Opinion Magazine
Number of visits: 9665359
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Scrapyard કેટકેટલું કરે છે!  

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|30 May 2024

Scrapyard, the theatreનાં રંગકર્મી યુવાઓ, તેમ જ તેનું સંચાલક દંપતી કબીર ઠાકોર અને નેહા શાહ કેટકેટલું કરે છે!

નેહા શાહ અને કબીર ઠાકોર

લેટેસ્ટ તો, સ્ક્રૅપયાર્ડમાં Sprinklers એટલે કે પ્રેક્ષકો પર પાણીનો આછો આછો છંટકાવ થતો રહે તેવા ફુવારા મૂકાયા છે – માયબાપ ઑડિયન્સ માટે આ શહેરમાં આટલું કોણ કરે !

અને તે પણ એવા enlightening મંચ-પ્રયોગ માટે કે જે ઘણી વાર કોઈ ટિકિટ વિનાના નાની રકમની ટિકિટથી થતો હોય.

ખુલ્લું આકાશ, ઘેઘૂર લીમડો, મોડી સાંજના પવનની લહેરખીઓ, એની સાથે સ્પ્રિન્કલર્સમાંથી ઊડીને હવામાં ફેલાતાં તુષારબિંદુઓની ધૂસર લહેરોથી ભર ઊનાળે ઊભો થતો સપનાં સમો આહ્લાદક માહોલ …

અને આ બધાંની વચ્ચે સામે કલાકાર દ્વારા થઈ રહેલો આવિષ્કાર … a slice of quality life –

એ વિધવિધ સ્વરૂપે હોય – નાટક, વાચિકમ, અભિવાચન, કથાકથન, સંગીત અને નરૅશન હોય, કાર્ટૂન પરનું વ્યાખ્યાન-નિદર્શન (lecture-cum- demonstration), ફિલ્મ સ્ક્રીનીન્ગ … અભિવ્યક્તિના કોઈ પણ સ્વરૂપ.

અલબત્ત સ્ક્રૅપયાર્ડમાં સાવ ચીલાચાલુ એવું કશું જોયું નથી, એટલું જ નહીં પણ સમાજ-દેશ-દુનિયા સાથે કંઈ લાગતું જ ન હોય એવું ય જોયું નથી.

અહીં આદિવાસીઓની કથાઓ, સ્ત્રીઓની ગાથાઓ, ચેખવ-ટેનિસી વિલ્યમ્સ-શેક્સપિયરનાં નાટકો, માર્ક્સ, મેઘાણી અને ઉમાશંકર પરનાં પ્રયોગો એવી કેટલી ય રજૂઆતો થઈ છે.

‘નિર્દોષ’ રહીને લોકપ્રિય થવાનો, ‘ગંદારાજકારણ’નો છોછ રાખવાનો કોઈ એજન્ડા નથી. ઊલટું, વિરોધમતની અભિવ્યક્તિના આવિષ્કારને આવકાર છે.

અને એટલે જ ત્રાસ આપનારા સાદત હસન મન્ટોની વાર્તાઓ પરથી તૈયાર થયેલું જહાલ રાજકીય નાટક Enter at Your Own Risk સ્ક્રૅપયાર્ડની પોતાની ટીમ ભજવે છે. એ જ વૃંદ બાદલ સરકારનું  ‘જુલુસ’ કરે છે.

અહીં હૈયું ભારે કરી દેનાર ‘ગાઝા મોનોલોગ્સ’ પણ થાય. ‘રામ કે નામ’ અને ‘મેફિસ્ટો’ ફિલ્મોનું સ્ક્રીનીન્ગ થાય છે. અને રાજકારણ તો કાર્ટૂનિસ્ટોનો ખાસ્સમખાસ વિષય. અને આવું બધું કરો એટલે જે ફેઇસ કરવાનું આવે તે કબીરે કરવાનું થાય છે.

બાળકો માટે બિલકુલ અકૃત્રિમ પ્રવૃત્તિઓ – થિએટર વર્કશૉપ્સ, બાળગીતો-ગમ્મતગીતો, બચ્ચાપાર્ટી ફેસ્ટિવલ, રમકડાં બનાવવા માટેની ‘ખેલઘર’ પ્રવૃત્તિ, ‘ગુનગુની મિટ્ટી’ નામે માટીકામના શનિ-રવિનો ઉપક્રમ, વાર્તા કહેવા અને લખવાની કળા માટેની વર્કશૉપ, કઠપૂતળીની કાર્યશાળા.

આ નાટકવાળા આ બધું શેના માટે કરતા હશે ? – 45 ડિગ્રી તાપમાનમાં પણ ?

એટલા માટે કે આ શહેરના લોકો કંઈક જુદું, કંઈક વધુ સારું જોતાં – સાંભળતાં – વિચારતાં થાય, આ શહેરનાં  બાળકો નાટક જોતાં થાય, નાટક કરતાં થાય, ગાતાં થાય, કંઈક નવું, નોખું કરતાં થાય માટે સ્ક્રૅપયાર્ડ મથે છે.

સ્ક્રૅપયાર્ડના volunteer રંગકર્મીઓ વળી જુદી જ જણસો છે. એ નાટકનું લેખન- ઇમ્પ્રોવાઇઝેશન – દિગ્દર્શન – અભિનય – નિર્માણ તો અલબત્ત કરે જ. તે ઉપરાંત બધું અને ગમે તે કરે. એટલે શું કરે તેની એક ઝલક :

પાર્કિંગ સંભાળે, ટિકિટોનું – એન્ટ્રીનું જુએ, વર્કશૉપ દરમિયાન એ.સી. કે કૂલરની, બાળકોનાં નાસ્તાપાણીની વ્યવસ્થા. કાર્યક્રમ માટેના ગ્રાફિક્સ, આમંત્રણો, સોશ્યલ મીડિયાને લગતું તમામ કામ.

મંચની રજેરજની વ્યવસ્થા કરવાની. અહીં કશું રેડીમેડ નથી. ભજવણી પ્રમાણે બદલાતું રહે. પડદા, લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, સ્લાઇડ-શો માટેની ગોઠવણ બધું ઇવેન્ટ પ્રમાણે બદલાય. ‘ચલ મેરે રોબો’ માટેની બધી પ્રોપર્ટી અને આખો સેટ સ્ક્રૅપયાર્ડમાં જ બન્યો છે.

વાચિકમના એક પ્રયોગ માટે ખુદ કબીર લાકડાની પાટોને ઊંચકીને લાવીને, સાફ કરીને, માસ્કિંગ કરે એ આ લખનારે જોયું છે. છોકરાઓને થિયેટર વાળતાં જોયા છે. પ્રેક્ષકો માટે ફટાફટ ખુરશીઓ લાવી આપતાં, ઉંમરલાયકોને હાથ આપતા, કોઈને કૅબ કરી આપતાં વોલન્ટિયર્સ બધાંએ જોયાં છે.

સ્ક્રૅપયાર્ડ ટીમમાં વિદ્યાર્થીઓ છે, નોકરિયાતો છે, પૂરા સમય નાટક અને સિનેમા કરતા સ્ટ્રગ્લર્સ પણ છે. કડી-કલોલ, સાણંદ-બાવળાથી આવનારા છે. ટીમમાં એગ્ઝિટ-એન્ટ્રીઓ થતી રહે છે. બે-ત્રણ કલાકારો સ્ક્રૅપયાર્ડમાંથી ઘડાઈને પોતાની રીતે નાટક – સિનેમામાં કાઠું કાઢી રહ્યા છે.

અત્યારે દેશનો મોટા ભાગનો યુવાવર્ગ કોમવાદી શાસકોના પ્રતાપે ધોરણસરના શિક્ષણ ને  રોજગારીના ભયંકર વિક્લ્પે ધાર્મિક-સાંકૃતિક-આર્થિક ઉન્માદમાં ન કરવાનું કરી રહ્યો છે.

આવા સંજોગોમાં કંઈક કહેવાની, કરવાની, બદલાવાની ઘડાવાની અમદાવાદની એક  liberal, progressive, creative,organic space તરીકે પણ સ્કૅપયાર્ડનું મહત્ત્વ છે. પણ તે એકમાત્ર છે એવું કહેવાનો આશય નથી.

આ લખનારે જોયું છે કે ગયા ચારેક દાયકામાં અમદાવાદમાં આવી નાની-મોટી જગ્યાઓ ઊભી થતી રહી છે, તેમાં  વધ-ઘટ પણ થઈ છે. આજે પણ થોડીક જગ્યાઓ છે તેનો આનંદ છે. એ spaces આ લખનારને દેખાય તેના કરતાં વધુ સારી રીતે બીજા ય જોઈ શકે.

સ્ક્રૅપયાર્ડને મદદ મળતી રહે છે. માઇક, લાઇટસ, સાઉન્ડ સિસ્ટમ, કૂલર, પ્રોજેક્ટર – આવું કંઈ ને કંઈ મળતું રહે છે, ક્યારેક નવું તો ક્યારેક નાનું-મોટું રિપેરિંગ કરીને ચાલી જાય તેવું.

આવી મદદની જેમ જ નામ વિના આર્થિક ટેકો આપનારા પણ છે. બાળકો માટેની વર્કશૉપ અને ટિકિટની આવક હોય છે. વોલન્ટિયર્સને આવવા-જવાનો ખર્ચ નીકળી જાય છે.

‘પૈસા માટે મુશ્કેલી ઊભી થઈ નથી’ એમ કબીર કહે છે, ત્યારે કંઈક નવાઈ લાગે છે. ગયાં બે-ત્રણ વર્ષમાં ઊભાં થયેલાં Scrapyardના ‘revenue model’ની કબીર  વાત કરે છે ત્યારે ‘રુલા દેગા ક્યા?’ એવી ફીલિંગ આવે છે !

સ્ક્રૅપયાર્ડનું જે venue છે એની real estateમાં જે value છે તે આર્કિટેક્ટ કબીર, અરુણભાઈ -ઇલાક્ષી બહેનનો ઠાકોર પરિવાર અને અર્થશાસ્ત્રની અધ્યાપક નેહા નહીં જાણતાં હોય ?

નેહા અધ્યાપન કરે, ‘ગુજરાત મિત્ર’માં કૉલમ લખે, ઘર સંભાળે, સ્ક્રૅપયાર્ડમાં નાટ્યસંગિની બને. જો કે, કબીર આર્કિટેક્ટ તરીકેનો વ્યવસાય ક્યારે કરતો હશે અને એ વ્યવસાયનું revenue શું હશે એવો સવાલ રહે !

કબીરને હવે સ્ક્રૅપયાર્ડની લાઇબ્રેરી તેમાંના પુસ્તકો અને આર્કાઇવલ સામગ્રી સાથે વ્ય્વસ્થિત કરાવવી છે. નેહા-કબીર સપના જોતાં રહે છે, તેને સ્ક્રૅપયાર્ડના મંચ પર લાવતાં રહે છે. Scrapyard ઊભું કરવાનું સ્વપ્ન તેમણે શબ્દશ: scrap એટલે કે ભંગારમાંથી સાકાર કર્યું છે.

બીજાંઓ પોતાનાં મંચ-આવિષ્કારનાં સપનાં તેમની સાથે શેઅર કરે છે. તેમનાં સપનાંને પોતાનાં જ ગણીને તે સાકાર થાય તે માટેની સ્પેસ જ નહીં, સગવડો જ નહીં, પણ સાથ અને સ્નેહ આ દંપતી તેમ જ તેમનાં યુવા રંગકર્મીઓ પૂરો પાડે છે.

નેહાના નામમાં જ નેહ છે, અને કબીર તો ઢાઈ આખર પ્રેમ કા પઢી ચૂક્યો છે. તેના સપનાંનું Scrapyard, the theatre તો હદ સરહદ કે પાર જનારું છે. કબીરજીએ કહ્યું છે ને ! – हद सरहद के पार गया, अब तो अनहद गरजे.

આભાર, કબીર-નેહા.

અને આભાર સ્ક્રૅપયાર્ડ ટીમ જેને કારણે સ્ક્રૅપયાર્ડ ચેતનવંતુ છે. આ રહ્યાં તે યુવા રંગકર્મીઓનાં નામ : એજાઝ, કરણ, કાર્તિક, જય, ધ્રિશિતા, પ્રિતેશ, પ્રિયાની, પ્રિયાંશી, ભવ્ય, મીત, લક્ષ્ય, સાર્થક, સાવન, સૂરજ, હિરેન.

29 મે 2024

Located in : Mahalaxmi Complex

Address : 2H66+22X, 23, Gujarat society, Near Red Cross Blood Bank, Paldi, 18, Vikas Gruh Rd, Mahalaxmi Society, Motinagar Society, Bhatta, Paldi, Ahmedabad, Gujarat 380 007, India

e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સમાજવાદીઓ, સમાજવાદ અને સમાજવાદી આંદોલન!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 May 2024

આચાર્ય નરેન્દ્ર દેવ, જય પ્રકાશ નારાયણ તેમ જ બન્ને વચ્ચે દેખાતાં જયપ્રકાશજીનાં પત્ની પ્રભાવતીદેવી

શરૂઆત એક રોમહર્ષક સાંભરણથી કરું? હવે તો ખાસાં આઠ વરસ થયાં એ વાતને. એ ગાળામાં હું ગેસ્ટ ફેલોને નાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી(શિમલા)માં યદૃચ્છાએ સ્વાધ્યાય વિહાર કરતો હતો.

પ્રકાશ ન. શાહ

સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ રાષ્ટ્રપતિ હતા ત્યારે એમણે ઐતિહાસિક વાઈસરોય ભવનને સ્વાધ્યાય સંશોધન કેન્દ્રમાં પરિવર્તિત કરવાનો સંસ્કાર શોભીતો નિર્ણય કીધો હતો. આવી જગ્યાએ થોડાક ગાળા સારુ પણ વિધિવત હોવું એ પોતે કરીને કમ રોમાંચક અલબત્ત નથી.

પણ ત્યાં કેમ જાણે એથીયે અદકી રોમહર્ષક ક્ષણ રાહ જોતી હતી. આપણે ત્યાંનું સમાજવાદી આંદોલન, ખાસ તો એવો ઉષાકાળ, મને હંમેશ ખેંચે છે. એના આરંભકારોનું સાહિત્ય ફંફોસતો હતો અને મને સહજ કુતુહૂલ થઈ આવ્યું કે મારા પહેલાં કોણે આ સાહિત્યમાં ડોકિયું કર્યું હશે. 

પુસ્તકના પાછલે છેડે જઈને ઈશ્યુવહી જોઉં છું … અરે, આ તો સૂ ચી! મ્યાંમારની લોકશાહી લડતમૂર્તિ, નોબેલ પુરસ્કૃત. પોતે અહીં ફેલો તરીકે હશે, મારાથી ત્રણેક દાયકા પર, ત્યારે એમાંથી એ હોંશે હોંશે અભ્યાસઅગ્ર જીવે પસાર થયાં હશે, કેમ કે એ છે તો સમાજવાદી રુઝાનવાળા સ્વાતંત્ર્યસેનાની પિતા ઑંગ સાનનાં પુત્રી.

હમણેના દિવસોમાં આ સાંભરણ નીંગળવાનું કારણ કહું? આપણે ત્યાં સમાજવાદી આંદોલન કાઁગ્રેસ સમાજવાદી પક્ષ રૂપે સંસ્થીકૃત થવાની શરૂઆત થઈ મે 1934ની પટણા બેઠકથી. જેટલા માર્ક્સવિચાર એટલા જ બૌદ્ધ દર્શનના પ્રખર વિદ્વાન આચાર્ય નરેન્દ્ર દેવ એમાં અગ્રપદે હતા. સંયોજનનું દાયિત્વ જેમની કને હતું એમાં જયપ્રકાશ નારાયણ મુખ્ય હતા, અને એમના સાથીઓ પૈકી એક વિશેષ રૂપે સાંભરી આવતું નામ મહાપંડિત રાહુલ સાંકૃત્યાયનનું છે.

આ તો વિધિવત નવ દાયકાની વાત થઈ પણ અવિધિસરની તવારીખ તો એથીયે પાછળ જઈ શકે. ગાંધીપ્રવેશનાં બે-ત્રણ વરસે અમદાવાદની મજૂર ચળવળને મળી રહેલાં મોટીબહેન બલકે માતૃમૂર્તિ શાં અનસુયા સારાભાઈને એમનાં લંડનવાસ દરમ્યાન ફેબિયન સોશિયાલિઝમનો કંઈક પરિચય હતો એમ જણાય છે. વખતે દીક્ષા લઈ જૈન સાધ્વી થઈ શક્યાં હોત એવાં અનસૂયાબહેન મિલ માલિક ભાઈ અંબાલાલ સારાભાઈની સામે મજૂરોની પડખે ઊભાં રહ્યાં એ વળી ઇતિહાસનું એક મળતાં મળે એવું પાનું છે. ક્યારેક એમને વિશે કંઈક નિરાંતે વાત કરીશું.

હમણાં મેં ગાંધીઘટનાની જિકર કરી તો એની સાથે એક રસપ્રદ વિગત પણ દર્જ કરી લઉં. લોકશાહી સમાજવાદને વરેલી લેબર પાર્ટીનો ઇંગ્લેન્ડમાં ઉદય થયો અને પહેલી વાર ત્યાં હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીના સાંસંદો કંઈક નોંધપાત્ર સંખ્યામાં ચૂંટાયા ત્યારે એક સર્વેમાં માલૂમ પડ્યું હતું કે તેમના પૈકી ઠીક ઠીક આ પક્ષ અને સમાજવાદી ચળવળ ભણી રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધ લાસ્ટ’ની નૈતિક અપીલથી ખેંચાયા હતા. અને આ તો, પાછળથી જેમની કલમે ‘સર્વોદય’ શીર્ષકે ઊતરી આવ્યું તે ગાંધીનુંયે પ્રિય પુસ્તક હતું. બાય ધ વે, 1947માં આપણે આઝાદ થયા તે ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટીનો શાસનકાળ હતો.

આગળ પટણા બેઠકનો ઉલ્લેખ કર્યો, પણ સ્વરાજલડતની વડી પાર્ટી કાઁગ્રેસ અંતર્ગત સમાજવાદી પાર્ટી તરીકે ગઠિત થવું ને કાર્યરત હોવું એવી અવિધિસરની ચર્ચા એની પૂર્વે શરૂ થઈ જ ગઈ હતી. એમાં કદાચ સૌથી મહત્ત્વનું ઠામ બલકે ધામ હોય તો તે 1933માં નાશિક જેલનો બી વોર્ડ હતો. ત્યાં યુવા સ્વાતંત્ર્યસૈનિકો વચ્ચે આ વિશે ખાસી ચર્ચા-વિચારણા થઈ હતી. 

કારાગારમાં કૃષ્ણજન્મ શી આ ઇતિહાસ પ્રક્રિયામાં સહભાગી બંદીજનોમાં જયપ્રકાશ નારાયણ, અશોક મહેતા, મીનુ મસાણી, રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, યુસુફ મહેરઅલી, મોહનલાલ દાંતવાલા, નાનાસાહેબ ગોરે, સહુ ત્યાં હતા. (આ જૂથની બૌદ્ધિક પ્રતિભાનો અંદાજે અહેસાસ મને પાંચેક દાયકા પર અમેરિકન એન્સાઈક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સીઝમાંથી પસાર થતાં થયો હતોઃ  એના આંતરરાષ્ટ્રીય સંપાદક મંડળમાં બે જ ભારતીયો હતા, પાછા બેઉ સમાજવાદી, અને વળી ગુજરાતી! અશોક મહેતા, મોહનલાલ દાંતવાલા.)

આ લખી રહ્યો છું ત્યારે લોકસભાની ચૂંટણીનાં પાંચ ચરણ પૂરાં થઈ ગયાં છે. જેને આર્થિક-સામાજિક વિચારધારાકીય કહી શકાય એવા મુદ્દાને ચૂંટણી પ્રચારમાં પૂરા કદની માવજત મળી નથી. કાઁગ્રેસે જરૂર એક અભિગમ ઉપસાવવાની કોશિશ કરી છે, પણ સત્તા પક્ષે એ અંગે કોઈ ધોરણસરના પ્રતિભાવની જરૂર જોઈ નથી. એની પોતાની વાત નિર્મલા સીતારામન્‌ના પતિ પરકાલા પ્રભાકરની સોંસરી ટિપ્પણીમાં ‘ડેટા વગરની’ છે. 

અહીં વિશેષ ચર્ચામાં નહીં જતાં માત્ર એટલું જ ઈંગિત કરવું રહે છે કે આપણે ત્યાં ચોક્કસ જ એક ચિંતન કોશિશ થઈ છે. હકીકતે, જે ગાળાની હમણાં મેં વાત કરી તે વર્ષોમાં આપણી બંધારણ સભાએ 1946-1949નાં વર્ષોમાં જે કામગીરી પાર પાડી તેને સારુ ખાસું ખાણદાણ ભરેલું છે.

ભગત સિંહે શહાદત વહોરી ઉપસ્થિત કરેલા આર્થિક-સામાજિક મુદ્દા, મીઠાનો મુદ્દો ઊંચકી દાંડીકૂચ વાટે ગાંધીએ નાતજાતકોમથી નિરપેક્ષપણે આમ આદમીના અર્થકારણ સારુ પ્રશસ્ત કરેલી ભૂમિકા, કરાચી કાઁગ્રેસનો મૂળભૂત અધિકારનો ઠરાવ, પુના કરાર, આ બધાંમાં બંધારણ સભાની વણબોલી નાન્દી પડેલી છે.

અહીં મહાદેવભાઈની ડાયરીનો ઓગણીસમો ગુટકો સાંભરે છે. સમાજવાદીઓને અને સમાજવાદને સમજવા માટે ગાંધીએ કરેલી મથામણ તમને 1934-35માં તબક્કે તબક્કે જોવા મળે છે. જવાહરલાલ જોડે સહજ ચર્ચા સારુ ગાંધી મહાદેવભાઈને અલાહાબાદ મોકલે છે, પોતે સમાજવાદીઓ સાથે સહવિચારની દૃષ્ટિએ પૂર્વ તૈયારી સારુ શું વાંચવું એ માટે નરેન્દ્ર દેવની સલાહથી જી.ડી.એચ. કોલનું પુસ્તક જોઈ જાય છે. ગુજરાતના સમાજવાદીઓને મળવા સારુ જગ્યા મેળવી આપે છે.

સ્વરાજ પછી પચમઢી કાર્યક્રમથી માંડી 1977ના જનતા ઢંઢેરા પૂંઠે એક આખો જમાનો પડેલો છે તે આ લખતાં તાદૃશ થાય છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 29 મે 2024

Loading

માજુલી

નંદિતા મુનિ|Opinion - Opinion, Poetry|28 May 2024

આજે Aparna Anekvarna ના કાવ્યનો અનુવાદ.  

માજુલી આસામમાં બ્રહ્મપુત્રા નદીનો એક ટાપુ છે. એ દુનિયાનો સૌથી મોટો નદીનો દ્વીપ છે. અલબત્ત, કવિતાનો માજુલી માત્ર ટાપુ નથી.

°

ડૂબવું

થોડો થોડો રોજ

ડૂબતો જાય છે માજુલી.

રોજ થોડી માટી

કિનારા પાસેથી માગીને

લઇ જાય છે બ્રહ્મપુત્ર.

ભૂલવા લાગ્યા છે લોકો

રોજ થોડી આવડત –

કાંતવા, વણવા, સીવવા,

ગૂંથવા, ભરવા, પરોવવાની.

ફૂલ, ફળ, કંદ,વેલી –

ધાનનાં કેટલાં ય પુરાણાં નામ –

રાંધણચીંધણ ભૂલવા લાગ્યા છે.

આગંતુકને ગોળ ધરીને પાણી આપવાનું

નથી આવડતું હવે બાળકોને.

આંગણું લીંપવાથી, છાજ છાજવાથી 

ઉદાસીન થઇ ગયા છે.

રોજ બાંધે છે પુલ ગમનના

છોડે છે રોજ એક નાવ

ડૂબતા માજુલી તરફ પીઠ કરી

બસ ચાલ્યા જાય છે હલેસાં મારતા.

અને માજુલી, રોજ થોડો વધુ ડૂબી જાય છે.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...690691692693...700710720...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved