Opinion Magazine
Number of visits: 9457299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રી શક્તિ છે, તો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 March 2024

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: |

રવીન્દ્ર પારેખ

સૃષ્ટિના અણુએ અણુમાં વ્યાપેલી શક્તિની વંદનાનો આ શ્લોક સ્ત્રીનું પણ મહિમા ગાન કરે છે. આજે 8 માર્ચ. વિશ્વ મહિલા દિવસ. આજે થોડી મહિલાઓનું સન્માન થશે, ક્યાંક એવોર્ડ અપાશે, શાલ ઓઢાડાશે, થોડાં ગુણગાન ગવાશે, થોડી કવિતાઓ વંચાશે ને એની સમાંતરે કોઈ ખૂણે કોઈ મહિલા પર અત્યાચાર થશે, ક્યાંક કોઈ સ્ત્રી પોતાનાં જ નવજાત શિશુને કોઈ બેગમાં ભરીને ટ્રેનમાં છોડી દેશે તો ક્યાંક કોઈ મહિલા દહેજની ખોટી વાત ઉપજાવી સાસરાને સળિયા પાછળ ધકેલવાની પેરવી કરતી પણ હશે ને એ બધાંની વચ્ચે 9મી માર્ચ ઊગશે કે ફરી 8મી માર્ચે વળી ગવાશે – યા દેવી સર્વભૂતેષુ …

તાત્પર્ય એ છે કે આપણે કોઈ પણ ઉત્સવને નિર્જીવ કેમ કરવો તે શીખી ગયા છીએ. થોડો દેખાડો, થોડું ગુણસંકીર્તન અને થોડી તાળીઓ કે વાત પૂરી. બહુ થશે તો 1909માં અમેરિકામાં કપડાં બનાવનાર સ્ત્રી મજૂરોના અધિકારની રક્ષા માટે આ દિવસની શરૂઆત થઈ તેનો ઇતિહાસ વાગોળાશે કે પછી આ દિવસની ફેબ્રુઆરી, 1913ની રશિયન ઇતિહાસની કોઈ ભૂમિકા અપાશે કે યુરોપમાં નીકળેલી 8 માર્ચની મહિલા રેલીની વાત કરીને ઔપચારિક્તાઓ સાથે દિવસ પૂરો થશે. તો, કોઈ 19 નવેમ્બરે પુરુષ મહિલા દિવસ નક્કી કરેલો છે, છતાં તે આવી રીતે નથી ઉજવાતો એવું રડશે. અત્યારની સ્થિતિ તો એવી પણ છે કે પુરુષો પણ સ્ત્રીઓથી પીડિત છે. દુષ્કર્મ-દહેજના ખોટા કેસ કરીને લાખો રૂપિયા પડાવતી મહિલાઓનો તોટો નથી. આવી મહિલાઓથી પીડિત પુરુષોનો કેસ એક મહિલા લડે છે એવા સમાચાર પણ તાજા જ છે. હકીકત એ છે કે પીડિત બંને છે ને બંને એકબીજાને પીડે છે. એટલે આવનાર સમયમાં પુરુષ દિન ઉજવાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. આશ્ચર્ય એ છે કે બહુ ઓછી જગ્યાએ તાત્ત્વિક વાતો થાય છે. મોટે ભાગે તો આ દિવસ સન્માનની માંગણી કે વહેંચણીનો દિવસ થઈને રહી ગયો છે. માતૃભાષા દિવસ કે મહિલા દિવસ કે એવા બીજા દિવસોમાં બધું સારું સારું બોલી-સાંભળીને, ઉપલક ખુશી દેખાડીને દિવસ સમેટી લેવાતો હોય છે. સ્ત્રીની વાસ્તવિક પરિસ્થિતિની ખાસ ચર્ચા થતી નથી ને ઉપક્રમ, મોટે ભાગે શેતરંજી નીચે કચરો સંતાડવાનો જ હોય છે. સવાલ એ થવો જોઈએ કે એક તરફ ઉન્નત મસ્તકે વિશ્વમાં માથું ઊંચું રાખીને ફરતી મહિલા છે તો કોઈ ખૂણે દુષ્કર્મનો ભોગ બનતી મહિલા પણ છે. એક અભણ મા બાળકને માટે જીવ આપી દેવા સુધી જાય છે, તો બીજી શિક્ષિત સ્ત્રી, પોતાનાં જ બાળકનું નિર્મમપણે ગળું પણ દબાવી દે છે ને તેને તેમાં કશું ખોટું પણ લાગતું નથી. બંને માતા છે, તો બંને વચ્ચે આટલો ફરક કેમ છે? એને માટે શિક્ષણ તો જવાબદાર નથીને?

સ્ત્રી શિક્ષિત ન હતી ત્યારે પણ દીકરી જન્મતી તો હતી ને સમાજ તેને દૂધપીતી કરતો હતો, હવે સમાજ શિક્ષિત થયો છે, તો દીકરીનો ગર્ભમાં જ નિકાલ કરી દેવાય છે. પ્રાણીઓમાં પણ માદાને જન્મવા તો દેવાય છે, મનુષ્યોમાં જ એવું છે કે સ્ત્રીને જન્મ પહેલાં જ મૃત્યુ અપાય છે. અગાઉ ક્યારે ય ન હતી એટલી સ્ત્રી આજે અસુરક્ષિત છે. શિક્ષણ, સંસ્કાર, સભ્યતામાં જો વધારો થયો હોય તો સ્ત્રીઓ તરફના ગુનાઓમાં ઘટાડો કેમ થતો નથી? શિક્ષણ વધે ને અપરાધો પણ વધે એ તો બરાબર નથીને ! એ સાચું કે સ્ત્રીઓ તરફના ગુનાઓમાં ઘણુંખરું પુરુષો જ સંડોવાયેલા છે ને તેને એ અંગે સજા મળે એ જરૂરી પણ છે, પણ સ્ત્રીઓ તરફી સુધારાઓમાં પણ પુરુષો કેન્દ્રમાં છે, એ પણ ભૂલવા જેવું નથી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજારામ મોહનરાય, જ્યોતિબા ફૂલે જેવા સુધારકોએ વિધવા પુનર્લગ્ન, બહુપત્નીત્વ પ્રથા નાબૂદી, સતી થવાનો ચાલ, કન્યા કેળવણીની શરૂઆત જેવા ઘણા સુધારા એ સુધારકોએ દાખલ કર્યા. એને પરિણામે સ્ત્રીઓમાં જાગૃતિ આવી. આ બધા સુધારાઓ પહેલાં મીરાંબાઈ ઈશ્વર ભક્તિ માટે રાજપાટ છોડનારી પહેલી મહિલા હતી તેને પણ યાદ કરવી પડે. જે સુધારાઓ કે શોધખોળો આપણને આજનાં જીવનમાં જોવા મળે છે, એ સુધારાઓ કે શોધખોળો કરવામાં સ્ત્રી-પુરુષોએ અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે.

એ ખરું કે ધરતીથી આકાશ સુધીનાં અનેક ક્ષેત્રોમાં સ્ત્રીએ હરણફાળ ભરી છે. તે શિક્ષણમાં, રક્ષણમાં, નોકરીમાં, વ્યાપારમાં, વિજ્ઞાનમાં, રાજકારણમાં, અર્થકારણમાં, અનર્થકારણમાં … એમ અનેક ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાનો પર સફળ રહી છે અને પોતાને સ્વતંત્ર રીતે સિદ્ધ કરતી આવી છે. કોઈ ક્ષેત્ર એવું નથી જે તેણે સર ન કર્યું હોય, પણ આમ કરવામાં તેણે કુટુંબ જીવન લગભગ ગુમાવ્યું છે. એક સમય હતો જ્યારે કુટુંબ જ તેનું સર્વસ્વ હતું, જ્યારે ઉચ્ચ સિદ્ધિ ને સ્થાન પ્રાપ્ત ઘણી સ્ત્રીઓ આજે કુટુંબથી દૂર થતી ગઈ છે. મોટે ભાગે તે પુરુષથી, લગ્નથી, બાળકથી દૂર રહી છે. આવું ઘણુંખરું શિક્ષિત સ્ત્રીઓમાં બન્યું છે. જો કે, શિક્ષણને દોષ દેવાનો અર્થ નથી. શિક્ષણ પામ્યા પછી એનો જે અર્થમાં ઉપયોગ થવો જોઈતો હતો, તે અર્થમાં થયો નહીં, એટલું જ ઉમેરવાનું રહે. જે સ્ત્રીઓએ પુરુષ વગર જીવવાનું નક્કી કર્યું ને લગ્ન, બાળકથી દૂર રહેવાનું સ્વીકાર્યું, તે સિવાય પણ જે શિક્ષિત સ્ત્રીઓ લગ્નથી પુરુષ સાથે જોડાઈ, એને પણ પતિ, કુટુંબથી સમસ્યાઓ થઈ. આમ તો શિક્ષણ-નોકરી-વ્યવસાયથી સ્ત્રી-પુરુષો વચ્ચે લગ્ન સંબંધ મજબૂત થવો જોઈતો હતો, પણ તેવું ના થયું. સ્ત્રી-પુરુષ વચ્ચે આત્મીયતા વધવી જોઈતી હતી, તેને બદલે અસમાનતાઓ વધી, સરખામણી વધી, સ્પર્ધા વધી ને પરિણામ સાથે થવાને બદલે અલગ થવામાં આવ્યું. શિક્ષિતોમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું.

એક બાબત બહુ સ્પષ્ટ છે કે કુદરતે તો સ્ત્રી-પુરુષ એવી બે જાતિઓ એકબીજાને પૂરક બને એ હેતુથી બનાવી. એકલી સ્ત્રી બનાવવાથી કે એકલો પુરુષ બનાવવાથી સૃષ્ટિનું સંચાલન સરળ થયું હોત તો કોઈ એક જ જાતિ કુદરતે પૃથ્વી પર રમતી મૂકી હોત, પણ આજની તારીખે પણ સ્ત્રી અને પુરુષ જન્મે છે, એ સૂચવે છે કે સ્ત્રી, પુરુષના વિરોધ માટે કે પુરુષ, સ્ત્રીના વિરોધ માટે નથી, છતાં કુદરતની વિરુદ્ધ જઈને કેટલાક પુરુષો, સ્ત્રીઓની વિરુદ્ધ અને કેટલીક સ્ત્રીઓ, પુરુષોની વિરુદ્ધ સક્રિય છે. આ યોગ્ય નથી. આપણી પાસે શિવ-શક્તિનું અભિન્ન એવું અર્ધનારીશ્વર રૂપ, સ્ત્રી-પુરુષની અનિવાર્યતા સમજાવવા પૂરતું છે. આ સ્વરૂપ અહમ હોય ત્યાં શક્ય નથી. સ્વતંત્રતા અહમ જન્માવે છે ને સમર્પણ પ્રેમ પ્રગટાવે છે. પ્રેમમાં સમર્પણ જ હોય એનું ‘અર્ધનારીશ્વર’ અદ્દભુત ઉદાહરણ છે, પણ કોણ જાણે કેમ તે ધ્યાને ચડતું નથી.

શિક્ષિત ન હતી, ત્યાં સુધી તો સ્ત્રી પિયરમાં પિતાને આશરે ને સાસરામાં પતિને આશરે જીવન વિતાવતી હતી. એ પછી શિક્ષણ વધ્યું, નોકરી-વ્યવસાય દ્વારા સ્ત્રી આર્થિક રીતે પગભર થઈ ને ક્યાંક તો પુરુષથી પણ આગળ નીકળી. એનો લાભ કુટુંબને મળવો જોઈતો હતો, બંનેનું સહિયારું થવું જોઈતું હતું તેને બદલે અંગત ગણતરીઓ દ્વારા લાભ-ગેરલાભના દાખલા ગણાવા લાગ્યા. એનું પરિણામ સંઘર્ષમાં આવ્યું. જરૂર તો બંનેને એક બીજાની હતી જ, પણ અહમનો ટકરાવ એકબીજાને એક થવા દેતો ન હતો. એ કેવું વિચિત્ર છે કે એકબીજાની વિરુદ્ધ પડીને છૂટાછેડા લેતાં સ્ત્રી-પુરુષો, છૂટાછેડા પછી ફરી બીજું લગ્ન કરવા તૈયાર થાય છે. જો કોઈને, કોઇની જરૂર જ ન હોય તો ફરી લગ્ન કરવા સુધી જવાની જરૂર જ ન રહેને !

આ તો અંગત જીવનમાં સ્ત્રી-પુરુષની બદલાઈ રહેલી ભૂમિકાની વાત થઈ, પણ જાહેર જીવનમાં હજી સ્ત્રીને અન્યાય થયાની વાતો આવતી રહે છે. બીજી વાત જવા દઈએ, પણ સેનામાં પણ સમાનતા નથી. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું છે કે સેનામાં પુરુષ અને મહિલા અધિકારીઓની ભરતી સંદર્ભે પ્રક્રિયા સરખી છે? આ સવાલ સુપ્રીમે એટલે પૂછવો પડ્યો, કારણ સેનાની મહિલા અધિકારીઓ તરફથી વરિષ્ઠ મહિલા વકીલ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો કે સેનામાં પ્રમોશન માટે ભરતીની પ્રક્રિયામાં ભેદભાવ કરવામાં આવે છે. સેનામાં આ સ્થિતિ હોય તો બીજે શી સ્થિતિ હશે તેની કલ્પના કરવાનું અઘરું નથી. જાતીય સતામણીથી ત્રાસીને એક મહિલા જજે ગયા ડિસેમ્બરમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી. જજ કક્ષાની સ્ત્રીની આ વ્યથા હોય તો વધારે શું કહેવું?

1949માં સિમોન દ બોવરે નામની વિદેશી લેખિકાએ સ્ત્રીને બીજે નંબરે જ મૂકવામાં આવે છે એ સંદર્ભનું પુસ્તક ‘સેકન્ડ સેક્સ’ લખ્યું. તે પછી સ્ત્રીઓ માટે અનેક ક્ષિતિજો વિસ્તરી, છતાં આજે પણ કુટુંબ, સમાજ કે સંસ્થાનોમાં સ્ત્રીઓનું શોષણ અનેક રીતે થાય છે. નોકરી વગેરે ક્ષેત્રોમાં તો શોષણની યુક્તિઓ એવી બદલાઈ છે કે હોય શોષણ પણ દેખાય સમર્પણ ! પુરુષોને સ્ત્રીઓ દ્વારા અન્યાય થતો હશે કે તેનું પણ શોષણ થતું હશે, પણ અનામત, શિક્ષણ વગેરેની આટલી તકો છતાં સ્ત્રીઓને થતો અન્યાય ઓછો થતો નથી. કાયદા સુધર્યા છે, છતાં સ્ત્રીઓ પર થતા અત્યાચારમાં વધારો જ જોવા મળે છે.

આવું કેમ થાય છે? સજાનો ખોફ પણ ન રહે તો સમજવાનું કે ગરબડ ઘરથી જ શરૂ થાય છે. ઘરમાં જ બાળક પિતાનું માતા પ્રત્યેનું કે ભાઇનું બહેન પ્રત્યેનું વર્તન જોતો હોય, પિતાનો હાથ મા પર ઉપડતો હોય, તો નાનેથી જ બાળકના મનમાં એ વાત ઘર કરે છે કે સ્ત્રી સાથે તો આમ જ વર્તાય. આ સ્થિતિ ઘરમાં સુધરે તો આગળ જતાં સ્ત્રી બહાર પણ માન પામતી થાય. કેટલીક માનસિક્તાઓ બદલવાનું અઘરું છે, પણ જ્યાં પણ શક્ય છે, કોશિશ થવી જોઈએ. આવી એક કોશિશનો ઝીણો સંકલ્પ પણ કોઈ કરે તો આજનો દિવસ સફળ…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 માર્ચ 2024

Loading

એક દોર કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.નો બીજો દોર રાહુલ ગાંધીની યાત્રાનો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 March 2024

પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ વચ્ચેની મથામણ 

આ યાત્રાને કથિત ચૂંટણીવ્યૂહના સાંકડા સંદર્ભમાં કે ઓછીવત્તી બેઠકોના ટૂંકનજરી  રવૈયાથી નહીં જોતાં એક લોકાશ્રયી પક્ષ અને વૈકલ્પિક વિમર્શ વિકસાવવાની  દીર્ઘદૃષ્ટિએ જોવી જોઈએ. 

પ્રકાશ ન. શાહ

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવેશને જે રીતે ગુજરાત કાઁગ્રેસના અગ્રણી કાર્યકરો ભા.જ.પ.માં પ્રવેશવાનો અવસર બનાવી રહ્યા છે તે જરૂર શોચનીય છે. આમેય 14મી જાન્યુઆરીએ રાહુલ ગાંધીએ મણિપુરથી પ્રસ્થાન કર્યું તે જ દિવસે સુદૂર મુંબઈથી મિલિન્દ દેવરા  સરખા એક કાળના યુવા સાથીએ ભા.જ.પ.નો પંથ પકડ્યો હતો. વચગાળામાં આપણે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ચવાણને પણ ભા.જ.પ.વાસી બનતા નિહાળ્યા અને ગુજરાતમાં જોઈ રહ્યા છીએ તેમ આ જમાતમાં અર્જુન મોઢવાડિયા પણ પહેલા કે એકલા નથી. વિધિવત ચૂંટણીજાહેરાત આડે આઠ-દસ દિવસ માંડ હોય ત્યારે આ ઘટનાક્રમમાં સ્વાભાવિક જ કેટલાયને કાઁગ્રેસનું નામું લખાઈ રહ્યાના ભણકારા વાગે છે. પ્રશાન્ત કિશોર જેવા હજુ હમણાં લગી વ્યવસાયી વ્યૂહકાર રહેલાને તો એમ પણ લાગે કે દિલ્હીથી ઢોલ ધ્રબૂકવામાં છે ત્યારે ભઈઓ હેડક્વાર્ટર રેઢું મેલી સીમમાં ઢોરાં ચારવા મંડી પડે એ કેવું.

આ મુખડો બાંધતે બાંધતે જાગતો સવાલ એ છે કે સૌ યાત્રાના પહેલા દોરને છેક જ ભૂલી ગયા છે કે શું. પહેલા દોરને શરૂ શરૂમાં સોશિયલ મીડિયાએ જ ઝીલ્યો હતો પણ યાત્રા આગળ વધતી ગઈ તેમ તેમ મુખ્યધારાને સારુ પણ એનો સ્વીકાર અનિવાર્ય બની ગયો હતો. એ દોર પછી, દેશમાં સર્વોચ્ચ સ્તરેથી માંડી છેક નીચલી પાયરી લગી પેલી ‘પપ્પુ’ ઓળખનું  ઉચ્ચારણ અસંભવ થઈ ગયું હતું.

એ વખતે કર્ણાટક વિધાનસભાની ફતેહ પણ હોંશે હોંશે ટંકાતી હતી. જો કે, સામે, રાજસ્થાન – મધ્યપ્રદેશ છત્તીસગઢ ખોયાંનીયે વાત હતી. પણ એકંદર માહોલ  રાજકારણમાં રાહુલ ગાંધી અને કાઁગ્રેસની જીવંત હાજરીના સ્વીકારનો હતો. નફરતના બજારમાં મહોબતની દુકાન જેવાં સૂત્રો કોઈક વૈકલ્પિક નિરૂપણાની ગુંજાશ દાખવતાં ભારાઝલ્લાં અનુભવાવા લાગ્યાં હતાં. તે સાથે ‘ઇન્ડિયા’નો ઉદ્દભવ ભા.જ.પ. સામે વૈકલ્પિક સમવાયની સંભાવના લઈને આવ્યો હતો.

આજે ‘ઇન્ડિયા’ની મુશ્કેલી એ છે કે 1977ની જેમ નાનામોટા પક્ષો એક થઈ શકતા નથી, ન તો તે પછીના દસકામાં વી.પી.એ નેશનલ ફ્રન્ટ અને ફેડરલ  ફ્રન્ટ સરખી જે વ્યૂહરચના કરી હતી એવી સમજગોઠવણ છે. કાઁગ્રેસ નાખી દેતાં પણ હજુયે ખાસી 19-20 ટકા મતોની અખિલ હિંદ આસામી છે. એ રીતે લોકસભામાં વિધિવત વિપક્ષનો દરજ્જો ન મેળવી શકતી હોય ત્યારે પણ એની રાષ્ટ્રવ્યાપી હાજરી છે. પ્રાદેશિક પક્ષો દિલ્હીમાં વિકલ્પ ઇચ્છતા હોય તો પણ પોતપોતાના પ્રદેશમાં એમની અને કાઁગ્રેસની વચ્ચે સ્પર્ધાની માનસિકતાનો ઉગાર શોધવો રહે છે.

ભા.જ.પ. આપણે અત્યારે બંગાળમાં જોઈ રહ્યા છીએ તેમ મમતા પર પ્રહારમારો ચલાવી રહ્યો છે પણ રાજ્યોમાં સામાન્ય રીતે એ પ્રાદેશિક પક્ષોને ઓછાવત્તા સાચવી લઈને ચાલે તો પણ હિંદીભાષી ભારતમાં એની પાસે જે સમર્થન છે એને કારણે આંચ આવે એમ નથી. એટલે સરવાળે પ્રાદેશિક પક્ષોને સાચવી કે ઓળખી લઈ એ મુખ્યત્વે કાઁગ્રેસને નિશાન  બનાવે છે. વસ્તુતઃ કાઁગ્રેસને અને વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીને નિશાન બનાવવાની ભા.જ.પ.ની રાજનીતિમાં ભાંગી તોયે ભરૂચ જેવી કાઁગ્રેસનો અને રાહુલ ગાંધીની ઉદયમાન હોઈ શકતી પ્રતિભાનો પરોક્ષ સ્વીકાર છે, કેમ કે જેવી છે તેવી અખિલ હિંદ હાજરી આજે એની જ છે, અને રાહુલ ગાંધીની યાત્રાના પહેલા દોરે સંજીવનીની શક્યતા પણ જગવી  છે.

રાહુલ ગાંધી અને કાઁગ્રેસશ્રેષ્ઠીઓએ હાલના ચૂંટણીપડકારનો જવાબ આપવાની કોશિશ જરૂર કરવી જોઈએ પણ એમણે ટૂંકા પરિણામની કે પરબારા સત્તાએ પહોંચવાની લલોપથાથી હટીને યાત્રાના પહેલા દોર સાથે વૈકલ્પિક વૃત્તાંતનું જે વાયુમંડળ બન્યું છે એની રંગપૂરણી પર ધ્યાન કેન્દ્રીત કરવાપણું છે. જેમને સત્તા વિના અસહાયતા લાગતી હોય તે સુખેથી જઇ શકે છે. મનમોહનસિંહના દસકાએ જાણવાના અધિકારથી ને મનરેગાથી સામાન્ય કાર્યકર સારુ એક કર્તવ્ય નિરમી પક્ષને નકરા ઇલેક્શન એન્જિનને બદલે લોકજીવી બનવાની તક આપી હતી. સોનિયા ગાંધીએ સલાહકાર સમિતિ મારફતે પાયાની પ્રવૃત્તિઓ સારુ એક ઉઘાડ શક્ય બનાવ્યો હતો. રાહુલ ગાંધીના બીજા દોરની યાત્રાએ આ તંતુ પકડીને લોકાશ્રયી કાઁગ્રેસનો રસ્તો પકડવાપણું છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 માર્ચ 2024

Loading

એક નજર ૧૯મી સદીની એક વિશિષ્ટ ઘટના પર

દીપક મહેતા|Opinion - Literature|7 March 2024

આંતરરાષ્ટ્રીય નારી દિવસ નિમિત્તે 

૧૮૫૭ની ત્રીજી મહત્ત્વની ઘટના : ‘સ્ત્રીબોધ’ માસિક

દીપક મહેતા

૧૮૫૭ના વર્ષની ત્રણ યાદગાર ઘટનાઓ કઈ? ઘણાખરાને પહેલી ઘટના તો તરત યાદ આવશે : અંગ્રેજો જેને સિપાઈઓનો બળવો કહેતા અને આપણે જેને આપણા દેશનું પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ તેની શરૂઆત ૧૮૫૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે થયેલી. જેઓ કેળવણી સાથે સંકળાયેલા હશે તેમને બીજી ઘટના પણ યાદ આવશે. ૧૮૫૭ના વર્ષમાં હિન્દુસ્તાનમાં પહેલી ત્રણ યુનિવર્સિટી – યુનિવર્સિટી ઓફ બોમ્બે, યુનિવર્સિટી ઓફ કલકત્તા, અને યુનિવર્સિટી ઓફ મદ્રાસની સ્થાપના થયેલી. અને ત્રીજી યાદગાર અને મહત્ત્વની ઘટના? આજે ભાગ્યે જ કોઈને યાદ આવશે કારણ તવારીખમાં, ઇતિહાસની ઝીણી વિગતોમાં આપણને બહુ ઓછો રસ છે. અને એમાં ય જો એ ઘટના સ્ત્રીઓ સાથે સંકળાયેલી હોય તો? તો તો એને ધક્કેલી દો હાંસિયામાં કે નાખી દો ફૂટ નોટમાં!

ત્રીજી ઘટના તે એ કે ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે આપણા દેશની બધી જ ભાષાઓમાં સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું માસિક પ્રગટ થયું. અને એ પ્રગટ થયું હતું આપણી ગુજરાતી ભાષામાં, મુંબઈથી. એ માસિકનું નામ ‘સ્ત્રીબોધ’. બીજાં અનેક ક્ષેત્રોમાં પહેલ કરનાર પારસીઓએ આ પહેલ પણ કરેલી. સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં મુખ્યત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ પારસી સમાજ સુધારકોના ધ્યાનમાં એ વાત ઝટ આવી ગઈ કે આ પ્રવૃત્તિમાં સ્ત્રીઓને ભાગીદાર નહિ બનાવીએ તો સુધારો ઊંડાં મૂળ નાખી નહિ શકે. એટલે તેમણે ખાસ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખ્યાં અને આ ‘સ્ત્રીબોધ’ જેવું માસિક શરૂ કર્યું. આ માસિક શરૂ કરવા માટે પહેલાં તો એક મંડળી સ્થાપી. તેના સભ્યો હતા ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામાજી, સોરાબજી શાપુરજી બંગાળી અને બેહરામજી ખરશેદજી ગાંધી. પહેલા સેક્રેટરી જાંગીરજી બરજોરજી વાચ્છા અને પછી જજ નાનાભાઈ હરિદાસ. હા, બધ્ધા પુરુષો. સ્ત્રી એક પણ નહિ.

પણ જરા વિચાર કરો : એ વખતે આપણા દેશમાં માંડ એક ટકો સ્ત્રીઓ વાંચી-લખી શકતી. દેશમાં નહોતી વીજળી આવી, વાહન વહેવાર અને સંદેશ વ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. એવે વખતે સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો સવાલ જ નહોતો, પણ ખોટ જાય એ કેમ કરી પૂરવી? ડોસાભાઈ ફરામજી કામાજીએ કહ્યું કે ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું ચલાવવા માટે પહેલાં બે વર્ષ હું દર વર્ષે ૧,૨૦૦ રૂપિયા આપીશ. ૧૮૫૭ના બાર સો એટલે આજના નહિ નહિ તો ય બાર લાખ. અને ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે પહેલો અંક બહાર પડ્યો. તેમાં લખાણનાં વીસ પાનાં. કેટલાંક લખાણો સચિત્ર – એ વખતે ચિત્રો લંડનમાં છપાવવાં પડતાં હતાં છતાં. તે ચિત્રો કાગળની એક જ બાજુ છાપેલાં છે અને એ પાનાંનો કુલ પાનાંની ગણતરીમાં સમાવેશ કર્યો નથી. બને તેટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકે એ હેતુથી વરસના બાર અંકનું લવાજમ રાખ્યું હતું માત્ર એક રૂપિયો! પહેલા અંકની ૧,૧૦૦ નકલ છાપીને મફત મોકલેલી. સાથે જણાવેલું કે જો લવાજમ ભરવા ન ચાહતા હો તો આ નકલ પાછી મોકલવી. જે લોકો પાછી નહિ મોકલે તેમને ગ્રાહક ગણી લેવામાં આવશે અને તેમણે લવાજમનો એક રૂપિયો મોકલી આપવો. લવાજમ બીજા અંકથી શરૂ થયેલું ગણાશે.

પહેલા અંકના દિબાચામાં લખ્યું છે : “એ ચોપાંનીઊં વાંચનારીઓને લાએકનું તથા દીલપશંદ કરવા શારૂ તેમાં ગનાનનો વધારો કરનારી તથા નીરદોશ રમૂજ આપનારી બાબદો શાદી એબારતમાં અને કવેતોમાં લખવામાં આવશે અને તે બીના વધારે શારી પઠે શમજ પડવા શારૂં તેમની શાથે કેટલાએક અછા ચિતારો દર વેલા એ ચોપાંનીઆમાં દાખલ કરવામાં આવશે. અને તે શોભઈતું તથા શદગુણોનું વધારનારૂં કરવાને મેહનતની કશી ક્શુર કરવામાં આવશે નહીં.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે.)

આ પહેલા અંકમાં શું શું હતું? સૌથી પહેલાં બે પાનાંનો દિબાચો. પછી પાંચ પાનાંનો લેખ (સરળતા ખાતર બધે જોડણી બદલી છે) મા દીકરાની અરસપરસની ફરજો. પહેલા જ અંકથી એક લેખમાળા શરૂ થઈ હતી : લાયકીવાળી ઓરત. જેમાં જાણીતી સ્ત્રીઓનો પરિચય અપાતો. પહેલા અંકના લેખમાં રાણી વિક્ટોરિયાનો પરિચય લગભગ ત્રણ પાનાંમાં આપ્યો છે. ઉપરાંત એક પાનાનું તેમનું રેખાંકન પણ મૂક્યું છે. પછી એક કથા છાપી છે, મારા દોસ્તારની બાયડી. પછીનો લેખ છે માહોમાહેના ફિસાદથી થતી ખરાબી : પંજાબનું રાજ. તેની સાથે મહારાજા દુલિપસિંહનું એક પાનાનું રેખાંકન છાપ્યું છે. પછીનો લેખ છે રેતીનાં રણ, અને તેની સાથે પણ એક પાનાનું રેખાંકન છાપ્યું છે. પછી પરચૂરણ બીનાઓ એવા મથાળા નીચે ઉપદેશાત્મક ફકરાઓ છાપ્યા છે. કોઈ લેખ સાથે તેના લેખકનું નામ છાપ્યું નથી, પણ એ જમાનામાં ઘણાંખરાં સામયિકો તેમ કરતાં. છેલ્લે કવિ દલપતરામે ‘સ્ત્રીબોધ’ માટે ખાસ લખેલા ગરબા/ગરબી છાપ્યાં છે. તેમાંની પહેલી કૃતિમાં મુંબઈ શહેર અને તેના વિકાસમાં પારસીઓએ આપેલ ફાળાની પ્રશંસા કરી છે અને પારસીઓ માટે કહ્યું છે : “એ તો હેમ જડેલા હીરા છે.”

પહેલા વર્ષના છેલ્લા અંકમાં ‘સ્ત્રીબોધ’ની વાર્ષિક આવક-જાવકનો હિસાબ છાપ્યો છે તે પણ રસપ્રદ છે. વરસના બાર અંકના રૂપિયા એક લેખે લવાજમની આવક ૧,૧૯૭ રૂપિયા. એક જરથોસ્તી ગૃહસ્થ પાસેથી મળેલા દાનના રૂપિયા ૧,૨૦૦. સાથે નોંધ છાપી છે કે ૧૮૫૮ના વર્ષ માટેના ૧,૨૦૦ રૂપિયા પણ મળી ચૂક્યા છે. ૧,૨૦૦ના દાનમાંથી ખર્ચ કાઢતાં વધેલી રકમના અડધા ટકાના વ્યાજના દરે આવક ૬૫ રૂપિયા ૪ આના ૧૦ પાઈ. (એ વખતે દેશમાં રૂપિયા, આના, પાઈનું ચલણ અસ્તિત્વમાં હતું.) એટલી આવકની સામે ખર્ચ : ૧૨ અંકની છપામણીનો ખર્ચ ૭૧૦ રૂપિયા ૮ આના ૯ પાઈ. ૧૫૮ રૂપિયા ચિત્રો તૈયાર કરાવવાના તથા તેની છપામણીના. બાર અંક માટે કાગળ ખરીદવાના ૭૬૮ રૂપિયા ૪ પાઈ. ૬૨ રૂપિયા અખબારો, સામયિકો અને પુસ્તકોની ખરીદીના. ગરબીઓ લખવા માટેનો પુરસ્કાર (કવિ દલપતરામને) ૨૫ રૂપિયા. (બીજા કોઈ લેખકને પુરસ્કાર અપાયો નહોતો.) વહેંચણી, ઉઘરાણી વગેરે કામ કરવા માટે રાખેલા માણસનો પગાર (એક વરસનો) ૧૯૬ રૂપિયા. “માસ નવેમબર તથા ડીશેમબરના ચોપાનીઆ લખનારનો પગાર” ૬૦ રૂપિયા. જાહેર ખબર છપામણીના ૧૮ રૂપિયા. ટપાલ ખર્ચ ૧૦ રૂપિયા ૧૦ આના, અને પરચૂરણ ખર્ચ ૪ રૂપિયા ૧૦ આના. કુલ ખર્ચ ૨,૦૨૨ રૂપિયા ૧૩ આના ૧ પાઈ. વર્ષને અંતે ૪૩૯ રૂપિયા ૧૨ આના ૮ પાઈની ઉઘરાણીની રકમ બાકી નીકળતી હતી તેની વિગતો પણ આપી છે.

પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું. પણ ત્રીજા વરસથી ૧,૨૦૦ રૂપિયાનું દાન મળવાનું નહોતું. અને તે વગર માસિક ચાલી શકે તેમ હતું નહિ. પહેલા અંકથી જ ‘સ્ત્રીબોધ’ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાતું હતું. તેના માલિકો બહેરામજી ફરદુનજીની કંપનીને ‘સ્ત્રીબોધ’ સોંપી (વેચી નહિ) દેવામાં આવ્યું. આ દફતર આશકારા પ્રેસ એટલે માત્ર ગુજરાતી છાપકામ કરતા પહેલવહેલા પ્રેસની ૧૮૧૨માં મુંબઈમાં સ્થાપના કરનાર ફરદુનજી મર્ઝબાનજીના ત્રણ દીકરાઓનું ૧૮૪૧માં શરૂ થયેલું છાપખાનું. તેની શરૂઆત તો નાને પાયે થઈ હતી, પણ વખત જતાં તે મુંબઈનું એક અગ્રણી છાપખાનું બન્યું હતું.

‘સ્ત્રીબોધ’ના પહેલા તંત્રી બેહરામજી ખરશેદજી ગાંધી. પછી થોડા થોડા વખત માટે સોરાબજી શાપુરજી બંગાળી, જાંગીરજી બરજોરજી વાચ્છા, જજ નાનાભાઈ હરિદાસ, કરસનદાસ મૂળજી, નાનાભાઈ રૂસ્તમજી રાણીના તંત્રી બન્યા. પણ ‘સ્ત્રીબોધ’ને એક આગવું સામયિક બનાવ્યું તે તો કેખુશરૂ કાબરાજી(૧૮૪૨-૧૯૦૪)એ. ૧૮૬૩થી જિંદગીના અંત સુધી (વચમાં થોડાં વર્ષો બાદ કરતાં) તેઓ ‘સ્ત્રીબોધ’ના તંત્રી રહ્યા. ૧૯૦૩માં તેમણે દફતર આશકારા પાસેથી ‘સ્ત્રીબોધ’ ખરીદી લીધું. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શિરીન, તેમના પછી પુત્રવધૂ પૂતળીબાઈ, અને પૂતળીબાઈના અવસાન પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં.

કેખુશરૂ કાબરાજી એટલે એ જમાનાના એક અગ્રણી નાટ્યલેખક અને નવલકથાકાર. પારસી રંગભૂમિ પર સક્રિય, સમાજ સુધારાના ટેકેદાર, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણકાર. અલબત્ત, તેમની ઘણીખરી કૃતિઓ મૌલિક નહિ, પણ અંગ્રેજી કૃતિઓનાં રૂપાંતર રૂપ હતી. પણ પારસી કે હિંદુ સમાજના પરિવેશમાં તેઓ એવી સિફતથી રૂપાંતર કરતા કે સામાન્ય વાચકને તો આ રૂપાંતર છે એવો ખ્યાલ પણ ન આવે. કાબરાજીનું પહેલું નાટક શેરના સવાશેર ૧૮૬૩માં ‘સ્ત્રીબોધ’માં પ્રગટ થયું અને છેલ્લું નાટક ધીરજનું ધન ૧૮૭૧માં. પણ ઐતિહાસિક દૃષ્ટિએ તેમનાં નાટકો કરતાં પણ તેમની નવલકથાઓ વધુ મહત્ત્વ ધરાવે છે. કારણ એ નવલકથાઓ દ્વારા કાબરાજીએ ગુજરાતી સામયિકમાં ધારાવાહિક નવલકથા છાપવાની પહેલ કરી. તેમની પહેલી નવલકથા ભોલો દોલો (૧૨૦ પ્રકરણ) ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ દરમ્યાન ‘સ્ત્રીબોધ’માં પ્રગટ થઈ હતી. તે આપણી ભલે રૂપાંતરિત, પણ પહેલી ધારાવાહિક નવલકથા. ત્યાર બાદ પરણવું કે નહિ પરણવું, આગલા વખતની બાયડીઓ અને હાલના વખતની છોકરીઓ, પાતાલ પાણી ચલાવે, મિજાજી હોસ્નઆરા કેમ ઠેકાણે આવી, પૈસા! પૈસા! પૈસા!, દુખિયારી બચુના દુઃખનાં પહાડ, સોલીને સુધારનાર સુની, ગુમાસ્તાની ગુલી ગરીબ, વેચાયલો વર, ભીખો ભરભરિયો, હોશંગ બાગ, ખોહવાયલી ખટલી, મીઠી મીઠ્ઠી, ચાલીસ હજારનો ચાનજી, અને ખૂનનો બદલો ફાંસી, જેવી નવલકથાઓ ‘સ્ત્રીબોધ’માં હપ્તાવાર પ્રગટ થઈ. છેલ્લી નવલકથા સોલી શેઠની સુનાઈ ૧૯૦૪માં. આમ, ૧૮૬૩થી ૧૯૦૪ સુધી, સતત ૪૧ વર્ષ સુધી ‘સ્ત્રીબોધ’ ધારાવાહિક નવલકથાઓ પ્રગટ કરતું રહ્યું. આજે તો આપણાં સામયિકો અને અખબારોની સાપ્તાહિક પૂર્તિઓ માટે ધારાવાહિક નવલકથા એક અનિવાર્ય અંગ બની ગઈ છે. પણ આ દિશામાં ‘સ્ત્રીબોધ’ દ્વારા પહેલ કરી હતી કેખુશરૂ કાબરાજીએ.

કાબરાજીની જેમ તેમનાં પુત્રવધૂ પૂતળીબાઈ કાબરાજીએ પણ તંત્રી તરીકે લાંબો વખત ‘સ્ત્રીબોધ’ને સંભાળ્યું. ૧૯૧૨થી ૧૯૪૨ સુધી તેઓ તેના તંત્રી રહ્યાં, અને તેમણે પણ ‘સ્ત્રીબોધ’ માટે પુષ્કળ લખ્યું, પણ તેમાંનું ભાગ્યે જ કશું પછીથી ગ્રંથસ્થ થયું. પૂતળીબાઈનું ૧૯૪૨માં અવસાન થયું તે પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં. અલબત્ત, પૂતળીબાઈના વખતથી જ કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ જોડિયા તંત્રી બન્યા હતા. પાછલાં વર્ષોના અંકો જોતાં જણાય છે કે એ જમાનાના જાણીતા પ્રકાશક જીવનલાલ અમરશી મહેતા ‘સ્ત્રીબોધ’ના પ્રકાશન સાથે સંકળાયા હતા. કનૈયાલાલ મુનશીનાં શરૂઆતનાં કેટલાંક પુસ્તકો આ પ્રકાશકે પ્રગટ કરેલાં. આ લખનારને ‘સ્ત્રીબોધ’ના ૯૪મા વર્ષના, ૧૯૫૦ના, બાર અંક જોવા મળ્યા છે. તે પછીના અંકો જોવા મળ્યા નથી. જો કે ૧૯૫૦ના ડિસેમ્બર અંકમાં ૧૯૫૧ના લવાજમ વગેરે અંગે જાહેરાત છે, એટલે ૧૯૫૧માં પણ તે ચાલુ રહ્યું હશે. ‘સ્ત્રીબોધ’ ક્યારે બંધ થયું તે કોઈ જાણકાર જણાવશે તો આભાર થશે.

૧૮૫૭માં ‘સ્ત્રીબોધ’ શરૂ થયું ત્યારથી આજ સુધીમાં આપણે કેટલી પ્રગતિ કરી છે? જ્યારે ભણેલી સ્ત્રીઓનું પ્રમાણ માંડ એક ટકો હતું ત્યારે આવું સામયિક શરૂ થયું અને સારી રીતે લાંબુ જીવ્યું. આજે સ્ત્રી-સાક્ષરતાનું પ્રમાણ ૭૧ ટકા જેટલું હોવાનું કહેવાય છે. ત્યારે આપણી ભાષા પાસે સ્ત્રીલક્ષી સામયિકો કેટલાં છે? ‘સ્ત્રીબોધ’ના પહેલા જ અંકથી તેના માસ્ટ હેડ નીચે નેપોલિયન બોનાપાર્ટનું એક વાક્ય છપાતું : “દેશની હાલત સુધારવાની સરવેથી સરસ રીત એ કે માતાઓ જ્ઞાની થાએ તેમ કરવું.” ૧૬૨ વર્ષ પછી આજે પણ આપણે ઠેર ઠેર સૂત્રો લખવાં પડે છે : બેટી પઢાવ, બેટી બચાવ, મુલગી શીકલી, પ્રગતિ ઝાલી. સમાજમાં ખરેખર સ્ત્રી-બોધ થયો છે ખરો?

સંદર્ભ : 

૧. ‘સ્ત્રીબોધ’ની ઉપલબ્ધ ફાઈલો ૧૮૫૭-૧૯૫૦ (તૂટક) 

૨. કાબરાજી સ્મારક ગ્રંથ, ૧૯૦૪ 

૩. ‘સ્ત્રીબોધ’ જુબીલી ગ્રંથ : ‘સ્ત્રીબોધ’ અને સંસાર સુધારો, ૧૯૦૮     

xxx xxx xxx

Email: deepakbmehta@gmail.com

Loading

...102030...638639640641...650660670...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved