Opinion Magazine
Number of visits: 9664852
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી

રમેશ ઓઝા|Opinion - Opinion|24 November 2024

રમેશ ઓઝા

શ્રીલંકામાં એક મહત્ત્વની ઘટના બની છે, એક નવતર પ્રયોગ થઈ રહ્યો છે, પણ જોવાનું એ છે કે તેને કેટલી સફળતા મળે છે. પ્રયોગ કરનારાઓ એકતા જાળવી શકે છે કે કેમ અને લોકોની આશા પૂર્ણ કરી શકશે કે કેમ.

૨૦૧૯માં જ્યારે ઘટનાનાં બીજ વવાયાં ત્યારે મહિંદા રાજપક્ષે અને તેના પરિવારે શ્રીલંકા પર ભરડો લીધો હતો. તે પોતાને શ્રીલંકાનો રાજા સમજતો હતો, શ્રીલંકાનો તારણહાર સમજતો હતો, સિંહાલાઓનો રક્ષક સમજતો હતો, શત્રુઓનો કાળ સમજતો હતો. મેં હું તો આપ હૈ, બટેંગે તો કટેંગેવાળી ધમકી આપવામાં આવતી હતી. ધોરણસરના રાજકાજની એને ચિંતા નહોતી, કારણ કે સિંહાલી પ્રજાની અંદર તમિલો માટે નફરત અને ભવિષ્ય માટે ડર પેદા કર્યો હતો. આ સિવાય મોટી મોટી વાતો અને મોટી મોટી યોજનાઓ તો ખરી જ. લોકોને પોરસાવો, ડરાવો અને નફરત કરવા એક દુ:શ્મન હાથમાં પકડાવી દો. આ પછી જોઈએ છે શું? તેને એવી ખાતરી થઈ ગઈ હતી કે તે મૃત્યુ પર્યંત સત્તા ભોગવવાનો છે અને તેનું મૃત્યુ રાષ્ટ્રીય માતમનું કારણ બનવાનું છે.

પણ બન્યું ઊલટું. ૨૦૨૨માં પ્રજા વિફરી. બેરોજગારી અને મોંઘવારીએ પ્રજાને વિચાર કરતી કરી મૂકી હતી. પ્રજાને ખાતરી થઈ ગઈ કે આ માણસ પાસે પ્રજાની સુખાકારી માટે કોઈ એજન્ડા જ નથી. તેણે, તેના પરિવારે અને મળતિયાઓએ દેશ પર ભરડો લીધો છે. આ ઉપરાંત દેશને ચીનના હવાલે કરી રહ્યો છે. અને એ પછી જે બન્યું એ નજીકનો ઇતિહાસ છે. તેને અને તેના ભાઈએ દેશ છોડીને નાસી જવું પડ્યું.

અનુરા કુમાર ડીસ્સાનાયકે

પણ પ્રજાની આંખ આખરે ૨૦૨૨માં ખૂલી એ પહેલાં ૨૦૧૯માં વિકલ્પનાં બીજ વવાઈ ગયાં હતાં. શ્રીલંકામાં ‘જનતા વિમુક્ત પેરામુના’ નામનો ડાબરી રાજકીય પક્ષ દાયકાઓથી અસ્તિત્વ ધરાવે છે, પણ તેની ક્યારે ય સત્તામાં દાવેદાર પક્ષ તરીકે ગણના થતી નહોતી. ભારત વિરોધી આગ્રહી સિદ્ધાંતવાદી પક્ષ તરીકેની તેની ખ્યાતિ હતી. તેને માટે સિંહાલા મહાનવાળી સિંહાલા અસ્મિતા ગૌણ હતી અને ઉપરથી તે તમિલોને દેશના દુ:શ્મન નહોતા સમજતો. પણ ૨૦૧૯માં અનુરા કુમાર ડીસ્સાનાયકે પક્ષના પ્રમુખ બન્યા અને પક્ષનું અને દેશનું સુકાન બદલાયું. તેણે પક્ષના નેતાઓને અને કાર્યકર્તાઓને સમજાવ્યું કે બદલાઈ રહેલા યુગને અને તેનાં લક્ષણોને સમજવાનો પ્રયાસ કરો. માત્ર શ્રીલંકા નહીં, વિશ્વના અનેક દેશો નવમૂડીવાદ અને લોકપ્રિયતાવાદ(પોપ્યુલીઝમ)નો શિકાર બની રહ્યા છે અને ડાબેરીઓનો ચુસ્ત સમાજવાદ અપ્રાસંગિક બની રહ્યો છે. માત્ર અને માત્ર પ્રજાલક્ષી માફકસરનો મૂડીવાદ અને માફકસરનો સમાજવાદ અપનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જો વ્યવહારુ નહીં બનીએ તો તેઓ દેશને ફોલી ખાશે. થોડા લોકોની સત્તામાં ઈજારાશાહી વિકસશે. સત્તાધીશોના મળતિયા થોડા લોકો રાષ્ટ્રની સંપત્તિ ઉસેડીને ઘર ભેગી કરશે. દેશની કુદરતી અને બિન કુદરતી સંપત્તિ મળતિયાઓને ફૂંકી મારવામાં આવશે. દેશનું પર્યાવરણ પણ સુરક્ષિત નહીં રહે અને ભવિષ્યમાં મોટાં પર્યાવરણીય સંકટોની શરૂઆત થશે. માટે ચુસ્ત સમાજવાદનો આગ્રહ બાજુએ રાખીને માત્ર પ્રજાલક્ષી અભિગમ અપનાવવો જોઈએ. સામ્યવાદી દેશોમાં ચુસ્ત સમાજવાદ નિષ્ફળ નીવડ્યો છે અને અત્યારે હવે મૂડીવાદ નિષ્ફળ નીવડતો જોઈ શકાય છે.

 પોતાના પક્ષનો વિશ્વાસ જીત્યા પછી તેણે બીજા ૨૦ રાજકીય પક્ષો અને જૂથોનો સંપર્ક કર્યો. એવા પક્ષો અને એવા જૂથો જેને પ્રજાની એકંદર સુખાકારી માટે નિસ્બત હતી, છેવાડાના માણસ માટે વધારે નિસ્બત હતી, દરેક પ્રકારની સમાનતા, સમાન અવસર, માનવીય ગરિમા જેવા માનવીય અને બંધારણીય મૂલ્યોમાં શ્રદ્ધા હતી અને પર્યાવરણની ચિંતા હતી. એવા પક્ષો અને એવા જૂથો જે સત્તા માટે કે સત્તાધીશોની પાછળ દોટ નહોતા મૂકતા. તેમને સમજાવ્યું કે વિકલ્પશૂન્ય બનાવી દેવામાં આવી રહેલી વ્યવસ્થામાં આપણે વિકલ્પ બનવું પડશે. આમ ૨૧ પક્ષો અને જૂથોએ મળીને ‘નેશનલ પીપલ્સ પાવર’ નામનો પક્ષ રચ્યો. ૨૦૧૯ની ચૂંટણીમાં સફળતા મળી નહીં, કારણ કે હજુ લોકોનો મોહભંગ નહોતો થયો. મોહભંગ ૨૦૨૨માં થયો અને ૨૦૧૯માં જેનાં બીજા વવાયાં હતાં તેનાં અંકુર ફૂટવાની શરૂઆત થઈ.

 આ વરસના સપ્ટેમ્બર મહિનામાં શ્રીલંકામાં પ્રમુખપદની ચૂંટણી થઈ જેમાં અનુરા કુમાર ડીસ્સાનાયકેનો વિજય થયો. તેમણે લોકસભાની ચૂંટણી તાબડતોબ યોજવાની જાહેરાત એ પહેલાં જ કરી હતી અને એ મુજબ ૧૫મી નવેમ્બરે શ્રીલંકાની લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં નેશનલ પીપલ્સ પાવરને લોકસભાની કુલ ૨૨૫ બેઠકોમાંથી ૧૫૯ બેઠકો મળી. બે તૃતીયાંશ કરતાં પણ વધુ. શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી. એવા લોકો સત્તામાં આવ્યા છે જેને ભારતમાં ટુકડે ટુકડે ગેંગ અને અર્બન નક્સલ તરીકે ઓળખવામાં આવે છે. શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જે છડેચોક કહે છે કે હા, અમે ડાબેરી છીએ.

 પણ આ પ્રયોગ સફળ થશે? ૨૧ ઘટકો એકતા જાળવી શકશે? ડાબેરીઓ અને કર્મશીલો પરસ્પર અસહિષ્ણુતા માટે જાણીતા છે.

 જુઓ શું થાય છે, પણ પ્રયોગ રસપ્રદ છે. જો વ્યવહારવાદનું લેસન પાંકું હશે તો પ્રયોગ સફળ નીવડે પણ ખરો.

 પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 નવેમ્બર 2024

Loading

વ્યથા

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|23 November 2024

આંગળીના વેઢે ગણેલી વ્યથા છે,

લાગણી સંગાથે વણેલી વ્યથા છે.

એક ક્ષણ માટે  ફૂરસદ શોધવી છે,

દૂર ઊંડે સુધી વસેલી વ્યથા છે.

ચાલ આજે તો વેદનાને મળી લઉં, 

સ્પંદનોની વાદે ચડેલી વ્યથા છે.

જિંદગીને ગમતી ક્ષણો યાદ આવી,

રાત પડતાં સપને મળેલી વ્યથા છે.

સાવ ગભરું તન્હાઈ થથરી ઉઠી છે,

ધ્રુજતા અધરોષ્ઠે છડેલી વ્યથા છે.

e.mail : addave68@gmail.com

Loading

ઇતિહાસ નથી તો ઓજાર કે નથી એ સંપ્રદાય : સમાજને સારુ સ્વશિક્ષણની એ તો શાળા છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 November 2024

બિરસા સાર્ધ શતાબ્દી

અંગ્રેજ અમલના ઉત્તરકાળે આરંભાયેલ રાષ્ટ્રીય ઇતિહાસલેખને સાંસ્થાનિક દૃષ્ટિકોણમાં બદલાવ આણ્યો અને માર્ક્સવાદી ઇતિહાસલેખને ચોક્કસ મર્યાદામાં એમાં આર્થિક – સામાજિક પરિમાણનો પ્રવેશ કરાવ્યો : સહૃદય સ્વાધ્યાય અને સમીક્ષાને કારણે આ પ્રક્રિયા અનવરત રહેશે.

બિરસા મુંડા

હાલના સત્તા પ્રતિષ્ઠાને બિરસા મુંડાની સાર્ધ શતાબ્દીનો રંગેચંગે પ્રારંભ કીધો અને રાષ્ટ્રપતિ, વડા પ્રધાન તથા ગૃહ પ્રધાને પોતપોતાને સ્તરેથી તે અંગે ઘટતા અવાજો પણ કાઢ્યા એ તો જાણે કે ઠીક જ થયું. ચોક્કસ રાજકીય-સામાજિક અગ્રવર્ગની ફરતે રમતે ભમતે આપણું ઇતિહાસચિંતન ચાલતું હોય છે તે વિસ્તરે અને આટલા મોટા લગભગ ખંડસદેશ દેશમાં જે નાનાવિધ સમુદાયો છે એ સૌને અંગે એક સહૃદય એવો સમાવેશી અભિગમ વિક્સે એ અલબત્ત ઇષ્ટ છે. રાજ્યોમાં ચૂંટણીદોર જારી હતો અને એમાં વળી ઝારખંડ તો સુવાંગ આદિવાસી ઇલાકો, એ જોતાં રાજકીય-શાસકીય અગ્રવર્ગ બિરસા મુંડા નિમિત્તે વરસી પડે એ ય સમજી શકાય એવું છે.

પ્રકાશ ન. શાહ

પણ આ બધા શોરની કળ વળે (બલકે, મૂર્છા ઉતરે) ત્યારે કેટલીક પાયાની બાબતો સહવિચારની દૃષ્ટિએ સમજવી જરૂરી બને છે. નહીં કે અન્યથા પણ આ ચર્ચા ન કરવી જોઈએ, પરંતુ વડા પ્રધાને અને ગૃહ પ્રધાને બિરસા-બિરસા નાદ વચ્ચે જે એક એવી છાપ ઉપસાવવાની કોશિશ કરી કે અમે આગળનાઓએ ઇરાદાપૂર્વક બાજુએ રાખેલ મહાનાયકોને સંભારી રહ્યા છીએ તેને કારણે સહવિચારની તાકીદ ઓર વધી જાય છે.

પહેલાં તો, સમતાપૂર્વક આપણે સૌએ એટલું સમજવું અને સ્વીકારવું પડે કે ઇતિહાસ બધો વખત આખો ને આખો આપણી સામે ઊઘડતો નથી હોતો. સરજાતા ઇતિહાસમાં કેટલીક પરત ખૂલે છે, કેટલીક અધખૂલી રહે છે. બહુ જ જાડો, સાવ સાદો દાખલો આપવો હોય તો હજુ સૈકા બે સૈકા પર લખાતો ઇતિહાસ રાજાઓ અને રાજવંશોને તેમ જ તેમનાં આપસી જુદ્ધોનો મુખ્યત્વે હતો. ધીરે ધીરે આપણે પ્રજાઓના ઇતિહાસલેખનમાં પ્રવેશ્યા. સામાન્યપણે આ લેખન પણ જે અગ્રવર્ગ હોય એની ફરતે થતું હશે, ક્રમે ક્રમે એમાં આમ આદમીનો પ્રવેશ થયો. વળી, આપણે ત્યાં જેમ અગ્રવર્ગ તેમ અગ્રવર્ણનોયે સ્વાભાવિક પ્રશ્ન રહે. અંગ્રેજ કાળમાં આપણે જે ઇતિહાસલેખન જોયું તે સ્વરાજ આવતે આવતે સ્વાભાવિક જ જુદા ફલક પર મૂકાયું. રાષ્ટ્રીય ઇતિહાસલેખનની દૃષ્ટિએ અંગ્રેજ અમલના ઉત્તરકાળમાં રાજેન્દ્રપ્રસાદની અધ્યક્ષતામાં જે સમિતિ બની એણે બહુ સરસ અભિગમ લીધો હતો કે ‘રાષ્ટ્રીય’નો અર્થ એ નથી કે આપણી મર્યાદાઓ અને ક્ષતિઓને આ અભ્યાસમાં ઢાંકવી. આપણો આશય આ ક્ષતિઓ ઢાંકવાનો નહીં પણ તેની દુરસ્તીનો છે.

આ જ રાષ્ટ્રીય ઇતિહાસલેખનની ધારામાં (ક્વચિત તેને સમાંતર પણ) માર્કસવાદી ઇતિહાસલેખન આવ્યું. સ્વાતંત્ર્યચળવળ ઉત્કર્ષકાળની મુખ્ય ધારા એટલે કે કાઁગ્રેસ ને ગાંધી જેવાં ને જેટલાં ઊપસતાં હશે એમાં એમણે વંચિત સમુદાયો અથવા મુખ્યધારામાં દેખીતા ન જણાય તેવા કિસાનમજદૂર ઉઠાવોને ઊંચક્યાં. બિરસા પ્રકારના આદિવાસી – કિસાન ઉઠાવોને અંગે એમાં ખાસું કામ થયું. બિપનચંદ્ર જેવા માર્ક્સવાદી ઇતિહાસકારે ડાબેરીઓ રાષ્ટ્રીય ચળવળમાં ગાંધીના યોગદાનને સુપેરે સમજી શક્યા નહીં હોવા બાબતે ખખડાવીને લખ્યું પણ ખરું.

નમૂના દાખલ, બિરસાની જ વાત લઈએ તો એમની ભૂમિકા સારુ એકાએક કોઈ આસમાની નવજાગૃતિ પેરેશૂટ પેઠે ઊતરી પડી હોય એવું નથી. 1885-90 બિરસા પ્રકરણ વખતે ત્યારનો વિધાનગૃહમાં સુરેન્દ્રનાથ બેનરજીએ ઉઠાવેલ સવાલો ને છેડેલ ચર્ચા ઇતિહાસદર્જ છે. તત્કાલીન અખબારોમાંયે તે ઝિલાયેલી છે. હાલ ઝારખંડમાં પણ સાંથાલ પરગણાનો બંગાળ સાથે સીધો સંબંધ એટલે બંગાળ સાથે સીધો સંબંધ એટલે નેતાજી અને એમનો ફોરવર્ડ બ્લોક ખાસ બિરસા જયંતીનો આયોજનો કરતાં. 1940ની રામગઢ કાઁગ્રેસે પોતાના મુખ્ય પ્રવેશદ્વાર સાથે બિરસાના નામને સાંકળ્યું હતું. સંસદ પરિસરમાં (હવે જેને પ્રેરણાસ્થળ કહેવાય છે, ત્યાં) પચીસ વરસથી બિરસાની પ્રતિમા સ્થાપિત થયેલી છે.

ઘણાં અણગાયાં પાત્રો હજુ પ્રજાસૂચ પુજાપાની પ્રતીક્ષામાં છે. હાલનું સત્તા-પ્રતિષ્ઠાન ગમે તે ક્ષણે જેને ‘વોક’માં ખપાવી શકે એવા એક સમર્પિત કર્મશીલ પત્રકાર પી. સાઇનાથે એમનાં પૈકી કેટલાંક જીવંત ચિત્રોની હજુ એકબે વરસ પર જ ‘ફૂટપ્રિન્ટ્સ’ રૂપે અક્ષર રજૂઆત કરી છે. ઇતિહાસલેખનમાં આર્થિક-સામાજિક પૃષ્ઠભૂ એ ડાબેરી લેખનનો વિશેષ છે જે હવે મુખ્યધારામાં સ્વીકારાયેલો છે.

ઇતિહાસને ઓજાર કે સંપ્રદાય તરીકે નહીં પણ વ્યાપક સ્વશિક્ષણની અભિનવ સાધનારૂપે જોવા ઘટાવવાપણું છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 20 નવેમ્બર 2024

Loading

...102030...479480481482...490500510...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved