Opinion Magazine
Number of visits: 9457525
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પત્રકારોનાં ડિજિટલ ઉપકરણોની ‘પ્રાઇવસી’ સુનિશ્ચિત કરવી જરૂરી 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|9 November 2023

સર્વોચ્ચ અદાલતની તાકીદ

મુક્ત સમાચાર અને સ્વતંત્ર અભિપ્રાયની સોઈ વિના મીડિયાની ભૂમિકા બેમતલબ બની રહેશે અને સરવાળે સરકાર સહિત સૌએ વેઠવાનું રહેશે.

પ્રકાશ ન. શાહ

જોઈએ, મહિના પછી સામાન્ય સરકારશ્રીનો વાન કેવોક ઉઘડે છેઃ સર્વોચ્ચ અદાલતે એડિશનલ સોલિસિટર જનરલને કહ્યું છે કે, પત્રકારોના ડિજિટલ ઉપકરણો મનમુરાદ કબજે ન લેવાય તે માટે ચોક્કસ માર્ગદર્શક સિદ્ધાંતો ઘડવા જરૂરી છે. આમ તો, સર્વોચ્ચ અદાલતે ઠાવકાઈથી કહ્યું છે કે, તમે કહો તો અમે ઘડી આપીએ. પણ આ કામગીરી ખરું જોતાં સરકાર તરફથી થવી જોઈએ.

ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ્સ અને કેટલાંક સુપ્રતિજ શિક્ષણસેવીઓએ કરેલી જનહિત યાચિકાના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને એક મહિનાની મુદ્દતમાં માર્ગદર્શક રૂપરેખા રજૂ કરવા કહ્યું છે, ત્યારે એ સંભારવું જરૂરી છે કે 2017માં સર્વોચ્ચ અદાલતના નવ, રિપીટ, નવ ન્યાયમૂર્તિઓની બેન્ચે બંધારણની 21મી કલમ અને આનુષંગિક જોગવાઈઓ લક્ષમાં રાખી ‘રાઇટ ટુ પ્રાઇવસી’ પર મહોર મારી છે. ખાનગીપણાનો આ અધિકાર બંધારણીય ખોળાધરીપૂર્વકનો છે એમ પણ ત્યારે અસંદિગ્ધપણે કહેવાયું હતું.

આજે છ વરસ પછી વાસ્તવિકતા એ છે કે, સરકારી એજન્સીઓની ઘોંસ ને ભીંસ સામે પત્રકાર માત્રનાં ડિજિટલ ઉપકરણો, પછી તે લેપટોપ હોય કે મોબાઈલ અગર કોમ્પ્યૂટર, અસહાય ને અરક્ષિત છે. એડિશનલ સોલિસિટર એસ.વી. રાજુએ તબિયતથી કહ્યું કે, હાલના ક્રિમિનલ પ્રોસીજર કોડમાં સંબંધિત બધી જ જોગવાઈઓ છે અને પત્રકારો તેને ધોરણે વળતું રક્ષણ માગી શકે છે. વળતી વાસ્તવિકતા જોડે એ છે કે, સરકારી એજન્સીઓ જ્યારે ત્રાટકે છે અને બધું કબજે લે છે ત્યારે જે તે ડિજિટલ ઉપકરણધારીને કશું જ રક્ષણ મળતું નથી. સમાચાર સ્રોતથી માંડી તેની અંગત ને જાહેર ઉપયોગની કેટલી બધી માહિતી એમાં સંઘરાયેલી હોય છે, પણ ઉપકરણ કબજે લેવાય ત્યારે તે બેક અપ પણ લઈ શકતો નથી એ દુર્દૈવ વાસ્તવ છે.

આખો સવાલ ખરું જોતાં રાજ્યને પદરના ગરાસ પેઠે જોતી સરકારી માનસિકતાનો અને એને જોરે ઠેકાઠેક કરતી એજન્સીઓની મનસ્વિતાનો પણ છે. માર્ગદર્શક રૂપરેખાની તાકીદ કરતાં જસ્ટિસ કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશ ધુલિયાએ કરેલ ટીકાટિપ્પણ આ સંદર્ભમાં અધોરેખિતપણે ટાંકવાં જોગ છે. એમણે કહ્યું કે, પોલીસ, ઇ.ડી. (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને સી.બી.આઈ. એવી રીતે પેશ આવે છે કે જાણે સત્તા સઘળી એના ખિસ્સામાં છે. આજે ફોર્થ એસ્ટેટ – ચોથી જાગીર ગણાતા પત્રકારત્વની કામગીરી આ સંજોગોમાં વાણી અને અભિવ્યક્તિના અધિકારની દૃષ્ટિએ કેવી સ્થિતિમાં મુકાઈ શકે તે વિચારતાં કંપારી વછૂટે છે.

ખરી વાત જો કે, એ છે કે, પત્રકારત્વ પોતે પણ અત્યારે કટોકટી અને પડકારમાંથી પસાર થઈ રહ્યું છે. સત્તામાનસ તરફથી ઊભા થતાં નાનામોટા અવરોધ મુક્ત માહિતી અને સ્વતંત્ર અભિપ્રાયની એની કામગીરીને ખોડંગાવી શકે તે કોઈપણ કાળે થતું રહેતું હોય છે. બીજી પાસ, સોશિયલ મીડિયાના વિકાસ સાથે ઊભી થયેલી વિલક્ષણ પરિસ્થિતિ એ છે કે બંને મીડિયા એકબીજાની સચ્ચાઈ અને સ્વતંત્રતાનાં સામસામાં પ્રતિમાન પૂરાં પાડે છે. એક બાજુ, છપાયેલમાં ભરોસો મૂકતું પરંપરામાનસ અને બીજી બાજુ વિકલ્પે ઊભરી રહેલ સોશિયલ મીડિયા, આ બંને એકમેકનાં પૂરક બની રહી, એકબીજાને અંગે સંસ્કારક (કરેક્ટિવ) ભૂમિકા ભજવી શકે તે જરૂરી છે. પરંપરામાનસ પ્રિન્ટ મીડિયાને કેટલેક અંગે ફેરમૂલવવા તરફ વળી રહ્યું છે એ પણ વાસ્તવિકતા છે. આ સંજોગોમાં ડિજિટલ ઉપકરણો બાબતે ભીંસ અને ઘોંસની, સર્વોચ્ચ અદાલતની ભાષામાં કહીએ તો કરોડરજ્જુ સોંસરી કંપારીને, સરકારી એજન્સીઓની તાસીર પત્રકારત્વની છબીને નકો નકો બનાવી મૂકે એથી ખોવાનું સમાજે છે, અને લાંબે ગાળે સમાજના હિસ્સા તરીકે રાજકીય-શાસકીય અગ્રવર્ગે પણ, ટૂંકનજરી લાભગાળો પસાર થયા પછી વેઠવાનું રહે છે. કારણ કે, સાચા સમાચારને સ્વસ્થ સ્વતંત્ર અભિપ્રાય વિનાના શૂન્યાવકાશમાં એક તબક્કે ખુદ સરકારોને પણ અંધારામાં આથડવું રહે છે.

એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુના માધ્યમથી સર્વોચ્ચ અદાલતે મોકલેલ સંદેશ પકડાય તે એના સહિત સૌના હિતમાં હશે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 08 નવેમ્બર 2023

Loading

માની ગ્યા મેક્સી, The Very Big Show મેક્સી!

કેતન રુપેરા|Opinion - Opinion|9 November 2023

સાવ સાચું કહું, મેક્સી?

તું ભલે ભારતનો જમાઈ રહ્યો … ખોટું લાગે તો જીવનસંગિની વિનીના હાથની બે રોટલી વધારે ખાઈ લેજે; ઓસ્ટ્રેલિયા જીતે એવું હું અને મારા જેવા અનેક ભારતીય ક્રિકેટપ્રેમીઓ બિલકુલ નહોતા ઇચ્છતા …

… પણ એકલવીર બનીને તું જે ઢબે રમી રહ્યો હતો, રમતાં રમતાં જ ક્રિકેટની રમતને એ સ્તરે લઈ ગયો હતો કે પછી તો અફઘાનિસ્તાન જીતે કે ઓસ્ટ્રેલિયા, એ વાત ગૌણ બનતી ગઈ અને A Gentleman’s Gameને તારા તરફથી એક ભેટ મળી ગઈ.

ટેસ્ટ મેચના ક્લાસ અને ટી-ટ્વેન્ટીનાં ટોળાં, ટેસ્ટ મેચની શાખ અને ટી-ટ્વેન્ટીના ખણખણિયા વચ્ચે ચગદાઈને ‘બોરિંગ’ બનતી જતી પચાસ-પચાસ ઓવર્સની એક દિવસીય ક્રિકેટ મૅચને તેં હજુ થોડાં વરસો વધુ કાઢી નાખશે એટલો, હવામાંના શુદ્ધ ઓક્સિજન જેવો ‘પ્રાણવાયુ’ આપી દીધો. સાતમીની રાત્રે જીતની બધી આશા છોડીને સૂઈ ગયેલા ઓસ્ટ્રેલિયાવાસીઓને આઠમીની સવારે સરપ્રાઇઝ આપી દીધી!

બાકી, અફઘાનિસ્તાન જેવી અફઘાનિસ્તાનની ટીમે,

બોમ્બમારા વચ્ચે અથડાઈ-ઘડાઈને તૈયાર થયેલી ટીમે,

પહેલી વન ડે ઇન્ટરનેશનલ રમ્યાને હજુ દોઢેક દાયકો માંડ થયો છે એવી ટીમે,

ટુર્નામેન્ટમાં કુલ દસમાં નવમા ક્રમાંકે પ્રવેશ પામેલી ટીમે, ક્રિકેટના મેદાનમાં ય રણમાં ઊંટ જેવી ઝડપે મજલ કાપીને ભૂતકાળમાં વર્લ્ડકપ વિજેતા રહેલી ત્રણ ત્રણ ટીમોને ૨૦૨૩ના આ વર્લ્ડકપમાં હરાવી દીધી હોય!

જ્યારે મોટા ભાગની મેચો વનસાઈડેડ બની રહી હતી ત્યારે તેની આ ટીમો સામેની જીતે જ સેમી ફાઈનલમાં પ્રવેશની સમગ્ર પ્રક્રિયાને રોમાંચક બનાવી દીધી હોય!

જ્યારે “ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત” જેવું ભારત પણ અશ્વિન જેવા મેચ વિનર અને અનુભવી સ્પિનરને ટીમ કોમ્બિનેશનનાં કારણોથી બહાર બેસાડતું હોય ત્યારે ’૬૦-૭૦ના દાયકાની ભારતીય ટેસ્ટ ટીમની યાદ અપાવતા દમામપૂર્વક ચાર ચાર સ્પિનરને રમાડતી હોય, અને પોતે પાછી ઇંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર્સને જરા ય મચક ન આપતી હોય!

વળી, જીતે તો પશ્તૂનનો અટ્ટન ડાન્સ અને હારે તો ચહેરા પર બહુ ભાર નહીં એવી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમતી હોય …

ક્રિકેટપ્રેમી તરીકે આવી જિંદાદિલ ટીમના ફેન બની જવાનાં કારણો‌ ઓછાં હોય તે પાછું એક બે નહીં, છ છ વર્લ્ડકપ પહેલાંના જમાનામાં, છેક ૧૯૯૬માં જેણે ૨૫ બોલમાં ૪૫ રન કરી એ વખતના ફાસ્ટેસ્ટ બૉલરના છક્કા છોડાવી દીધા હોય એવો મેન્ટલી ટફ અજય જાડેજા આ ટીમનો મેન્ટર હોય …

તો કોઈ પણ ક્રિકેટપ્રેમી ભારતીય માટે આ ટીમનું ભારત પછી તરતના નંબરની ચહીતી ટીમ ન બનવાનું કોઈ કારણ બાકી રહેતું નથી.

આવી અસાધારણ અફઘાનિસ્તાનની ટીમને મેક્સી, તારી ઓસ્ટ્રેલિયાની ટીમ હરાવી દે, જેની સાથે રમતના મેદાનમાં ટીમ ઇન્ડિયાની વિશ્વમાં બીજા નંબરની રાઇવલરી ચાલી આવતી હોય એવી તારી ટીમ અફઘાનિસ્તાનને હરાવી દે એ તો ભારતીય ક્રિકેટપ્રેમીને કેમનું સહેવાય?!

પણ, પણ અને પણ મેક્સી, રૂઢિપ્રયોગ વાપરીએ તો ‘એકલા હાથે’ અને અક્ષરસઃ કહીએ તો બલે બે હાથે, પણ ફુટવર્કનો સહેજેય ઉપયોગ કર્યા વગર, સારા બેટધર હોવા-કહેવડાવવા માટે અનિવાર્ય એવા ફુટવર્કનો ઉપયોગ કર્યા વગર, પગની માંસપેશીઓ ખેંચાઈ જવાના કારણે થતી પીડાના કારણે પગને સહેજેય હલાવ્યા-ચલાવ્યા વગર, જાણે પગ રીતસરના ખિલ્લાથી જમીન પર ખોડી દીધા હોય એ રીતે રમીને જે તબિયતથી તેં અફઘાનિસ્તાનની ટીમને હરાવી છે … માની ગ્યા મેક્સી!

બાકી, ‘ક્રેમ્પિંગ’ના કારણે ઘણા ક્રિકેટરોને મેદાન છોડીને આરામ-સારવાર માટે જતા જોયા છે. ૯૧ રનમાં ૭ વિકેટ્સ પડી ગયા પછી જે સંજોગોમાંથી અને જે રીતે તેં ટીમને ઉગારી હતી અને પછી જે મુકામે પહોંચાડી હતી એ પછી વધુ પીડા સહન ન કરતાં, ડ્રેસિંગ રૂમમાં ચાલ્યો ગયો હોત ને કોઈ વિકેટ પડતાં ફરી રમવા આવ્યો હોત તો કોઈ ઓસ્ટ્રેલિયન તને વ્યક્તિગત હિત માટે રમે છે એમ ન કહેત.

એ પછી રમતાં રમતાં કદાચ આઉટ પણ થઈ ગયો હોત તો કોઈ ઓસ્ટ્રેલિયન તને ‘દેશવિરોધી’ કહીને ટ્રોલ ના કરત, અને એ કારણે ઓસ્ટ્રેલિયા હારી પણ ગયું હોત તો તારા કે તારી ટીમના કોઈ ખેલાડીના ઘર પર પથ્થરમારો ન થયો હોત … પણ દર્દ સહીને, પીડા ભોગવીને પણ તેં રમવાનું ચાલુ રાખ્યું. સિંગલ-ડબલ લેવા માટે દોડવું શક્ય ન બન્યું ત્યારે માત્ર ચોગા-છક્કા મારીને રમવાનું ચાલુ રાખ્યું. એ વળી, વધારે પડકારજનક કામ નહીં?!

પણ, ક્રિકેટની રમતમાં અપનાવવા જેવા અને જીવનમાં ય ન અવગણવા જેવા ગુણો—ગમે એટલી વિકટ પરિસ્થિતિ આવે કે ગમે એટલી વિકેટો પડે પણ ફસડાઈ પડવું નહીં, જીત માટે ઉતાવળા કે ઘાંઘા થવાને બદલે ફટકો મારવા માટે નબળા બોલની રાહ જોવી, વચ્ચે વચ્ચે આવતી નાની નાની તકલીફો-પીડાને વશ થઈ હથિયાર કે બેટ હેઠું મૂકી દેવાને બદલે જેટલું આગળ ખેંચાય એટલું ખેંચતા જવું, બધા ખમતીધર સાથીદારો ખડી પડ્યા હોય ત્યારે નબળો સાથીદાર મળી આવે તો એની મદદ ન લેવાને બદલે જેટલી પણ મળે એટલી મદદ હસતા મુખે લેતાં રહીને એ સમયમાં પોતાને સજ્જ-સક્ષમ બનાવતા રહેવું, પોતાની પીડા કે મર્યાદાને બહુ પંપાળવાને બદલે જે શક્તિ કે વિશેષતા છે એના પર જોર આપવું … જેવાં ભલે રમતનાં કૌશલ્યો પણ છેવટે તારા વ્યક્તિત્વનાં ગુણો ‘ગ્લેડિયેટર’ સરીખા અંદાજથી તેં બતાવી દીધા!

ગ્લેન મેક્સવેલ  — અસહ્ય પીડા, અપૂર્વ ઇનિંગ્સ — અફઘાનિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા, 7 નવેમ્બર 2023

એક દિવસીય ક્રિકેટમાં તારી સૌથી વધુ એવી સવાસોની સ્ટ્રાઈક રેટ ગણો કે થોડા દિવસો પહેલાં નેધરલેન્ડ સામે ૪૦ બૉલમાં જ કરેલી વર્લ્ડકપ ઇતિહાસની સૌથી ઝડપી સદી, બિગ બૅશ કે આઈ.પી.એલ.માં ચોગા-છક્કાની રમઝટથી તેં તારી ફ્રેન્ચાઈઝીઓને અનેક વખત અપાવેલી જીત ગણો‌ કે પાર્ટ ટાઈમ સ્પિનર અને જાંબાઝ ફિલ્ડર તરીકે અનેક વાર તેં પલટેલા મૅચનાં પાસાં … આ બધું યાદ રહેશે, મેક્સી. જરૂર યાદ રહેશે, પણ બેવડી સદી કરવી છે એવા કોઈ જ ગણિત વગર ૨૦૧ રન નોટ આઉટ રહી તારી ટીમને તેં અપાવેલી જીત કાયમી સ્વરૂપે યાદ રહેશે. વન-ડે મેચના ઇતિહાસમાં અમારા સચીનની પહેલી બેવડી સદી પછી બેવડી સદીઓની લાગેલી લંગાર વચ્ચે તારી બેવડી સદી અદ્વિતીય બની રહેશે. કેમ કે સાવ હારની કગારે, ૦.૪૦ ટકાએ પહોંચી ગયેલી જીતની સંભાવના પછી પણ સો ટકા સફળતાએ પહોંચાડેલી જીત તરીકે યાદ રહેશે.

આ પ્રસંગે ન ભૂલવા જેવી કે ખાસ યાદ કરવી જોઈએ એવી એક વાત પણ કરી લઉં. શિખર સર કરીએ ત્યારે, એ પહેલાંની કોઈ પળે ખાઈમાં ખાબક્યા હોઈએ એને યાદ કરવાની મજા જ કંઈક ઓર હોય છે. ૨૦૧૯ના વર્લ્ડકપમાં ઇજા પછી તેં ક્રિકેટમાંથી એક-સવા વરસનો બ્રેક લીધો. કોઈ પણ ક્ષેત્રમાં અવ્વલ સ્તરે પહોંચ્યા કે ક્યાં ય ન પહોંચ્યા છતાં ય બહુ ઓછા લોકો આવું અઘરું કામ કરી શકે છે, એવા ડિપ્રેશનના કારણ સાથેનો બ્રેક લીધો. કેપ્ટન એરોન ફિન્ચ અને ટીમ મૅનેજમેન્ટે તારી આ પારદર્શિતાને વખાણી અને પછી તો તારા એમાંથી બહાર આવવામાં ય તને સાથ આપ્યો. અને એ પછી પહેલાં કરતાં ય વધારે આક્રમકતા સાથે તું મેદાનમાં આવ્યો!

તારી અને ઓસ્ટ્રેલિયાની આ વિશિષ્ટ સિદ્ધિમાં માત્ર પ્રતિભા કે મહેનત નહીં, પરસ્પર વિશ્વાસ અને ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયા'(CA)ની મજબૂત સિસ્ટમનો ય ફાળો છે. આવી સિસ્ટમ ક્રિકેટ રમતા સૌ દેશોને મળે … દેશ-દુનિયા, સંસ્થા-સંગઠનો અને કંપનીઓ-ટ્રસ્ટોનાં ‘અ’થી શરૂ થઈ ‘જ્ઞ’ સુધીના કદી ન ઉકલનારા પ્રશ્નો અને સમસ્યાઓની વચ્ચે પણ આનંદ અને રોમાંચની આવી પળો સૌને ફળે.

The Very Big Show, મેક્સી!

(લખ્યા તા. 08/09-11-‘23)
 (Photo Courtesy: AP, AFP, ESPN-Cricinfo) 
e.mail : ketanrupera@gmail.com

Loading

ભારતે પોતાની ભૂમિકા બદલી છે, ટિપીકલ ખુમારી વિના

રમેશ ઓઝા|Opinion - Opinion|9 November 2023

રમેશ ઓઝા

મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ દ્વારા, પેલેસ્ટાઈન ઇઝરાયેલના પ્રશ્ન પર, પૂર્વ પત્રકાર અને વિદ્વાન સંશોધક અચિન વનાયકનું વિદ્યાર્થીઓ માટે ગયા સોમવારે વકતવ્ય રાખવામાં આવ્યું હતું. અચાનક આઇ.આઇ.ટી.ના સંચાલકોએ ઈ-મેઈલ દ્વારા જાણ કરી કે વકતવ્ય સોમવારની જગ્યાએ મંગળવારે યોજાશે અને એ પછી બીજા દિવસે જાણ કરવામાં આવી કે વકતવ્ય રદ્દ કરવામાં આવ્યું છે. સંચાલકોએ એમ ધાર્યું હશે કે વકતવ્યની તારીખ છેલ્લી ઘડીએ બદલી નાખવામાં આવે તો શ્રોતાઓની સંખ્યા ઘટી જશે અને કદાચ એવું પણ બને કે વક્તા મંગળવારે અન્યત્ર રોકાયેલા હોય તો તેઓ જ મંગળવારે ઉપસ્થિત ન રહે. પણ તેમના કમનસીબે એવું બન્યું નહીં. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો પ્રા. વનાયકને સાંભળવા આતુર હતા અને વનાયક એક દિવસ વધુ મુંબઈ રોકાવા તૈયાર હતા. છેવટે સંચાલકોએ સમૂળગું વકતવ્ય જ રદ્દ કરી નાખ્યું.

અચીન વનાયક

આ લોકો શું આટલા બધા ડરપોક છે? વાત તો ચોવીસે કલાક મર્દાનગીની કરે છે અને એક વિદ્વાનના અવાજથી ડરે છે? એવો વિદ્વાન જેને ગણ્યાગાંઠ્યા વિદ્વદજનો સિવાય આમ જનતા ઓળખતી પણ નથી. આ લખનાર જેવા અનેક લોકોએ તેમની (હિન્દુત્વવાદીઓની) કાલીઘેલી વાતો આખી જિંદગી સાંભળી છે, ધીરજપૂર્વક સહન કરી છે, પાથીએ પાથીએ તેલ રેડીને બુદ્ધિ જગાડવાની નિરર્થક કોશિશ કરી છે, પણ કયારે ય તેમના અવાજને રુંધવનો પ્રયાસ નથી કર્યો. ક્યારે ય માગણી નથી કરી કે તેમને બોલતા અટકાવવામાં આવે. વીસ વરસ પહેલાં નથુરામ ગોડસેની આરતી ઉતારતું નાટક મરાઠી ભાષામાં ભજવાતું હતું અને કેટલાક લોકો તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરાતા હતા ત્યારે આ લખનારે પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. તેમને પણ પોતાની વાત કહેવાનો અધિકાર છે. તેમણે માત્ર એટલું કબૂલ કરવું જોઇએ કે ગાંધીજીને પણ પોતાની વાત કહેવાનો અને કૃતિ કરાવાનો અધિકાર હતો જે નથુરામે તેમની હત્યા કરીને કાયમ માટે છીનવી લીધો હતો.

જી હા, એ લોકો ડરે છે. સત્તા તેમ જ પ્રચંડ લોપ્રિયતા કે લોકસમર્થન છતાં ય વિચારની આ જે તાકાત છે એનાથી તેઓ ડરે છે. મધ્યકાલીન કૅથલિક ચર્ચ આનું ઉદાહરણ છે. બીજાની ક્યાં વાત કરીએ, રાજાઓ ચર્ચથી ડરતા હતા. પ્રજા અને રાજ્યો (રાજ્ય નહીં રાજ્યો, અનેક દેશો) તેની મુઠ્ઠીમાં હતાં. પણ ચર્ચને પણ ગેલેલિયો જેવા શંકા કરાનારાઓથી, પ્રશ્ન કરનારાઓથી, વિચારનારાઓથી ડર લાગતો હતો. સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા નથી કરતો, પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી ગોળ છે એમ જ્યારે ગેલેલિયોએ કહ્યું ત્યારે ગેલેલિયોને ભોજોભાઈ પણ નહોતો ઓળખાતો. આમ છતાં ચર્ચે ગેલેલિયોને મૃત્યુદંડ આપ્યો હતો અને ડરાવીને માફી મંગાવી હતી. ગેલેલિયોએ ત્યારે જીવ બચાવવા એક વાર માફી તો માગી લીધી, પણ ચર્ચ સદીઓથી માફી માંગે છે.

ડરવા માટે તેમની પાસે કારણ છે. સત્તા અને ટોળાંના જોરે તેઓ તેમનો ડર છૂપાવવાની ચેષ્ટા કરે છે, પણ ડર દૂર કરી શકતા નથી. લોકોની આંખ ઉઘાડનારા અવાજો લોકો સુધી ન પહોંચે એ સારુ તેઓ નિરર્થક વિષયો પર ઘોંઘાટ કરીને એ અવાજોને દબાવવાનો પ્રયાસ કરે છે. પણ સમસ્યા એ છે કે તેમને ન ગમતા અવાજો લોકો સુધી પહોંચે જ છે. એટ લીસ્ટ એ લોકો સુધી તો પહોંચે જ છે જે સત્ય જાણવા માગે છે, જેમનામાં બુદ્ધિ છે, જે પૂર્વગ્રહપીડિત નથી અને જેઓ બીજાના દોરવાયા દોરવું એને પોતાનું અપમાન સમજે છે. એવા લોકો ગમે તે માર્ગે સત્ય સુધી પહોંચી જ જાય છે. માટે તો મૂંડક ઉપનિષદમાં કહેવાયું કે સત્યનો જ જય થાય છે અને અસત્યનો વિજય ક્યારે ય નથી થતો. અસત્યનો તાત્કાલિક વિજય થતો નજરે પડે તો એનો અર્થ એ નથી કે તે અંતિમ વિજેતા છે. જો પ્રાચીન યુગમાં સત્ય ભલે મોડેથી પણ આખરે લોકો સુધી પહોંચતું હતું તો આજના પ્રત્યાયન યુગમાં તો એ વધારે આસાનીથી પહોંચી શકે.

શું પ્રા. અચીન વનાયક ઇઝરાયેલની ટીકા કરત એ ડરથી તેમનું વક્તવ્ય રદ્દ કરવામાં આવ્યું? સતાવાળાઓએ કારણ તો બતાવ્યું નથી, પણ કારણ સાચું કારણ છે ઇઝરાયેલ હમાસ યુદ્ધ વિશેની ભારતની ભૂમિકા. દાયકાઓથી ભારત પેલેસ્ટાઇનની રાષ્ટ્રીયતાનો સ્વીકાર કરતું આવ્યું છે. જો ઇઝરાયેલ ૧૯૪૮ પછીની એક હકીકત છે તો પેલેસ્ટાઇન એનાં પહેલાંની સદીઓ જૂની હકીકત છે. ઈઝરાયેલે પેલેસ્ટાઇનનો સ્વીકાર કરવો જોઈએ અને સહઅસ્તિત્વ માટે અનુકૂળ થવું જોઈએ. પણ ભારતે અત્યારે પોતાની ભૂમિકા બદલી છે. એ પણ ટિપીકલ ખૂમારી વિના. ઈઝરાયેલની સાથે છે, પણ યુનોમાં ગેરહાજર રહી ઈઝરાયેલની તરફેણમાં મત આપવાનું ટાળે છે. યોગ્ય રીતે જ હમાસના હુમલાની વિરુદ્ધ છે, પણ પેલેસ્ટાઇન વિષે સ્પષ્ટ ભૂમિકા લેવાનું ટાળે છે. પાછું આરબ દેશો નારાજ થશે એનો ડર પણ લાગે છે. સચિન વનાયક આની આલોચના કરત એ વાતનો આઇ.આઇ.ટી.ના સંચાલકોને ડર હતો.

આને લોકતંત્ર કહેવાય?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 નવેમ્બર 2023

Loading

...102030...772773774775...780790800...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved