Opinion Magazine
Number of visits: 9557109
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોક્સ

વસુધા ઇનામદાર|Opinion - Short Stories|23 October 2024

ધોમ ધખતો બપોરનો વૈશાખી તાપ ! અમદાવાદના બસ સ્ટેશને મહેસાણાની બસમાં ચડવા માટેની લાંબી લાઈન ! ત્યાં મંછીબા હાથમાંનું બોક્સ સાચવતાં સાચવતાં ધીરે ધીરે આગળ વધ્યાં. સહુ કોઈ પોતાનામાં વ્યસ્ત ને ગરમી અને ગિર્દીને કારણે ત્રસ્ત ! મંછીબાએ બસમાં પાછલાં બારણેથી પ્રવેશ કર્યો ! પોતાના હાથમાંનું બોક્સ છેલ્લી સીટની નીચે થોડું અંદર, થોડુંક બહાર દેખાય એવી રીતે સાચવીને મૂક્યું ને તેઓ આગળની હરોળમાંની સીટ ઉપર જઈ બેસી ગયાં! કંડકટર, ટિકિટ ટિકિટ કહેતો નજીક આવ્યો, મંછીબાએ એક મહેસાણાની ટિકિટ માગી, ત્યાં બીજા પેસેન્જરે કલોલની માંગી, કંડકટર પાછો વળીને બોલ્યો, ‘આ બસ સીધી મહેસાણા જ જશે. ક્યાં ય ઊભી નહીં રહે. એક્સપ્રેસ બસ છે, મહેસાણા સિવાયના બીજા પેસેંજરો ઉતરી જાવ.’

થોડી જ વારમાં બસ ઉપડી અને હજી માંડ મહેસાણા જવાના હાઈવે પર આવી, ત્યાં જ કન્ડક્ટરની નજર મંછીબાએ  મૂકેલાં બોક્સ પર પડી ! પેકેટને ચારે બાજુથી સફેદ અને કાળી ટેપથી ચુસ્તતાથી સીલ કર્યુ હતું ! એ જોતા જ કંડક્ટરે બસ ઊભી રખાવી. બસના પેસેન્જરો ગરમીને કારણે અકળાતા હતા. બસમાં બસની કેપિસીટી કરતાં વધુ પેસેંજરો હતા. પણ કન્ડક્ટર એ વાતની પરવા કર્યા વગર બસમાં સહુને પૂછવા લાગ્યો, “અરે, આ બોક્સ કોનું છે ? “કોઈએ પણ બોક્સ પોતાનું હોવાનો દાવો ન કર્યો. કંડકટર સહુની નજીક જઈને પૂછતો હતો કે આ નામ ઠામ વગરનું બોક્સ કોનું છે ? એ ગુસ્સે થઈને બોલ્યો, “અરે કોઈ ભસતું કેમ નથી? આ તો  કોઈએ જાણે બોંમ્બ મૂક્યો હોય એવું  દેખાય છે.”

કંડક્ટર બોક્સની બાજુમાં બેઠેલા લઘરવઘર દેખાતા વીસ બાવીસ વર્ષના યુવાનની ગળચી પકડી અને એ છોકરાને બે ચાર થપ્પડ મારી દેતા બોલ્યો, “સાલા, બોક્સની બાજુમાં બેઠો છે અને કહે છે, કે બોક્સ મારું નથી ! ક્યાંની ટિકિટ લીધી છે, બોલ ?” “સાહેબ, મેં તો મહેસાણાની ટિકિટ લીધી છે. હું સાચું કહું છું. આ બોક્સ મારું નથી.”

“કંડક્ટર બોલ્યો, “ચાલો બધા નીચે ઉતરો. જીવ વહાલો હોય તો ઉતરો નીચે. બસ ખાલી કરો. હું પોલીસને ફોન કરું છું. પોલીસને જાણ કરીને કહું કે બસમાં નધણિયાતું બોક્સ પડ્યું છે. શંકાસ્પદ લાગે છે.” કેટલાક પેસેંજરો ધક્કામૂક્કી કરતા નીચે ઉતરવા લાગ્યા. તેઓ ઉતરતાં પહેલાં રહસ્યમય લાગતા બોક્સ પર અચૂક નજર નાંખતા !

કંડક્ટર પોતે બસમાંથી ઉતરતા બોલ્યો, “ઉતાવળ કરો. મુંબઈની બસમાં ધડાકો થયો હતો તે શું તમે ભૂલી ગયા ?” મંછીબાને બેઠેલાં જોઈ તેણે કહ્યું, “માજી, હેઠા ઉતરો. આ હમણાં ધડાકો થશે !”

મંછીબા બોલ્યાં, “શું કહ્યું ભઈ ? મેં તો  મેહાણાની ટિકિટ લીધી સે.”

પાછળથી કોઈ બોલ્યું, “હવે, ભઇ, ભઇ કર્યા વગર હેઠા ઉતરો ! બસના પેસેન્જરોમાં નીચે ઉતરવા માટે પડાપડી થવા માંડી ! એ પેસેન્જરમાં મનીષ નામે એક પત્રકાર પણ હતો. એ આતંકવાદ ઉપર પેપર તૈયાર કરી રહ્યો હતો. તે લખવામાં મશગુલ હતો. તેણે લખ્યું હતું, યુદ્ધ શા માટે ? આતંકવાદ અને જાતિવાદ દ્વારા થતી વેરની વસૂલાત કોના માટે? કોણ ક્યારે કઈ રીતે આતંકવાદ ફેલાવશે તે કહી શકાતું નથી. જુઓ ને હું જે બસમાં બેઠો છું ત્યાં એક નધણિયાતું બોક્સ પડ્યું છે, અને બધા જ ગભરાઈ ગયા છે. દરેક સ્થળે, દરેક જણ ભયના ઓથાર હેઠળ જીવે છે ! સ્માર્ટ ફોનમાં એનું આ વાક્ય પૂરું થાય તે પહેલા કોઈ બોલ્યું, “હવે  ફોન ખીસ્સામાં મૂકો ને હેઠા ઉતરો, બસ ભેગા ઉડી જાશો!” મનીષ તરત જ પોતાના સામાન સાથે ઉતરી પડ્યો .. મંછીબા બધાને ઉતરતાં જોઈને બોલ્યાં, “આ બધા ચ્યમ હેઠા ઉતરે સે ?” કોઈ સમજુ પેસેન્જરને થયું, આ માજીનું ક્યાંક ચસકી ગયું ! કાં તો એ સાંભળતાં નહીં હોય. એમણે ઊંચા અવાજે કહ્યું , “માજી, હેઠા ઉતરો.”

મંછીબાએ કહ્યું, “હોવ્વ ભઈ, મેહાણા જવું  સે !” એ ભાઈ નજીક જઈને બોલ્યા, “માજી, નીચે ઉતરો. મહેસાણા ભેગા થતાં થશો. આ હમણાં ધડાકો થયો જ સમજો.” અને ભાઈ ઉતરી ગયા ! મંછીબા પેસેન્જરને ઉતરેલા જોઈ સમજી ગયાં કે બસ હવે નથી ઉપડવાની. તેઓ ઊભા થયાં. એમણે બસની સીટ નીચે સંભાળીને મુકેલું બોક્સ સાચવીને બહાર કાઢ્યું, ને તેઓ નીચે ઉતર્યાં. સૌ આશ્ચર્યથી  જોઈ જ રહ્યા ! મંછીબાએ બોક્સ સંભાળીને  પકડ્યું હતું ! તેઓ બીજા હાથે બસનો દાંડો પકડીને બસમાંથી ઉતરવા માંડ્યાં ! એમને આમ બોક્સ સાથે ઉતરતાં જોઈ, એક પેસેંજરે મંછાબાની નજીક જઈ પૂછ્યું, “માજી, આ બોક્સ તમારું છે ?” એમણે કહ્યું , “હોવ્વ  ભઇ.”

“માજી તમે  તો બધાંને ભડકાવી માર્યાં, એમાં શું છે?”

 મંછીબા, પ્રસન્ન વદને બોલ્યાં, “બંગડીઓ સે !”

બોસ્ટન, અમેરિકા
e.mail : mdinamdar@hotmail.com

Loading

ઋણની ચુકવણી

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|23 October 2024

આજે આખું ગામ હિલોળે ચડ્યું હતું. સરપંચે કહ્યું હતું કે સોમવારે આપણા ગામમાં શહેરનાં પ્રતિષ્ઠિત અને શ્રીમંત કાનજીભાઈ પટેલ આવવાના છે અને ગામની જરૂરિયાત માટે વાત કરવાના છે. બહુ ઉદાર દિલના છે. છૂટા હાથે દાન અને સખાવત કરે છે. સરપંચને ધરપત હતી કે કાનજીભાઈ ગામ માટે કંઈક તો જરૂર આપશે. ગામના લોકોને જાણ કરી હતી કે કાનજીભાઈના સ્વાગતમાં કોઈ જાતની ખામી ન રહેવી જોઈએ.

ગોપાએ આ વાત સાંભળી ત્યારે તેણે ભૂરાને, ભીખાને, છગન અને વિશાલને વાત કરી કે આ કાનજીભાઈ પટેલ આવે છે એ આપણો બાળ ગોઠિયો કાનજી તો નહીં હોય ને? “ના રે! ના, કાનજી અને તેનું ફેમિલી શહેર ગયું, તે પછી આપણને તેની કાઈ ખરખબર કે ભાળ ક્યાં છે.”

“ભૂરા, તારી વાત તો સાચી છે. કાનજીને શહેર ગયા ખાસ્સો સમય થયો છે. પછી તેની કોઈ ખરખબર નથી.” આમ પાંચેય બાળ ગોઠિયા ચર્ચાના ચકડોળે ચડ્યા હતા. મનોમન વિચારતા હતા કે આપણો કાનજી હોય તો મજા પડી જાય. ઘણા વખત પછી તેનો મેળાપ થાય.

ભીખાએ કહ્યું, “માનો કે આપણો કાનજી હોય તો?”

“તો ભાઈ એ મોટો માણસ થઈ ગયો છે. આપણી સામે પણ ન જોવે, તે સાંભળ્યું નહીં સરપંચે શુ કહ્યું, “આમ પાંચેય મિત્રો ઘડીકમાં હરખાતા’તા અને પાછો કાનજી ન ઓળખે તો એ વિચારે દ્વિધામાં પડી જતા હતા.

સોમવારે સવારે આખું ગામ પાદર ભેગું થયું. કાનજીભાઈ પટેલ બરોબર દસ વાગે આવવાના હતા. ગોપો, ભૂરો, ભીખો, છગન અને વિશાલ પણ આપણો બાળ ગોઠિયાઓ કાનજી હોય એમ વિચારી પાદર પહોંચી ગયા હતા. પણ પાછળ ઊભા હતા. સરપંચને સ્ટેજ ઉપર પાંચ ખુરશી મૂકીને ખાલી રાખવાની સૂચના કાનજીભાઈએ આપી હતી. સરપંચને કાઈ સમજાયું નહોતું પણ સૂચનાનો અમલ કરી પાંચ ખુરશી ખાલી રહે તેમ ગોઠવણ કરી અને માણસોને સૂચના આપી હતી કે વ્યવસ્થામાં કાઈ ગરબડ ન થવી જોઇએ. બહુ મોટા માણસ છે જો તેને ખરાબ લાગી જશે તો ગામને કંઈ નહિ આપે અને આપણી ફજેતી થશે.

કાનજીભાઈની કાર, કાફલા સાથે બરોબર દસ વાગે પહોંચી ગઈ, સરપંચે હારતોરા કરી સ્ટેજ ઉપર સ્થાન લેવા વિનંતી કરી. કાનજીભાઈએ સ્ટેજ ઉપર સ્થાન લઈ ચારેકોર નજર કરી પણ તેની નજર જે બાળ ગોઠિયાને શોધતી હતી એ ક્યાં ય નજરે ચડતા નહોતા. કાનજીભાઈ દ્વિધામાં હતા કે મારા આવવાની ખબર આ બાળ ગોઠિયાઓને પડી તો હશે ને? સરપંચે પ્રાસંગિક પ્રવચન કરી કાનજીભાઈને સભાને સંબોધન કરવા માટે વિનંતી કરી. કાનજીભાઈને જોઈને સભામાં ચણભણ થતી હતી કે આ કાનજીભાઈ આપણા ગામનાં કરસનભાઈનો દીકરો હોય એવું લાગે છે. કોઈ કહે હા, એ કરસનકાકાનો કાનજી જ લાગે છે. આ ચણભણ કાનજીભાઈને પણ સંભળાતી હતી. પણ મનમાં બાળ ગોઠિયા નહીં દેખાતા મૂંઝવણ થતી હતી કે મારા બાળ ગોઠિયા કેમ નહીં આવ્યા હોય?

થોડીક વાતો કર્યા પછી કાનજીભાઈએ કહ્યું, “હા, વડીલો, મિત્રો, હું એ જ કરશનભાઈ પટેલનો કાનજી છું કે જેણે ગામને, આ માતૃભૂમિને, આર્થિક સ્થિતિ સુધારવા અને કંઈક બનવા માટે શહેર જવાનો નિર્ણય કર્યો હતો. અને તેના પરિણામ સ્વરૂપે હું કંઈક બનીને આજે તમારી સામે છું. આજે હું આ ગામનું, મારી માતૃભૂમિનું, બાળ ગોઠિયા એવા મિત્રોનું ઋણ ચૂકવવા માટે આવ્યો છું.”

“મારી એક વિનંતી છે. સભામાં મારા બાળ ગોઠિયા આવ્યા હોય તો, ભૂરો, ભીખો, ગોપો, છગન અને વિશાલ મારી પાસે સ્ટેજ ઉપર આવે. ભૂરો કહ્યું છે ભૂરાભાઈ કહીને સંબોધન એટલે નથી કર્યું, કારણ કે આ પાંચેય મારા આત્મીય, અંતરંગ મિત્રો છે, સ્વજન છે.”

પાંચેય મિત્રોએ એક બીજા સામે જોયું કે કાનજી આપણને ભુલ્યો નથી. સ્ટેજ ઉપર જવું કે કેમ એ દ્વિધામાં મિત્રો હતા. ફરી કાનજીભાઈ એ કહ્યું, “મિત્રો, આવો મને તમારી સાથે બેસવાનું સૌભાગ્ય આપો. તમે મને ખરાબ સમયમાં જે સાથ અને સહકાર આપ્યો હતો એ હું ભૂલ્યો નથી.” કાનજીભાઈની નજર દૂર ઊભેલા મિત્રો પર પડી અને સ્ટેજ ઉપરથી મિત્રો પાસે જવા ઊતરતા હતા ત્યારે ભૂરાએ કહ્યું કાનજીભાઈ અમે આવીએ છીએ. “ભૂરા, કાનજીભાઈ નહીં કાનજી કહે એ નામ સાંભળવા કેટલા ય સમયથી મારા કાન તરસી રહ્યા છે. મને કાનજીભાઈ કહેનારા અનેક મળ્યા છે પણ કાનજી કહેનાર નથી મળ્યા.”

વડીલો, સ્વજનો, હવે મૂળ વાત ઉપર આવું. મારી ઇચ્છા આ ગામમાં એક આધુનિક સુવિધા વાળી હોસ્પિટલ, વિદ્યાર્થી બાળકોને રહેવા માટે છાત્રાલય, કોલેજ અને વ્યાજબી ભાવથી દરેક પ્રકારની દવા મળે એવો મેડિકલ સ્ટોર, જેમાં ગરીબો માટે મફત દવાની સુવિધા હશે. આ દરેકનું સંચાલન, દેખરેખ આ મારા પાંચેય મિત્રો કરશે. આ સિવાય બીજી કોઈ જરૂરિયાત હોય તો નિઃસંકોચ કહો. આ ગામ કાનજીભાઈ પટેલનું ગામ છે એવી ઓળખથી ઓળખાશે. આ ગામનાં વિકાસની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.

“આજે હું ગામમાં રોકાવાનો છું.” કાનજીભાઈની રોકવાની વાત સાંભળી સરપંચ મૂંઝવણમાં પડી ગયા કે કાનજીભાઈ જેવા મોટા માણસ માટે આ વ્યવસ્થા કેમ કરવી. ભલે એ આ ગામના વાતની છે પણ અત્યારે તો મોટા માણસ બની ગયા છે. કાનજીભાઈ સરપંચના મનોભાવ સમજી ગયા, “સરપંચશ્રી, હું આજે ગામમાં મારા મિત્રો સાથે રોકાવાનો છું. મારે જૂના દિવસો તાજા કરવા છે.”

મિત્રો પણ આ સાંભળી ભાવ વિભોર થઈ ગયા અને કાનજીભાઈને ભેટી હર્ષનાં આસુંનો ધોધ વહાવી દીધો. ગામ લોકોએ ગામના પનોતા પુત્રનો જય જયકાર કરી વાતાવરણ આનંદ ઉત્સાહથી ભરી દીધું.

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

જાણે કે એક મૂંગું જેલખાનું

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 October 2024

પ્રકાશ ન. શાહ

આખા સાત જ મહિના થયા એ વાતને : બારમી માર્ચનો એટલે કે દાંડીકૂચનો દિવસ, સ્વરાજની બાકી બલકે ચાલુ લડાઈ વાસ્તે ભલે નાનો પણ નોંધપાત્ર મુકામ બની રહ્યો હતો. લાંબી અદાલતી લડત પછી, વ્હીલચેરગ્રસ્ત – દિવસ દરમ્યાન નાની-મોટી હલચલ વાસ્તે બબ્બે માણસની ખડેપગ જરૂરત સારુ મજબૂર – પ્રો. સાઈબાબા નાગપુર સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા હતા. પકડાયા તો હતા એ યુ.એ.પી.એ. કહેતાં અનલૉફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ અંતર્ગત, પણ કશું પુરવાર ન થયું અને વિના વાંકે જિંદગીનાં દસ વરસ એમણે બંધ દુનિયામાં બસર કર્યા હતા. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ઊધડો લેતાં કહ્યું હતું કે માઓવાદી સાહિત્ય વાંચવું-વસાવવું, ડાઉનલોડ કરવું, આ બધું પોતે થઈને કોઈ કાવતરું કે ગુનો નથી બનતું.

આ માણસને નાગરિક અધિકારોની ચળવળ વાસ્તે પકડ્યો ને યુ.એ.પી.એ. હેઠળ જામીન એવી દોહ્યલી બાબત છે કે માની મરણપથારીએ સાઈબાબા મળી શક્યા નહીં તે નહીં. 

પ્રાધ્યાપક જી.એન. સાઈબાબા

હમણાં મેં સાત મહિના કહ્યા એ સાભિપ્રાય કહ્યા. બારમી માર્ચે એ જેલમાંથી મુક્ત થયા અને બારમી ઓક્ટોબરે, લોહિયાના સ્મૃતિ દિવસે એ દેહથી મુક્ત થયા. જેલમાંથી કાગળ તો લખ્યો હતો એમણે છેલ્લા શ્વાસ લેતી માતાને – કાગળ તો શું કાવ્ય જ હતું એ. ‘સ્પીકિંગ ટાઈગર’ એ પ્રકાશન સંસ્થાએ એમનાં પત્રો ને કાવ્યો ‘વાય ડુ યુ ફિયર માય વે સો મચ : પોએમ્સ એન્ડ લેટર્સ ફ્રોમ પ્રિઝન’ એ શીર્ષકે ગ્રંથસ્થ પણ કર્યાં છે. (બાય ધ વે, આ ‘સ્પીકિંગ ટાઈગર’ એ પ્રકાશક છે જેણે નિર્મલા સીતારામન્‌ના પતિ પરકાલા પ્રભાકરનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. સંખ્યાબંધ પ્રકાશકોનાં ગલ્લાંતલ્લાં અને છાપાંએ તો પણ લોકસભાની ચૂંટણી પછી, એવી શરતથી ઉફરાટે ‘સ્પીકિંગ ટાઈગર’ થકી બાજી પલટાઈ હતી.)

કેટલીક પંક્તિઓ, માતા પરના પત્રમાંથી : 

‘મારા બાળપણમાં  

જ્યારે તને મારા સારુ દૂધનો એક પિયાલો પણ પરવડતો નહોતો 

હામ અને હિંમતના તારા શબ્દો 

મારો આહાર હતો 

એ સ્તો મને  

યાતનાના આ દોરમાં બળ પૂરું પાડે છે …

‘મને પ્રતીત થઈ રહ્યું છે કે જેલ કંઈ મોત નથી 

 આ તો મારો પુનર્જન્મ છે  

અને હું તરત ઘરે પાછો ફરી

તારા ખોળામાં લપાઈ જઈશ 

જેણે મને આશા અને હિંમત થકી પાળ્યો પોષ્યો છે…’

‘તું કહી દે કે આ દુનિયાને 

મેં ગુમાવેલ આઝાદી 

કંઈ લાખોહજારોને સારુ આઝાદી બરોબર છે 

કેમ કે મારી સાથે હાથમાં હાથ પરોવી ઊભી રહેતી હર વ્યક્તિ

વસુધાના વંચિતો કાજે હાથ બટાવે છે 

અને એમાં- હા, એમાં સ્તો મારીયે મુક્તિ છે…’

પ્રો. સાઈબાબાએ પકડાયા પછી જેલમાંથી સાથી અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોગ દિલની વાત બયાં કીધી’તી : ‘આમ આદમીનાં સુખ-દુ:ખમાં સહભાગી થતાં સમજ્યો ને શીખ્યો તે તો એ કે થોડાક લોકોને સારુ સ્વતંત્રતાનું હોવું તે વસ્તુત: સ્વતંત્રતાનું હોવું જ નથી. આપણો બહુસંખ્ય હિસ્સો એવો છે જેને યાતના ને અભાવ કોઠે પડી ગયાં છે, અગર તો એ વિશે બોલવાની એમનામાં ઈચ્છાશક્તિ જ બચી નથી. આ જાણે કે એક મૂંગું જેલખાનું જ છે. મારે જનસાધારણની આ જેલદીવાલ ભેદવી છે.’

અંગ્રેજી ભાષાસાહિત્યમાં યુનિવર્સિટી ટોપર સાઈબાબાની એક રચના છે, ‘ઓડ ટુ લાઈફ’ (જીવનની સંબોધગીતિ). એમાં એમણે પાબ્લો નેરુદાની બે પંક્તિઓ સરસ જોગવી છે : ‘સૌંદર્ય, તું સંગ મુજ પ્રીતિબંધ છે – ને જે મારું લોક, એની સાથે એક રક્તરંજિત ભાવબંધ!’

જોવાનું એ છે કે આ ભાઈને પકડાયા, ગુનો તો પુરવાર થાય ત્યારે, પણ કોલેજે પ્રોફેસર સાહેબને ઘરભેગા કર્યા. નોકરી ગઈ. પત્ની વસંતા હમણેનાં વરસોમાં તો દિલ્હીથી નાગપુર ધાર્યું જઈ શકે એવીયે જોગવાઈ નહોતી. બાઈજ્જત બરી થઈને આવ્યા પણ કોલેજ પાછી લે ત્યારે ને. હવે મામલો કોરટમાં છે અને સાઈબાબા જહન્નમમાં કે ઝન્નતમાં, જ્યાં હોય ત્યાં …

રાજ્યમાત્ર કને તે લોકતંત્ર હોય ત્યારે પણ એક ત્રાસતંત્ર ખચિત હોય છે. ઈંદિરાઈ વખતે તે પ્રત્યક્ષ અનુભવાયું હતું, પણ છતે બંધારણીય અમલે અઘોષિતપણે તે હોય જ છે. એમાં વળી વિચારધારાનો આથો ભળે ને માંજો ચઢે, પછી તો –

એક દસકા પછી લોકસભામાં વિપક્ષ નેતાનું પદ વિધિવત શક્ય બન્યું એમાં આ લખનાર સહિત ઘણાએ લોકતંત્રની દૃષ્ટિએ આશાનો ઉજાસ દીઠો હતો, અને એ છે પણ. સહજ ઉત્સાહવશ ત્યારે એમાં નવસંવતના ભણકારા સાંભળ‌વાનુંયે બન્યું હતું. એ કશુંયે સરાસર ખોટું તો અલબત્ત નથી. પણ છતે પલટે સત્તામાનસને બદલાતાં વાર થતી હોય છે. 1946માં લોહિયા ગોવાની જેલમાં હતા ત્યારે ગાંધી વાઈસરોય વેવલને લખી શક્યા હતા, પણ નેહરુ-પટેલ હજુ બ્રિટન-પોર્ટુગલ પ્રોટોકોલવશ અસમંજસમાં હોય એવી છાપ ઊઠી હતી.

આ સાંભર્યું તે પ્રો. સાઈબાબાના મૃતદેહને, દેહદાન પૂર્વે અંતિમ દર્શન વાસ્તે હૈદરાબાદના શહીદ સ્મારક ખાતે રાખવાની રજા બાબતે રેવન્ત રેડ્ડીની કાઁગ્રેસ સરકારના નનૈયાથી. અંજલિ આપવામાં જેમ સ્વતંત્ર નાગરિકો, કોમ્યુનિસ્ટો તેમ કાઁગ્રેસજનો પણ હતા, પણ સરકાર જેનું નામ – રાહુલ ગાંધી જે પરિવર્તનની હવા પર આવ્યા છે એનો અર્થ માત્ર કાઁગ્રેસની ઓછીવત્તી ફતેહમાં સીમિત નથી. ન જ હોઈ શકે.

ટેરરિઝમ સામેની લડત પોતાને ઠેકાણે ઠીક જ છે. ઠીક જ કેમ, ધર્મ્ય પણ હોઈ શકે. પણ ભીમા-કોરેગાંવ અટકાયતો સાથે રાજ્યનો જે આતંક બહાર આવ્યો છે તે કેવી રીતે સ્વીકારી શકાય? ચૂંટણીફતેહ માત્રે નહીં અટકવાનો પડકાર આ તો છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 23 ઑક્ટોબર 2024

Loading

...102030...469470471472...480490500...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved