Opinion Magazine
Number of visits: 9666244
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

થોડું પ્રગટ ચિંતન, આજના ઈઝરાયલ-પેલેસ્ટાઈન દિવસે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 November 2023

હિટલરી જર્મની છાંડી યહૂદી વતનભોમકામાં સ્થાયી થયેલા દાર્શનિક અને ચિંતક માર્ટિન બુબર કહેતા કે આપણું ઝાયોનિઝમ તે યહૂદી રાષ્ટ્રવાદ માત્રની નહીં પણ નવા સમાજની ચળવળ છે. આરબો પરના (બીજાઓ પરના) આધિપત્ય માટેની આ ચળવળ નથી

પ્રકાશ ન. શાહ

બરાબર છોંતેર વરસ પૂરાં થયાં આજે : 1947ની 29મી નવેમ્બરે યુનાઈટેડ નેશન્સે જોર્ડન નદી અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચેના પ્રદેશમાં યહૂદીઓ સારુ સુવાંગ એક વતન ઈલાકો કોરી આપ્યો હતો. જલાવતન યહૂદી સમુદાય સારુ એ હરખઘડી હતી, પણ એ વિસ્તારમાં વસતી બહુમતી આરબ પ્રજા માટે વસમી ક્ષણ હતી. બાકી વિશ્વમત આ ઘટનાને યહૂદીઓ તરફે ઇતિહાસન્યાય તરીકે જોતો હોય એ જો સ્વાભાવિક હોય તો પણ આરબ બહુમતીને વર્તમાન સંદર્ભમાં એક અન્યાય પણ એમાં નિહિત હતો.

હમાસના ઘોર આતંકવાદી હુમલાને અને તે સામેની ઈઝરાયલની આક્રમક જવાબી કારવાઈને મહિનો થયો (7મી નવેમ્બરે) ત્યારે મૃત્યુઆંક 9,000ને વટી ગયો હતો અને મેડિકલ સહાય સેવા સહિતની નાગરિક કારવાઈ સબબ ઈઝરાયલી આક્રમકતા પણ ટીકાપાત્ર બનતી રહી છે.

ગેરશૉન બાસ્કિન

અહીં ‘જેરુસલેમ પોસ્ટ’ના કટારચી ને શાંતિબટુક (પીસનિક) બાસ્કિને આગળ કરેલો એક બુનિયાદી વિગતમુદ્દો સમજવા જોગ છે. બાસ્કિન કહે છે કે યુ.એન. ઠરાવ પછીના ઈઝરાયલી જાહેરનામામાં, બંને પ્રજાઓના આત્મનિર્ણયના અધિકારની જિકર નથી, જ્યારે ભલે રાજીપા વગર પણ વાસ્તવિકતાને ધોરણે પેલેસ્ટાઈની જાહેરનામામાં આ ભૂમિ પર હવે બે રાષ્ટ્રો છે એવો સ્પષ્ટ સ્વીકાર છે. આનો અર્થ એ થયો કે ઈઝરાયલી નેતૃત્વની માનસિકતા ‘એકમાત્ર અમે જ’ તરેહની છે, જ્યારે પેલેસ્ટાઈની નેતૃત્વ ‘આપણે બંને’ની ભૂમિકાએ એળે નહીં તો બેળે પણ છે. બલકે, થોડા પાછા પગલે જઈએ તો, તટસ્થ પર્યવેક્ષકોના મતે પેલેસ્ટાઈને યાસર અરાફતના નેતૃત્વમાં જે સમજૂતી કરી હતી એમાં ખાસું નમતું જોખ્યું હતું.

લગીર ઉતાવળે આપેલી આ પૃષ્ઠભૂ હમાસ જેવી નોન-સ્ટેટ આતંકવાદી પ્રવૃત્તિના બચાવમાં અલબત્ત નથી. હા, ક્યારેક ઈઝરાયલી નેતૃત્વ અને હમાસનો સંબંધ એક તબક્કે ઇન્દિરા ગાંધીની રાજનીતિ અને ભીંડરાંવાલે વચ્ચે હશે એવો જરૂર હતો. ગમે તેમ પણ, ઈઝરાયલે ‘આ ભૂખંડના ધણી એકમાત્ર અમે’ એ માનસિકતા પરહરવી રહે છે.

1947ના યહૂદી વતન જોગવાઈના ઠરાવ પછી તરતનાં વરસોમાં યુનાઈટેડ નેશન્સે કરેલો બીજો એક ઠરાવ આ સંદર્ભમાં સૂચક છે. આ જ દિવસ (29મી નવેમ્બર) હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઈની પ્રજા સાથે ઊભા રહેવાના (‘સોલિડારિટી’ના) દિવસ તરીકે ઊજવાય છે. જો યહૂદી વતન જોગવાઈની સાથે તો પેલેસ્ટાઈનના અસ્તિત્વના અધિકાર સાથે પણ ઊભા રહેવાનો જે ધર્મ, તેનો એમાં સ્વીકાર રહેલો છે.

હમણાં મેં શાંતિબટુક બાસ્કિનનો ઉલ્લેખ કર્યો. આ દિવસોમાં એ હમાસે બાન પકડેલ ઈઝરાયલીઓને છોડાવવા પ્રયત્નશીલ છે. તાજેતરનાં વર્ષોનું એમનું એક સૂચન દર 29મી નવેમ્બરે બંને બાજુ એકબીજાના અધિકારોના સમાદર રૂપે ‘નેશનલ હોલી ડે’ મનાવવાનું છે.

માર્ટિન બુબર

જે એક વિદેહ યહૂદી ચિંતક આ દિવસોમાં સવિશેષ સ્મરણીય છે એ તો માર્ટિન બુબર છે. લગરીક ઉભડક તો પણ સહેજસાજ લાંબે પને વાત કરું તો એમની વિચારભૂમિકા ‘આઈ-ધાઉ’ની છે – ‘હું અને તું/તમે’ – નહીં કે ‘હું અને તે’, ‘આઈ-ઈટ.’ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ‘તું/તમે’ તરીકે નહીં પણ ‘તે’ તરીકે જુએ છે ત્યારે એને માટે બીજી વ્યક્તિ, વ્યક્તિ મટીને વસ્તુ (ઓબ્જેક્ટ) બની જાય છે. બંને વચ્ચેનો વ્યવહાર વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો મટી જઈ ‘વ્યક્તિ અને વસ્તુ’નો બની જાય છે. ઈઝરાયલી અને પેલેસ્ટાઈની પ્રજાઓએ એકબીજાને વસ્તુ તરીકે નહીં જોતાં વ્યક્તિ તરીકે જોવાની જરૂર છે.

આ અભિગમને ધોરણે બુબર ‘બાયનેશનલિઝમ’ની હિમાયત કરે છે જેમાં એક પા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય તો બીજી પા સંવાદી સહઅસ્તિત્વ શક્ય બને. ઈઝરાયલના હોંશીલા નાગરિક એ ખસૂસ હતા, પણ આરબ નિર્વાસિતો સાથેના દુર્વ્યવહારના એવા જ આલોચક પણ એ હતા. એમણે કહ્યું કે આપણું ઝાયોનિઝમ તે યહૂદી રાષ્ટ્રવાદની ચળવળ નહીં પણ નવા સમાજ માટેની ચળવળ છે. આરબો પરના (બીજા પરના) આધિપત્ય માટેની આ ચળવળ નથી.

આ પૃષ્ઠભૂ પર જોઈએ ત્યારે ભારતમાં સરકારી સ્તરે, સત્તાપક્ષી સ્તરે તેમ એકાધિક પ્રજાકીય વર્તુળોમાં ઈઝરાયલ-હમાસ સંઘર્ષ બાબત જે ભાવદ્વિધા પ્રવર્તે છે, સામસામા હોઈ શકતા ખયાલો પ્રગટ થતા રહે છે તેને સમજવાની દૃષ્ટિએ કેટલીક વિગતો જરી મુખરપણે સામે આવે છે.

જાડી રીતે વર્ણવું તો ભારત સરકારનો (ભા.જ.પ. સરકારનો) પ્રથમ પ્રતિભાવ એકદમ ઈઝરાયલ તરફે ગા ગા લ ગા હતો. હમાસનું મુસ્લિમ હોવું એમાં એક ધક્કો હશે, તો વર્ષોથી ઈઝરાયલને રાષ્ટ્રવાદના એક પ્રતિમાન તરીકે જોવાને પરિણામે હશે.

પાછળથી વિદેશ ખાતાએ અને મોડેથી સંઘ પ્રવક્તાએ (બેલાશક હમાસની ટીકા અકબંધ રાખીને પણ) બંને પક્ષો વિશે જુગતાં વચનો કહીને નુઆન્સ્ડ ભૂમિકાની છાપ આપવા કોશિશ કરી.

સ્વસ્થ, સ્પષ્ટ પ્રતિભાવ અભિગમ ખાસું પથ-સંસ્કરણ (કોર્સ કરેક્શન) માગે છે. 1947નો યુનાઈટેડ નેશન્સનો ઠરાવ, તે પછીનાં વર્ષોમાં પેલેસ્ટાઈન સોલિડારિટી ડે માટેનો એનો ઠરાવ, હવે નેશનલ હોલી ડે માટેની ઝુંબેશ આ ત્રણ દિવસ (સાલફેરે એક જ તારીખના ત્રણ દિવસ) જે રીતે સામે આવ્યા તે પરથી એની બધી સંકુલતા સોતી એક સરસ સમજ ઊપસી રહે છે.

આપણે ત્યાં રાષ્ટ્રવાદના નિદર્શન રૂપે એક વર્ગ હિટલરનો હેવાયો જ હેવાયો હતો. યહૂદી નિકંદન સત્રનો પ્રશંસક હતો. આ જ યહૂદીઓને ન્યાયની દૃષ્ટિએ ઈઝરાયલનું કોઈ લોજિક હોય તો એ જ હેવાયો વર્ગ ઈઝરાયલ વાસ્તે પણ એકદમ કૂદી પડે છે. આ અનવસ્થા વિશે કોઈ નુઆન્સ્ડ સમજ ક્યાંથી લાવશું?

ગાંધી-રવીન્દ્ર, અને સવિશેષ તો માર્ટિન બુબર બે માનવીય બોલ કહી શકે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 29 નવેમ્બર 2023

Loading

રૅટ-હોલ માઇનિંગ (rat – hole mining) : શ્રમિકોનાં શરીર જ શ્રમિકોને બચાવશે

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|29 November 2023

એ ખૂબ આનંદની વાત છે કે આ લખાય છે ત્યારે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોનો છૂટકારો હાથવેંતમાં છે. તેમાં ‘ રૅટ હોલ માઇનર્સ’ તરીકે ઓળખાતા ખાણિયાઓ કે ખોદાણ કામ કરનારા છ શ્રમિકોની ટુકડીનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. તેઓ manually એટલે કે મશીન વિના પરંપરાગત ઓજારોથી દસ-બાર મીટર જેટલું ખોદાણ કરીને મલબો બહાર કાઢીને બચાવ ટુકડી માટે રસ્તો મોકળો કરશે.

ઝવેરચંદ મેઘાણી યાદ આવે : ‘પૃથ્વી પર રાજ કોનાં? સાચા શ્રમજીવીઓનાં – ખેડૂના, ખાણિયાના, ઉદ્યમવંતોના ….’

રૅટ-હોલ માઇનિન્ગ rat-hole mining શબ્દ સૂચવે છે કે શ્રમિકો ઉંદરના દર યાદ આવે તેવાં સાવ નાનાં વિવરો / ખાડા (pits) ખોદીને તેમાં ખૂબ દુર્ગમ જગ્યાએ પ્રવેશીને ખાણકામ કરે છે. આ કામ manually એટલે કે મશિન વિના શારિરીક મહેનતથી અને માત્ર હાથથી વાપરવામાં આવે તેવાં પરંપરાગત સાદા ઓજારોથી કરવામાં આવે છે.

આમાં એક સમયે માત્ર એક જ શ્રમિક અંદર ઊતરી શકે છે. તે કોલસાના થર સુધી પહોંચે છે. આવા વિવરો ખોદાઈ ગયા પછી ખાણિયાઓ દોરડાં કે વાંસની સીડીઓથી અંદર ઊતરીને કોલસો કાઢે છે. આખા ય કામમાં કોદાળી, પાવડા, તગાર, ટોપલા જેવાં ઓજારોનો જ ઉપયોગ થઈ શકે છે.

રૅટ હોલ માઇનિંગનો ઉપયોગ મેઘાલયની કોલસાની ખાણોમાં બહુ મોટા પાયે કરવામાં આવતો. આ અનેક રીતે ખૂબ જ જોખમકારક પદ્ધતિ છે. તેમાં જાનહાનિ અને પર્યાવરણને નુકસાન પણ થાય છે. એટલે નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રૅટ હોલ માઇનિંગ પર મેઘાલયમાં પ્રતિબંધ મૂક્યો હતો.

પ્રતિબંધને મેઘાલયની સરકારે સર્વોચ્ચ અદાલતમાં પડકારતા અદાલતે ખાનગી અને સામુદાયિક જમીન પર, રાજ્યના કાનૂનને આધીન રહીને, રૅટ હોલ માઇનિંગ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. પણ સાથે રાજ્યને ગ્રીન ટ્રિબ્યુનલે ફટકારેલા ત્રણસો કરોડ રૂપિયાના દંડને પણ જમા કરાવવા આદેશ આપ્યો હતો.

સિલ્ક્યારામાં બચાવ કાર્ય માટે આવેલી રૅટ-હોલ માઇનર્સની ટુકડીના પરસાદી લોધીએ કહ્યું કે એ લોકો બચાવ માટેની પાઇપોમાં પ્રવેશ કરશે અને હાથથી વપરાતાં ઓજારોનો ઉપયોગ કરીને બહાર આવવાના માર્ગમાં અવરોધ બનેલા મલબાને દૂર કરશે.

પરસાદીજીએ કહ્યું : ‘ગયાં દસેક વર્ષમાં આવા પ્રકારનું કામ અમે અમદાવાદ અને દિલ્હીમાં કર્યું છે. અમે  600 mm પહોળાં વિવરોમાં (holes) કામ કર્યું છે, જ્યારે અહીં તો 800 mmની  પાઇપ છે. અલબત્ત, અહીં માણસોને બચાવવાના છે, જે અમારા માટે પહેલી વારનું કામ છે.

‘અહીં બાર મીટર જેટલા અંતરનો મલબો છે. એ જો  માત્ર માટી હશે તો એમાં  24 કલાક લાગશે, પણ જો એમાં ખડકો હશે તો 32 કલાક જેવો સમય લાગશે.’

તેમની ટીમે 21 કલાકમાં 12-13 મીટર જેટલું ખોદકામ કર્યું.

પરસાદીજી અને તેમની ટીમ એક ખાનગી એન્જિનિયરિંગ કંપનીના કર્મચારીઓ છે. દિલ્હી અને અન્યત્ર પાણીની પાઇપલાઈનો નાખવા માટે સાવ નાનાં બોગદાં ખોદવાનાં કામમાં તેમણે ખૂબ કામયાબી મેળવી છે.

રૅટ-માઇનર્સના મોટા સહયોગથી 41 શ્રમિકોના જીવ બચે તેની ખૂબ ખુશી હોય. પણ આખી પરિસ્થિતિ એક દ્વંદ્વ, એક વક્રતા, વિમાસણ બતાવે છે. સહેજ પણ judgemental થયા વિના પણ આવી પરિસ્થિતિ નજરે ચઢે છે.

એકતાળીસ શ્રમિકોના જીવ બચાવવા માટે છ શ્રમિકોએ પોતાની જિંદગીને કામે લગાડી છે. રૅટ-માઇનિંગની પદ્ધતિ એટલી બધી જોખમકારક, ઇવન જાનલેવા સાબિત થઈ છે કે તેની પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. પણ તે જ પદ્ધતિનો ઉપયોગ અત્યારે દેશને શ્રમિકોનો જાન બચાવવા માટે કરવો પડી રહ્યો છે.

બીજી વક્રતા એ છે કે આ ટનલ મુખ્યત્વે ચાર ધામ યાત્રાનો માર્ગ ટૂંકો થાય એટલા માટે થઈ રહ્યો છે. સંભવત: તેનો બીજો હેતુ પ્રવાસન દ્વારા લોકોને આનંદપ્રમોદ આપવાનો છે.

શું આ રીતે મળનાર ચારધામ યાત્રાનું પુણ્ય અને આનંદપ્રમોદ દેશનો અગ્રતાક્રમ હોઈ શકે ? દેશના કરોડો નાગરિકોને પાયાની જરૂરિયાતો પૂરી ન પડતી હોય ત્યારે દેશ ચાર ધામ યાત્રાના  રસ્તા જેવાને અગ્રતા શા માટે આપે ?

વિકાસની જેમ કોઈની ‘ભક્તિ’ વિશે ફેરવિચાર કરવો જરૂરી છે. સરકારો દ્વારા મજૂર કાયદાઓને શિથિલ કરવામાં આવી રહ્યા છે તેના વિશે  ફેરવિચાર કરવાની જરૂર છે.

અત્યારે આખું રાષ્ટ્ર એક એક બૉલ, એક એક રન, એક એક વિકેટ, એક-એક મિનિટની નહીં; પણ એક એક કલાક, એક એક મીટર, એક એક શ્રમિકની ચિંતામાં છે, ટેલિવિઝન સામે મીટ માંડીને બેઠું છે. ખરું ને?

મહેનતકશો ઝિંદાબાદ ! 

સૌજન્ય : ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’, ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’  
Image is only representative
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

વ્યવસાયિક સફળતા અંગત જીવનની સફળતાની ગેરંટી નથી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 November 2023

રાજ ગોસ્વામી

ભારતીય ક્રિકેટના ઝડપી બોલર મોહમ્મદ શમીનો આજકાલ શાનદાર સમય ચાલી રહ્યો છે. હાલમાં પૂરા થયેલા આઈ.સી.સી. મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ-2023માં ભારતના મુખ્ય ઝડપી બોલર તરીકે તેણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ભારત માટે 177 મેચોમાં 415 વિકેટ ખેરવીને શમીએ પોતાની સમૃદ્ધિ ઊભી કરી છે. તેના નામે 100 વિકેટ સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય બોલરનો રેકોર્ડ બોલે છે, અને વન-ડે વર્લ્ડ કપ મેચમાં હેટ્રિક બનાવનાર માત્ર બીજો ભારતીય ક્રિકેટર છે. તેણે મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ સેમિફાઇનલમાં સાત વિકેટ ઝડપીને વડા પ્રધાનથી લઈને અદના આદમીનાં દિલ જીતી લીધાં હતા.

શમીની ઉંમર 33 વર્ષ છે. તેનો જન્મ 3 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના અમરોહામાં થયો હતો. શમીએ મુખ્યત્વે પશ્ચિમ બંગાળમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી. તેનું ક્રિકેટ જીવન જેટલું શાનદાર ચાલી રહ્યું છે, તેટલું જ તેની અંગત જીવન ઊથલપાથલમાંથી પસાર થઇ રહ્યું છે.

મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે કોઈ કાનૂની છૂટાછેડા નથી, પરંતુ 2018માં ઘરેલું હિંસા અને વ્યભિચારના આક્ષેપ બાદ દંપતી અલગ રહે છે. જ્યારે સેમી ફાઈનલમાં મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો, ત્યારે તેની બેગમે એક સૂચક બયાન કર્યું હતું.

ખાવિંદની સિદ્ધિ અંગે મીડિયાવાળાઓના સવાલોના જવાબ આપતાં તેણે કહ્યું હતું, “એક ખેલાડી તરીકે તે જેટલો સારો છે, તેટલો જ તે એક માણસ તરીકે સારો હોત, તો અમે સરસ જીવન જીવતાં હોત. એ જો સારો માણસ હોત, તો હું, મારી દીકરી અને મારા પતિ એક સુખી જીવન વ્યતીત કરતાં હોત. તે એક સારો પતિ અને સારો પિતા હોત, તો એક ખેલાડી તરીકે તેને વધુ સન્માન અને ગૌરવ મળ્યું હોત.”

હસીન જહાં પાસે આવું કહેવા માટેનાં પર્યાપ્ત કારણો હશે અને સામે પક્ષે શમી પાસે પણ કહેવા માટે મુદ્દાઓ હશે. એમાં કોણ સાચું અને કોણ ખોટું એ આપણો વિષય નથી. બંને વચ્ચેનો ખટરાગ તેમનો અંગત વિષય છે અને આપણે તેના વિશે ટિપ્પણી કરવી ન જોઈએ, પરંતુ બેગમની વાત પરથી એક બહોળો મુદ્દો ઊભો થાય છે; વ્યવસાયિક જીવનમાં સફળ વ્યક્તિ અંગત જીવનમાં કેમ નિષ્ફળ હોય છે? અથવા વ્યવસાયિક રીતે સફળ વ્યક્તિએ અંગત જીવનમાં પણ અનિવાર્યપણે સફળ હોવું જ જોઈએ?

આ મુદ્દો સમજાવા જેવો છે, કારણ કે શમી ઇતિહાસનો પહેલો કે છેલ્લો માણસ નથી, જે વ્યવસાયમાં સફળ હોય અને અંગત જીવનમાં નિષ્ફળ. જાણીતા, અજાણ્યા એવા ઘણા લોકો હોય છે, એક ક્ષેત્રમાં જેટલા સફળ હોય છે, બીજા ક્ષેત્રમાં એટલા જ નિષ્ફળ હોય છે.

તેનું મુખ્ય અને પહેલું કારણ એ છે કે સફળતા-નિષ્ફળતા સબ્જેક્ટિવ હોય છે, સાપેક્ષ હોય છે અને તે વ્યક્તિગત સંજોગો તેમ જ પરિપ્રેક્ષ્ય પર આધારિત હોય છે. ધારો કે, શમી કોઈ સ્કૂટર ગેરેજમાં કામ કરતો હોત, અને ત્યાંથી તેને કાઢી મુક્યો હોત, તો શું આપણે તેના નિષ્કાસનની  સરખામણી તેના લગ્ન સાથે કરી હોત? કદાચ ઊંધું થયું હોત; તેના માટે આપણી હમદર્દી વધી ગઈ હોત કે “જુવોને બિચારો! ના લગ્નમાં સુખી છે, ના વ્યવસાયમાં!”

જે શમીને આજે સફળ બોલર તરીકે માથા પર ચઢાવવામાં આવે છે, તે જ શમીને હજુ થોડા દિવસ પહેલાં તેના ધર્મને લઈને ભયંકર ટ્રોલ કરવામાં આવતો હતો. વ્યવસાયિક ક્રિકેટર તરીકે તેને લઘુમતી હોવાની આભડછેટ મહેસૂસ કરવી પડે એ પણ તો તેની નિષ્ફળતામાં ગણાય ને! પરંતુ દરેક વસ્તુ સરખામણીના લેન્સમાંથી અલગ નજર રીતે નજર આવતી હોય છે. આપણે કયો લેન્સ પહેરીને જોઈએ છીએ તેના પર એ નિર્ભર કરે છે. ગાંધીજીના પુત્ર હરિલાલે, હસીન જહાંની જેમ, કહ્યું હતું કે દેશ માટે જે રાષ્ટ્રપિતા હતા તે પિતા તરીકે નિષ્ફળ હતા.

આના પરથી બીજી મહત્ત્વની વાત સમજવા જેવી એ છે કે વ્યવસાયિક જીવનમાં સક્રિય પ્રયાસોની ઇચ્છિત પરિણામ મળી શકે છે. એમાં તમારા પ્રયાસોનું મહત્ત્વ હોય છે, માણસ તરીકે તમે કેવા છો તેનું નહીં. અંગત જીવનમાં, અથવા સંબંધોમાં, તમે માણસ તરીકે જેવા હોવ તેવો જ પ્રભાવ હોય છે. બીજી રીતે કહીએ તો, ક્રિકેટ મેચમાં નેટ પ્રેક્ટિસ કરીને તમે સદી ફટકારી શકો, અથવા બોર્ડની પરીક્ષા અગાઉ રાત-દિવસ ભણીને પહેલો નંબર લાવી શકો, પણ સંબંધમાં ના તો મેચ હોય છે કે પરીક્ષા. એમાં તમારું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય છે, પ્રયાસ નહીં.

તમે માણસ તરીકે જેવા હોવ, વ્યક્તિગત જીવન એ પ્રમાણે વિકસિત થાય છે. પ્રેમ નેટ પ્રેક્ટિસથી પ્રાપ્ત ન થાય. તમે તમારા જીવનસાથી, મિત્ર, પ્રેમી કે માર્ગદર્શક સાથેનો તમારો સંબંધ ખરાબ ન થાય તે માટે મહેનત કરી શકો, પરંતુ તે પ્રેમ મેળવવા માટે દબાણ ન કરી શકો. તમે કોઈ વ્યક્તિને અનુકૂળતા મહેસૂસ થાય તેવા બનો અને એ વ્યક્તિ તેની કદર કરે, તો પ્રેમનો સંબંધ કેળવાય છે. તમે પ્રેમ માટેની પાત્રતા કેળવવાનો પ્રયાસ કરી શકો અને પછી પ્રેમ સહજ રીતે તમારી પાસે આવે. તમે એટલું જ કરી શકો. એ સિવાય બીજી મહેનત વ્યર્થ જાય છે.

ત્રીજી વાત. ઘણીવાર એવું બનતું હોય છે કે જે કારણોથી તમે વ્યવસાયિક જીવનમાં સફળ થાવ છો, કદાચ એ જ કારણોથી અંગત જીવનમાં નિષ્ફળ જાવ છો. મતલબ એ કે માળખાગત પરિસ્થિતિ(જેમ કે વ્યવસાયિક જીવન)માં તમારી પ્રતિભા જે રંગ લાવે છે, તે જ પ્રતિભા બિન-માળખાગત (જેમ કે અંગત જીવન) પરિસ્થિતિમાં તમને આડી આવે છે.

ઉદાહરણ તરીકે, તમને તે માળખાની અંદર રહીને સમસ્યાનું સમાધાન કેવી રીતે શોધવું તે આવડી ગયું છે. તમે માળખાનો અભ્યાસ કરીને તેની ઊંડી સમજ કેળવી લો પછી માળખાના કારણે ઊભી થતી કોઈપણ સમસ્યા તમારા માટે સમસ્યા નથી રહેતી. તમે ઝડપથી અને સંક્ષિપ્તમાં તેનો જવાબ શોધી શકો છો.

જેમ કે ક્રિકેટનું એક ચોક્કસ માળખું છે, તેના નિયમો છે, તેની યુક્તિઓ છે. તમે તમારી જાતને એ સીમારેખાઓની અંદર ટ્રેઈન કરી દો, પછી કેવી રીતે બોલ કે બેટથી ખેલવું એ ડાબા હાથનો ખેલ બની જાય. જેટલી વધુ સારી ટ્રેનિંગ, એટલી વધુ ગેરંટી કે તમે સફળ જાવ.

સમસ્યા એ છે કે વ્યક્તિગત જીવનમાં ભાગ્યે જ એવું માળખું હોય છે. હકીકતમાં, એમાં સાચો જવાબ શોધવાનો પ્રયાસ જ સંબંધોમાં જટિલતા પેદા કરે છે. કારણ કે એમાં તમે સતત મનમાં સામેની વ્યક્તિનું, તેની વાતોનું, તેના વર્તનનું વિશ્લેષણ કરો છો. તમે જેટલું વધુ વિશ્લેષણ કરો છો, એટલા વધુ તમે તે વ્યક્તિથી અલગ-થલગ થાવ છો.

ટૂંકમાં, વ્યવસાયિક જીવનની સમસ્યાઓ અને તેનાં સમાધાન અંગત જીવનની સમસ્યાઓ અને તેનાં સમાધાનથી એકદમ વેગળાં હોય છે. એટલે એક ક્ષેત્રમાં કારગત નીવડેલી ક્ષમતા બીજા ક્ષેત્રમાં કારગત નથી નીવડતી. વ્યવસાયિક દુનિયા સંરચિત અને ઔપચારિક હોય છે, અંગત દુનિયાના સંબંધો પ્રવાહી અને અવ્યવસ્થિત હોય છે.

ચોથું, કેટલાક સફળ લોકો તેમના વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનને આસાનીથી સંતુલિત કરી શકતા નથી, જે તેમના સંબંધો પર પ્રેસર ઊભું કરે છે. અમુક લોકો તેમની કારકિર્દીના સ્ટ્રેસ અને પ્રેસરને ઝીલી શકતા નથી, જેનાથી તેમનાં અંગત સંબંધો પ્રભાવિત થાય છે. વધુમાં, અમુક સફળ લોકોના વ્યક્તિત્વની ખાસિયતો કે આદતો હોય છે, જે સફળ સંબંધો માટે અનુકૂળ નથી હોતી. અંતત: સંબંધોની સફળતા અને નિષ્ફળતાનાં કારણો વ્યક્તિએ વ્યક્તિએ વિશેષ અને નોખાં હોય છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 26 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...885886887888...900910920...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved