Opinion Magazine
Number of visits: 9457390
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતૃભાષા ગુજરાતીની શુદ્ધિ – કેટલાંક વ્યવહારુ સૂચનો  

સુમન શાહ|Opinion - Literature|22 February 2024

: ૧ : 

સુમન શાહ

હું ૧૯૯૨થી અમેરિકા આવ-જા કરું છું, થોડું રહું, પાછો ફરું. એથી મને ત્યાં વસેલા ગુજરાતીઓનો ઠીક ઠીક અનુભવ મળેલો છે. ૩૨ વર્ષ થયાં. અમેરિકામાં કોઈ કોઈ માબાપો મળે તો ક્હૅ – અમારી બેબીને ગુજરાતી નથી આવડતું, પણ અંગ્રેજી ફટાફટ બોલે છે; અમારો બાબો ગુજરાતીમાં થોડુંક બોલે પણ તરત અંગ્રેજીમાં આવી જાય છે. અમારો દીકરો ગ્રેજ્યુએટ થયો પણ આપણા ધરમનું કંઈ જ જાણતો નથી, જિસસમાં માને છે, પણ એને શ્રીકૃષ્ણ કે શ્રીરામની કશી જ ખબર નથી. શું કરી શકાય? હું તેઓને જે-તે જવાબો અને સમજણ આપતો.

એક વાર યુનિવર્સિટી ઑફ પૅન્સેલ્વેનિયામાં પન્ના નાયકે મારું વ્યાખ્યાન રાખેલું, વિષય હતો, ‘ધ ઇમ્પૉર્ટન્સ ઑફ લર્નિન્ગ મધર ટન્ગ ગુજરાતી’. માતૃભાષા ગુજરાતી ભણવાની અગત્ય અને એના મહિમાની વાત મારે અંગ્રેજીમાં કરવાની હતી ! કેવું સુખદ વૈચિત્ર્ય !

૨૦૧૨માં, મેં વિદેશ વસતાં એ માબાપોની ચિન્તાને દૂર કરવા એક પ્રકલ્પ વિચાર્યો હતો, જેનું નામ રાખેલું ‘બા-ની ભાષા, મારી ભાષા’. એ અન્વયે કક્કો, બારાખડી; વાક્યરચના; શબ્દભંડોળ; વર્તમાન ભૂત ભવિષ્ય એમ ૩ કાળ અને તેના ‘ચાલુ’ અને ‘પૂર્ણ’ પેટા પ્રકારો વગેરે મળીને ૯ કાળ; એ બધાં વિશે હું ઑનલાઇન ક્લાસિસ લેવાનો હતો. મારા મિત્ર અતુલ રાવલે ૧,૨૦૦ માબાપોને ઇમેઇલ કરેલા, માંડ ૧૨ તરફથી ઉત્તર મળેલા ! મારો ઉત્સાહ ભાંગીને ભૂકો થઈ ગયેલો.

ગુજરાતમાં, ગુજરાતી સરળતાથી બોલાય લખાય વંચાય, પણ શુદ્ધ બોલાય, યોગ્ય લખાય કે સરખું વંચાય એમ થાય છે ખરું? પ્રાથમિક અને માધ્યમિકના શિક્ષકો તો ‘ના’ પાડશે. કૉલેજમાં મુખ્ય વિષય ગુજરાતી ભણાવતી મારી એક વિદ્યાર્થિની-અધ્યાપકે મને કહેલું : સર, મારે સૌ પહેલાં એ લોકોને કક્કો શીખવવો પડે છે, બ્લૅકબૉર્ડ પર લખીને.

આમ, શુદ્ધ ગુજરાતી, માતૃભાષા ગુજરાતી, એક સળગતો સવાલ છે, મોટી સમસ્યા છે. 

: ૨ : 

આ વીગતો આપીને હું એમ પૂછવા માગું છું કે માતૃભાષાની આપણને ગરજ છે ખરી? કેટલી? એને વિશેની આપણી સાચી માનસિકતા શું છે? એટલી જ કે મૅડિસિનનું ભણીને ડૉક્ટર થવા નીકળેલાને ખપ પૂરતું આવડી જાય તો ચાલે. બેબી લૉ-નું ભણીને ઍડવૉકેટ થવાની છે, એને વ્યવસાયમાં કામ લાગે એટલું આવડી જાય તો ચાલે. આ માનસિકતા વિશે પૂરી ગમ્ભીરતાથી વિચારીએ તો આ સમસ્યાનો ઉકેલ કદાચ મળી આવે.

: ૩ :

માતૃભાષા એટલે ‘મધર ટન્ગ’ અને અંગ્રેજી વગેરે ‘અધર ટન્ગ’. બન્ને વચ્ચેનો ફર્ક આ છે : માના ધાવણથી મોટું થતું બાળક અને ધાવણ વિના બૉટલમિલ્કથી મોટું થતું બાળક તેમ જ બન્નેના મિશ્રણથી મોટું થતું બાળક. ફર્ક સમજાઈ જશે.

: ૪ : 

ગુજરાતીની માતૃ ગણો તો તે છે સંસ્કૃત, અને સંસ્કૃતની માતૃ ગણો તો, છેક ‘ઇન્ડો-યુરોપીયન ફૅમિલી ઑફ લૅન્ગ્વેજીસ’ લગી જવું પડે. હું કહેવા માગું છું કે ગુજરાતી કે સંસ્કૃત ભાષાઓ પારિવારિક સમ્બન્ધે વિકસી છે. ઇન્ડો-ઇરાનિયન, ઇન્ડો-આર્યન વગેરે વચગાળાના તબક્કા છે, જેમાં, એક ‘જરમેનિક બ્રાન્ચ’ છે, જેમાં અંગ્રેજી પણ આવી જાય છે. 

Indo-European Family of Languages —

ગુજરાતીનો સંસ્કૃત સાથેનો પારિવારિક સમ્બન્ધ સ્પષ્ટ છે. સંસ્કૃતમાં -‘વન્દે’ કે ‘વન્દે માતરમ્’ હોય તો ‘વન્દે’-માં પુરુષ, કાળ, વચન બધું આવી જાય છે. એનો ગુજરાતીમાં અનુવાદ છે – હું માતાને વન્દન કરું છું. જુઓ, વાક્ય વિશ્લેષણાત્મક બની ગયું, ‘કરવું’ અને ‘હોવું’ એમ બબ્બે ક્રિયાવાચી પ્રયોગો પણ ઉમેરાઇ ગયા. સંસ્કૃતના કેટલા બધા શબ્દો આપણે વાપરીએ છીએ, જેને તત્સમ કહેવાય છે, યાદ કરો – સર્પ – ધ્યાન – કુમુદ – સરસ્વતી – પંકજ – મધુર – સુસ્મિતા – ઐશ્વર્યા – દીપિકા, વગેરે. અંગ્રેજીનો વિચાર કરીએ : ફાધર – ફાડર – પિટર – પિતર – પિતૃ. મધર – માતૃ – મા – અમ્મા – મૉમ – બા. ડોર – દ્વાર, સમિતિ – કમિટિ, ઇન્વેશન્શન – અન્વેષણ. વગેરે. તત્સમ પરથી તદ્ભવ વિકસ્યા છે, જેમ કે, ‘સર્પ’નું ‘સાપ’. ‘કર્મ’નું ‘કામ’. 

ભાષાઓના પારિવારિક સમ્બન્ધોની માહિતી હમેશાં રસપ્રદ હોય છે. એ જાણવાથી ભાષા માટે પ્રેમ થવા માંડે છે. 

: ૫ : 

માતૃભાષાને સાચવવા શું સાચવવું અનિવાર્ય છે?

ભાષાવિજ્ઞાનના નિયમો અને સિદ્ધાન્તોને તેમ જ તેમની વચ્ચેના ભેદો તેમ જ વિદ્વાનોના મતભેદોને બાજુએ રાખીને કેટલાંક વ્યવહારુ સૂચનો કરું : 

૧ : શબ્દપસંદગીમાં સાવધાન રહેવું – નિરીક્ષક, પરીક્ષક, સમીક્ષક ક્યારે વપરાય? પિતા બાપા પપ્પા ક્યારે પ્રયોજવા?

૨ : જોડણી અને લિપિ બાબતે ધ્યાન આપવું – આપણે ‘સમ્બન્ધ’ બોલીએ છીએ, લખીએ છીએ, સંબંધ. વિવૃત / સંવૃતના બધા ભેદ સાચવવા : ગૉળ-ગોળ, કૉઠું-કોઠી, ડેડ -ડૅડ

૩ : વાક્યરચનાની શુદ્ધિ જાળવવી. કર્તા કર્મ ક્રિયાપદ, એ ગુજરાતી વાક્યાન્વય છે. ‘રમેશ નિશાળે જાય છે’. ‘નિશાળે રમેશ જાય છે’. ‘જાય છે રમેશ નિશાળે’ પણ ‘નિશાળે છે જાય રમેશ’ – નહીં ચાલે. 

૪ : સાદાં વાક્યો, સંયુક્ત વાક્યો, વગેરેની રચનાઓને વશ રહેવું.

એક પ્રશ્ન થશે કે ભાષાની સાચવણી માટે, વ્યવહારમાં ભાષા બોલાય છે એ સ્વરૂપને વશ રહેવું? કે શબ્દકોશમાં અને વ્યાકરણમાં છે એને વશ રહેવું? આમાં મતભેદો છે.

પણ સાદું સમજી રાખીએ કે જોડણી, બોલાય છે તેને અનુસરે છે. લિપિ, જોડણીને અનુસરે છે. વ્યાકરણ, બોલાય છે એમાંથી નિયમો તારવે છે અને એ નિયમો ભાષકોએ સાચવવાના હોય છે. એ બધું સચવાય એટલે અર્થ કે વાક્યાર્થ સચવાય છે જેને આપણે શુદ્ધ ભાષા કહીએ છીએ, અથવા ભાષાશુદ્ધિ કહીએ છીએ, એ સચવાય છે.

: ૬ :

પણ આપણી આસપાસ ‘મમ મમ-થી કામ, ટપ ટપથી નહીં’-માં માનનારાઓની વસતી મોટી છે. એની પાછળ છે, વ્યક્તિની સ્વતન્ત્રતાને માન આપતો ઉદારમતવાદ અને એ બન્નેને માન આપતો માનવતાવાદ. એ સઘળાની પાછળ છે બજારવાદ અને વૈશ્વિક રાજકારણ. મમ મમ-વાળાઓ સ્વાર્થી ગ્રાહકો જેવા છે. ગમે તે લે અને ગમ્મે તે લે ! વળી, – પેલું શું ક્હૅવાય? – જવા દો શબ્દ નથી મળતો … એમ યોગ્ય શબ્દ માટે ફાંફાં મારતા હોય છે, અને કહેતા હોય છે – મારી વાત સમજી ગયા ને? … પણ ઊંધુંછતું સમજાય છે એટલે કહે છે – હું તમને એમ કહેવા ન્હૉતો માંગતો, યાર…એ પ્રકારે, કારણ વગરનો ભાષાચાર ચાલે છે, જેને સાદી ગુજરાતીમાં ‘જીભાજોડી’ કહેવાય.  

: ૭ :

માતૃભાષા મરી રહી છે? આ એક અફવા છે અથવા અરધું કે અરધાથી અરધું સત્ય છે. ખરી વાત એ છે કે ભાષાને વિશેની નિસબત ઘસાઈ રહી છે કેમ કે જરૂરત રહી નથી કે ઓછી થવા માંડી છે. પણ એ કયા ગુજરાતીઓ છે જેમની નિસબત ઘસાઈ રહી છે? કયા ગુજરાતીઓ છે જેમને જરૂરત રહી નથી? 2022-ના અંદાજ પ્રમાણે ગુજરાતની વસતી 7.06 કરોડથી વધારે હશે. એમાં, જેમને જરૂરત નથી લાગતી એ ગુજરાતીઓ મધ્યમ કે ઉપલા મધ્યમ વર્ગના છે અને એમની સંખ્યાનો આંકડો તુલનાએ નાનો છે.

એ લોકો પોતાનાં સન્તાનોને અંગ્રેજી શીખવવા માગે છે, જેથી વિદેશે પ્હૉંચી જવાય અને ધનવાન થઈ જવાય. ઉપરાન્ત, એ લોકોને આજના ટૅક્નોક્રેટ જમાના સાથે તાલમેલ કરવો છે. આ મનોવલણ ખોટું નથી પણ એ માટે માતૃભાષાને ભૂલી જવી એ સાવ જ ખોટું છે. અલબત્ત, કેટલીક વિદ્યાશાખાઓ માટે અંગ્રેજી અનિવાર્ય છે, બાકી જ્ઞાન સ્વભાષામાં જ મળે. મારા બન્ને દીકરા માધ્યમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા હતા, ને ઇજનેર તેમ જ આર્કિટેક્ટ થયા હતા અને એમણે વિદેશે કારકિર્દી બનાવી છે. 

: ૮ :  

નિસબત ઘસાઈ રહી છે કે જરૂરત ઓછી થવા માંડી છે એને કયાં પરિબળો વેગ આપી રહ્યાં છે? : 

૧ : ઉચ્ચ મધ્યમ વર્ગનાં માબાપો – જેઓ ગામડેથી શહેર આવ્યાં છે, બે પૈસા કમાયા છે, ચાર પૈસા માટે સન્તાનોને વિદેશ મોકલવા માગે છે, મેં કહ્યું એમ, સમાજનો મધ્યમ કે ઉપલો મધ્યમ વર્ગ. 

૨ : નિયન્ત્રણ નથી રહ્યાં. સરકારે નવી શિક્ષણનીતિમાં ગુજરાતી ભાષાનો સમુચિત મહિમા તાક્યો છે. પરન્તુ અંગ્રેજી માધ્યમની શાળાઓ પર સરકારનું કેટલું ધ્યાન છે એ પ્રશ્ન છે. જે શાળાઓમાં અંગ્રેજી ભાષા માધ્યમ રૂપે પ્રયોજાય છે એની કશી સમીક્ષા નથી થતી. એ શિક્ષકોનું અંગ્રેજી કેવું હોય છે તેની ભાગ્યે જ કોઈને ખબર પડે છે. મારા ઘરની સામે જ શાળા છે. બાળકો અને તેમને લેવા-મૂકવા આવતાં માબાપોનાં દૃશ્યો મને પ્રસન્ન કરે છે. પરન્તુ મને ચિન્તા થાય છે કે અંગ્રેજી માધ્યમથી વિદ્યાર્થી શું પામતો હશે. એ તો એ જ જાણતો હશે અને વિદેશ ગયા પછી વધારે જાણવાનો ! 

૩ : શિક્ષણ પોતે જ માનવીય વૃત્તિઓનાં સંસ્કરણની વ્યવસ્થા છે. માણસને એ કેળવે છે, એટલે કેળવણી કહેવાય છે. સા વિદ્યા યા વિમુક્તયે. મુક્તિ અપાવે તે વિદ્યા અથવા વિદ્યા મુક્તિ અપાવે છે. હા, પણ હવે જુદી રીતે. કેમ કે હવે વિદ્યાથી નહીં વિદ્યાસ્થાનેથી મુક્તિ મળી જાય છે. મેં સાંભળ્યું છે કે કોઈ કોઈ કૉલેજોમાં ‘ભૂતિયા’ વિદ્યાર્થીઓ હોય છે ! શિક્ષક પણ વિદ્યાર્થીને મુક્ત રહેવા દે છે કેમ કે એને પણ મુક્ત રહેવું છે. શિક્ષક બધું ચલાવી લે છે કેમ કે ન ચલાવવું એને પાલવતું નથી, કેમ કે એને પણ ચાલવું હોય છે. વિદ્યાર્થીને હવે નાપાસ કરવાનું અઘરું થઈ ગયું છે.

૪ : સાહિત્યકારો શબ્દના બંદા કે શબ્દસ્વામી કહેવાય, તેઓ પણ બેફિકર થવા માંડ્યા છે. લખાણોમાં ભૂલો કરે છે. વ્યાખ્યાનોમાં અશુદ્ધ ઉચ્ચારો કરે છે, અને બેચારને જ ખબર પડે છે કે શું અશુદ્ધ છે. આ વસ્તુ ઍક્સપોઝર માગી લે છે. ઍક્સપોઝર એટલે ઉઘાડ, પરિસ્થતિ વિશે ખુલ્લા, સભાન થવાયું હોય, અનુભવાયું હોય કે ગંદકી ક્યાં છે. ગંદકી દેખાય જ નહીં તો ચોખ્ખું ક્યાં કરે? 

: ૯ :  

ઉપાય શુ છે? કશો નહીં ! ચાલવા દો, કેમ કે, ગુમાવવાનું શું છે? ના, સમજદારોએ બેસી ન કહેવું. આ વિષમ કાળે સત્યો દર્શાવવાં એ કર્તવ્ય છે, વિદ્વદ ધર્મ છે.

૧ : જેઓ આ સમજે છે એમણે માતૃભાષા સાચવવી. ચોપાસ ભાષિક અનાચાર છે પણ સમજદારોએ તો સદાચરણ કરી બતાવવું. હું ‘સુભાષ શાહ’ બોલું એમાં ગુજરાતી ભાષાના ત્રણેય ‘સ’ આવી જાય છે. જેનું એ નામ છે એ વ્યક્તિ, સૌ પહેલાં, પોતાના નામનો સાચો ઉચ્ચાર શીખશે અને પછી તો જે લોકો એના નામનો ખોટો ઉચ્ચાર કરશે, તેનો વાંધો લેશે. વાંધો લેવાયો એ લોકો પણ વાંધા લેવા માંડશે. એમ સુધારાનો વિકાસ થશે.

૨ : સુધારાની શરૂઆત ઘરથી થવી જોઇએ : સુભાષ શાહ કુટુમ્બમાં નક્કી કરશે કે મંગળવારે એકપણ શબ્દ પરભાષાનો ન આવે એમ વાતચીત કરીશું. બુધવાર શુદ્ધ ઉચ્ચાર માટે રાખશે. ગુરુવાર ગોવર્ધનરામ, ગાંધીજી, ઉમાશંકર કે સુરેશ જોષીના સાહિત્યના વાચન માટે રાખશે. શુક્રવાર શબ્દઘડતર અને શબ્દસૌન્દર્યના પરિચય અને અનુભવ માટે રાખશે : કહેશે કે તાપ પ્રતાપ સંતાપ પરિતાપ કેવી રીતે ઘડાયા છે તે સમજો, તેમની વચ્ચેના ફર્ક સમજો અને વાપરી બતાવો. એ જ રીતે, નિરીક્ષા પરીક્ષા સમીક્ષા; મહારાજ અને મા’રાજ; પણ્ડિત અને મહા પણ્ડિત; યાત્રા અને મહા યાત્રા. 

કેટલાંક વાક્યો અમસ્તાં જ સુન્દર હોય છે – આપનું નામ જાણી શકું? આપનું શુભ નામ જાણી શકું? જાણી શકું કે આપ ક્યાંથી આવો છો? કયા નગરની પ્રજાને વિરહિત કરી રહ્યા છો? સુખમાં છો? ઉત્તર – સુખી તો છું. ભાષા જ માણસને માણસ સાથે જોડે છે. શનિવારે સુભાષભાઇ સ્પૅલિન્ગ બી, વક્તૃત્વ સ્પર્ધા, વગરે કાર્યક્રમો જોવા-સાંભળવાનું રાખશે. પત્નીને કહેશે – તું જોડણીકોશ વાંચવાની ટેવ પાડ. 

મેં મિત્રોને કહેવાનું ચાલુ રાખ્યું છે : થૅન્કસને બદલે ‘સારું લાગ્યું’ કહો. સૉરીને બદલે, ‘દિલગીર છું’ કહો. વૅલકમને સ્થાને, ‘આવકાર્ય કહો’. પ્રયત્ન કરી જોજો, સારું લાગશે. 

: ૧૦ : 

છેવટે તો વ્યક્તિગત બાબત છે. સુધારાની શરૂઆત ઘરથી બરાબર, પણ વ્યક્તિથી થવી જોઈશે. કેમ કે ભાષા આત્મગૌરવની વસ્તુ છે. મારી શુદ્ધ ભાષાથી મને ગૌરવનો અનુભવ થાય છે. હું મને પોતાને જ સુન્દર લાગું છું. પણ વ્યક્તિ આત્મરતિમાં અટવાયેલી રહેતી હોય તો કહે કે – મારું કામ ને જીવન બરાબ્બર ચાલે છે; સુમન શાહ, તમને શું તકલીફ છે? તો એને ન પ્હૉંચાય. સવાલ, મેં કહ્યું એમ ઍક્સપોઝરનો છે, ગંદકીને વિશેની સમજણ આવી જવી જોઈએ. ઘણાઓને જાહેરમાં નાકમાં આંગળી ખોસીને ગૂંગું શોધવાની, ઓડકાર કે બગાસાં ખાવાની કે નખ કરડવાની ટેવ હોય છે. સામો માણસ અશુદ્ધ ઉચ્ચારો કરે તો આપણને સૂગ થવી જોઈએ. ખોટી વાક્યરચનાઓ જોઈને આપણને ચીડ થવી જોઇએ. વગર કારણે વચ્ચે અંગ્રેજી શબ્દો સરકાવતો હોય તો આપણને ગુસ્સો આવવો જોઈએ. એનું અંગ્રેજી ખોટું હોય તો ઑર ગુસ્સો આવવો જોઈએ. 

: ૧૧ :

સાહિત્ય, ભાષામાં લખાય છે એ આપણે જાણીએ છીએ. એથી સાહિત્યિક સૌન્દર્યનો, કલાનુભવનો કે રસાનુભવનો આનન્દ મળે છે એ જાણીએ છીએ, પણ આપણી ભાષા અશુદ્ધ હશે તો એ વાત બહુ દૂરની લાગશે. ભાષા અશુદ્ધ હશે તો સાહિત્યમાં પ્રવેશ નહીં મળે, મળી ગયો હશે પણ સાચકલી મજા નહીં આવે. ભાષા અશુદ્ધ હશે તો સાહિત્યસર્જન પણ નહીં કરી શકાય. ગઝલ લખવી હશે પણ રસપ્રદ રદીફ-કાફિયા જડશે નહીં. કુંભાર મૅલી માટીમાંથી કોડિયાં, ઘડો કે ભોટવો નથી બનાવી શકતો. કાંકરા ઢેખાળા કે ઘાસવાળી માટી હોય તો ન ચાલે, નકામી છે.

શું જીવનમાં કે સાહિત્યમાં ભાષા શુદ્ધ હોવી જોઈએ એ પહેલી શરત છે.

વિશ્વમાં પંકાયેલા મોટાભાગના સાહિત્યકારોએ માતૃભાષામાં લખ્યું છે, તે પછી તેમની કૃતિઓના અનુવાદ થયા છે. “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-ના ૪૬ ભાષામાં અનુવાદ થયા છે, પણ એના સર્જક માર્ક્વેઝને ગ્રેગરી રબાસાએ અંગ્રેજીમાં કરેલો અનુવાદ ખૂબ ગમેલો કેમ કે રબાસા સ્પૅનિશ અને અંગ્રેજી બન્ને ભાષાને એના શુદ્ધ રૂપમાં જાણતા હતા.

બસ ! 

= = =

(Feb 22, 24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અધિકારી પોતાના રક્ષણ માટે કોની પાસે જાય ?

રમેશ ઓઝા|Opinion - Opinion|22 February 2024

રમેશ ઓઝા

સર્વોચ્ચ અદાલતે ચંડીગઢમાં યોજાયેલી મેયરની ચૂંટણીને રદ્દ નથી કરી, પણ ચૂંટણી અધિકારી અનિલ મસીહની બદમાશીની નોંધ લઈને ચૂંટણી અધિકારીએ પરાજીત જાહેર કરેલા આમ આદમી પાર્ટી-કાઁગ્રેસના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા ઠરાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે બંધારણના આર્ટીકલ ૧૪૨નો આશરો લીધો હતો જે અદાલતને ખાસ સંજોગોમાં સરકારને સલાહ, નિર્દેશ કે આદેશ આપવાનો અધિકાર ધરાવે છે.

વાચકોને જાણ હશે કે ૩૦મી જાન્યુઆરીના રોજ ચંડીગઢમાં મેયરના પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી આમ તો ૧૮મી જાન્યુઆરીએ યોજાવાની હતી, પણ ચૂંટણી અધિકારીએ બહાનું કાઢ્યું હતું કે તેઓ બીમાર છે એટલે ચૂંટણી મુલતવી રાખવી પડે એમ છે. એ પછી તેમણે છઠ્ઠી ફેબ્રુઆરીની તારીખ આપી હતી જેને આમ આદમી પાર્ટીએ વડી અદાલતમાં પડકારી હતી અને અદાલતે ચૂંટણી અધિકારીને ૩૦મી જાન્યુઆરીએ ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. દેશ ભરમાં દરેક ચૂંટણી બી.જે.પી.ને માફક આવે એ સમયે અને એ રીતે યોજવામાં આવે છે એ હવે ક્યાં છાનું છે! મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત મહાનગરપાલિકાઓની ચૂંટણી દોઢ વરસ થવા આવ્યું હોવા છતાં યોજવામાં આવતી નથી. બી.જે.પી. માટે અનુકૂળતા નથી. હજુ અશોક ચવ્હાણ જેવા થોડા લોકોને ફોડવાના બાકી છે. આમ ચૂંટણીપંચ અને ચૂંટણી અધિકારીઓ ઉપરથી નીચે સુધી શાસક પક્ષને અનુકૂળ થઈને કામ કરે છે. અહીં ચંડીગઢમાં પણ તેને આદેશ આપવામાં આવ્યો હતો કે ચૂંટણી ટાળવામાં આવે.

અદાલતના આદેશના પરિણામે ૩૦મી જાન્યુઆરીએ ચૂંટણી યોજવી પડી જેમાં બી.જે.પી.ના ઉમેદવારને ૧૬ મત મળ્યા હતા અને આમ આદમી પાર્ટી-કાઁગ્રેસના સંયુક્ત ઉમેદવારને ૨૦ મત મળ્યા હતા. દેખીતી રીતે આમ આદમી પાર્ટી-કાઁગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો, પરંતુ ચૂંટણી અધિકારી અનિલ મસીહે બી.જે.પી.ના ઉમેદવારને વિજેતા ઘોષિત કર્યા હતા. એ ભાઈએ આપ-કાઁગ્રેસના આઠ મતપત્રકોમાં ચેડાં કર્યાં હતાં અને એ આઠ મતને અપાત્ર કે અમાન્ય જાહેર કર્યા હતા. આ રીતે આપ-કાઁગ્રેસના મત ઘટીને ૧૨ થઈ ગયા. હવે બન્યું એવું કે જે આઠ મતપત્રકો પર અનિલ મસીહ સ્યાહીથી કાંઈક લખતા હતા એ સી.સી.ટી.વી. કેમેરામાં ઝડપાઈ ગયું. 

હદ કહેવાય. આટલી હદે ભારતનું લોકતંત્ર નીચે ઊતરી ગયું છે કે ચૂંટણી અધિકારી પોતે મતપત્રકમાં ચેડાં કરે? જ્યારે પરાજિત જાહેર કરાયેલા કુલદીપ કુમારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી અને સી.સી.ટી.વી.ના ફૂટેજ બતાવ્યા ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા કે “દેશમાં આ શું ચાલી રહ્યું છે?”

જી હા, દેશમાં જે ચાલી રહ્યું છે એ તાનાશાહી નહીં, પણ ફાસીવાદ તરફની દિશા છે અને એ હિન્દુત્વવાદીઓ સહિત બધા જાણે છે. હિન્દુત્વવાદીઓ ખૂશ છે અને બાકીના ભારતીય નાગરિકો ચિંતિત છે. બુદ્ધિ વિનાના ભક્તો હવે કોઈ છે જ નહીં. જેને તમે ભક્ત કહો છો એ વાસ્તવમાં કોમવાદી હિંદુ છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ પણ આ જાણે છે અને વળી સર્વોચ્ચ અદાલતમાં પણ અનિલ મસીહો ઘણા છે. એમાંના કેટલાક ન્યાયની જગ્યાએ શાસકોની સેવા (મદદ) કરીને નિવૃત્તિ પછીના હોદ્દાઓ ભોગવે છે, એક મહાશય રાજ્યસભાનું સભ્યપદ ભોગવે છે અને બીજા કેટલાક આજે અદાલતની પીઠ પર બેસીને પોતાના અંતરાત્માનો અને દેશનાં બંધારણનો સોદો કરી રહ્યા છે. માત્ર અદાલતો નહીં, દેશની તમામ લોકતાંત્રિક સંસ્થાઓની આ જ હાલત છે. શું તમે આ નથી જાણતા?

સર્વોચ્ચ અદાલતે ફેરચૂંટણી યોજવાની જગ્યાએ ચૂંટણી માન્ય રાખી છે અને ચૂંટણી અધિકારીની બદમાશીને અપરાધ ઠરાવ્યો છે. તેની સામે ફોઝદારી કારવાઈ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ ફરક સમજવા જેવો છે. ફેરચૂંટણી ત્યારે યોજાય જ્યારે ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામમાં કશુંક શંકાસ્પદ હોય. અહીં શંકાસ્પદ તો કશું હતું જ નહીં. આઠ મતને (કૂલ ૩૦ મતના ૩૦ ટકા) અવૈધ ઠેરવવા ચૂંટણી અધિકારીએ પોતે કેમેરાની સામે મતપત્રક પર કશુંક ચીતરીને ચેડાં કર્યાં હતા. બીજી બાજુ “દેશમાં આ શું ચાલી રહ્યું છે?” એવા મુખ્ય ન્યાયમૂર્તિના ઉદ્દગાર પછી બી.જે.પી.ને એટલું તો સમજાઈ ગયું હતું કે તેમનો મેયર હોદ્દા પર રહી શકશે નહીં, પરંતુ તેની ધારણા એવી હતી કે સર્વોચ્ચ અદાલત કોઈ બીજા ચૂંટણી અધિકારીના નિરીક્ષણમાં કે પછી અદાલત દ્વારા નિયુક્ત કોઈ પર્યાવેક્ષકની ઉપસ્થિતિમાં ફેરચૂંટણી યોજવાનો આદેશ આપશે. માટે ચૂંટણી જીતવાની તૈયારી રૂપે આમ આદમી પાર્ટીના બે નગરસેવકોને બી.જે.પી.એ ફોડી નાખ્યા હતા. જો સર્વોચ્ચ અદાલતે ફેરચૂંટણીનો આદેશ આપ્યો હોત તો આપ-કાઁગ્રેસનો પરાજય અને બી.જે.પી.નો વિજય નક્કી હતો. બી.જે.પી. વિરોધ પક્ષોને ખતમ કરવા કોઈ પણ સ્તરે જઈ શકે છે. લોકતંત્રનું માત્ર કલેવર બચવું જોઈએ કે જેથી દુનિયામાં કહી શકાય કે ભારત લોકશાહી દેશ છે. આવો હોય લોકશાહી દેશ?

સર્વોચ્ચ અદાલતમાં ચૂંટણી અધિકારી અનિલ મસીહ રડવા જેવા થઈ ગયા હતા. કહોને કે રડી પડ્યા હતા. પણ જો જરાક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો તેનો શું વાંક? જો સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ન્યાયમૂર્તિ વેચાઈ શકતો હોય, મુખ્ય ચૂંટણી કમિશ્નર વેચાઈ શકતો હોય, ઓડીટર જનરલ વેચાઈ શકતો હોય, જો કોઈ રાજ્યનો મુખ્ય પ્રધાન છાશવારે પલટી મારતો હોય, જો નગરસેવકથી લઈને લોકસભાનો સભ્ય વેચાઈ શકતો હોય તો અનિલ મસીહ તો બહુ નાનો માણસ છે. શક્ય છે કે એ કદાચ ડરી પણ ગયો હોય અને એણે ડરના માર્યા અપરાધિક કૃત્ય કર્યું હોય. પણ સવાલ એ છે કે જો તેણે કાયદાને અને ફરજને વફાદાર રહીને હિંમતપૂર્વક બી.જે.પી.ને મદદ કરવાની ના પાડી દીધી હોય તો તેને સંરક્ષણ મળ્યું હોત ખરું? છે કાયદાકીય વ્યવસ્થા અને ન્યાયતંત્રમાં એટલો દમ કે એક અદના અધિકારીને સંરક્ષણ પૂરું પાડે? અમેરિકન કાયદાના રાજ સામે અને તેનું રક્ષણ કરનારા ન્યાયતંત્ર સામે ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બધા ઉધામા નિરસ્ત થઈ રહ્યા છે. બે અમેરિકન રાજ્યમાં ત્યાંની ફેડરલ કોર્ટે ટ્રમ્પને ચૂંટણી લડવા માટે અપાત્ર જાહેર કરી દીધા છે. અહીં અદના સરકારી અધિકારી સામે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રનાં ઉદાહરણો છે.

જો મહારથીઓ વેચાઈ શકતા હોય અથવા શાસકોથી ડરવું પડે એવાં ખોટાં કામો કરતા હોય તો નાનો અધિકારી પોતાનાં રક્ષણ માટે કોની પાસે જાય! સંકટ લોકતાંત્રિક વ્યવસ્થાનું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 ફેબ્રુઆરી 2024

Loading

ગુજરાતી !!

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|22 February 2024

તબિયત સારી

હોય, તરંગો,

ઉછળતાં હોય,

ત્યારે જ,

માતૃભાષા વિષે,

આપમેળે,

શબ્દો,

સૂઝે!!

એમ,

સૂઝ-બૂઝ વિના,

આડેધડ,

આપણને,

લખતાં,

નહી ફાવે!!

ભલું કરે,

ગરવી ભાષા,

ગુજરાતી ..!!!

e.mail : addave68@gmail.com

Loading

...102030...654655656657...660670680...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved