Opinion Magazine
Number of visits: 9457695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્મરણ શ્યામજીનું, એમને એક સો છાસઠમે, સાદર, સવિનય…અને સતર્ક!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 October 2023

વંદન, આજે (ચોથી ઓક્ટોબરે) એમના 166મા જયંતી પર્વે.

સરસ માન તો શ્યામજી કૃષ્ણવર્માને. સનદ 2015માં પરત કરતાં ઇનર ટેમ્પલે આપ્યું. એના પદાધિકારીએ કહ્યું કે અમારો આ સર્વાનુમત નિર્ણય છે. શ્યામજી રાષ્ટ્રવાદી હશે, ટેરરિસ્ટ નહોતા. એમને બારમાંથી કમી કરવાપણું નહોતું. કેમ કે એમણે કોઇ ક્રિમિનલ કામગીરી કરી નહોતી. હકીકતે, એ સમયે એમને કોઇએ ધોરણસર સાંભળ્યા જ નહોતા.    

પ્રકાશ ન. શાહ

વચ્ચે વાતવાતમાં અમદાવામાં સેકન્ડહેન્ડ પાઠ્યપુસ્તકોની દુકાન, મહાજન બુક ડીપોનું સ્મરણ કરવાનું બન્યું હતું. એ રીચી રોડ (ગાંધી માર્ગ) પર ફર્નાન્ડીઝ પુલ નીચે હતી. સાઠ-સિત્તેર વરસ પાછળ જઇને સંભારું છું તો રિલીફ રોડ (તિલક માર્ગ) પર પથ્થર કૂવાથી શરૂ થતો ટુકડો સાંભરે છે. પોપ્યુલર? અને પીપલ્સ બે મજેનાં પુસ્તકઠેકાણાં હતાં. ત્યાં ‘એન્કાઉન્ટર’નું વાર્ષિક લવાજમ (આખું અઢાર રૂપિયા) ભર્યાનું યાદ છે. આ જ ફૂટપાયરી પર જૂનાંનવાં અંગ્રેજી પુસ્તકો પણ મ‌ળતાં. એમાં એકવાર ધનવંત ઓઝાનું ‘વિલ્કીઝ વન વર્લ્ડ’ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જોવાનાં બન્યાં. ઇન્દુચાચાની ઠીક ઠીક પૃષ્ઠસમૃદ્ધ વિગતખચીત પાકા પૂંઠાની ચોપડી પડી પડી વણખપી ત્યારે રૂપિયે રૂપિયે મળતી. પછી તો રસ પડ્યો અને અમે મિત્રોએ ઇન્દુચાચાને અમારી યુવા પ્રવૃત્તિ અન્વયે શ્યામજી વિશે વાર્તાલાપ સારું નિમંત્ર્યા. એ તારીખનાં ઓસાણ છૂટી ગયાં હતાં, પણ આ લખવા બેઠો ત્યારે એમની આત્મકથાના છઠ્ઠા ભાગમાં ડાયરીનાં પાનાં જોતાં જડ્યું કે 1961ની 18મી ઓક્ટોબરે પ્રેમાભાઇ હોલમાં એમણે આ વાર્તાલાપ આપ્યો હતો. એમના વાર્તાલાપમાં જ એમણે આ પુસ્તક લેખનની જવાબદારી ભણાવનાર સરદાર સિંહ રાણાના ક્રાંતિકાર્યનોયે ખયાલ આવ્યો હતો. અલબત્ત, આજે 2003ની વીરાંજલિ યાત્રાની મોદીપહેલ અને પૂર્વસાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ સરદારસિંહની વેબસાઇટ સુલભ કરી તે પછી આ નામો સ્વાભાવિક જ પરિચિત થયેલાં છે. (જો કે, સરદારસિંહ રાણાએ ઇન્દુલાલને બોમ્બ-તાલીમ સારુ રશિયા મોકલ્યાની વાત ઇતિહાસ સમ્મત જણાતી નથી.)

ખાસ કરીને લંડનના ‘ઇન્ડિયા હાઉસ’થી અને ‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્રથી, વિદેશની ધરતી પર જંગે આઝાદીના એક કર્મી ને કલમી તરીકે શ્યામજી સુપ્રતિષ્ઠ છે. દેશની એમની કામગીરી રિયાસતી દીવાન તરીકેની તેમ આર્ય સમાજના અગ્રણી અને પંડિત તરીકેની રહી. કાશીના પંડિતોએ કોઇ બ્રાહ્મણ નહીં એવી પ્રતિભાને ‘પંડિત’ તરીકે વિધિવત્ પોંખી હોય તે શ્યામજી હતા. સ્વાતંત્ર્યસંગ્રામ સાથે આ કચ્છીમાડુનું આગળ પડતું સંધાન અલબત્ત એમના વિદેશવાસ પછીનું છે. એમણે ઊભું કરેલું ‘ઇન્ડિયા હાઉસ’ મેડમ કામાથી માંડી વિનાયક દામોદર સાવરકર સહિતનો હિંદવી જોવનાઇનું આંગનથાણું હતું. વતનમાં દયાનંદે સંમાર્જેલ શ્યામજીની બ્રિટનવાસની વિચારમાનવજત ઠીક ઠીક પ્રમાણમાં હર્બર્ટ સ્પેન્સરને આભારી છે. ‘આક્રમણનો પ્રતિકાર’, શ્યામજી સ્પેન્સરને ટાંકીને કહેતા, ‘વાજબી છે એટલું જ નહીં અનિવાર્ય આદેશવત્ છે.’ બાય ધ વે, એમણે લંડનના જે વિસ્તારમાં ‘ઇન્ડિયા હાઉસ’ ખડું કર્યું એની બરાબર સામે હાઇગેટ સિમેટ્રી છે જેમાં સ્પેન્સર ને માર્ક્સ સહિતના વીરલાઓ પોઢેલા છે.

1905માં વતનઆંગણે બંગભંગના દિવસોમાં ને દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનાં ઊગું ઊગું કિરણોના ગાળામાં જ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ ઊભું થયું. મદનલાલ ઢીંગરાના વીરકર્મથી માંડી સ્ટુટગાર્ટમાં પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની વાત હોય કે 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની પચાસીનો અવસર હોય, બધાંનું પગેરું તમને ‘ઇન્ડિયા હાઉસ’માં મળશે. ભારત બહાર સાવરકર જે કોળ્યા તે તિલકની ભલામણે શ્યામજીદીધી સ્કોલરશિપને કારણે.

‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્ર 1905માં, શરૂ શરૂમાં માસિક રૂપે લંડનથી, પછી પેરિસથી, અનિયમિત થતે થતે છેલ્લે છેલ્લે જીનીવાથી એમ 1922 સુધી પ્રગટ થતું રહ્યું.

આ પત્ર પોતાને સ્વાતંત્ર્યના તેમ જ રાજકીય, સામાજિક ને ધાર્મિક સુધારાના પત્ર (ઓર્ગન) તરીકે ઓળખાવતું. ક્રાંતિકારી હત્યાઓનું એ બેધડક સમર્થન કરતું. અલબત્ત, શ્યામજીનું પોતાનું (જેમ સાવરકર વગેરેનું હશે, તેવું) કોઇ સીધું સંધાન એમાં નહોતું. જીનીવામાં એમનાં છેલ્લાં વર્ષો સ્વાસ્થ્યવશ સ્વાભાવિક જ ખાસ સક્રિય નહોતાં. વતનપ્રેમમાં ઝૂરતા આ જીવે જીનીવાની એક સંસ્થામાં સ્વખર્ચે પોતાનાં ને પત્ની ભાનુમતીનાં અસ્થિ સચવાય એવી વ્યવસ્થા કરી હતી અને સૂચના આપી હતી કે હિંદ આઝાદ બને ત્યારે ત્યાં તે મોકલવાં. 2003ની વીરાંજલિ યાત્રાની આ પૃષ્ઠભૂ છે. હવે તો કચ્છમાં યુનિવર્સિટીનું નામ અપાયેલું છે અને ક્રાંતિતીર્થનુંયે નિર્માણ થયેલું છે. વળી ભારત સરકારે ખાસ ટપાલ ટિકિટ તો છેક 1989માં પ્રગટ કરી હતી.

સન્માન્ય શ્યામજીના મહિમામંડનની જોડે જોડે આઝાદીના ઓછા જાણીતા લડવૈયાઓને સંભારવાનો આવકાર્ય ઉપક્રમ છે તો કંઇક અતિરંજની રજૂઆતથી બાકીનાં ઠીક ઠીક સ્થાપિત વ્યક્તિત્વો કરતાં આગળ ધરવાની આ ઐતિહાસિક ગણતરી પણ જણાય છે. એમને માટે 2003માં ખાસ આગળ કરાયેલો પ્રયોગ ‘ક્રાન્તિગુરુ’ આ સંદર્ભમાં જોવાતપાસવા જેવો છે. પૂર્વ સાવરકરની ક્રાંતિકારી પ્રતિભા લંડન પહોંચ્યા પહેલાની અંકે થયેલી છે. ઉત્તર સાવરકરના હિંદુત્વ થીસિસને અને શ્યામજીની વૈચારિક ભૂમિકાને છત્રીસનો સંબંધ છે. 1930ના માર્ચની 30મીએ જીનીવામાં શ્યામજીને દેહ છોડ્યો તે પછીની એક નોંધપાત્ર અંજલિ બેઠક ભગતસિંહ અને સાથી કેદીઓએ લાહોર જેલમાં યોજી હતી, પણ ભગતસિંહની જેલ નોટબુક્સ જોતાં તેના પર શ્યામજીના ચિંતનનો કોઇ ખાસ પ્રભાવ જણાતો નથી.

‘ક્રાન્તિગુરુ’ કહેતાં જો સશસ્ત્ર ક્રાન્તિના કોઇ એકાન્તિક સમર્થનનો ખયાલ હોય તો તે દુરસ્ત નથી; કેમ કે અસહકારનો વિશાળ પાયા પરનો પ્રયોગ પણ શ્યામજીના અભિગમમાં સ્વીકાર્ય હતો. 1920-21ના વિરાટ ઘટનાક્રમ પછી શ્યામજી ઇચ્છતા હતા કે એમની યોજના અન્વયે લંડન મોકલવાના વક્તાઓ ગાંધીજી સૂચવે. 1930ના દાંડીકૂચના લોકજુવાળે એમને અતિશે આંદોલિત-ઉલ્લસિત કર્યા હોત. પણ એ ઝંઝાવાતી એટલી જ ઠંડી તાકાતના દિવસોમાં શ્યામજી બહારની દુનિયાથી બેખબર એવી બિલકુલ મરણોન્મુખ અવસ્થામાં હતા.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 ઑક્ટોબર 2023

Loading

સમાજઘડતરના આધારસ્તંભો

મનસુખ સલ્લા|Gandhiana, Opinion - Opinion|4 October 2023

આજે જેમને વિશે હું વાત કરવાનો છું તે પૂજ્ય જુગતરામકાકાને હું પુણ્યશ્લોક પુરુષ તરીકે ઓળખાવું છું. આ શબ્દ જાણીતો છે, પણ એનો અર્થ ગહન છે. શ્લોક એટલે વર્ણન કરવું, સમજાવવું અને જેમની વાત કરવાથી આપણે પુણ્યશાળી થઈએ તે પુણ્યશ્લોક. જુ.કાકા એવા પુણ્યશ્લોક પુરુષ છે. એમનું ચિંતન કરવું, એમનાં કાર્યોને સમજવાં, એમનાં જીવનનાં મૂલ્યોને ફરી ફરી સમજવાં જેથી વ્યક્તિ તરીકે આ સઘળાંનું આપણામાં ઉમેરણ થઈ શકે. મુરબ્બી ઘણા હોય છે પણ પુણ્યશ્લોક બહુ ઓછા હોય છે. જુ.કાકાના જીવનનો મહિમા સમજવા જેવો છે. તેમણે પોતાની આત્મકથા લખી છે. એનું નામ એમના જેવું જ સાદું છે – ‘મારી જીવનકથા.’ સૌએ વાંચવા જેવી આ અસામાન્ય આત્મકથા છે. કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે, ‘આ આત્મકથાનું હિંદી અને અંગ્રેજી થવું જોઈએ. આ આત્મકથા ભારતના બધા પ્રદેશોમાં પહોંચવી જોઈએ.’

સો વર્ષ પહેલાંનો આ આખો પ્રદેશ, અને આ પ્રદેશ એટલે સુરત, વલસાડ અને ડાંગ જિલ્લા જેટલો વિશાળ આદિવાસી પ્રદેશ. આ પ્રદેશમાં વસનારા માણસોના બે ભાગ હતા : (૧) પાટીદારો, વણિકો, પારસીઓ – તેઓ જમીનદાર હતા, પૈસાદાર હતા, સુખી હતા. એ નાનો ભાગ હતો. (૨) અને વસ્તીનો બીજો મોટો ભાગ આદિવાસીઓનો હતો, જેને દરેક ટંકે ભોજન મળવું દુર્લભ હતું. તેમને માટે પૂરતું ખાવાનું મળવું એ અસાધારણ બાબત હતી. શરીર ઉપર ચીંથરા જેવું કાંઈક વીંટ્યું હોય, એ સિવાય કોઈ કપડું ન હોય. તમે એ કલ્પી શકો છો કે સવારથી સાંજ સુધી, બળદ જેવી સખત મજૂરી કરો. ત્યારે તેના બદલામાં ધણિયામા માત્ર ખાવાનું આપે ? આ ચિત્ર સમજાય તો પછીના દાયકાઓમાં કેવું પરિવર્તન થયું એ સમજાય. ધણિયામા સામે આદિવાસી બોલી ન શકે, બેરહમીથી માર મારે તો પણ ફરિયાદ ન કરી શકે. આવકના સ્વતંત્ર સ્રોત જ નહિ. ધણિયામાને છોડે તો માર પડે, પજવણી થાય. એક વાર ધણિયામા પાસેથી રકમ લીધી તો જિંદગીમાં ક્યારે ય એમના ઋણમાંથી છૂટી ન શકે. કાયમ એમનાથી દબાયેલા જ રહેવાનું. આ ચિત્ર સમજીએ તો ૧૯૨૨ અને ૨૦૨૨ વચ્ચેનો ફરક સમજાય.

ગુલામી જેવી એ પરિસ્થિતિ કેવી હતી એનું એક ઉદાહરણ જુ.કાકાએ આત્મકથામાં આપેલું છે. આ પ્રદેશમાં સાહેબો આવ્યા હતા. તલાટી પણ સાહેબ ગણાય, મામલતદાર પણ સાહેબ. આ પ્રદેશ ડુંગરાળ. ચારે બાજુ પાણી વહેતું હોય. નદી-વોંકળા ચાલુ હોય. સાહેબે બૂટ પહેર્યા હોય. તેઓ બૂટ કાઢીને, કપડાં ઊંચા લઈને નદી પાર ન કરે. એ તો સાહેબ ! એટલે આદિવાસીના ખભા ઉપર બેસીને વાંકળો કે નદી પાર કરે. જેથી સાહેબને બૂટ કાઢવા ન પડે, કપડાં ઊંચાં ન લેવાં પડે. આજે તમે કોઈને કહો કે, ‘તને હજાર રૂપિયા આપું, તારા ખભા પર બેસાડીને મને નદી પાર કરાવ.’ તો કોઈ તૈયાર નહિ થાય. સામે સવાલ કરી શકતો નહિ. વેઠ કરવાની એટલે કરવાની. આ દુ:ખો, અપમાન, અમાનવીયતાને ભૂલી જવા લોકો વ્યસનમાં ડૂબેલા રહેતા. ન આવક, ન સ્વમાન, ન ગૌરવ. અહીંનું આ ચિત્ર એક માણસના પુણ્ય અને પુરુષાર્થને કારણે બદલાયું. આખા પ્રદેશમાં આટલા બધા કાર્યકર્તાઓ તૈયાર થયા. મૂળભૂત પરિવર્તન થયું.

જુ.કાકા ગાંધીની કોઢમાં ઘડાયા હતા. ગાંધીજીના આશ્રમમાં અને નવજીવન પ્રેસમાં સ્વામી આનંદ સાથે કામ કરતાં કરતાં તેઓ ઘડાયા હતા. સાથે જ જાણે તેમના પોતાનામાં પણ એક વિશેષ તૈયારી ચાલી રહી હતી. આશ્રમમાં તેમને પૂછવામાં આવ્યું કે, ‘શું કામ કરશો ?’ જવાબમાં તેમણે કહેલું, ‘મને શિક્ષણનું કામ ગમશે.’ આ શિક્ષણનું કામ એટલે શું ? આપણે બુનિયાદી શબ્દ વાપરીએ છીએ પણ એનો અર્થ ભૂલી જઈએ છીએ. બુનિયાદી એટલે પાયાનું (basic). કોઈપણ ઈમારત ત્યારે જ ઊંચે જઈ શકે છે જ્યારે એનો પાયો મજબૂત હોય. મનુષ્ય તરીકે એવી કેળવણી થાય જેથી મનુષ્યત્વનો વિકાસ થયા કરે. માણસમાંથી સારો માણસ બને. માણસમાંથી જવાબદાર માણસ બને, બીજાની કાળજી લેતો થાય – એ બુનિયાદી શિક્ષણ છે. માત્ર રેંટિયો કાંતવો કે સફાઈ કરવી એ બુનિયાદી શિક્ષણ નથી. એ સઘળાં માધ્યમો છે.

શિબિર દ્વારા, સફાઈ દ્વારા, જાજરૂ સફાઈ દ્વારા માણસ બદલાવો જોઈએ. એ કાળે કોઈ ભણેલો જાજરૂ સફાઈ કરવા રાજી ન થતો. એટલે વિનોબાજીએ કહેલું કે ‘જાજરૂ બગાડનારો ઊંચો ગણાય છે અને એની સફાઈ કરનારો હલકો ગણાય છે.’ આવાં ઊલટાં મૂલ્યો એ કાળે પ્રચલિત હતાં. જુ.કાકા જાજરૂ સફાઈને પાયાનું કામ ગણે છે. અહીં આવે તેણે જાજરૂ સફાઈ તો કરવાની જ છે. એ સંડાસ આજનાં જેવાં ફ્લશનાં નહોતાં. ડોલવાળા, દરરોજ સાફ કરવાં પડે એવાં હતાં. આ સઘળું જુ.કાકાએ આશ્રમીજીવન માટે અનિવાર્ય ગણ્યું. તેનું કારણ છે :

મનુષ્ય બે તત્ત્વોથી પ્રેરાઈને વર્તતો હોય છે. એક, માન્યતાઓથી. માન્યતાઓ ત્રણ પ્રકારની હોય છે. સાચી, ખોટી, અસ્પષ્ટ. યુક્રેન ઉપરના રશિયાના હુમલાને આ ત્રણે રીતે જોઈ શકાય. કોઈ દેશ બીજા દેશ ઉપર આક્રમણ કરી શકે ખરો ? તો જવાબ મળે. પણ માન્યતા અસ્પષ્ટ હોય તો ઘડીક આ સાચું લાગે. ઘડીક પેલું સાચું લાગે. જુગતરામકાકાએ જે જે કાર્યકતાઓને તૈયાર કર્યા તેમની માન્યતા સાચી હતી. સૌ સ્પષ્ટ હતા કે ‘સહન કરનારના અમે ભેરુ બનીશું. એને માટે જે સહન કરવાનું આવે તે માટે અમે તૈયાર છીએ.’

બીજું તત્ત્વ છે માણસનાં વલણો. ધણિયામા (પાટીદારો, વણિકો, પારસીઓ) આટલી ક્રૂર રીતે કેમ વર્તતા હતા ? માર મારતા હતા, શોષણ કરતા હતા. કારણ કે વર્ષોથી તેમનાં વલણો દૃઢ થયાં હતાં કે આ અમારો અધિકાર છે. એવું જ લાખો આદિવાસીઓ મૂગાંમૂંગાં સહન કરતાં હતાં. કારણ કે અસંમતિ પ્રગટ કરાય, સામે અવાજ ઉઠાવાય, આ અમે નહિ કરીએ એમ કહી દેવાય એવું એ માનતાં જ નહોતાં. અમારે તો આવું વેઠવાનું જ હોય તેવાં વલણોથી ગ્રસ્ત હતાં. આ માન્યતાઓ, આવાં વલણો, આ વાતાવરણ વચ્ચે જુગતરામકાકાનો આ પ્રદેશમાં પ્રવેશ થયો. તેઓ ગાંધીઆશ્રમનાં જીવનમૂલ્યોથી ઘડાઈને આવ્યા હતા. તેમની પ્રતીતિ હતી કે થોડાક ઉપલા વર્ગ માટે નહિ, ફાવી ગયેલા માટે નહિ, પણ તમામનાં સુખ-શાંતિ-ગૌરવ માટે તેઓ કામ કરશે. સર્વોદયનો તેમનો અર્થ હતો છેલ્લામાં છેલ્લા માણસનું કલ્યાણ.

આ સ્વપ્ન તો અદ્ભુત હતું. પણ કામ કઈ રીતે કરવું ? એટલે તેમણે ગાંધીજીમાંથી સમજાયેલાં ત્રણ લક્ષ્યાંક રાખ્યાં હતાં : 

(૧) આર્થિક રીતે માણસ પગભર થવો જોઈએ, સ્વનિર્ભર થવો જોઈએ.

(૨) સામાજિક રીતે એનો સ્વીકાર થવો જોઈએ. એનું સ્વમાન સચવાવું જોઈએ. મનુષ્ય તરીકેનું ગૌરવ મળવું જોઈએ. આ બંને અનિવાર્ય તત્ત્વો છે, પણ પૂરતાં નથી. અનેક લોકોએ આર્થિક રીતે પગભર થવાને પૂરતું ગણીને કામ કર્યું છે તે અધૂરું કામ છે. આજે આદિવાસીઓમાંથી કલેક્ટર, ડૉક્ટર, કલાસ વન ઓફિસરો, ધારાસભ્યો અને લોકસભાના સભ્યો થયા છે. તેઓ સુખી પણ થયા છે, પરંતુ એટલું પૂરતું નથી. 

ગાંધીવિચારનો પાયો એના ત્રીજા તત્ત્વમાં છે.

(૩) મનુષ્ય નૈતિક રીતે પણ વિકાસ પામે તો જ સાચો વિકાસ થયો ગણાય. નહિ તો ગરીબને સુખના પ્રદેશમાં લઈ આવવાનું કામ તો થશે, પણ તે બીજાના સુખનો વિચાર નહિ કરે. આ નૈતિક વિકાસ એ ગાંધી પરંપરાનું બહુ પાયાનું પરિબળ છે. ગાંધીજી અને તેમની સાથેના મુખ્ય માણસોએ તમામ કામમાં આ ત્રીજા પરિબળને મહત્ત્વનું ગણ્યું છે. જો કે સમાજ ઘડતરના આ ત્રીજા પરિબળ વિશે દુનિયાના તમામ વિચારકોએ સમાન મહત્ત્વ નથી આપ્યું. આ ત્રણે તત્ત્વો આ આખા પ્રદેશના તમામ કાર્યકર્તાઓમાં આત્મસાત્ થયાં અને વિકસ્યાં એનું પ્રેરક તત્ત્વ, પ્રેરક વ્યક્તિત્વ જુગતરામકાકા છે. આ ભૂમિકાને યાદ રાખીને જ આ પ્રદેશમાં થયેલ પ્રભાવકારી આંદોલનને સમજી શકાશે.

જુગતરામકાકાના મહિમાને સમજવા માટે એમનો કેળવણી અંગેનો પાયાનો ગ્રંથ ‘આત્મરચના અને આશ્રમી કેળવણી’ તથા એમની આત્મકથા ‘મારી જીવનકથા’નો સંયુક્ત અભ્યાસ કરવો જરૂરી છે. તો આ પ્રદેશમાં થયેલી શાંત ક્રાંતિનાં રહસ્યોને પારખી શકાશે. હું તો ભલામણ કરીશ કે શિક્ષકો અને કાર્યકર્તાઓના આ માટેના શિબિરો યોજવા જોઈએ. તો કામ નક્કર થશે અને આપણી શ્રદ્ધા વધુ દૃઢ થશે. આજે તો કોઈ નેતા પ્રભાવકારી બોલે એટલે શિક્ષકોના અભિપ્રાય બદલાઈ જાય છે. આવા દરેક રાજકીય નેતાને પ્રશ્ન કરવો જોઈએ કે તેમનો હેતુ સર્વકલ્યાણકારક છે ખરો ? તેઓ સાધનશુદ્ધિમાં માને છે ખરા ? તો આપણાં વલણો વાજબી થશે.

આદિવાસીઓ સ્વમાનભેર જીવી શકે એ માટે એમને કામ આપવું જરૂરી હતું. રેંટિયા અને વણાટકામ દ્વારા એ શરૂ થયું. તેમાં દરેક ડગલે વિરોધ થયા, પ્રશ્નો આવ્યા, પણ પ્રશ્નો ઉકેલ્યા. પ્રારંભે તો ખાવા મળે એટલી રોજી માંડ આપી શકાઈ હતી. પરંતુ આ માધ્યમ પસંદ કરવા પાછળ જુ.કાકાની દૃષ્ટિ એ હતી કે તમે તમારી રીતે કમાણી કરતા થાઓ. ધણિયામાની રહેમ ઉપર ન જીવો. ધણિયામાની ગુલામીમાંથી છૂટવું એ મુખ્ય હેતુ હતો. આ સમજીએ તો જુ.કાકાએ આ પ્રદેશમાં જે કામ કર્યું, કેટકેટલું ઝીણવટથી વિચાર્યું, લોકોની શક્તિ કેમ જગાડી, નવા નવા કાર્યકરો આમાં કેમ દિક્ષીત થયા એ સમજાશે.

એક ઉદાહરણમાં આ સમજાશે કે પ્રશ્નો કેવા હતા અને તેનો હલ કેવી રીતે કઢાતો હતો. આજે તો ઘર બાંધવું એટલે સિમેન્ટનું પાકું ઘર જ નજરમાં આવે. ત્યારે ઘર એટલે લાકડાના ટેકા ઉપર ઘાસ નાખીને છાંયો કરી દેવો, આડશ માટે વાંસની પટ્ટીઓથી ગૂંથેલી સાદડીઓ હતી. ઉપર લીંપણ થાય. એવું ઘર પણ મળે તો આદિવાસીઓ ધણિયામાની ગુલામીમાંથી મુક્ત થાય. કારણ કે એ ગુલામી જીવનભરની હતી. ભાગ્યે જ કોઈ એમાંથી છૂટી શકે. ધારો કે ધણિયામાએ ઘર બાંધવા જગ્યા આપી હોય, સાધનો આપ્યાં હોય ને ઝૂંપડું બાંધે તો એનો કાયમી ગુલામ બની રહે. અને ધણિયામાને છોડી દે તો નવું ઝૂંપડું બાંધવાનાં સાધનો ખરીદવાના એની પાસે પૈસા ન હોય. લાકડાં-વાંસ-વળીની સગવડ ન જ હોય. કેટલા ય આદિવાસી એ કારણે ફરી ધણિયામાને શરણે ગયા હતા. જુ.કાકા ધરતીના માણસ હતા. એટલે જુગતરામકાકાએ પાયાનો ઉકેલ વિચાર્યો. લોકમાનસની એમને પરખ હતી. એટલે એમને સૂઝ્યું કે આવકનાં સ્વતંત્ર સાધનો આપવાં જોઈએ અને પોતાનું ઝૂંપડું હોવું જોઈએ. આ માટે તેમણે જંગલ સહકારી મંડળીઓ સ્થાપી. જંગલ સહકારી મંડળીઓએ ઝૂંપડું (ઘર) બાંધવામાં મદદ કરી.

કોઈ પણ સમાજમાં પાયામાંથી પરિવર્તન કરવું હોય તો તે સમાજને જ્ઞાનવાન બનાવવો જોઈએ. જે સમાજ જ્ઞાનવાન ન હોય તે ટકી ન શકે. જ્ઞાનનો અર્થ કેવળ ચોપડીઓ નહોતો. અનેક રીતે મનોઘડતર કરવું પડે છે. તે કાળે આદિવાસીનું બાળક ભણે એ ખ્યાલ જ નહોતો. આ ક્ષેત્ર સાવ કોરુંકટાક હતું. શિક્ષણ મેળવવાની કોઈ તક જ નહોતી. આદિવાસીઓ શિક્ષણથી વંચિત રહે તો જ સ્થાપિત વ્યવસ્થા જળવાઈ રહે એમ મનાતું હતું. એની વચ્ચે સુરત-વલસાડ-ડાંગમાં કેટકેટલી બાલવાડીઓ-આશ્રમશાળાઓ-ઉત્તર બુનિયાદી શાળાઓ સ્થપાઈ છે ? હવે તો ગાંધી-વિદ્યાપીઠ પણ સ્થપાઈ છે. સ્થાપિત હિતોએ પ્રતિકૂળતાઓ પણ ઊભી કરી. અનેક વિઘ્નો નાખ્યાં. કારણ કે તેઓ આદિવાસીઓની ગુલામી દશા ચાલુ રાખવા ઇચ્છતા હતા. આજે જેને સાવ નગણ્ય કહેવાય તેવો કાર્યક્રમ તેમણે ઉપાડ્યો. ઠેરઠેર બાલવાડીઓ સ્થાપી. તેમાં ઝાઝી સગવડ કરવાની નહિ. એક ફળિયાનાં બાળકો હોય. તેમને હાથપગ ધોવડાવવાના, નખ કાપવાના, ગીતો ગવડાવવાનાં, વાર્તા કહેવાની, રમતો રમાડવાની, નાસ્તો કરાવવાનો. સ્થાનિક વ્યક્તિ ભણાવે. (એવી બહેનોની તાલીમ માટે તેમણે બાલવાડી તાલીમ શિબિરો શરૂ કર્યા).

આજે આપણને આમાં અસામાન્ય કશું ન લાગે. પરંતુ તેમણે બાલવાડીથી પ્રારંભ કર્યો. કારણ કે એ દરેક ગામમાં શરૂ કરી શકાય. દરેક કુટુંબ સુધી પહોંચી શકાય, લોકસંપર્ક અને જાગૃતિ કરી શકાય. એમાંથી આશ્રમશાળાઓ અને ઉત્તરબુનિયાદી શાળાઓ સ્થપાઈ. એ કેન્દ્રો સંસ્થા સ્વરૂપે વિકસ્યાં. જુગતરામકાકાની વિશેષતા હતી – સંસ્થા સ્વરૂપે કામ કરવું. આજે એનો અંદાજ આવવો અઘરો છે કે એક શાળા શરૂ કરવા શું શું કરવું પડે ? પરિવર્તનના આધારો અહીંથી જન્મ્યા છે.

ત્યાં સુધીમાં સ્વરાજ આવી ગયું હતું. પંચાયતીરાજમાં તેમને લોક-ભાગીદારીની ઘણી શક્યતાઓ દેખાણી. તેમણે પંચાયતના કાયદાના ઘડતરમાં પણ આગેવાની લીધી. દેશમાં બે-ત્રણ રાજ્યોમાં પંચાયતીરાજનો ઉત્તમ રીતે અમલ થયો તેમાં ગુજરાત અગ્રણી છે. પંચાયતીરાજનાં સાચાં ધ્યેયો, લક્ષ્યાંકો ઉત્તમ રીતે સુરત જિલ્લામાં સફળ થયાં. ઝીણાભાઈ દરજીને કારણે એ શક્ય બન્યું. ઝીણાભાઈ એવા આગેવાન હતા જે કોઈથી ગાંજ્યા ન જાય. દૃષ્ટિવાળા અને સાહસિક. અધિકારીઓને તાબે ન થાય. સુરત જિલ્લામાં કામ કરી ગયેલા સૌરાષ્ટ્રના અધિકારી પાસેથી મેં સાંભળ્યું હતું કે ઝીણાભાઈ અમને તેમની ચેમ્બરમાં બોલાવે. ટેબલ ઉપર જિલ્લાનો નકશો પાથર્યો હોય. તેઓ કહે, ‘જુઓ, આ બારડોલી છે અને આ પંચોળ છે. (પછી નકશા ઉપર બારડોલીથી પંચોળને જોડતી સીધી લીટી કરે.) અહીંથી અહીં સુધીનો રસ્તો તૈયાર કરવાનો છે.’ અધિકારી સમજાવે, ‘સાહેબ નિયમ પ્રમાણે એમ રસ્તો ન થાય. એ આ રીતે થાય.’ તો ઝીણાભાઈ કહે, ‘હું કહું છું ને ! અમારું કેન્દ્ર પંચોળમાં શરૂ થવાનું છે. આશ્રમશાળા-ઉત્તર બુનિયાદી શાળા વગેરે શરૂ થશે. આદિવાસી બાળકો ત્યાં ભણવા આવશે. એટલે રસ્તો બાંધવાનો છે.’ આ પસંદગી, આ અગ્રતાક્રમ, શું પહેલું કરવું જોઈએ એની સમજમાંથી આવો આગ્રહ ઊભો થયો હતો. નહિ તો આ આદિવાસી વિસ્તાર કોરો જ રહી જાત.

જુગતરામભાઈએ કેવા કેવા માણસો તૈયાર કર્યા ? ગ્રામશાળામાં નારાયણ દેસાઈ અને મોહન પરીખને પ્રયોગો માટે મોકળું મેદાન આપ્યું. વાલોડ મિત્રમંડળના તેજસ્વી તોખાર જેવા અલ્લુભાઈ, ભીખુભાઈ, બાબુભાઈ, ભૂપેન્દ્રભાઈ, કીકુભાઈ એક આખા તાલુકાના સર્વાંગી ઉત્થાન માટે પળેપળ ખર્ચે. ડાંગમાં છોટુભાઈ નાયક અને ઘેલુભાઈ વાઘની જેવા નિર્ભય અને ગરીબના ઘર સુધી પહોંચેલા આગેવાન; રમેશ દેસાઈ અને અરવિંદ દેસાઈ સૌથી પછાત હળપતિ માટે લડે, જેલમાં પણ જાય. મકનજીભાઈ અને નાનુભાઈ, ચુનીભાઈ અને ચીમનભાઈ ભટ્ટ, સોમભાઈ અને રાવતજી – બધાના મિજાજ અલગ, કાર્યશૈલી વિશિષ્ટ, પસંદગી આગવી. આવી સામસામા છેડાની વ્યક્તિઓ જુ.કાકાની સાથે જોડાઈ, સૌએ જીવન હોમ્યું, કામને ઉજાળ્યું. એમના અહંકાર જુગતરામભાઈની નિશ્રામાં માપસર રહ્યા. ઉમદા ધ્યેય માટે યોજાયા. જુ.કાકા સંગઠનના અદ્ભુત જાણકાર હતા. આટલું મોટું અને આટલું વૈવિધ્યવાળું કામ કરવું હોય તો સંગઠન જરૂરી હતું, પણ તેમણે કહ્યું, ‘ટકી શકે એવું સંગઠન બનાવો. એનો પાયો ધ્યેય સાથેનું જોડાણ હોય.’ સમાજઘડતર શા માટે કરવાનું છે અને શી રીતે કરવાનું છે તેની સ્પષ્ટતા હોય તે જ આવું વિચારી શકે.

આ વિસ્તારની પરિસ્થિતિ જ વિશિષ્ટ હતી. એક વર્ગ શોષણ કરનારો, અન્યાય કરનારો હતો. બીજો વર્ગ શોષિત અને અન્યાય વેઠનારો હતો. એની વચ્ચે મારકાપ કે હિંસક સંઘર્ષ નથી કરવાનો એ સ્પષ્ટતા હતી. પ્રદેશ મોટો, વસ્તી મોટી છતાં નક્સલવાદ ન આવ્યો એનું કારણ આ પ્રદેશનું વેડછીકરણ છે. આ વેડછી રચનાનો પ્રતાપ છે. નક્સલવાદને બદલે ગાંધીમાર્ગે ઉત્થાન થયું એનું કેન્દ્રસ્થ વ્યક્તિત્વ જુ.કાકા છે. જે કોઈ પણ અહીં આવ્યા તેમને જુ.કાકાએ કહ્યું કે ‘સંગઠન કરો, સંસ્થા ઊભી કરો.’

એવું જ મહત્ત્વનું કામ તેમણે કાર્યકર્તાઓના ઘડતરનું કર્યું. તેમને  દિક્ષીત કર્યા. એ માટેની તાલીમ પાંચ દિવસની હોય, દસ દિવસની હોય, મહિનાની હોય કે ત્રણ મહિનાની હોય. પંચાયતીરાજ સફળ થાય એ માટે આખા ગુજરાતના મુખ્ય માણસોની તાલીમ અહીં વેડછીમાં યોજાઈ હતી. જુ.કાકાની તાલીમ એટલે માત્ર નિયમોની જાણકારી નહિ, પણ આશ્રમી જીવનની તાલીમ. તેમની એ અદ્ભુત વિશેષતા હતી કે તેઓ જેને સ્પર્શે એને આશ્રમી જીવનની તાલીમ બનાવી દે. આશ્રમી જીવન એટલે માત્ર સાદાં મકાનો કે સફાઈ નહિ, પણ ‘આપણે છેલ્લા માણસને મદદ કરનારા છીએ’ એ તત્ત્વ આપણા પોતાના જીવનમાં ઊતરે એની તાલીમ. જો તમારે છેલ્લા માણસના જીવનને ઊંચે ચડાવવું હોય તો આપણું પોતાનું જીવન કેવું હોય એની તાલીમ. એને માટે સફાઈ હતી. સંડાસ સફાઈ હતી, રસોડાની કામગીરી હતી. ગામડાનું કામ કરવાનું હતું.

આ સઘળાં દ્વારા આશ્રમી જીવનની તાલીમ મળતી હતી. આવા જીવનનો અને તાલીમનો હેતુ હતો – તમે અન્યનો વિચાર કરતા થાઓ. વળી અન્યમાં કોણ તેની સ્પષ્ટતા પણ મળતી હતી : સમાજમાં જે સૌથી દલિત છે, સૌથી પીડિત છે, બીચારાં છે, સૌથી છેલ્લાં છે એનો વિચાર સૌથી પહેલાં કરવો : એ માટેનું જીવવાનું હોય; એની તાલીમ મળતી હતી. અને એ ક્યાં સુધી કરવાનું છે ? અમારા બુચદાદા કહેતા હતા એમ પેગડે પગ હોય અને મૃત્યુ આવે ત્યાં સુધી. એટલે કે છેલ્લી ઘડી સુધી આ માટે ઝઝૂમવાનું છે. થાકીને કામ છોડી દેવાનું નથી.

જુ.કાકાના કામની એક બીજી મોટી વિશેષતા એ હતી કે આગલી પેઢીએ પછીની તૈયારી કરવી જોઈએ. તેમણે એ કામ અસાધારણ રીતે કર્યું. એકાદ આશ્રમશાળા કે ઉત્તર બુનિયાદી શાળા કે ઉદ્યોગ કેન્દ્રથી સંતોષ ન માન્યો. તેમણે અનેક કાર્યકર્તાઓ તૈયાર કર્યા. તેમાંથી એવા કાર્યકર્તાઓ તૈયાર થયા જેઓ નિસ્વાર્થભાવે આવાં કામ કરે. જેમનું હૃદય બીજા માટે દૂઝતું હોય. બીજાની પીડા જોઈને જેઓ હલી જાય. ભીખુભાઈ અને કોકીબહેન પંચોતેર વર્ષે દૂરના ધરમપુર જઈને કામ શરૂ કરે, એમાં ખૂંપી જાય એ આ કારણે શક્ય બન્યું. જુ.કાકાએ આ કેવી રીતે કર્યું ?

તેમણે તાલીમ, સંપર્ક, સંબંધ બધે મોરચે આ કામ કર્યું. મનુષ્યજીવનનું સૌથી મોટું પરિવર્તનકારી તત્ત્વ સંબંધ છે. તેમણે સંબંધ-તત્ત્વને સતત પોષણ આપ્યું. પોતાના જીવન દ્વારા એને મૂલ્ય પૂરું પાડ્યું. તેમનું જીવન એક દૃષ્ટાંતરૂપ જીવન બની રહ્યું. એવું જીવવું તો બહુ અઘરું છે, પણ તેમણે એ જીવી બતાવ્યું. બે વર્ગોનો સંબંધ હોય ત્યારે સામ્યવાદીઓ માને છે કે સંઘર્ષ જ થાય. આ સંઘર્ષની જગ્યાએ સમજણથી કામ કેવી રીતે થાય એનાં અનેક સ્વરૂપ તેમણે અમલી બનાવ્યાં. એક ઘટના નોંધપાત્ર છે. અહીં કાકરાપાર ડેમ બંધાયો. લગભગ ૭૦ હજાર એકર જમીન ડૂબમાં જતી હતી. એ તો આદિવાસીઓની જમીન હતી. તો તેઓ પછી શું કરે ? એટલે તેમને સૌને જમીન તો મળવી જોઈએ. અને જેની જેટલી જમીન હોય એટલી એમને અપાય તો સૌથી વધારે જંગલો કાપવાં પડે. જુ.કાકાએ વચલો રસ્તો કાઢ્યો. સૌને ચાર-ચાર એકર જમીન આપવી. (જેથી એમની ખેતી ચાલુ રહે.) અને બાકીની કિંમતની રોકડ રકમ આપવી. કેમ તેમને આવો વિચાર આવ્યો ? કારણ કે તેમની સામે કેવળ માણસ ન હતો, પર્યાવરણ પણ હતું. એથી આદિવાસીઓને જમીન મળવી જોઈએ એમ જ પર્યાવરણની પણ ચિંતા કરવી જોઈએ. એથી વધુ જંગલ કપાવાં ન જોઈએ. એટલે વારંવાર કહેવાયું છે કે ટૂંકું ન જુઓ, અધૂરું ન જુઓ – લાંબું જુઓ, સમગ્રપણે જુઓ. આ સમજાય તો સમગ્ર દર્શન આવે. જુગતરામકાકાએ આ પદ્ધતિએ કામ કર્યું છે.

એમનું એવું જ મોટું પ્રદાન સહકારી ક્ષેત્રોનું છે. તેઓ માનતા હતા કે જેટલું સહકારી ધોરણે કામ થઈ શકે એટલું વધુ સારું. સુરત જિલ્લામાં એવી અનેક પ્રવૃત્તિઓ થઈ. આપણી કમનસીબી છે કે સકહારી ક્ષેત્રની ઈમેજ અત્યારે અલગ છે. આજે એ લૂંટનું માધ્યમ બની ગયું છે. એ વખતે બહુ ચર્ચા ચાલતી હતી કે પછાત વર્ગ માટે, ગામડાના ઉત્કર્ષ માટે શું કરવું જોઈએ ? એમાં રવિશંકર મહારાજ હતા, બબલભાઈ મહેતા હતા. મનુભાઈ પંચોળી પણ હતા. બીજાઓ પણ હતા. તેમાંથી એ વિચાર પાક્યો કે ગ્રામોત્થાન ઇચ્છતા હોઈએ તો એને એવું સ્વરૂપ આપવું જોઈએ જેથી સમગ્રદર્શી કાર્ય થઈ શકે. એક એક કામ માટેની સંસ્થા હતી જ. પણ બધાં પાસાંઓને સમાવનારી રચના હોવી જોઈએ. એમાંથી ગુજરાતમાં સર્વોદય યોજના અમલી બની. સરકારી રીતે ચાલતી શાળાઓમાં સરકારનું તંત્ર હોય, આંટીઘૂંટી હોય. જુ.કાકાએ તેમાં નાનો પણ પાયાનો ફેરફાર સૂચવ્યો : પ્રાથમિક શાળાઓને સર્વોદય યોજનામાં મૂકી દો. એનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાઓ કરે. તો બુનિયાદી શિક્ષણનાં તત્ત્વો અમલી બની શકશે. આ આખી વડીલ પેઢી સમાજ નવરચનાને કઈ રીતે જોતી હતી તેનો આ નમૂનો છે. એવું જ બહેનોના વિકાસની પ્રવૃત્તિઓ સર્વોદય યોજનામાં શરૂ થઈ. માત્ર કમાણી નહિ, બહેનોમાં વિશ્વાસ પેદા થયો કે અમે માત્ર ઘર અને છોકરાં સાચવવા માટે જ નથી. અમે અનેક જવાબદારીભર્યાં કામો કરી શકીએ. અનેક અજાણ્યાં કામો કરવા માટે બહેનો સક્ષમ બન્યાં.

આ આખો પ્રદેશ, આવડો મોટો પ્રદેશ આર્થિક રીતે, સામાજિક ગૌરવની રીતે અને નૈતિક રીતે એકસાથે વિકાસ પામે એ માટે આ સઘળી પ્રવૃત્તિઓ હતી. તમામ પ્રવૃત્તિઓ દ્વારા પાયાનું ઉત્થાન કરવા માટેનું આ દર્શન હતું. જેમ કે શાળાઓ શરૂ કરી તો મકાન જોઈએ. સરકારની યોજના અમુક જ હતી. જુ.કાકાએ જંગલ સહકારી મંડળીઓને સમજાવ્યું કે શાળાનાં મકાનો બાંધવામાં તમે મદદ કરો. આ મકાનો તમારા આદિવાસી વિસ્તારમાં જ બાંધવાનાં છે. પછી એમાં અન્ય સંસ્થાઓએ પણ મદદ કરી. તેમણે નવી નજર એ આપી કે જંગલ સહકારી મંડળીઓ માત્ર કમાણી કરવા માટે નથી, સામાજિક જવાબદારી પણ તેમણે સ્વીકારવી જોઈએ.

જો તમારે મનુષ્યને નૈતિક રીતે ઘડવો હોય તો તેની સામે વિકાસનું સમગ્રદર્શી ચિત્ર મૂકવું જોઈએ. કાર્યકર ભલે અમુક સંસ્થામાં કામ કરતા હોય, પણ કામ પાછળની દૃષ્ટિ આ હોય. જો આવી રીતે કામ ન થાય તો મર્યાદા પણ રહે છે તે તેમણે નોંધ્યું છે. સુરત-વલસાડ વિસ્તારમાં જે રીતે સમગ્રદર્શી કામ થયું તેટલા પ્રમાણમાં છોટુભાઈ નાયક અને ઘેલુભાઈ જેવા સાહસિક, હિંમતવાળા, કેળવાયેલા અગ્રણીઓ હતા છતાં ડાંગ વિસ્તારમાં કાર્ય ન થઈ શક્યું. કારણ કે ત્યાં ‘ડાંગ ગુજરાતનું કે મહારાષ્ટ્રનું ?’ એનો વિવાદ જાગ્યો. એમાંથી બે પક્ષો થઈ ગયા. રચનાત્મક પ્રવૃત્તિઓ વિરુદ્ધ પ્રચાર થયો. એને તોડી પાડવાના પ્રયત્નો પણ થયા. છોટુભાઈ અને તેમના મિત્રોના પ્રયત્નોને કારણે ડાંગ ગુજરાતમાં રહ્યું, પણ સમગ્રદર્શી રચનાત્મક કાર્ય ન થઈ શક્યું. છોટુભાઈ – ઘેલુભાઈએ અનેક ઉત્તમ કામ કર્યાં, પણ ટૂંકી દૃષ્ટિવાળાના વિરોધને કારણે બધી રચનાત્મક પ્રવૃત્તિઓ એટલા પ્રમાણમાં વિસ્તરી – વિકસી નહિ. સમજી શકાશે કે ઝેરનાં બી વવાય તો એનાં ફળ લણવાનાં આવે જ છે. ડાંગ ગુજરાતમાં ન રહે એ માટેના પ્રયત્નોએ વિકાસનાં કામોને અસર કરી. સર્વાંગી દૃષ્ટિએ જે થવું જોઈએ તે બધું ન થઈ શક્યું. આપણી વચ્ચે પસંદગી ભેદ હોઈ શકે, અગ્રતાક્રમ ભેદ હોઈ શકે, પણ આપણે સૌ એક ધ્યેય માટે કાર્ય કરી રહ્યાં છીએ એ ભાવ તમામ કાર્યકર્તાઓમાં પેદા કરવો એ સામાજિક ઘડતર માટે બહુ પાયાનું તત્ત્વ છે. આ સમગ્ર પ્રવૃત્તિ માટે નામ અપાયું ‘વેડછીનો વડલો.’ બીજાં વૃક્ષો અને વડલાની વચ્ચે પાયાનો ફરક એ છે કે વડની વડવાઈઓ, શાખાઓ જમીનમાં ઊતરીને પોતે જ એક વૃક્ષ બની જાય છે. જુ.કાકાએ પ્રોત્સાહન આપ્યું કે દરેક સંસ્થા સ્વતંત્ર કાઠું કાઢે. આને આપણે તત્ત્વની રીતે સમજીએ તો તમામ પ્રવૃત્તિનું વેડછીકરણ થઈ ગયું. ખાદીનું, રોજગારીનું, જંગલ સહકારી મંડળીનું, શિક્ષણનું સ્વરૂપ કેવું હોય ? જવાબ છે : એનું વેડછીકરણ થઈ ગયું. એ એની ઓળખ બની ગઈ. એટલે વેડછી અને જુગતરામકાકા અનેક વખત પર્યાયરૂપે વપરાયાં છે.

આ વેડછીકરણના, આ તપોમય વારસાના વારસદાર તરીકે આપણે આનું રહસ્ય સમજવું અનિવાર્ય છે. આદિવાસીઓ ડૉક્ટર થાય, ઈજનેર થાય, ઊંચા હોદ્દાઓ સુધી પહોંચે તેટલું પૂરતું નહિ થાય. એ માટે જુગતરામકાકાના દર્શનને આપણી અંદર ઉતારીએ તે જરૂરી છે. એ સમજવાનો આ દિવસ છે. સેવા દિને જુગતરામકાકાનું સ્મરણ કરવું એટલે આ આખી પરંપરાનું સ્મરણ કરવું, એનાં જીવનમૂલ્યોને સમજવાં, આ કાર્યપદ્ધતિ વિશે સ્પષ્ટ થવું અને દૃઢ થવું.

આવું કામ કરનારાઓએ કેવી રીતે જોડાવું જોઈએ, સંગઠન કરવું જોઈએ તો આપણે ટકી શકીએ તેવાં બે મૂળભૂત તત્ત્વો ગાંધીવિચારે આપણને આપ્યાં છે. એ તત્ત્વો ચિરંજીવી અને સર્વવ્યાપક છે. કેવળ ભારતને નહિ, આખી દુનિયાને ઉપયોગી છે. મનુભાઈ પંચોળીએ આવાં બે તત્ત્વો ચીંધ્યાં છે : અહિંસા અને સાધનશુદ્ધિ. હરિજન પ્રશ્ન સો વર્ષ પછી નહિ હોય. રેંટિયાને બદલે ઉત્પાદનનાં સાધનો બદલાઈ ગયાં હશે. હિંદુ-મુસલમાન ૫૦ વર્ષે સમજીને સાથે રહેતા થયા હશે. પણ આ બે તત્ત્વો સમગ્ર માનવજાત માટે પ્રેરક છે. ભારત માટે તેમ એશિયા માટે, આફ્રિકા માટે અને યુરોપ માટે પણ.

આપણે જુગતરામકાકાના જીવન અને કાર્યમાંથી સમજી-શીખી શકીએ કે કામ અહિંસક રીતે થવું જોઈએ. એથી જ આ કામમાં ઓછામાં ઓછો વિરોધ થયો છે. ધણિયામાઓએ પ્રારંભે વિરોધ કર્યો પણ પછી સરળતાથી સ્વીકાર થયો છે. અન્યાય કરનારા સામે પણ અહિંસક માર્ગો જ અપનાવાયા છે. બીજું તત્ત્વ છે સાધનશુદ્ધિનું. આપણે નઈ તાલીમનું કામ કરતા હોઈએ કે ખાદી ગ્રામોદ્યોગનું, ખેતીનું કરતા હોઈએ કે સર્વોદયનું, તેમાં ધ્રુવતત્ત્વ સાધનશુદ્ધિ છે. જુગતરામકાકાએ એનો આગ્રહ જાળવ્યો હતો. સાધનશુદ્ધિ છોડે પછી એ સંસ્થા અનેક પ્રકારનાં કળણમાં ખૂંપી જાય છે. ગાંધીના રસ્તે કામ કરનાર માટે સાધનશુદ્ધિ અનિવાર્ય છે. આજની સમાજરચના, રાજ્યરચના સામે આપણને દુ:ખ હોય તો એ કારણે છે કે તેઓ સાધનશુદ્ધિમાં માનતા નથી. અશુદ્ધ સાધન દ્વારા સફળતા મેળવવામાં માને છે. જુ.કાકાની આત્મકથામાં અનેક ઘટનાઓ છે, પરંતુ તેમણે એક પણ પગલું અશુદ્ધ સાધનથી નથી ભર્યું, અશુદ્ધ માધ્યમનો ઉપયોગ નથી કર્યો. એ ત્યારે જ બને કે કામ કરનારની પણ આત્મશુદ્ધિ સતત થયા કરતી હોય. આવું કામ એ જ આપણી સાધના છે. એ સાધના જુ.કાકાના જીવનમાં જોવા મળે છે. જુ.કાકાની સાધના એવી હતી કે વ્યક્તિ તરીકે વધારેમાં વધારે વિકસતા ગયા. સ્પષ્ટ થતા ગયા, અસરકારક થતા ગયા. અને જે પણ વ્યક્તિ કે સંસ્થા સાથે સંબંધ રાખ્યો એ સઘળાં પણ વધારેમાં વધારે સાધનશુદ્ધિ તરફ વળ્યાં. જ્યાં પણ તેમને ખોટ લાગી, નબળાઈ લાગી ત્યાં તેમણે ક્યારે ય સંમતિ ન આપી. દરેક સંગઠન માટે સાધનશુદ્ધિ એ પ્રાણતત્ત્વ છે.

મનુભાઈ પંચોળી ‘ઝેર તો પીધાં છે’ નવલકથાનો ત્રીજો ભાગ લખવા માટે, યહૂદીઓની પરિસ્થિતિ સમજવા માટે ઈઝરાયેલ ગયેલા. ત્યાં ફ્રેંચ ક્રાંતિ વિશે નોંધપાત્ર ત્રણ ગ્રંથ લખનાર પ્રો. તાલમાનને મળવા ગયા. તાલમાન જગતના ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. તેમને મનુભાઈ પંચોળીએ પૂછ્યું, “અમારા દેશનો ધ્યાનમંત્ર છે ‘સત્યમેવ જયતે !’ (સત્યનો જય થાય છે) તમે વિશ્વના ઇતિહાસના અભ્યાસને આધારે કહી શકો કે સત્યનો જય થાય છે ?” આ પ્રશ્ન પણ નોંધપાત્ર છે. તાલમાન એકાદ મિનિટ મૂંગા રહ્યા. પછી બોલ્યા : ‘સત્ય કાયમ જીતે છે એવું નથી, પરંતુ સંગઠિત સત્ય જીતે છે.’ એટલે કે સત્ય સંગઠિત હોવું જોઈએ. આજે ગાંધીજી વિશે ગેરસમજ ફેલાવવા, અવિચારીપણે લખાઈ-બોલાઈ રહ્યું છે. એટલે આપણે નવા રૂપે અને સંદર્ભે ગાંધીજી અને તેમના વિચારોને સમજવા પડશે. આપણું સંગઠન એવું હોય કે એનાથી સત્યને બળ મળે. કામનું સ્વરૂપ ગમે તે હોય પણ એમાંથી સત્યને બળ મળે એવું થવું જોઈએ. જુગતરામકાકાના જીવનમાંથી સૂચવાતો મંત્ર આ છે.

જુગતરામકાકા અનેક રીતે અસાધારણ વ્યક્તિ હતા. બહુ દુર્લભ એવું પારદર્શક વ્યક્તિત્વ હતા. એમનાં જીવન-કાર્યને સમજવા માટે એક પ્રાચીન કથા બહુ ઉપયોગી છે. દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં દેવો સતત હારતા હતા. દાનવો જીતતા હતા. દેવોના રાજા ઇન્દ્રને સલાહ મળી કે ‘દધિચિ નામના મહાતપસ્વી ઋષિ છે. તેમનાં હાડકાંમાંથી અસ્ત્ર બનાવીને દાનવો સામે વાપરશો તો જીતી શકશો.’ ઇન્દ્રે દધિચિ ઋષિને વિનંતી કરી. દધિચીએ ધ્યાન ધરી, સમાધિમાં દેહ છોડી દીધો. એમનાં હાડકાંમાંથી અસ્ત્રો બનાવાયાં, એનાથી દેવોનો વિજય થયો. એથી કેટલાક લોકો જુગતરામકાકાને આધુનિક દધિચિરૂપે ઓળખાવે છે. પરંતુ જુગતરામકાકાની પ્રેરકતા વિશિષ્ટ છે. દધિચિ ઋષિએ તો એક વાર દેહ છોડ્યો અને તેમનાં હાડકાંમાંથી બનેલાં અસ્ત્રો દેવોને ખપમાં આવ્યાં. પરંતુ ગાંધીજી અને જુગતરામકાકા અને એમના અનેક ઉત્તમ સાથીઓ તો પ્રત્યેક ક્ષણે દધિચિ બન્યા છે. પ્રત્યેક ક્ષણે તેમણે જાતનો હોમ કર્યો છે.

જુગતરામકાની આત્મકથા કેવળ એમની આત્મકથા નથી, આ આખા પ્રદેશની કથા છે. આ પ્રદેશની કાયાપલટની કથા છે. જે મૂલ્યો માટે તેઓ જીવ્યા હતા એ મૂલ્યોની કથા છે. એ સ્વરૂપમાં આ આત્મકથાને સેવવા જેવી છે. અને આપણે સૌએ ફરીફરી સ્વાધ્યાય દ્વારા આપણી નિષ્ઠાને દૃઢ કરવાની છે. આપણાં મૂલ્યોને સ્પષ્ટ કરવાનાં છે. સૌએ પોતપોતાની કક્ષાએ આ કરવાનું છે.

જુગતરામકાકાની આત્મકથા દ્વારા હું વધારે સ્પષ્ટ થયો કે ગાંધીવિચારની દૃષ્ટિએ સમાજઘડતર કરવું હોય તો એના આધારસ્તંભો કયા હોય. એના મૂલાધારો કયા હોય. એનું સાતત્ય કેવી રીતે જાળવી શકાય. અહિંસા અને સાધનશુદ્ધિ જાળવીને સમાજપરિવર્તન કેવી રીતે કરી શકાય. આ નિમિત્તે જુ.કાકાને મારી આદરઅંજલિ અર્પણ કરી શક્યો એની ઊંડી તૃપ્તિ છે.

(પૂ. જુગતરામભાઈ સ્મૃતિ વ્યાખ્યાનમાળાના ૩૭મા મણકામાં આપેલ વ્યાખ્યાન, વેડછી આશ્રમ, તા. ૧૪-૩-૨૦૨૨)

 સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2023; પૃ. 05 – 09

Loading

સ્વીકાર 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|4 October 2023

પ્રીતમ લખલાણી

આખો દિવસ સારિકા સરપ્રાઈઝમાં શું સમાચાર, આપવાની છે તેની અવનવી અટકળ પર વિચારતાં કૌશલ્યા અને અવિનાશને એ પણ ખબર ન રહી કે ક્યારે સાંજ પડી ગઈ. ઘડિયાળમાં છના ટકોરા પડયા ન પડ્યા અને ડ્રાઈવ-વેમાં કૅબ આવીને ઊભી!

દીકરીના આગમનથી હરખાતાં કૌશલ્યાદેવી પગમાં ચંપલ પહેર્યાં વગર છેક કૅબ લગી દોડી ગયાં. સારિકાના હાથમાંથી બેગ લઈ લીઘી.

દીકરી અને મામ, હજી ડ્રાઈવ-વેમાં વાતો કરતાં હતાં ત્યાં તો અવિનાશજીએ ઘરની બહાર આવી વૉલેટમાંથી પચાસ ડોલરની નોટ કાઢીને કૅબ ડ્રાઈવરના હાથમાં મૂકતા કહ્યું, ‘Keep the change’.

‘દીકરા, કેમ છે?’

‘ડેડ, I am so happy.’

‘That’s good, તારી મમ્મીને હું કેટલા મહિનાથી રોજ કહી કહીને થાક્યો, પણ તેણે મારા માટે પૂરણપોળી ન બનાવી, જ્યારે પણ હું કહું કે દેવી, આજ પૂરણપોળી બનાવો, તો તે તરત જ કહેશે કે, તમારે જરૂર નથી! પણ આજ તું આવવાની છો એટલે તેણે તારા માટે ઝટ દઈને બનાવી નાખી!’

સારિકા અવિનાશજીની સામે ડાઈનિંગ ટેબલ પર બેઠી એટલે કૌશલ્યાએ પૂછ્યું, ‘બેટા, સારિકા, ભૂખ લાગી છે ને?’

‘Yes, Mom, very much!’

‘તો પહી કોની વાટ જુએ છે? ચાલો આપણે સીઘા જ જમવા જ બેસી જઈએ! બઘી જ રસોઈ તૈયાર છે!’

અવિનાશે …. કૌશલ્યાદેવીના સૂરમાં તાલ મિલાવતાં કહ્યું, ‘હા…હા…બસ, બેસી જ જઈએ. સારિકા તને જ નહીં હો, મને પણ ક્યારની ભૂખ લાગી’.

‘ડેડી, તમને તો ભૂખ લાગી જ હશે! કદાચ તમે તો જમી કરીને બેઠા હો અને તમારી સામે જ પૂરણપોળી મૂકી દઈએ તો તમને ફરી પાછી ભૂખ લાગી જ જાય!’

‘દીકરી, તારી વાત સાવ સાચી છે! જિંદગીમાં મને ફકત ત્રણ જ વસ્તુ વહાલી છે. એક તારી મમ્મી, બીજી તું અને ત્રીજી પૂરણપોળી.’

હરખજમણની મજા માણતાં અવિનાશજીએ સારિકાને કહ્યું, ‘બેટા, કાલથી અમે બંને જણા અવનવા વિચારોમાં ગોથાં ખાઈએ છીએ’, અને પછી અવિનાશજીએ પોતાના અને કૌશલ્યાના મનના તરંગોની વાત છૂટી મૂકી.

‘Please Dad, stop It, No લગ્ન! No રેસિડેન્સી at ટેમ્પા!’

‘તો પછી શું સરપ્રાઈઝ છે અમારા બંને માટે!’ ખુશખુશાલ હૈયે કૌશલ્યાદેવીએ પૂછી નાંખ્યું!

‘મામ, હું પ્રેગનન્ટ છું! મમ્મી બનવાની છું!’

સારિકાની વાત સાંભળી, કૌશલ્યાદેવી અને અવિનાશજીનો કોળિયો હાથમાં જ રહી ગયો!

બંને જણા એક્મેકના મોઢા સામું જોવા માંડ્યા. મામ અને ડેડમાંથી હવે કોણ પ્રથમ તેની સાથે વાર્તાલાપ કરે છે, તે જોવા સારિકા શાંત ચિતે વિચારતી બેઠી.

બેચાર ક્ષણ ખામોશ રહી, આખરે કૌશલ્યાએ વાતની શરૂઆત કરી. ‘દીકરા, જે થઈ ગયું તેને આપણે ઈશ્વર ઈચ્છા એમ સમજી લઈએ, પણ તને એક વાત કહી દઉં. આપણા ઇન્ડિયન સમાજના કાને આ વાત જાય તે પહેલાં જ અમે તારા લગ્ન; તું જેના થકી મા થવાની છો તે છોકરા જોડે, I mean તારા boyfriend સાથે કરી દઈએ.’

પ્લેટમાં ફોર્કનો ઘા કરતી, સારિકા ગુસ્સામાં બરાડી ઊઠી, ‘મામ, who car’s about your Indian society!  હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. મને તમારા ભારતીય સમાજની બિલકુલ ચિંતા નથી!

ક્યારના ય શાંત ચિતે મા દીકરીની વાત સાંભળતા, અવિનાશજીએ આખરે હોઠ ખોલ્યા, ‘દીકરા, તારી વાત આમ જોવા જઈએ તો સાવ ચાચી છે. તારી અંગત જિંદગીમાં બીજાને દખલ દેવાનો શો અઘિકાર! પણ  દીકરા, તારો બાપ હોવાને નાતે તો તને બેચાર અંગત સવાલ પૂછી શકું કે નહીં?’

‘Sure ડેડ, હું તમને અથવા મામને સવાલ પૂછવાની કયાં ના પાડું છું? મને વાંઘો છે જેની સામેનો તે આપણા રૂઢિચુસ્ત સમાજનો!’

‘તો સાંભળ, દીકરા, તું મને તારા બૉય ફેન્ડ વિશે જરા વિગતવાર વાત કહીશ, તે કોણ છે? શું કરે છે? તારી સાથે તે રેસિડેન્સી કરે છે કે પછી!’

‘ડેડી, હું તમને સાચું કહું, હું જેનાથી પ્રેગનન્ટ થઈ છું. તેની સાથે મારે કોઈ જાતનો સંબંઘ નથી. નથી એ મારો બૉયફેન્ડ કે પછી કોઈ ખાસ મિત્ર!’

સારિકાનો જવાબ સાંભળી, કૌશલ્યાબહેન પાછા ઉતાવળે જ વચમાં બોલી બેઠાં, “સારિકા, જીવનમાં ભૂલ તો થઈ જાય! જો ખરેખર! આ ભૂલ જ હોય તો, ભલે આપણે ધર્મે જૈન હોવા છતાં, હું તને કહું છું કે તું જેમ બને તેમ જલદીથી એબોર્શન કરાવી નાખ!’

‘અરે! મામ, જો મારે ઍબોશન જ કરાવી નાંખવું હોત તો, મેં ક્યારનું કરાવી નાખ્યું હોત. શું મારે તમને આ બાબતની કોઈ જાણ કરવાની જરૂર હોત ખરી?’

‘કૌશલ્યા, મહેરબાની કરીને તું જરા બે પાંચ મિનિટ શાંત રહીશ? મને સારિકા જોડે શાંત ચિત્તે વાત કરવા દે!’

‘લ્યો ત્યારે, તમે બાપ દીકરી પડો ઊંડી ખાઈમાં!’

‘સારિકા, દીકરા, જો એ તારો બૉય ફેન્ડ કે અંગત મિત્ર ન હોય તો પછી આ બઘું એકાએક થયું કેવી રીતે?’

‘ડેડ, તમને તો ખબર છે. હું નાની હતી ત્યાંરથી આફ્રિકન અમેરિકન અભિનેતા ડેન્ઝલ વોશિંગ્ટનની ફેન છું. મેં જ્યારે યુવાનીમાં કદમ મુક્યો તે દિવસથી મારા મનમાં એક જ ઈચ્છા હતી કે મારી જિંદગીમાં અભિનેતા ડેન્ઝલ વોશિગ્ટન આવે તો મારી જિંદગી ધન્ય ધન્ય થઈ જાય. આ તો થઈ એક સ્વપ્નની, ફેન્ટસીની વાત વાસ્તવિક જિંદગીમાં આ વાત તો કોઈ કાળે બની શકે નહીં, ખરુંને?

ફિલાડેલ્ફિયામાં હું જે ઍપાર્ટમેન્ટ કૉમ્પ્લેકસમાં રહું છું ત્યાં ત્રણેક મહિના પહેલાં રોજ સવાર-સાંજ એક આફ્રિકન અમેરિકન ચોગાન સાફ્સફાઈ કરવા માટે આવતો. સવારે હૉસ્પિટલ જતાં અને સાંજે ઘરે પાછા ફરતાં મારી નજર રોજ તેની સાથે ટકરાતી.

આ આફ્રિકન અમેરિકનમાં મને મારાં સ્વપ્નના રાજકુંવર ડેન્ઝલ વૉશિગ્ટનની મૂર્તિ અંકિત થતી દેખાઈ. ડેડ, હું શું તમને કહું; આ અલી છ ફૂટ લાંબો, મજબૂત, ભરાવદાર શરીરવાળો યુવાન. પેલા ડનલોપ ટાયરની કોમરશિયલ ચમકતા રૂપકડા મૉડેલ સમો લાગતો હતો!

જ્યારે પણ મારી નજર તેના પર જતી ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે ભલે આ યુવાન મારી જિંદગીમાં સદા માટે ન આવી શકે તો કાંઈ નહીં, પરંતુ જો બે ચાર દિવસ પણ તેની સાથે જીવવા મળે તો મારું આખું જીવન ધન્ય થઈ જાય.

એક સાંજે હૉસ્પિટલથી ઘેર પાછી ફરી રહી હતી, ત્યારે અલી મારા આંગણામાં લૉન કાપી રહ્યો હતો. મેં હિંમત કરીને સામે ચાલીને અલીને હાય હલ્લો કર્યું. તેની સાથે થોડીક હળવી વાતો કરતાં જ મેં તેને પૂછી લીધું કે આવતા વીક-એન્ડમાં તું શું કરે છે? જો તું કાંઈ કરતો ન હો તો મને ન્યૂયોર્ક ફરવા જવા માટે સાથ આપ. ઈશ્વર ઈચ્છાથી અલીએ કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર મારું આમંત્રણ સ્વીકારી લીધું.

હું અને અલી મોજમજાથી આખું વીક-એન્ડ ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખીને રખડ્યાં, મેનહટનની નાની મોટી રેસ્ટોરન્ટમાં ખાધું પીધું અને મનગમતા બારમાં સાંજે નાચગાન સાથે શરાબની મસ્તીમાં ઝુમ્યાં. મોડી રાત્રે જ્યારે આંખો ઘેરાવા માંડતી ત્યારે હૉટેલમાં આવી એક બેડમાં એક્મેકની હૂંફમાં સવારના સૂર્યનો ઈંતજાર કરતાં સૂઈ જતાં. વીકએન્ડ પૂર્ણ થતાં પાછા ન્યૂયોર્કથી ફિલાડેલ્ફિયા આવી અમે અમારી જિંદગીમાં ગોઠવાઈ ગયાં. ત્યાર બાદ મેં અલીને ફરી કયારે ય મળવાની કોશિશ કરી નથી! કારણ કે હું મનથી તેને ચાહતી ન હતી મને ફકત તેના શરીરનું જ આકર્ષણ હતું.

‘ડેડ, હું તમને એક ખાસ વાત કહેવા માગું છું, હું એક સ્વતંત્ર અમેરિકન સ્ત્રીની સીંગલ મધર્સની જિંદગી જીવવા ઈચ્છું છું. વર્તમાનમાં મારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. આવનારા મારાં બાળકને હું મારી રીતે ઊછેરીશ. ભવિષ્યમાં જો મને ક્યારેક જીવનમાં એકલતા જણાશે, તો હું મારી રીતે મારું પાત્ર શોધી લઈશ અને મારે માટે એ કાંઈ જરૂરી નથી કે મારે ઇન્ડિયન છોકરા સાથે જ લગ્ન કરવા!’

‘સાંભળ, કૌશલ્યા, જેવી પ્રભુની ઈચ્છા! સારિકા સિવાય આપણી જિંદગીમાં બીજું કોણ છે? ભલે આપણે તેના લગ્નનો લ્હાવો ન લઈ શક્યા તો કંઈ નહીં, પરંતુ તેનું બેબીશાવર તો આપણે ધામધૂમથી કરશું!’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...827828829830...840850860...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved