો એકાએક ઢળી પડે છે. જેમને એવી તકલીફ છે તે આમ તો ઘરમાં આરામ કરી શકે, પણ યુવાધન કોઈ ચાન્સ લેવા તૈયાર નથી. એનું પણ આશ્ચર્ય જ છે કે હાર્ટ ટ્રબલ મોટે ભાગે પુરુષોને જ થાય છે, એ કદાચ સ્ત્રી શક્તિ હોવાને કારણે હશે. જો કે, ગરબા સ્થળે એમ્બ્યુલન્સ, ડોકટરોની ટીમ ખડે પગે રાખવાના આદેશો થયા છે, તે એકલાં પુરુષ માટે જ છે, એવું નથી. સમય હોય તો પોલીસ પણ આંટાફેરા કરી લે છે. જો કે, હવે તો એ દખલ પણ નહીં રહે એવું સરકારે કરી આપ્યું છે. રાત્રે 12 પછી પણ ગરબે ઘૂમવાની છૂટ મળી છે એટલે ખેલૈયાઓ ઝાલ્યા ન ઝલાય એમ બને. ક્યાંક ભાડેથી લવાતા હશે, પણ મોટે ભાગે મહિલાઓ ડ્રેસ, ઘરેણાં, મેકઅપ માટે બજેટ ફાળવે છે ને રોજના ડ્રેસ વગેરેની વ્યવસ્થા પણ કરે છે. સારું છે કે મહિલાઓ આટલો ખર્ચ ઊભો કરી શકે છે.

તહેવારોમાં કે રોજિંદા વ્યવહારમાં મહિલાઓ બહારની ટાપટીપમાં ભારે રસ લે છે. આછો મેકઅપ, જંક ફૂડ ને ફેશન સ્ત્રીઓની જ નહીં, પુરુષોની પણ ઓળખ છે. કુદરતી દેખાવનું સ્થાન મેકઅપે લઈ લીધું છે, પણ આ બધાંમાં આંતર વિકાસ કે ચેતના માટે ભાગ્યે જ કોઈ પ્રયત્નશીલ છે. સૌંદર્ય અંતરનું પણ હોય છે, પણ એમાં ઘણું અંતર આજની પેઢીમાં જણાય છે. સ્ત્રીઓની વાત કરીએ તો તેનું આજ્ઞાંકિતપણું કે જી-હજૂરિયાપણું ઘણુંખરું અકબંધ છે. આમ તો આજ્ઞાંકિત હોવું સારી વાત છે, પણ આજ્ઞાપાલનમાં શોષણ ઉમેરાતું હોય તો તે ગુલામી સૂચવે છે. ગરબામાં મસ્તીથી ઝૂમતી સન્નારીઓ ઘરે પહોંચે છે ત્યારે, મેકઅપની સાથે સાથે પેલી મસ્તી પણ ઊતરી જાય છે. પિતા કે પતિના કે સાસુ-નણંદના ઠપકાથી ભીની આંખે સવાર પડતી હોય એવી ઘણી સ્ત્રીઓ હશે. એનો અર્થ એ થયો કે બહાર અપટુડેટ રહેતી મહિલાઓ ઘરોમાં જોઈતી મોકળાશ મેળવી શકતી નથી. મોકળાશ એટલે અભિવ્યક્તિ, બેફામપણું નહીં !

સ્ત્રીઓ અનેક ક્ષેત્રે મોખરે રહી હોય તો પણ, તે પતિ કે પિતાના દાબમાં રહેતી આવી છે. એમાં કુટુંબ ઘણીવાર સહાયકની ભૂમિકામાં હોય છે. કેટલાંક નિયંત્રણો જરૂરી હોય તો પણ, તે અતૂટ કે અસહ્ય બંધનની સ્થિતિએ આવકાર્ય નથી. એક બાબત ક્યારે ય ભુલાય તે ઇચ્છનીય નથી, તે એ કે જેમ પુરુષ છે એમ જ સ્ત્રી પણ છે. પુરુષ સિદ્ધિ -મર્યાદા ધરાવે છે, એમ જ સ્ત્રી પણ ધરાવે છે. બંનેએ એકબીજાનું મનોબળ મજબૂત કરવાની દિશામાં સક્રિય રહેવું જોઈએ. એમ થશે તો એનો લાભ કુટુંબ અને સંબંધી મિત્રો વગેરેને પણ થશે. જો કે, મોટે ભાગે પુરુષ ઘરમાં કે બહાર, સ્ત્રીને નીચી બતાવવાના પ્રયત્નો કરતો રહે છે, પણ એથી હકીકતમાં બહુ ફેર પડતો નથી. સમભાવથી જે પરિણામો મળે તે નકલી સ્પર્ધાભાવથી મળતાં નથી. સ્પર્ધાભાવ પતિ-પત્નીમાં વધુ હોય તો સરવાળે લગ્નજીવન પ્રભાવિત થયાં વગર રહેતું નથી. પતિ-પત્નીમાં મૈત્રીભાવ જ પરિણામદાયી નીવડે છે એ વાત સમજી લેવાની રહે.

પતિ-પત્ની વચ્ચે સાધારણ કુટુંબમાં મૈત્રીભાવ લગભગ હોતો નથી, સિવાય કે કોઈ સ્વાર્થ કે ગણતરી હોય. તે સિવાય મોટે ભાગે અધિકાર અને અહંકાર જ કેન્દ્રમાં હોય છે. આજકાલ તો નજીવી વાતોમાં છરી મારી દેવાનું સામાન્ય થઈ પડ્યું છે ને તે જીવ ન જાય ત્યાં સુધી મારવાનું ચાલે છે. પતિ સભાન-અભાન અવસ્થામાં હુમલો કરી દે છે. હુમલો કરવાથી કાયદો કેવી રીતે વર્તશે એનો અંદાજ હોય તેમ, સજાની પરવા કર્યાં વગર જ પતિ વર્તે છે. સજાનો જાણે તેને ખોફ જ રહ્યો નથી. ગોંડલ તાલુકામાં, ઘરમાં પીવાનું પાણી ન ભર્યું એટલે પતિએ ધોકો મારીને પત્નીને પતાવી દીધી ને કૂવામાં ફેંકી દીધી. આ કોઈને પણ મારી નાખવાનું કારણ છે? આવી માનસિકતા હવે આમ વાત બનતી આવે છે ને એ સૂચવે છે કે સમાજ ખરાબ રીતે માંદો પડી ગયો છે. આવી હિંસા પતિ-પત્ની વચ્ચે જ થાય છે એવું નથી. વડોદરાનાં તરસાલીમાં ભાણેજને મિલકતમાં ભાગીદાર ન બનાવ્યો તો એક વૃદ્ધાની હત્યા કરી દેવાઈ. અગાઉ ક્યારે ય ન હતું એવું એક પરિબળ છેલ્લાં થોડાં વર્ષમાં પતિ કે પત્ની, એમ બંને પક્ષે ઉમેરાયું છે તે લગ્નેતર સંબંધોનું. એને કારણે પતિ-પત્નીના સંબંધો વણસ્યા છે ને પરિણામો ઘાતક આવે છે. પતિ, પત્ની અને ત્રીજી વ્યક્તિ વચ્ચે ઘણીવાર તો જીવનું જોખમ પણ ઊભું થાય છે.

આ ઉપરાંત ઘરેલુ હિંસાનો ભોગ પણ પત્ની બનતી રહે છે. વાત બોલવા પૂરતી જ સીમિત નથી રહેતી, માનસિક અને શારીરિક ત્રાસ તેમાં એવી રીતે ઉમેરાય છે કે કાચીપોચી પત્નીનો આત્મહત્યા કર્યે જ છૂટકો થાય. સાધારણ કુટુંબોમાં એવું બનતું રહે છે કે પત્નીનું અનેક રીતે શોષણ પતિ કે કુટુંબનાં અન્ય સભ્યો કરે છે. લગભગ 18થી 48ની ઉંમરની 30 ટકા મહિલાઓ ઘરેલુ કે જાતીય હિંસાનો ભોગ બને છે. આજ ઉંમરની ત્રણેક ટકા મહિલાઓ તો ગર્ભવતી હોય ત્યારે પણ આવી હિંસાનો ભોગ બનતી હોય છે. આમ છતાં ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત પૂરતી માત્રામાં કેસ જ નોંધાતા નથી. 87 ટકા મહિલાઓ એવી છે જે આ મામલે ચૂપ રહે છે ને કાનૂની મદદ લેતી નથી. આવું કેમ થાય છે? ઘણા એવું માને છે કે હુમલાનાં કારણમાં પતિનું વ્યસન, તેની શારીરિક, માનસિક, આર્થિક સ્થિતિ જવાબદાર છે, પણ એવું નથી. એવું હોત તો પતિ કામનાં સ્થળે અન્ય પુરુષ કે સ્ત્રી પર પણ હુમલો કરતો હોત, પણ, હુમલો પત્ની પર જ થાય છે. બીજે આ જોર ચાલે એમ નથી, પણ પત્ની પર હુમલો થશે તો એ સામે પ્રતિકાર કરશે નહીં, એટલે બધું જોર ઘરમાં પત્ની પર જ અજમાવાય છે.

આવું કરવામાં કુટુંબ એકલું જ જવાબદાર છે? ના, એમાં કુટુંબથી વધુ જવાબદાર તો પત્ની પોતે છે. તે એ વિચારે સતત ભયમાં જીવે છે કે પોતે બોલશે કે પ્રતિકાર કરશે તો સાસરિયાઓ વહુનાં પ્રતિકારને બેફામ ગણાવી વગોવશે. તેને ભય હોય છે કે પોતે બોલશે તો પિયરમાં વાત પહોંચશે ને ઘરની આબરૂ જશે. આબરૂ વહુને જ વહાલી હોય ને તે સાચવવાની જવાબદારી વહુની જ છે, એ માનસિક્તાને કારણે વહુ બોલતી નથી. સાસરિયાઓને પણ ખાતરી હોય છે કે વહુ આબરૂ જવાની બીકે મોં નહીં ખોલે, એટલે સાસરિયાઓની હિંમત વધે છે ને તેમની જુલમ ગુજારવાની ક્ષમતા પણ વધે છે. આ ત્રાસ પતિ કે સાસરિયાઓ તો અટકાવવાના નથી, એ વહુ જ અટકાવી શકે. ઘરની આબરૂની ચિંતા તેની એકલીની જ જવાબદારી તો ન હોયને ! જુલમ ગુજારવાથી કુટુંબની આબરૂ તો વધતી નથી, તો જુલમ રોકીને સાસરું પણ આબરૂ જાળવી શકેને ! એ સ્થિતિ વહુ પણ ઊભી કરી શકે – અવાજ ઉઠાવીને ! અહીં વિદ્રોહ કે બળવો પોકારવાની વાત નથી, પણ સ્વબચાવ ન કરવો કે શોષણ વેઠી લેવું એ પણ માનવતાની વિરુદ્ધ જતી વાત છે.

કાયદો સ્ત્રીઓને 2005થી ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ રક્ષણ આપે છે, એટલે કારણ વગર પરિણીત સ્ત્રીઓએ ચૂપ રહેવાની કે સહન કરવાની જરૂર નથી. ઘરની આબરૂ એકલી સ્ત્રીઓએ જ સાચવવાની નથી, એ  જવાબદારી પુરુષની પણ છે. સ્ત્રી શક્તિ છે, તે હિંસા વેઠીને કે ચૂપ રહીને અશક્તિનું પ્રદર્શન ન કરે એ જોવાની કુટુંબની અને સમાજની ફરજ બને છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 22 ઑક્ટોબર 2023

Loading

પરિચયના મુસાફિર: ગુલઝાર અને પંચમ 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 October 2023

રાજ ગોસ્વામી

જે લોકોએ રેડિયો પર વિવિધ ભારતીના કાર્યક્રમો સાંભળ્યા હશે, તેમને ‘જયમાલા’ કાર્યક્રમ યાદ હશે. તેમાં રોજ રાતે 8 વાગે, સોમવારથી શુક્રવાર સુધી, “ફૌજી ભાઈઓ” માટે હિન્દી ફિલ્મોનાં ગીતો આવતાં હતાં, અને શનિવારે તેમાં કોઈ ફિલ્મી હસ્તી સાથે મુલાકાત આવતી હતી. 1986માં, આવા જ એક કાર્યક્રમમાં સંગીતકાર રાહુલ દેવ બર્મન ઉર્ફે પંચમની મુલાકાત આવી હતી. તેમાં, તેમની સંગીત સફરની વાતો કરતાં તેમણે એક જગ્યાએ કહ્યું હતું;

“દોસ્તો, અબ મેં અપને એક પ્રિય દોસ્ત કે લિયે કુછ કહૂંગા, ગુલઝાર. વો મેરે ઘર ગાના લિખને આતે હૈ, ડિરેક્શન ભી દેતે હૈ. ઉસકે સાથ મેરા બહુત જમતા હૈ. લેકિન જબ વો ગાના લિખને બૈઠતા હૈ, તો હમારી દુશ્મની હો જાતી હૈ, ક્યોંકી ઉસકે ગીત કો સમજને કે લિયે મુજે એક યા દેઢ ઘંટે લગતે હૈ, ઔર મૈં ઉસકી ધૂન બનાતા હું તો ઉસે સમજને મેં ઉન્હેં દો દિન લગ જાતે હૈં. દો-તીન દિન કે બાદ, જબ દોનો કો એક દુસરે કા કામ સમજ મેં આતા હૈ, તો દુશ્મની ખતમ હો જાતી હૈ. બહુત દિન પહેલે, ફિલ્મ પરિચય કે સમય, એક દિન મૈં કિસી કારન સે બહુત દુઃખી થા. ગુલઝાર આયે ઔર કહા કે અગર મૂડ હો તો યે ગાના બના દેના. ગાના પઢતે હી એક મિનિટ કે અંદર મૈંને ધૂન બના દિયા, ક્યોંકી મૈં દુઃખી થા ઔર ગાને કા મૂડ ભી કુછ ઐસા થા. દો દિન કે અંદર ગાના રેકોર્ડ ભી કર લિયા.”

‘એક્ચુઅલી … આઈ મેટ ધેમ’ નામના સંસ્મરણમાં ગુલઝારે પંચમની આ વાતમાં ખૂટતી કડીઓ ઉમેરી હતી. તેમના કહેવા અનુસાર, પંચમ રાજકમલ સ્ટુડીઓમાં એક ફિલ્મનું બેકગ્રાઉડ રેકોર્ડ કરાવી રહ્યા હતા, ત્યારે ગુલઝાર ત્યાં આવ્યા હતા અને ધૂન વિચારવા માટે પંચમને એક ગીત આપ્યું હતું. ગુલઝાર કહે છે, “મેં તેને ગીતનું મુખડું અને ફિલ્મનું દૃશ્ય સમજાવ્યું.

“એ રાતે, લગભગ મધરાતે, પંચમ મારા એપાર્ટમેન્ટ નીચે આવ્યો અને જોર જોરથી કારનું હોર્ન મારવા લાગ્યો. તેણે કહ્યું, ‘નીચે આવ, મારા દિમાગમાં ધૂન છે.’ હું આજ્ઞાંકિત બનીને તેની સાથે રાતની રખડપટ્ટીમાં જોડાઈ ગયો. તેણે કારના કેસેટ પ્લેયરમાં સંગીતની અમુક લાઈનો સંભળાવી, પછી મારી તરફ જોઇને કહ્યું, ‘આ ધૂન માટે શબ્દો શોધ, નહીં તો હું આ ભૂલી જઈશ.’

“મેં કહ્યું, ‘અત્યારે? આ કારમાં? એ કેવી રીતે શક્ય છે?”

“તેણે આગ્રહ કર્યો, ‘તારે કરવું જ પડશે. આ તારી ફિલ્મનું ગીત છે.’” 

“મેં નમતું જોખ્યું અને અંતરા માટે અમુક લાઈનો લખી. પછી થોડી બીજી લાઈનો ઉમેરી, પછી ત્રીજી ઉમેરી. પંચમ પણ રેકોર્ડ કરેલી મૂળ ધૂનમાં સંગીતની લાઈનો ઉમેરતો ગયો. અમારા આ સર્જનમાં ઊંઘી રહેલા મુંબઈની સડકો અને શેરીઓમાં એકમાત્ર સાથીદાર હતી. સવારના ચાર વાગ્યા સુધી આ જુગલબંધી ચાલતી રહી. એ રીતે એ ગીત બન્યું હતું.”

‘પરિચય’(1972)નું એ ગીત એટલે કિશોર કુમારે જેમાં તેનો ફિલોસોફિકલ આત્મા રેડી દીધો હતો તે – મુસાફિર હું યારો, ના ઘર હૈ, ના ઠીકાના … મુજે ચલતે જાના હૈ, બસ, ચલતે જાના હૈ. ગુલઝાર, પંચમ અને કિશોર કુમારની ત્રિપુટીએ અનેક શાનદાર ગીતો આપ્યાં છે, પણ એમાં ‘પરિચય’નું આ ગીત એક વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે ગુલઝાર અને પંચમ પહેલી વાર આ ફિલ્મમાં ભેગા થયા હતા. પંચમ અને કિશોર દોસ્ત હતા અને પંચમે જ ગુલઝારને કિશોરનો ભેટો કરાવ્યો હતો.

ફિલ્મ નિર્દેશક તરીકે ગુલઝારની આ બીજી જ ફિલ્મ હતી. આગલા વર્ષે 1971માં, ‘મેરે અપને’થી તેમણે નિર્દેશનમાં ઝુકાવ્યું હતું. 72માં ગુલઝારની ત્રણ ફિલ્મો આવી; પરિચય, અચાનક અને કોશિશ. ‘પરિચય’ બનાવવાનો મૂળ વિચાર ફિલ્મના હીરો જિતેન્દ્રનો હતો. તે જમ્પિંગ જેકની તેની ઊછળકૂદની ઈમેજથી ધરાઈ ગયો હતો અને તેને એક અચ્છા એક્ટર તરીકે સ્થાપિત થવું હતું.

‘ફિલ્મફેર’ સામયિકને આપેલા એક જૂના ઇન્ટરવ્યૂમાં ગુલઝાર કહે છે, “હું ‘મેરે અપને’માં વ્યસ્ત હતો, ત્યારે મારો પડોશી અને દોસ્ત રવિ (તે જીતેન્દ્રને તેના મૂળ નામ રવિથી બોલાવતા હતા) એકવાર મારી પાસે આવ્યો અને મને તેના માટે એક ફિલ્મનું નિર્દેશન કરવા કહ્યું. મેં તેને અમુક વાર્તાઓના આઈડિયા આપ્યા, પણ તેણે બધા ખારીજ કરી નાખ્યા. એ પછી એક દિવસ, એક શૂટિંગમાં રાખીએ તેને એક વાર્તા સંભળાવી. તેને એ ગમી ગઈ. તેણે મને તરત ફોન કર્યો અને પૂછ્યું કે આના પરથી કેમ ફિલ્મ ન બને? મેં કહ્યું કે મેં તને આ વાર્તા પણ સંભળાવી હતી, પણ તે ખારીજ કરી નાખી હતી. તે સામો ગરજ્યો કે એનો અર્થ એટલો જ થાય કે તને વાર્તા કહેતાં નથી આવડતું. મેં ય સામું સંભળાવ્યું કે વાર્તા કહેવામાં કોઈ ખોટું નથી, પણ તું રાખીથી ઈમ્પ્રેસ થઇ ગયો હતો. મેં ઉમેર્યું, હવે પછી વાર્તા કહેવા માટે હું રાખીને જ મોકલીશ.”

‘પરિચય’માં બેરોજાગાર યુવાન રવિ (જીતેન્દ્ર), એક નિવૃત્ત કર્નલ રાય સાહેબ(પ્રાણ)નાં પાંચ પૌત્રી-પૌત્રોને ભણાવાનું કામ હાથમાં લે છે. રાય સાહેબના લશ્કરી મિજાજથી ત્રાસીને, તેમનો દીકરો નિલેશ (સંજીવ કુમાર) તેના સંગીતના પ્રેમને પોષવા માટે ઘર છોડીને જતો રહે છે. એમાં અચનાક નિલેશનું અવસાન થઇ જાય છે અને રાય સાહેબ તેનાં નાનાં છોકરાંને પોતાની પાસે લઈ આવે છે. છોકરાઓને એવું લાગતું હોય છે દાદાના કડક સ્વભાવથી જ તેમના પિતાનું અવસાન થયું છે. પરિણામે છોકરાં ઉદ્ધત થઇ જાય છે અને રાય સાહેબને ગાંઠતાં નથી.

એટલે રાય સાહેબ એક સારા શિક્ષકની તલાશમાં હોય છે અને રવિ એ નોકરી સ્વીકારે છે. રવિ જ્યારે ટાંગામાં બેસીને શહેરમાંથી ગામમાં રાય સાહેબના બંગલા તરફ જતો હોય છે, ત્યારે આ ‘મુસાફિર હું યારો …’ગીત આવે છે. છોકરાંને ભણાવવા અને સીધાં કરવાની તાલીમ દરમિયાન રવિ મોટી દીકરી રમા (જયા ભાદુરી) પ્રત્યે આકર્ષાય છે. વચ્ચે વિરહના થોડા ઉતાર-ચઢાવ પછી રાય સાહેબને તેમની પૌત્રીના દિલની વાત સમજાય છે અને તેઓ રવિ સાથે તેનું મિલન કરાવે છે.

1965માં, ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ નામની એક ફિલ્મ પરથી ‘પરિચય’ પ્રેરિત હતી, પરંતુ ગુલઝારને તેનો વિચાર બંગાળીમાં પ્રકાશિત રાજ કુમાર મૈત્રાની વાર્તા ‘રંગીન ઉત્રૈન’ પરથી આવ્યો હતો. ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’માં, ઈસાઈ નન બનવા માગતી એક તોફાની છોકરીને, તેની માતા એક નૌસેનાના નિવૃત્ત અધિકારીનાં સાત બાળકોની સંભાળ રાખવા મોકલે છે તેવી વાર્તા હતી. ગુલઝાર કહે છે રાખીએ બંગાળી વાર્તા વાંચી હતી અને તેને થતું હતું કે તેના પરથી એક સારી ફિલ્મ બને તેવી છે. ગુલઝારે તેનો હિન્દી અનુવાદ કરી રાખ્યો હતો.

સંજીવ કુમારના જીવનચરિત્ર્યમાં લેખક હનીફ ઝવેરી લખે છે કે સંજીવ કુમારે જીતેન્દ્રને તેની ઈમેજમાંથી બહાર આવવા માટે ગુલઝારની ફિલ્મમાં કામ કરવા પ્રેરણા આપી હતી. યોગાનુયોગ કેવો કે જે સમયે સંજીવ કુમાર ગુલઝારની ‘કોશિશ’માં જયા ભાદુરીના પતિની ભૂમિકા કરતા હતા  તે જ સમયે તે તેમની ‘પરિચય’માં જયાના પિતાની ભૂમિકામાં હતા!

જીતેન્દ્રને સંદેહ હતો કે આમાં તો ફિલ્મનો ધબડકો થશે પણ હરિભાઈએ કહ્યું હતું કે ગુલઝાર પર શ્રદ્ધા રાખજે. તેમના નિર્દેશનમાં જાદૂ છે. એ ગુલઝારની જ કમાલ હતી કે તે સંજીવ કુમાર અને જયાને એકદમ વિરોધાભાસીમાં એટલી જ વિશ્વસનીયતા સાથે પેશ કરી શક્યા હતા. ફિલ્મ રિલીઝ થઇ ત્યારે લોકોએ તેને બહુ સરાહી હતી અને ‘પરિચય’ ફિલ્મથી જ લોકો જીતેન્દ્રને એક ગંભીર એક્ટર તરીકે લેતા થયા. ફિલ્મમાં જીતેન્દ્ર બીજી એક જગ્યાએ પણ ખોટો પડ્યો હતો.

ફિલ્મમાં કુલ ચાર ગીતો હતાં; મુસાફિર હું યારો, મિતવા બોલે મીઠે બૈન, સા રે કે સા રે ગ મ કો લેકર અને બીતી ના બીતાઈ રૈના. એમાં ‘બીતી ના બીતાઈ રૈના …’ ગીત સૌથી પહેલું રેકોર્ડ થયું હતું. ગુલઝાર અને પંચમને આ ગીત બહુ પસંદ આવ્યું હતું, પરંતુ જીતેન્દ્રને લાગતું હતું કે આવું શાસ્ત્રીય ગીત તેની ફિલ્મમાં અનુકૂળ નહીં લાગે. જીતેન્દ્રના દોસ્તારોને પણ આ ગીત ગમ્યું નહોતું. તેની ઈચ્છા હતી કે આ ગીત પડતું મુકવામાં આવે અને બીજું બનાવવામાં આવે. ગુલઝાર અને પંચમે ઘસીને ના પાડી દીધી.

ગુલઝાર લખે છે, “અમે આર.કે. સ્ટુડીઓમાં ફિલ્મનો સેટ ગોઠવ્યો હતો. એક દિવસ ત્યાં અમિતાભ બચ્ચનનું પણ કોઈક શુટિંગ હતું. હું બધી ગોઠવણમાં હતો અને રવિએ અમિતાભ માટે કારમાં આ ગીત વગાડ્યું. એ ઉત્સાહ સાથે પાછો આવ્યો અને મને કહે, ‘અમિતાભ તો રો પડા ગાના સુન કે. તેને બહુ ગમ્યું અને બોલ્યો કે હમે તો ઐસે ગાને મિલતે હી નહિ કરને કે લિયે.”

પછી તો જીતેન્દ્રને પણ ગીત ગમવા લાગ્યું. લતા મંગેશકરને એ ગીત માટે એ વર્ષનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 25 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભ્રષ્ટાચારનો ભોરિંગ અને લોકપાલ-લોકાયુક્તની મોરલી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 October 2023

ચંદુ મહેરિયા

અન્ના હજારેનું ૨૦૧૧નું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન યાદ છે? તેને કારણે જ લગભગ સર્વાનુમતે સંસદે લોકપાલ–લોકાયુક્તને લગતો કાયદો ઘડ્યો હતો. આજે  અન્ના આંદોલનના સવા અને લોકપાલ–લોકાયુક્ત અધિનિયમ–૨૦૧૩ના એક દાયકે દેશ ભ્રષ્ટાચાર મુક્ત થયાનું કે લાંચ–રુશ્વતની બદી ઘટ્યાનું લાગે છે ખરું ? દેશના સર્વ રાજકીય પક્ષો પર જે લોકપાલનો કાયદો ઘડીને ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવાનું દબાણ ઊભું થઈ શક્યું હતું તે કાયદો નબળો કે બોદો લાગે અને સમસ્યા યથાતથ હોય ત્યારે નાગરિક માત્રને નિરાશા ઉપજે છે. આર્થિક ગેરરીતિઓ, લાગવગ, લાંચ કહેતાં ભ્રષ્ટાચારનો પડકાર કેટલો મોટો અને ગંભીર છે અને દેશવ્યાપી આંદોલન પછી પણ શઠ રાજકારણીઓની રાજકીય ઈચ્છાશક્તિના અભાવે તેનો કાનૂની માર્ગે મર્યાદિત ઉકેલ પણ શક્ય નથી બની શકતો તેનો રંજ થાય છે.

લોકતાંત્રિક દેશોમાં નાણાકીય ગેરરીતિ, લાગવગ, લાંચ, સત્તાનો દુરુપયોગ  જેવા વહીવટી તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટ આચારો અંગે સ્વતંત્ર, નિષ્પક્ષ અને નિર્ભીકતાથી વિચાર કરી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે. આ પ્રકારની વ્યવસ્થા હોય તો લોકો ફરિયાદ કરી શકે અને તેની સમુચિત તપાસ કરી તેને દૂર કરી શકાય. આ પ્રકારની વ્યવસ્થા લોકોનો વહીવટમાં વિશ્વાસ ટકાવી રાખે છે.

દુનિયાના ઘણા દેશોમાં ભ્રષ્ટાચારની તપાસ માટે ઓમ્બુડ્સમેન કે લોકપાલ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકપાલનું પગેરું છેક ૧૮૦૯ની સાલમાં સ્વીડનમાં મળે છે. વીસમી સદીમાં તેનો સંસ્થાગત વિકાસ થયો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી તેમાં ગતિ આવેલી જણાય છે. ફિનલેન્ડમાં ૧૯૨૦થી સંસદીય લોકપાલ અસ્તિત્વમાં છે. નોર્વે અને ન્યૂઝીલેન્ડમાં ૧૯૬૨માં લોકપાલની પ્રણાલિ દાખલ થતાં તેનો વ્યાપક પ્રસાર થયો હતો. ૧૯૬૬માં લોકપાલનો વિચાર અપનાવનાર ગુયાના પ્રથમ વિકાસશીલ અને ૧૯૬૭માં તે અપનાવનાર બ્રિટન પ્રથમ લોકતાંત્રિક દેશો છે. મોરીશસ, સિંગાપુર અને મલેશિયાએ પણ તે પછી લોકપાલની રચના કરી છે.

ભારતમાં લોકપાલની રચનાનો દીર્ઘ ઇતિહાસ છે. ૧૯૬૦ના દસકના આરંભે સૌ પ્રથમ વખત તેનો વિચાર કાયદા મંત્રી એ.એન. સેને સંસદમાં રજૂ કર્યો હતો. જો કે લોકપાલ અને લોકાયુક્ત શબ્દ સૌ પ્રથમ વખત ૧૯૬૩માં કાયદાવિદ અને સાંસદ લક્ષ્મીમલ સિંઘવીએ પ્રયોજ્યો હતો. મોરારજી દેસાઈના પ્રમુખપણા હેઠળના પ્રથમ વહીવટી સુધારણા પંચે ૧૯૬૬માં સાંસદો સહિતના લોકસેવકો અને જાહેર સેવકોના ભ્રષ્ટાચારની ફરિયાદોની તપાસ માટે કેન્દ્ર અને રાજ્યોમાં લોકપાલ-લોકાયુકતની રચનાની ભલામણ કરી હતી. તે અન્વયે ૧૯૬૯માં ચોથી લોકસભામાં લોકપાલ-લોકાયુક્ત વિધેયક પસાર થયું હતું. આ વિધેયક રાજ્યસભામાં પડતર હતું તે દરમિયાન લોકસભાનું વિસર્જન થતાં તે લેપ્સ ગયું. નહીં તો પચાસેક વરસ પહેલાં લોકપાલનો કાયદો અસ્તિત્વમાં આવી ગયો હોત ! ૨૦૦૨માં બંધારણ સમીક્ષા પંચે અને ૨૦૦૫માં બીજા વહીવટી સુધારણા પંચે પણ લોકપાલની ભલામણ કરી હતી. ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૬, ૧૯૯૮, ૨૦૦૧ અને ૨૦૧૧ એમ કુલ આઠ પ્રયાસો પછી ૨૦૧૩માં અન્ના આંદોલનના ધક્કે લોક્પાલ વિધેયક સંસદે પસાર કર્યું હતું. ૨૦૧૪થી તે અમલમાં આવ્યું છે. આ ક્રોનોલોજી દર્શાવે છે કે રાજનેતાઓ લોકપાલ કાયદાથી ડરતા હતા અને તેને ટાળતા હતા.

કેન્દ્રના લોકપાલ-લોકાયુક્ત કાયદા પૂર્વે ઘણાં રાજ્યોમાં લોકાયુક્તના કાયદા ઘડાયા હતા. એટલે ભ્રષ્ટાચાર નિવારણની દિશામાં કાનૂની માર્ગ અખત્યાર કરવામાં કેન્દ્ર કરતાં રાજ્યો આગળ હતાં. ઓડિશામાં ૧૯૭૦માં, મહારાષ્ટ્રમાં ૧૯૭૧માં અને ગુજરાતમાં ૧૯૮૬માં રાજ્ય લોકાયુક્ત અધિનિયમ ઘડાયા હતા.

વડા પ્રધાન સહિતના મંત્રી મંડળના સભ્યો, સાંસદો અને કેન્દ્ર સરકારના તમામ શ્રેણીના અધિકારીઓના ભ્રષ્ટાચારની તપાસને આવરી લેતો ૨૦૧૩નો અધિનિયમ  તપાસથી  માંડીને જપ્તી સુધીની ભલામણની સત્તા ધરાવે છે. જો કે લોકપાલ કોઈ બંધારણીય દરજ્જો ધરાવતી નહીં પણ વૈધાનિક સંસ્થા છે. એક ચેરપર્સન અને અન્ય આઠ સભ્યોના બનેલા લોકપાલની પસંદગી વડા પ્રધાન, લોકસભા અધ્યક્ષ, વિપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વગેરેની બનેલી સમિતિએ કરવાની જોગવાઈ છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભા.જ.પ.ના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને અન્ના આંદોલનનું સમર્થન ઘણું ફળ્યું હતું. ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ની ઈમેજ  ઊભી કરનાર મોદીએ ભ્રષ્ટાચાર પર લગામ કસવા વડા પ્રધાન બન્યા પછી તરત જ લોકપાલની નિમણૂક કરવી જોઈતી હતી, પરંતુ તેમની તે માટે કોઈ પ્રતિબધ્ધતા જ નહોતી. એટલે ૨૦૧૪માં અમલી બનેલા લોકપાલ કાયદા હેઠળ ન.મો.એ છેક પાંચ વરસે ૨૦૧૯માં પ્રથમ લોકપાલની નિમણૂક કરી હતી. આ બાબત વડા પ્રધાન મોદીની અને ભારતીય જનતા પક્ષની ભ્રષ્ટાચાર બાબતે કેવી રાજકીય ઈચ્છાશક્તિ છે તે દર્શાવે છે.

રાજ્યોએ એક વરસમાં આ કાયદાની જોગવાઈ મુજબ લોકાયુક્તની રચના કરવાની હોય છે. પરંતુ આઠ રાજ્યોમાં હજુ ૨૦૧૩ના કાયદા પ્રમાણે લોકાયુક્તની રચના થઈ નથી. કેટલાક રાજ્યોમાં લોકાયુક્ત કે સભ્યોની જગ્યાઓ ખાલી છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળમાં તો ગુજરાતમાં દસ વરસ કરતાં વધુ સમય ૧૯૮૬ના કાયદા મુજબની લોકાયુક્તની જગ્યા ખાલી રહેવા પામી હતી. જ્યારે ગવર્નર કમલા બેનીવાલે ખુદે જસ્ટિસ આર.એ. મહેતાને લોકાયુક્ત તરીકે નિયુક્ત કર્યા ત્યારે બી.જે.પી. સરકારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તેને પડકારી હતી. બંને કોર્ટોએ સરકારની વિરુદ્ધમાં ચુકાદા આપી રાજ્યપાલે કરેલી નિમણૂક્ને કાયદેસર ઠેરવી ત્યારે પણ સરકાર તે હકીકત સ્વીકારી શકી નહોતી.. વળી આજ મોદી ‘ન ખાતા હું ન ખાને દેતા હું’નો રાગ સતત આલાપ્યા કરે છે. ૨૦૧૩ના કાયદાની કલમ-૫માં અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળ (૭૦ વરસની વય અને પાંચ વરસ)ની સમાપ્તિના ત્રણ મહિના પહેલાં નવી નિમણૂકો કરવાની જોગવાઈ છે. કેન્દ્રમાં લોકપાલનો કાર્યકાળ ૨૦૨૨માં અને ત્રણ સભ્યોનો ૨૦૨૦માં સમાપ્ત થઈ જવા છતાં ન.મો. શાસનમાં હજુ નવી નિમણૂકો થઈ નથી.

પર્સોનલ, પબ્લિક ગ્રિવન્સિસ, લો એન્ડ જસ્ટિસ વિભાગ સંબંધી સંસદની સ્થાયી સમિતિએ લોકપાલની કામગીરી અંગે હળવામાં હળવા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું છે કે ‘લોકપાલની કામગીરી સંતોષજનક પ્રતીત થતી નથી’. સમિતિના મતે સ્વચ્છ અને જવાબદાર શાસનમાં વૃદ્ધિના પ્રયાસો માટે  લોકપાલની રચના થઈ છે.  તેથી તેણે અવરોધકને બદલે સહાયકના રૂપમાં કાર્ય કરવું જોઈએ. પોતાની આલોચનાના આધાર તરીકે સમિતિએ જણાવ્યું છે કે ૨૦૨૨-૨૩ના વર્ષમાં લોકપાલને કુલ ૨,૫૧૮ ફરિયાદો મળી હતી. તેમાંથી ૨,૨૭૬ (૯૦ ટકા) ફરિયાદો તેણે નિયત નમૂનામાં ન હોવાના કારણસર રદ્દ કરી છે. બાકીની ૨૪૨માંથી ૧૯૧નો એટલે કે  ૮૮ ટકા ફરિયાદોનો નિકાલ દર્શાવી વાહવાહી મેળવવા પ્રયાસ કર્યો છે. પરંતુ સમિતિએ “વાસ્તવિક કે તથ્ય જણાય તેવી ફરિયાદો ટેકનિકલ કારણોસર રદ્દ ના કરવા” લોકપાલને સલાહ આપી છે. વળી ભ્રષ્ટાચારની જેમના પર ફરિયાદો છે એવી વ્યક્તિઓ પર ચાર વરસમાં લોકપાલે એક પણ કેસ ચલાવ્યો નથી તે અંગે સંસદીય સમિતિએ આઘાત અને આશ્ચર્ય વ્યક્ત કર્યાં છે.

રાજ્યોમાં લોકાયુકતની કામગીરી પણ ઝાઝી વખાણવા લાયક નથી. ગોવાના લોકાયુકત તરીકેના કાર્યકાળની સમાપ્તિએ જસ્ટિસ પ્રફુલ્લકુમાર મિશ્રએ તેમના અનુભવો અને પ્રતિભાવ લેખિત નિવેદન મારફત જણાવ્યા હતા. તેમણે લખ્યું છે  કે “લોકાયુકતને માત્ર ભલામણની સત્તા છે. મેં રાજ્ય સરકારને ૨૧ ભલામણો કરી હતી. પરંતુ એક પણ ભલામણ અંગે સરકારે કોઈ પગલાં લીધા નથી. તો પછી લોકાયુક્તની જરૂર શું છે ? જનતાના નાણાંનો બગાડ કરવાને બદલે લોકાયુક્ત સંસ્થાને ખતમ કરી દેવી સારી”. ઉત્તરાખંડમાં ૨૦૧૩થી લોકાયુક્ત અને સભ્યોના પદ ખાલી છે. પરંતુ વગર લોકાયુક્તે ઓફિસમાં ૨૪ અધિકારી-કર્મચારી કામ (?) કરે છે. લોકાયુક્તની કચેરી માટે સરકારે રૂ. ૩૬ કરોડ ૯૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી અને રૂ. ૨૯ કરોડ ૭૩ લાખનો (મુખ્યત્વે પગાર-ભથ્થાનો) ખર્ચ થયો છે. શું આ રીતે આપણે ભ્રષ્ટાચાર હઠાવી શકીશું ખરા?

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...923924925926...930940950...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved