Opinion Magazine
Number of visits: 9457399
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોઢું ફેરવી લેવાથી સત્યનો લોપ નથી થતો

રમેશ ઓઝા|Opinion - Opinion|11 February 2024

રમેશ ઓઝા

આપણને (હિંદુઓને) એ વાતની જાણ છે કે આપણે વિશ્વગુરુ છીએ, જ્ઞાનની ગંગોત્રી ભારત છે, પ્રાચીન યુગમાં ભારતમાં વિમાનો (પુષ્પક) ઊડતાં હતાં, ભારતમાં પ્લાસ્ટિક સર્જરી (ગણપતિ) થતી હતી, વગેરે વગેરે. વિશ્વ ભારતનું ઋણી છે. વિશ્વમાં જે કાંઈ જ્ઞાન છે એ કાં તો ભારતે વિશ્વને આપ્યું છે અથવા ભારત પાસેથી ચોરેલું છે. હિંદુ, હિંદુ સભ્યતા અને હિંદુ સંસ્કૃતિ વિના વિશ્વ અધૂરું છે. હિંદુ રાજાઓ વિષે બારોટોએ લખેલાં શૌર્યગીતોથી ભારતનું મધ્યકાલીન સાહિત્ય ઉભરાય છે. હિંદુઓની શૌર્યગાથા જગતભરમાં ગવાતી હતી એમ આપણે કહીએ છીએ. જો વિશ્વમાં કોઈ શૂરવીર પ્રજા હોય તો એ હિંદુ છે, હિંદુ છે અને હિંદુ છે.

આપણને (હિંદુઓને) એ વાતની પણ જાણ છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં મુસલમાનોએ હિંદુઓને બહુ સતાવ્યા હતા. મુસ્લિમ શાસકોએ હિંદુ અને મુસ્લિમ પ્રજા વચ્ચે ભેદભાવ કર્યા હતા, જીજિયા વેરો વસૂલ કરવામાં આવતો હતો, તેમણે હિંદુઓનાં મંદિરો તોડ્યાં હતાં, હિંદુઓની બહેન દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો અને અનેક હિંદુઓનું તલવારના જોરે બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું, વગેરે વગેરે. જેમ હિંદુઓ વિશેનાં શૌર્યગીતો ઉપલબ્ધ છે એમ મુસ્લિમોએ કરેલા અત્યાચારો અંગેનું હિંદુઓને ચોધાર આંસુએ રડાવતું માતમ સાહિત્ય પણ ઉપલબ્ધ છે.

પણ આપણને એ વાતની જાણ નથી કે ઈ.સ. ૭૧૨(પ્લીઝ નોટ ઈ. સ. ૭૧૨)માં મહમ્મદ બિન કાસીમે સિંધ પર હુમલો કર્યો અને હિંદુ રાજા પાસેથી સિંધ જીતી લીધું ત્યારથી લઈને ૧૯૪૭માં ભારતે લડીને (પ્લીઝ નોટ લડીને) અંગ્રેજો પાસેથી આઝાદી મેળવી ત્યાં સુધી એટલે કે લગભગ ૧,૨૦૦ વરસમાં હિંદુ રાજાએ એક પણ વખત વિજય મેળવ્યો નથી. જો પહેલા યુદ્ધમાં વિજય મેળવ્યો છે તો બીજા યુદ્ધમાં પરાજય થયો છે. આપણને એ વાતની પણ જાણ નથી કે પરાજીત થયેલો મુસ્લિમ આક્રમક કે અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપની જ્યાં સુધી ભારતીય હિંદુ કે મુસ્લિમ શાસકને પરાજીત ન કરે ત્યાં સુધી સગડ મૂકતા નહોતા. દાખલા તરીકે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠાઓ સામે ત્રણ વખત લડાઈ લડી હતી અને છેલ્લી લડાઈમાં વિજય મેળવ્યો હતો. આવી જ રીતે કંપનીએ હૈદર અને ટીપુ સામે પણ વારંવાર ચડાઈ કરી હતી અને અંતે વિજય મેળવ્યો હતો. આપણને એ વાતની પણ જાણ નથી કે મરાઠાઓએ અડધું હિન્દુસ્તાન જીત્યું હતું, પણ તેનાં પરનો કબજો જાળવી નહોતા શક્યા. આવી તો બીજી અઢળક વાતો છે જે આપણે જાણતા નથી.

હવે સવાલ એ છે કે પહેલી વાતની જાણ છે તો એ કોના થકી છે, બીજી વાતની જાણ છે તો એ કોના થકી છે અને ત્રીજી વાતની જાણ કેમ ખાસ નથી? કોણ ઘાટા પાડીને કે પછી કાનમાં ચોક્કસ વાત કહે છે અને કોણ ચોક્કસ વાત કહેવાનું (અને સાંભળવાનું પણ) ટાળે છે? ક્યારે ય વિચાર કર્યો છે?

પહેલી વાત હિંદુ રાષ્ટ્રવાદીઓ કહે છે અને એ પણ કોઈ પણ પ્રકારનાં પ્રમાણ આપ્યાં વિના અને જો પ્રમાણ હોય તો એમાં બાદરાયણ સબંધ જોવા મળશે. અને વળી પોરસાવું કોને ન ગમે! કહેનારાઓને ખબર છે કે પ્રજામાં એવો એક ભાગેડુ વર્ગ હોય છે જે પોતાની મહાનતા સાંભળવા માગે છે અને કાયરતા છૂપાવવા માગે છે.

બીજી વાત અંગ્રેજો કહી ગયા છે અને એ પણ ઇતિહાસ લખીને અને શાળા કોલેજોમાં ઇતિહાસ ભણાવીને. જેમ વિશ્વમાં આપણે શ્રેષ્ઠ અને મહાન હોવાની મુગ્ધતા માનવીને ગમે છે એમ બીજાએ આપેલા દુઃખના શિકાર (વિકટીમ) હોવાની પીડા પણ માનવીને ગમે છે. નજર કરો, લોકો પીડાને પણ મમળાવતા હોય છે અને એમાં તેને એક પ્રકારનાં આનંદનો અનુભવ થાય છે. અને આ એવા લોકોને વધારે ગમે જે વાસ્તવિકતાથી મોઢું ફેરવી લેનારા ભાગેડુ હોય. અંગ્રેજો આ જાણતા હતા, એટલે તેમણે એવી રીતે ઇતિહાસ લખ્યો કે હિંદુ અને મુસલમાન બન્નેને પીડાનો અનુભવ થાય અને એકબીજાને પીડા આપનાર અત્યાચારી સમજે. એટલે તો હિંદુ અને મુસલમાન બન્ને ગાંધીજીના આગમન પહેલાં એક અવાજે એકબીજાના અત્યાચારોથી મુક્ત કરાવવા માટે અંગ્રેજોનો પાડ માનતા હતા. (જોઈ જાવ સર સૈયદ મહમ્મદ ખાન અને બંકિમચંદ્ર ચેટરજી.)

પણ ત્રીજી વાત કોઈએ કહી નથી એવું તો નથી, પણ આપણને એ સાંભળવી ગમતી નથી એટલે આપણા ચિત્તમાં એ કડવું પણ ટકોરાબંધ સત્ય જગ્યા પામતું નથી. આપણે તેને જગ્યા આપતા નથી. જે લોકો આવું કડવું સત્ય કહે છે તેને દેશદ્રોહી, હિંદુવિરોધી, સેક્યુલરિસ્ટ, સામ્યવાદી, ડાબેરી (આજકાલ અર્બન નક્સલ), પાશ્ચાત્યવાદી વગેરે વગેરે તરીકે ઓળખાવીને મોઢું ફેરવી લે છે. જેમ અંગ્રેજોએ હિંદુ અને મુસલમાનોને એકબીજાના અત્યાચારી તરીકે સિફતપૂર્વક ઓળખાવ્યા હતા તેમ હિન્દુત્વવાદીઓ કે હિંદુ રાષ્ટ્રવાદીઓ સત્યથી મોઢું ફેરવીને પોઢી જવા માગતી પ્રજાના આંખમાં તેલ આંજનારા સત્યના પ્રહરીઓને ઉપર કહ્યું એ રીતે ઓળખાવે છે. એક વાર કડવું પણ નકરું સત્ય બોલનારાઓને દેશના કે હિંદુઓના દુશ્મન તરીકે સ્થાપો એ પછી લોકો તેમની વાત સાંભળશે નહીં.

લાખ રૂપિયાનો સવાલ એ છે કે મોઢું ફેરવી લેવાથી સત્ય બદલાઈ જવાનું છે? સત્યનો લોપ થવાનો છે? શા માટે બારસો વરસમાં એક પણ યુદ્ધ હિંદુ રાજવીઓ જીતી શક્યા નહીં? શા માટે એક પણ યુદ્ધ મુસ્લિમ શાસકો અંગ્રેજો સામે જીતી શક્યા નહીં? શા માટે આક્રમણકર્તાની શસ્ત્રસામગ્રી જોઇને એક પણ હિંદુ રાજવીને પ્રશ્ન ન થયો કે આ શસ્ત્રો ક્યાં બને છે, કેવી રીતે બને છે અને આપણે પણ તે વસાવવાં જોઈએ? શા માટે વારંવારના પરાજયો પછી એક પણ રાજવીને એ વાત ન સૂઝી કે આપણે આપણા લશ્કરમાં દલિતો અને બીજી છેવાડાની પ્રજાને ઉમેરીને લશ્કર વિશાળ બનાવવું જોઈએ? શા માટે મરાઠાઓને અને પેશ્વાઓને રાજ કરતા આવડ્યું નહીં અને જીતેલું ભારત ગુમાવી દીધું? કેવી રીતે મુઠ્ઠીભર અંગ્રેજો આટલે દૂર બેસીને ભારત પર રાજ કરે છે? કઈ આવડત છે તેમનામાં અને આપણે એ કઈ રીતે મેળવવી જોઈએ? શું અંગ્રેજોએ લખેલો ભારતનો ઇતિહાસ સાચો છે કે પછી તેમને માફક આવે એવો છે? શૌર્ય ગાયો છોડાવવામાં છે કે આપણી ભૂમિ છોડાવવામાં? શું કહે છે હિંદુ રાજવીઓનાં પ્રશસ્તિગાનો? ગાંધીજીએ ભારતના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાને લડવા માટે રસ્તા પર ઊતારી તો એ કઈ રીતે ઊતારી અને એ પછી પણ તેમને સમગ્ર પ્રજાનો ટેકો કેમ સાંપડ્યો નહીં? શા માટે બહુમતી હિંદુઓએ હિંદુરાષ્ટ્રનો માર્ગ નહીં અપનાવ્યો અને સેક્યુલર ભારતની સ્થાપના કરી?

બહુ અકળાવનારા સવાલો છે, નહીં? પણ આ લખનાર જેવાઓ તમને મનભાવન કલ્પનાના કૂબામાં પોઢી જવા નહીં દે. હકીકતોથી મોઢું ફેરવી લેનારી અને પલાયનવૃત્તિ ધરાવનારી પ્રજા ક્યારે ય જગતમાં પોતાનું સ્થાન બનાવી ન શકે. ડરનારી, રડનારી અને કલ્પનાના વિશ્વમાં રાચીને પોરસાનારી પ્રજા ક્યારે ય બેપાંદડે ન થઈ શકે.

જરા વિચારો કે તમે શું કરી રહ્યા છો?

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 11 ફેબ્રુઆરી 2024

Loading

જે ભણાવે છે તે વધુ સારી રીતે ભણે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 February 2024

રાજ ગોસ્વામી

2017માં, ગુજરાતીમાં એક ફિલ્મ આવી હતી, (હવે નેટફ્લીક્સ પર પણ ઉપલબ્ધ છે) “ઢ.” તેમાં પ્રાથમિક શાળામાં ભણતા ત્રણ લંગોટિયા દોસ્તારો ગુનગુન, બજરંગ અને વકીલ ભણવામાં ઠોઠ છે. ઠોઠ છે એટલું જ નહીં, રમતિયાળ પણ છે. તેમને એ ખબર જ નથી કે તેમના અબુધ મગજ પાસેથી વયસ્ક લોકોની નિર્મમ દુનિયા કેટલી મોટી અપેક્ષાઓ રાખે છે.

તેમને શાળામાંથી અને ઘરમાંથી નિયમિત ઠપકો મળતો રહે છે. તેઓ અર્ધ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય છે. તેમને એવું ઠસી જાય છે કે તેઓ નકામા છે અને બીજા હોંશિયાર વિધાર્થીઓ સામે તેમની કોઈ હેસિયત નથી. તેમનો વર્ગ શિક્ષક પણ તેમના ભણવા પર આશા મૂકી દે છે અને હતાશ થઇને કહે છે કે “કોઈ જાદુ થાય તો જ તમે વાર્ષિક પરીક્ષામાં પાસ થશો.”

તેમની રમતિયાળ રખડપટ્ટી દરમિયાન અચાનક તેમને જાણ થાય છે કે નજીકના શહેરમાં તેમનો પ્રિય જાદુગર સૂર્ય સમ્રાટ જાદુના ખેલ કરવા આવ્યો છે. ત્રણે જણા ઘરે કે શાળામાં કહ્યા વગર શહેરમાં ઉપડી જાય છે. ત્યાં જાદુના અવનવા ખેલ જોઈને તેઓ દંગ રહી જાય છે.

તેઓ પાછા આવે છે એટલે શાળાને બંક કરવા માટે તેમને સજા થાય છે અને ઘરે પણ ફરિયાદ કરવામાં આવે છે. ઘરવાળા ત્રણેના હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકે છે અને કડી મહેનત કરીને ભણવાની ફરજ પાડે છે. મુશ્કેલી એ છે કે તેમના ભેજામાં કશું ઉતરતું નથી.

એક દિવસ, પિતાઓએ નક્કી કરેલા ફ્રી ટાઈમમાં ત્રણે ભેગા થાય છે અને કેવી રીતે ભણવું અને કેવી રીતે પાસ થવું તેના પર તુક્કા લડાવે છે. એમાંથી એક દોસ્તને શિક્ષકે મારેલો ટોણો યાદ આવે છે કે, “કોઈ જાદુ થાય તો જ તમે વાર્ષિક પરીક્ષામાં પાસ થશો.” 

એ આ વાતને સાચી માની બેઠો હોય છે. તે પોતાના દોસ્તારોને આઈડિયા આપે છે કે, સાહેબે જ આપણને કહ્યું હતું કે જાદુથી પાસ થઇ જવાશે, તો આપણે જાદુગર સૂર્ય સમ્રાટને જ આપણી મુશ્કેલી કહીએ. ત્રણે જણા ખુશ થઈને જાદુગરને પત્ર લખીને તેમની પરિસ્થિતિ સમજાવે છે અને વિનંતી કરે છે કે તેમને એક એવો જાદુ શીખવાડે જેથી તેઓ પરીક્ષામાં પાસ થઇ જાય.

તેમના આશ્ચર્ય વચ્ચે, તેમને જવાબમાં એક ભેટ મળે છે. એ ભેટ જાદુગર તરફથી આવી હોય છે. ભેટમાં બિરબલ નામનું એક માથું હલાવતું રમકડું હોય છે. જાદુગર જવાબી પત્રમાં લખે છે કે આ જાદુ એવો છે કે તમારે જે ભણવાનું હોય, તે બધું આ બિરબલને સામે બેસાડીને તેને ભણાવી દેવાનું. એમાં જાદુ થશે અને તમે પરીક્ષામાં પાસ થઇ જશો.

ત્રણે દોસ્તારો ખુશ થઈને બિરબલ કોની પાસે કેટલો સમય રહેશે તેનું ટાઇમ ટેબલ બનાવે છે અને ટેબલ પર તેને સામે રાખીને પાઠ્યપુસ્તકોમાંથી મોટા અવાજે તેમને પાઠ ભણાવે છે. બિરબલનું ડોકું સતત હાલતું હોય છે એટલે તેઓ એવું માની લે છે કે તેઓ જે પણ લેશન કરાવી રહ્યા છે તે બરાબર રીતે બિરબલના ભેજામાં ઉતરી રહ્યું છે.

વાસ્તવમાં, એ લેશન તેમના ખુદના દિમાગમાં ઉતરી રહ્યું હોય છે અને તેઓ એ બધું જ યાદ રાખતા થઇ જાય છે જેના પર પરીક્ષા થવાની હોય છે. અંતે, ત્રણે જણા, શાળાના શિક્ષકો અને ઘરવાળાઓના આશ્ચર્ય વચ્ચે અવ્વલ નંબરે પાસ થાય છે. 

આ ફિલ્મમાં આમ તો બાળપણની નિર્દોષતા અને વયસ્કોની દુનિયાની અપેક્ષા વચ્ચેની કશ્મકશનો ચિતાર કરતી વાર્તા છે, પરંતુ એમાં એક ગહેરો મનોવૈજ્ઞાનિક બોધપાઠ છે, અને તે છે – શીખવાડવાથી શીખવા મળે. ત્રણે દોસ્તારો જ્યારે બિરબલ નામના રમકડાને પાઠ ભણાવે છે ત્યારે તેઓ વાસ્તવમાં ખુદને ભણાવે છે. 

હજારો વર્ષોથી, માણસો માનતા આવ્યા છે કે કોઈ બાબતની સમજવાનો શ્રેષ્ઠ રસ્તો એ બાબત કોઈને સમજાવાનો છે. આપણે કોઈકને કશુંક સમજાવીએ ત્યારે તે આપણા માટે પણ વધુને વધુ સ્પષ્ટ થતું જાય. કશુંક ભણવાનો શ્રેષ્ઠ રસ્તો કોઈને ભણાવાનો છે. રોમન ફિલોસોફર સેનેકાએ સદીઓ પહેલાં કહ્યું હતું કે, “આપણે જયારે ભણાવીએ છીએ, ત્યારે આપણે શીખીએ છે.”

હવે તો વિજ્ઞાનીઓએ પણ આ વાતને સાબિત કરી છે. 2007માં, સાયન્સ એન્ડ ઇન્ટેલિજન્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસોમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે પહેલું બાળક તેમના પછી જન્મેલાં ભાઈ-બહેનો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. કેમ? કારણ કે મોટા હોવાના કારણે તેના પર નાનાં ભાઈ-બહેનોને માર્ગદર્શન આપવાની જવાબદારી આવી પડે છે, પરિણામે તેમનો આઈક્યુ વધે છે.

સ્ટેનફોર્ડ અને વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીઓના ઇજનેરો અને કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ, ‘ઢ’ ફિલ્મના બિરબલ જેવી જ, બેટીઝ બ્રેઇન નામનું એક એનિમેટેડ પાત્ર બનાવ્યું હતું, જેને માધ્યમિક શાળાના સેંકડો વિધાર્થીઓ પર્યાવરણીય વિજ્ઞાન શીખવાડતા હતા. આમ તો તે વર્ચુઅલ શિક્ષણ હતું, પરંતુ તે પ્રક્રિયામાં વિધાર્થીઓની સમજણ અને યાદશક્તિમાં ખૂબ સુધારો થયો હતો. બેટીઝ બ્રેઇન પર 2009માં જર્નલ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બેટીઝને સૂચનાઓ આપવામાં રોકાયેલા વિદ્યાર્થીઓનું ખુદનું શિક્ષણ સુધર્યું હતું.

તેને પ્રોતેજ ઈફેક્ટ કહે છે – પ્રોતેજ એટલે વડીલ અથવા રક્ષક હોવાની અસર. તમને જ્યારે ખબર પડે કે તમારે કોઈક વિષય કોઈકને ભણવાનો છે ત્યારે, તમે જાત માટે ભણતાં હો તેની સરખામણીમાં, બીજાને ભણાવવા માટે એ વિષયમાં વધુ મહેનત કરો છો. એ પ્રક્રિયામાં તેમનું જ્ઞાન વધુ મજબૂત થાય છે. ટૂંકમાં, ક્લાસરૂમમાં માત્ર વિધાર્થી જ હોંશિયાર નથી થતો, શિક્ષકનું જ્ઞાન પણ વધે છે.

તમે જે જાણતા હો તે બીજાને શીખવાડવાનું હોય, ત્યારે તમારે તેના વિશે અલગ રીતે વિચારવું પડે છે. તે તમને તમે જે શીખ્યા છો તે વધુ સારી રીતે યાદ રાખવામાં અને તેને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. દાખલા તરીકે, એક પ્રોફેસરને બાળમંદિરમાં ભણાવાનું આવે તો, તેણે બાળ મનના સ્તરે આવીને સમજાવવું પડે. તેનાથી તેના જ્ઞાનની જટિલતા વધુ સરળ અને સુબોધ બને છે. 

જ્યારે તમે કોઈને કંઈક શીખવો છો, ત્યારે તમારે તેને તમારા પોતાના શબ્દોમાં મૂકવું પડે. તેનાથી તે વાત તમારા મગજમાં દૃઢ રીતે બેસી જાય છે અને પછીથી તેને યાદ રાખવાનું સરળ બને છે. જ્યારે તમે બીજાને કંઈક સમજાવો છો, ત્યારે તમને ઘણીવાર તમારી પોતાની સમજણમાં અંતર જોવા મળે છે. પછી તમે વધુ સંશોધન અથવા અભ્યાસ કરીને તે અંતરને ભરો છો.

માટીકામના એક શિક્ષકે તેના ક્લાસને બે ભાગમાં વહેંચી નાખ્યો. એક જૂથને તેણે કહ્યું કે, “તમારે આ સત્રમાં માટીકામ, આયોજન, ડિઝાઈન અને એક પરફેક્ટ વાસણ બનાવવાનું છે. સત્રના અંતે કોનું વાસણ શ્રેષ્ઠ છે તેની હરીફાઈ થશે.”

બીજા જૂથને શિક્ષકે કહ્યું, “તમે આ સત્ર બહુ બધાં વાસણો બનાવવાનું કામ કરશો. કોણ વધુ વાસણો બનાવે છે તેના પર સત્રના અંતે માર્ક્સ મળશે અને તમારા શ્રેષ્ઠ વાસણને હરીફાઈમાં મુકવાની તક મળશે.”

પહેલું જૂથ એક શ્રેષ્ઠ વાસણ કેવી રીતે બને તેનો અભ્યાસ કરવામાં અને અને ઉત્તમ ડિઝાઈન બનાવામાં વ્યસ્ત થઇ ગયું.

બીજું જૂથ ફટાફટ બહુ બધી માટી લઇ આવીને નાનાં-મોટાં, સાદાં-જટિલ વાસણો બનાવવા લાગી ગયું. અનેક અઠવાડિયા સુધી મહેનત કરીને તેમના હાથ પણ તાકાતવર થઇ ગયા. સત્રના અંતે, બંને જૂથો પોત પોતાનાં શ્રેષ્ઠ વાસણો લઈને હરીફાઈમાં આવ્યાં. છેલ્લે, પરિણામ જાહેર થયું ત્યારે જે છોકરાઓને બહુ બધાં વાસણો બનાવાની પ્રેક્ટિસ કરી હતી તેમનાં વાસણો વધુ સારાં સાબિત થયાં, જ્યારે જેમણે એક શ્રેષ્ઠ વાસણ બનાવવા માટે આયોજન કર્યું હતું તેમનું વાસણ ઉતરતું સાબિત થયું.

આનો સાર એટલો કે જીવનમાં કોઈ કુશળતા હાંસલ કરવી હોય તો બહુ બધાં વાસણો બનાવવાં. ‘ઢ’ ફિલ્મમાં ત્રણ દોસ્તારોએ બિરબલને બહુ બધું ભણાવીને જ કુશળતા હાંસલ કરી હતી.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 04 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તડકો ખમે છે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|11 February 2024

ભર બપોરે વસંત તડકો ખમે છે,

ખુશનુમા બપોર અડકો રમે છે.

ૠતુ સાથે ભૈ’ કોણ ચેડા કરે છે,

હર સ્થળે નર કજાત કટકો ભમે છે.

કેમ નરનો સિતમ સહે છે પ્રકૃતિ,

દૈત્ય માનવ નિશાંત મણકો જમે છે.

ધર્મ નામે ધતિંગ કરતો રહે છે,

રામ-ભગતો અછૂત કણકો ધમે છે.

ૠતુ-બે-ૠતુ માણસોએ કરી છે,

કેમિકલયુક્ત જાત છણકો દમે છે.

e.mail : addave68@gmail.com

Loading

...102030...665666667668...680690700...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved