Opinion Magazine
Number of visits: 9557423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાતિ જનગણના, બારણે ટકોરા : બહુ બહુ ઠેલ્યું વિષમતા નિર્મૂલન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 August 2024

પૂર્વમંત્રી અનુરાગ ઠાકુરનાં હીન વચનોની બચકાના અનુમોદનામાં છલકાતું સત્તામાનસ તળિયાઝાટક તપાસ માંગે છે … ઇનફ ઇઝ ઇનફ !

પ્રકાશ ન. શાહ

જાતિગણનાનો મુદ્દો હમણેની લોકસભાની ચૂંટણીમાં ઠીક ગાજ્યો હતો અને ઉત્તર પ્રદેશની લોકસભાની બેઠકો પર સમાજવાદી પક્ષ ને કાઁગ્રેસ ભા.જ.પ.ને પરાસ્ત કરી શક્યા તેમાં પિછડે-દલિત-અલ્પસંખ્યક(પી.ડી.એ. ફોર્મ્યુલા)ની અસરકારક ભૂમિકા રહી હતી. પચીસ-ત્રીસ વરસ રહી હતી. પચીસ-ત્રીસ વરસ પર ભા.જ.પ.ના મંદિર મુદ્દા સામે વિશ્વનાથ પ્રતાપસિંહ મંડલાસ્ત્ર ઉગામી કેટલાક સમય માટે એની કૂચ રોકી હતી. હાલના વડા પ્રધાને જ્યારે દિલ્હી નીમ્યા દંડનાયક તરીકે ગુજરાતનો હવાલો સંભાર્યો ત્યારે પોતાના અધિકૃત પરિચયની સત્તાવાર યાદીમાં પોતે પછાત સમુદાયમાંથી આવે છે એ ઉપસાવવાની ખાસ કાળજી લીધી હતી અને મંદિર-મંડલ મિલાવટની અક્સીર રાજનીતિ ખેલી જાણી હતી. વિકાસના વરખ સોતી આ રાજનીતિ એમને ફળી તેનું પ્રમાણ 2014થી 2024ના દસકા થકી સૌને મળી પણ રહ્યું છે.

છેલ્લા ત્રણ દાયકાની ભારતીય રાજનીતિના ટૂંકા ચિત્રણથી અહીં શરૂઆત કરી એની પાછળ લાગેલો ધક્કો અલબત્ત મંગળવારે અને બુધવારે જે રીતે જાતિગણનાના પ્રશ્ને લોકસભાને માથે લીધી છે એનો છે. અંદાજપત્રની સાથે, વસ્તુતઃ દેશના એકંદર અર્થકરણ અગર અનર્થકારણ સાથે, આ પ્રશ્ન ગાઢપણે સંકળાયેલો છે. વિકાસનાં ફળ અને વિકાસની તક નીચે સુધી ઝમતાં નથી અને બધી જ વિકાસજોગવાઈઓ કોઈની જશમાં કોઈની જંધામાં અટવાઈ જઈ સરવાળે ક્રિમી લેયરમાં મોક્ષ પામે છે. તાજેતરનાં વર્ષોમાં આપણા અર્થકારણે કેટલા અબજપતિઓ પેદા કર્યા એ સમાચારથી રાજાના મહેલના દીવા જોઈ જમનાની ઠંડીમાં ગરમી અનુભવવાની કોશિશ કરનાર આમ આદમી પેઠે રાજી થવાની નિયતિ આ દેશના જનસાધારણની રહી છે.

સમજવાનો મુદ્દો અહીં એ છે કે આ વિષમતામાં આપણા હાડમાં પડેલી જાતિપ્રથાનુંયે ચોક્કસ યોગદાન છે. ખેડૂતોને ટેકાના ભાવ ધોરણસર ને સમયસર માટે એ માંગ દિલ્હી દરબારની ભાગોળે ટુંટવાઈને પડી છે, તો ખેતમજૂરોનું ખુદનું શું એવો પ્રશ્ન આપણને થાય એ ય સ્વાભાવિક છે. ભાઈ, આ ખેતમજૂર એ તો રૂપાળું નામઝભલું છે. તે ઘણુંખરું દલિત હોય છે એ સાદી વાત આપણા ખયાલમાં જ નથી આવતી.

નહીં કે સમાનતા માટેની, ખરું જોતાં જો કે, વિષમતા ઘટાડવાની, કોઈ હિલચાલ થઈ જ નથી. લોહિયાએ અસરકારકપણે આ મુદ્દો ઉચક્યો હતો અને જયપ્રકાશના આંદોલન આસપાસ કર્પુરી ઠાકુરથી માંડી મુલાયમ ને લાલુ જેવાના પ્રવેશે એનાં કંઈક ઇંગિત પણ આપેલાં છે. માયાવતી મુખ્ય મંત્રીપદે પહોંચી શક્યાં એમાં દલિત અગ્રતાપૂર્વકની સર્વસમાજ ફોર્મ્યુલાનો હિસ્સો પણ ઇતિહાસદર્જ છે.

અલબત્ત, આ બધી રાજકીય ઘડભાંજ છતાં, જૂના વારાનો પ્રયોગ તાજો કરીને કહીએ તો આપણી જે ‘પોલિટિકલ ઇકોનોમી’ છે તે એક નાનકડા વર્ગનો માલિકીભોગવટો બની રહેલ છે. રાહુલ ગાંધીએ મંગળવારે ચિત્રાત્મક રીતે લોકસભામાં કહ્યું તેમ આ આખી અવસ્થા એટલે કે અનવસ્તા ચક્રવ્યૂહ સરખી, અને એને ભેદવા સારુ જાતિગણનાનો 2010નો સંસદીય નિર્ધાર, જેમાં કાઁગ્રેસ ને ભા.જ.પ. સહિત સૌ સામેલ હતા, અમલમાં મૂકવાની તાકીદ છે. ક્યાં કોને કેટલું મળે છે અને મળવું જોઈએ તેની વાસ્તવિક ગણતરી વગર ‘સબકા વિકાસ’નું સૂત્ર ખાલી ખાલી ખખડે છે.

મુશ્કેલી એ છે કે, જાતિની વાત નીકળે એટલે સમાજમાનસ અને સત્તામાનસ અકળાઈ ઊઠે છે – કારણ, વિનોબા કહેતા તેમ, જાતિ વો હૈ જો જાતી હી નહીં! આ જાતિ જતી નથી એનું કમનસીબ પ્રમાણ લોકસભાની ચર્ચામાં પૂર્વમંત્રી અનુરાગ ઠાકુરના એ હીણા ઉદ્દગારોથી મળ્યું કે જેમની જાતિના કોઈ ઠેકાણાં નથી (કોઈ જાણતું નથી) તેવા લોકો જાતિગણનાની વાત કરે છે. અનુરાગ ઠાકુરની રજૂઆતને એક્સ વાટે સર્વોચ્ચ સત્તાસ્થાનેથી અનુમોહના મળી રહી તે આ કમનસીબીને કરપીણ બનાવે છે.

વાસ્તવિકતા એ છે 1881 અને 1931 સેન્સસમાં જાતિગણના ઠેલાતી રહી છે. વિકાસનાં ફળ બધે પહોંચે તેને માટે અનિવાર્ય જરૂરતો પૈકી આ એક પાયાની જરૂરત છે ત્યારે તું કયા કુળનો એ જીર્ણ માનસિકતા ખંખેરી આગળ વધવાની તાકીદ સાફ છે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 31 જુલાઈ 2024

Loading

ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 August 2024

ચંદુ મહેરિયા

૨૦૨૩માં રાજસ્થાનની કાઁગ્રેસ સરકારે ગિગ વર્કર્સના કલ્યાણ અને રજિસ્ટ્રેશન અંગેનો કાયદો ઘડ્યો હતો. દેશના લાખો ગિગ વર્કર્સને લગતો કાયદો ઘડનારું રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય છે. હવે તેના પગલે કર્ણાટકની કાઁગ્રેસ સરકારે ગિગ વર્કર્સ સંબંધી અધિનિયમનો મુસદ્દો તૈયાર કરી, જાહેર ચર્ચા માટે મુક્યો છે. તેલંગાણા સરકાર પણ આવો કાયદો ઘડવાની છે. કાઁગ્રેસે તેની રાજવટના રાજ્યોમાં કાયદો ઘડી રાષ્ટ્રીય કક્ષાએ પણ ગિગ વર્કર્સ સંબંધી કાયદો બનાવવાની કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી છે. તેને કારણે ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સ ચર્ચામાં છે.

આપણે સ્માર્ટ ફોનથી કોઈ એપ મારફત ઓર્ડર કરીએ અને ગણતરીની મિનિટોમાં બહાર જવા કેબ ઘરના આંગણે આવી જાય કે કોઈ ઘરે જમવાનું અને બીજી ચીજો આપી જાય તો આ વ્યવસ્થા પર આપણે વારી જઈએ છીએ. પરંતુ આ વ્યવસ્થાની કરોડરજ્જુ સમા કામદારો-કર્મચારીઓની હાલત અંગે સાવ બેખબર હોઈએ છીએ. ગિગ ઈકોનોમી મુક્ત બજાર પ્રણાલી છે અને તે આર્થિક ઉદારીકરણની ઉપજ છે. કેબ ડ્રાઈવર, ડિલિવરી કરનારા વ્યક્તિઓ, સોફ્ટવેરની કામગીરી સાથે સંકળાયેલા લોકો, વ્યવસાયી સેવાઓ, સમૂહસેવાઓ, વકીલ, પત્રકાર, ફોટોગ્રાફર, લેખક, વેબ ડિઝાઈનર અને એવાં બીજાં કામો સાથે સંકળાયેલા લોકો ગિગ વર્કર્સના રૂપાળા નામે ઓળખાય છે.

ગિગ વર્કરની કોઈ ચોક્કસ વ્યાખ્યા હજુ ઘડાઈ નથી, પરંતુ સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ના અધ્યાય ૧, ખંડ-૨(૩૫)માં તેની અધૂરી અને અસ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં ગિગ વર્કરને એક વ્યક્તિના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. તે એક એવી કાર્ય વ્યવસ્થાનો ભાગ છે જેમાં તે મજૂર-માલિક સંબંધોથી પર રહીને પોતાની રોજી મેળવે છે. એક અર્થમાં ગિગ શ્રમિકો અસંગઠિત શ્રમિકોનું વિસ્તરણ છે. અંશકાલીન, સ્વનિયોજિત કે એકાધિક કામ કે નોકરી કરનાર વ્યક્તિ ગિગ શ્રમિક ગણાય છે. તેના કામના કલાકો, કામનું પ્રમાણ અને રોજી સાવ અનિશ્ચિત હોય છે. તે કોઈ કંપની કે સંસ્થાના હાજરીપત્રક પર નથી હોતા અને પગારપત્રક પર પણ નથી હોતા. પરંતુ તે કંપની કે સંસ્થાનું કામ કરે છે. કહેવા ખાતર તો તેઓ પોતાના જ માલિક છે. મનમરજીનું કામ મન પસંદ સમયે કરે છે અને રિસેષ કે રજા માટે કોઈની પરવાનગી લેવાની હોતી નથી, પરંતુ વાસ્તવિકતા જુદી છે. કહેવાતા માલિક સાથેનો તેનો સંબંધ ટૂંકા ગાળાનો અને કામ પૂરતો જ હોય છે.

ગિગ વર્કર્સ માત્ર ભારત પૂરતા સીમિત નથી. આખી દુનિયામાં છે. મૂડીવાદી અમેરિકામાં  લગભગ સાડા છ કરોડ ગિગ વર્કર્સ છે. હવે પછીના પાંચેક વરસોમાં અમેરિકામાં કામ કરનારાઓમાંથી અડધોઅડધ ગિગ વર્કર્સ હશે. ૨૦૨૩માં વિશ્વ આખાના અર્થતંત્રમાં ગિગ ઈકોનોમીનું  પ્રદાન ૪૫.૫ કરોડ ડોલરનું હતું.

હાલમાં ભારતમાં અંદાજિત ૭૭ લાખથી ૧.૫ કરોડ ગિગ વર્કર્સ છે. આ દાયકાના અંતે તે વધીને ૨.૪ કરોડ થવાની ધારણા છે. સૌથી ઓછા ૧ લાખ ગિગ વર્કર્સ શિક્ષણમાં અને સૌથી વધુ ૨૬.૬ લાખ રિટેઈલ ટ્રેડ એન્ડ સેલ્સમાં કામ કરે છે. ૧૩ લાખ ટ્રાન્સપોર્ટેશન, ૬.૩ લાખ ફાયનાન્સ અને ઈન્સ્યુરન્સમાં અને ૬.૨ લાખ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે કામ કરી રોજી મેળવે છે. નીતિ આયોગના અહેવાલમાં ૨૦૧૯-૨૦માં ૪૭ ટકા ગિગ શ્રમિકો મધ્યમ કૌશલ્યના રોજગારમાં, ૩૧ ટકા નિમ્ન કૌશલ્યમાં અને માત્ર ૨૨ ટકા જ ઉચ્ચ કૌશલ્યની નોકરીઓમાં હતા. ૨૦૨૦-૨૧માં દેશના ટોટલ વર્કફોર્સમાં ૧.૫ ટકા અને બિનકૃષિમાં ૨.૬ ટકા ગિગ વર્કર્સ હતા.

અસંગઠિત ક્ષેત્રનો વિસ્તાર મનાતા ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે. માર્ચ ૨૦૨૪માં જાહેર થયેલા ગિગવર્કર્સ અંગેના બે સર્વેક્ષણોમાં પણ આ બાબત ઉજાગર થઈ છે. ‘જનપહેલ’ નામક સ્વૈચ્છિક સંસ્થાએ ૩૨ શહેરોના પાંચ હજાર ગિગવર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સનો અભ્યાસ કર્યો હતો. ઇન્ડિયન ફેડરેશન ઓફ એપબેસ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સે દેશના આઠ મોટા શહેરોના ૫૩૦૨ કેબ ડ્રાયવરો અને ૫૦૨૮ ડિલિવરી મેનનું સર્વેક્ષણ કર્યું હતું. પ્રથમ સર્વેક્ષણ હેઠળના કામદારોમાંથી ૮૫ ટકા, ૩૦થી ૫૦ વરસના જ્યારે બીજા સર્વેક્ષણના ૭૮ ટકા, ૨૧ થી ૪૦ વરસના હતા. બંને સર્વેક્ષણના તારણોમાં કામના કલાકો, કામનો પ્રકાર અને માસિક આવકની વિગતો ચિંતાજનક છે. ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સના ૫૭ ટકા ૨થી ૫ વરસથી અને ૧૬ ટકા ૫ કરતાં વધુ વરસોથી કામ કરતા હતા. મતલબ કે કામની કોઈ ખાતરી કે સલામતી નહોતી. નોકરીની અસાલમતીનું કારણ ૮૭ ટકાના મતે ઓછા સમયમાં સેવા પૂરી પાડવી તે છે. અગાઉની તુલનામાં હવે તેમની સંખ્યા વધી છે પણ આવક ઘટી છે. ૧/૩ કેબ ડ્રાઈવર ૧૪ કલાક, ૬૦ ટકા ૧૨ કલાક અને ૮૩ ટકા ૧૦ કલાકથી વધુ કામ કરે છે. અહીં પણ જ્ઞાતિગત અસમાનતા જોવા મળી છે. બિનઅનામત વર્ગના માત્ર ૧૬ ટકાની સરખામણીએ દલિત-આદિવાસી ૬૦ ટકા કેબ ડ્રાઈવરો ૧૪ કલાકથી વધુ કામ કરે છે. ૪૩ ટકાને રોજના રૂ.૫૦૦ અને મહિને રૂ.૧૫,૦૦૦ રોજી મળે છે. ૩૪ ટકા માસિક ૧૦ હજારથી ઓછું કમાય છે. કંપનીઓ અનુચિત, મનફાવતું અને અસ્પષ્ટ કમિશન લેતી હોવાની અને ગ્રાહકો દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ લગભગ બધાની હતી.

ગિગ વર્કસને અસંગઠિત ક્ષેત્રના કામદારોને મળતું કાયદાકીય રક્ષણ મળતું નથી. કેમ કે શ્રમિક કાયદાઓમાં તેમનો સમાવેશા કરવામાં આવ્યો નથી. ગિગ વર્કર્સને લઘુતમ વેતન, પેન્શનરી લાભો, આરોગ્યની સેવાઓ, સવેતન અઠવાડિક કે અન્ય રજાઓ મળતી નથી. રાજસ્થાન અને અન્ય કાઁગ્રેસશાસિત રાજ્યોના ગિગ વર્કસને લગતા કાયદા પણ તેમના અધિકારોના બદલે કલ્યાણને લગતા વધુ છે. રાજસ્થાન અને કર્ણાટકના કાયદામાં પ્લેટફોર્મ આધારિત ગિગ વર્કર્સનો જ સમાવેશ થાય છે. જે લોકો ઓનલાઈન અલ્ગોરિથમ મેચિંગ પ્લેટફોર્મ કે એપનો ઉપયોગ કરે છે તે પ્લેટ આધારિત ગિગ વર્કર્સ છે પરંતુ તેનો ઉપયોગ ન કરનાર કે તેની બહાર રહીને કામ કરતા ગિગ વર્કર્સની સંખ્યા ઘણી મોટી છે. તેમનો સમાવેશ કાયદામાં થયો નથી. ગિગ વર્કર્સને કર્ણાટકનો પ્રસ્તાવિત કાયદો નબળો લાગે છે તો તેમના માલિકોના સંગઠનને કાયદો જરા ય સ્વીકાર્ય નથી.

જ્યારે દેશ અને દુનિયામાં ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સમાં વૃદ્ધિ થઈ રહી છે ત્યારે ગિગ વર્કર્સને અસંગઠિત શ્રમિકોને મળતા હક અને લાભ મળવા જોઈએ. લઘુતમ વેતન, કામના નિર્ધારિત કલાકો, પારદર્શી અને નિષ્પક્ષ ચુકવણાની વ્યવસ્થા, કલ્યાણ બોર્ડ અને કલ્યાણ કોષની રચના જેવા પગલાં લેવા જોઈએ. આગામી યુનિયન બજેટને માત્ર આવકવેરાની મુક્તિ મર્યાદાની સંકુચિત નજરે સારા કે નરસા તરીકે મુલવવાને બદલે ગિગ સહિતના અસંગઠિત શ્રમિકોના હિતની દૃષ્ટિએ મુલવવું જોઈએ. જેમની પાસે સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટની સુવિધા નથી તેમના માટે તો ગિગ વર્કર્સ બનવું પણ મુશ્કેલ છે. એટલે ડિજિટલ ડિવાઈડના દૃષ્ટિકોણથી પણ આ બાબતને ચકાસવી જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

યુવાનો જેટલી વિસ્ફોટક ચીજ બીજી એકેય નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|1 August 2024

રમેશ ઓઝા

દેશમાં શિક્ષણના ક્ષેત્રમાં જે ઘટનાઓ બની રહી છે તેને એક સાથે જોવી જોઈએ. તેના દ્વારા એક આખું ચિત્ર તમારી સમક્ષ ઊભુ થશે અને તેની ગંભીરતાનો ખ્યાલ આવશે.

૧. આજકાલ કોઈ એવી સ્પર્ધાત્મક પરીક્ષા નહીં હોય જેનાં પેપર ફૂટતાં ન હોય.

૨. પૂજા ખેડકર નામની પૂનાની છોકરીએ વિકલાંગનું સર્ટિફીકેટ ખરીદવા સહિત દરેક પ્રકારના ગોરખધંધા કરીને દેશની સનદી સેવામાં નોકરી મેળવી હતી.

૩. દેશમાં કોચિંગ ક્લાસોનો રાફડો ફાટ્યો છે અને તે પ્રવેશથી લઈને પાસ કરી આપવા સુધીની દરેક પ્રકારની સેવા આપે છે.

૪. રાજસ્થાનમાં કોટા નામનું શહેર શિક્ષણનું મોટું માર્કેટ બની ગયું છે અને ત્યાં એવી ગળાકાપ હરીફાઈ ચાલે છે કે હવે તેના વિષે ફિલ્મો અને વેબ સિરીઝ બનવા લાગી છે.

૫. એવો ભાગ્યે જ કોઈ દિવસ જતો હશે જ્યારે દેશમાં કોઈને કોઈ સ્થળે કોઈ વિદ્યાર્થીએ નિષ્ફળતાનાં કારણે, અથવા નિષ્ફળતાના ડરને કારણે કે પછી તેની સાથે કોચિંગ ક્લાસવાળાઓએ કે નોકરી અપાવનારા દલાલોએ કરેલી છેતરપિંડીનાં કારણે આત્મહત્યા ન કરી હોય. વિદ્યાર્થીની આત્મહત્યા એ હવે ન્યુઝ નથી રહ્યા.

૬. દિલ્હીમાં ભોંયતળિયે ચાલતા એક કોચિંગ ક્લાસમાં વરસાદનાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓનાં મોત.

૭. ભારતના વિદ્યાર્થીઓ જગતના એવા એવા દેશોમાં ભણવા જાય છે, જેની આપણે કલ્પના પણ ન કરી હોય! અત્યારે બંગલાદેશમાં અનામત વિરોધી આંદોલન ચાલી રહ્યું છે એટલે બંગલાદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પાછા ફરી રહ્યા છે. તસ્વીરો જોઈ હશે. ભારતના વિદ્યાર્થીઓ જ્યાં કંગાળ શૈક્ષણિક સ્તર છે એવા દેશોમાં ભણવા જાય છે.

૮. શિક્ષણ એટલું મોંઘુ છે કે મા-બાપોને જમીન-જાયદાદ વેચવી પડે છે અથવા ગીરવે મૂકવી પડે છે અને તે ક્યારે ય છોડાવી શકતા નથી.

૯. સંપન્ન પરિવારનાં બાળકો વિદેશ ભણવા જઈ રહ્યા છે અને ત્યાં જ વસવાનો પ્રયાસ કરે છે. ભારતનું નાગરિકત્વ છોડવાનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. ગયા વરસે ૨,૨૫,૬૨૦ લોકોએ દેશનું નાગરિકત્વ છોડ્યું હતું.

૧૦. શિક્ષણનું વ્યવસાયીકરણ તો ક્યારનું થઈ રહ્યું છે અને હવે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.

૧૧. દેશમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓ સ્થપાઈ રહી છે જેમાં મધ્યમવર્ગનું સંતાન ભણી શકે એમ નથી.

૧૨. સરકારી કે સરકારી અનુદાન દ્વારા ચાલતી દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં હિન્દુત્વવાદીઓને બેસાડવામાં આવ્યા છે જેમનું બૌદ્ધિક સ્તર તેજસ્વી વિદ્યાર્થીઓ કરતાં પણ ઓછું છે. તેઓ હજુ દ્વાપર અને ત્રેતાયુગમાંથી બહાર નથી આવ્યા.

૧૩. આજકાલ મીડિયામાં તમને વિકાસ દિવ્યકીર્તિ સર, અવધ ઓઝા સર અને બીજા સરોની મુલાકાત જોવા મળતી હશે. આનું કારણ એ છે કે મીડિયાને આજે સૌથી વધુ આવક આ સરલોકો પાસેથી થાય છે, એટલે તેમની ખુશામત કરવી પડે છે.

૧૪. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ દેશમાં ભણવાની ઉંમર વીતી ગઈ હોય એવા ૧૯.૯ ટકા યુવાનો હજુ આજે પણ અશિક્ષિત છે. જે ૮૧.૧ ટકા વિદ્યાર્થીઓ ભણેલા છે એમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા સુધી પહોંચ્યા હોય એવા કેટલા? ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના છેલ્લામાં છેલ્લા અહેવાલ મુજબ ૨૮.૪ ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા સુધી પહોંચે છે. બાકીના વિદ્યાર્થીઓ કોલેજ સુધી પહોંચતા જ નથી. આનો અર્થ એ થયો કે દેશના લગભગ ૮૦ ટકા યુવાનો હજુ શિક્ષણની બજારમાં ગ્રાહક તરીકે આવ્યા જ નથી. કલ્પના કરો કે જો પ્રત્યેક યુવા શિક્ષણની બજારમાં પ્રવેશતો હોત તો શૈક્ષણિક વ્યવસ્થાનું શું થાત!

૧૫. પણ ચિંતા કરવાની જરૂર નથી, આપણે વિશ્વગુરુ છીએ. દુનિયા આપણા પગ ચૂમવાની છે, ચૂમવાની છે શું, ચૂમવા લાગી છે. અને દેશના શિક્ષણ પ્રધાને ગયા અઠવાડિયે લોકસભામાં કહ્યું હતું કે કોઈ પેપર ફૂટ્યાં જ નથી. ૨૦૨૦ના જૂન મહિનામાં વડા પ્રધાને જેમ દેશને કહ્યું હતું કે ચીને ભારતમાં પ્રવેશ કર્યો જ નથી. આપણને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં અમૃતકાલ ચાલી રહ્યો છે.

પહેલી ૧૪ વાસ્તવિકતા છે અને પંદરમી પ્રતિક્રિયા છે, પ્રતિસાદ છે.

આ બધાં બિંદુઓને જોડશો તો શું નજરે પડે છે?

૧. આઝાદીના ૭૭ વરસ પછી પણ આપણે પોણા ભાગના યુવાઓને તેમને મળવું જોઈતું શિક્ષણ આપી શકતા નથી. તેઓ ઉચ્ચ શિક્ષણની કલ્પના પણ કરી શકે એમ નથી.

૨. દેશના માત્ર ચોથા ભાગના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એમ છે અને મેળવવા માગે છે, પરંતુ તેમને પણ આપણે ઉચ્ચ શિક્ષણ આપી શકતા નથી. અને આપીએ છીએ તો તેની ગુણવત્તાના પ્રશ્નો છે. એટલે તેમને એવા પછાત દેશોમાં ભણવા જવું પડે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય.

૩. સમસ્યા માગ અને પૂરવઠાની છે. જેટલી માગ છે એટલી બેઠકો નથી એટલે શિક્ષણનું વ્યવસાયીકરણ થયું છે અને અછતના માર્કેટમાં જોવા મળતી દરેક પ્રકારની ગેરરીતિઓ અહીં પણ જોવા મળી રહી છે.

૪. શિક્ષણ સ્પર્ધાત્મક બની ગયું છે એટલે યુવાનોની અંદર હતાશા વધી રહી છે. આર્થિક રીતે પરિવારો અને ભાવનાત્મક રીતે યુવાનો ભાંગી રહ્યા છે. આ એક દિવસ વ્યાપક અરાજકતા અને હિંસાનું કારણ બની શકે એમ છે.

૫. ગાંડી સ્પર્ધા એટલા માટે ચાલી રહી છે કે દરેક યુવાન નોકરી કરવા માગે છે અને નોકરી નથી. આખો દેશ કેવી રીતે નોકરિયાત બની શકે? પણ આ માટે નોકરી મેળવવા માગતો ઈચ્છુક જવાબદાર નથી, શાસકો જવાબદાર છે. શિક્ષણને સ્પર્ધા સાથે અને સ્પર્ધાને નોકરી સાથે જોડી દીધાં છે. જીવન નિર્વહનના બીજાં માધ્યમોની પ્રતિષ્ઠા જ નથી. અને હવે આ આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સના યુગમાં હજુ નોકરી ઘટવાની છે.

જો ઉપર કહ્યાં એ બિંદુઓને જોડશો તો સ્થિતિ ઉપર કહી એવી નજરે પડે છે.

હવે વિચારો કે તમે જો શાસક હો તો તમે શું કરો અને એ તરફ પણ નજર કરો કે આત્યારના આપણા શાસકો શું કરી રહ્યા છે.

પહેલા પ્રશ્નનો જવાબ તમારે વિચારવાનો છે અને બીજા પ્રશ્નનો જવાબ સામે છે. તેઓ નિશ્ચિંત છે. એટલા નિશ્ચિંત કે આપણને અકળામણ થાય. કદાચ તેઓ એમ માને છે કે પોતાને વિશ્વગુરુ જાહેર કરી દીધા એટલે ભણતરની દુનિયામાં પ્રવેશવા માગનારાઓ ઘરે જતા રહેશે. હવે ભણવાની શી જરૂર છે, આપણે તો આખા વિશ્વના ગુરુ છીએ.

તેઓ આગ સાથે રમત રમી રહ્યા છે અને યુવાનો જેટલી વિસ્ફોટક ચીજ બીજી એકેય નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 ઑગસ્ટ 2024

Loading

...102030...570571572573...580590600...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved