Opinion Magazine
Number of visits: 9697796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિકિસ્રોતને એની પહેલી વર્ષગાંઠે વિલાયત સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની શુભેચ્છાઓ

વિપુલ કલ્યાણી|Diaspora - Features|31 March 2013

મારી સમજ મુજબ, ‘વિકિસ્રોત’ એ ‘વિકિસોર્સ’ના મૂળ નામ તળે વિકિમીડિયા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા  નફા-રહિત ચલાવવામાં આવતો ગુજરાતી ભાષા માટેનો ઑનલાઇન ભંડાર છે જેમાં કૉપીરાઈટ મુક્ત લોકવાંગ્મય, સાહિત્ય, લખાણો તેમ જ અન્ય દસ્તાવેજી કૃતિઓનો સંચય કરવામાં આવે છે. આ સંસ્થા, વિકિપીડિયા (મુક્ત જ્ઞાનકોષ), વિક્શનરી (મુક્ત શબ્દકોષ), વિકિવિદ્યાલય (મુક્ત વિદ્યાલય) જેવી બહુભાષી તથા પ્રકાશન-અધિકાર-મુક્ત પરિયોજનાઓ પણ ચલાવે છે.

ગુજરાતી ભાષામાં પોતાનું અને પોતીકું કહી શકાય તેવું ‘વિકિસ્રોત સબડોમેઈન’ કે ‘પોર્ટલ’ પ્રાપ્ત થયું તેની પહેલી વરસી 27 માર્ચ 2013ના છે. એનો જાહેર ઓચ્છવ ગિરનારની તળેટીમાં, ભવનાથમાં આવેલા રૂપાયતન ખાતે રવિવાર 31 માર્ચ 2013ના થઈ રહ્યો છે. આ અવસરનું, વિલાયતસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ વતી, ટેમ્સના કિનારેથી, અમે સહૃદય સ્વાગત કરીએ છીએ. આ અંગે યોજાયેલા આ આગવા કાર્યક્રમને અમારી વધાઈ પણ પાઠવીએ છીએ. આ આખું આંદોલન ઊભું થઈ શક્યું તેનો મહદ્દ યશ ડૉ. ધવલ સુધન્વા વ્યાસ તેમ જ તેમના સાથી સહોદરોને જાય છે. તે દરેકને આ ન્યોચ્છાવરી સારુ અમે શાબાશી આપીએ છીએ અને અનેકાનેક શુભ કામનાઓ વ્યક્ત કરીએ છીએ.

અકાદમીની ‘ઓટલો’ નામની બેઠકના સંયોજક ડૉ. ધવલ વ્યાસ સાથે થયેલી વાચચીત મુજબ, વિકિસ્રોતના અસ્તિત્વને કારણે, આપણા માટે આપણાં સાહિત્યની સાચવણ અને તેનો પ્રસાર કરવાનું કાર્ય ઘણું સરળ થઈ ગયું છે. આજની યુવાપેઢી પુસ્તકોથી દૂર ભાગી રહી છે એવી ફરિયાદ કરવી હવે યોગ્ય નહીં ગણાય, કારણ કે હવે ગ્રંથાલય જ તેમનાં લેપટોપ પર આવવાનું છે. વાંચવાનો શોખ ધરાવનારાઓને, ઐતિહાસિક, પૌરાણિક કે પછી ધાર્મિક એવાં અનેક પ્રકારનાં સેંકડો પુસ્તકો ક્મ્પ્યુટર પર માત્ર ક્લિક કરવાથી મળી રહે એવું માળખું ગોઠવાઈ ગયું છે. શરૂઆતમાં શ્લોકો, સંતસાહિત્ય, પૌરાણિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક ગ્રંથો વગેરે તેમ જ જૂના અને દુર્લભ ફોટાઓ પણ આ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. વળી આ બધું સાહિત્ય ‘યુનિકોડ’માં અક્ષરાંકિત હોઈ જુદા જુદા ફોન્ટની કડાકૂટ વગર વાચકોને સહજ રીતે ઉપલબ્ધ રહેશે.

વિકિસ્રોતના વેબપેજ પર આંટાફેરા કરતા માલુમ પડે છે કે આ સમૂહ-સહકાર્ય-પ્રકલ્પ પર ડૉ. ધવલ વ્યાસ ઉપરાંત અશોક મોઢવાડિયા, વ્યોમ મજમુદાર, સુશાંત સાવલા, મહર્ષિ મહેતા અને સતીષચંદ્ર પટેલ, એમ પાંચેક જેટલા ટેક્નિકલ જાણકારી ધરાવતા સક્રીય વ્યવસ્થાપકોની દેખરેખ હેઠળ અનેક સભ્યો પોતાનું યોગદાન આપી રહ્યાં છે. વિકિસ્રોત દ્વારા 2200થી વધુ કૃતિઓ યુનિકોડમાં મુદ્રિત થઈ ચૂકી છે. વિકિસ્રોત દ્વારા પાર પડેલી પરિયોજનાઓમાં મહાત્મા ગાંધીની ‘સત્યના પ્રયોગો’ જેવી આત્મકથા, સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ કૃત ‘કલાપીનો કેકારવ’ જેવો કાવ્યસંગ્રહ, ઝવેરચંદ મેઘાણી દ્વારા આલેખિત ‘માણસાઈના દીવા’ જેવો ચરિત્રગ્રંથ અને રમણલાલ નીલકંઠ કૃત ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્ય-નવલકથા ઉપરાંત આ પ્રકારનાં વિધવિધ સાહિત્યનો સમાવેશ થાય છે. વિકિસ્રોતની પ્રસ્તાવિત પરિયોજનાઓમાં હેમચંદ્રાચાર્ય, નરસિંહ મહેતા, પ્રેમાનંદ, અખો, દયારામ, દલપરામ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, નરસિંહરાવ દિવેટિયા, ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી જેવા અનેક સાહિત્યકારોની કૃતિઓને ઑનલાઈન સુલભ કરી આપવાની નેમ નજરે ચઢે છે. હજુ તો ગુજરાતી પોર્ટલને બાર મહિના જ થયા છે. અત્યાર સુધીમાં અહીં ગણનાપાત્ર કાર્ય થયું છે તે આંકડાકીય માહિતી જોતાં સમજાય છે.

ગુજરાતી શિક્ષણ આપવા માટેના અધિકૃત સાધનો વિશેની વિષદ્દ વિગતમાહિતીઓ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સમાજવિજ્ઞાન, પત્રકારત્વ અને ગુજરાતી ભાષામાં જ્ઞાનવર્ધક હોય, માહિતીપોષક હોય તેવી સાહિત્ય સહિતની વિવિધ સામગ્રીઓ આપણને આ પોર્ટલમાંથી મળશે, ત્યારે આપણી ભાષાનાં મરશિયાં ગાતાં લોકોને ફટાણાંથી ખાળી શકાશે. મને તો થાય કે ગુજરાતીમાં મળતું આપણું તમામ કાવ્યધન આ એક ઠેકાણે મળી જાય તો ગુજરાતી તરીકે ધન્ય થઈ જવાય. આાવું વાર્તા, આત્મકથા, જીવનકથા અને ઇતર તમામ સાહિત્યનુંય બની શકે … ખેર!

આવાં આવાં માતબર કામને સારુ, અમારી સંસ્થા – 'ગુજરાતી સાહિત્ય અકાદમી' બબ્બે હાથે તમને થાબડે છે. તમારું આ મહાયજ્ઞ શું  કામ ખૂબ તપો અને ખૂબ વિસ્તરો.

હૅરો, મિડલસેક્સ, યુનાઈટેડ કિંગ્ડમ, 15 માર્ચ 2013

Loading

વાત એક નોખા ગામની, એવું તે શું છે આ ગામમાં ?

--, રાજેન્દ્ર શુક્લ|Samantar Gujarat - Samantar|31 March 2013

સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર ગામ તરીકે રાજકોટથી ૨૨ કિલોમીટર અંતરે આવેલા રાજસમઢિયાળાનું નામ દરેકના હોઠે આવી જાય. આ ગામડાની ડોક્યુમેન્ટરી પાંચ વખત દૂરદર્શન પર દેખાડવામાં આવી ચૂકી છે. 'સુરભિ’ સિરિયલમાં પણ તે ચમક્યું હતું. કોઈ એમ કહે કે રાજસમઢિયાળામાં રામરાજ્ય છે તો તેમાં અતિશયોક્તિ નથી, કારણ કે આ ગામમાં કોઈ ઘરને તાળું મારતું નથી. બપોરે દુકાન ખુલ્લી મૂકીને વેપારી જમવા ચાલ્યા જાય છે.

ગ્રાહક આવે તો પોતાને જોઈતી વસ્તુ લઈને તેની કિંમત ગલ્લામાં મૂકી દે છે. ગુટખાવિરોધી ઝુંબેશની ગમે તેટલી પ્રેસનોટ છપાય કે શપથ લેવાય, તેનું પરિણામ જોવા મળતું નથી, પણ રાજસમઢિયાળામાં ગુટખા વેચવા પર જ પ્રતિબંધ છે અને એ કોઈ તોડતું નથી. ગ્રામપંચાયતની દુકાને રાહતભાવનું કેરોસીન વેચાય છે, પણ કેરોસીન લોકો જાતે લઈ લે છે. કોઈ ચોરી કરતું નથી. થોડાં વરસો પહેલાં ગામમાં ચોરી થઈ હતી. બીજા દિવસે એક ભાઇએ ગ્રામપંચાયતમાં ચોરીની જાહેરાત કરી કે તરત તેમને વળતર પેટેના સાઠ હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા.

આ તમામ વાતોનો સઘળો જશ રાજસમઢિયાળાના હરદેવસિંહ જાડેજાને જાય છે. એમ.એ.નું ભણીને એસઆરપીમાં જોડાયેલા હરદેવસિંહ જાડેજાનું મન અકળાયું એટલે નોકરી છોડી દઈ ગામની વાટ પકડી લીધી, પણ એ પછી તેમણે ગામને એવું કંડાર્યું કે બીજાં ગામો રાજસમઢિયાળાના માર્ગે ચાલવા મજબૂર બન્યાં છે. "હિ‌ન્દુસ્તાન"ના પત્રકાર વિજેન્દ્ર રાવતે તો લખ્યું પણ ખરું કે ભારત કે ઈસ ગાંવ કે પદચિહ્નો પર ચલેં તો દેશ કે ગાંવો કા ઉદ્ધાર નિ‌શ્ચિ‌ત હૈ.

હરદેવસિંહ જાડેજા ૧૯૭૮માં આ ગામના સરપંચ બન્યા પછી આ ગામે આખા ભારતભરમાં પ્રસિદ્ધિ મેળવી છે.

સરપંચ બન્યા પછી હરદેવસિંહે કચરો નાખવાનો, જુગાર રમવાનો, દારૂ પીવાનો કે ઝઘડા વખતે પ્રથમ ગાળ બોલનારાને દંડ કરવાનો નિયમ કર્યો અને પ્રથમ વરસે ૩૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કર્યો. 'ભૂવા નાબૂદી’નું સૂત્ર આપ્યું. બાળકદીઠ એક વૃક્ષ વાવવાનો નિયમ કર્યો અને તેના કારણે ગામની ફરતે ઘટાદાર વૃક્ષો ઉગાડાયાં. ઘરો ઉદ્યાન જેવાં બની ગયાં. તમે રાજસમઢિયાળા જાઓ તો હરદેવસિંહ જાડેજા ગ્રામપંચાયતની ઓફિસેથી સીધા જ હરિજનવાસમાં લઈ જાય અને કોઈ રિર્સોટ જેવો હરિજનવાસ જોઈને આભા થઈ જવાય. હરદેવસિંહે ગામ ફરતે પાળા કરાવીને વહી જતું પાણી રોકાવ્યું. તેને કારણે ગામ અને જમીનનાં તળ સુધર્યાં. પાણીની છૂટ થઈ ગઈ.

રાજસમઢિયાળાની વસતિ પૂરા બે હજાર માથાંની નથી, પણ તે વાર્ષિ‌ક ૩પ,૦૦૦ મણ ઘઉં અને સાત હજાર મણ કપાસનું વાવેતર મેળવે છે, બીજા પાક જુદા. વરસે પચાસ લાખથી વધારે કિંમતનાં તો આ ગામ શાકભાજી વેચે છે. અહીં ગામના દરેક વોકળા પર ચેક ડેમ બનાવી લેવામાં આવ્યા છે. એને કારણે ચોમાસાનું પાણી તળમાં ઊતરે છે. ગામની સીમમાં ધીમે ધીમે કરતાં પ૧,૦૦૦ વૃક્ષો પણ વાવ્યાં છે.

લોકોનું તો એવું છે કે ફાયદો જુએ તો શ્રદ્ધા બેવડાઈ જાય. હરદેવસિંહ જાડેજાને કારણે ગામ સ્વચ્છ, સુરક્ષિત અને સમૃદ્ધ બન્યું, એટલે તેમને ખોબલે ખોબલે સહકાર મળવા માંડયો. હરદેવસિંહની ઇચ્છા સ્ટેડિયમ બાંધવાની હતી તો ગામલોકોએ સામેથી જમીન આપી દીધી. સ્ટેડિયમમાં ક્રિકેટની પાંચ ટર્ફ વિકેટ બનાવવામાં આવી છે. હરદેવસિંહ જાડેજા કહે છે, 'આ સ્ટેડિયમ પહેલાં અમે ગામના દરેક ઘરની પ્રાથમિક સુવિધાની દેખભાળ કરી હતી. અમારા આખા ગામમાં અત્યારે સિમેન્ટના રસ્તા બની ગયા છે. હવે અમે પ્લાસ્ટિક નાબૂદીની ઝુંબેશ ઉપાડી છે. પ્લાસ્ટિકનો કચરો ફેંકે તેને પ૧ રૂપિયા દંડ અને જેના ઘર પાસે એ કચરો પડયો હોય તેનો અગિયાર રૂપિયા દંડ અમે લઈએ છીએ.

મારે રાજસમઢિયાળા ફરતે એક લાખ વૃક્ષો વાવવાં છે એટલે તેનો ટાર્ગેટ બધાને આપી દીધો છે. મારો ટાર્ગેટ સૌથી મોટો રાખ્યો છે. મારી જમીનમાં હું દસ હજાર વૃક્ષો વાવવાનો છું. પાંચ હજાર જેટલાં જામફળ અને સીતાફળ તો વાવી દીધાં છે. ૩પ૦ આંબા વાવ્યા છે.’

રાજસમઢિયાળાની સમૃદ્ધિ જોઈને તેની આજુબાજુનાં પંદરેક ગામો પણ તેને પગલે ચાલવા માટે તૈયાર છે. ખોબડદળ, અણિયારા, લીલી સાજડિયાણી, ભૂપગણ, લાખાપર, ત્રંબા જેવાં આ ગામોમાં ૧૩૦ જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. લીલી સાજડિયાણી ગામમાં સરપંચની ચૂંટણી નહીં, પણ પસંદગીથી ચૂંટાશે એવો નિર્ણય લેવાઈ ગયો છે.

જ્યાં પસંદગી હશે ત્યાં જ ગામનો વિકાસ ઝડપથી થશે એવું માનતા હરદેવસિંહ જાડેજાને આજથી દશ વરસ પહેલાં અમે પૂછેલું કે તમારા ગામ માટે છેલ્લે નવું શું કર્યું એ કહો? તો તેમણે કહ્યું કે, 'ઉપગ્રહ મારફત મળેલી તસવીરોમાં જિયોલોજિક સર્વે કરાવીને અમે વર્ષો અગાઉ થયેલા ધરતીકંપથી થયેલી તિરાડો (ફ્રેક્ચર) શોધીને તેમાં પાણી ઉતાર્યું છે, એ કારણે અમારા ગામનાં તળ એક કિલોમીટર જેટલે ઊંડે સુધી પાણીવાળાં બન્યાં છે. આ દુષ્કાળમાં પણ અમારા ગામના એક કૂવામાં (ઉપરથી) દસ ફૂટ પાણી હજુ આજે પણ છે.’

ગામલોકો પાણી બતાવે તો પાણી એ કોઈ સમસ્યા નથી.

[એક પ્રેસ રિપોર્ટરના લેખ પરથી]

Loading

અમેરિકી પ્રતિનિધિમંડળ : ગુજરાત મોડેલ, બધે મનમુરાદશાહી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|30 March 2013

– 'મિનિમમ ગવર્ન્મેટન્ટ’ અને 'મેક્સિમમ ગવર્ન્મેટન્ટ’ના મોદીમંત્રની ખૂબ તારીફ કરી ગયું

ધુળેટી સરખા લોકતહેવાર નિમિત્તે પોરો ખાઈ શુક્રવારની સવારે છાપાં પ્રગટ્યાં તે દરમિયાન ગ્રામીણ ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી એક અજબ જેવી હોળી ખેલાઈ ચૂકી હતી : ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા વિધેયક ૨૦૧૩ ઉપર રાજ્યપાલની સહી થઈ જતાં તે વિધિવત્ કાનૂન બને છે. સાંસ્થાનિક વારાના, છેક ૧૮૭૯ના કાયદાને બદલવાના ઇરાદા સાથે આવેલું આ પ્રજાસત્તાક સ્વરાજ અને લોકશાહી કાળનું ૨૦૧૩નું પગલું વસ્તુત : 'નહેર અધિકારી’ નામની નવી સંરચના સાથે પોલીસથી અદકા અધિકારોપૂર્વક ગુના અને સજાની તેમ જ વોરન્ટ બજાવી શકવાની અમર્યાદ સત્તા ઊભી કરે છે. આ એક એવી મનમુરાદશાહી હોવાની છે જેની સામે અપીલના અવકાશની ન્યાયિક જોગવાઈ પણ કાયદેસર હોવાની નથી. પાણી સરખા કુદરતી સંસાધનનો સુવાંગ માલિકવટો આ સાથે ખેડૂત કનેથી 'નહેર અધિકારી’ નામના સરકારી ઈજારદાર હસ્તક જાય છે. રાજ્ય સરકાર, પોતાની મુનસફી મુજબ અગર તો, કહો કે, મરજીમાં આવે તેમ કોઈ પણ જળાશય, નહેર, કાંસ વગેરેના પાણીના ચાલુ ઉપયોગને બદલીને પોતાને ઠીક લાગે તે રીતે નવેસર વાપરી શકશે.

બીજા શબ્દોમાં, જળજીવી જનસાધારણને ભોગે પાણી નફાકારક ઉદ્યોગો તરફ વાળવાની એ રીતે સરકાર અને કોર્પોરેટ સાંઠગાંઠથી માંડીને ખુદ સરકારના કોર્પોરેટીકરણની પ્રક્રિયાને (ખરું જોતાં વિક્રિયાને) વેગ મળશે … અને આ બધું 'સાંસ્થાનિક કાયદા’ને બદલે પ્રજાસત્તાક સ્વરાજના કાયદાને નામે સામાન્યપણે સ્વતંત્ર ભૂમિકા લઈ ચોક્કસ બાબતોમાં રાજ્ય સરકારને ધીમા પાડવાની (ખરું જોતાં સ્વસ્થ પુનર્વિ‌ચારની) તક આપવા માટે જાણીતાં રાજ્યપાલે આ કિસ્સામાં જાહેર આશંકા છતાં કેમ તત્કાળ સહી કરી હશે? કદાચ, જે તે મુદ્દે કારણ-અકારણ અગર તો સકારણ હોય ત્યારે પણ કેન્દ્ર સામે કાગારોળ કરવાના રાજ્ય સરકાર એટલે કે સત્તાપક્ષના વ્યૂહને વળી એક ઓર નિમિત્ત નહીં આપવાની ગણતરી કામ કરી ગઈ હોય એમ બને. જો કે, 'કેન્દ્ર વિ. રાજ્ય’નો સિનાર્યો ગુજરાતના વર્તમાન નેતૃત્વના સંદર્ભમાં વિશેષ ઊહાપોહ અને સવિશેષ સતર્કતા માગી લે છે, પણ એની ચર્ચા વિપળ વાર રહીને.

ગમે તેમ પણ, સિંચાઈ કાયદા સાથે સરકાર હસ્તક મનમુરાદશાહીનું જે માનસ પ્રગટ થાય છે તે કોઈ એકાકી અને નિ:સંગ ઘટના નથી, એ નોંધ્યું તમે? બેસતે એપ્રિલે ગૃહમાં ૧૯૮૬ના લોકાયુક્ત અધિનિયમને સ્થાને જે નવો કાયદો (અલબત્ત, વિધેયક રૂપે) લવાઈ રહ્યો છે એમાંથી પસાર થઈએ (તેમ જ આ હિ‌લચાલની પૃષ્ઠભૂનોયે ઝડપી ખયાલ કરી લઈએ) તો પણ રાજ્ય સરકારની મનમુરાદશાહી માનસિકતા છતી થયા વગર રહેતી નથી. લોકાયુક્ત માટેની પસંદગી સમિતિના અધ્યક્ષ સૂચિત જોગવાઈ મુજબ મુખ્યમંત્રી હોવાના છે. મુખ્યમંત્રીએ જેમને નીમવામાં અગ્રભૂમિકા ભજવી હશે તે લોકાયુક્ત મુખ્યમંત્રી સામે કેવી રીતે પગલાં ભરી શકશે, કોઈ તો કહો ૧૯૮૬ના અધિનિયમમાં (જે ત્યારના વિપક્ષ એટલે કે ભાજપની સહમતીપૂર્વક બન્યો હતો એમાં) રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ‌ અને રાજ્યપાલની ભૂમિકા આગળ પડતી હતી. એકની નિર્ણાયક, બીજાની મહત્ત્વપૂર્ણ. પણ સૂચિત લોકાયુક્ત બાબતે સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી મુખ્ય ન્યાયમૂર્તિ‌ અને રાજ્યપાલ બેઉની ભૂમિકામાં આવી જશે.

લોકાયુક્ત વિધેયક, ૨૦૧૩ની વિશેષ ચર્ચામાં નહીં જતાં એટલું જ કહેવું બસ થશે કે 'રાજ્યપાલ એટલે મંત્રીમંડળની સહાય અને સલાહ પર કામ કરતાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ’ એવી અધોરેખિત અને ડંકેકી ચોટ સફાઈ એમાં કરાઈ છે. ૧૯૮૬માં જે સમજથી ત્યારના સત્તાપક્ષે (કોંગ્રેસે) મુખ્યમંત્રીને માપમાં રાખ્યા હતા, એની સામે મુખ્યમંત્રીના અમાપ અધિકારની આ અતિરેકી ચેષ્ટામાં બીજું શું વાંચીશું, સિવાય કે સરકારી મનમુરાદશાહી. શુક્રવારનાં ઊઘડતાં છાપાં ગુજરાત યુનિવર્સિ‌ટીઓ કાયદા (સુધારા) વિધેયક, ૨૦૧૩નાં યે વધામણાં લઈને આવ્યા છે. શિક્ષણમંત્રી ચુડાસમાએ વિધેયકના ઉદ્દેશો અને કારણોમાં કરેલા ખાસ મુદ્દો તમામ કાયદામાં સમાન (એકસરખી) જોગવાઈઓનો છે. કામન યુનિવર્સિ‌ટી એકટ પાછળ રહેલ લાજિક (બલકે સાઇકોલોજી) શું છે તે સમજવા વાસ્તે એટલો એક જ સંકેત બસ થશે કે અગાઉના કાયદાઓમાં જ્યાં જ્યાં કુલાધિપતિ એટલે કે રાજ્યપાલની જિકર છે ત્યાં ત્યાં બધે 'રાજ્ય સરકાર’ એવો ફેરફાર કરવાનો છે.

ટૂંકમાં, જેને 'ગુજરાત મોડેલ’ કહીને પીઆર પાંચજન્યવાળી ચાલે છે એની વાસ્તવિકતા સરકારની ઓર અને ઓર મનમુરાદશાહી માત્ર છે. એક તો 'વિકાસ’ તળે ઉપર તપાસ માગી લે છે અને એમાં સરકારમાત્રનાં આપખુદ વલણોમાં વળી વળીને વળ ચઢાવતી આ પેરવી 'ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી’ થકી પ્રાયોજિત અમેરિકી પ્રતિનિધિમંડળ (જેના નેતા અમેરિકામાં એથિક્સ વિશેની હાઉસ કમિટીની ક્ષ-તપાસ હેઠળ છે) અહીં આવી ગયું અને 'મિનિમમ ગવર્ન્મેટન્ટ’ તેમ જ 'મેક્સિમમ ગવર્નન્સ’ – સરકાર માપમાં અને સુશાસન અમાપ -ના મોદી મંત્રની તારીફ કરી ગયું એવો હેવાલો છે. ભલા, આ ત્રણે કાનૂન પગલાં મેક્સિમમ, રિપીટ, મેક્સિમમ ગવર્ન્મેટન્ટના બોલતાં નિદર્શન છે, એટલું તો સમજો. હશે ભાઈ, એ તો ધંધો કરવા આવેલ જમાત છે. એક બાજુ માનવ અધિકારનાં ઊંચાં નવયુગી ખેંચાણો અને બીજી બાજુ જુગજૂના ધંધાદારી તકાજા બેઉની વચ્ચે બચાડા માર્યા ફરે છે. એમની એ એક અભિશપ્ત નિયતિ હોઈ શકે છે, પણ વિવેકબૃહસ્પતિ ગુજરાતે આ બધું જોયું ન જોયું કરવું, એવું કોણે કહ્યું?

(સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 30.03.2013)

Loading

...102030...4,1744,1754,1764,177...4,1804,1904,200...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved