Opinion Magazine
Number of visits: 9741583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મૈં ઍક્ટિંગ નહીં કર સકતી’ – વહીદા રહેમાનની ‘ખામોશી’

સોનલ પરીખ|Opinion - Opinion|7 June 2024

‘ખામોશી’ની વાર્તા મનની ગહન ગતિવિધિઓ આસપાસ ઘૂમે છે. હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર સાબિત કરવા માગે છે કે એક્યુટ મેનિયાના દર્દીઓ અતિભારે દવાઓ કે ઈલેક્ટ્રિક શૉક વગર સાજા થઈ શકે – જો એમને વિશ્વાસ, હૂંફ, પ્રેમ અને રક્ષણ આપવામાં આવે. નર્સ રાધાએ પ્રેમમાં છેતરાઈને એક્યુટ મેનિયાનો ભોગ બનેલા દેવને માની કાળજી અને પ્રિયતમાનો પ્રેમ આપીને સાજો કર્યો છે. દેવ સહિત બધા એમ સમજે છે કે રાધાએ જે કર્યું તે ટ્રીટમેન્ટનો એક ભાગ છે. પણ રાધા? એ તો સાચે જ દેવને ચાહી બેઠી છે …

‘યુદ્ધના દિવસો હતા. હૉસ્પિટલોમાં ન પૂરતા બેડ હતા, ન પૂરતી સાધનસામગ્રી હતી. કડકડતી ઠંડીમાં એક નર્સ પોતાનો કામળો એક ઘાયલ સૈનિકને ઓઢાડી એને વળગીને બેઠી હતી. બીજે દિવસે એ મરી ગયો. મેં આંસુ લૂછતી નર્સને પૂછ્યું, “તુમ્હારા અપના કોઈ થા?” એણે કહ્યું, “નહીં ડૉક્ટર, હમારે હી જવાનો મેં સે એક થા” આ જવાબ સાંભળીને મને ખાતરી થઈ કે સ્ત્રીમાં એવી શક્તિ છે કે એ પોતાનાં દુ:ખો ભૂલીને બીજાની તકલીફ દૂર કરી શકે છે. રાધા, તને જોઈ મને એ સ્ત્રી, એ નર્સ યાદ આવી જાય છે. દેવને તેં સાજો કર્યો, અરુણનો કેસ કેમ નથી લેતી?’ મેન્ટલ હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર નર્સને પૂછે છે.

આ નર્સ રાધા એટલે વહીદા રહેમાન. ફિલ્મ 1969ની ‘ખામોશી.’ દિગ્દર્શક અસિત સેન, નિર્માતા-સંગીતકાર હેમંતકુમાર, ગીતકાર-સંવાદલેખક ગુલઝાર, કલાકારો રાજેશ ખન્ના, વહીદા રહેમાન, નાસીર હુસેન અને સુંદર સહાયક ટીમ. સાથે અતિથિ કલાકાર ધર્મેન્દ્ર. આપણી રાષ્ટ્રીય આદત મુજબ આપણે આ ક્લાસિક ફિલ્મને અવગણી કાઢી હતી. આજે એની જ વાત કરવી છે કેમ કે ‘ખામોશી’ની ખામોશ વહીદા મળવા જેવી વ્યક્તિ છે.

‘ખામોશી’ની વાર્તા મનની ગહન ગતિવિધિઓ આસપાસ ઘૂમે છે. હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર (નસીર હુસેન) સાબિત કરવા માગે છે કે એક્યુટ મેનિયા(તીવ્ર ઉન્માદ)ના દર્દીઓ અતિ ભારે દવાઓ કે ઈલેક્ટ્રિક શૉક વગર સાજા થઈ શકે – જો એમને વિશ્વાસ, હૂંફ, પ્રેમ અને રક્ષણ આપવામાં આવે. નર્સ રાધા(વહીદા)એ પ્રેમમાં છેતરાઈને એક્યુટ મેનિયાનો ભોગ બનેલા દેવ(ધર્મેન્દ્ર)ને માની કાળજી અને પ્રિયતમાનો પ્રેમ આપીને સાજો કર્યો છે. સાજો થયેલો દેવ ખૂબ આભાર માનીને ઘેર ગયો છે અને એનાં લગ્ન થવાનાં છે.

દેવ સહિત બધા એમ સમજે છે કે રાધાએ જે કર્યું તે ટ્રીટમેન્ટનો એક ભાગ છે. પણ રાધા? એ તો સાચે જ દેવને ચાહી બેઠી છે. પણ એ એવું કોને કહે? કેવી રીતે કહે? એની ખામોશ વેદના માત્ર એની ડાયરીમાં વ્યક્ત થાય છે – અપની આગ મેં જલના હોગા, મુઝે અકેલે ચલના હોગા …

હવે બીજો એવો જ કેસ આવ્યો છે. ડૉક્ટર કહે છે કે એક કેસનું ઠીક થવું યોગાનુયોગ હોઈ શકે. માટે આપણે આ કેસ અને બીજા આવા કેસ પણ સાજા કરીશું, તો જ મારી થિયરી સાબિત કરવી છે. રાધા કારણ જણાવી શકતી નથી, પણ કેસ લેવાની ચોખ્ખી ના પાડે છે.

આ કેસ એટલે અરુણ (રાજેશ ખન્ના). કવિતા લખતો તેથી ઘરના નારાજ હતા. અરુણ ઘર, જમીનજાયદાદ બધું છોડી શહેરમાં આવ્યો. સુલેખા(સ્નેહલતા)ના પ્રેમમાં પડ્યો. પણ સુલેખા તરત એનાથી ધરાઈ ગઈ ને એને છોડી ગઈ. અરુણ એક્યુટ મેનિયાનો શિકાર બન્યો. હૉસ્પિટલમાં એ કોઈના કાબૂમાં નથી આવતો એ જોઈ રાધા કેસ લે છે. એના સંબંધીને મળી સુલેખાના પત્રો મેળવે છે. સુલેખાને પણ મળે છે. સુલેખાને અરુણની પરવા નથી, પણ અરુણે લખેલું ગીત ‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહેકતી ખુશબૂ’ એ ગાય છે કેમ કે એ પ્રોફેશનલી હીટ છે. ગુલઝારની આ સુંદર કવિતામાં બે વાર ખામોશી શબ્દ આવે છે, આ ખામોશી અવ્યક્ત પ્રેમની મધુર સ્થિતિ છે. એની સમાંતરે રાધાના અવ્યક્ત વિયોગની પીડા સચોટ રીતે દર્શાવાઈ છે.

રાધા સુલેખાને કહે છે, ‘કિસી કો ઝહર દેના ઔર કિસી કી ઝિંદગી મેં ઝહર ઘોલના એક હી બાત હૈ’ અને સુલેખા પર દબાણ લાવી એને અરુણ પાસે લઈ આવે છે કે અરુણ પોતાનો ગુસ્સો એના પર કાઢી લઈ હળવો થાય – પણ અરુણ સુલેખા પર હિંસક હુમલો કરે છે, ડૉક્ટરો એને શૉક આપવા લઈ જાય છે પણ રાધા એમ કરવા નથી દેતી. તે દિવસે એ ડૉક્ટરને કહે છે, ‘તમારો પ્રયોગ ફરી સફળ થશે, અરુણનો વિશ્વાસ મેં જીતી લીધો છે.’

હવે અરુણ ઝડપથી સારો થતો જાય છે, રાધા થાકતી જાય છે. અરુણ રાધાને ચાહવા લાગ્યો છે, રાધા પોતાનાથી, અરુણથી, પ્રેમથી ભાગતી જાય છે. દેવે આપેલો જખમ દૂઝવા લાગ્યો છે. વિફળ પ્રેમની તીવ્ર પીડા એને ઘેરી વળી છે – ‘અરુણનો કેસ કેમ નથી લેવો એ મારે ડૉક્ટરને કહેવું જોઈતું હતું. મૈં અપની હી ખામોશી મેં ઘુટકર મર ન જાઉં …’

… અને રાધા માનસિક સંતુલન ખોઈ બેસે છે. એનું બેફામ હાસ્ય અને કરુણ રુદન સાંભળીને ડૉક્ટર કહે છે, ‘હું એને નર્સ જ સમજતો રહ્યો, એનામાં રહેલી સ્ત્રીને જોઈ ન શક્યો.’ રાધા ડૉક્ટરના પગ પકડી ભાંગી પડે છે, ‘મૈંને કભી ઍક્ટિંગ નહીં કી. મૈં ઍક્ટિંગ નહીં કર સકતી …’ દેવ ગાતો એ ગીત તેના કાનમાં ગુંજવા લાગે છે, ‘તુમ્હારા ઈન્તઝાર હૈ’ ખામોશ ઈન્તઝાર જેવું અસ્તિત્વ લઈ રાધા ચાલવા લાગે છે, કોણ જાણે ક્યાં જવા. પાછળ અરુણ બૂમ પાડે છે, ‘રાધા, મૈં ઝિંદગીભર તુમ્હારા ઈન્તઝાર કરુંગા’ અને ફિલ્મ પૂરી થાય છે.

મેલોડ્રામાની પૂરી તક છતાં પૂરા સંયમથી વહીદા રાધાના પાત્રને તન્મયતાથી જીવી છે. આ ફિલ્મ દસ વર્ષ પહેલા અસિત સેને જ બનાવેલી બંગાળી ફિલ્મ ‘દીપ જ્વલે જાઈ’ પરથી બની હતી. એમાં નર્સનો રોલ સુચિત્રા સેને કર્યો હતો. એ વહીદા કરતાં ઘણી વધારે સુંદર લાગે છે, પણ અભિનયમાં વહીદા મેદાન મારે છે.

10 ઑક્ટોબરે મેન્ટલ હેલ્થ ડે ગયો. પોતાના કે અન્યના મનને આપણે કેટલું ઓછું સમજીએ છીએ! મનોવિજ્ઞાન કહે છે કે એક્યુટ મેનિયા બાયપોલાર ડિસઓર્ડરનો એક પ્રકાર છે. એમાં દર્દી અત્યંત આનંદ, અતિશય સ્ફૂર્તિ, તીવ્ર વેદના જેવા આત્યંતિક આવેગો વચ્ચે ફંગોળાય છે. અકારણ હસવું, રડવું, કોઈ કામ સરખી રીતે ન થવું, ઝઘડવું, ખૂબ બોલવું કે ચૂપ થઈ જવું, સૂઈ ન શકવું – વિચારો, વર્તન, ઊંઘ-ભૂખ કશું એના કાબૂમાં નથી રહેતું. એ કોઈને મારી નાખી શકે, પોતે આત્મહત્યા કરી શકે. યોગ્ય ઉપચાર ન થાય તો રોગ વધતો જાય, ઊથલો મારે.

વર્ષો પહેલા આવા ઉન્માદનું કારણ ભૂતપ્રેત મનાતું અને ભૂવા-ડાકલાથી એનો ઈલાજ થતો, પણ આનું ખરું કારણ મગજમાં થતું રાસાયણિક અસંતુલન, જીવન પર ઊંડી અસર કરનારી ઘટના કે માનસિક તાણ છે. દર્દીને સમજાવવાની કોશિશ નકામી જાય છે, કેમ કે એ કશું સમજવાની સ્થિતિમાં હોતો નથી. એનું સાંભળો, એનું ધ્યાન રાખો, એને પ્રેમ, માન, કાળજી આપો તો એ શાંત થાય છે. જાણકારોની સલાહ જરૂર લેવી જોઈએ.

‘ધ અનક્વાયેટ માઈન્ડ: અ મૅમ્વાર ઑફ મૂડ એન્ડ મેડનેસ’ નામના પુસ્તકમાં લેખિકા કે રેડફિલ્ડ જેમિસને પોતાના બાયપોલાર ડિસઓર્ડરનું વર્ણન કર્યું છે. કેવી રીતે એ તેના પર હાવી થતો ગયો, કેવી રીતે એના પારિવારિક, રોમેન્ટિક, વ્યાવસાયિક વિશ્વને ખતમ કરતો ગયો અને કેવી રીતે મહામહેનતે એ તેમાંથી બહાર નીકળી એ વાંચીને મનની અજાણ અને અજાયબ દુનિયાની ઝાંખી થાય. જેમિસન પોતે અમેરિકન ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને બાયપોલાર ડિસઓર્ડર રિસર્ચર છે. આ પુસ્તક 1995માં પ્રગટ થયેલું, બેસ્ટસેલર છે. તેના પરથી ફિલ્મ અને વીડિયોઝ બન્યાં છે.

વહીદા રહેમાન એટલે સમયાતીત, ગરિમાપૂર્ણ સૌંદર્ય અને ‘ખામોશી’ એટલે એ સૌંદર્યનો આગવો, ઊંડો આવિષ્કાર. નિદા ફાજલી લખે છે, ‘હમ લબોં સે કહ ન પાયેં ઉનસે હાલ-એ-દિલ કભી; ઔર વો સમજે નહીં યે ખામોશી ક્યા ચીજ હૈ …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 ઑક્ટોબર  2023

Loading

પહેરવેશ, પરિવર્તન, પ્રતિરોધ, પ્રતિબંધ અને પર્યાવરણ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 June 2024

ચંદુ મહેરિયા

‘દેશ તેવો વેશ’ અને ‘એક નૂર આદમી હજાર નૂર કપડાં’ જેવી કહેવતોથી બદન ઢાંકવા માટેનાં કપડાંની સફર ક્યાં પહોંચી છે તે જણાય છે. કપડાં, વસ્ત્ર, લૂંગડાં, ચીથરાં, પોશાક, પહેરવેશ,ગણવેશ જેવા શબ્દોથી ઓળખાતા શરીરની સલામતી, ઈજ્જત, વિનમ્રતા, સુંદરતા, આકર્ષણના ઉદ્દેશે પહેરાતાં કપડાં હવે તો તેના સ્વીકૃત સ્વરૂપમાં બદલાવ અર્થાત નિતનવી ફેશન સાથે સાંસ્કૃતિક પરંપરાથી ઘણા આગળ નીકળી ગયાં છે. સુખની પરિભાષામાં ખાધે-પીધેની સાથે જ લૂગડે-લત્તે સુખીનો પણ સમાવેશ થાય છે. તેના પરથી પણ તેની મહત્તા જણાય છે. હવે તો માત્ર ફેશનેબલ જ નહીં બ્રાન્ડેડ અને ફાસ્ટ ફેશનનો પણ જમાનો આવી ગયો છે.

સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાયેલા માનવીના પોશાકમાં સતત પરિવર્તન થતા રહ્યાં છે. પ્રાચીનકાળમાં માણસ શરીર ઢાંકવા ઝાડની છાલ કે જાનવરોનાં ચામડાનો ઉપયોગ કરતો હતો. પહેલા લંગોટ અને કાપડની શોધ પછી તે લાંબુ કપડું વીંટતો હતો. કાળક્રમે સાડી અને ધોતી વાપરતો થયો. સિલાઈની શોધે તેનાં કપડાંમાં પ્રાણ પૂર્યા અને જાતભાતના કપડાં પહેરતો થયો. સ્ત્રીઓના બ્લાઉઝની શોધ કદાચ બંગાળમાં પહેલીવાર થઈ હતી. મહિલા મુક્તિની દિશામાં રૂઢિવાદી પિતૃસત્તાત્મક સમાજમાં સાડીથી ગાઉન કે ડ્રેસ સુધીની મહિલાઓની વસ્ત્ર પરિધાન યાત્રા સાચે જ કઠિન હશે. ભારતની સઘળી વિવિધતા લોકોના પહેરવેશમાં જોવા મળે છે. શહેરોમાં પશ્ચિમી વેશભૂષાનું ચલણ છે. પરંતુ ગામડાઓમાં ખેડૂતો, કારીગરો અને શ્રમિકો તેમનાં કામને અનુરૂપ કપડાં પહેરે છે.

જેમ પરિવર્તન તેમ પ્રતિબંધ પણ પહેરવેશ સાથે જોડાયેલો છે. કપડાં ઓળખની સાથે માનવીના સામાજિક-આર્થિક દરજ્જાનું પણ પ્રતીક છે. બ્રિટિશકાળમાં કેટલાક ભારતીયો અંગ્રેજો જેવો પોશાક પહેરતા અને અન્ય ભારતીયોથી પોતાને વેંત ઊંચા માનતા. આપણા ધાર્મિક સ્થળોએ અમુક કપડાં પ્રતિબંધિત છે જ ને ? તેથી આ વરસના આરંભે ઇન્ડિયન નેવીની મેસમાં નેવી ઓફિસર્સ અને સોલ્જર્સને કુર્તા-પાયજામા પરિધાન કરવાની છૂટ મળી તે ગુલામીના અવશેષોમાંથી મુક્તિ અને ભારતીય પરંપરાના અમલની દિશાનુ કદમ છે. આજે ભારતીયોના રોજ બ રોજના પોશાકમાં ધોતી-સાડી અને કુર્તા-પાયજામાનું ચલણ વધ્યું છે તે ઔપનિવેશિક માનસિકતાથી દૂરી અને સાંસ્કૃતિક સ્વરાજનું દ્યોતક છે.

ગાંધીજીએ ગરીબ મહિલાની સ્થિતિ જોઈને શરીર પરનાં ઘણાં વસ્ત્રો છોડી જિંદગીભર પોતડી પહેરી હતી. એ તો ખરું પણ અંગ્રેજોએ ભારતના કાપડ ઉદ્યોગને તબાહ કરી તેમના દેશનું કાપડ આપણા માથે માર્યું ત્યારે ગાંધીજીએ તેના વિરોધમાં વિદેશી કાપડ અને વસ્ત્રોના બહિષ્કારનું એલાન આપ્યું હતું. દેશમાં ઠેરઠેર વિદેશી કાપડની હોળી થઈ હતી. ઘણીવાર મહિલાઓએ નગ્ન કે અર્ધનગ્ન થઈને વિરોધ કર્યો છે. નારીવાદનો આરંભ નારીઓનાં આંતરવસ્ત્રો સળગાવીને થયો હતો. એટલે કપડું પ્રતિબંધની જેમ પ્રતિરોધનું પણ સાધન છે. વિદેશી કાપડના બદલે દેશી કાપડ, હાથવણાટનું કાપડ અને ખાદી તેનો વિકલ્પ જ નહીં આઝાદી આંદોલનનું પણ પ્રતીક હતું. ગાંધી ટોપી આજે ભાગ્યે જ જોવા મળે છે, પણ તે સ્વતંત્રતા આંદોલનનું મજબૂત પ્રતીક હતું.

ચીન, રશિયા અને જાપાન જેવા દેશોના નેતાઓ પશ્ચિમી શૈલીના કપડાં પહેરે છે ત્યારે ભારતના રાજનેતાઓ ભારતીય પોશાક જ પહેરે છે. તેમાં પણ તેમની વિશિષ્ટતા જોવા મળે છે. પ્રથમ વડા પ્રધાન નહેરુનું નહેરુ જેકેટ તો હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અડધી બાંયનો મોદી કુર્તા જાણીતા છે. ઇંદિરા ગાંધીથી સોનિયા ગાંધી સુધીનાં મહિલા નેતાઓ ખાદીની સાડીને મહત્ત્વ આપે છે. ગાંધીની ટોપી વિલુપ્ત થઈ ગઈ છે તો પછી બાપુ પહેરતા હતા તે પોતડી તો તેમની હયાતીમાં જ ભાગ્યે જ કોઈ પહેરતા. જો કે મોદી કુર્તા અને મોદી લુક માટે ઓન લાઈન બિઝનેસ વેબસાઈટ્નું હોવું કે પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાના પહેરવેશ વિશે બ્લોગ હોવો તે દર્શાવે છે કે લોકો રાજનેતાઓનાં વસ્ત્ર પરિધાનને કેટલા અનુસરે છે.

ફેશનનો જે ટ્રેન્ડ ચાલે છે તે આશરે વીસ વરસે બદલાઈ જાય છે. વરસે ૮૦ ટકા કરતાં વધુ કપડાં ડમ્પ થઈ જાય છે. કપડાંનું અર્થકારણ પણ મહત્ત્વનું છે. ૮૦ ટકા કપડાં બનાવનાર ૧૮થી ૨૪ વરસની મહિલાઓ હોય છે. એટલે કપડામાં આવતું પરિવર્તન જનહિતમાં હોવું જોઈએ. વ્યક્તિની સામાજિક-આર્થિક ઓળખ કપડાં પરથી પરખાય છે એટલે પણ સૌને પોસાય અને જચે તેવા કપડાં જરૂરી છે. ઘણી વાર લોકો ફેશનનાં નામે એવાં કપડાં પહેરે છે જે મજાકનું સાધન બને છે. એટલે વ્યક્તિએ તેના કદ-કાઠીને શોભે તેવાં વસ્ત્રો પહેરવા ઘટે. શરીર અને ઉમ્મરને અનુરૂપ તથા શરીરને માફક આવે તેવાં કપડાં પહેરવાં જોઈએ. જીન્સ પહેરવું કે માત્ર સ્કીનટાઈટ જીન્સ પણ વિચારવું પડશે. જુવાન મહિલાઓનાં કપડાંની પણ આલોચના થાય છે. તે સંદર્ભે યુવતીઓએ ટૂંકાં કપડાં ન પહેરવાં કે પુરુષોએ રૂઢિવાદી માનસિકતા બદલવી તે સવાલ છે.

પહેરવેશનો પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે. એ મુદ્દે હવે જાગ્રતિ આવી રહી છે. જળવાયુ પરિવર્તન સામે લડવા અને પર્યાવરણના સંરક્ષણ માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) તથા સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નઈએ મળીને એક અભિયાન શરૂ કર્યું છે. સી.એસ.આઈ.આરે. તેના કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય તમામને દર સોમવારે ઈસ્ત્રી વગરનાં કપડાં પહેરવા અપીલ કરી છે. એક જોડ કપડાંને ઈસ્ત્રી કરવાથી ૨0૦ ગ્રામ કાર્બનનું ઉત્સર્જન થાય છે તેના કરતાં કરચલીવાળા, ઈસ્ત્રી વગરનાં કપડાં શું ખોટા? તે આ ઝુંબેશનો હેતુ છે. સી.એસ.આઈ.આર.ની ૩૭ લેબોરેટરીઝમાં ૩,૫૨૧ સાયન્ટિસ્ટ અને ૪,૧૬૨ ટેકનિકલ અને બીજો સ્ટાફ કામ કરે છે. જો બધું સમુસૂથરું પાર પડે તો માત્ર આ એક જ સંશોધન સંસ્થાના કર્મચારીઓના અઠવાડિયે એક વખત ઈસ્ત્રી વગરનાં કપડાંથી વરસે ૪,૭૯,૪૧૯ કિલોગ્રામ કાર્બનનું ઉત્સર્જન અટકાવી શકાશે. પર્યાવરણની દૃષ્ટિએ પણ પોશાકને જોવાની જરૂર છે.

આઈ.આઈ.એમ. તેના સ્નાતકોને દીક્ષાંત સમારોહમાં યુવકોને કુર્તા-પાયજામા અને યુવતીઓને સાડીનો ભારતીય પરંપરાનો પોશાક પહેરવા અનુરોધ કરે છે. હવે આઈ.આઈ.એમ.ના દીક્ષાંત સમારોહ લગભગ ભારતીય પોશાકમાં જ યોજાય છે. પરંતુ શાળાઓનો ગણવેશ હોય કે કંપનીઓનો ડ્રેસ કોડ તે દેશની આબોહવાને અનુરૂપ હોય તે વધુ જરૂરી છે.

e.mail :  maheriyachandu@gmail.com

Loading

એન.ડી.એ.ની જીતમાં હાર છે, જ્યારે ‘ઇન્ડિયા’ની હારમાં જીત છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 June 2024

રવીન્દ્ર પારેખ

નરેન્દ્ર મોદી 9મી જૂને ત્રીજી વાર વડા પ્રધાન પદનાં શપથ લે એમ બને. તેમને અભિનંદનો અને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રાર્થના કરીએ કે વડા પ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ નિર્વિઘ્ને સંપન્ન થાય. પ્રાર્થના એટલે, કારણ, હવે જે સરકાર બનવા જઈ રહી છે તે ભા.જ.પ.ની નથી, એન.ડી.એ.ની – ગઠબંધનની સરકાર છે. 1989 પછી પહેલીવાર ગઠબંધનની સરકાર બનશે ને વાજપેયીની ગઠબંધનની સરકારને જે વીતી હતી, તે જગત જાણે છે, એ જોતાં અગાઉ જેટલું હવે મોદી માટે સહેલું નહીં હોય. અગાઉની સરકાર પાસે ભા.જ.પ.નો જ પૂર્ણ બહુમત હતો. હવે ભા.જ.પ.ને સૌથી વધુ 240 સીટો મળી છે એ ખરું, પણ ભા.જ.પ.ની જ સરકાર બનાવવા માટે તેને 32 માથાં ખૂટે, એટલે સાથી પક્ષોના ટેકા વગર સરકાર બનાવવાનું શક્ય નથી. સાથી પક્ષોનો ટેકો લેવામાં આવે તો 272નો આંકડો પાર પડે એમ છે. એમાં આંધ્રના ચંદ્રાબાબુ નાયડુ (ટી.ડી.પી.) અને બિહારના નીતીશકુમાર (જે.ડી.યુ.) પાસે અનુક્રમે 16 અને 12 સીટો છે. એ જો સામેલ થાય તો 272નો આંકડો પાર કરવાનું સરળ થાય. વળી એ બંનેએ મોદીને સમર્થન આપ્યું છે, એ ઉપરાંત મોદીને એન.ડી.એ.ના નેતા પણ જાહેર કરવામાં આવ્યા છે.

‘ઇન્ડિયા’ની વાત કરીએ તો એકલી કાઁગ્રેસે 99 સીટ મેળવી છે ને કુલ સીટ 234 છે. બધા કાઁગ્રેસ સાથે છે એમ માનીએ તો પણ 272ને આંકડે પહોંચવામાં બીજા 38 માથાં ખૂટે. એટલે નાયડુ કે નીતીશકુમાર આ તરફ આવે તો પણ બીજાં 10 ખૂટે, એટલે ‘ઇન્ડિયા’એ સરકાર બનાવવાનો દાવો હાલ પૂરતો મોકૂફ રાખીને વિપક્ષમાં બેસવાનું નક્કી કર્યું છે. આ વખતનાં ચૂંટણી પરિણામોની ખાસિયત એ છે કે એમાં જીતનાર બહુ ખુશ નથી ને હારનાર વધારે ખુશ છે. જીતનાર એટલે નાખુશ છે કે એક જ પક્ષની સરકાર બનતાં બનતાં રહી ગઈ છે, પરિણામે એકચક્રી શાસનમાં દાયકા પછી ગાબડું પડ્યું છે. હારનાર એટલે ખુશ છે કે મોદી સરકારમાં અગાઉ મળી ન હતી એટલી સીટ કાઁગ્રેસને આ વખતે મળી છે. વિપક્ષ એટલે પણ રાજી છે કે કાઁગ્રેસના રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટી(સ.પા.)ના અખિલેશ યાદવની યુતિ ઉત્તર પ્રદેશને ફળી છે. બંનેને 80માંથી 41 સીટ મળી છે. એમાં ભા.જ.પ.ની 32 બેઠકો કપાઈ છે. ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ને પડેલો એ મોટો ફટકો છે, તે ત્યાં સુધી કે અયોધ્યાનો રામમંદિરનો આખો ઉપક્રમ જ નિષ્ફળ ગયો, તે એ રીતે કે ભા.જ.પે. અયોધ્યાની જ સીટ ગુમાવી. એ તો ઠીક, પણ અયોધ્યાની ફરતેનાં 100 કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ ભા.જ.પ.નો પત્તો ના લાગ્યો. અયોધ્યા તીર્થક્ષેત્ર તરીકે વિકસાવવાને બદલે ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવામાં નડતરરૂપ ઘણી દુકાનો, ઘણાં મકાનો પર બુલડોઝરો ફર્યાં અને કેટલાં ય લોકો રસ્તે આવી ગયાં. રામપથ બને તેનો તો શો વાંધો હોય, પણ એવું કરવાં જતાં લોકો રઝળી પડ્યાં. દેખીતું છે કે આ મામલે અયોધ્યાવાસીઓ રાજી ન હોય.

ભારતીય પ્રજા આમ બહુ ભણી નથી, પણ તે ગણી નથી, એમ ન કહેવાય. તેણે સાબિત કરી દીધું કે તે પરિણામોમાં બોલે છે. પ્રજાએ સભા-સરઘસો જોયાં. શાસકો અને વિપક્ષોની વાતો સાંભળી, રાહુલ ગાંધીની યાત્રાઓ જોઈ, મોદીના રોડ શો જોયા ને એવો ચુકાદો આપ્યો કે રાષ્ટ્રીય પક્ષો સુધી તો ઠીક, નાના પ્રાદેશિક પક્ષોને પણ સ્પર્શે. કોઈ નેતા તેની અસરથી મુક્ત નથી રહી શક્યો. વારાણસીમાં વડા પ્રધાન મોદી જીત્યા તો ખરા, પણ એમની લીડ ત્રણ લાખથી ઘટી ગઈ. ભા.જ.પ.ને સંઘની બાદબાકી પણ નડી. રાષ્ટ્રીય અધ્યક્ષે તો સંઘની હવે જરૂર નથી, તેવું પણ સંકોચ વગર કહી દીધું. આ તોર ભારે પડ્યો. એવું નથી કે મોદી સરકારે કૈં કર્યું નથી. સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી, રામમંદિર જેવા મુદ્દે મોદી સરકારને સફળતા પણ મળી, કોઈ વડા પ્રધાનના કાર્યકાળમાં 80 કરોડ જનતાને વર્ષો સુધી મફત અનાજની યોજના લાગુ નથી થઈ, પણ મોદીના કાળમાં એ શક્ય બન્યું. વિકાસ કામો થયાં. વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધારો થયો …

કામ તો થયાં, પણ મોંઘવારી, બેરોજગારીમાં પ્રભાવક કામ ન થયું. કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રની સરકારો તોડવાનું થયું. ચૂંટણી બોન્ડ સુપ્રીમે ગેરબંધારણીય ઠેરવ્યાં, તો સરકાર બચાવમાં પડી. બંધારણ બદલવાની વાતે લોકશાહી અંગે ચિંતાનું વાતાવરણ સર્જાયું, મુસ્લિમ, મંગલસૂત્ર ચર્ચામાં આવ્યાં. આ બધી બાબતોએ ભા.જ.પ.ની સરકારને ગઠબંધનની સરકારમાં ફેરવી.

સીધીને સટ વાત એ છે કે મોટે ભાગના રાજ્યોમાં 80થી 85 ટકા વસ્તી હિન્દુઓની છે. એમાંના ઘણાં તો ભક્તજનો છે. જો એમણે મત આપ્યો હોય તો ભા.જ.પ.ની હારની શક્યતા જ નહિવત છે. લાગે છે એવું કે લઘુમતીએ ‘ઇન્ડિયા’ને વધુ ટકાવારીમાં મત આપ્યા અને હિન્દુઓએ એક યા બીજા કારણે ઓછા મત આપ્યા, એ સાથે જ તેમના મત હિન્દુ કાઁગ્રેસી ઉમેદવારમાં વહેંચાયા હોય તો ભા.જ.પ.ને એટલા મત ઓછા પડે. આમ જ થયું છે, એવું નહીં, પણ આવું થયું પણ હોય. બીજી તરફ ભા.જ.પ.નો જીત અંગેનો વધુ પડતો આત્મવિશ્વાસ કામ કરી ગયો હોય ને સ્થાનિક પ્રચાર ટાંચો પડ્યો હોય એમ બને. એ પણ ખરું કે ભયંકર ગરમીને કારણે મતદારો આળસી ગયા હોય. બને તો હિન્દુ મતોની ટકાવારી તપાસવા જેવી છે. એ કદાચ નિરાશ કરી શકે. રાહુલ ગાંધીને અને અખિલેશ યાદવને ઓછા આંકવાનું પણ આ પરિણામ હોઈ શકે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીની રીતિનીતિ પણ અમુક વર્ગને માફક ન આવી હોય એમ બને.

બંગાળમાં ભા.જ.પ.ની 6 બેઠક ઘટી ને તૃણમૂલની સાત બેઠકો વધી. એનો અર્થ એ કે બંગાળમાં મમતા બેનરજીનો પ્રભાવ ઘટ્યો નથી. મહારાષ્ટ્રમાં શરદ અને ઉદ્ધવ અસલી અને અજિત તથા શિંદે નકલી છે, એવું પરિણામોએ પુરવાર કર્યું. 2019માં ભા.જ.પ.ને 23 બેઠકો મળી હતી, તે આ વખતે 10થી આગળ ન ગઈ. કાઁગ્રેસને 13 બેઠકો મળી. મહારાષ્ટ્રમાં જે તોડફોડ થઈ તેને પ્રજાનું સમર્થન હતું એવું પરિણામો કહેતાં નથી. ટૂંકમાં, ભા.જ.પ.ને સર્વગ્રાહી રીતે આત્મનિરીક્ષણની જરૂર છે. કોન્ફિડન્સ જરૂરી છે, પણ ઓવર કોન્ફિડન્સ ઘાતક છે. પક્ષો તોડવાની, સરકારો ઉથલાવવાની રાજનીતિ જરૂરી હોય કે અન્ય પક્ષના સભ્યોને પોતાનામાં ખેંચી લાવવામાં રાજનીતિ હોય તો પણ તે અમુક મર્યાદા સુધી જ સહ્ય છે. અન્ય પક્ષમાંથી ભા.જ.પ.માં આવનારાઓને ટિકિટો અપાઈ અને વર્ષોથી પક્ષમાં રહીને વફાદારી નિભાવતા કાર્યકરોને ભોગે એ થયું, તેણે પણ પક્ષમાં અસંતોષ જન્માવ્યો હોય એ શક્ય છે. એથી કાર્યકરોની કાર્યપદ્ધતિ પૂર્વવત રહે જ એવું બધા માટે માની ન શકાય. બને કે એ અસંતોષે પરિણામોને પ્રભાવિત કર્યાં હોય.

એ સાચું કે ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ને ખોટ ગઈ, પણ દક્ષિણમાં તેને લાભ પણ થયો. ઓડિસા વિધાનસભામાં 24 વર્ષોનું નવીન પટનાયકનું બી.જે.ડી.નું શાસન ખતમ થતાં એ રાજ્યનો દોર પણ ભા.જ.પ.ના હાથમાં આવ્યો છે. કેરળમાં ફિલ્મ કલાકાર સુરેશ ગોપીએ ભા.જ.પ.નું ખાતું ખોલાવ્યું છે. એન.સી.પી.ના શરદ પાવર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને કાઁગ્રેસના રાહુલ ગાંધીને નેતૃત્વની અસલી ઓળખ લોકસભાની આ ચૂંટણીમાં પરત મળી છે.

સૌથી મોટા પક્ષ તરીકે ઊભરવા છતાં ભા.જ.પે. અન્ય પક્ષોની સાથે રહીને કામ કરવું પડે એ લાચારી છે. દેખીતું છે કે સાથી પક્ષો પણ સહકાર આપવાની કિંમત વસૂલે. એક તબક્કે ટી.ડી.પી.ના ચંદ્રાબાબુને, વડા પ્રધાન મળવાનો સમય આપતા ન હતા, એમને સામેથી ફોન કરીને દિલ્હી આવવા આમંત્રણ આપવું પડે કે નીતીશકુમારને દિલ્હી આવવા તેડું મોકલવું પડે એવા દિવસો આવ્યા છે. વળી ટી.ડી.પી.ના ચંદ્રાબાબુએ અને જે.ડી.યુ.ના નીતીશકુમારે તો મહત્ત્વનાં મંત્રાલયોની ઉઘરાણી પણ શરૂ કરી દીધી છે. નીતીશકુમારને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તથા સ્પીકરનાં પદની અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે એની લાલસા છે, તો ચંદ્રાબાબુ પણ સ્પીકર પદ પર આંખો ઠેરવીને બેઠા છે. એમને સંતોષ આપવા જતાં ભા.જ.પ.ના સાંસદોના સંભવિત મંત્રીપદો કપાય એમ બનવાનું, એ સાથે જ સાથી પક્ષોને સંતોષ ન અપાય તો સરકાર જોખમમાં આવી પડે. ટૂંકમાં, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બને તો પણ, તેમને આગલી બે ટર્મ જેવી મોકળાશ મળવાનું મુશ્કેલ છે, તે એટલે કે રાજકારણનો બહોળો અનુભવ હોવા છતાં, ગઠબંધનની સરકાર ચલાવવાનો મોદીને અનુભવ નથી. બીજી તરફ ચંદ્રાબાબુ અને નીતીશકુમાર વાજપેયીની ગઠબંધન સરકારમાં એન.ડી.એ.નો હિસ્સો રહી ચૂક્યા છે. વાજપેયી સહયોગી પક્ષોના દબાણમાં એટલા હતા કે રામમંદિર, 370ની નાબૂદી અને કોમન સિવિલ કોડ અંગે આગળ વધી શક્યા ન હતા. હવે એન.ડી.એ.ની સરકાર થવા જઈ રહી છે, તો કોમન સિવિલ કોડમાં કેટલી સફળતા સરકારને મળશે તે પ્રશ્ન જ છે. સાથી પક્ષો વધુ હોય તો એકાદ પક્ષ ટેકો ખેંચી લે તો પણ, અન્ય પક્ષોનો ટેકો હોય તો સરકાર ટકી જાય, પણ પક્ષો વધુ હોય તો તેમની અપેક્ષાઓ પણ વધુ હોય ને બધાંને સાચવવાનું અઘરું બને, એટલે ગઠબંધનની સરકાર ટર્મ પૂરી કરે તો એને ચમત્કાર જ ગણવાનો થાય. બીજી ખાસ વાત એ કે આ વખતે વિપક્ષ વધુ મજબૂત સ્થિતિમાં સામે આવ્યો છે ને તેની સાથે ય પાનાં પાડવાના છે. એ ખરું કે લોકશાહી ને બંધારણ સામેનાં જોખમો ઘટ્યાં છે, પણ ગઠબંધનની સરકારને લોઢાનાં ચણા ચાવવાનું ન થાય એમ બને. અઘરું છે, પણ અશક્ય નથી. જોઈએ, શું થાય છે તે –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જૂન 2024

Loading

...102030...711712713714...720730740...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved