Opinion Magazine
Number of visits: 9457083
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“ત્રિખંડત્રિવેણી” (ત્રણ ભૂખંડમાં વીતાવેલા જીવનનાં સંભારણાં)

ગુણવંત ધોરડા|Diaspora - Reviews|12 June 2024

મીઠું મરચું ભભરાવ્યા વગરની શબ્દશઃ સાત્વિક. છતાં દરેક વાંચકને એકસરખી ભાવે તેવી લેખક વલ્લભ નાંઢાની સ્મરણકથા (આત્મકથા) એટલે “ત્રિખંડત્રિવેણી” (ત્રણ ભૂખંડમાં વીતાવેલા જીવનના સંભારણા)

ગુજરાતીમાં કહેવત છે, “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સિવે” એવી જ નવી કહેવત “લેખકનો જીવ શ્વાસે ત્યાં સુધી લખે” કહેવતને સાર્થક કરતા હોય તેમ લેખક વલ્લભ નાંઢાએ પોતાની આઠ દાયકાની સાહિત્યિક સફરમાં, પાગલ, કોનાવા, ઝંખના, વધામણી, શિમોન, પરી કયા ચીજ હૈ, લટિશિયા અને આયેશા જેવા આઠ વાર્તાસંગ્રહ; કાળજે કોતરાયેલી પીડા, પ્રીતમ આન મિલો, જોબનના ઝેર, અને ગુલામ જેવી ચાર નવલકથા; બે કિનારા, દરિયાપારનું દૃષ્ટિબિંદુ જેવા સાહિત્યિક સંગ્રહ; પ્રાર્થના મંજરી, ધર્માત્મા ધર્મવીર અને રમણભાઈ પટેલની કેટલીક વાર્તાઓ જેવા ત્રણ સંપાદન કર્યા છે. હાલમાં પંચાસી વરસની ઉંમરે પોતાની આત્મકથા ‘ત્રિખન્ડત્રિવેણી’ લખી,  જે અમારા બન્નેના મિત્ર રજનીકુમાર પંડયાના માધ્યમથી શુભેચ્છા રૂપે પુસ્તક મળ્યું.

સ્મૃતિઓ જીવનનું અસલી ભાથું છે. બીજું કંઈ રહે અને ન પણ રહે, પરંતુ સ્મૃતિઓ હંમેશાં આપણી સાથે રહે છે. કર્મે શિક્ષક અને સ્વભાવે ભાષાપ્રેમી વલ્લભ નાંઢા પોતાના જીવનનાં સાડાઆઠ દાયકા દરમિયાન ભેગું કરેલ અનન્ય સ્મૃતિઓનું ભાથું આપણી સાથે આ પુસ્તક દ્વારા વહેંચે છે.

પૃથ્વીના ત્રણ ભૂખંડ પર જીવાયેલા જીવનની વાત વલ્લભ નાંઢા અદ્દભુત રીતે માંડે છે. પુસ્તકના પ્રથમ ખંડમાં જન્મભૂમિ કુતિયાણામા રહેલા નાંઢાપરિવાર, ભેરુઓ જ્યંતી, હેમંતલાલ, શિવલાલ, મોહન, વીનુ રેવડીવાળો, પાડોશીઓ, શિક્ષકો  કેશવજી સાહેબ, જમનાદાસ સાહેબ, રસૂલ સાહેબ સાથે ગાળેલ સમયની વાતો વલ્લભ નાંઢા મનોરમ્ય રીતે રજૂ કરી જીવંત બનાવે છે.

વલ્લભ નાંઢા કુતિયાણાનાં સ્મરણો વાગોળતા લખે છે. તે સમયે એક પ્રણાલી હતી અમને ભણાવતા સાહેબ ગામમાં કોઈ જગ્યાએ સામે મળે ત્યારે વિદ્યાર્થીએ સલામ સાહેબ કહી મર્યાદાથી ઊભું રહી જવું પડતું, જો કોઈ અડવીતરો તેમ ન કરે તો બીજે દિવસે સાહેબ તેનો વારો કાઢી નાખતા હતા.

અમારા જમનાદાસ સાહેબ અમને બધાને કહેતા, કુતિયાણાનું જૂનું નામ કુંતલપુર હતું. આઝાદી પહેલા જૂનાગઢના નવાબનું જૂનાગઢ પછીનું મોટું ગામ હતું. કુતિયાણામાં મુસલમાનની વસ્તી હતી. પણ હિંદુ વસ્તી વધુ હતી. નવાબે પાકિસ્તાન સાથે ભળવાનો નિર્ણય લીધો હતો. મુસલમાન લોકોએ હિંદુને હેરાન કરવાનું શરૂ કર્યું. હિંદુ લોકોની મદદે હરિભાઈ, જૂનાગઢથી દિવ્યકાંત નાણાવટી , વેદ સાહેબે  કુતિયાણાના પંચહાટડી ચોકમાં હિંદુની તરફેણમાં સભા ભરી હતી. એટલે તેઓની નવાબની પોલીસે ધરપકડ કરી હતી. આવી આરઝી હકુમત અને આઝાદીની ઘણી ન જાણેલી વાતો વલ્લભ નાંઢાએ  સહજતાથી રસાળ શૈલીમાં લખી છે.

તેર વરસની ઉંમરે કુતિયાણા (એશિયા ખંડ) છોડી બાળ વલ્લભ  ટબોરા  (આફ્રિકા ખંડ) જવા માટે પોતાની બા સાથે બાપુજીને મળવા આગબોટમાં પ્રથમવાર મુસાફરી કરે છે. આગબોટની યાતનાભરી મુસાફરીનું વર્ણન આબેહૂબ કર્યું છે. ટબોરા વચ્ચગાળાનું રોકાણ કરી મ્વાંઝામાં નવા માણસો, નવો સહવાસ, નવી હવા, નવાં પાણી, નવા આકાશ અને નવાં સપનાં સાથે નાંઢા પરિવાર સ્થિર થયો. આમ આફ્રિકા ખંડમાં વિતાવેલા દિવસો, વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવાની સફર, સાહિત્યક્ષેત્રે ભરેલ પાપાપગલી વિશે  લેખક વલ્લભ નાંઢા સહજ વાતો કરે છે.

વલ્લભ નાંઢા

સોળ સત્તર વર્ષની મુગ્ધ ઉંમરે વિજાતીય આકર્ષણ થવું સ્વાભાવિક છે. પંદરેક વર્ષની વર્ષા નામની છોકરી સાથે નાજુક સમયે નાજુક નિકટતા કેળવાય છે. શરૂઆતમાં માત્ર મિત્રતાના સંબંધ હતા. મિત્રતાના નિર્ભેળ સંબંધમાં મુગ્ધાવસ્થાની મુગ્ધતાનો મદ ઉમેરાયો. બન્ને એકબીજાને મળવાના લાગ ગોતતા રહેતા હતા. એક દિવસ એકાંતમાં વર્ષાના બા નર્મદાબહેન જોઈ ગયાં. વલ્લભને બાવળની સોટીએ સોટીએ માર્યો. 

વર્ષા વલ્લભથી દૂર થઈ ગઈ. વર્ષાનું પોતાથી દૂર થવાનું કારણ જાણવા વલ્લભ અનેક પ્રયત્ન કરે છે. કારણ અકળ જ રહે છે ! વલ્લભના લગ્ન જશુમતી સાથે થાય છે. વર્ષા પરણીને દારેસલામ સ્થિર થાય છે.

વલ્લભ શિક્ષકનો વ્યવસાય અપનાવે છે. વર્ષાના પરિવારમાં નર્મદાબહેન વલ્લભને ખાનગી ટ્યુશન માટે બોલાવે છે. કામની વ્યસ્તતા હોવા છતાં નર્મદામાસીના આગ્રહથી ના નથી કહી શકતો. કોઈ એક ક્ષણે વર્ષાનો મેળાપ થાય છે. વર્ષા દિલમાં ધરબેલી વાત કરે છે. અકળ કારણની કળ ખૂલી જાય છે. અનામી જેને કોઈ નામ ન આપી શકાય તેવો સંબંધ ફરી સ્થપાય છે. આવી ઘણી આત્મીય વાતો આફ્રિકા ખંડમાં નામે વિભાગમાં વલ્લભ નાંઢા અદ્દભુત લખે છે. લેખક તરીકે વલ્લભ નાંઢા પૂરબહારમાં ખીલ્યા છે.

1961માં ટાંગાનિકામાં રાજકીય અસ્થિરતા વ્યાપી, બ્રિટિશરાજનો અસ્ત થયો. મોટા ભાગના એશિયનોએ યુનાઇટેડ કિંગ્ડમ તરફ હિજરત કરી. નાંઢા પરિવાર પણ મૂળ સમેત ઉખડી ફરીથી મૂળ જમાવવા લંડન  પહોંચ્યો.  નવો દેશ, નવી નોકરી  કામ જૂનું. સ્થિરતા આવી પણ સલામતી જોખમાઈ !  લંડનમાં પણ વર્ષાનું અચાનક મળવું, વર્ષાનો મુગ્ધતા સમયનો લગાવ પરવાણ ચઢે છે કે કેમ ! તે વાત હું  વાચકો માટે અધ્યાર્થ  રાખું છું ! તે માટે પુસ્તક વાંચવું જરૂરી છે.

લંડનમાં સ્થાયી થવાના રોમાંચક અનુભવો વચ્ચેના વ્યવસાયિક સંઘર્ષ. પારિવારિક તાલમેલ અને વ્યાવહારિક સૂઝબૂઝનું હૃદયસ્પર્શી વર્ણન કરી, લેખક સંસ્મરણો તાજાં કરે છે.

લેખક હજી પણ કુતિયાણાની ભાદર હોય કે, તાલુકા શાળા, શ્યામસુંદર બાપાની મઢી, કુતિયાણાની કોરટને એ ટાવર, દારેસલામની ઊભી બજાર કે ટબોરાની શેરી ભૂલ્યા નથી. તે સ્મરણો વલ્લભ નાંઢા હજુ અકબંધ જાળવી શક્યા છે. એટલે જ આ સ્થળોને જેમના તેમ શબ્દોના કેનવાસ ઉપર અદ્દભુત રીતે  લેખક ઉતારી શક્યા છે.

લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર લેખક આ પુસ્તકની પ્રસ્તાવનામા તાકે છે કે, ‘બીજા હરેક સ્વસ્થ મનુષ્યની જેમ વલ્લભભાઈની સહજ વૃત્તિ રહી છે કે પોતે જે ક્ષણે શ્વાસ લેતા હોય ત્યારે પોતે ત્રિકાળમાં જ જીવતા હોય છે. વીતી ગયેલી પળ, તેમની યાદદાસ્તને એક છાને ખૂણે સુષુપ્ત અવસ્થામાં જીવતી પડી હોય છે.’

પ્રસ્તાવનામાં આગળ ઉપર રજનીકુમાર પંડયા લખે છે કે ‘પોતાની આજ સુધીની જીવનસફારને એમણે  ત્રણ ખંડમાં વિભાજિત કરી છે. ત્રણ શા માટે? આમ તો રૂઢ રીતે મનુષ્યના જીવનના એક પૂરા શતકને લક્ષમાં લેતા, પહેલી, બીજી ,ત્રીજી અને ચોથી પચ્ચીસી એમ ચાર ખંડ પડે. પણ અહીં વલ્લભભાઈએ સ્વકેન્દ્રી બન્યા વગર એ સર્વમાન્ય રૂઢ વ્યાખ્યાનો સ્વીકાર નથી કર્યો. ચાર નહીં પણ ત્રણ ખંડ પાડ્યા છે. કારણ ચોથી પચ્ચીસી તો હજી જિવાઈ રહી છે.’

આ આખી આત્મકથામાં લેખક વલ્લભ નાંઢાનો હેતુ વાચકને રંજન પીરસવાનો બિલકુલ નથી. પણ સાડાઆઠ દાયકાના ભારને હળવો કરવાનો છે. સાથેસાથે પોતાના અત્યાર સુધીના બહુરંગી પોતને કળાકીય રૂપ આપવાનો રહ્યો છે. લેખકનો આ હેતુ એમની ભાષાની પારદર્શકતા, સરળતા અને સાદગીના કારણે બરાબર બર આવ્યો છે.

પુસ્તકનું નામ – ત્રિખંડત્રિવેણી • પ્રકાશક – ઝેન એપ (હિંગળાજ માતા કમ્પાઉન્ડ, જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન, નવરંગપુરા પોલીસ સ્ટેશન લેન અમદાવાદ – 380 009) • પૃષ્ઠ સંખ્યા – 273 • કિંમત – 475 રૂપિયા • સંપર્ક નંબર – (079) 26561112 — 40081112

જેતપુર, 11 જૂન 2024
સૌજન્ય : ગુણવંતભાઈ ધોરડાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધી પ્રત્યેનો મારો અભિગમ

લેખક : આર્ટર ડોમિન્ગો [અનુવાદક : આશા બૂચ]|Gandhiana|12 June 2024

(ભારતસ્થિત ‘બેઝિક ઇન્કમ અર્થ નેટવર્ક ગ્રુપ’માં જોડવાને પરિણામે બારનીલ્સ – કેટેલોનિયા નિવાસી આર્ટર ડોમિન્ગોનો પરિચય થયો. એમનો લેખ ‘Making Gandhi Legacy useful in today’s world’ ડો. શોબના નેલાસ્કો દ્વારા સંપાદિત પુસ્તક ‘ગાંધી – અ ગ્લોબલ પર્સપેક્ટિવ’માં વાંચ્યો. એ દ્વારા પરસ્પર વિચારોની આપ-લે થતી રહી. તાજેતરમાં તેમની લંડનની મુલાકાત દરમિયાન થયેલ વાર્તાલાપને આર્ટરે લેખિત સ્વરૂપ આપ્યું, જેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

આર્ટર ડોમિન્ગો

મારો જન્મ 1953માં. મારી પેઢીના ઘણા યુવાનોની માફક મને ક્રિશ્ચિયન – કેથોલિક પદ્ધતિનું શિક્ષણ પ્રાપ્ત થયેલું; પરિણામે સામાજિક ન્યાય માટેની નિસબત મને વારસામાં મળેલી. એ સમયે સ્પેઇન ફ્રાન્કોની તાનાશાહી શાસનની યાતના ભોગવતું હતું, તેમ જ એ શાસન દ્વારા કેટેલોનિયા પ્રાંતના સાંસ્કૃતિક અને ભાષાકીય અધિકારો જે રીતે રૂંધવામાં આવતા હતા, તેનાથી મુક્તિ મેળવવામાં જાગેલા મારા રસને કારણે 17 વર્ષની ઉંમરે 1968માં શરૂ થયેલી પ્રતિકારની ચળવળ તરફ હું ખેંચાયો. આ ચળવળમાં જુદા જુદા સ્વરૂપોના માર્ક્સિઝમનો સહુથી વધુ પ્રભાવ હતો, જો કે થોડે ઘણે અંશે વિપ્લવવાદ અને સંઘર્ષનો શાંતિમય પ્રતિકાર કરવાની ચળવળનો પણ પ્રભાવ હતો.

આ રીતે 18 વર્ષની વયે હું ટ્રોટ્સ્કીની વિચારધારા તરફ ઢળતા માર્ક્સિસ્ટ સમૂહમાં જોડાયો. મારા કિસ્સામાં મને લાગે છે કે એ મારું સદ્દનસીબ હતું, કેમ કે ટ્રોટ્સ્કીની વિચારધારા સ્તાલિનની વિચારધારા અને તે સમયે રશિયામાં પ્રવર્તતી તાનાશાહીને ટીકાત્મક દૃષ્ટિથી જોતી હતી અને તેનો અસ્વીકાર કરતી હતી, તથા કેટલાક દેશોમાં માઓવાદી વિચારધારા પ્રસરેલી તેને પણ એ નકારતી હતી. હું જે પક્ષમાં જોડાયો હતો તેના સભ્યો બીજાની સરખામણીમાં આંતરિક લોકશાહીનો આનંદ લેતા હતા. તેમાં કોઈ જનરલ સેક્રેટરી નહોતો જે પોતાના ધારાધોરણો બીજા પર લાદે અને ત્યાં ચર્ચા વિચારણા તથા કાયમ અભ્યાસ કરતા રહેવા તરફ વધુ ઝોક રહેતો હતો.

હું માનું છું કે માર્ક્સવાદે સમાજને કાયદો, સમાજ, રાજ્ય, નીતિ ઇ.નાં બંધનોમાંથી મુક્ત કરવા માટે મૂલ્યવાન યોગદાન આપ્યું છે. એક ઇતિહાસવિદ્દ હોવાને નાતે હું એમ પણ માનું છું કે તે વિચારધારાએ માનવ ઇતિહાસ અને તેના પરિવર્તનની પ્રક્રિયા પાછળના ચાલક બળની સમજણનું સંવર્ધન કરવામાં પણ ભાગ ભજવ્યો છે. ઉપરાંત એ પણ ગણનામાં લેવું જોઈએ કે માર્ક્સવાદની ઘણી શાખાઓ અસ્તિત્વમાં હતી અને હજુ પણ છે.

જો કે ગઈ સદીના એંશીના દાયકાના મધ્યના અરસામાં અન્ય લોકોની જેમ મને પણ પ્રતીત થવા લાગ્યું કે માર્ક્સવાદ આ દુનિયાની બધી સમસ્યાઓ અને મારા દેશના તમામ સવાલોનો ઉકેલ નથી આપી શકતો, અને તેથી જ યુરોપ અને બીજા દેશોમાં બીજી વિચારધારાઓ અને કાર્ય પ્રવાહો પ્રચલિત હતા એ તરફ ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને જર્મનીમાં ગ્રીન ચળવળ શરૂ થઇ તેને કારણે મને પર્યાવરણની સુરક્ષામાં વધુ રસ પડવા લાગ્યો. વળી હું સ્ત્રીઓના સમાન હકોની હિમાયતમાં પણ વધુ રસ ધરાવતો થયો; એ માત્ર એટલા માટે જ નહીં કે એ મહિલાઓના અધિકારોનું સમર્થન કરતું હતું, પરંતુ તેને પરિણામે રોજિંદા જીવનમાં અને માનવ સંબંધોને મૂલવવામાં જે સકારાત્મક અસર થતી હતી તેથી હું આકર્ષાયો. માર્ક્સિઝમના દાયરામાં પણ હું Wilhelm Reich, એરિક ફ્રોમ અને અન્ય લેખકોના લેખોને આધારે Freudo-Marxism તરીકે જાણીતી થયેલી વિચારધારામાં વધુ દિલચસ્પી ધરાવતો થયો.

મારો એ સમય આંતરિક શોધ અને પરીક્ષણ કરવાનો હતો.

આ વિસ્તૃત સંદર્ભમાં જોઈએ તો, રજાઓના સમયમાં હું રિચર્ડ એટીનબરો નિર્મિત ‘ગાંધી’ ફિલ્મ જોવા જઈ ચડ્યો. મારે કબૂલ કરવું જોઈએ કે મારા પર એ ફિલ્મની જે અસર થઈ તેને માટે હું તે વખતે જે મનોસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હતો તે કારણભૂત હતી. હું મહાત્મા ગાંધીનાં વ્યક્તિત્વ અને કાર્યો વિષેની જાણકારી પહેલી વખત વિગતે મેળવી રહ્યો હતો. દેખીતી રીતે જ મને તે વિષે પહેલાં માહિતી હતી, પરંતુ મેં જે આદર્શોની પસંદગી કરી હતી તેને કારણે મેં આ વિચારધારાને ખાસ ગણનામાં નહોતી લીધી, જો કે કેટાલાન માટે લડત આપી રહેલા Lluís M. Xirinachs જેવા, જેઓ ગાંધીને સમજવાનો દાવો કરે છે તેમને માટે થોડી સહાનુભૂતિ હતી. વધુમાં ભારતીય સંસ્કૃતિમાં મને હંમેશાં રસ હતો, જો કે મેં તેનો ઊંડાણથી અભ્યાસ નહોતો કર્યો. હું હંમેશાં કહું છું કે કોઈ ફિલ્મ, પુસ્તક કે અનુભવ આપણા ઉપર ઓછે વત્તે અંશે અસર કરતા હોય છે જેનો આધાર એ તમારા જીવનના કયા તબક્કા પર પ્રવેશતા હોય છે તેના પર હોય છે, અને મારે માટે કદાચ એ એકદમ બંધબેસતી પળો હતી.

બસ, ત્યારથી હું ગાંધી વિષે વાંચવા લાગ્યો, શરૂઆત જૂનાં પુસ્તકો વેંચનારી બજારમાંથી ઇતિહાસવિદ જ્યોર્જ વૂડકોક લિખિત ગાંધીના જીવન ચરિત્રથી કરી, અને ત્યાર બાદ લુઇ ફિશર લિખિત જીવન કથા, કે જેના પર એટીનબરોની ફિલ્મ આધારિત છે એ વાંચી. તે પછી તો ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વાંચી, જેણે મને મંત્રમુગ્ધ કરી દીધો. જીવન ચરિત્રો અને ગાંધી વિષે લખાયેલાં પુસ્તકો વાંચવાનો દોર ચાલ્યો, જેમાં સ્ટેનલી વૉલપેર્ટ (Stanley Wolpert), જ્યુડિથ બ્રાઉન (Judith Brown), કૅમિલ ડ્રેવેટ (Camille Drevet), રોમાં રોલાં (Romain Rolland) અને એરિક એરિક્સન (Erik Erikson) લિખિત પુસ્તકોનો સમાવેશ હતો; તે ઉપરાંત વિવિધ પ્રકાશકો દ્વારા પ્રકાશિત થયેલા કેટાલાન, સ્પેનિશ, ઇંગ્લિશ અને ફ્રેન્ચ ભાષામાં ગાંધીનાં લખાણો પણ વાંચવામાં આવ્યાં. મેં ગાંધીના ‘આશ્રમ વાસીઓને પત્રો’ (યરવડા મંદિરમાંથી લખેલા), ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ’, ‘હિન્દ સ્વરાજ’ વગેરે પુસ્તકો પણ વાંચ્યાં. અને આ કારણોસર મેં ગાંધી અને તેમના વારસાને મારા અભ્યાસનું કેન્દ્ર બનાવવાનો અને તેના વિશે લેખો લખવા, સહિયારા કાર્યોમાં જોડાવું, પ્રવચનો આપવા, લોકો સાથે સંવાદ કરવો અને પરિષદોમાં વક્તવ્ય આપીને પ્રસાર કરવાનો નિર્ધાર કર્યો. હાઇસ્કૂલના ઇતિહાસ શિક્ષક તરીકેની જવાબદારીને કારણે શરૂઆતમાં મારું પ્રદાન થોડું મર્યાદિત હતું.

ગાંધીનાં કાર્ય અને તેમના વારસાને સારી રીતે સમજવા માટે મેં ભારતમાં સાબરમતી આશ્રમ અને સેવાગ્રામ ઉપરાંત અન્ય સ્થળોનો એકથી વધુ વખત પ્રવાસ ખેડ્યો. 2017માં મેં સેવાગ્રામમાં ગાંધીજી વિષે યોજાયેલી પરિષદમાં ભાગ લીધો અને ‘ગાંધીના વારસાનો 21મી સદીમાં પ્રસાર: યુરોપીયન દૃષ્ટિકોણ’ એ વિષય પર નિબંધ રજૂ કરેલો.

 

ગાંધીજી 1931માં ગોળમેજી પરિષદમાં હાજરી આપવા આવેલા ત્યારે નિવાસ કરેલો એ કિંગ્સલી હોલ-લંડનની મેં તાજેતરમાં મુલાકાત લીધી. એ સ્થળ ક્વેકર સંપ્રદાય સાથે સંલગ્ન છે અને તેમના મિત્ર અને અનુયાયી મ્યુરિયલ લેસ્ટરના આમંત્રણનો સ્વીકાર કરીને  તેઓ ત્યાં રહ્યા હતા. આશા બૂચ અને ગાંધી ફાઉન્ડેશન દ્વારા એ મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવેલી અને ગાંધી ફાઉન્ડેશનમાં કાર્ય કરનાર મોર્ગન અંબર મારી સાથે હાજર રહ્યાં જેને માટે હું  આભારી છું. હંમેશની જેમ જ્યાં ગાંધીજીએ નિવાસ કર્યો હોય એ સ્થળની મુલાકાત લેવી ખૂબ હૃદયસ્પર્શી હોય છે.

હાલમાં હું ભારત અને બ્રિટિશ સામ્રાજ્યના સંદર્ભમાં ગાંધીજીનાં જીવન, કાર્ય, તેમના આદર્શો, વિચારધારા અને તેની આજના યુગમાં સુસંગતતા વિશે પુસ્તક પૂરું કરવાની તૈયારી કરી રહ્યો છું. આને કારણે મેં રામચંદ્ર ગુહા લિખિત ગાંધીની જીવન કથા અને ખાસ કરીને કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધીનું ખૂબ ઊંડાણથી અધ્યયન કર્યું. મેં પ્યારેલાલ અને સુશીલા નૈયર તેમ જ અન્ય ભારતીય તથા વિદેશી લેખકોનાં લખાણોનો પણ સહારો લીધો છે. એ જ રીતે ગાંધીની સમકાલીન હસ્તીઓ, ભારતના અને વિદેશી વિચારકોના પ્રતિભાવોની પણ નોંધ લીધી છે. ગાંધીની આત્મકથા એક અખૂટ ખજાનો છે. 

મારો ગાંધીના જીવન અને કાર્ય વિશેનો અભિગમ સંત તરીકે ચિત્રિત કરવાના ખ્યાલ પર આધારિત નથી, કે નથી સમાલોચનાથી મુક્ત. તેમના વારસાનું સમાલોચના યુક્ત અને વિશ્લેષણાત્મક વિવરણ કર્યું છે, જે મારા મતે વધુ ઉપયોગી છે. સંત ચરિત્રના ખ્યાલ પર આધારિત કે સમાલોચનાથી મુક્ત દૃષ્ટિકોણ ખાસ ઉપયોગી નથી હોતો કેમ કે તેનાથી ગાંધીજીના સંદેશમાં જે લોકોને દિલચસ્પી છે તેઓ તેમના ચારિત્ર્ય અને વ્યક્તિત્વને પારખી ન શકે. ગાંધીજી આખર એક માનવી હતા, તેમના વિચારોમાં ઘણી જટિલતા હતી, કેટલાક વિરોધાભાસો હતા, શંકાસ્પદ અને ભૂલભરેલા ખ્યાલો પણ હતા. પરંતુ આઈન્સ્ટાઈન અને બીજા અનેક મહાનુભાવોએ પીછાણ્યા છે તેમ, તેઓ એક અસાધારણ નૈતિક અને માનવીય દૃષ્ટિકોણ ધરાવનારા માનવી હતા. તેમનામાં ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવા સકારાત્મક નેતૃત્વની શક્તિ હતી. અનેક રીતે તેઓ આપણે જે ગ્રહ પર વસીએ છીએ તેને વધુ માનવીય, ન્યાયી, સંવાદી અને પરસ્પરને સહાયક બનાવી શકવાના માર્ગ ચીંધે છે. મને લાગે છે કે 21મી સદીમાં જે કટોકટી ભરી સમસ્યાઓનો સામનો આપણે કરી રહ્યા છીએ, તેમાં એમનું પ્રદાન અત્યંત અગત્યનું છે. ગાંધીના વારસા અંગે અભ્યાસ કરવો, સાંપ્રત સમસ્યાઓને હલ કરવા જે પાસાંઓ ફાળો આપી શકે તેવા છે તેનો સાર કાઢીને તેનો પ્રચાર અને પ્રસાર કરવો એ ઘણું મહત્ત્વનું છે.

મારી માન્યતા મુજબ ગાંધીની દેણગીના કેટલાક સહુથી વધુ ઉપયોગી અને મહત્ત્વનાં પાસાંઓ છે તે નીચે દર્શાવ્યા છે :

  1. તેમના સંદેશનું નૈતિક પાસું, જે સત્ય અને અહિંસા પર આધારિત છે. તમામ સામાજિક, રાજકીય અને આર્થિક નીતિઓ અને કાર્યો નૈતિક ધોરણો દ્વારા જ દોરવાયેલા હોવા જોઈએ.
  2. તેમનો અહિંસા વિશેનો ખ્યાલ. એક દાર્શનિક વિચાર તરીકે અને જીવનના તદ્દન વ્યક્તિગત સ્તરથી માંડીને સામાજિક અને સમગ્ર માનવજાત સાથેના સંબંધોમાં અહિંસક આચાર-વિચારનો અમલ એ એમની ખૂબી હતી. પ્રકૃતિ પ્રત્યે પણ અહિંસક અભિગમની એમને મન મહત્તા. પરંતુ સહુથી વધુ મહત્ત્વની વાત ન્યાયી અને માનવ વસવાટને યોગ્ય થઈ શકે તેવા જગત માટે બધા પ્રકારના સંઘર્ષો સામે લડવા અહિંસક પ્રયુક્તિઓ અપનાવવાની તેમની નીતિ. તે જ રીતે તેમણે આપણને બે રાજ્યો, બે દેશ અને જુદા જુદા સમાજ સાથે સુમેળભર્યા સંબંધો રાખવા માર્ગ ચીંધ્યો. હિંસા રૂપી મહામારીથી ઘેરાઈ ગયેલા વિશ્વ સામે આ સહુથી મોટો ચર્ચાનો મુદ્દો છે. દક્ષિણ આફ્રિકા અને ભારતમાં થયેલી અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળના અનુભવ પરથી દુનિયાના ઘણા દેશોએ શીખ લીધી છે. કેટેલોનિયામાં અહિંસક સવિનય કાનૂન ભંગના સંદેશની બહુ મોટી અસર થઈ, અને તેના પરથી શીખેલા મહત્ત્વના સબકનો અમલ 2017માં થયેલ ચળવળમાં કરવામાં આવ્યો હતો. નવી પેઢી, કે જેને દુનિયાનું સાચી દિશામાં રૂપાંતર કરવાની આકાંક્ષા છે તેમને માટે આ દેણગી ઘણી ઉપયોગી થઈ શકે.
  3. જીવ માત્રના પારસ્પરિક સંબંધો વિશેની ગાંધીની દૃષ્ટિ પ્રકૃતિ માટેનો આદર, કોઈ પણ પ્રકારના વ્યયનો અને લૂંટ તથા વિનાશક આર્થિક વિકાસ તથા થોડી સંખ્યાના આર્થિક વર્ચસ્વ ધરાવનાર વ્યવસ્થા પ્રત્યેના વિરોધ પર આધારિત છે. આ વિચાર હાલમાં ઊભી થયેલી પર્યાવરણની કટોકટીનો સામનો કરવાની હિલચાલ સાથે સંપૂર્ણ રીતે સુમેળ ધરાવે છે. ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મુકવાની નીતિના સમર્થકો ગાંધીના મતનો ઉલ્લેખ કરે છે.
  4. ગાંધીના સામાજિક ઉત્થાનના વિચારો તદ્દન ગરીબ અને વંચિત લોકોને સહાય કરવા પ્રેરે છે. ભારતમાં અસ્પૃશ્યતા સામે અને સાથોસાથ કિસાનો તથા મઝદૂરોના શોષણ, મહિલાઓના સમાન અધિકારો અને વિવિધ આદિવાસી જાતિઓના હક માટે લડવા તેમને પ્રતિબદ્ધ કર્યા. આ કાર્યપદ્ધતિને ‘સર્વોદય’ અને ‘ગાંધીયન સમાજવાદ’ની વ્યાખ્યા અપાઈ છે. રૂઢિચુસ્ત માર્ક્સવાદ સાથે તેમની અસહમતિ હિંસાનો ઉપયોગ, નિરીશ્વરવાદ અને વર્ગવિગ્રહની બાબતમાં હતી, કે જેનો ગાંધીને અન્ય વિભાવનાઓ સાથે તુલનાત્મક ભેદ દેખાતો હતો.
  5. ગાંધીની લોકશાહીની અને વિકેંદ્રીકરણની વિભાવના એવી હતી કે સમાજ સ્થાનિક વહીવટી માળખામાં નિર્ણયો લઇ શકે જેથી રાજ્ય, દેશ કે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણયો લેવાય તેના પર નિર્ભર ન રહે. વિવિધ સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓ ધરાવનારા સમૂહો વચ્ચે પરસ્પર વાટાઘાટો કરીને સહઅસ્તિત્વ સાધવાના તેમના માર્ગોનું અમલીકરણનું દૃષ્ટાંત તેમણે પોતાના જીવન દ્વારા પૂરું પાડ્યું.
  6. ન્યાય અને અધિકારોની જાળવણી માટે સત્યાગ્રહ, અહિંસક સવિનય કાનૂન ભંગ અને અસહકાર વગેરે જેવી અસરકારક પદ્ધતિઓ આપણને આપી. તેમણે બિન સત્તાવાહી અને ગ્રહણશીલ નેતાગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, જે તેમના જીવન અને કાર્યનું અનુકરણ કરવા અને સાદગીભરી માર્ગ બતાવવાની રીત પર આધારિત હતી જેને માટે તેઓએ રાજકીય સત્તા કે પદ મેળવવાની ખેવના ન કરી, માત્ર સકારાત્મક પ્રભાવ પૂરો પાડ્યો.
  7. અને અંતે, વ્યક્તિ અને સમાજમાં આવતું પરિવર્તન ઘનિષ્ઠ અને અભિન્ન રીતે જોડાયેલા છે એવો એમનો દૃષ્ટિકોણ બહુમૂલ્ય છે. મારા મતે ગાંધીનો આ સહુથી વધુ રસપ્રદ અને મૌલિક ફાળો છે.

અલબત્ત ભારતમાં અને દુનિયામાં અન્ય સ્થળોએ વ્યક્ત થયેલા ગાંધીના વિચારો, પ્રસ્તાવો અને વર્તનના વિવાદાસ્પદ પાસાં છે, જેમ કે તેમનો નૈતિકતાનો વધુ પડતો આગ્રહ, અથવા તેમના જીવન દરમિયાન ઊભા થયેલા સંયોગો વિશે કરેલાં કેટલાંક વિધાનો, કે જેનું વિશ્લેષણ થવું જોઈએ અને ધ્યાનમાં રાખવા જોઈએ. ગાંધીએ જે કઇં કહ્યું કે કર્યું તે બધું જ આપણે સ્વીકારવું જરૂરી નથી. પણ તેનાથી તેમના મોટા ભાગના સંદેશાઓની મહત્તા જરા પણ ઘટતી નથી.

મારા મત પ્રમાણે મહાત્મા ગાંધીનો વારસો અંધવિશ્વાસથી પ્રેરાઈને કે નિર્વિવાદ સત્ય તરીકે ન સ્વીકારવો જોઈએ. 21મી સદીમાં તેની અસરકારકતા તો જ વધુ અનુભવાશે જો બીજી તત્ત્વજ્ઞાનની, આર્થિક અને રાજકીય વિચારધારાઓ સાથે સંવાદ રચવામાં આવે. આપણા યુગની અન્ય ચળવળો જેવી કે પર્યાવરણવાદ, શાંતિવાદ, નારીવાદ અને સહુથી વધુ તો માર્ક્સવાદ જેવા પારંપરિક વિચારો ધરાવતા સમૂહો સાથે વાર્તાલાપ રચવો જરૂરી છે. તે ઉપરાંત માર્ક્સવાદના માનવીય અને પ્રજાતંત્રીય સ્વરૂપ સમાજવાદ તેમ જ આ દુનિયાને વધુ માનવીય, પરસ્પરને સહાયક બનાવે તેવી બનાવવા મથતા વિચાર પ્રવાહો, ફિલસૂફી અને નૂતન આદર્શો ધરાવનારાઓ સાથે પણ સહભાગી થવાથી ગાંધીની દેણગી વધુ અસરકારક બનાવી શકાશે.

e.mail : 71abuch@gmail.com

Loading

અકેલેપન કા બલ પહચાન – હરિવંશરાય બચ્ચન

સોનલ પરીખ|Opinion - Opinion|12 June 2024

પોતાની જાતને સાથે લઈને બેઠા હોઈએ એવા એકાંતમાં બચ્ચનજીને વાંચીએ તો એમની રચનાઓનું અજવાળું આપણને આપણાં સ્વપ્નો અને સન્નાટાઓની મુખોમુખ કરી દે, ‘નીલમ–સે પલ્લવ ટૂટ ગયે, મરકત–સે સાથી છૂટ ગયે, અટકે ફિર ભી દો પીત પાત, જીવન–ડાલી કો થામ, સખે.. હૈ પતઝડ કી યહ શામ, સખે!’

હરિવંશરાય બચ્ચન

‘મિટ્ટી કા તન મિટ્ટી કા મન, ક્ષણભર જીવન મેરા પરિચય’ આવી સાદી શાશ્વત અને સાર્વત્રિક પંક્તિ લખનાર ભવ્ય કવિનો જન્મદિન 27 નવેમ્બરે છે. આ ભવ્ય કવિ એટલે હિંદી કવિતાના માઈલસ્ટોન સમા હરિવંશરાય બચ્ચન. ‘મધુશાલા’ની રુબાઈઓ જેનો પર્યાય છે એવા આ કવિએ જીવ સોંસરી જાય ને ઘણી વાર જીવલેણ લાગે એવી અન્ય રચનાઓ પણ આપી છે એટલું જ નહીં, ગદ્ય અને પદ્ય બંનેમાં સુંદર કામ કર્યું છે. ભર્યું ભર્યું જીવન જીવ્યા છે, પણ સભાઓના નહીં, એકાંતના કવિ રહ્યા છે. કહે છે, જ્યાં કોઈ નથી, પંથ નથી, દિશા નથી, શબ્દ પણ નથી, એવા ગાઢ અને ગૂઢ એકાંતમાં જ નવપ્રસ્થાનનો સંકેત મળે છે ‘શબ્દ કહાં જો તુજકો ટોકે, હાથ કહાં જો તુજકો રોકે, રાહ નહીં હૈ, દિશા નહીં, તૂ જિધર કરે પ્રસ્થાન; અકેલેપન કા બલ પહચાન.’

યુરોપમાં ચૌદમી-પંદરમી સદીથી શરૂ થઈ ગયેલી રેનેસાં ભારતમાં ઘણી મોડી આવી; પણ એ પછી અંગત અનુભૂતિની અભિવ્યક્તિ, કલ્પના, સૌંદર્ય તરફનું આકર્ષણ, વિસ્મય, એક જ સૂક્ષ્મ ચેતનાનું સમગ્ર વિશ્વમાં દર્શન, સામાજિક-ધાર્મિક-રાજનૈતિક અને સાહિત્યિક બંધનો સામે વિદ્રોહ અને ઉન્મુક્ત પ્રેમ – આ બધી એની અસરો ભારતના સર્જકોએ મોટા પ્રમાણમાં ઝીલી. આ રોમેન્ટિસિઝમ, જેને હિંદીમાં છાયાવાદ કહે છે તેની વિશેષતાઓ બચ્ચનજીમાં ભરપૂર ઝળકી. એમણે રોમેન્ટિસિઝમનાં શિખરો સર કર્યાં. પછી એની અસરમાંથી નીકળી પણ ગયા અને પોતીકા બળથી પોતાના શબ્દો અને ભાવોને માંજ્યા અને કંડાર્યા. એમને છાયાવાદોત્તર યુગના હાલાવાદી કવિ પણ ગણવામાં આવે છે. પોતાની જાતને સાથે લઈને બેઠા હોઈએ એવા એકાંતમાં બચ્ચનજીને વાંચીએ તો એમની રચનાઓનું અજવાળું આપણને આપણાં સ્વપ્નો અને સન્નાટાઓની મુખોમુખ કરી દે, ‘નીલમ-સે પલ્લવ ટૂટ ગયે, મરકત-સે સાથી છૂટ ગયે, અટકે ફિર ભી દો પીત પાત, જીવન-ડાલી કો થામ, સખે .. હૈ પતઝડ કી યહ શામ, સખે!’

બચ્ચનજી, કવિઓ માટે જેવી છાપ છે એવા સીધાસાદા કે ધૂની બિલકુલ નહીં. પ્રયાગના એમ.એ., અંગ્રેજી કવિ ડબલ્યુ.બી. યેટ્સ પર કેમ્બ્રિજમાં પીએચ.ડી., 10 વર્ષ સુધી અંગ્રેજીના અધ્યાપક, સાથે આકાશવાણીમાં સક્રિય, ત્યાર પછી ભારતના વિદેશ મંત્રાલયના હિંદી ભાષાના વિશેષજ્ઞ. પૂરા સોફેસ્ટિકેટેડ. અને છતાં પારકાનું દુ:ખ જોઈ પોતાને એવું દુ:ખ નથી એથી અંદરથી આનંદિત થતાં અને બહારથી સાંત્વના આપતા લોકોના દંભથી વ્યથિત થાય એવા સંવેદનશીલ અને એમને ‘ક્યા કરું સંવેદના લેકર તુમ્હારી?’ કહી શકે તેવા સ્પષ્ટ.

‘તેરા હાર’ બચ્ચનજીનું પહેલું પ્રકાશન. 1935માં આવેલી ‘મધુશાલા’એ તેમને શિખરે બેસાડ્યા. અદ્દભુત ‘મધુશાલા’ને મન્ના ડેએ અદ્દભુત કંઠે અને જયદેવના એવા જ અદ્દભુત સંગીત નિર્દેશનમાં ગાઈ છે. એવી જ અદ્દભુત અસર એમના પુત્ર અમિતાભ બચ્ચન જ્યારે ‘મધુશાલા’નો પાઠ કરે ત્યારે ઊભી થાય છે. ‘મધુશાલા’ પછી આવ્યા ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ અને બચ્ચનજી હિન્દીમાં ‘હાલાવાદ’ના સ્થાપક અને સાધક બન્યા. હાલા એટલે મદિરા. તેને જ વર્ણ્યવિષય માનીને થતી રચનાઓ એ હાલાવાદ. બચ્ચનજી લખે છે, ‘કભી ન કણભર ખાલી હોગા, લાખ પિયે દો લાખ પિયે; પાઠકગણ હૈ પીનેવાલે, પુસ્તક મેરી મધુશાલા’. મધુશાલા ફક્ત સુરાલય નથી. મધુશાલા પ્રતીક છે – પ્રણયનું, જિંદગીનું, ડૂબી જવાય એવી મસ્તીનું અને તરી જવાય એવી વિરક્તિનું – ‘જગતી કી શીતલ હાલા સી પથિક, નહીં મેરી હાલા; જગતી કે ઠંડે પ્યાલે સા પથિક, નહીં મેરા પ્યાલા; જ્વાલ સુરા જલતે પ્યાલે મેં દગ્ધ હૃદય કી કવિતા હૈ; જલને સે ભયભીત ન હો જો, આયે મેરી મધુશાલા’ કવિના તેજોમય ચૈતન્ય-અગ્નિની નજીક જવું એ કાચાપોચાનું કામ નથી. જેનામાં સાહસ હોય, જેને સળગવાનો ડર ન હોય તે જ પોતાના સર્જનવિશ્વમાં પ્રવેશે એવું કહેનાર કવિ સર્જન અને ભાવનનાં રહસ્યો પ્રત્યે કેટલા સજાગ હશે! અગ્નિ એમના કાવ્યોમાં વારંવાર આવે છે,  ‘અગ્નિદેશ સે આયા હૂં મૈં .. ઝુલસ ગયા તન, ઝુલસ ગયા મન, ઝુલસ ગયા કવિ-કોમલ જીવન, કિંતુ અગ્નિવીણા પર અપને દગ્ધ કંઠ સે ગાતા હૂં મૈં; કંચન તો લૂટા ચૂકા, પથિક, અબ લૂટો ભસ્મ લુટાતા હૂં મૈં …’ ‘જગ મેં અંધિયારા છાયા થા, મૈં જ્વાલા લેકર આયા થા, મૈંને જલકર દી આયુ બિતા, પર જગતી કા તમ હર ન સકા, મૈં જીવન મેં કુછ કર ન સકા …’ અને ‘અગ્નિપથ’ તો ખરું જ, જેને અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘અગ્નિપથ’માં લેવામાં આવ્યું હતું, પછી એની રિમેકમાં પણ લેવાયું હતું.

હરિવંશરાય બચ્ચન

કવિ તરીકે સમકાલીનોમાં ઉપેક્ષિત પણ રહ્યા. પણ તેના પરિણામે તેમનું સર્જનાત્મક પાસું વધુ સશક્ત બન્યું અને તેમની રચનાઓને, પરંપરામુક્ત અભિવ્યક્તિ હોવાને કારણે, સારી એવી પ્રસિદ્ધિ પણ મળી. લેખન અને જીવનમાં આડંબરને તેમણે પ્રવેશવા નથી દીધો માટે જ તેઓ ટોળાવાદી નહિ પણ એકાકી છતાં ઉત્કૃષ્ટ કવિ તરીકે પ્રતિષ્ઠિત છે. ‘કવિ કી વાસના’ કાવ્ય આખું જ વાંચવા-માણવા જેવું છે, પણ એમાં બે પંક્તિઓ ખાસ ધ્યાન ખેંચે છે, ‘પ્રાણ પ્રાણોં સે મિલેં કિસ તરહ, દીવાર હૈ તન’ અને ‘મૈં છુપાના જાનતા તો જગ મુઝે સાધુ સમજતા, શત્રુ મેરા બન ગયા હૈ છલરહિત વ્યવહાર મેરા’

ઉમર ખય્યામની રુબાઈઓથી પ્રભાવિત ‘મધુશાલા’, ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ ઉપરાંત કાવ્યસંગ્રહો ‘નિશાનિમંત્રણ’, એકાન્તસંગીત’, ‘સતરંગિની’ અને ‘મિલનયામિની’, અંગત વ્યથાકથા સાથે ત્યારના દેશકાળની હૃદયસ્પર્શી વાતો કહેતા ચાર આત્મકથાનકો – ‘ક્યા ભૂલૂં ક્યા યાદ કરૂં?’ ‘નીડ કા નિર્માણ ફિર’ ‘બસેરે સે દૂર’ અને ‘દશદ્વાર સે સોપાન’ અને ગંભીર અધ્યયનના પરિણામસ્વરૂપ ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબેથ’ વગેરેના અનુવાદો, અનેક સમીક્ષાત્મક નિબંધો આ છે કવિ હરિવંશરાય બચ્ચનનું સર્જન-વિશ્વ. એમણે પોતા વિશે અત્યંત સાહસ અને નિખાલસતાથી લખ્યું છે. સંઘર્ષ અને વ્યથા, મસ્તી અને ફિલોસોફી બંને તેમાં જોવા મળે, ‘અગણિત ઉન્માદોં કે ક્ષણ હૈં, અગણિત અવસાદોં કે ક્ષણ હૈં, રજની કી સૂની ઘડિયોં કો કિન કિન સે આબાદ કરું, ક્યા ભૂલું ક્યા યાદ કરું’ અને રોબર્ટ ફ્રોસ્ટની ‘ધ વૂડસ આર લવલી’નો બચ્ચનજીએ કરેલો અનુવાદ, ‘ગહન સઘન મનમોહક તરુગણ મુજકો આજ બુલાતે હૈં, કિંતુ કિયે જો વાદે મૈંને યાદ મુજે આ જાતે હૈં, અભી કહાં આરામ બદા યહ નેહ-નિમંત્રણ છલના હૈ, અરે અભી સોને સે પહલે મુજકો મીલોં ચલના હૈ …’ છે ને ખડી બોલીની સહજ તાકાત સાથે સંવેદનાની મુલાયમ ઊર્જાનો સુરુચિસંપન્ન સુમેળ?

બચ્ચનજી મુખ્યત્વે પ્રબળ માનવભાવો, પ્રાણને પ્રજ્વલિત રાખતી પ્રેમઅગન અને જીવનસંઘર્ષના આત્મનિષ્ઠ કવિ છે. તેમને સાહિત્યના સરસ્વતી સન્માન અને પદ્મભૂષણ જેવા નાગરિક સન્માન સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનો મળ્યાં હતાં, પણ સૌથી મોટું સન્માન તો એમની ‘નીડ કા નિર્માણ ફિર ફિર’, ‘ઈસ પાર પ્રિયે મધુ હૈ, તુમ હો’ કે ‘જો બીત ગઈ સો બાત ગઈ’ને રસિકોના હૃદયમાં મળેલું સ્થાન છે. એમના ‘નિશા નિમંત્રણ’ સંગ્રહની ત્યારના અમુક દિગ્ગજોએ આલોચના કરી હતી, એમ કહીને કે દુનિયા યુદ્ધગ્રસ્ત છે અને આ કવિને નિશાનિમંત્રણ સૂઝે છે. પણ એની 20 આવૃત્તિ થઈ છે! ‘દો ચટ્ટાનેં’ માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. આવી હસ્તી જ કહી શકે કે ‘બૈઠ જાતા હૂં મિટ્ટી મેં અક્સર, ક્યોં કિ મુઝે મેરી ઔકાત અચ્છી લગતી હૈ’, ‘મૈં પથ્થર પે લિખી ઈબારત હૂં, શીશે સે કબ તક તોડોગે, મિટનેવાલા મૈં નામ નહીં, તુમ મુઝકો કબ તક રોકોગે’ અને ‘હૈ અંધેરી રાત પર દીપક જલાના કબ મના હૈ?’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 નવેમ્બર  2023

Loading

...102030...540541542543...550560570...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved