Opinion Magazine
Number of visits: 9665376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી અને રવીન્દ્રનાથ – એકમેકના ‘મહાત્મા’ અને ‘ગુરુદેવ’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 May 2024

2019માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાંગ્લાદેશ તરફથી ‘શાંતિનિકેતન અને બેલિયાઘાટામાં ગાંધીજી’ની થિમ પર આ ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો

કવિએ ભલે ભોમિયા વિના ભમવા ચાહ્યું હોય, આપણે સારુ તો કેમ જાણે ભોમિયા રૂપે જ એમણે ચચ્ચાર ‘ગુજરાત સ્તવનો’ રમતાં મૂક્યાં જ છે. એ સ્તવનોના ઉજાસમાં વાત કરતે કરતે આપણે ગયે અઠવાડિયે, બરાબર ગુજરાત દિવસે સ્તો, ગાંધીજી અને રવીન્દ્રનાથ – એકમેકના ‘મહાત્મા’ અને ‘ગુરુદેવ’ કને લાંગર્યા હતા.

પ્રકાશ ન. શાહ

આજે અલબત્ત ખબર નથી કે ગઈ કાલે 7 મે, રવીન્દ્ર જયંતી પર્વે ગુજરાતે એનું મન કેવું ને કેટલું, કઈ દિશામાં આપ્યું છે. હમણાં તો જો કે વખતોવખત લાગ્યા કરતું હોય છે કે ગુજરાતે એમને બંનેને પ્રસંગે યાદ કરવાનો ઉપચાર બાદ કરતાં એકંદરે અભરાઈ રાબેતો જાળવી રાખ્યો છે.

ગાંધીજી અને રવીન્દ્રનાથને મળવાનું તો જરી મોડેથી થયું છે. પણ દક્ષિણ આફ્રિકાના ભાંડુઓની ભાળ લેવા ગયેલા દીનબંધુ (ચાર્લ્સ એન્ડ્રુઝ) મારફતે બંનેના પરોક્ષ સંપર્કની શરૂઆત થઈ હતી. ગાંધી ને એન્ડ્રુઝ તો એટલા નજીક આવી ગયેલા કે એકબીજાને ‘મોહન’ ને ‘ચાર્લી’ તરીકે સહજ સંબોધતા. 

આ પરોક્ષ સંપર્ક અલબત્ત આગળ વધવાને નિરમાયેલો હતો કેમ કે કાયમ માટે ભારત આવવાનું નક્કી કર્યા પછી પોતે આવે તે આગમચ ગાંધીજીએ આશ્રમસાથીઓના એક જથ્થાને શાંતિનિકેતન મોકલી આપ્યો હતો.

શાંતિનિકેતનના પ્રબંધનમાં ત્યારે દ.બા. કાલેલકર કાર્યરત હતા. વતન પરત થઈ ગાંધીજી સાથીઓને મળવા શાંતિનિકેતન ગયા ત્યાં એમનો ને કાલેલકરનોયે પરિચય થયો. (રવીન્દ્રનાથ પાછળથી જરી પ્રણયકલહ પેઠે ગાંધીજીને ફરિયાદ પણ કરતા કે તમે અમારા દત્તુબાબુને લઈ ગયા તે લઈ જ ગયા … પાછા આપવાનું નામ જ નથી લેતા!)

કાલેલકરના મિત્ર કૃપાલાની ત્યારે મુઝફ્ફર કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક હતા. કાલેલકરે કૃપાલાનીને લખ્યું કે આફ્રિકાખ્યાત ગાંધી અહીં છે. તું મળવા આવ. આમ તો બેઉ ફર્ગ્યુસોનિયન, હિમાલયના રસિયા સહયાત્રી અને વળી ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે ય કંઈક સંકળાયેલા. પણ હવે એક હિમાલય સદૃશ પ્રતિભાના સંપર્કે નવો અધ્યાય નિરમાયેલો હતો.

કૃપાલાની ને ગાંધીની એ પહેલી મુલાકાત! ‘તેઓ અવારનવાર મારા તરફ ટીકીને જોતા હતા.’ કૃપાલાની લખે છે, ‘તે પરથી મેં ધાર્યું કે તેઓ મારું માપ કાઢે છે.’ વળી સટાક ઉમેરે છે, ‘હું પોતે પણ એ જ કરતો હતો.’

એ આરંભિક મુલાકાતોમાં ગાંધીજીના રાજકીય વિચારોની તો કૃપાલાની પર ખાસ અસર નહીં થઈ હોય, પણ ‘હું જોઈ શક્યો કે તેઓ ગરીબો પ્રત્યે કેવળ સહાનુભૂતિ જ નહોતા ધરાવતા, પણ ગરીબોની જેમ જીવવા પ્રયત્ન કરતા હતા. ગરીબો પ્રત્યેનો તેમનો પ્રેમ નહોતો બૌદ્ધિક કે નહોતો વેવલો કે નહોતો ભાવનાપ્રધાન. તેઓ ગરીબોને મુરબ્બીની પેઠે મદદ નહોતા કરતા, તેઓ તેમની સાથે તાદાત્મ્ય અનુભવવા મથતા હતા.’

ગમે તેમ પણ તે પછી બે’ક વરસે ચંપારણની જાતતપાસ માટે જતાં ગાંધીજી મુઝફ્ફરપુરમાં કૃપાલાનીના મહેમાન થયા. ગાંધીજીએ એમને પૂછ્યું કે ચંપારણના પ્રશ્ન વિશે તમે શું જાણો છો. કૃપાલાનીએ જણાવ્યું કે ખેડૂતો સાથે ક્રૂરતાથી વર્તાવ થઈ રહ્યો છે. તે સિવાય મને ખાસ ખબર નથી.

આટલું સંભાર્યા બાદ કૃપાલાનીએ જે ટિપ્પણ કર્યું છે તે અર્થગર્ભ છે : ‘તે જમાનામાં આપણું રાષ્ટ્રાભિમાન એવું હતું કે પાસેના ગામડામાં શું બની રહ્યું છે એની પણ આપણને ખબર નહોતી! આપણે શિક્ષિતો એક અલગ વર્ગ તરીકે રહેતા હતા. આપણી દુનિયા શહેરો અને કસબાઓ તથા આપણા શિક્ષિતો પૂરતી મર્યાદિત હતી. આમજનતા સાથે આપણો સંપર્ક જ નહોતો.’

રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજચિંતનનું આ અભિનવ અર્થઘટન જોયું તમે? ગરીબો સાથે મુરબ્બીવટ નહીં પણ તાદાત્મ્યની સાધના – અને દેશ એટલે કોઈ અમૂર્ત કલ્પના નહીં પણ આમજનતા, એનાં સુખ-દુ:ખ, એની સાથે સંધાન.

1922માં અમદાવાદમાં બ્રુમફિલ્ડની કોર્ટમાં (સરકિટ હાઉસમાં) ગાંધીજી પર કેસ ચાલ્યો છે અને સજા થઈ છે. (અદાલતમાં તસવીર તો ક્યાંથી ખેંચાય, પણ ર.મ.રા.નો ‘લંડન ટાઈમ્સ’માં પ્રકાશિત સ્કેચ એક મોંઘેરું સંભારણું છે.) જુબાનીમાં ગાંધીએ પોતાનો વ્યવસાય ખેડૂત અને વણકરનો કહ્યો છે.

સુદૂર બંગાળમાં અનુશીલન સમિતિના એક ક્રાંતિકારી મિત્ર નોંધે છે કે હું રહું છું ત્યાં નીચેના ભાગમાં એક ગરીબ મુસલમાન વણકર રહે છે. એને ગાંધીની ચળવળ વિશે તો શું ખબર હોય, પણ ‘મારો જાતભાઈ’ પકડાયો છે એ ખયાલે એની આંખોમાં આંસુ આવી ગયાં! ક્રાંતિકારી તે અમે અનુશીલનવાળા … કે આ ગાંધી?

એ જ વરસના ડિસેમ્બરમાં રવીન્દ્રનાથ અમદાવાદ આવ્યા છે ને ગાંધીસૂના આશ્રમમાં ‘એમની ગેરહાજરીથી તમને સૌને કેવું વસમું લાગતું હશે એ હું સમજું છું’ એ ઉદ્દગારો સાથે પોતે ગાંધીજીને મહાત્મા કેમ કહે છે એનીયે હૃદયવાર્તા માંડી છે : ‘મને ખાતરી છે કે મહાત્માજીનો આત્મા તમારી વચ્ચે સક્રિય છે એવું તમે અનુભવી રહ્યા હશો. ‘મહાત્મા’ એટલે મહાઆત્મા, મુક્ત આત્મા … એનું જીવન ‘સ્વ’માં સીમિત નથી … એની જીવનચર્યા સમગ્ર વિશ્વ માટે, સમસ્ત મનુષ્યજાતિ માટે છે, નહિ કે સીમિત જગત અને સંકુચિત જીવન માટે.’

મેનું પહેલું અઠવાડિયું વટાવતે વટાવતે ગુજરાત જોગ જે ઇતિહાસબોલ સાંભર્યા, મહાત્મા ને ગુરુદેવ વાટે, તે અહીં ઉતારતા ઊંબરે ઊભી વાલમબોલ સાંભળતો હોઉં એમ લાગે છે. પણ ગાંધી-રવીન્દ્રે એકવીસમી સદીને કે બેસતી નવી સહસ્ત્રાબ્દીને જે ઇતિહાસ-ખો આપી છે એની સામે ગુજરાત બલકે ભારત ક્યાં છે? ચોથી જૂને એનો એક જાડો જવાબ જડે તો જડે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 08 મે 2024

Loading

લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ

સરયૂ પરીખ|Opinion - Opinion|7 May 2024

સરયૂ પરીખ

મારા પ્યારા ભાવનગરમાં, મારાં માતા-પિતાની શિક્ષકની નોકરીની આવકમાં, અમારા નાના કુટુંબની જરૂરિયાતો સચવાઈ જતી. અમારું પોતાનું ઘર હતું, બગીચામાં દસેક આંબા અને ગુલાબ હતા. કેવળ ગુલાબના છોડની સંભાળ રાખવાની મારી જવાબદારી હતી. મારી પાસે આંગળીને ટેરવે ગણી શકું એટલા પોશાક હતા. કબાટમાં, કાચનાં બારણા પાછળ, સંકેલીને એક ખાનામાં ગોઠવાઈને મારાં કપડાં મૂકાયેલા રહેતાં. અમારા મધ્યમ વર્ગના પરિવારમાં જીવન જરૂરિયાત કરતાં વધારે એશો આરામનો અનુભવ નહોતો, તેથી અદ્યતન સગવડતાઓની કમી છે, એવી સમજ નહોતી પડતી.

મને દસ વર્ષની ઉંમરે ટાઇફૉઇડ થયો અને ત્યાર પછી કોઈ અજાણ કારણથી હું જરા જાડી થઈ ગઈ હતી. મને ચિડવવા ‘ડબલ ટાઈફોડ’ નામ પણ આપેલું. પાછા ઉપરથી સલાહ આપનાર કહેતાં, “તું ચિંતા કરે તો પાતળી થઈ જાય.” તો હું ભોળા ભાવે પૂછતી, “મને કહો, ચિંતા કેમ થાય?”

ઘરની લગભગ બધી ખરીદી મારા બાપુજી કરતા, પણ મારાં કપડાં ખરીદવા મારે બાની સાથે જવાનું થતું. શનિવારે બાને સવારની અરધા દિવસની શાળા ચાલુ હોય, તેથી બપોરે જવાનું શક્ય બનતું. ખરીદી કરવા જવાના દિવસે ઉત્સાહને કાબૂમાં રાખવાનું આ કિશોરી માટે અઘરુ હતું. બપોરનું જમવાનું પૂરું થતા બા જલદી આરામ કરી લે તે વાસ્તે શેત્રંજી અને ઓશીકું ગોઠવીને તૈયાર કરીને મૂકી દેતી. પછી ચા પણ બનાવી આપું. પણ, સૌથી મોટો ભય અતિથિ આવીને ઊભા રહેશે એનો રહેતો. અને એવું બને ત્યારે મારા અણગમાનો ભાવ વાંચી ન લે … તેથી હું રસોડામાં જઈ ચા બનાવવા લાગી જતી. પછી જલદી ચા પતી જાય, એ પ્રાર્થના કરતી કરતી ઘરના બારણા પાસે ઊભી રહેતી. આ નાની લાગતી વાતોનું એ સમયે કેટલું મોટું સ્વરૂપ હતું!

એ શનિવારે અમે નવી કાપડની દુકાને ગયેલાં. ડ્રેસ બનાવવા માટે કપડું પસંદ કરવાનું હતું. “બહેનને પેલા ઉપરના તાકામાંથી બતાવો.” માણસે એકાદ બે ખોલ્યા, પણ મારી નજર એક નાજુક લાલ ફૂલોવાળા સફેદ મુલાયમ જ્યોર્જેટ તરફ આકર્ષાઈ. એ ખોલતાં જ મારો ચહેરો ખીલી ઊઠ્યો. મેં બાને કહ્યું, “આ તો લેવું જ છે.” ત્રણ વાર કાપવા માટે માપતા છેલ્લે જરા કાણા દેખાયા. બાને લાગ્યું કે સારું કાપડ નથી, એમ સમજીને કહ્યું, “ના, આ રહેવા દો.” અગ્યાર વર્ષની હું આંખમાં આંસુ છૂપાવવા એક બાજુ જઈ ઊભી રહી. બાએ મારી લાગણી ન દુભાય તેથી સંમતિ આપી કાપડ લઈ આપ્યું. ખૂબ હોંશથી ડ્રેસ તૈયાર થઈ ગયો અને ‘સાચવીને ખાસ પ્રસંગે પહેરવાનો’ એવી સલાહ સાથે મારા કબાટના ખાનામાં ગોઠવાયો. એ લાલ ફૂલવાળા સફેદ ડ્રેસને ખોલવો, ને ફરી સંકેલવો, મુલાયમ કાપડ પર નાજુક હાથ ફેરવવો, એ ગમતી પ્રવૃત્તિઓ હતી.

એક દિવસ મારી તબિયત ખરાબ લાગતાં મારા ડોક્ટરમામાને દવાખાને બા લઈ ગયાં. એ સમયે બહુ કોમળતા બતાવવાની રીત નહોતી. “ન્યૂમોનિઆ લાગે છે” એવા નિદાન સાથે દવા લઈ, ચાલતા ઘરે આવી પથારીમાં સૂતી. બા નોકરી પર ગયાં. આખી બપોર શ્વાસ લેતા ખૂબ દર્દ થયું ત્યારે, ન્યૂમોનિઆ એક ગંભીર બીમારી છે, એ બધાના ધ્યાનમાં આવ્યું. અમારે ત્યાં ફોન નહોતો. એ એક જ દિવસ અમે બાને શાળામાં ફોન પાડોશીના ઘેરથી કરાવ્યો હતો. પછીના પાંચેક દિવસ કેમ ગયા એની મને સભાનતા નહોતી. જ્યારે આંખ ખોલી જોતી ત્યારે બા-બાપુજીના ચિંતિત ચહેરા અને ભાઈ રૂમની અંદર બહાર આવ-જા કરતો દેખાતો. બાને વધારે ચિંતાનુ કારણ એ પણ હતું કે થોડા મહિનાઓ પહેલા જ, બે દિવસના તાવમાં, મારી પાંચ વર્ષની બહેન અમે ગુમાવી હતી. એ આઘાત ઘેરો ઘૂંટાતો હતો.

પાંચમે દિવસે મારી તબિયત જરા સારી લાગતા મને તાજગી લાગે માટે સ્પંન્જ બાથની તૈયારી કરી રહ્યાં હતાં. મારી નજર કબાટમાં ગોઠવાયેલા રાતાં ફૂલોવાળા ડ્રેસ પર અટકી રહી હતી. મારા બા પણ મારી નજરને અનુસરી એક સ્મિત સાથે એ ડ્રેસ જોઈ રહ્યાં. પછી મને એ ડ્રેસ પહેરાવ્યો. તાજગી ભરી હું મારા ગમતા ડ્રેસમાં ખુશ હતી અને મારો ભાઈ આવીને મજાક કરતાં, દિવસો પછી, હું ખડખડાટ હસી પડી. મને સ્વસ્થતા આવતા મારી નજર મારા હાથ પર પડતાં ખ્યાલ આવ્યો કે મારો અંગૂઠો પાતળો દેખાતો હતો. મને ધ્યાનમાં આવ્યું કે મારું વજન ઘણું ઊતરી ગયું હતું. વાહ! મારું સપનું સાકાર થયું.

મારા આરામ કરવાના દિવસો દરમ્યાન ઘણાં મિત્રો આવતા રહેતાં. એમાં એક દિવસ મારી બહેનપણી હંસા પણ સંકોચ સાથે આવી. હંસાને મારા માટે બહુ લાગણી હતી, પણ હું એની કિંમત નહોતી કરતી અને નજીવા બહાનાથી થોડા સમયથી બોલતી નહોતી. મારા બા કહેતાં કે, સ્નેહની કદર ન કરીએ તો સ્નેહ મળતો બંધ થઈ જાય. મારા અબોલા છતાં ય હંસા મારી ખબર કાઢવા આવી તેથી મારું દિલ આભારવશ થઈ ગયું. એ માંદગીના સમયે મને એવી ઘણી અણજાણ, અંતર્હિત લાગણીઓની કદર સમજાઈ.

એ દિવસે મારી તબિયત સારી હોવાથી મેં મારા ગુલાબના છોડને મળવાનું વિચાર્યું. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે એક મજાનું લાલ ગુલાબ હસી રહ્યું હતું. બધાને બતાવવા એને જતનથી ઘરમાં લઈ આવી. સામે જ બા બેઠક પર બેસીને એમની કવિતાની નોટમાં લખી રહ્યાં હતાં. “બા! લો આ તમારા માટે ભેટ.” બાના મુખ પર એ ગુલાબ જેવું જ હાસ્ય ફરક્યું. બીજા દિવસ પછી ગુલાબ દેખાયું નહીં તેથી એ વિષે હું ભૂલી ગઈ. પછી આ ઉત્સાહભરી સુકુમારી અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગઈ. વર્ષો સાથે લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ, નાનો પડી ગયો હતો તો પણ, હંમેશાં સૌથી વધારે મનગમતો બની રહ્યો.

લગ્ન પછી પરદેશ વાસને લીધે બા અને જન્મભૂમિની મુલાકાતો વચ્ચે કાળક્રમે અંતરાય વધતો રહ્યો. ૧૯૯૩માં, બાને છેલ્લી વિદાય આપવા વડોદરામાં ભાઈને ઘરે ભેગા થયેલા. તેમના અવસાન બાદ ભારે હૈયે ભાવનગરના ઘરમાં પ્રવેશ કરતાં ઋજુ લાગણીઓ સ્પર્શી ગઈ. બાના કબાટને ખોલી એમની ગમતી ચીજો સાથે મનથી વાતો કરી રહી હતી. એમાં કપડાં પર પડેલી એમની કવિતાની નોટ બુકને મેં સહજ ઉત્સુકતાથી ઉઠાવી અને મૃદુ આંગળીઓથી ખોલી. એમાં જતનપૂર્વક ગોઠવેલું લાલ ગુલાબ! હવે મને ખ્યાલ આવ્યો કે મેં આપ્યું હતું એના બીજા દિવસ પછી એ ક્યાં સંતાયેલું હતું! એ જ પુસ્તકની નીચે મારો લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ! એના પર હાથ ફેરવી એની મુલાયમતા અનુભવી રહી હતી. અચરજ  એ થાય છે કે કાળની નદી વહે જાય છે, પણ એ કિશોરી તો અહીં જ ઊભી છે!

એવામાં, વર્ષો સુધી બાનું કામ કરનાર, સંતોકબહેન, એમની પૌત્રી મેના સાથે ઓરડામાં દાખલ થયાં. ડ્રેસને જોઈને એ બોલ્યાં કે, “બાને જ્યારે તમારી બહુ યાદ આવતી ત્યારે આ ડ્રેસને હાથમાં લેતા જોયેલાં.” મેં રેશમી યાદોના પુંજને હાથમાં લઈ, દિલની નજીક થોડી ક્ષણો પકડી રાખ્યો, અને પછી મેનાને પ્રેમથી આપી દીધો. મેના એની દાદી સાથે ચહેકતી બહાર દોડી ગઈ.

હું બાના લાલ ગુલાબવાળા પુસ્તકને લઈ બચપણની યાદમાં લપેટાઈન બેઠી…

માના આંગણની સુવાસ

વહેલી પરોઢ, કોઈ જાણીતી મ્હેક, મારી યાદની પરાગને જગાડતી;
વર્ષોની પાર, ઝૂમી ઓચિંતી આજ, અહો! માના આંગણની સુવાસથી.

પાંપણ પરસાળમાં શોધે ચાર પાંદડી, ધોળા રે ફૂલ પીળી દાંડલી,
આઘા અતિતમાં અવરી એક છોકરી, કે જોઉં મને વેણી પરોવતી!

ઉષાની ઓઢણીની આછેરી હલચલથી, પર્ણોના થાપ થથરાટથી,
જાગી હું આજ જાણે ઝીણાં ઝંકારથી, ભીંજી પળભરમાં પમરાટથી!

પહેલા સુગંધ પછી પમરાતી પાંખડી, મહેકાવે યાદને સુવાસથી,
ફૂલની પથારી પર નાજૂક હથેળીઓ, સ્પર્શે સરયૂને કુમાશથી!

                                                        ———

e.mail : saryuparikh@yahoo.com Austin, Texas.
 www.saryu.wordpress.com

Loading

ભારતમાં લોકોને સરમુખત્યારશાહીનું આકર્ષણ કેમ છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 May 2024

રાજ ગોસ્વામી

સામાન્ય લોકો, જે નિયમિત રીતે ચૂંટણીમાં વોટ આપવા જાય છે, તે રાજકારણથી ઉબાઈ ગયા છે? વિશ્વમાં જે રીતે લોકલુભાવનવાદ(પોપ્યુલિઝમ)નો ફેલાવો થઇ રહ્યો છે અને લોકશાહીમાંથી વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે તે જોતાં એવું લાગે છે કે જનતાને રાજકીય સિદ્ધાંતો, મૂલ્યો, નૈતિકતા કે નિષ્પક્ષતા નિરર્થક લાગે છે કારણ કે એમાં નેતાઓનું તો ભલું થાય છે પણ જનતા ઠેરની ઠેર રહે છે.

દુનિયાના અનેક દેશોની જનતામાં એવી લાગણી ઘર કરી ગઈ કે લોકશાહી વધારે પડતી ઉદાર છે અને ઉદારતાવાદી શાસકો સાધારણ માણસો અને તેમની ભાવનાથી તદ્દન કપાઈ ગયેલા છે. બીજા અર્થમાં કહીએ તો લોકોમાં એવી માન્યતા મજબૂત બની કે ‘લોકો માટેની’ લોકશાહી અમુક લોકો માટે સીમિત રહી ગઈ છે.

લોકવાદનો પ્રવેશ અહીંથી થાય છે. લોકવાદ લોકશાહીનું જ શિર્ષાસન છે. લોકશાહીમાં, લોકોની લાગણીઓએ મૂલ્યો અને સિદ્ધાંતોની પરિપાટી પર ખરી ઉતરવું પડે, તો તેના પર અમલ થાય. લોકવાદમાં, જે મૂલ્યો અને સિદ્ધાંતો લોકોની લાગણીઓ પર ખરા ઉતરે, તેનો જ અમલ થાય.

દાખલા તરીકે, લોકશાહીમાં એક અપરાધીના માનવીય અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે, પરંતુ લોકવાદમાં લોકો એવું માનતા હોય છે કે અપરાધનો ભોગ બનેલી વ્યક્તિના પણ માનવીય અધિકારો હોય છે એટલે અપરાધીને કાનૂની સહાય આપવાને બદલે તેને ગોળી મારી દેવી જોઈએ.

લોકોને કેમ લોકશાહીમાંથી વિશ્વાસ ઊઠી રહ્યો છે? કારણ કે લોકોમાં એવી માન્યતા ઘર કરતી જાય છે કે લોકશાહીમાં કશું કામ થતું નથી, નેતાઓ દુષ્ટ અને ભ્રષ્ટ છે, મુઠ્ઠીભર લોકોનાં ઘર ભરતાં રહે છે, કાનૂન નિષ્પક્ષ નથી, જેની લાકડી તેની ભેંસ જેવો નિયમ છે, ગરીબ લોકો વધુને વધુ ગરીબ થાય છે, ધનવાન લોકો વધુને વધુ ધનવાન થાય છે, બુનિયાદી સુવિધાઓ લોકો સુધી પહોંચતી નથી, સરકારી તંત્રને જનતાની કોઈ પડી નથી.

કદાચ એટલા માટે જ, ભારતના 85 ટકા લોકો દેશમાં મિલિટરી શાસન અથવા સરમુખત્યારશાહીની તરફેણ કરતા હોય તો એમાં આશ્ચર્ય ન થવું જોઈએ. વૈશ્વિક સ્તરે સામાજિક અને રાજકીય વલણોનો સર્વે કરતી અમેરિકા સ્થિત સંસ્થા ‘પ્યુ રિસર્ચ સેન્ટર’નો, વર્ષ 2023નો 24 દેશોનો એક સર્વે કહે છે કે આ બધા દેશોના લોકોને તેમના દેશનું તંત્ર જે રીતે ચાલે છે તેની સામે અનેક ફરિયાદો છે, પરંતુ તેમાં ભારતમાં જ સૌથી વધુ (85 ટકા) લોકોએ કહ્યું હતું કે કડક હાથે કામ લીધા વગર સુધારો નથી થવાનો.

આ સર્વેનું તારણ એ હતું કે પૂરી દુનિયામાં લોકો જનપ્રતિનિધિ લોકતંત્રને સૌથી શ્રેષ્ઠ શાસન વ્યવસ્થા ગણે છે, પરંતુ તે જે રીતે અસલમાં કામ કરે છે તેનાથી લોકો નિરાશ છે. આ સર્વે તો 24 દેશોમાં થયો હતો, પણ આપણે ભારતને લગતાં ચોંકાવનારાં અમુક તારણો જોઈએ. જેમ કે –

– લોકતાંત્રિક વ્યવસ્થા સૌથી ઉત્તમ છે તેવું માનતા ભારતીયોમાં 8 ટકાનો ઘટાડો થયો છે

– 67 ટકા ભારતીયોએ કહ્યું કે સરમુખત્યારશાહી હોવી જોઈએ

– 29 ટકા લોકોએ કહ્યું કે મિલિટરી શાસન ‘કંઇક અંશે’ સારું હશે

– 43 ટકા લોકોએ કહ્યું કે મિલિટરી શાસન ‘ઘણું સારું’ હશે

– 54 ટકા ભારતીયોએ કહ્યું કે જનપ્રતિનિધિઓ જનતાની ચિંતા નથી કરતા

સરમુખત્યાર શાસનનું એક દેખીતું નુકશાન એ છે કે તેમાં જનતાના હાથમાં સત્તા રહેતી નથી કારણ કે સરમુખત્યાર વોટ માંગવા નથી આવવાનો. તો પછી સવાલ એ ઊભો થાય કે લોકશાહીમાં સારા નેતાને ચૂંટવાની અને ખરાબ નેતાને ઘરે બેસાડવાની પોતાની સત્તાને જતી કરવા માટે લોકો કેમ તૈયાર થતા હશે?

તેનું કારણ તાર્કિક નહીં, મનોવૈજ્ઞાનિક છે. લોકતંત્રની અંદર, તીવ્ર ધ્રુવીકરણમાં વહેંચાઇ ગયેલા મતદારો તેમનાં હિતોના રક્ષણની વાત કરે તેવા નેતાને ચૂંટવા માટે થઈને લોકતાંત્રિક પ્રતિસ્પર્ધાને નેવે મુકવા તૈયાર થઇ જાય છે. બીજી રીતે કહીએ તો, લોકતંત્રની ખામીઓ જ સરમુખત્યાર નેતાઓને અવસર પૂરો પાડે છે કે તેઓ વધુને વધુ ધ્રુવીકરણ પેદા કરે જેથી લોકો પાસે તેમને ચૂંટવા સિવાય બીજો વિકલ્પ ન રહે, પછી ભલે એમાં લોકતંત્રનો બલિ ચઢતો હોય.

સરમુખત્યારશાહીમાં ઉપરથી નીચેનો અભિગમ હોય છે. સૈન્યની જેમ, ટોચનો નેતા આદેશ જારી કરે છે અને અધિકારીઓ મગજ ચલાવ્યા વગર તેનું પાલન કરવાનું હોય છે. એ નેતા કામ કરવા અને કરાવવા માટે કડક નિયમો, નીતિઓ અને પ્રક્રિયાઓ પર આધાર રાખે છે. તે કોઈને પૂછીને કે સલાહ મંત્રણા કરવાને બદલે સ્વતંત્ર રીતે નિર્ણયો લે છે.

સામાન્ય લોકોને આવા ‘રિઝલ્ટ ઓરિયંટેડ’ નેતાઓ ગમતા હોય તે સમજી શકાય છે કારણ કે જનતા માત્ર પોતાની જરૂરિયાતના દૃષ્ટિકોણથી વિચારતી હોય છે, અને તેને એવો પણ ભરોસો હોય છે કે તેની જરૂરિયાતો કાયમ માટે નેતાની પ્રાથમિકતા બની રહેશે. ઇતિહાસમાં ઊંધું પુરવાર થયું છે – જનતાની સેવા કરવા માટે એકહથ્થુ સત્તાને હાથમાં લેનારા નેતાઓ અંતત: પોતાનાં હિતોની રક્ષા કરતા થઇ જાય છે.  

અનેક ઉદાહરણો સાબિત કરે છે કે સરમુખત્યારોની સત્તા સકારાત્મક (જનતા લક્ષી) કામોમાં નથી વપરાતી. તે બીજા કોઈને કશું કામ નહીં કરવા દેવામાં વપરાય છે. એ અર્થમાં કડક માણસ વાસ્તવમાં કમજોર હોય છે; તે બીજા લોકોને કમજોર બનાવીને જ ટકી રહેતો હોય છે. 

લોકશાહીના ઘણા દોષ હશે, પરંતુ કમ-સે-કમ નેતાઓની ગરદન પર એટલી ઘૂંસરી તો રહે છે કે તેમને દર પાંચ વર્ષે જનતા પાસે વોટની ‘ભીખ’ માંગવા માટે આવવું પડે છે. લોકશાહી તેને ‘તમારો’ નેતા બનાવે છે. સરમુખત્યાર ‘તમારો’ બનીને નથી રહેતો. 

વિન્સ્ટન ચર્ચિલ દ્વિતીય મહાયુદ્ધમાં બ્રિટનના પ્રધાન મંત્રી હતા. યુદ્ધની શરૂઆતથી જ બ્રિટનનો સામનો નાઝી જર્મનીથી હતો. ચર્ચિલ ઉત્તમ નેતા ઉપરાંત એક સૈનિક અને યુદ્ધ રિપોર્ટર પણ હતા. ચર્ચિલના નેતૃત્વમાં બ્રિટન જર્મની સામે અડીખમ ઊભું રહ્યું એટલું જ નહીં, બ્રિટને કુનેહપૂર્વક અમેરિકા અને સોવિયેત સંઘ સાથે મોરચો બાંધ્યો હતો. યુદ્ધમાં જર્મનીનો પરાજય થયો પછી ચર્ચિલ બ્રિટનમાં હિરો બની ગયા હતા. 

1945માં, યુદ્ધ સમાપ્ત થયું તેના બે મહિનામાં ચર્ચિલે ચૂંટણી જાહેર કરી. તેમની કન્ઝર્વેટિવ પાર્ટીએ યુદ્ધમાં વિજયના નામે વોટ માંગ્યા, પણ જનતાએ, ચર્ચિલથી ઓછા લોકપ્રિય, લેબર પાર્ટીના ક્લેમેન્ટ એટલીને સત્તામાં ચૂંટ્યા. કેમ? બ્રિટિશ જનતાએ એવું નક્કી કર્યું હતું કે યુદ્ધ વિજેતા તરીકે ચર્ચિલ ગમે તેટલા મહાન હોય, શાંતિકાળ માટે તે અયોગ્ય છે, અને ઘરેલું સમસ્યાઓ માટે એટલી અને તેમની લેબર પાર્ટી વધુ ઉત્તમ છે. 

ચર્ચિલને આનું બહુ દુઃખ થયું હતું, પણ તેમને એમાં બોધપાઠ મળ્યો, અને થોડાં જ વર્ષોમાં ચૂંટણી જીતીને પાછા સત્તામાં આવ્યા.

સાર : જનનાયકોનો આપણે આદર કરવો જોઈએ, ભક્તિ નહીં. આદરમાં તેમને તેમની જવાબદારીનું ભાન રહે છે. ભક્તિમાં તેઓ પોતાને આલોચનાની પાર ગણે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેલ”; 05 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...708709710711...720730740...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved