Opinion Magazine
Number of visits: 9457304
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાવરકર બાયોપિકની આગોતરી ખાટીમીઠી સબબ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 February 2024

મુશ્કેલી જો કે એ છે કે હાલના સત્તાવિમર્શમાં કદાચ કદ સે જ્યાદા, હદ સે જ્યાદા પ્રતિષ્ઠાની હોડ મચી છે અને એમાં ઇતિહાસવિવેકનું હોવું અસ્થાને છે … ગોડસે હો કે હુડા, બચાડા માર્યા ફરે,એમનું ગજું શું

નેતાજી સુભાષચંદ્ર બોઝે મુંબઈમાં વીર સાવરકરના નિવાસસ્થાને 22 જૂન, 1940ના રોજ ઓચિંતી મુલાકાત લીધી તે સમયની તસવીર

જૂન, 1940માં સુભાષચંદ્ર બોઝે સાવરકરના મુંબઈ ખાતેના નિવાસસ્થાને તેમની ઓચિંતી મુલાકાત લીધી હતી અને એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝની કોલકાતાના તેમના નિવાસસ્થાનેથી ગુપ્ત રીતે ગુમ થઈ જર્મની ભાગી જવાની યોજના સાવરકર-બોઝ વચ્ચેની આ મુલાકાત દરમિયાન ઘડવામાં આવી હતી.

ખરું પૂછો તો આ મુદ્દે કે’દીનો લખું લખું છું : ગઈ છઠ્ઠી જાન્યુઆરીએ રા.રા. રણદીપ હુડાએ યરોડા સેન્ટ્રલ જેલથી મુક્તિ શતાબ્દી યાત્રાને લીલી ઝંડી આપ્યાનું જાણ્યું ત્યારે ખયાલ આવ્યો કે આ ભાઈ તો સાવરકર જીવનચિત્ર(બાયોપિક)નું મુખ્ય માણસ છે. દરમ્યાન, જાણ્યું કે હવે બાવીસમી માર્ચે તે ફિલ્મ પ્રેક્ષકવગી થશે.

પ્રકાશ ન. શાહ

સાવરકર બાયોપિકની એક ભૂમિકા ચોક્કસ હોઈ શકે. કાળાં પાણીની યાતનામયી કેદ, ત્યાંથી વતન આંગણે ચાલુ જેલવાસ – જુલાઈ 1911થી મે 1921 અંદામાન, ’21-’23 અલીપુર ને રત્નાગીરી જેલવાસ, ને અંતે યરોડા જેલમાંથી 1924ની છઠ્ઠી જાન્યુઆરીએ મુક્તિ, રત્નાગીરી જિલ્લાબંધીના ધોરણે. અંદામાન પૂર્વે છાત્ર દિવસોથી ક્રાંતિકારી રુઝાન, આગળ ચાલતાં ઇન્ડિયા હાઉસ(લંડન)નું રોમહર્ષક પર્વ, ગોરી સામ્રાજ્યધાનીમાં 1857ની શતાબ્દીની ધરાર ઉજવણી, ચોક્કસ જ એક અપીલકારી પૂર્વરંગ છે.

મુશ્કેલી ત્યાં છે કે હાલના સત્તાવિમર્શમાં એમની કદ સે જ્યાદા, હદ સે જ્યાદા પ્રતિષ્ઠાની હોડ મચી છે. તેમાં ઇતિહાસવિવેકનું હોવું ન હોવું અસ્થાને છે. જેમ કે, હુડાની આવતે મહિને આવી રહેલી ફિલ્મની જે આગોતરી ખાટીમીઠી (ટીઝર) આપણી સામે છે એમાં સાવરકર સહસા સુભાષબાબુ, ભગતસિંહ અને ખુદીરામ બોઝના પ્રેરણાપુરુષરૂપે જાહેર થાય છે.

આ ચાર પૈકી એકેના અધિકૃત ઇતિહાસકારને નહીં એવી ને એટલી ખબરે ખબર હુડા મહાશયને છે. નેતાજીના પ્રપૌત્ર (મોટાભાઈ શરતચંદ્રની સંતાન પરંપરામાં) ચંદ્ર બોઝ, જે વચ્ચે કેટલોક વખત ભા.જ.પ.માં હતા, એમણે લાગલી જ પ્રતિક્રિયા આપી છે કે નેતાજી અને ભગતસિંહ જે સેક્યુલર ભારતનું સપનું લઈને ચાલ્યા હતા એ સાવરકરનું નહોતું.

શહીદ ખુદીરામ બોઝના પ્રપૌત્ર સુબ્રતો રોયે કહ્યું છે કે હેમચંદ્ર કાનુનગો, સત્યેન બોઝ, અરવિંદ ઘોષ ને એકંદર અનુશીલન પરંપરામાં ખુદીરામનું ઘડતર થયું હતું. જર્મનીથી નેતાજીનાં પુત્રી અનીતાએ પણ ચીપિયો ખખડાવ્યો છે. અને હા, નેતાજી સ્થાપિત ફોરવર્ડ બ્લોકે પણ હુડાઈ બાબતે સખત નારાજગી દર્શાવી છે.

મુદ્દે, હુડા તો માનો કે એમને તહેદિલ કશુંક વળગણ (ઓબ્સેશન) લાગ્યું કે આડેધડ અધ્ધરપધ્ધર મચી પડ્યા હોય. ફિલ્મ-નિર્માણની પ્રક્રિયામાં એમનાથી જુદા પડેલા દિગ્દર્શક મહેશ માંજરેકરે કહ્યું છે કે જેને અંગે તથ્યની ભોંય ન હોય એવી વાતો – જેમ કે, સાવરકર ને ભગતસિંહ રૂબરૂ મળ્યા હતા – હુડા ઘુસાડવા ઈચ્છતા હતા. પ્રશ્ન લબરમૂછ વોટ્સએપ બાળુડાંનો એટલો નથી જેટલો હાલના સત્તાવિમર્શના ખેલંદાઓનો છે.

ઓક્ટોબર 2023માં સરસંઘચાલક મોહન ભાગવતની પ્રસ્તાવના સાથે સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશનર ઉદય માહુરકર ‘વીર સાવરકર : ધ મેન હુ કુડ હેવ પ્રીવેન્ટેડ પાર્ટિશન’ લઈને આવ્યા ત્યારે પ્રકાશન સમારોહમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે સાવરકરને બચાડાને તમે મર્સી પિટિશન વાસ્તે ઠાલા ઝૂડો છો – ખુદ ગાંધીજીએ જ સાવરકર બંધુઓ માટે અરજી કરી હતી. અંદામાનના યાતનાદિવસોમાં સાવરકરે માનો કે એક પ્રયુક્તિ તરીકે દયા અરજી કરી હોય, એક કરતાં વધુ વખત કરી હોય (જે ફાઈલબધ્ધ દસ્તાવેજ છે) એમાં ગાંધીજી ક્યાંથી ચિત્રમાં આવ્યા?

એમને સજા 1910માં થઈ હતી. ગાંધીજી હજુ તો દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટર ગાંધીભાઈ હતા. ઉપરાછાપરી અરજીઓના છેવટના હિસ્સામાં ગાંધીપ્રવેશ જરૂર થયો છે. બે સાવરકરભાઈઓ જેલમાં છે અને જે ત્રીજા બહાર છે તે ગાંધીજીને મળ્યા છે અને ભાઈઓને છોડાવવા સારુ કાંક કરો એવી વિનંતી કરી છે. તે સંદર્ભમાં ગાંધીજીએ લીધેલી ભૂમિકા એ હતી કે હિંદની અંગ્રેજ સરકારે બધા રાજદ્વારી કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો છે એનો લાભ સાવરકર ભાઈઓને પણ મળવો જોઈએ, કેમ કે વિ.દા. સાવરકરે જેલ અધિકારીઓ મારફતે સરકાર જોગ કરેલ એકાધિક અરજીઓમાં લખ્યું છે કે હું તો તમારો ‘પ્રોડિગલ સન’ છું. ક્યારેક ભલે જે માનતો કે કરતો હોઉં પણ હવે તો હું બંધારણીય રસ્તે કામ કરવામાં માનું છું.

મતલબ, હવે એ ક્રાંતિકારી (ત્યારના પ્રયોગ પ્રમાણે ‘ટેરરિસ્ટ’) નથી પણ રાજકીય પ્રવૃત્તિકારની એમની ભૂમિકા છે. હવે જો સાવરકર આમ કહેતા હોય તો સરકારે અન્ય રાજકીય કેદીઓની જેમ એમને પણ ‘એમ્નેસ્ટી’(સાર્વત્રિક માફી)નો લાભ આપવો જોઈએ. ‘કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી’(અક્ષરદેહ)માંથી પસાર થતાં આખી વાત તરત સ્પષ્ટ થઈ જાય છે.

1909માં 24મી ઓક્ટોબરે લંડનમાં દક્ષિણ આફ્રિકાની કામગીરીસર આવેલા ગાંધી, સાવરકર અને મિત્રોના નિમંત્રણથી દશેરા ઉત્સવમાં અધ્યક્ષ તરીકે સામેલ થયા હતા. તે પછી છેક 1927ની પહેલી માર્ચે બંને રત્નાગીરીમાં મળ્યા છે. એ મુકાબલો, એક માન્યતા પ્રમાણે 1948ની 30મી જાન્યુઆરી સુધી ખેંચાય છે. કોઈ કોઈ ચરિત્રકાર પણ લંડન બીના અને દિલ્હી ઘટના, એ બે બિંદુઓ પકડીને ગાંધી-સાવરકર મુકાબલાની દાસ્તાં લખવી પસંદ પણ કરતા હોય છે. જેમ લંડનમાં ઢીંગરાની પૂંઠે તેમ દિલ્હીમાં ગોડસેની પૂંઠે સાવરકર હોઈ શકે? પૂરક પુષ્ટિ (કોરોબરેટિવ) પ્રમાણના અભાવે એમને અદાલતે મુક્ત ઘોષિત કર્યા હતા. જો કે, કપૂર કમિશનની તપાસ મુજબ એવું પ્રમાણ સુલભ ને શક્ય હતું.

પણ આપણે આ ક્ષણે એમાં ન જઈએ, અને તત્કાલીન ઇતિહાસપ્રવાહના સંદર્ભે બંનેનાં વૈચારિક વલણો અને જીવનકાર્યને તપાસીએ તે ઈષ્ટ લાગે છે. ગાંધીહત્યાનો મુદ્દો અસામાન્ય મુદ્દલ નથી. માત્ર, વિચારધારાકીય તપાસને ધોરણે તેમ જ વીરતા અને સ્વતંત્રતાની અભિનવ સમજને ધોરણે એમાં અટવાયા વિના ચાલવું અને વીરતાની વ્યાખ્યા જેમ ગોળી મારવામાં તેમ ઝીલવામાંયે રહેલી છે તેવો નવવિવેક કેળવવો એ હાલના કથિત વૈકલ્પિક વિમર્શની દૃષ્ટિએ વધુ પથ્ય થઈ પડશે.

વીરતા ને દેશભક્તિ લગારે આથાઅમળાટ વિનાની એટલે કે નિરામય હોઈ શકે? રેશનલિસ્ટ સાવરકર અને આસ્તિક ગાધીને આ રીતે જોવાતપાસવા જેવા છે.

ગોડસે હો કે હુડા, એમનું ગજું શું.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 28 ફેબ્રુઆરી 2024

Loading

વહાણે ચડ્યું છે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|28 February 2024

પાંપણે ઝાંઝવું હિલોળે ચડ્યું છે,

શમણું તો બાપડું પરાણે ચડ્યું છે.

સૂર્યનો તાપ ભર બપોરે સહે છે,

શ્વાસને ખેંચતું ઉખાણે ચડ્યું છે.

ભર બપોરે ટહેલવા નીકળે છે,

રાતનાં બોતડું ફટાણે ચડ્યું છે.

દિવસે મસ્ત મોજ માણી શકે છે,

આંખને ખેંચતું કટાણે ચડ્યું છે.

હેત વરસાવવા મહોરી ઉઠ્યું છે,

હાસ્ય રેલાવતું વહાણે ચડ્યું છે.

e.mail : addave68@gmail.com

Loading

રશિયામાં ગુજરાતી અનુવાદક તરીકે સાત વર્ષ

શ્રુતિ શાહ|Opinion - Opinion|27 February 2024

1986થી 1993 સુધી રશિયાના પાટનગર મોસ્કોમાં રહેવાના, રાદુગા પ્રકાશન માટે રશિયનમાંથી ગુજરાતી પુસ્તકોનો અનુવાદ કરવાના અનુભવો

શ્રુતિ શાહ

એ દિવસો ઊથલપાથલભર્યા છતાં મઝાના હતા. મારા પતિ રાજીવ (શાહ) 1986ના જાન્યુઆરીના અંતમાં મોસ્કો જવા નીકળ્યા. તેમની નિમણૂક સ્વતંત્રતા સેનાની અરુણા અસફઅલી દ્વારા સંચાલિત, ડાબેરી ઝુકાવ ધરાવતા અખબાર ‘પેટ્રિઅટ’ અને સાપ્તાહિક ‘લિંક’ના સંવાદદાતા તરીકે થઈ હતી. તેમને ફેબ્રુઆરીના અંતમાં રશિયાના પ્રમુખ મિખાઇલ ગોર્બાચેવની ઉપસ્થિતિમાં થનારી સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીની ઉચ્ચ સ્તરીય કૉઁગ્રેસમાં પત્રકાર તરીકે હાજર રહીને, તેના અહેવાલ મોકલવાના હતા. ત્યારે હું દિલ્હીની એક સરકારી શાળામાં ગ્રંથપાલ તરીકે કામ કરતી હતી અને મારી દીકરી હિના સવા વર્ષની હતી. રાજીવે જતાં પહેલાં મને રશિયાના વિસા મળી જશે એટલી ખાતરી આપી હતી. બસ એટલું જ.

એપ્રિલ 1986ના આરંભમાં હું મારી દીકરી હિના જોડે મોસ્કો પહોંચી. એરપોર્ટની કડક સિક્યોરિટીમાંથી બહાર આવ્યાં, ત્યારે અમને લેવા માટે રાજીવ અને એનો એક વિદ્યાર્થી મિત્ર ગૌતમ સરકાર આવ્યા હતા.

મા-દીકરી

રાજીવ અમારા માટે ગરમ કપડાં લઈને આવ્યો હતો, તે પહેરીને બહાર ચોતરફ ઓગળતા બરફ વચ્ચે અમે ટેક્સીમાં બેઠાં. મોસ્કોમાં નવેમ્બરથી બરફ જામવાનો શરૂ થઈ જાય છે અને મે પહેલાં પૂરેપૂરો ઓગળતો નથી. ત્યાં જેટલો બરફ જોયો, એટલા બરફની મેં કદી સ્વપ્નમાં પણ કલ્પના કરી ન હતી.

વેરાન પરા વિસ્તારમાંથી પસાર થઇને દોઢેક કલાકે અમે શહેરની મધ્યમાં આવેલા ‘પેટ્રિઅટ’ના ફ્લેટ પર પહોંચ્યા, જે સોવિયેત સરકારે અખબાર માટે ફાળવેલો હતો. વિદેશીઓના એન્ક્લેવની વચ્ચે રહેતા બીજા વિદેશી લોકોના ફ્લેટથી વિપરીત, અમારો ફ્લેટ રશિયન વિસ્તારમાં હતો — નાની નદી ‘યાઉઝા’ને કિનારે, ક્રેમલીનથી ત્રણ કિલોમીટર દૂર. સરનામું હતું : 52, Ulitsa Chkalova (ઉલિત્સા એટલે શેરી. Chakalov / ચકલોવ 1930ના દાયકાના જાણીતા રશિયન ઉડ્ડયનવીર હતા. તેમનું નામ ધરાવતી શેરી.).

પાંચમા માળે આવેલા ફ્લેટમાં ત્રણ બેડરૂમ અને એક લિવિંગ રૂમ હતા. રશિયન ધોરણ પ્રમાણે તે ઠીકઠીક આરામદાયક અને ઘણો મોટો કહેવાય.

તેના ત્રણમાંથી એક બેડરૂમમાં રાજીવે ઓફિસ બનાવી. તે સમયે હું કે રાજીવ રશિયન ભાષા જાણતાં ન હતાં. એટલે, અમે એક નાનો અંગ્રેજી-રશિયન શબ્દકોશ લઈને શોપિંગ માટે નીકળતાં અને અમારે શું જોઈએ છે તે દુકાનદારને સમજાવવાનો પ્રયત્ન કરતા.

‘પેટ્રિઅટ’ના પત્રકાર હોવાનો સૌથી મોટો ફાયદો એ હતો કે સોવિયેત પ્રચાર સંગઠન Agenstva Pechati Novosti(APN)ના અધિકારીઓ હંમેશાં તેના સંવાદદાતાને મદદ કરવા તૈયાર રહેતા હતા. તે સમયે ભારતીયો ત્યાં બહુ ઓછા હતા. તેમાંથી કેટલાકની પાસેથી મને જાણવા મળ્યું કે સોવિયેત રશિયાની વિદેશી ભાષાઓમાં પ્રકાશન કરતી પ્રકાશન સંસ્થા ‘રાદુગા’ ગુજરાતી અનુવાદકની શોધમાં છે. રાજીવે APN અધિકારીનો સંપર્ક કર્યો અને તેમણે ‘રાદુગા’નો સંપર્ક કર્યો.

રાદુગા વિદેશી ભાષાઓમાં સોવિયેત સાહિત્ય પહોંચાડતું. પ્રકાશનગૃહ પ્રોગ્રેસ પબ્લિશર્સ (ગુજરાતીમાં ‘પ્રગતિ પ્રકાશન’) જેના ગુજરાતી અનુવાદક અતુલ સવાણી હતા તે વધારે પ્રમાણમાં તત્કાલીન સોવિયેત નેતાગીરીને પ્રિય માર્ક્સ, એન્‌ગલ્સ અને લેનિનનાં પુસ્તકો પ્રગટ કરતું હતું.

‘રાદુગા’ના રશિયન સ્ટાફમાં થોડું ગુજરાતી જાણતા હોય એવા ત્રણ જણ હતા. તેમણે મને અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદનું કામ આપ્યું. મેં તે સહેલાઈથી કર્યું. એટલે મારું નામ તરત મંજૂર કરવામાં આવ્યું. આમ, મોસ્કો પહોંચ્યા પછી ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં મેં રશિયન સાહિત્યનાં પુસ્તકોના અનુવાદનું કામ આરંભ્યું.

યેલેના વ્લાદિમીરોવ્ના

મને રશિયન ભાષા શીખવાવા માટે રાદુગા દ્વારા એક રશિયન શિક્ષકની નિમણૂક કરવામાં આવી હતી. તેમનું નામ યેલેના વ્લાદિમીરોવ્ના. તે મોસ્કોની પીપલ્સ યુનિવર્સિટીના નિવૃત્ત મહિલા પ્રોફેસર અને રશિયન ઉપરાંત ફ્રેન્ચ ભાષાનાં વિદ્વાન હતાં, તેમને અંગ્રેજી આવડતું ન હતું. ગુજરાતીનો તો સવાલ જ નહીં. તે મને હાવભાવથી, ચિત્રો દ્વારા અને આસપાસની વસ્તુઓની રશિયન ભાષામાં ઓળખાણ કરાવી ભાષા શીખવતાં. તેમની આવી અનૌપચારિક રીત મને બહુ અનુકૂળ આવી અને હું ઝડપભેર રશિયન શીખવા લાગી.

ટૂંક સમયમાં મેં રશિયનમાં સાહિત્ય વાંચવાનું અને રશિયનો સાથે તેમની ભાષામાં વાતચીત કરવાનું શરૂ કર્યું. ખરીદી કરવા જતી વખતે પણ બહુ મુશ્કેલી વિના સંવાદ થવા લાગ્યો. રશિયન સ્ટોરોમાં મોટે ભાગે મહિલાઓ કામ કરતી. તે એક ભારતીય સ્ત્રી અને તેની નાની દીકરીને જોઈને બહુ રાજી થતી અને વસ્તુ ખરીદવામાં મદદ પણ કરતી. ‘ઇસ્દ્રસ્ત્વિચે’ (નમસ્તે) એવું અભિવાદન કરીને તેમને જોઈતી વસ્તુ વિશે પૂછતાં. મારી નવાઈ વચ્ચે રોજિંદા વપરાશની ઘણી ચીજો સ્ટોરમાં ન હોય. એટલે તે અમને ખેદ વ્યક્ત કરીને કહેતી, ‘ઇસવીનીતે એતો નિયતો’ (એ વસ્તુ અહીં નથી). ઘણાં શાકભાજી તો લગભગ બારમાંથી આઠ મહિના ન મળે. એટલે મળે ત્યારે જથ્થાબંધ લઈને ફ્રીઝરમાં મૂકી દેવાનાં.  હા, ડુંગળી, બટાકા, કોબી અને ફળમાં સફરજન લગભગ કાયમ મળે, પણ તેમની ગુણવત્તા જોઈને લેવાં પડે.

રશિયનમાંથી સીધું ગુજરાતીમાં ભાષાંતર કરવા સુધી પહોંચવામાં મને લગભગ છ મહિના લાગ્યા. શરૂઆતમાં મેં રશિયનમાંથી બાળકોનાં પુસ્તકનું ભાષાંતર શરૂ કર્યું. યેલેના વ્લાદિમીરોવ્ના ઘણી વાર મને તેમના નિવાસસ્થાને કલાસ માટે બોલાવતાં હતાં અને ઘરે બનાવેલા વાઇન સહિત શ્રેષ્ઠ રશિયન વાનગીઓનો સ્વાદ ચખાડતાં હતાં. તે અમારા ઘરે આવે ત્યારે એમને હું મસાલાવાળી ગુજરાતી ચા પીવડાવતી. તે હંમેશાં હસતાં હસતાં કહેતાં, ‘આ તો વોદ્‌કા જેવી સ્ટ્રોંગ છે.’

હિના જોડે લ્યુદમિલા વાસિલિયેવના

આથી પણ વધારે, રશિયન ભાષા અને સંસ્કૃતિ શીખવામાં મને સૌથી મોટી મદદ કરનાર રશિયન મહિલા હતાં લ્યુદમિલા વાસિલિયેવના. તેઓ રાદુગા પબ્લિશિંગ હાઉસમાં ગુજરાતી ભાષાનાં સંપાદક હતાં. તે પોતાની ગુજરાતી બોલવાની કુશળતા નિખારવા માટે અવારનવાર અમારા ઘરે આવતાં અને અમને તેમના ઘરે બોલાવતાં. તે ગુજરાતીમાં મુક્તપણે બોલવાનો પ્રયત્ન કરતાં અને હું તેમની પાસેથી રશિયન શીખવાનો પ્રયત્ન કરતી. તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં આવીને પણ રહ્યાં હતાં અને લોકો તેમને લ્યુદમિલાબહેન તરીકે સંબોધતા હતા.લ્યુદમિલાબહેને અમારી પુત્રી  હિનાને નજીકની નર્સરી(ક્રેશ/crèche)માં, અને પછી ઇંગ્લિશ સ્કૂલમાં  એડમિશન માટે મદદ કરી. બન્ને જગ્યાએ તેને બહુ મઝા પડતી. ક્રેશમાં તો બીજા જ દિવસથી તે સરસ રીતે રમતી થઈ ગઈ હતી. અમે તેને ઘરે પાછા લેવા જતાં ત્યારે તે આવવાની ના પાડતી. અહીં તે ચિત્રકળા અને સંગીત શીખી, જે તેનામાં હજુ સુધી કાયમ છે. આજે પણ તે વાયોલિન વગાડે છે અને શીખવે પણ છે. તેની પ્રથમ ભાષા ગુજરાતી કે અંગ્રેજી નહીં, રશિયન બની.

લ્યુદમિલાબહેનની ઉદારતા એટલી બધી હતી કે અમારે કોઈ તબીબી સમસ્યા થાય તો પણ તે અમારી સાથે રહે, જરૂર પડ્યે મદદ માટે ડોક્ટરોને ફોન પણ કરે. હકીકતમાં, તે અમારા પરિવારનાં સભ્ય જ બની ગયાં હતાં.

અતુલ સવાણી

તે સમયે મોસ્કોમાં બહુ ઓછા ગુજરાતીઓ રહેતા હતા. અમે મજાકમાં કહેતાં કે ‘મોસ્કોમાં માત્ર અઢી ગુજરાતી પરિવારો છે.’ હું અને મારા પતિ ‘સંપૂર્ણ ગુજરાતી’ હતાં. પછી પ્રોગ્રેસ પબ્લિશર્સના અનુવાદક અતુલ સવાણી. તેમનો ગુજરાત અને ગુજરાતી પ્રત્યેનો પ્રેમ ઉત્કૃષ્ટ હતો. તેમણે ગુજરાતીમાં અનુવાદમાં પર્શિયન અને સંસ્કૃત શબ્દોના મુક્ત મિશ્રણની તરફેણ કરી હતી. તેમનાં પત્ની હતાં કુદ્દસિયાબહેન. અતુલભાઈનો ફ્લેટ 14 માળના એપાર્ટમેન્ટ-સમૂહમાંના એક એપાર્ટમેન્ટમાં, અમારા ફ્લેટથી ત્રીસેક કિલોમીટર દૂર, મોસ્કોની બહારના ભાગમાં, યુગોઝાપદનાયા (એટલે દક્ષિણ-પશ્ચિમ) નામના વિસ્તારમાં હતો. પ્રોગ્રેસ પબ્લિશર્સ અને રાદુગામાં કામ કરતા મોટા ભાગના ભારતીયો ત્યાં રહેતા હતા. મેટ્રો દ્વારા એક કલાક કરતાં પણ ઓછા સમયમાં અમે તેમના ઘરે પહોંચી શકતાં હતાં.

બીજું ‘સંપૂર્ણ ગુજરાતી’ કુટુંબ – બહુ દૂર ન હતું. તે અમદાવાદના ધનંજય વ્યાસનો પરિવાર હતો. ધનંજયભાઈ રેડિયો મોસ્કો માટે કામ કરતા હતા. અમે મોસ્કો પહોંચ્યા તેના થોડા મહિનામાં તે પરિવાર ભારત પરત ફર્યો. તેમની જગ્યાએ ચંદ્રકાંત વ્યાસ આવ્યા અને તે પણ ઝડપથી પાછા જતા રહ્યા.

ગુજરાતી પરિવારો સિવાય મારા પતિ રાજીવનો સંપર્ક મુખ્યત્વે રશિયન અધિકારીઓ, વિદ્વાનો અને ભારતીય રાજદ્વારીઓ સાથે હતો. રશિયન અધિકારીઓ અને વિદ્વાનો અવારનવાર અન્ય કેટલાક ન્યુઝ એજન્સીઓમાં કામ કરતાં ભારતીય પત્રકારો (સુરેન્દ્ર કુમાર, કે.પી.એસ. ગુપ્તા, વિનય કુમાર, વી.એસ. કર્ણિક) સાથે અમારા નિવાસસ્થાને યોજાતા નાના મેળાવડામાં આવતા. રશિયનોને ભારતીય ભોજન ખાવાનું ગમતું. મારી ટીચરની માફક તેમને પણ ‘વોદ્કા જેવી કડક’ મસાલાવાળી ગુજરાતી ચા બહુ ભાવતી હતી.

રશિયન અનુવાદક તરીકે મેં લગભગ છ વર્ષ સુધી કામ કર્યું. રશિયન રૂબલની મારી બધી કમાણી રશિયામાં ખર્ચવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. કારણ કે અમે તેને અન્ય કોઈ વિદેશી ચલણમાં રૂપાંતરિત કરી શકતા ન હતા. ત્યારે આવશ્યક સેવાઓ સહિતની તમામ વસ્તુઓ ખૂબ સસ્તી હતી. તેથી અમે મોટા ભાગની કમાણી શિયાળાની હિમવર્ષા દરમિયાન મોસ્કોમાં ફરવામાં ખર્ચતાં અને વિવિધ રેસ્ટોરાંમાં જતાં. બીજો મોટો ફાયદો એ થયો કે અમે ત્રણ વખત ટ્રેનમાં યુરોપપ્રવાસ કર્યો — એક વાર જર્મની થઈને લંડન અને બે વાર સ્વીડન.

હવે મારા અનુવાદ કાર્ય વિશે : હું મારો મોટાભાગનો સમય રશિયન શીખવામાં પસાર કરતી હતી. મારા સંપાદક લ્યુદમિલાબહેન અને શિક્ષક યેલેના વ્લાદિમીરોવ્નાની સાથે રશિયન ફિલ્મો, નાટકો, ઓપેરા, બેલે વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા પણ જતી, જેનાથી મને તે સમાજ અને સંસ્કૃતિ જાણવામાં ખૂબ મદદ મળી. તેનાથી મને અનુવાદમાં પણ સરળતા રહેતી.

શરૂઆતમાં મેં અંગ્રેજીમાંથી અનુવાદ કર્યો. તેમાં રશિયાના વિખ્યાત લેખક નિકોલાઈ ગોગોલનું નાટક અને એન્તોન ચેખોવની ટૂંકી વાર્તાઓનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં, મેં રશિયનમાંથી સીધું ભાષાંતર શરૂ કર્યું—અલબત્ત, રશિયન-અંગ્રેજી શબ્દકોશની મદદથી. કેમ કે, એ વખતે ત્યાં કોઈ રશિયન-ગુજરાતી શબ્દકોશ ન હતો.

રશિયન સંપાદક લ્યુદમિલાબહેનની ઉપરાંત નાત્સ્યા અને સાશા મારા અનુવાદના પ્રકાશનમાં મદદ કરતાં હતાં. પહેલાં હું અનુવાદ કરી લેખિત પ્રત આપતી. તેની પરથી નાત્સ્યા મોટા અક્ષરોમાં કોપી કરતી. તે ગુજરાતી નહીં જેવું જાણતી હતી. ત્યાર પછી નાત્સ્યાએ મોટા અક્ષરે કરેલી કોપી એડિટ થઈને પ્રિન્ટમાં જતી. પહેલી પ્રિન્ટ સાશા અને લ્યુદમિલાબહેન એડિટ કરતાં. પછી છેવટના એડિટ માટે મારી પાસે આવતી.

સાઇબિરિયાના ઇર્કુત્સ્કના એક ટોચના પર્યાવરણવિદ અને એવોર્ડવિજેતા લેખકના પુસ્તક, ‘ઝીવી ઇ પોમની’ (જીવનભરનાં સંભારણાં) મેં અનુવાદ કરેલું છેલ્લું પુસ્તક હતું. તે કદી પ્રકાશિત થયું નહીં. તે ઉપરાંત, સમકાલીન રશિયન લેખકોની ટૂંકી વાર્તાઓનો અંગ્રેજી અનુવાદ ઉપલબ્ધ ન હોવા છતાં, મેં તેનો રશિયનમાંથી સીધો ગુજરાતી અનુવાદ કર્યો. ગોગોલ, ચેખોવ, તોલ્સ્તોય જેવા વિખ્યાત લેખકોનાં લખાણનો રશિયનમાંથી સીધો અનુવાદ મુશ્કેલ હતો, પણ તેમના અંગ્રેજી અનુવાદ ઉપલબ્ધ હોવાથી સુવિધા રહેતી હતી.

મારા કાર્યકાળ દરમિયાન બાળકોનાં પુસ્તકો, નવલિકાઓ અને નવલકથાઓ, એમ બધું મળીને મેં છ વર્ષમાં ત્રીસેક પુસ્તકોનો અનુવાદ કર્યો. તેમાંથી વીસેક પુસ્તકો ‘રાદુગા’એ પ્રકાશિત કર્યાં, બાકીનાં રાદુગા પ્રકાશનનો ગુજરાતી વિભાગ બંધ થવાથી પ્રકાશિત ન થયાં. તમામ પુસ્તકો મારા લગ્ન પહેલાંના નામે, શ્રુતિ મહેતા તરીકે પ્રકાશિત થયાં. પાંચ પુસ્તકોની અપ્રકાશિત પ્રિન્ટ કોપી મારી પાસે છે, બાકી બધી નકલો ફેંકાઈ ગઈ છે, એવું મિત્રો પાસેથી જાણવા મળ્યું. મારા 1992ના આયોજનમાં રશિયાના દાઘેસ્તાનના પ્રસિદ્ધ કવિ રસૂલ ગમઝાતોવની એક નવલકથાના અનુવાદનું કામ પણ હતું, જે થઈ ન શક્યું. હાલમાં મારી પાસે સચવાયેલાં મારાં અનુવાદિત પ્રકાશિત અને અપ્રકાશિત પુસ્તકોને રાજીવે સ્કેન કરીને  બ્લોગ https://saankal.blogspot.com/ પર મુક્યાં છે, જે ત્યાંથી ડાઉનલોડ કરીને વાંચી શકાય છે.

મોસ્કોમાં ગુજરાતી ભાષામાં મારી કામગીરી રાદુગા પૂરતી સીમિત ન હતી. રેડિયો મોસ્કોમાં ગુજરાતી ભાષાના સમાચારવાચક તરીકે પણ મેં થોડા સમય માટે કામ કર્યું. રેડિયોમાં મારો પરિચય ગુજરાતી જાણવાનો દાવો કરતાં એક રશિયન મહિલા, લ્યુબોવ વિક્તરોવના સાથે થયો. તે સાવ ઓછું ગુજરાતી જાણતાં હતાં, પણ સમાચારોનું ગુજરાતીમાં ભાષાંતર કરીને તેનું પ્રસારણ કરતાં. મને ખાતરી છે કે ભાષાંતરની ગુણવત્તા વિશે રશિયનોને જાણવાની દરકાર ન હતી. મોસ્કો રેડિયોના મકાનમાં જવા માટે મને પાસ આપવામાં આવ્યો હતો. એટલે અંદર જવામાં કશી મુશ્કેલી પડતી ન હતી.

લ્યુબોવ વિક્તરોવના તે સમયના સત્તાધારીઓની બહુ નજીક હોય તેમ લાગતું હતું. તેમણે રશિયન-ગુજરાતી શબ્દકોશ તૈયાર કરવાનું નક્કી કર્યું — એમ કરવાથી કદાચ તેમના બોસનું રાજકીય ઉપરીઓ સામે સારું દેખાય. તે શબ્દકોશનો મુસદ્દો મારી પાસે મૂલ્યાંકન માટે આવ્યો. તેમણે ચંદ્રકાંત વ્યાસને પણ તે મોકલ્યો હતો. તે જોયા પછી મેં આપેલા મૂલ્યાંકન અહેવાલમાં ઘણી ટીકા કરી હતી. તેમાં જોડણીની અને બીજી ઘણી ભૂલો હતી. જેમ કે, ‘લાકડી’ શબ્દ ‘લાકરી’ તરીકે છાપવામાં આવ્યો હતો. કારણ કે રશિયન ભાષામાં પાસે ‘ડ’ નથી. તેના બદલે ‘ર’ વપરાય છે. સમગ્ર શબ્દકોશમાં આવી ઘણી ભૂલો હતી. મેં અહેવાલમાં લખ્યું હતું કે તે શબ્દકોશ યોગ્ય સુધારા વિના પ્રકાશિત થવો જોઈએ નહીં. તેમ છતાં, બધી ભૂલો અકબંધ રાખીને શબ્દકોશ પ્રકાશિત કરવામાં આવ્યો. કોઈએ ગુણવત્તાની કાળજી લીધી નહીં, કંઈ ન હોવા કરતાં કંઈ હોય તો સારું, એમ સમજી મન મનાવવામાં આવ્યું. સોવિયેત યુનિયનના પતન સમયે આવી ઉદાસીનતા હતી.

આ સિવાય છ મહિના માટે મેં સોવિયેત યુનિયનની કેટલીક દસ્તાવેજી ફિલ્મોમાં ગુજરાતીમાં અવાજ પણ આપ્યો અને લ્યુદમિલાબહેનને ગુજરાતીમાંથી રશિયનમાં અનુવાદ માટે મદદ કરી હતી. રશિયન મિત્રો જોડે અવારનવાર હું થિયેટરમાં હિન્દી ફિલ્મ જોવા પણ જતી. તે બધી ફિલ્મો રશિયનમાં ડબ થતી હતી. મને યાદ છે, હું ‘પ્રેમ રોગ’ જોવા ગઈ હતી. કરુણ સીન જોઈને થિએટરમાં બેઠેલી દાદીઓ રડતી. તે જોઈને મને બહુ આશ્ચર્ય થતું. મારી મિત્રો મને સવાલ કરતી, ‘ભારતમાં છોકરા-છોકરી પ્રેમ કરે તો આવી રીતે નાચે-ગાય ખરાં?” તેમને રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીની ફિલ્મો બહુ ગમતી, અને તે ખાસ જોવા જતાં. ‘મેરા જૂતા હૈ જાપાની’ ગીત તો ઘણા લોકોને મોઢે હતું.

રાદુગા પ્રકાશનમાં મારો સમય બહુ સારી રીતે ગયો. ત્યાં અને પ્રગતિ પ્રકાશનમાં વિભિન્ન ભારતીય ભાષાઓના અનુવાદકો કામ કરતાં હતાં. અમે બધાં અવારનવાર પિકનિક માટે જતાં. રાદુગાની પાર્ટીઓમાં તેમની સાથે ખાસ્સી વાતચીત થતી. ઘણી વાર રાદુગાના સ્ટાફને અઠવાડિયા માટે ટુરમાં પણ લઈ જવામાં આવતા હતા.  લ્યુદમિલાબહેન પોતે મને લેનિનગ્રાદ (હવે સેંટ પીટર્સબર્ગ) અને (હાલમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની) કીવ લઈ ગયાં હતાં. લેનિનગ્રાદમાં અમે તેમનાં મમ્મીના ફ્લેટમાં રહ્યાં હતાં, જ્યારે કીવમાં એક સ્થાનિક પરિવાર સાથે છ દિવસ રહ્યાં હતાં. એક દિવસ તે લોકો મને એક ગુફામાં લઈ ગયા હતા, જ્યાં તેમના જૂના સંતોનાં મૃત શરીર પડ્યાં હતાં. તેમનું માનવું હતું કે જે સંતોનો આત્મા પવિત્ર હોય તેમનું શરીર ખરાબ ન થાય.

વર્ષ 1991માં ગોર્બાચેવને ઉથલાવી પાડવાના પ્રયાસરૂપે થયેલા કુખ્યાત ઓગસ્ટ બળવાના સમયે હું રાદુગાની કર્મચારી હતી. ત્યારે અંકુરના જન્મ વખતે એક પ્રતિષ્ઠિત પ્રસૂતિ ગૃહમાં મારી તબીબી સંભાળ લેવામાં આવી હતી – તે બધું તદ્દન નિઃશુલ્ક હતું. પછીનો સમય રાજકીય ઊથલપાથલનો હતો. બ્રેડ સહિત આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત હતી. દૂધ ખરીદવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડતું હતું, જો કે, બાળકો માટેની ખાસ દુકાનોમાંથી નાના અંકુર માટેનું ખાવાનું અમને મળી જતું હતું, પણ તેનો જથ્થો નિયત હતો અને તે રોજ લેવા જવું પડતું. હું અવારનવાર ખરીદી માટે બહાર જતી, જ્યારે મારા પતિ અમારાં બાળકોની સંભાળ રાખતા હતા. હિના પહેલેથી રશિયન શાળામાં હતી અને અંકુર ઘરે હતો. હું અલગ-અલગ દુકાનોમાં ફર્યા પછી ટ્રોલીમાં 15 કિલો જેટલી જરૂરી ખાદ્યસામગ્રી લઈને ઘરે પાછી આવતી હતી. અમારું ઘર ન બદલાયું, પણ તેનું સરનામું બદલાઈ ગયું હતું. તે વિસ્તાર Ulitsa Chkalovaને બદલે તેના જૂના નામ Zimlyanoi Val (Val એટલે વસાહત) તરીકે ઓળખાવા લાગ્યો હતો.

સોવિયેત યુનિયનના અને રાદુગાના અંત પછી એપ્રિલ 1993માં અમારે પાછા આવવાનું થયું. ત્યારે અરાજકતા વચ્ચે પણ પ્રકાશન ગૃહે મારો સામાન ભારત મોકલવામાં પૂરતી મદદ કરી અને નાના અંકુર સહિત પરિવારનાં બધાંની ટિકિટ પણ આપી. રશિયાના ચડાવઉતારો વચ્ચે વીતાવેલો એ સમય અંગત રીતે મારા માટે અવિસ્મરણીય છે. 

e.mail : shrutirajiv@gmail.com
સૌજન્ય “સાર્થક જલસો” – 19; ઑક્ટોબર 2023; પૃ. 60-64
છવિ સૌજન્ય ; “સાર્થક જલસો – 19” / શ્રુતિબહેન શાહ / રાજીવભાઈ શાહ / વિ.ક. 

Loading

...102030...648649650651...660670680...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved