Opinion Magazine
Number of visits: 9664890
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ અને ભારતમાં ન્યાય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 December 2024

ચંદુ મહેરિયા

શું કહીશું એને? ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ? નિવૃત્ત વડા ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે સી.જે.આઈ. તરીકેના તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં, ન્યાયની દેવીની મૂર્તિમાં ધરમૂળથી ફેરફાર કરી દીધા. તેથી ભારતના ન્યાયતંત્રમાં તેમણે કરેલા સુધારામાં એક નોંધપાત્ર ઉમેરણ થયું. સુપ્રીમ કોર્ટ પરિસરમાં અને દેશ-વિદેશમાં ન્યાયની દેવીની પ્રતિમા સામાન્યત: પાશ્ચાત્ય પરિધાનમાં, એક હાથમાં ત્રાજવું, બીજા હાથમાં તલવાર અને આંખે કાળી પટ્ટી ધારણ કરેલી જોવા મળે છે. પરંતુ સુપ્રીમ કોર્ટની જજીઝ લાઈબ્રેરીમાં મુકવામાં આવેલી શિલ્પી વિનોદ ગોસ્વામીએ તૈયાર કરેલી, સાડા છ ફૂટની, સવા સો કિલો ગ્રામ વજનની અને ફાઈબર ગ્લાસની બનેલી ન્યાયની દેવીની મૂર્તિ ઘણી અલગ છે. આ લેડી જસ્ટિસની આંખે કાળી પટ્ટી નથી, હાથમાં ત્રાજવું છે પરંતુ બંને પલ્લાં સમાન છે. એક હાથમાં તલવારને બદલે ભારતનું બંધારણ છે. વળી આ દેવીએ રોમન દેવીઓ જેવું ટ્યુનિક કે ગાઉન નહીં પણ ભારતીય મહિલાઓનો સર્વસામાન્ય પોષાક સાડી પરિધાન કરેલી છે. જાણે કે વિદેશી લેડી જસ્ટિસનું પૂર્ણ સ્વદેશીકરણ થયું છે.

ભારતને ન્યાયવ્યવસ્થા અને ન્યાયની દેવીની પ્રતિમા અંગ્રેજોની દેન છે. ભારતીય પરંપરામાં ન્યાયની દેવી જેવો કોઈ ખ્યાલ જ કદાચ નથી. ઝઘડાઓની પતાવટ માટે પંચ પરમેશ્વરનો વિચાર, આ જન્મના કર્મો આગલા જન્મમાં ભોગવવાની માન્યતા કે પછી રાજાઓ દ્વારા તોળાતો ન્યાય જ ભારતની ન્યાય પરંપરા હતી. તેમાં જહાંગીરના ઘંટ અને મીનળ દેવીના ન્યાયને સંભારાય છે. ન્યાયની દેવી સૌ પ્રથમ રોમન સભ્યતામાં જોવા મળે છે. તેને જસ્ટિટિયા કે જસ્ટિસિયા કહેવામાં આવે છે. દુનિયાના મોટાભાગના દેશોમા આજે જોવા મળતાં ન્યાયની દેવીનાં પૂતળાંઓનું મૂળ રોમમાં રહેલું છે.

ન્યાયની દેવીની પ્રતિમા પ્રતીકાત્મક છે. યુરોપિય શૈલીના લેડી જસ્ટિસના સ્ટેચ્યુમાં ભલે દેવી અડવાણા પગે છે, પરંતુ તે દેખાવમાં રૂઆબદાર અને આક્રમક છે. તેના હાથમાં રહેલું ત્રાજવું સમાન ન્યાયનું પ્રતીક છે. ત્રાજવાના એક તરફ નમેલાં પલ્લાનો મતલબ જેની પાસે વધુ આધાર, પુરાવા, સાક્ષી તેની તરફ ન્યાય નમશે તેવો છે. બીજા હાથમાં તલવાર અર્થાત કોઈ પક્ષપાત વગર  નિષ્પક્ષ ન્યાય છે. દેવીની આંખે પટ્ટી એટલા માટે કે તે ન્યાય પ્રતિ આંધળા નથી પણ તે ગરીબ કે તવંગર, ફરિયાદી કે આરોપી, સૌને તેના જ્ઞાતિ, વર્ણ, ધર્મ કે લિંગના  ભેદ સિવાય સમાન અને યોગ્ય ન્યાય આપશે તેવો કરવાનો છે.

સર્વોચ્ચ અદાલતના પુસ્તકાલયમાં ખુલ્લી મુકવામાં આવેલી લેડી જસ્ટિસની પ્રતિમામાં કેટલાક આમુલ પરિવર્તનો જોવા મળે છે. આ પ્રતિમાની દેવીનો ચહેરો આક્રમક કે રૂઆબદારને બદલે સૌમ્ય છે. તેણે ગાઉન ને બદલે સાડી પહેરી છે. પ્રતિમાનો રંગ સફેદ છે. માથે મુગટ છે. આંખો ખુલ્લી છે. બંને પલ્લાં સમાન હોય તેવું ત્રાજવું હાથમાં છે. બીજા હાથમાં તલવારને બદલે સંવિધાન છે. આ ફેરફાર વિચારપૂર્વક કરવામાં આવ્યા છે. આંખો ખુલ્લી એટલે છે કે ન્યાય અને કાયદો આંધળા નથી. તે જે ન્યાય કરશે તે ભારતના બંધારણ અને તેની રૂએ ઘડાયેલા કાયદાઓના આધારે કરશે. એટલે હાથમા બંધારણ રાખ્યું છે. અંગ્રેજોની ગુલામીના પ્રતીકો આઝાદ મુલ્કને ન શોભે તેથી અંગ્રેજ વારસાની પ્રતિમાના પ્રતીકો ફગાવીને તેનું ભારતીયકરણ કર્યું છે. એટલે દેવી પ્રતિમાએ સાડી પહેરી છે. ન્યાયની દેવીનાં પૂતળાનું નવસંસ્કરણ નવા પ્રતીકો અને નવા સંકેતો દર્શાવે છે. તેમાં ભારતીયતા અને ભારતીય ન્યાય વ્યવસ્થાના વિચારો દર્શાવવાનો પ્રયત્ન થયો છે.

જસ્ટિસ ચંદ્રચૂડનાં આ પગલાંને સકારાત્મક પરિવર્તન ગણી તેને ભારે આવકાર મળ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને એ કારણે વાંધો લીધો છે કે વિરોધ કર્યો છે કે તેઓ ન્યાય વ્યવસ્થામાં સમાનરૂપે હિસ્સેદાર હોવા છતાં પ્રતિમા પરિવર્તન બાબતે તેમની સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી અને ચીફ જસ્ટિસે એકતરફી નિર્ણય કર્યો છે.

ચોતરફના સ્વાગત અને અલ્પ વિરોધ વચ્ચે આ પ્રકારે પ્રતિમામાં અને પ્રતીકોમાં કે તેના અર્થઘટનોમાં ફેરફારથી ભારતની ન્યાય વ્યવસ્થાની વાસ્તવિકતામાં કોઈ પરિવર્તન આવ્યું છે કે આવશે ખરું તેવો સવાલ લાજમી છે. ન્યાયની દેવીને નારી રૂપે દર્શાવાતી હોય તો ભારતની ન્યાય વ્યવસ્થામાં મહિલાઓનું સ્થાન શું છે અને આટલાં વરસોથી ન્યાયની દેવી નારીઓ તરફ કેમ વધુ ઝૂકતાં નથી તે પ્રશ્ન છે. ૧૯૮૯માં ફાતિમા બીબી દેશની સુપ્રીમ કોર્ટના પહેલાં  મહિલા જજ બન્યાં હતા. પરંતુ હજુ અર્ધી આબાદી તેના વસ્તીના ધોરણે પ્રતિનિધિત્વથી વંચિત જ છે. ૨૦૨૭માં જસ્ટિસ બી.વી. નાગરત્ના કદાચ પહેલા સી.જે.આઈ. બનશે ખરાં પણ અત્યાર સુધીમાં માડ ચાર ટકા જ મહિલાઓ સુપ્રીમ કોર્ટના  જજ બની શક્યાં છે. હાઈકોર્ટોના ૭૮૮ જજિસમાં ૧૦૭ કહેતાં ૧૩ ટકા જ મહિલા જજ છે. તો ન્યાયની દેવી નારીઓને ક્યારે ફળશે? આખા દેશમાં ૨૦ ટકા જ મહિલા વકીલો છે. ગુજરાતમાં ૭૯,૭૯૨ પુરુષોની સામે ૨૭,૫૯૬ જ મહિલા વકીલો હોય અને ન્યાય ક્ષેત્રે પુરુષોનું આધિપત્ય હોય તો મહિલા પ્રતિનિધિત્વ ક્યારે એક સમાન થશે? તેનો કોઈ જવાબ નવીન ન્યાય પ્રતિમાથી મળતો નથી.

આંધળાં કે દેખતાં ન્યાયની દેવી સર્વજનને સરળ, સુલભ, સસ્તો અને સમયસર ન્યાય મળે તેવું ક્યારે કરશે? સંસદના વર્તમાન શીતકાલીન સત્રમાં રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે ઓકટોબર ૨૦૨૪ની સ્થિતિએ સુપ્રીમ કોર્ટમાં ૨, હાઈકોર્ટસમાં ૩૬૦ અને ટ્રાયલ કોર્ટસમાં ૫,૦૦૦ કરતાં વધુ ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે. વિલંબિત ન્યાય તો એ હદનો છે કે ૧૫ નવેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની ગુહાર લગાવીને અદાલતના આંગણે રાહ જોતાં બેઠાં છે.  પડતર કેસોમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ  છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો?

ન્યાય દેવીનું પ્રતિમા પરિવર્તન ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે ન્યાય ત્વરિત અને સુલભ હોય. માત્ર પ્રતીકો બદલવાથી વાસ્તવિકતા બદલાતી નથી. ન્યાયની દેવીની મૂર્તિ કે તસ્વીરમાં પરિવર્તન ન્યાયમાં પર્યાપ્ત અને વાસ્તવિક પરિવર્તન લાવનારું હોવું જોઈએ. સરકારો ન્યાયતંત્રને જરૂરી વ્યવસ્થા સંપડાવે, ન્યાયાધીશોની જગ્યાઓ વેળાસર ભરાતી રહે, વકીલો તારીખ પે તારીખથી બચવા તેમના કેસનો પૂરો અભ્યાસ કરીને આવે અને તેનો સમયસર નિકાલ થાય તેની કાળજી રાખે તો પણ જૂના કે નવા ન્યાયની દેવીનું અદાલતમાં હોવું પ્રમાણ ગણાશે. આપણી અદાલતો ન્યાયની અદાલતો નથી, પરંતુ પુરાવાની અદાલતો છે. જ્યારે તે પુરાવાની અદાલતો મટી ન્યાયની અદાલતો બનશે ત્યારે જ ન્યાયની દેવીનું અને બદલાયેલા પ્રતીકોનું હોવું સાર્થક ગણાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ભક્તિ માત્ર ‘રુલ ઓફ લો’ની કરવાની છે !

રમેશ સવાણી|Opinion - Opinion|18 December 2024

જ્યારે સંવિધાનની ચર્ચા થઈ રહી છે, જ્યારે સંસ્કૃતિની ચર્ચા થઈ રહી છે, ત્યારે શક્ય છે કે આપણને દેશદ્રોહી ઠરાવી દે ! 

સપના પાઠકજી

આ હોલમાં બેઠેલા લોકોમાંથી કેટલાંએ બંધારણ વાંચ્યું છે? સંવિધાન રાતોરાત બન્યું નથી. ઘણા સંઘર્ષો બાદ બંધારણ બન્યું છે. આજે આપની સમક્ષ હું બોલી રહી છું તે સંવિધાનના કારણે ! પહેલાં આપણી સંસ્કૃતિ એવી હતી કે પતિનું મૃત્યુ થાય તો પત્નીને સતિના નામે મારી નાખવામાં આવતી હતી. 

આપણે બંધારણની વાતો કરવાની છે, ધર્મની વાતો બંધ કરવાની છે. ધર્મની વાતો બંધ કરવાથી આપણે સારી રીતે જીવી શકીશું. આપણી સંસ્કૃતિ સારી છે તો આપણા યુવાનો વિદેશ શા માટે જાય છે? આપણા બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતો લખેલાં છે. આપણે ગીતા / કુરાન / બાઇબલ વાંચ્યું હશે પણ બંધારણ વાંચ્યું નહીં હોય; જે આપણને માનવવાદી બનાવે છે. આપણી પ્રતિબદ્ધતા કોઈ વ્યક્તિ પ્રત્યે નહીં, સંવિધાનની પ્રત્યે હોવી જોઈએ. ‘રુલ ઓફ લો – કાયદાનું શાસન’ શું છે તેની જાણકારી હોવી જોઈએ. વિદેશોમાં કોઈ વ્યક્તિ ભક્તિ નથી, રાજકીય ભક્તિ નથી; ત્યાં ‘રુલ ઓફ લો’ છે. કાયદાથી ઉપર કોઈ નથી. 

આપણને એ ખબર જ નથી કે સરકાર પાસે આપણે શું માંગવું જોઈએ. હું વારંવાર કહું છું કે રાજનીતિને સમજો. રાજનીતિ એ વસ્તુ છે કે  બાળક માતાના પેટમાં હોય અને તે જીવન પૂર્ણ કરી મૃત્યુ પામે ત્યાં સુધી રાજનીતિ જોડાયેલી હોય છે. આપણે આપણા પરિવાર પાસે / માતાપિતા પાસે બધી ચીજવસ્તુઓ માંગીએ છીએ. કપડાં / રોટી / શિક્ષણ ! માબાપ ના પાડતાં નથી. માબાપ ભૂખ્યાં રહીને પણ સંતાનોને બધી વસ્તુઓ આપે છે. રાજનીતિમાં જે લોકો બેઠા છે તેમની પાસે પણ આપણે હકો માંગવા જોઈએ; સોશિયલ સિક્યોરિટી માંગવી જોઈએ. તેઓ આપણા રક્ષક છે. જ્યાં સુધી બંધારણના બેઝિક સ્ટ્રક્ચરને / મૂળભૂત અધિકારોને આપણે નહીં સમજીએ ત્યાં સુધી બંધારણનાં મૂળભૂત માળખાંને હાનિ પહોંચાડનારને ઓળખી શકીશું નહીં; આપણે આગળ વધી શકીશું નહીં. આપણે એ પણ વિચારવાનું છે કે મૂળભૂત અધિકારોમાં ‘રાઈટ ટુ વર્ક’નો સમાવેશ થવો જોઈએ. 

આ બધું ત્યારે સમજી શકીએ જ્યારે આપણે ધાર્મિક ઉન્માદથી દૂર રહીએ. આપણે મસ્જિદની નીચે મંદિર શોધીએ છે, પણ આપણે રોજગારનું વિચારતા નથી. આપણને સારું શિક્ષણ મળતું નથી, એની ચિંતા નથી ! વિદેશોમાં 12 ધોરણ સુધીનું શિક્ષણ બિલકુલ ફ્રી છે; આપણે ત્યાં આવું કેમ ન થઈ શકે? આપણે ત્યાં શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો છે તે બીજી બાબતો માટે કરવામાં આવે છે. પ્યુન અને પ્રધાન મંત્રીના બાળકોને એક સરખું શિક્ષણ મળવું જોઈએ. કલ્યાણ રાજ્યની સ્થાપના થવી જોઈએ. આજે મોંઘવારી અને બેરોજગારીની વાત કરીએ તો દેશદ્રોહી ઘોષિત કરી દે છે. આપણે એ જોવાનું છે કે કોણ બંધારણીય મૂલ્યો સાથે છે, માનવવાદી મૂલ્યો સાથે છે. 

ટૂંકમાં કોઈ રાજકીય પક્ષની ભક્તિ કરવાની નથી; ભક્તિ કરવી હોય તો ‘રુલ ઓફ લો’ની કરવાની છે ! 

[સૌજન્ય : સપના પાઠકજી, 8 ડિસેમ્બર 2024, સુરત]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સરસ્વતીચંદ્ર : અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રવેશનું 125મું વર્ષ

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|18 December 2024

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની લાઇબ્રેરીમાં રહેલ સરસ્વતીચંદ્ર નવલકથાના જુદા જુદા ખંડ

તેવીસમી ડિસેમ્બરે ગુજરાતી સાહિત્ય અને સમાજની એ ગૌરવઘટના સવાસો વરસને બારણે ટકોરા દેશે. 1900 ઈસવીમાં એ દિવસે સ્તો ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગની હસ્તપ્રતનું છેલ્લું પાનું લખ્યું હતું. નાનાલાલના શબ્દોમાં, આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યે જગત સાહિત્યમાં પગ મૂક્યો.

પ્રકાશ ન. શાહ

1887માં પહેલો ભાગ આવ્યો. પહેલા જ પ્રકરણમાં આપણો નાયક સરસ્વતીચંદ્ર બંદરે વહાણમાંથી ઉતરે છે. ગતિ અને સંક્રાન્તિનું આ ચિત્ર ગોમાત્રિના શબ્દોમાં, ‘લોકથી જુદો તથા એકલો પડી એક મોટા પુલ પર એક એન્જિન સંભાળથી ધીમે શ્વાસે ચાલતું હોય તેમ જવા લાગ્યો.’

નોંધ્યું તમે? જુદો છે. એકલો છે. વહાણમાંથી ઊતર્યો છે અને એન્જિનની પેઠે ચાલે છે. નવો માર્ગ પકડવામાં છે માટે હવે એ પોતાનું નામ નવીનચંદ્ર કહે છે. વળી કહે છે, ‘હું વિદ્યાર્થી હતો. હવે અનુભવાર્થી છું.’

જોગાનુજોગ, 1888 એ સાલ છે જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી ઓગણીસમે વરસે વિલાયતનો રસ્તો પકડે છે. 1887-1888, અણચિંતવ્યો પણ આ જોગાનુજોગ એક યુગમિજાજ લઈને આવે છે – વિદ્યાર્થીએ અનુભવાર્થી થવાનું છે. અને એ સ્તો ‘નવું’ છે. માટે ‘નવીનચંદ્ર’, ઉર્ફે પરંપરાગત શબ્દ પ્રમાણ્યે ન ગંઠાતા અનુભવ પ્રામાણ્યનો મહિમા.

છે તો દેખીતી એક પ્રીતિકથા – સરસ્વતીચંદ્ર અને કુમુદની. દેખીતી શા માટે, ખરે જ પ્રેમકથા છે. પણ સાથે એ સંસ્કૃતિની પણ કથા છે. 1857નો એક દૃષ્ટિએ વિફળ સંગ્રામ અને 1885માં કાઁગ્રેસની સ્થાપના સાથે નવપ્રસ્થાન ને નવજીવનની કાચીપાકી મથામણ. સંસ્કૃતિનો અને ધર્મનો વારસો એક પા, બીજી પા એ જ 1857ના વરસમાં યુનિવર્સિટી શિક્ષણનાં પગરણ સાથે નવી વાતોનો પ્રવેશ ને પરિચય.

સંકેલાતો સામંતી કાળ અને જામતો આવતો સાંસ્થાનિક કાળ. સરસ્વતીની શાશ્વતી આંખમાથા પર, પણ જે ‘નવીન’ તેના ઘટતા આકલનસર ચૈતન્યનો સંસ્પર્શ સુધ્ધાં. વાર્તાના વળાંકો અને વિચારમુકામો પ્રેમકથા ને સંસ્કૃતિકથા બેઉને સાથેલગાં હીંડવે છે.

ગોવર્ધનરામ એક સર્જક નિ:શંક છે, પણ નકરા સર્જક તો એ મુદ્દલ નથી. એમના નાયકે નવીનચંદ્ર એ નામ તો ધારણ કીધું, પણ રાજકારણની રીતે લેખક ને નાયક, 1920થી બેસેલા અસહકાર યુગ સામે કંઈક મવાળ પણ લાગે. જો કે, ગોખલે તો જાણે કે સમજ્યા, પણ સ્વરાજ્યને જન્મસિદ્ધ અધિકાર કહેતા તિલક પણ હોમરુલ લીગમાં જ હતા ને? એમાં પૂર્ણ સ્વરાજની વાત નહોતી. ગો.મા.ત્રિ.એ સ્વદેશી સ્ટોર્સનું ઉદ્દઘાટન પણ કરેલું અને અમદાવાદમાં 1902માં કાઁગ્રેસ મળી ત્યારે સામેલ પણ થયેલા. બલકે, ત્યારે માંડ દસેક વરસના ઈન્દુલાલ યાજ્ઞિકની સ્મૃતિમાંયે એ સચવાયેલું છે કે અમદાવાદની કાઁગ્રેસમાં પ્રતિનિધિ તરીકે સામેલ થવાનો અનુરોધ એ ‘પાકી ચરોતરિયા બોલી’માં કરતા.

એ સમયનું કાઁગ્રેસમાનસ સટીકપણે અંગ્રેજ શાસન પરત્વે આશા-અપેક્ષાએ ભરેલું હતું અને ટીકા કરતે છતે એના સંસર્ગથી સરવાળે લાભ થશે એવી સમજ પણ ખરી. ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગમાં ગો.મા.ત્રિ.ની એવી સમજ વ્યક્ત થાય છે કે ભારતની પ્રજા પ્રાચીન સંસ્કૃતિનું સ્મરણ કરી ધર્મનું વર્ચસ પુન: પ્રતિષ્ઠ કરે તો બ્રિટિશ પ્રજામાં રહેલા ‘દુર્યોધન’ને વશ કરી એમાં રહેલ સુગ્રીવ ને હનુમાનનો પ્રભાવ જરૂર વધારી શકે. 

1920 પહેલાં ગાંધીજી પણ, એમ તો, પૂર્ણ સ્વરાજની ભૂમિકાએ ક્યાં હતા? એમણે 1917માં ગોધરામાં જે પહેલી ગુજરાત રાજકીય પરિષદ મળી એમાં આશા વ્યક્ત કરી હતી કે ભારતની પ્રજા બ્રિટિશને ધર્મવૃત્તિથી જીતી શકશે. (અલબત્ત, ગો.મા.ત્રિ. કે ગાંધી જે ‘ધર્મ’ની વાત કરે છે તે આજની રાજકીય વિચારધારાના અર્થમાં નથી.) આ જ પરિષદમાં ગાંધીજીએ ગુજરાતના જીવનમાં વસંતનો સંચાર થઈ રહ્યાનું કહ્યું હતું તે ગોવર્ધનરામનીયે શ્રદ્ધાના મેળમાં જરૂર છે.

અલબત્ત એ એક સ્વતંત્ર અભ્યાસવિષય છે, તેમ છતાં ગોવર્ધરામની મનનપોથી ઉર્ફે ‘સ્ક્રેપબુક’નો ઉલ્લેખ કંઈક તો કરવો  રહ્યો. એમાં એમણે પોતાનો આદર્શ ‘વહેવાર સંન્યાસ’માં જોયો છે. સ્વાર્થ કમાણીથી મુક્ત થઈ સર્વહિતકારક પ્રવૃત્તિનાં જીવનનો ઉપયોગ એટલે સંન્યાસ. તો, મોક્ષ એટલે જનમમરણના ફેરામાંથી મુક્તિ નહીં પણ આસક્તિથી મુક્ત રહી સેવા-સમર્પણનું જીવન તે મોક્ષ.

કેવળ ચાળીસ વરસની આસપાસની વયે એમણે વકીલાતમાંથી આ ‘વહેવારુ સંન્યાસ’ વશ મુક્તિ લીધી અને તે પછી રાજા-રજવાડાંની મોટી ઓફરો પણ સ્વીકારી નહીં. કોઈ જાહેર બાબત અંગે ઊહાપોહ જગવતા ‘પબ્લિક મેન / સિટીઝન’ થવા કરતાં તે પોતાને ઈષ્ટ આદર્શ મુજબનું ‘લોક’ ઘડવા ઈચ્છતા.

2024-25નું આ ‘એકસો પચીસ’મું વર્ષ ગુજરાતની ચેતનાને ઝકઝોરશે? ઝંઝેડશે? વાવડ છે કે નડિયાદ આવતે મહિને એને વધાવશે ને ઊજવશે. આ ઉજવણું ધોરણસરનું સંકીર્તન તો કરશે, જરૂર કરશે. પણ ‘સરસ્વતીચંદ્ર’થી જેમ એક વિશ્વદર્શન શક્ય બન્યું તેમ તે પછીની નવલકથાઓમાંથી સામે આવતાં (અથવા નહીં આવતાં) વિશ્વદર્શનની કોઈ ચર્ચા થશે? ‘ગુજરાતનો નાથ’, ‘માનવીની ભવાઈ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’થી તાજેતરની ‘ભૂમિસુક્ત’ સહિતની નવલપરંપરાને ‘સરસ્વતીચંદ્ર’ સંદર્ભે કોઈ તપાસશે? ‘કલ્યાણ ગ્રામ’ના ગોવર્ધનરામદીધા સ્વપ્નથી માંડી સેવાગ્રામ સુધીની યાત્રા ચર્ચાશે?

આટલું, જગત સાહિત્યમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રવેશની એકસો પચીસમીએ … બાકી તો, ક્લાસિક વિશે કહેવાય છે ને કે એનું નામ લે સૌ કોઈ – અને વાંચે કોઈ નહીં!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 18 ડિસેમ્બર 2024

Loading

...102030...453454455456...460470480...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved