Opinion Magazine
Number of visits: 9457461
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘કાળી પેટી, કેસરી કામળી, પીંગળી આંખો’

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|15 October 2023

પ્રમુખીય

પ્રકાશ ન. શાહ

મૂળે તો હાઈસ્કૂલનો વિદ્યાર્થી, પછી અધૂરે અભ્યાસે રાષ્ટ્રયુદ્ધમાં ઊતરેલો, જેલનું પંખીડું, જેલમાં વાંચ્યું હશે બીજાઓ કરતાં ઓછું, પણ પચાવ્યું હશે વધુ; નવા જ અગ્નિરસમાં એણે કલમ બોળેલ છે. લોકસેવાર્થી બનીને લોકજીવનમાં ઘૂમનારો, સાહિત્યનો મર્મગામી છતાં એકલી કલમનો ઉપાસી બનીને ‘ડિસ્પેપ્સિયા’ને નોતરવા ન ઇચ્છનાર, શારીરિક કરતાં ય માનસિક ‘ડિસ્પેપ્સિયા’થી વધુ સાવધાન – એ છે સાહિત્યનો પાકો પરિવ્રાજક, દેખાવે પણ સાધુ.

સંસાર-વ્યવહારમાં પુત્ર તરીકે આવી પડતી આર્થિક જવાબદારીને પહોંચી વળવું હોય ત્યારે જ એ પુસ્તક લખવા બેસે છે. આઠેક દિવસની અવિરત બેઠકે એ ૩૦૦ પાનાંની સારી એવી વાર્તા આપી શકે છે. તે પછી પાછો એ ચોરના માથાની જેમ ભટકવા ચાલે છે ને સર્જનનો મધપૂડો એના મનમાં ને મનમાં વિચાર-મધુએ પુરાતો રહે છે. આવા લાપરવાહ સાહિત્ય-બાદશાહો મને ગમે છે.

“એક વાત કહેવી હતી,” ઉઘાડા આકાશ નીચે એકાદશીના ચંદ્રોદયમાં ચત્તાપાટ પડીને એ શરૂ કરે છે – જાણે એ એક જ વાત કહી નાખવાની ઊર્મિ તેને અહીં લઈ આવી હતી. એ કહે છે પાળિયાદમાં પથરાયેલા વાઘરીઓના કૂબાની કથા : “વાઘરીઓનાં ટોળાં ધર્માદાનાં દાણા ને લૂગડાં, સાધન ને સામગ્રી લેવા આવતાં, વીંછીની પેઠે વળગતાં, કૂડિયાં ને કપટી આ વાઘરી-ટોળાંને જોઈને પાળિયાદના ભદ્ર લોકો અમને ચેતવતા હતા, કે ‘ભાઈ, આ લોકોને દેશો તો મહાપાપ લાગશે; એ તો ઢોર મારે છે, ગાયો મારે છે, ખેતરો લૂંટે છે, ચોરીઓ કરે છે, ખૂનો પણ કરે છે. જુઓ જઈ ફોજદાર સાહેબના દફતરમાંઃ જીવહિંસાના એ આચનારા વાઘરીઓ તાલેવાન છે, ઘેરે ગ્રામોફોન રાખે છે, આપશો ના એને, પાપ લાગશે’ વગેરે.

“સાંભળી સાંભળીને મેં ગઈ કાલે એ ચેતવનારને કહ્યું: ‘ચાલો, એ વાઘરી લોકોના પડાવ તો જોઈએ.’ અમે તેમના કૂબાઓમાં ગયા. ચાંદનીમાં જોયેલું એ દૃશ્ય છે: જાહોજલાલી તો ત્યાં નહોતી છતાં એ લોકોની લુચ્ચાઈ, દોંગાઈ, ઢોંગ વગેરે બધું જ પ્રત્યક્ષ હતું. જોતાં જોતાં અમે એક જુદા પડેલા કૂબા તરફ ગયા, ત્યાં દીઠેલ દૃશ્યે મારા પર ન ભૂંસાય તેવી છાપ પાડી છે.

“બે જ વર્ષની એક નાની છોકરીઃ ચાર વર્ષનો એક છોકરોઃ એક આઠ વર્ષની છોકરી ને અગિયાર વર્ષનો એક સૌથી મોટો છોકરો: ચાર બાળકોઃ એકાકીઃ મોડી રાતે ઉઘાડા આકાશમાં બેઠાં છે; તેમણે ચીંથરાં પહેરેલ છે, તે સિવાય તેમની પાસે કોઈ ઓઢણ કે ઢાંકણ નથી. ચાર વચ્ચે પાથરણું એક છેઃ એક સાદડી – જે બપોરે આ છોકરો ધર્માદાની ઑફિસેથી રગરગીને લઈ ગયેલો.

“મેં પૂછપરછ કરી તેમાંથી જાણવા મળ્યું કે મોટો 11 વર્ષનો છોકરો તો કોઈક પિત્રાઈ છે, સગો ભાઈ નથી. આ ત્રણેયને સાચવવા સાથે રહે છે. ત્રણ છોકરાંનો બાપ મરી ગયો છે. મા મૂકીને ભાગી ગઈ છે. આઠ વર્ષની છોકરી માગીભીખીને અથવા મહેનત-મજૂરી કરીને ભાંડુઓને ગુજારો પૂરે છે. સવારથી રાત સુધી એ રોટલો ૨ળવા જાય છે ત્યારે નાનામાં નાની બે વર્ષની છોકરીને એ કૂબાની અંદર એકલી બેસારી જાય છે. એને કોઈ પડોશી કૂબાવાળા એ બાજુ નીકળે તો વળી કાંઈક ખાવાનું કે પાણી આપી જાય; નહિતર એ બાળક એકાકી ને અન્નજળવિહોણું જ આઠ વર્ષની બહેન આવતાં સુધી બેઠું રહે.

‘આજે ખાવાનું મળ્યું નથી. અમે બે મોટેરાંએ એક પ્યાલો ચા લઈને બે વચ્ચે પીધેલ છે, તે ઉપર રાત કાઢશું.’ ”

આટલું દૃશ્ય જોઈને આવેલા આ સાહિત્યના પરિવ્રાજકે મારી પાસે આંસુ ન રેલાવ્યાં. એના મોંમાંથી હાહાકાર કે દયાપ્રે૨ક ઉદ્ગાર પણ નહોતો નીકળ્યો. એણે તો એની એ બાદશાહી છટાથી સૂતે સૂતે મને જે કહેવા માંડ્યું તે આ છેઃ

“એકાદ મહિનો આ લોકોના પડાવોમાં રહી શકાય તો તેમના વિશે એક એવી કથા આપી શકાય કે જેમાં આ વાઘરીઓ જેવા છે તેવા જ ચિતરાયઃ તેઓ ભલે ચોર, લૂંટારા, હિંસકો ને ખૂનીઓ આલેખાય. એ આલેખનમાં તેમનો જ ભાષાવ્યવહાર, જીવનવ્યવહાર, સામુદાયિક સંસાર-વ્યવહાર, જરીકે પોકળ કરુણતા કે દયાર્દ્રતાથી ખરડાયા વગર રજૂ થાય. એ ચોર-લૂંટારા ભલે ચિતરાય, પણ એમાંથી ન રહી જવું જોઈએ પેલી આઠ વર્ષની છોકરીવાળું તત્ત્વ : આઠ વરસની છોકરી! – વિચાર તો કરો – આઠ વરસની છોકરી એક કુટુંબની રોટી ૨ળનાર બની છે. આપણા ભદ્રલોકના સંસારની સાથે એ એક જ તત્ત્વ સરખામણીમાં મૂકો.

“મેં એ દૃશ્ય ભદ્ર લોકોની વારંવારની ચેતવણી પછી જોયું, તેમ રાતની ચાંદનીમાં જોયું; એટલે એણે મારા મનમાં ઊંડું સ્થાન લીધું છે. એ જીવનનો પૂરેપૂરો અભ્યાસ કરી એમાંથી એક કથા સર્જાવાય, જેમાં એક ‘રવિશંકર મહારાજ’ના પાત્રને ગૂંથી દેવાય. એ કામ તમે કે હું જો ન કરી શકીએ તો આંગળી ચીંધાડીને અન્યને સૂચવવા જેવું છે.”

મેં જવાબ વાળ્યો: “મને બીક એક જ છે કે આપણે એ આલેખનમાંથી કાં તો જૂઠાં આંસુ વહાવશું, કાં એક યા બીજા વાદનું પ્રતિપાદન કરવામાં એ વા૫૨શું, અથવા કલાના મરોડોમાં દોરવાઈ જઈ એને કલ્પનાના પોશાકો પહેરાવશું.”

“એ જ દુઃખ છે.” એણે કહ્યું: “નંદલાલબાબુએ એક વાર કહેલું કે નેવું ટકા જીવનનો અનુભવ જોઈએ ને દસ જ ટકા કલ્પના જોઈએ. આપણા કલાકારો ને સાહિત્યકારો નેવું ટકા કલ્પના અને દસ ટકા અનુભવનો કુમેળ કરે છે એટલે જ જીવનમાં જે બિલકુલ ન હોય એવા મરોડો એની કૃતિઓમાં આવી પડે છે.”

“આપણી પાસે આપણો ઇતિહાસ નથી, ઇતિહાસ નથી” એમ આપણે ફૂટ્યા કરીએ છીએ. એક જણ આપણને કહે છે કે આપણી પાસે ઇતિહાસ નથી. બીજા હજાર જણ એ પોપટ-વાણી ગોખે છે કે, હા ભાઈ, આપણે કેટલા બધા કંગાલ ને પ્રમાદી! આપણી પાસે ઇતિહાસ નથી!

“આ પણ એક કેવું તૂત ચાલ્યું છે તેનો ખયાલ મને હમણાં હું સ્વ. રમેશચંદ્ર દત્તનું ‘એન્શ્યન્ટ ઇંડિયા’ વાંચી રહેલ છું તેમાંથી મળ્યો. સ્વ. દત્ત એના પ્રવેશકમાં જ ‘આપણી પાસે ઇતિહાસ નથી’વાળી પોપટ-વાણીનો એક જ જવાબ આપે છે. અલ્યા ભાઈ, રાજાઓના વંશોનો, તેમનાં જન્મ, રાજ્યારોહણ અને મૃત્યુની સાલવારીનો કે એવો ઇતિહાસ કદાચ આપણી પાસે ઓછો હશે, પણ આપણાં આ રામાયણ મહાભારત વગેરે મહાકાવ્યો, આપણાં વેદો-પુરાણો ને આપણી આ ઘરઘરને ઉંબરે વહેતી લોકગાથાઓ, લોકકવિતાઓ ને લોકકથાઓ એ ઇતિહાસ નથી ત્યારે શું છે? સાચો ઇતિહાસ તો એ છે, કેમ કે એ એકાદ રાજ્યવ્યક્તિની પોકળ સાલવારીને નહિ, પણ આપણા આખા રાષ્ટ્રજીવનના વિકાસની ભૂમિકાઓની બારીકમાં બારીક ખૂબીઓ ને ખામીઓ બંનેથી ભરેલા પ્રામાણિક ને નિખાલસ ઇતિહાસને સંઘરે છે.’’

‘રઝળુ’ના આ કથનમાં રમેશચંદ્ર દત્તનો હવાલો હતો. પુરાતનથી ય પુરાતન, મધ્યયુગી અને તેથી યે વધુ નજીકના અર્વાચીન યુગના ગયા સૈકાના છેક છેલ્લા બોલાયેલા બોલ – આ સર્વમાં જે જે પડ્યું છે તેનો હું પ્રેમી, એટલે આ મુદ્દો મને બહુ જોરદાર લાગ્યો. ‘રઝળુ’ના એ થોડા જ શબ્દોએ મારી સામે ઇતિહાસ-સંશોધનનો દાવો કરતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના કેટલાક નિબંધોની સ્મૃતિ ખડી કરી. મને લાગ્યું કે ‘સંશોધન’નું તત્ત્વ ભયાનક વિડંબનાની પરિસીમા પર પહોંચી ગયું છે. ‘સેલ્ફ-એવિડન્ટ’, સ્વયંપ્રતીત વાતોને પુરવાર કરવા માટે પણ કહેવાતાં ‘સંશોધનો’નો માર્ગ લેનારાઓ પંડિતો (“સ્કૉલર્સ”) ઠરે છે. એ પંડિતોની થીસિસ’માં પ્રજાજીવનના પ્રાણનો એકેય ધબકાર પેસી ન જાય, મૃતદેહનાં જ હાડકાં-પાંસળાં બતાવીને સંસ્કૃતિના ઇતિહાસનો હિસાબ મુકાય – એ બનેલ છે આજની ‘સ્કૉલરશિપ’ની કમબખ્ત હાલત.

છેલ્લી વાત મને આટલી કહીને આ બાદશાહ પાછો ગયોઃ

“આજે આપણા જુવાનો જે તે કચરાપટ્ટી વાંચે છે. નવીનતાનો એ વ્યામોહ છૂપા ઝે૨ જેવો છે. ૨મેશચંદ્ર દત્તનાં લખાણોનો તેજસ્વી વારસો કેટલી સહેલાઈથી ભુલાયો છે! શા માટે આપણા વિદ્યાભ્યાસીઓ રમેશચંદ્ર તરફ વળતા નથી? રમેશચંદ્રના ઇતિહાસને ‘ગઈ કાલનો’ ગણી ફેંકી દેનારાં આપણાં વિદ્યાલયો વિદ્યાને જ થાપ ખવરાવશે.”

“જેમની પાસે જીવન છે તેમની પાસે જીભ નથી, ને જીભવાળાઓ પાસે જીવન નથી.” એ શબ્દો પાળિયાદથી આવેલા એક પરિવ્રાજક સાહિત્યકારે લજ્જતથી કહ્યા.

“જીભવાળાઓ એટલે આપણે ભાષાસામર્થ્ય ને કલાલેખનની શક્તિ ધરાવતા કલમબાજો, ને જીવનવાળાઓ એટલે પેલાં વાઘરી ભાઈ–બહેનોનું કુટુંબ-મંડળ. જીભવાળાઓ જીવનની વચ્ચે જતા નથી એટલે કલમો અને પીંછીઓ જૂઠી રેખાઓ ને જૂઠા મરોડો ખેંચ્યે જાય છે.”

એમ કહીને એણે સાચી રેખાઓ જેમાં ખેંચાયેલી છે એવી ધૂમકેતુની ‘શાંત તેજ’- વાળી વાત અને પેલા ઊંટ ઉપર પોતાની ધર્મબહેનની કથા કહેતા કોળી સાંઢણી-સવારની વાત અત્યંત પ્રેમપૂર્વક સંભારી. રેલગાડીના ચાલતા ડબ્બાના એક ખાનામાં ઝોલાં ખાતે ખાતે વાતો કરતું ભંગી-કુટુંબ ધૂમકેતુએ ‘શાંત તેજ’માં બતાવ્યું છે. એ કુટુંબીઓની વચ્ચે, પ્રત્યેકના ટોણાને ચૂપચાપ ઝીલતી, લાજના ઘૂમટામાં બેઠેલી વહુ ‘શાંત તેજ’ની જ્યોતિર્મય મૂર્તિ છે. સૌ કહે છે, કે ‘આ નભાઈ વઉ તો ભૂલકણી જ રહી. આ વઉ તો બોતડ જ રહી’. આખરે એ વહુ જ સર્વની જીવનદાત્રી નીકળે છે. એવી જ આબાદ તરેહનું ચિત્ર પેલી વાઘરણ છોકરીનું કોણ આપી શકે?

જીવનનો સંપર્ક સાધવા જનારા જીભવાળાઓ.

એને માટે રઝળપાટનો ‘સ્પિરિટ’ જોઈએ. ધૂમકેતુના જીવનમાં રઝળપાટનો જ્યાં સુધી મોકળો પટ હતો ત્યાં સુધી એણે ઊંટની પીઠ પરથી પણ વાર્તા ઉતારી. પણ દરેક માણસ જીવનભર તો થોડો જ રઝળપાટ કરી શકે છે? ને રઝળપાટ બંધ પડી ગયા પછી પણ જીવન ક્યાં આપણા ઉંબરમાં છોળો નાખતું મટી જાય છે? મતલબની વાત તો એ છોળો નાખતા જીવન સાથેનો સંપર્ક પકડવાની છે.

આવી આવી વાતો કરીને એ ‘રઝળુ’એ મોડી રાતે પોતાની કાળી નાની ટ્રંક, કેસરી કામળી ને થેલી ઉપાડ્યાં. સ્ટેશને જઈને એ સૂઈ રહ્યો હશે.

[ઑગસ્ટ ૧૯૩૮ની કલમ-કિતાબ નોંધોમાંથી સંકલિત સામગ્રી અહીં ‘પરિભ્રમણ (નવસંસ્કરણ) ખંડ ૧’ના પૃ. ૧૬૭-૧૬૮, ૫૪૨-૫૪૫ પરથી સાભાર ઉતારી છે. ઝવેરચંદ મેઘાણી સરખા વરિષ્ઠ લેખકે, ત્યારે હજી તો ઊગીને ઊભા થતા ચોવીસેકના તરુણ સ્વાતંત્ર્યસૈનિક અને લેખક મનુભાઈ પંચોળીની આ અક્ષરછબી ક્યાં ય એમનું નામ લીધા વિના આલેખી છે. (પાળિયાદના ધરતીકંપના રાહતકાર્યમાંથી પાછા ફરતાં એ મેઘાણી કને રોકાયેલ હશે.) હજુ ‘દીપનિર્વાણ’ નવલકથા આવી નથી અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નાં ઓસાણ સરખાંયે નથી ત્યારે આગળ ચાલતાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતને સ્વાયત્ત સાહિત્ય અકાદમી સંપડાવનાર દર્શકનું આ વિશેષ ચિત્ર એમના એકસો દસમા વર્ષપ્રવેશ(૧૫-૧૦-૨૦૨૩)ના ઉપલક્ષ્યમાં રજૂ કરવા સારુ અહીં પરંપરાગત પ્રમુખીયથી પરહેજ કરવું મુનાસીબ માન્યું છે. ચમત્કૃતિના પ્રલોભનવશ મથાળે લેખકનામ ગોપવ્યું છે તે દરગુજર કરવા વિનંતી.  − પ્ર. ન. શા.]

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “પરબ”; ઑક્ટોબર 2023

Loading

ઈઝરાયલ પેલેસ્ટાઈન સંઘર્ષઃ  સત્તાની હોડ, ધર્મનો દુરુપયોગ અને પશ્ચિમી દેશોની રાજ રમત

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 October 2023

હમાસ અને ઇઝરાયલ બન્ને પોતપોતાની રીતે ખોટું કરી ચૂક્યા છે. પણ હમાસે જે કર્યું એ જધન્ય આતંકી કૃત્ય છે, ઇઝરાયલે સત્તાનો ઉપયોગ કરીને પેલેસ્ટાઈનને ટટળાવ્યું છે. બન્નેની તટસ્થતાથી ટીકા કરવી જ પડે એવી સ્થિતિ છે. વળી આ જે થયું છે તેની પાછળ પશ્ચિમી દેશોએ જે કર્યું એ પણ યાદ રાખવું જરૂરી છે

ચિરંતના ભટ્ટ

1973ના ચોથા આરબ-ઇઝરાયલી યુદ્ધ પછીનો સૌથી લોહિયાળ સંઘર્ષ કહી શકાય એવા ઈઝરાયલ- હમાસના સંઘર્ષે અનેક નિર્દોષોનો ભોગ લીધો છે. હજી તો માંડ મોંસૂઝણું થયું હતું અને ઇઝરાયલ પર ૫,૦૦૦ મિસાઇલ્સ છોડવામાં આવી. ઇઝરાયલના વડા નેતન્યાહુએ પોતાનો દેશ યુદ્ધની સ્થિતિમાં છે અને દુ:શ્મનોએ આનો જવાબ આપવો જ પડશે એવું વિધાન કર્યું. અત્યારે તો ઇઝરાયલે હમાસને ગાઝા પટ્ટીમાં પાછું ધકેલ્યું છે, તો આ તરફ લેબનનના હિઝબુલ્લા જૂથે પણ પેલેસ્ટાઈનને પોતાનો ટેકો જાહેર કરવા ઈઝરાયલ પર થોડા-ઘણા રોકેટ્સ છોડ્યા છે. ઇઝરાયલ અને હમાસ બન્ને તરફ લોકોનાં મોત થયાં છે, વળી અપહરણ કરીને તાબામાં લેવાયેલા ઇઝરાયલીઓનો આંકડો ય મોટો છે.

આપણે ત્યાં સોશ્યલ મીડિયા પર જુદાં જ સ્તરે બબાલ ચાલે છે, કે તમે પેલેસ્ટાઈન સાથે છો કે ઇઝરાયલ સાથે છો? કહેનારાઓ ત્યાંથી શરૂ કરે કે ઇઝરાયલીઓએ પેલેસ્ટાઇનના લોકો સાથે ભૂતકાળમાં જે પણ કર્યું છે એ ખોટું જ કર્યું છે, એ જે પણ થયું છે તેનો કોઈ યોગ્ય બચાવ ન હોઇ શકે પણ શું એનો અર્થ એમ કે હમાસના આતંકવાદીઓ બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સાથે છેલ્લાં અઠવાડિયામાં જે કરી ચૂક્યાં છે એ ચલાવી લેવું જોઈએ? આતંકવાદીઓ કોઈ નિયમો નથી અનુસરતા. હમાસના આતંકવાદીઓએ નકરી બર્બરતા આચરી છે. વળી આપણે ભારતીયો તો ઘર આંગણે ચાલી રહેલી બર્બરતા પર કંઇ બોલવા નથી માંગતા પણ મિડલ–ઇસ્ટના આટલા જટિલ મુદ્દા અંગે આપણને આપણી માન્યતાઓ આ પાર કે પેલે પાર વાળી નક્કી કરીને જાહેર કરી દેવી છે. ઇતિહાસ જાણ્યા વગર કશું પણ નક્કી કરી લેવું સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

હમાસ – એક કટ્ટરવાદી આતંકવાદી જૂથ છે જેને પેલેસ્ટાઈનના અધિકૃત સૈન્ય સાથે કોઈ લેવાદેવા નથી. ગાઝા પટ્ટી એક તરફ ઇઝરાયલ પર આધારિત છે તો બીજી તરફ ઇજિપ્ત સાથે જોડાયેલી છે અને ગાઝામાં રહેનારા પેલેસ્ટાઇનીઓએ બન્ને તરફના રાષ્ટ્રો પર પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે આધાર રાખવો પડે છે. હમાસના હુમલા પછી ઇઝરાયલે ગાઝાને કોઈપણ પ્રકારની સેવાઓ પૂરી પાડવાનું અત્યાર પૂરતું બંધ કરી દીધું છે.

પેલેસ્ટાઈન – જે હાલમાં ગાઝાપટ્ટી અને વેસ્ટબેંકના પ્રદેશો પર દાવા કરતું સાર્વભૌમ રાજ્ય છે તે ઐતિહાસિક સમયથી ખ્રિસ્તી, મુસલમાન, યહૂદીઓ માટે અગત્યનું રહ્યું છે. 1500ની સાલથી અહીં ઓટોમન સામ્રાજ્ય હતું. ૧૮૦૦ની સાલમાં યહૂદીઓએ પોતાની પર થતા અત્યાચારોને, ખાસ કરીને યુરોપમાં થતા દમનને રોકવા એક રાષ્ટ્ર ઘડવાનો નિર્ણય કરવાના હેતુથી ચળવળ શરૂ કરી. યહૂદીઓએ ઓટોમન શાસિત પેલેસ્ટાઈનને પોતાનું ગણીને ત્યાં સ્થળાંતર કરવાનું પણ શરૂ કરી દીધું. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજ અને ફ્રેંચ સત્તાઓએ આરબ જૂથોને પોત-પોતાની તરફ કરી ઓટોમન સામ્રાયજ્ની વિરુદ્ધ લડવા સજ્જ કર્યા અને તેમને અલગ આરબ દેશ આપવાની લાલચ આપી. ઓટોમન સામ્રાજ્યને હરાવ્યા પછી અંગ્રેજો અને ફ્રેંચ સત્તાધીશોએ આરબોને કરેલા વાયદા વખારે નાખ્યા અને મિડલ ઇસ્ટને વહેંચી લેવું એમ નક્કી કર્યું. આરબો અને યહૂદીઓને બન્નેને પેલેસ્ટાઇન આપવાનું વચન આપી અંગ્રેજોએ વિશ્વયુદ્ધમાં પોતાનું કામ કઢાવી લીધું અને પેલેસ્ટાઈન તો અંગ્રેજોની પાસે ગયું. આ બાજુ યહૂદીઓએ પેલેસ્ટાઇનમાં સ્થાયી થવાનું ચાલુ રાખ્યું જેની સામે આરબોને વાંધો હતો. બીજા વિશ્વ યુદ્ધમાં યહૂદીઓ હિટલરથી જીવ બચાવવા પેલેસ્ટાઇન તરફ મોટી સંખ્યામાં જવા લાગ્યા. યુદ્ધ પછી અંગ્રેજોએ પેલેસ્ટાઈનનો હવાલો યુનાઈટેડ નેશન્સને આપી દીધો. યુનાઈટેડ નેશને નક્કી કર્યું કે પેલેસ્ટાઈનના બે ભાગ કરી દેવા અને યહૂદીઓને ઈઝરાયલ આપીને બાકીનું પેલેસ્ટાઈન આરબોને આપી દેવું. ૧૯૪૭માં થયેલા આ ભાગલા ભારત પાકિસ્તાનના ભાગલા જેટલા મોટા નહોતા પણ ત્યાં પણ પછી યહૂદીઓ અને આરબો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. 1948માં ઇઝરાયલ રાષ્ટ્ર જાહેર કરાયું. સાત લાખ આરબ આ ભાગલા અને જંગ દરમિયાન રઝળી પડ્યાં. આજે પણ ઇઝરાયલ અને પેલેસ્ટાઈનના સબંધો આ જ કારણે તંગ છે. બરાબર ભારત પાકિસ્તાન જેવી સ્થિતિ, જેને માટે પણ પશ્ચિમી દેશો જ જવાબદાર હતા.

1956માં ઇજિપ્તે, ફ્રેંચ અને બ્રિટિશ નિયંત્રણમાં હતી એવી સુએઝ કેનાલનું રાષ્ટ્રીયકરણ કરીને ઇઝરાયલ તેનો ઉપયોગ નહીં કરી શકેની જાહેરાત કરી. સ્વાભાવિક છે પરિણામ હતું યુદ્ધ, જેમાં જોડાયા અંગ્રેજ, ફ્રેંચ અને ઇઝરાયલના યહૂદીઓ. પશ્ચિમી દેશોનો ઇરાદો સાફ હતો કે જ્યારે મિડલ-ઇસ્ટમાં પોતાના સ્વાર્થના સમીકરણો પાર પાડવા હોય ત્યારે ઇઝરાયલની મદદ લેવાની. આ પછી પણ આરબ અને ઇઝરાયલીઓ વચ્ચે યુદ્ધો થયા પણ દર વખતે ઇઝરાયલની જીત થઇ. 1978માં અનેક વાર પછડાટ ખાઈ ચૂકેલા ઇજિપ્તે ઇઝરાયલ સાથે સબંધો સુધાર્યા. આ સંઘર્ષમાં અત્યાર સુધી સૌથી વધારે હેરાન થયા હતા પેલેસ્ટાઈનના લોકો, જેમણે પોતાની સ્વતંત્રતા માટે એક સંસ્થા સ્થાપી. જેને યુ.એન.ની મંજૂરી પણ મળી.  છતાં ય ત્યાંના અમુક લોકોને આ સંસ્થાની કામગીરી નરમ લાગતી એટલે એક નવું જૂથ ઘડાયું – હમાસ. હમાસનો એક જ હેતુ છે કે ઇતિહાસમાં જેટલું પેલેસ્ટાઇન હતું તેવું આખું પેલેસ્ટાઈન રચી તેને પૂરી રીતે મુસલમાન રાષ્ટ્ર બનાવવું.

એંશીના દાયકાની શરૂઆતમાં ઇઝરાયલી સૈન્યની કામગીરી સામે લેબનનમાં હિઝબુલ્લાની રચના થઈ. આ જ હિઝબુલ્લા અને હમાસ પેલેસ્ટાઈનમાં ઇઝરાયલ વિરોધી કામગીરી કરતા આવ્યા છે. આ બાજુ યહૂદીઓ જે સતત દમનનો ભોગ બનતા આવ્યા છે તે પોતાના બચાવ માટે યુદ્ધ કે સશસ્ત્ર સંઘર્ષને હાથવગું માધ્યમ ગણે છે અને તેમના આવા અભિગમને કારણે પેલેસ્ટિની આરબો પણ સતત સામા થતા રહ્યા છે. શાંતિ કરારો લાગુ કરવાના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. જેમ ભારતીય સ્વાતંત્ર સંગ્રામમાં ગરમ દળ અને નરમ દળના વિચારો વચ્ચે ભેદ હતા તેવા ભેદ હમાસ અને પેલેસ્ટાઈનન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના ફતેહ વચ્ચે પણ હતા જેને કારણે આંતરિક સંઘર્ષ થયા. હમાસે ત્યાં 2006માં ચૂંટણી પણ જીતી લીધી જેનો પશ્ચિમી દેશોએ વિરોધ કર્યો. હમાસ અને ફતેહ હવે પેલેસ્ટાઈનના અલગ અલગ હિસ્સા પર સત્તા જમાવીને બેઠા. બહારના યુદ્ધો તો ખરાં જ પણ આંતરિક સમસ્યા પણ એટલી જ મોટી. ઇઝરાયલે ગાઝાને ગરીબી અને ભૂખમરામાં સડવા દીધું જેથી તેનામાં વિરોધ કરવાનું જોર ન આવે. ઈઝરાયલ જે કરે છે એ ખોટું છે એવું તો ઘણી માનવાધિકાર સંસ્થાઓએ પણ જાહેર કર્યું છે. હમાસે જંગાલિયત ભર્યા હુમલાનો ઇઝરાયલે પણ તગડો જવાબ વાળ્યો છે. ખરેખર તો બે રાષ્ટ્રોમાં શાંતિપૂર્ણ વિભાજન જ સૌથી સારો રસ્તો છે પણ કટ્ટરવાદ ભલભલાને આંધળા અને બહેરા બનાવી દે છે અને હમાસ તેનું તાજું ઉદાહરણ છે.

આ બધામાં ભારત જેને ઇઝરાયલ સાથે સારા સંબંધ છે તેણે શું કરવું? ભારતે 1947માં તો પેલેસ્ટાઈનના ભાગલાનો વિરોધ કર્યો હતો. પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનને પણ ભારતનો ટેકો રહ્યો છે. યહૂદીઓના વતનની ચાહને આરબોના પોતાના રાષ્ટ્રના અધિકાર સાથે ટકરાવ ન હોવો જોઇએ એવું જવાહરલાલ નહેરુએ કહ્યું હતું. અટલ બિહારી વાજપાયીએ પણ પેલેસ્ટાઈનને ટેકો આપતું વિધાન જ કર્યું હતું અને ઇઝરાયલે કબ્જે કરેલી જમીન જતી કરવી જોઈએ એમ કહેલું. ભારતે આ જ વલણ રાખ્યું છે પણ ઇઝરાયલ સાથે સંતુલિત સંબંધો રાખ્યા છે. ઇઝરાયલ સાથે આપણા રાજદ્વારી સંબંધો પચાસના દાયકાથી શરૂ થયા અને સમયાંતરે બહેતર જ બનતા રહ્યા છે. મોદી સરકારે પણ ઇઝરાયલ સાથે સંબંધો ગાઢ રાખ્યા છે. હમાસના હુમલાને આતંકી હુમલો ગણાવી તેની ટીકા પણ નરેન્દ્ર મોદીએ કરી. જો કે આ પહેલા નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ અને પેલેસ્ટાઈન બન્ને સાથે બહુ મુત્સદ્દી રીતે સંબંધ સાચવ્યા છે. ઇઝરાયલ જાય પણ પેલેસ્ટાઈન સિવાયના તેના સ્પર્ધક દેશોને મળે તો પેલેસ્ટાઈન જાય તો ઇઝરાયલ ન જાય. ભારતને સાઉદી અરેબિયા, ઇજિપ્ત, કતાર, ઇરાન સાથે સુરક્ષાલક્ષી કરાર છે અને પશ્ચિમ એશિયામાંથી આપણી 50 ટકા ઉર્જા આવે છે. આવામાં પેલેસ્ટાઈનની સ્વતંત્રતાની માગને ટેકો આપવો પણ અગત્યનો છે જે ભારત સરકાર કરે જ છે.

બાય ધી વેઃ

ભારત સરકાર જો રાજદ્વારી સંબંધોને ગણતરીમાં રાખીને ખુલ્લેઆમ પેલેસ્ટાઈન કે ઇઝરાયલને ટેકો ન આપતી હોય તો બીજા કોઈ ભારતીયએ પણ એ ભાંજગડમાં ન પડવું જોઇએ. હમાસ અને ઇઝરાયલ બન્ને પોતપોતાની રીતે ખોટું કરી ચૂક્યા છે. પણ હમાસે જે કહ્યું એ જધન્ય આતંકી કૃત્ય છે, ઇઝરાયલે સત્તાનો ઉપયોગ કરીને પેલેસ્ટાઈનને ટટળાવ્યું છે. બન્નેની તટસ્થતાથી ટીકા કરવી જ પડે એવી સ્થિતિ છે. વળી આ જે થયું છે તેની પાછળ પશ્ચિમી દેશોએ જે કર્યું એ પણ યાદ રાખવું જરૂરી છે. પૂર્વગ્રહો આધારિત નિષ્કર્ષ પર જવાને બદલે ઇતિહાસનો અભ્યાસ વધુ જરૂરી છે. ઇઝરાયલે હુમલો કર્યો ત્યારે પહેલાં ગાઝા પટ્ટી પરથી આમ આદમીઓને સ્થળાંતર કરવાની ચેતવણી પણ આપી, કોઈ સંગીત સમારોહ પર બેફામ હુમલો નથી કર્યો. દુનિયા આખીમાં જ્યાં કટ્ટરવાદી મુસલમાનો છે તેમણે પેલેસ્ટાઈન તરફી વિધાનો કરવામાં યહૂદીઓ પર અત્યાચારની વાત કરી છે જે પણ સ્વીકારાય તેવી નથી. ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં પોતાની પકડ બનાવી રાખવા અત્યાચાર કર્યા જ છે પણ છતાં ય અત્યારે મુદ્દો આતંકવાદનો છે અને પેલેસ્ટાઈનને નામે નરસંહાર કરનારા હમાસનો છે.  પેલેસ્ટાઈન પ્રત્યે સહાનુભૂતિ જો વૈશ્વિક સ્તરે ઘટશે તો તેમાં પણ હમાસનો જ હાથ હશે એ ત્યાંના લોકોએ સમજવું પડશે.  ભારતમાં ઇસ્લામોફોબિયા અને ધ્રુવીકરણ છે જ પણ હમાસના આતંકી કૃત્યને વખોડવામાં આપણે એક રાષ્ટ્ર તરીકે કંઈ જ ખોટું નથી કર્યું એ પણ એક હકીકત છે.  જોર જુલમ કરવાથી કશાય નો અંત નહીં આવે, રાજકીય અને સામાજિક સમસ્યા યોગ્ય રીતે ઉકેલવાની ઇચ્છાની ગેરહાજરી કાયમી સંઘર્ષની ચિનગારી તરીકે જ કામ કરે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ઑક્ટોબર 2023

Loading

સવર્ણ-અવર્ણની વાસ્તવિક્તા તરફ કોઈ આંગળી ચીંધે તો દેશની એકતા જોખમાય !

રમેશ ઓઝા|Opinion - Opinion|15 October 2023

રમેશ ઓઝા

બિહાર સરકારે બિહારમાં કરાવેલી જાતિ-જનગણના પછી જે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે એ ચોંકાવનારા છે. બિહારની કુલ વસ્તીમાં અન્ય પછાત કોમ(ઓ.બી.સી.)નું પ્રમાણ ૬૩.૧૪ ટકા છે અને તેની અંતર્ગત અતિ પછાત કોમનું પ્રમાણ ૩૬.૦૧ ટકા છે. આનો અર્થ એ થયો કે બિહારમાં અન્ય પછાત જાતિઓમાં અતિ પછાત જાતિઓનું પ્રમાણ ૬૦ ટકા જેટલું છે. યાદ રહે, પછાત અને અતિ પછાત જાતિઓમાં મુસલમાનોનો પણ સમાવેશ થાય છે. ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે મુસલમાનો પણ જ્ઞાતિગ્રસ્ત છે. જેમ ઉજળિયાત હિંદુઓ હિંદુઓમાં અસ્તિત્વ ધરાવતો ભેદભાવ સ્વીકારવા તૈયાર નથી અને જો તમે એ વાત કાઢો તો હિંદુ મહાનતાનાં ગાણાં ગાવા માંડશે એમ ભદ્ર મુસલમાનો પણ તેમની અંદર પ્રવર્તતો ભેદભાવ સ્વીકારવા તૈયાર નથી અને ગાણાં ગાશે કે ઇસ્લામ તો જગતનો એક માત્ર ધર્મ છે જે સમાનતામાં માને છે. ભારતમાં એક માત્ર પારસીઓને છોડીને દરેક ધર્મીય જ્ઞાતિગ્રસ્ત છે. પારસીઓ નથી કારણ કે પારસીઓ પોતાના ધર્મમાં અન્ય ધર્મીઓને પ્રવેશ આપતા નથી. જ્યાં જ્યાં હિંદુઓ ગયા છે ત્યાં પોતાની જ્ઞાતિ લેતા ગયા છે અને અમારા ધર્મમાં ભેદભાવ નથી એવો દાવો કરનારાઓએ પ્રવેશ આપીને ભેદભાવ કાયમ રાખ્યા છે.

માટે બિહાર સરકારે જાતિ જનગણના ધર્મોને વચ્ચે લાવ્યા વિના સાર્વત્રિક કરાવી છે અને એ માટે આપણે બિહાર સરકારના ઋણી છીએ. હશે, દરેક ધર્મ મહાન હશે, દરેક ધર્મના અનુયાયીઓ મહાન હશે, એમનો ઇતિહાસ ઉજ્વળ હશે, પણ એ મહાન લોકોની જમાતમાં કેટલાક લોકો વિકાસની સીડી પર નીચે છે અથવા કતારમાં પાછળ છે અને માટે તેમને પછાત તરીકે ઓળખવામાં આવે છે. આ એરણે જોઈએ તો બિહાર સરકારે કરાવેલી જાતિ જનગણના વિકાસલક્ષી છે, કોમી નથી.

જેને અનમાતનો લાભ નથી મળતો એવા જનરલ કેટેગરીના લોકોની સંખ્યા બિહારની કુલ વસ્તીમાં ૧૫.૫૨ ટકા છે. યાદ રહે, અહીં પણ ઉચ્ચ કુળના મુસલમાનોનો સમાવેશ થાય છે. પણ તો પછી ૧૫.૫૨ ટકા સવર્ણોમાં હિંદુ સવર્ણોનું પ્રમાણ કેટલું અને તેમાં કોનો સમાવેશ થાય છે? બિહારમાં ચાર જ્ઞાતિઓ સવર્ણ જ્ઞાતિઓ છે જેમાં બ્રાહ્મણો, ભૂમિહારો, કાયસ્થો અને રાજપૂતોનો સમાવેશ થાય છે. બિહાર સરકારે જેમ અન્ય પછાત કોમમાં અતિ પછાત કોમની જનગણના કરવી છે એમ સમાજમાં તગડા તરીકે ઓળખાતા અગડા(અગ્રેસર)ની પણ જ્ઞાતિવાર ગણના કરાવી છે. અને તેનું પરિણામ આ મુજબ છે: બ્રાહ્મણ ૩.૬૭ ટકા, રાજપૂત ૩.૪૫ ટકા, ભૂમિહાર ૨.૮૯ ટકા અને કાયસ્થ ૦.૬૦ ટકા. કુલ ૧૦.૬૧ ટકા.

હવે, ઘડીભર વિચારો કે તમે તમારે ઘરે ભોજન સમારંભ રાખ્યો છે. એને માટે તમે રસોયાને બોલાવીને સીધો – સામાનની યાદી બનાવવા બેઠા છો. રસોયો તમને પહેલો સવાલ પૂછશે કે  જમનારા કેટલા હશે? સંખ્યા બતાવો તો હું તમને કહી શકું કે કઈ ચીજની કેટલી જરૂર પડશે. સંખ્યાની જાણકારી વિના રસોયો રસોઈ પણ નથી બનાવી શકતો ત્યાં ભારત સરકાર લાભાર્થીઓની સંખ્યાની જાણકારી વિના લાભ આપે છે. અને આવો જગતમાં માત્ર એક જ દેશ છે જે પાછો પોતાને વિશ્વગુરુ તરીકે ઓળખાવે છે. આપણી જેમ જ, પણ પોતાની જરૂરિયાત મુજબ અને પ્રમાણમાં અનામતનો લાભ જગતમાં અનેક દેશોમાં આપવામાં આવે છે. લગભગ બધા દેશોમાં. અંગ્રેજીમાં તેને affirmative actions કહેવામાં આવે છે. કોઈ દેશમાં રામરાજ્ય નથી અને કોઈ ધર્મ અને એ ધર્મની પ્રજા સર્વગુણસંપન્ન નથી. દરેક જગ્યાએ એક પ્રજા બીજી પ્રજાને અન્યાય કરતી આવી છે અને કરે છે. પેઢી દર પેઢી અન્યાયનો શિકાર બનતા આવ્યા હોય એવા પ્રજાસમૂહોને ત્યાંની સરકાર ખાસ સવલત આપે છે કે જેથી તે અગડા અને તગડા સાથે બરાબરી કરી શકે.

પણ ફરક એ છે કે આવા દરેક દેશમાં કોણ ક્યાં છે, કોના સ્તરમાં કેટલો સુધારો થયો, કોને એમાંથી બાદ કરવા જોઈએ, કોને હજુ વધુ લક્ષ આપવાની જરૂર છે એની ગણતરી કરવામાં આવે છે. માત્ર ભારત જ એક એવો દેશ છે જ્યાં જમનારાઓની સંખ્યાની ગણતરી માંડ્યા વિના ભોજન બનાવવામાં આવે છે તેમ જ પીરસવામાં આવે છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીની સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને દસ ટકાની અનામતની જોગવાઈ કરી એ તો યાદ જ હશે. જેની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયા કરતાં ઓછી હોય અને જે શહેરમાં હજાર ફૂટ કરતાં નાનાં ઘરમાં રહેતો હોય તેને દસ ટકા અનામતનો લાભ મળશે. બિહાર સરકારે કરાવેલ જનગણનાનાં આંકડા મુજબ બ્રાહ્મણ, ભૂમિહાર, રાજપૂત અને કાયસ્થોની દસ ટકાની (૧૦.૬૧ ટકા) વસ્તીને દસ ટકા.

અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે ભારતમાં ઉજળિયાત કોમનું પ્રમાણ ૧૫ ટકા કે તેનાથી થોડું વધારે હોવું જોઈએ અને અન્ય પછાત જાતિઓનું પ્રમાણ બાવન ટકાની આસપાસ હોવું જોઈએ. આ બન્ને આંકડા ક્યાંથી આવ્યા એનો કોઈ ખુલાસો મળતો નથી. કદાચ જનરલ કેટેગરી માટે પચાસ ટકા બેઠકો ઓપન કેટેગરીમાં રાખી શકાય એવી કોઈક ગણતરી હશે. પણ હવે બિહાર પૂરતો તો ખુલાસો થયો છે કે સવર્ણો દસ ટકાની આસપાસ છે અને જેને અન્ય પછાત કોમ તરીકે ઓળખાવવામાં આવે છે એ બહુજન સમાજનું પ્રમાણ બાવન ટકા નથી, પણ તેનાથી ક્યાં ય વધુ ૬૩.૪૦ ટકા છે.

૬૩ ટકા પછાતોને આપવામાં આવતું ૨૭ ટકા અનામત ખટકે છે અને તેમાં અન્યાય નજરે પડે છે અને દસ ટકા સવર્ણોને આપવામાં આવેલ ૧૦ ટકાનો બચાવ કરવામાં આવે છે અને તેમાં ન્યાય નજરે પડે છે. આ નર્યો ઢોંગ છે. જો ન્યાય કરવો હોય તો સમાજનો એક્સરે લેવો જોઈએ અને એ એક્સરે સર્વાંગીણ વસ્તીગણતરી દ્વારા જ થઈ શકે. એમાં માત્ર આપવાનો જ ચિતાર નથી મળવાનો, કોને કેટલું ઘટાડવું અને કોને સાવ બાહર કરવા તેનો પણ અંદાજ આવશે. ન્યાય તો આ રીતે જ થાય. જેને જેટલા પોષણની જરૂર હોય એટલું આપવાનું અને પોષણની જરૂર ન હોય તો તેને આત્મનિર્ભર કરી દેવાના.

પણ સંઘ પરિવારને જ્ઞાતિ સામે વાંધો છે. જ્ઞાતિ હિંદુ કોમવાદનું વારણ છે એ તેઓ જાણે છે અને એટેલે દેશની એકતાના નામે તેનો વિરોધ કરે છે. હિંદુ મુસ્લિમ વિખવાદ પેદા કરવાથી દેશની એકતા જળવાઈ રહે અને દેશ આબાદ થઈ જાય અને સર્વણ અવર્ણની વાસ્તવિકતા તરફ કોઈ આંગળી ચીંધે તો દેશની એકતા જોખમાય!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ઑક્ટોબર 2023

Loading

...102030...809810811812...820830840...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved