Opinion Magazine
Number of visits: 9457525
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેન્દ્ર સરકાર મણિપુરમાં કોમવાદી નીતિ અપનાવી રહી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 October 2023

રમેશ ઓઝા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે દશેરાને દિવસે નાગપુરમાં આપેલા ભાષણમાં સવાલ કર્યો હતો કે દેશમાં મજબૂત સરકાર હોવા છતાં મણિપુરની આગ કેમ નથી બુઝાતી? આજે છ મહિના થઈ ગયા પણ મણિપુરની સ્થિતિ થાળે નથી પડતી. તેમણે માત્ર ઈશારો નહોતો કર્યો, પણ ફોડ પાડીને કહ્યું હતું કે આમાં વિદેશી હાથ છે. સરહદની પારના ત્રાસવાદી જૂથો ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે. 

પહેલી વાત તો એ કે મોહન ભાગવતે પ્રશ્નનો જવાબ આપવાની જગ્યાએ પ્રશ્નો પેદા કર્યા છે. જે પ્રશ્ન તેમણે પૂછ્યો છે એ તો આખું જગત પૂછી રહ્યું છે અને નરેન્દ્ર મોદીની સરકાર પાસે જવાબ માગી રહ્યા છે. આ લખનારે છ મહિનામાં અનેકવાર આ પ્રશ્ન પૂછ્યો છે અને ચેતવણી આપી છે કે મણિપુર સરહદી રાજ્ય છે, ભારતની અસ્થિરતામાં ચીનને રસ છે એ જોતાં સરકારે મણિપુરનો પ્રશ્ન પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવો જોઈએ. બીજાની કયાં વાત કરીએ સંઘપરિવાર જેનાં શબ્દોને વેદવાક્ય માને છે એ લશ્કરનાં સર્વોચ્ચ નિવૃત્તિ અધિકારીઓએ સામૂહિક નિવેદન બહાર પાડીને ચેતવણી આપી છે અને એમાં ભારતનાં નિવૃત્ત લશ્કરી વડા જનરલ વેદ પ્રકાશ મલિકનો પણ સમાવેશ થાય છે. અને છતાં ય આપણે જાણીએ છીએ કે વડા પ્રધાને એક વાર પણ મણિપુરની મુલાકાત લીધી નથી અને ત્રીસ સેકન્ડથી વઘારે બોલ્યા નથી.

તો પછી આપણે મોહન ભાગવતને પ્રશ્ન પૂછવો જોઈએ કે કોણે ગંભીર થવાની જરૂર છે? ભારત સરકારે કે ભારતની જનતાએ? તેમની ચેતવણી કે સલાહ કોના માટે છે, જનતા માટે કે સરકાર માટે? સરકાર તો તેમની પોતાની છે. શું છ મહિના દરમિયાન એકેય વાર તેમણે તેમની સરકારને સલાહ કે ચેતવણી આપી નહોતી કે પછી સરકાર સાંભળતી નથી? બન્ને સ્થિતિ ગંભીર છે. મોહન ભાગવતે પ્રશ્ન પૂછવા કરતાં પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ.

બીજો પ્રશ્ન. શું મજબૂત સરકારની મજબૂતી ઓછી પડે છે? કે પછી એ આપણે ધારીએ છીએ એટલી મજબૂત નથી. અથવા એવું તો નથી કે વધારે પડતી મજબૂતી મણિપુરનું કારણ છે? આપણને તો ૨૦૧૪માં અને ૨૦૧૯માં કહેવામાં આવ્યું હતું કે ભારત સાથે દુ:શ્મની ધરાવતા પાડોશીઓ સાથે લળી લળીને વાતો કરનારા અને તેમની સાથે બિરયાની ખાનારા શાસકોના હાથમાં દેશ સુરક્ષિત નથી. દેશને તો એવા શાસકોની જરૂર છે જે દુ:શ્મન સાથે આંખમાં આંખ પરોવીને વાત કરે. પ્રજાએ ભરોસો મૂક્યો અને નરેન્દ્ર મોદીને જોઇતી હતી એવી મજબૂતી આપી. પણ પરિણામ આપણી સામે છે. ૫૬ ઇંચની છાતી ધરાવનારા વડા પ્રધાન ચીનનો ચ બોલતા નથી અને મણિપુરનો મ બોલતા નથી. ચીન ભારતની ભૂમિ કબજે કરીને ચાર વરસથી બેઠું છે એ આખી દુનિયા જાણે છે, પણ વડા પ્રધાન મૌન છે.

મોહન ભાગવત

તો પછી સમસ્યા શું છે? મજબૂતી ઓછી પડે છે કે પછી સરકાર ધારીએ છીએ એટલી મજબૂત નથી કે પછી વધારે પડતી મજબૂતી પોતે એક સમસ્યા છે? મોહન ભાગવતે આ પ્રશ્ન પૂછવો જોઈતો હતો અથવા આપણે આ પ્રશ્ન મોહન ભાગવતને પૂછવો જોઈએ.

આ સવાલનો સાચો જવાબ એ છે કે પ્રજાએ મજબૂતી આપવામાં કોઈ ઉણપ નથી રાખી, પણ એ છતાં ય સરકાર ધારીએ છીએ એટલી મજબૂત નથી. ચીને, નેપાલે (તેનાં નકશા બદલીને અને ભારતની ભૂમિ પોતાની બતાવીને), ભૂતાને (ભારતને બાજુએ રાખીને ચીન સાથે સીધી વાટાઘાટો કરીને), શ્રીલંકાએ (ભારતને વિશ્વાસમાં પણ લીધા વિના ચીનને પોતાનું બંદર આપીને) અને પાકિસ્તાને ભારતની કોઈ તમા રાખી નથી. કેન્દ્રમાં યુ.પી.એ.ની નબળી સરકાર હતી એ વખતે પાડોશી દેશો સાથે સંબંધો સારા હતા. કમ સે કમ સંવાદ હતો. અત્યારે તો સંવાદનો શૂન્યાવકાશ છે.

આનો બીજો સાચો જવાબ એ છે કે કેન્દ્ર સરકાર મજબૂતીનો અર્થ કેવળ ચૂંટણીકીય રાજકીય મજબૂતી કરે છે, શાસકીય મજબૂતી નથી. મણિપુરની સળગતી સમસ્યાને ઉકેલવામાં સરકારને રસ નથી, કારણ કે મણિપુરમાં મેદાનમાં વસતા અને હિન્દુ વૈષ્ણવ સંપ્રદાયને પાળતા મૈતીઓને સરકાર મદદ કરે છે. પહાડો પર વસતી અને ખ્રિસ્તી ધર્મ પાળતી કૂકી અને બીજી આદિવાસી જનજાતિઓને સતાવવામાં આવે અને તેમ જ તેમને ત્યાંથી ખદેડીને પહાડો પરની જમીન પર કબજો કરવામાં આવે એવી મૈતીઓની યોજનાને સરકાર મદદ કરે છે. ટૂંકમાં કેન્દ્ર સરકાર મણિપુરમાં કોમવાદી નીતિ અપનાવી રહી છે અને માટે મણિપુરની આગ ઠારવામાં નથી આવતી, એ શું મોહન ભાગવત નથી જાણતા? તેમના પોતાનાં સ્વયંસેકો મણિપુરમાં શું કરી રહ્યા છે એની તેમને જાણ નથી?

તો આનો અર્થ એ થયો કે કાં તો સરકાર રાજકીય રીતે નિર્બળ હોવી જોઈએ કે જેથી તે બધાને સાથે લઈને ચાલે. સમસ્યાને વકરવા ન દે. થાય એ કરી લો એવું ગુમાન ન રાખે અને જનમાનસને સાંભળે. અથવા શાસકીય રીતે મજબૂત હોય જેની પ્રાથમિકતા શાસકીય હોય ચૂંટણીકીય રાજકીય ન હોય. શાસનનાં કેન્દ્રમાં દેશ હોય; પક્ષ, પક્ષીય વિચારધારા, ચૂંટણી અને સત્તા કેન્દ્રમાં ન હોય. મોહન ભાગવત આ સાદી વાત નથી જાણતા? ખ્રિસ્તી કૂકીઓ અને બીજાઓને પોતાનાં ગણો અને પછી જુઓ હૃદય અને દૃષ્ટિ બન્ને વિશાળ થઇ જશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 26 ઑક્ટોબર 2023

Loading

દુર્ગાપૂજાના દિવસો શ્રીઅરવિંદની સ્મૃતિને જુદેસર ઝકઝોરી ગયા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 October 2023

‘હવે હું પહેલાંની જેમ એવું નથી કહેતો કે રાષ્ટ્રવાદ એક ધર્મ છે, એક આસ્થા છે. હું કહું છું કે જે સનાતન ધર્મ છે એ સ્તો રાષ્ટ્રવાદ છે.’

વિજયાદશમીની વળતી સવાર સારુ લખી રહ્યો છું ત્યારે કેમ જાણે કંઈક સ્વરાજચિંતન ચિત્તનો કબજો લઈ બેઠું છે. ખરેખર તો બેસતે નોરતે જ ઈ-સ્વરમ્(રાજકોટ)ના સદ્દભાવથી પરેશ ભટ્ટના સ્વરાંકનમાં ‘માત ભવાની દુર્ગે’ના સમૂહગાન સાથે સહજ ક્રમે આ વિચારચક્ર ચાલવા લાગ્યું હતું.

ભ‌વાની આમ તો હિંદવી સ્વરાજ વાસ્તે શિવસંકલ્પ આસપાસનાં સ્પંદન જગવે છે … અને વીસમી સદીના પહેલા દસકામાં, એમ તો, 1904થી 1908ના ગાળામાં સંસ્કૃતમાં જે રચના અરવિંદ થકી ઉતરી આવી, એ પણ ભવાની ભારતી જ છે ને. કહે છે કે રામકૃષ્ણ પરમહંસનાં વર્તુળોમાંથી ભાઈ બારીન્દ્ર મારફતે અરવિંદને જે પ્રેરણા પહોંચી તે એની પૂંઠે હતી.

ભવાની ભારતી આમ તો શક્તિનું, રાષ્ટ્રમાતાનું, બલકે રાષ્ટ્ર સ્વયંનું ગાન કહો તો ગાન, આવાહન કહો તો આવાહન છે … આવાહન પણ અને આહ્વાન પણ! મૂળે એ શક્તિગાન છે, જેમ પરમહંસદેવે વિવેકાનંદને ‘કાલી’ ભણી સમર્પણભાવ પ્રેર્યો હતો.

કેમ કે, આપણે હમણાં જ દુર્ગાપૂજાના ઉત્સવમાંથી પસાર થયાં છીએ, ભવાની ને કાલીના સ્મરણ સાથે આપણી પરંપરા આખા ચિત્તમાં ધ્રોપટ ઉતરી આવવા કરે છે. જે જમાનો હજુ આરણ્યક શો હશે, કેનોપનિષદમાં ઉમા થકી કે મુંડકોપનિષદમાં કાલીકરાલી થકી આપણે એને પહેલ પ્રથમ કદાચ મળ્યા હોઈશું. પણ 19મી સદી ઊતરતે એકદમ જે નવરૂપ ધરે છે, બંકિમ ને અરવિંદ આદિ વાટે: માતા, ભારતી, ભારતમાતા.

‘ભવાની ભારતી’ લખાયું, હમણાં કહ્યું તેમ 1904-1908નાં વરસોમાં પણ એ પોલીસ જપતીમાં ચાલી ગયેલું તે પૂરો પાઠ હાથ લાગ્યો અને 1985માં અરવિંદ આશ્રમે એ પ્રગટ કર્યો. પણ આ ધોરણે અરવિંદના વિચારો તો કે’દીના વહેતા થઈ ચૂક્યા હતા. વડોદરા કોલેજના એમના છાત્ર કનૈયાલાલ મુનશીએ આગળ ચાલતાં ‘સ્વપ્નદૃષ્ટા’ નવલકથાના નાયક સુદર્શનના મોંમાં મવાળ પરિવારની સૂચિત વાગ્દત્તા સુલોચના જોગ એ ઉદ્દગારો મૂક્યા છે કે તમે જેને ‘ઇન્ડિયા’ કહો છો તે તો ‘મા’ છે. આ જ નવલકથામાં ‘ભારતીની આત્મકથા’નું યાદગાર પ્રકરણ પણ આવે છે.

‘ભવાની ભારતી’ની જિકર કરો કે ‘ભવાની મંદિર’ની, અરવિંદનો સીધો સંદેશ શક્તિનો છે. અલીપુર જેલના દિવ્ય અનુભવ બાદ છૂટ્યા પછીનું ઉત્તરપારા અભિભાષણ એમનાં શક્તિચિંતન અને રાષ્ટ્રચિંતનને આગળ ચલાવે છે, અને આખોયે સ્વરાજવિમર્શ ચાલુ રાષ્ટ્રવાદના ચોકઠા અને ડામણાંડાબલાંમાં નહીં સમાતો એકદમ આગળ ચાલી જાય છે. દુર્ગોત્સવના મંડપમાં રામ મંદિરનું મોડેલ રજૂ કરી કશુંક હાંસલ કીધાનું અનુભવતી હિંદુત્વ રાજનીતિને કદાચ એનો અંદાજે અહેસાસ ન પણ હોય. ઉત્તરપારા અભિભાષણ અને અલીપુર જેલની અનુભૂતિ આગમચ અરવિંદના નાસિક પ્રવચનમાં એના સંકેતો પડેલા છે. એમાંથી એના ઉત્તરપારા અભિભાષણમાંથી એમનું જે ચિંતન ફોરવા કરે છે એને તમે વંશીય (એથ્નિક) અગર સાંસ્કૃતિક (કલ્ચરલ) રાષ્ટ્રવાદના ચાલુ ચોકઠામાં ફિટાડી શકતા નથી.

બલકે, એક વાર આ વાનું લક્ષમાં લઈએ તો તરત સમજાશે કે કોઈક સંકીર્ણ દાયરામાંથી બહાર જવાની દૃષ્ટિએ એમણે ચાલુ રાજનીતિથી અને કથિત ‘રાષ્ટ્ર’વાદથી પરહેજ કરવાપણું જોયું હશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક હેડગેવાર એમને કાઁગ્રેસ નેતૃત્વ માટે વિનંતી કરવા ગયા ત્યારે એમણે જે ઈનકાર કર્યો તેને એમને અભીષ્ટ સાધના સહિતના આ વ્યાપક સંદર્ભમાં જોવો જોઈશે.

વર્તમાન શાસન હેઠળ સિમલાના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝના નિયામક રહેલા મકરંદ પરાંજપેએ વચ્ચે એક લેખમાં અરવિંદના ગીતા પરના નિબંધોમાંથી મજેનું ઉધ્ધરણ ટાંક્યું હતું કે ‘આપણે ભૂતકાળના પ્રભાતોમાં નિવસતા નથી. આપણો મલક તો ભાવિનાં મધ્યાહનોમાં વિલસે છે.’

રૂંવે રૂંવે ભારતભક્તિ જરૂર ઉભરાય છે, પણ અરવિંદની ચેતના એને ક્યાં ય લાંઘી ચાહે છે. એમના માટે મનુષ્યજાતિ વ્યાપક ચેતનાના શૃંગ પર આરોહણ કરે તે આપણી રાષ્ટ્રચેતનાને અભીષ્ટ છે. નવસર્જન એક નવી ચેતના માગે છે જે કેવળ ભૂતકાળમાંથી પ્રગટી શકે નહીં.

આ સંદર્ભમાં જોઈએ વિચારીએ તો અરવિંદની વૈચારિક ચળવળ અત્યારે રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મને નામે જે રાજનીતિ ચાલે છે એના કરતાં તત્ત્વત: જુદાં પરિયાણ સૂચવે છે. પરંપરાગત રાષ્ટ્રવાદને અંગે એ નિર્ભ્રાન્ત નહીં તો પણ નવ્ય અભિગમ પર કર્યા છે : ‘હું હવે પહેલાંની જેમ એમ નથી કહેતો કે રાષ્ટ્રવાદ એક આસ્થા છે, એક ધર્મ છે, એક માન્યતા છે. હું કહું છું કે જે સનાતન ધર્મ છે એ સ્તો આપણે સારુ રાષ્ટ્રવાદ છે.’ અને વળી ‘જો કોઈ ધર્મ સાર્વત્રિક ને વૈશ્વિક ન હોય તો તે ચિરંતન કે સનાતન નથી. સનાતન ધર્મ તો વિજ્ઞાનની શોધોને સમાવતો ને આગળથી જોતો ચાલે છે તેમ જ દાર્શનિક તત્ત્વચિંતનોયે એમાં અમાસ થાય છે.’

દેખીતી રીતે જ, અરવિંદની ધર્મચર્યા અને ધર્મચર્ચા ‘રિલિજિયન’માં બદ્ધ નથી અને પશ્ચિમના કોશેટામાં બદ્ધ જે રાષ્ટ્રવાદ, તેને પણ એમાં સ્થાન નથી. હિંદુત્વ રાજનીતિને સેમેટિક સાંસ્થાનિક વારસાનો જે વણછો લાગેલો છે તેની અને ‘સનાતન ધર્મ’ વચ્ચે કોઈ સંગતિ હોય તો તે શોધનો વિષય છે.

વાત કરતે કરતે હું ખાસો આગળ ચાલી ગયો. પણ જ્યાં મેં અટકવા જેવું કર્યું, સનાતન ધર્મ વિ. સાંસ્થાનિક અસર તળેનો રાષ્ટ્રવાદ, ત્યાં પણ ખરેખર અટક્યું અટકાય એમ નથી, કેમ કે અરવિંદની ભૂમિકા, દુર્ગા ધારાનું એમનું અભિનવ અર્થઘટન જો જાતિગત કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં બંધબેસતું નથી તો કદાચ નાગરિક/બંધારણીય (સિવિક/કોન્સ્ટિટ્યુશનલ) રાષ્ટ્રવાદ સાથે પણ એ પરબારું ગોઠવ્યું નયે ગોઠવાય. બને કે બિનસાંપ્રદાયિકતાના ખયાલને પણ, એની બિનકોમી તાસીર જાળવીને નવેસર સમજવો પડે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 ઑક્ટોબર 2023

Loading

વરસાદ

નંદિતા મુનિ|Opinion - Opinion, Poetry|25 October 2023

પ્રિય કવિ જૅક ગિલ્બર્ટ ના એક કાવ્ય ‘Rain’નો અનુવાદ આજે મૂકું છું. 

અચાનક આ પરાભવ.

આ વર્ષા.

નીલા રંગોનું પલટાઈ જવું ભૂખરામાં

અને પીળાનું

ભયાનક ઘેરા પીળામાં.

ઠંડીગાર શેરીઓમાં

તારો હૂંફાળો દેહ.

કોઈ પણ ઓરડામાં

તારો હૂંફાળો દેહ.

આટલા લોકોની વચ્ચે 

તારું ન હોવું.

આટલા બધા, લોકો જે ક્યારેય 

‘તું’ નથી.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...791792793794...800810820...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved