Opinion Magazine
Number of visits: 9457360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માસ્તરો છે, મજૂરો નથી !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 January 2024

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ, ગુજરાતનાં શિક્ષણ મંત્રીઓની, વાઇસરોય જેવી માનસિકતા બદલાતી નથી. આમ તો તેઓ વિનંતીઓ જ કરતા હોય છે, પણ તેનું ‘ગુજરાતી’ હુકમથી થોડુંક જ છેટું રહી જતું હોય છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અધ્યાપક રહી ચૂક્યા છે, પણ સૌથી વધુ અનુદાર તેઓ કદાચ શિક્ષકો પરત્વે છે. રાજ્યમાં 32,000 કાયમી શિક્ષકોની ઘટ તો શિક્ષણ વિભાગ જ બતાવે છે, પણ તે ઘટ પૂરવાને બદલે, મંત્રીઓ, છે તે શિક્ષકોને બીજી જવાબદારીઓમાં જોતરીને, વર્ગશિક્ષણથી દૂર કેમ રાખી શકાય તેની જ વેતરણમાં રહેતા હોય છે. શનિવારના જ સમાચાર છે કે રાજ્યના શિક્ષકો હવે પ્રાકૃતિક ખેતીની પ્રચાર-પ્રસારની કામગીરીઓમાં જોતરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ડિંડોરે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માસ્તરોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે ને એ કામ અંગે તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે વિચાર વિમર્શ પણ કર્યો છે. એ બેઠકમાં વિવિધ શિક્ષક સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. આ હોદ્દેદારોને શિક્ષકોના ઉપયોગ સામે કોઈ વાંધો હોય એવું જણાયું નથી, એટલે તેઓ આ યોજનામાં સંમત હશે એવું માની શકાય. બને કે આમાં ‘સંઘ’ જ સંડોવાયો/સંડોવાયા હોય.

આવો જ બીજો ઉપક્રમ થોડા જ દિવસો પર અન્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ યોજ્યો છે. બન્યું એવું કે 2024ની શરૂઆતના પહેલા જ દિવસે દ્વારકાના રાણ ગામની અઢી વર્ષની દીકરી 100 ફૂટ ઊંડા બોરવેલમાં અકસ્માત ઊતરી જતાં, પ્રયત્ન છતાં બચાવી ન શકાઈ. એ વાતે વ્યથિત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને ‘ગુરુજન’ કહીને એવો જાહેર વિનંતિપત્ર લખ્યો કે રાજ્યના અઢાર હજાર ગામડાંની ખુલ્લી જગ્યામાં આવેલા બિન ઉપયોગી બોર ખોળી કાઢી એને બંધ કરવાનું કામ ગુરુજનો ઉપાડી લે. આમ તો આ વિનંતી છે, પણ ‘ઉપાડી લ્યો’માં હુકમની ગંધ આવે છે. એ વાત જવા દઈએ ને આ વિનંતી જ હોય તો પણ, એ શિક્ષકોને કરવાની ન હોય, કારણ એ કામ શિક્ષકોનું નથી. બીજી વાત એ કે બોરવેલમાં પડી જવાની અનેક ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં, તેનો કાયમી ઉકેલ શોધવાને બદલે, શિક્ષકોમાં એનો ઉકેલ શોધવાનું, કોઈની ગરિમા જાળવનારું પણ નથી. ‘ગુરુજનો’ કહીને વિનંતી કરવાથી કોઈનું અપમાન ન થાય એવું નથી. અંગ્રેજો અપમાનિત કરવા વધુ વિવેકી થતા. કોઈ અતિવિવેકી થઈને કોઈ મંત્રીને, બોરવેલ શોધવાનું ને પૂરવાનું કહે ને એ જેમ, એવું કહેનારને ન શોભે એમ જ શિક્ષણ મંત્રી વિવેકી થઈને શિક્ષકો પાસેથી મજૂરોનું કામ લેવાની વાત કરે એ પણ અશોભનીય છે.

શિક્ષકોનું કાર્ય વર્ગશિક્ષણનું છે. કાયમી શિક્ષકોની ઘટને લીધે વર્ગશિક્ષણ (અ)ખાડે ગયું છે. કેટલી ય શાળાઓ એકાદ શિક્ષકથી જ ચાલે છે, એ સંજોગોમાં હજારો લાયકાત ધરાવતા શિક્ષકો નોકરીની રાહમાં બેઠા હોય ત્યારે, એવા શિક્ષકોને નિમણૂક આપીને વર્ગશિક્ષણ સુધારવાને બદલે શિક્ષણ વિભાગ શિક્ષકોને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જોતરે એ શિક્ષણના હિતમાં કઈ રીતે છે તે સમજાતું નથી કે પછી ઈતર પ્રવૃત્તિ એ જ શિક્ષણ – એવી કોઈ વ્યાખ્યા નવી શિક્ષણ નીતિએ આપી છે? એવું હોય તો તેનો ખુલાસો શિક્ષણ વિભાગે કરવો જોઈએ.

શિક્ષકોની ઘટ વચ્ચે, વર્ગશિક્ષણ જોખમાતું રાખીને, શિક્ષકોને વધારાની 14 કામગીરીઓની વર્ષોથી ફરજ પડાય છે. શિક્ષકોને એટલા હાથવગા રાખવામાં આવે છે કે ચૂંટણી, વસ્તી ગણતરી, રસીકરણ જેવામાં ગમે ત્યારે ધકેલી શકાય. વચમાં તો મહામારી રોકવા કે તીડ ઉડાડવાં કે વસ્તી નિયંત્રણ અંગેનાં કામોમાં પણ શિક્ષકોને મોકલાતા હતા, પરિણામે વર્ગશિક્ષણ ખોરવાતું રહેતું હતું. આવામાં શિક્ષણ જ સરખું અપાતું ન હોય, ત્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણની તો વાત જ શું કરવાની? એટલું છે કે શિક્ષકો શિક્ષણેતર કાર્યો કમને કરે છે કે ક્યારેક વિરોધ પણ કરે છે, પણ તેમનું કૈં ઉપજતું નથી. ઉપજતું એટલે નથી, કારણ કે તેમનાં યુનિયનના જ કેટલાક હોદ્દેદારો, ઉપરી અધિકારીઓની રહેમ નજરનો લાભ ખાટવા ઉપયોગ શિક્ષકોનો કરે છે. ટૂંકમાં, શિક્ષકોએ સરકારથી તો ખરું જ, યુનિયનથી પણ ડરવાનું આવે છે. તેઓ એવી ગ્રંથિથી પીડાય છે કે શિક્ષકથી ભણાવાય કે ન ભણાવાય તો પણ, ચૂંટણી, વસ્તી ગણતરી જેવાં કામો તો કરવાનાં જ છે ને ડરના માર્યા તેઓ તે કરે પણ છે.

આમ તો છેક 2003માં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ શિક્ષણેતર કામો શિક્ષકો પાસેથી ન લેવાનો પરિપત્ર કરેલો છે, તે પછી એવો જ પરિપત્ર 2005માં શિક્ષણ વિભાગે પણ કરેલો છે. એ ઉપરાંત 2007થી સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપેલો છે કે વસતિ ગણતરી, ચૂંટણી કે રાષ્ટ્રીય આપત્તિ વખતે શિક્ષકોને ત્યારે જ કામે લગાડવા કે અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હોય. રાઇટ ટુ એજ્યુકેશનમાં પણ 2011માં એવી જોગવાઈ હતી કે બિનશૈક્ષણિક કામગીરીમાં શિક્ષકોનો ઉપયોગ ન કરવો કે 2014માં સરકારનાં શિક્ષણ વિભાગે પણ બિનશૈક્ષણિક કામગીરીમાં શિક્ષકોનો ઉપયોગ ન કરવા અંગે પરિપત્ર કરેલો છે, પણ, હજારો શિક્ષિત બેકારોનો આવાં કામો માટે ઉપયોગ કરવાનો વિકલ્પ હાથવગો હોવા છતાં સરકારને આવાં કામો માટે કેવળ શિક્ષક જ દેખાય છે. વર્ગશિક્ષણની કોઈ ચિંતા શિક્ષણ વિભાગે ભાગ્યે જ કરી છે ને કેટલાક શિક્ષકો પણ એવી ચિંતામાં બહુ પડતાં નથી, પણ જેમને બાળકોનું હિત હૈયે વસે છે તેઓ શિક્ષણેતર કામગીરીથી કચવાય છે ને આનો વિરોધ પણ કરે છે, પણ તેમનું ઉપજતું નથી.

ગયા જૂનમાં જ મોરબી જિલ્લાના શિક્ષકોએ રાજ્ય કારોબારીમાં 24 જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમાં આચાર્યોની ઓનલાઈન કામગીરી ઓછી કરવા અંગેની રજૂઆત સિવાય શિક્ષણેતર કામગીરી અંગે બીજી રજૂઆતો થઈ ન હતી. આવું જ થાય છે. શિક્ષકોને અસર કરતી બાબતો અંગે રજૂઆત કરવામાં તેમના સંઘ મોળા પડે છે ને શિક્ષકોને માથે, નોકરીની ચિંતા જ લટકતી રહે છે.

વધારામાં ત્રીજી જાન્યુઆરીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સૂરતમાં એવી ફરિયાદો ઊઠી છે કે મુખ્ય શિક્ષકો પિરિયડ લેવા વર્ગમાં જતાં નથી કે દૈનિક નોંધપોથી પણ લખતા નથી, એટલે શિક્ષણનું ભારણ અન્ય શિક્ષકો પર વધે છે ને એ સ્થિતિમાં તેમણે એક કે એકથી વધુ વર્ગો સંભાળવાનું આવે છે. એની સીધી અસર બાળકોનાં શિક્ષણ પર પડે છે. આમાં ચિત્ર એવું ઊભું થાય છે કે આચાર્યોને જાણે વર્ગશિક્ષણ અનુકૂળ આવતું નથી ને તેમને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જ રસ છે. એ પણ છે કે કેટલાક આચાર્યો ત્રણ પિરિયડ લે છે, એટલે ત્યાં શિક્ષકો પરનું ભારણ ઓછું રહે છે. જો કે, આ બાબતે સમિતિ કે શાસન એઝ યુઝવલ પૂરેપૂરા બેપરવા છે, પરિણામે શિક્ષકો અને આચાર્યો વચ્ચે ચડભડ ચાલ્યા કરે છે. એમ પણ લાગે છે કે શિક્ષકો અને આચાર્યો વચ્ચેનો પૂર્વગ્રહ પણ ક્યાંક ભાગ ભજવતો હોય. આચાર્યો મનમાની કરતાં હોય ને શિક્ષકોને ફરિયાદનું કારણ મળે એ શક્ય છે, બીજી તરફ આચાર્યોની વહીવટી જવાબદારીઓ જ એટલી હોય કે તે પરિપત્રોનો જવાબ આપવામાંથી કે ડેટા ભરવામાંથી જ ઊંચા ન આવતા હોય. પરીક્ષાનું, ઇન્સ્પેક્શનનું, પગાર પત્રક બનાવવાનું, વાલીઓના પ્રશ્નોનાં નિરાકરણનું કામ એટલું પહોંચતુ હોય કે ઈચ્છા છતાં આચાર્યોથી વર્ગમાં જવાતું ન હોય. એ સ્થિતિમાં આચાર્યનો વાંક કાઢવાનું યોગ્ય નથી. એ પણ સાચું કે આવા સંજોગોમાં શિક્ષકોનું વર્ગ સંભાળવાનું કામ પણ વધતું હોય. આવું હોય ત્યાં વધારાનો શિક્ષક સમિતિએ ફાળવવો જોઈએ, એવી જોગવાઈ પણ છે, પણ ખાટલે મોટી ખોડ એ કે કાયમી શિક્ષકોની ઘટ પૂરવાની જ સરકારની દાનત ન હોય, ત્યાં વધારાના શિક્ષકની તો અપેક્ષા જ શું રાખવાની?

આવી સ્થિતિમાં શિક્ષકો ને આચાર્યો કામ જ જેમ તેમ કરતાં હોય, ત્યાં શિક્ષણ મંત્રીઓ પ્રાકૃતિક ખેતીમાં કે બોરવેલ પૂરવામાં શિક્ષકોને જોતરવાની વાત જરા ય સંકોચ વગર કરતા હોય તો એમના વિવેક પર ભરોસો ક્યાંથી બેસે? સાચું તો એ છે કે એ વિવેક જ નથી, બલકે, શણગારાયેલો અવિવેક જ છે. વાસ્તવિક પરિસ્થિતિનો શિક્ષણ વિભાગને શરૂથી જ ખ્યાલ નથી. ખ્યાલ હોય તો કોઈ લવારે ચડે જ શું કામ? એમાં કોઈ શંકા નથી કે આખો શિક્ષણ વિભાગ તુક્કાઓમાં, દીવાસ્વપ્નોમાં ને શોષણમાં રાચે છે. એ દુ:ખદ છે કે ગુજરાતમાં શિક્ષણ અને શોષણ એકબીજાનાં પર્યાય થઈને રહી ગયાં છે ને એનો ભોગ નિર્દોષ બાળકો થઈ રહ્યાં છે. આવામાં ફરિયાદ પણ કોને કરવી, જ્યાં વાડ જ ચીભડાં ગળતી હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જાન્યુઆરી 2024

Loading

જો નવું અપનાવવું હોય તો ગળથૂથીમાં મળેલું છોડવું પડે, જે ઘડીકમાં છૂટતું નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|7 January 2024

કેટલાંક ગુણલક્ષણો કુદરત પાસેથી મળે છે અને કેટલાક સમાજ પાસેથી. પણ એક વિકલ્પ એ છે જે કુદરત કે સમાજ પાસેથી જે નથી મળતું, પણ આપણા માટે હિતકારી છે એ સ્વપ્રયત્ને અપનાવવું અને છોડવું

રમેશ ઓઝા

કેટલાંક સ્વભાવ લક્ષણો આપણે લઇને જન્મીએ છીએ. જેમ કે ભય, ક્રોધ, લોભ, મોહ, પ્રેમ, મૈથુન વગેરે. વતાઓછા પ્રમાણમાં દરેક મનુષ્યમાં આ લક્ષણો હોય છે. કેટલાંક લક્ષણો આપણો જન્મ જે સ્થળે, જે સમયે (જ્યોતિષની પરિભાષામાં નહીં) જે પરિવારમાં અને જે સમાજમાં થયો હોય ત્યાંથી જન્મતાની સાથે ધીરે ધીરે મળવા લાગે છે. ગુજરાતી ભાષામાં આને ગળથૂથીમાં મળેલાં લક્ષણો કહીએ છીએ. હિન્દુના ઘરમાં જન્મેલું બાળક હિન્દુ બને અને મુસલમાનનાં ઘરમાં જન્મેલું બાળક મુસલમાન બને. આ જે બનવાની પ્રક્રિયા છે એ સંસ્કાર છે અને તે ચોક્ક્સ સામાજિક પરિવેશમાંથી એની મેળે આપોઆપ વગર પ્રયાસે મળવા લાગે છે. આપણે કેટલી બધી ચીજો માટે ગર્વ અનુભવીએ છીએ? હિન્દુ હોવા માટે, મુસલમાન હોવા માટે, જૈન હોવા માટે, બ્રાહ્મણ હોવા માટે, ચોક્કસ પ્રકારનાં બ્રાહ્મણ હોવા માટે, પટેલ હોવા માટે, લેઉઆ પટેલ હોવા માટે, ગુજરાતી હોવા માટે, ભારતીય હોવા માટે, પુરુષ હોવા માટે વગેરે વગેરે. આમાં ચોક્કસ પરિવેશમાં થયેલો જન્મ નિર્ણાયક હોય છે, આપણો એમાં કોઈ પુરુષાર્થ હોતો નથી. બ્રાહ્મણ માતાની કોખે જન્મેલો જીવ બ્રાહ્મણ હોવા માટે ગર્વ અનુભવશે પણ જો તે દલિત માતાની કોખે જનમ્યો હોત તો તે બ્રાહ્મણોની નિંદા કરતો હોત. ટૂંકમાં ચોક્કસ પરિવેશજન્ય સંસ્કારોનો લેપ એની મેળે ચડવા લાગે છે અને આપણે તેને આપણા જીવનનો અવિભાજ્ય હિસ્સો માનવા લાગીએ છીએ. તેને માટે પ્રાણ લેતાં અને પ્રાણ આપતાં પણ કેટલાક લોકો સંકોચ કરતા નથી. પણ યાદ રહે, આમાં તમારો કોઈ પુરુષાર્થ નથી, એ એક અકસ્માત છે.

હવે તમે જો ધર્મોનો અભ્યાસ કર્યો હશે તો એમાં જોવાં મળ્યું હશે કે ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ જન્મ સાથે સ્વભાવમાં મળેલાં લક્ષણોની વાત કરશે પણ કૌટુંબિક સામાજિક પરિવેશમાંથી મળેલાં લક્ષણોની વાત લગભગ નહીં કરે. તેઓ લોભ, મોહ, ક્રોધ, વિષયાક્તિ છોડવાની વાત કરશે અને તે સાથે પ્રેમ કરવાની વાત કરશે, અહિંસાની વાત કરશે, કરુણાની વાત કરશે, સત્યની વાત કરશે. ઊલટું કેટલાંક હિંદુ ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ તો કહે છે કે આ ધરતી પર શ્રેષ્ઠ ભૂમિ ભારતવર્ષ છે, એમાં શ્રેષ્ઠ હિન્દુ છે, હિંદુઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ પુરુષ છે. જેણે આગલા જન્મમાં પૂણ્ય સંચિત કર્યું હોય તેને જ માત્ર ભારતમાં હિન્દુ બ્રાહ્મણ પુરુષ તરીકે જન્મ મળે છે. પ્રમાણ માટે અહીં હું આદિ શંકરાચાર્યનાં પ્રસિદ્ધ ‘વિવેકચૂડામણી’નો બીજો શ્લોક ટાંકું છું : 

जंतूना नरजन्म दुर्लभमत: पुंस्त्वं ततो विप्रता

तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्तमस्मात्परम् ।

आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थिति:

मुक्तिर्नो शतजन्मकोटिसुकृतै: पुण्यैयविना लब्धते ।। 

(જીવોમાં નરજન્મ (નર, નારી નહીં) દુર્લભ છે અને એમાં વળી બ્રાહ્મણ નર અને એ પણ વૈદિક ધર્મ પાળનારો નર હોય અને તે જો શાસ્ત્રાભ્યાસ કરીને આત્મા અનાત્મા વચ્ચે વિવેક કરી શકતો હોય અને બ્રહ્મમાં લીન રહેતો હોય તો તો પૂછવું જ શું! આવું ભાગ્ય शतजन्मकोटि સો કરોડ જન્મોમાં સારાં કૃત્યો મળે તેને જ મળે) 

શંકરાચાર્ય કહે છે કે આત્મા અનાત્મા વચ્ચે વિવેક કરી જાણનારો અને બ્રહ્મમાં લીન રહેનારો પાછો વૈદિકધર્મી બ્રાહ્મણ નર તો હોવો જ જોઈએ. બ્રહ્મલીન વૈદિકધર્મી, બ્રાહ્મણ અને પુરુષ એમ ત્રણ લાયકાત ધરાવતો હોવો જોઈએ. આ વિસંગતી છે અને આવી વિસંગતતા દરેક ધર્મમાં જોવા મળશે. ધર્મ, ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ માનવીએ રચેલાં સંસ્કારજગતને માન્યતા આપે છે.

તો વાતનો સાર એ કે ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ ઈશ્વરે આપેલાં સ્વભાવલક્ષણોને વધારવા ઘટાડવાની વાત કરે છે પણ સામાજિક પરિવેશમાંથી એટલે કે ગળથૂથીમાં મળેલાં લક્ષણોનો પુરસ્કાર કરે છે.  સ્ત્રી પુરુષની સેવા કરે એ તેનો ધર્મ છે, અછૂત સવર્ણોની સેવા કરે એ તેનો ધર્મ છે, બ્રાહ્મણને ભૂદેવ તરીકે પૂજ્ય ગણવા એ ગૈર બ્રાહ્મણોનો ધર્મ છે અને સ્વર્ગ ચોક્ક્સ ધર્મનો સ્વીકાર કરવાથી જ મળે એ વિધર્મીઓ સ્વીકારે એ તેમનો ધર્મ છે અને એમાં જ તેનું કલ્યાણ છે. કોઈ પણ ધર્મના ગ્રંથો અને ધર્મગુરુઓના વચનો જોઇ જાવ, દરેક જગ્યાએ એક કે બીજા સ્વરૂપમાં આ વાત જોવા મળશે.

આમ કેટલાંક ગુણલક્ષણો કુદરત પાસેથી મળે છે અને કેટલાક સમાજ પાસેથી. પણ એક ત્રીજો વિકલ્પ પણ છે અને એ છે જે કુદરત કે સમાજ પાસેથી જે નથી મળતું, પણ આપણા માટે હિતકારી છે એ વિવેક કરીને સ્વપ્રયત્ને અપનાવવું અને છોડવું. જો કુદરત કે પરિવેશ એ બંનેમાંથી કોઈ જગ્યાએથી ન મળતું હોય તો તેને વિકસાવવું. જેમ કે દરેક પ્રકારની સમાનતા, ન્યાય, એક માણસે બીજા માણસને આપવો જોઇતો માનવીય આદર, પોતાનો નિર્ણય પોતે લેવાનો અને પોતે ઇચ્છે એ મુજબ જિંદગી જીવવાનો અંગત માનવીય અધિકાર, ભિન્ન વિચાર સાંભળવા જેટલી સહિષ્ણુતા, દાદાગીરીની જ્ગ્યાએ સંવાદ, કોઇ પણ સમાજવિશેષ અને તેની માન્યતાઓથી નિરપેક્ષ માત્ર નાગરિકને કેન્દ્રમાં રાખતું હોય એવું માનવકેન્દ્રી તેમ જ માનવલક્ષી જવાબદાર રાજ્યતંત્ર વગેરે ગુણો નથી માણસ લઈને જન્મતો કે નથી તે જન્મ સાથે ગળથૂથીમાં મળતાં. આ મૂલ્યો અપનાવવાં પડે છે અને એ પણ સમજીવિચારીને પ્રયાસપૂર્વક.

હવે બને છે એવું કે પુરુષ ભગવાને બનાવ્યો અને પુરુષ શ્રેષ્ઠ છે અને સ્ત્રીએ પુરુષનો હુકમ પાળવો જોઈએ એ સમાજે શીખવાડ્યું, પણ માનવતાવાદીઓ કહે છે કે સ્ત્રી અને પુરુષ સમાન છે. તેઓ પુરુષને શ્રેષ્ઠ હોવાની પુરુષગ્રંથિ છોડવાની અને સ્ત્રીઓને ખુદ્દારી સાથે જીવવાની સલાહ આપે છે. આવી જ સલાહ તેઓ બ્રાહ્મણોને અને દલિતોને આપશે. તેઓ પુરુષપ્રધાન સમાજની જગ્યાઓ માનવીય સમાજ રચવાની વાત કરે છે.

પણ આમાં કેટલાકનો ગરાસ લૂંટાય છે અને એટલે તેઓ અસ્મિતાનો આશારો લઈને અસ્મિતાઓનું રાજકારણ કરે છે. અસ્મિતાઓનો આશારો લેનારાઓ માનવીય ગૌરવને નકારતા હોય છે.

આ સાવ નવી વાત છે જે નથી કુદરત પાસેથી મળતી કે નથી ગળથૂથીમાં મળતી પણ વ્યાપક માનવીય હિત માટે માનવીએ વિવેક કરીને વિચારીને વિકસાવી છે. છેલ્લાં પાંચસો છસો વરસ દરમ્યાન માણસે આ મૂલ્યો વિકસાવ્યાં છે જેને આધુનિક માનવીય મૂલ્યો તરીકે ઓળખાવવામાં આવે છે.

અહીં આપણી સામે સમસ્યા પેદા થાય છે. જો નવું અપનાવવું હોય તો ગળથૂથીમાં મળેલું છોડવું પડે અને જે છોડવાનું છે એ આપણી અંદર ઊંડે સુધી ધરબાયેલું છે. ડીપ કાસ્ટીંગ થયેલું છે. ઘડીકમાં છૂટતું નથી. વિશ્વમાં આધુનિક માનવમૂલ્યો વિકસ્યાં ત્યારથી માણસ જાત સાથે ઝઘડી રહ્યો છે. કેટલાક લોકો ધરાર છોડવા માગતા નથી. કેટલાક લોકો આધુનિકતાનો પ્રતિકાર કરે છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 07 જાન્યુઆરી 2024

Loading

ખરેખર અનોખા પાત્રોનાં શબ્દચિત્રો

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|7 January 2024

પુસ્તક પરિચય 

દેશ-વિદેશના ગુજરાતી વાચકોમાં જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા ‘અનોખાં જીવનચિત્રો’ પુસ્તકમાં ધૂળમાં પડેલા રતન સમા કેટલાક મનેખને ઉપસાવે છે.

એટલે જિંદગીના એક મકામ પર કામગીરી-કસબ-કામિયાબીને કારણે પોંખાયેલા, પછી ગુમનામ થઈ ગયેલા અને લેખક સાથેની મુલાકાતના સમયે વિપદાગ્રસ્ત વિષણ્ણ વયવૃદ્ધનું જીવન વીતાવતાં ઉપેક્ષિતો અહીં છે.

દયાનંદ દેવગાંધર્વે 1960માં આકાશવાણીની અખિલ ભારતીય શાસ્ત્રીય સંગીત હરીફાઈમાં રાષ્ટ્રપતિ સન્માન મેળવ્યું છે. પગે પદ્મ લઈને સંગીતકળાને લગતાં અનેક મોભાદાર કામ કરતાં દેશ આખામાં ભમ્યા.

ઉદેપુરમાં 1942માં જન્મેલા દયાનંદને લેખક જૂનાગઢમાં મળે છે ત્યારે તેઓ દયાદાન પર જીવતાં ચરસ-ગાંજાના બંધાણી હોય છે, ‘જાગા શરાબખાનેમેં’ એ તેમની પોતાની પંક્તિ તેમને ખુદને હરહંમેશ લાગુ પડે છે.

લૅન્ડસ્કેપ અને પોર્ટ્રેટમાં રંગોની લીલા બતાવનાર જમનાદાસ પુરોહિતે દામોદરકુંડે ગોરપદાનો બાપીકો ધંધો ધરાર ન કર્યો. મુંબઈની જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાં પ્રવેશ મેળવ્યો, નાગપુરમાં નાટકના પડદા ચીતરવાનું કામ કર્યું, કલકત્તાનું કલાજગત ગજાવ્યું, જૂનાગઢના નવાબના ચિત્રકાર બન્યા.

કલામાં ઊંચાઈ અને જિંદગીમાં ઉમદાઇના કિસ્સા તેમને ખાતે જમા બોલતા હતા. આખરે જૂનાગઢની હવેલીમાં વીસ રૂપિયા પગારે રસોઇઆની નોકરી કરે છે.

છોંતેર વર્ષે આંતરડાના કૅન્સરનો ભોગ બનનારા આ ચિતારા મરણપથારીએથી એક ચબરખીમાં માંડ લખે છે : ‘આવતા ભવે રોમમાં જનમ લેવો છે’.

‘નામશેષ થઈ ગયેલી બહુરૂપી કલાના મહર્ષિ’ સમા નાનુભાઈ પર રાજસ્થાનના પ્રતાપગઢ સ્ટેટે 1943માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તેમના અચંબાભર્યા અનેક રૂપોથી ‘છેતરાયેલા’ રાજા તેમની પર રાજી હતા.

આઝાદ ભારતમાં પછી પોલીસને વેશપલટાની તાલીમ માટે ચન્દ્રકો મેળવેલાં. પણ સમય જતાં સિનેમા નાટકના ધોધમાંથી આ બહુરૂપીનું મોતી ફેંકાઈ ગયું.

છોંતેર વર્ષના નાનુભાઈ વતન વલસાડ જિલ્લાના વતન અમલસાડમાં એક મંદિરના પૂજારી તરીકે પચીસ રૂપિયે મહિના પગારની નોકરી કરે છે અને કલાકાર-પેન્શન માટે સરકારી કચેરીએ ધક્કા ખાય છે.

ભાવનગરના હાસ્યકલાકાર શ્યામસુંદર પુરોહિતને કાલેલકર, જ્યોતિન્દ્ર, પેટલીકરે વખાણેલા, દેશવિદેશમાં કાર્યક્રમો કરીને કમાયેલા. પાસા અવળા પડતા રહ્યા ને પૈસા ગુમાવતા રહ્યા.

દીકરા અને દીકરીના ભાંગેલાં ઘર સંભાળતા રહ્યા. સિત્તેરમા વર્ષે ય ભાડાના જીર્ણ ઘરમાં રહેતા અને કલાકાર તરીકે મળતા છસ્સો રૂપિયાના પેન્શન પર રોડવતા.

‘જનમદુખિયા’ લાભશંકર દવેએ બાળપણથી ખૂબ કષ્ટ વેઠ્યા બાદ મુંબઈના લાયબંબા ખાતામાં નોકરી દરમિયાન માઝગાવ ડૉકમાં એપ્રિલ 1944માં લાગેલી સદીની સહુથી ભીષણ આગમાં બચાવકાર્ય કર્યું હતું.

રાજકોટ ફાયરબ્રિગેડના સુપરિન્ટેડન્ટ લાભશંકરે 1955માં મોરબીમાં લાગેલી એક ભીષણ આગમાં ઓગણીસ કલાકની જહેમતથી પચાસ જીવ બચાવ્યા હતા. તે બદલ તેમને રાષ્ટ્રપતિ ચન્દ્રક એનાયત થયો હતો.

પણ પછી મોરબી હોનારત, ઘરમાં ચોરી અને થાપામાં ઇજાની લાંબી મોંઘી સારવારે તેમને કફલ્લક બનાવી દીધા. મિડવાઇફની નોકરી કરતાં પત્ની નિવૃત્ત થયાં. તેમને શબ્દશ: છાલિયું લઈને મંદિરે ઊભાં રહેવાનો અને નિરાધારોના કેન્દ્રમાં રહેવાનો વારો આવ્યો.

ભૂલાઈ ગયેલા સિદ્ધિવંતો પરના લેખોમાં સર્વોત્કૃષ્ટ તે ‘વનેચર’ અર્થાત વ્યાયામવીર, અધ્યાપક વહીવટકર્તા, જ્ઞાનવ્યાસંગી સંશોધક-લેખક, પ્રકૃતિવિદ હરિનારાયણ આચાર્યનો ચરિત્રલેખ.

એવા જ વંદનીય સાક્ષર ભગવદ્દગોમંડલ શબ્દકોશના કર્તા ચંદુલાલ બહેચરદાસ પટેલ. તેમનું ચરિત્ર સમાવેશક થાય એવી અપેક્ષા પૂરી થતી નથી.

‘શબ્દયોગી’ લેખ ચંદુલાલ પર કેન્દ્રિત થવાને બદલે કોશના રાજા ભગવતસિંહનું મહિમાગાન, કોશના પ્રકાશનની વિગતો તેમ જ વિનેશ, કે.સી.પટેલ, ગોપાલ પટેલ જેવા પાત્રોમાં વિખરાઈ જાય છે.

વિખ્યાત ગાયક-સંગીતકાર મહેન્દ્ર કપૂર પરના 36 પાનાંમાં કલાકાર માહિતીના ખડકલા વચ્ચે અને પછી મર્યાદિત વાચકોને રસ પડે તેવી દીર્ઘ મુલાકાતમાં અટવાય છે.

કવિ પ્રદીપ પરના લેખમાં જીવનચિત્ર કરતાં ‘ઐ મેરે વતન કે લોગોં’ અને બીજા એક ગીતની કથા કહેવાઈ છે. મુબારક બેગમની જિંદગીની દુ:ખની અને ‘મંગેશકર બહેનોના દબાણ’ હેઠળ થયેલી તેની ઉપેક્ષાની કથની મળે છે.

‘જૂના બૂરજનો છેલ્લો કાંગરોમાં’ લેખકે મીરાણી ખતુબાઈ અને તેનાં સાસુ નૂરબાઈનું વ્યક્તિચિત્ર આલેખવા ધાર્યું છે જે મહદંશે સામંતશાહી માહોલનું ચિત્ર બને છે. અહીં લેખકની વર્ણનકળાની જે  ઊંચાઈ છે તે અદ્દભુત માત્રામાં ‘ભગવાનની ભલામણચિઠ્ઠી’માં પણ મળે છે.

દીર્ઘ ચરિત્રો તરીકે લેખકના પિતા દેવશંકરભાઈ અને વડનગરના સેવાસમર્પિત ડૉક્ટર વસંત મિસ્ત્રી સરસ રીતે આલેખાયા છે. 

શબ્દવૈભવ, ઉપમાઓ, ઝીણવટભર્યાં નિરીક્ષણો, ચિત્તાકર્ષક વર્ણનો લેખકની ખાસિયતો છે. રજનીકુમારની રજૂઆત સુરેખ રેખાચિત્ર કે પૂરા કદના ચરિત્રલેખ કરતાં કોલાજ પ્રકારની છે. તેઓ મુલાકાતના હિસ્સા, સંભારણાં, કલ્પનો અને પ્રતીમાઓ (ઇમેજેસ અને ઇમ્પ્રેશન્સ) પોતાની ડિઝાઈન મુજબ ગોઠવે છે.

અલબત્ત, આ ચિત્રોમાં વાચક અનુભવી શકે એવો લાગણી તેમ જ માનવતાનો સતત અને સહજ સ્પર્શ શિરમોર છે. પુસ્તકની પ્રસ્તાવના તરીકે પર વિવેચક જશવંત શેખડીવાળાનો વિસ્તૃત આસ્વાદલેખ મળ્યો છે. પુસ્તકના સોળ ‘જીવનચિત્રો’ અહીં સંપાદક રતિલાલ બોરીસાગરે અહીં લેખકના આઠ પુસ્તકોમાંના 114 ‘ચરિત્રનિબંધો’માંથી પસંદ કર્યાં છે. 

‌‌—————————–

‘અનોખાં જીવનચિત્રો’(ઑક્ટોબર 2023) – આદર્શ પ્રકાશન, 1760, ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ 380 001 – રૂ. 250/- 

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર પુસ્તક ભંડાર, સંપર્ક : 79-6587949, 98797-62263   

[625 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 જાન્યુઆરી 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...699700701702...710720730...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved