Opinion Magazine
Number of visits: 9697061
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નર્મદાયોજના : સરદારનું સાચું સ્મારક શું હોય ?

સનત મહેતા|Samantar Gujarat - Samantar|21 November 2013

જો જો કે, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બને પણ ખેડૂતોના ખેતરે પાણી પહોંચ્યાં ન હોય

નર્મદા, ભારતની બારેમાસ વહેતી પાંચ મોટી નદીઓમાંની એક છે. ગુજરાતમાં એને ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાવાય છે. ખુદ ગુજરાતમાં બહુ ઓછા લોકોને ખબર હશે કે બીજા વિશ્વયુદ્ધ પછી યુદ્ધોત્તર વિકાસ યોજનાઓ ઘડાઈ એમાં એનું નામ હતું, પણ બહુલક્ષી અને એકથી વધારે રાજ્યોમાંથી પસાર થતી હતી એટલે અટવાયા કરી. સરદાર પટેલ ૧૯૪૬થી સદાય એના પુરસ્કર્તા રહેલા. ગુજરાતનું અલગ રાજ્ય રચાયું ત્યારે યોજનાને સાકાર કરવા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે ૧૯૬૧ના ગોરાગામ પાસે ખાતમુહૂર્ત કરાવ્યું.

પડોશી રાજ્યો પાણીની વહેંચણી બાબતમાં સંમતિ ન સાધી શકયા એટલે આંતરરાજ્ય જળવિવાદ કાનૂન નીચે ભારત સરકારે એને ૧૯પ૬માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિના અધ્યક્ષપદે નર્મદા જળવિવાદપંચને ઉકેલ માટે સોંપી. પંચે ૧૯૭૯માં ચુકાદો આપ્યો. એટલે કે ૧૯૪૭થી ૭૯ સુધી આવી બહુલક્ષી યોજના દલીલોમાં જ અટવાતી રહી. એને સરદાર પટેલની યાદમાં ૧૯૬૧થી જ સરદાર સરોવર યોજના નામ આપ્યું છે, પણ એક વાતની નોંધ લેવી રહી કે આ પહેલું જળવિવાદપંચ હતું જેમાં પર્યાવરણ અને યોજનાના કારણે વિસ્થાપિત થનારા માટે પુન: વસવાટ માટે પણ ભલામણો કરાઈ હતી.

યોજના તુમારશાહીમાં ન અટવાય એટલે એના અમલ માટે અલગ નિગમ રચાયું અને નિગમે ૧૯૮૮માં શૂન્ય સગવડથી કામ શરૂ કર્યું. ભારતની આજ સુધીના સિંચાઈ યોજનાનાં પાણી પૂરાં વપરાતાં નહોતાં કારણ બંધ બંધાય પણ નહેરો પૂરી કરવા તરફ લક્ષ્ય આપે નહીં એટલે નિગમે બંધ અને નહેરોનાં કામ સાથે જ શરૂ કર્યાં. ૧૯૯પ સુધીમાં મુખ્ય નહેરના રસ્તે આવતી બધી નદીઓના સંબંધિત કામ સાથે ગાંધીનગર પહોંચાડાઈ. બંધની સાથોસાથ કડીથી ફંટાતી સૌરાષ્ટ્રનહેર જે સૌથી મોટી શાખા છે. એનું કામ ૧૯૯૧માં શરૂ કરી વિરમગામ સુધી પહોંચાડાયું. યોજનાના પ્રથમ તબક્કાની શાખાઓનાં કામ પણ શરૂ કરી દેવાયાં. આ નહેરો ઉપરાંત મુખ્ય નહેર અને ભૂગર્ભ પાવર હાઉસનાં કામો શરૂ કરી દેવાયાં હતાં. દરમિયાન પર્યાવરણની લોબી સુપ્રીમ ર્કોટ સુધી પહોંચી. પાંચ માર્ચ ૧૯૯૭ના રોજ, સર્વોચ્ચ અદાલતને બંધની ઊંચાઈ વધારવાની અનુમતી આપવા ઈન્કાર કર્યો. લાંબી કાનૂની લડાઈમાં પહેલાં ૧૨૧ મિટર અને છેવટે ૨૦૦૦ની સાલમાં ૧૩૮ મિટર ઊંચાઈએ લઈ જવા શરતી પરવાનગી મળી.

નહેરોના બાંધકામમાં પર્યાવરણવાદી કે સર્વોચ્ચ અદાલત બેમાંથી કોઈની કોઈ રોકટોક ન હોતી. આજે હવે બંધ ૧૨૧.૯૨ મિટર પર પહોંચ્યો છે. માત્ર ૧૭ મિટર – પપ ફીટના દરવાજા મૂકવાના બાકી છે. આમ તો બંધ ૧૧૦.૬૪ મિટરે પહોંચે તો પણ જળસંગ્રહ ૪.૭૨ મિલિયન એકર ફીટ થાય અને ત્યારે પાણી કચ્છ સુધી પહોંચે અને ૧૭.૯૩ લાખ હેકટરમાં જો નહેરોની ગૂંથણી તૈયાર હોય તો સિંચાઈ પણ થઈ શકે છે. કારણ કે ૩ મિલિયન એકર ફીટ તો ડેડ સ્ટોરેજ છે. ૧૯૯પ પછી યોજનાનો બંધ, વિવાદ અને રાજનીતિનો ભોગ બની ગયો અને નહેરોના કામમાં આવેલી ઝડપ તૂટી ગઈ. ૧૯૯પથી ૨૦૧૩ એટલે ૧૮ વરસના ગાળામાં ધાર્યુ હોત તો નહેરોનાં કામ પૂરાં થઈ ગયાં હોત, પરંતુ બંધને રાજકીય યોજના બનાવી દેવાઈ. હવે આજે દરવાજા સિવાય બધું તૈયાર છે.

માહિતીના અધિકાર નીચે અપાયેલ માહિ‌તી પ્રમાણે ૩૧ જાન્યુઆરી ૨૦૧૩ સુધીમાં આજે બ્રાંચ નહેરોના ૪૨૬ કિલોમિટરના; ડિસ્ટ્રિબ્યુટરીના ૪પ૭પ કિ.મિ. પચાસ ટકાથી વધુ કામ બાકી છે. જ્યારે ૨૬૭પ૦ કિ.મિ.ની માઈનોર નહેરોમાં દસ હજાર કિલોમિટરના કામ પૂરાં થયાં છે. આમાંથી બે લાખ કિ.મિ. માઈનોરના તો ટેન્ડર બહાર પડવા બાકી છે. ૨૦૦૭-૦૮ના અંદાજપત્ર સમયે જાહેર કરાયું હતું કે, '૨૦૧૦માં યોજના પૂરી થશે અને ૨૦૧૦નું વરસ 'સુવર્ણ ગોલ’ પ્રાપ્ત કરવાનું વરસ હશે.’ ૨૦૧૩ના જાન્યુઆરીમાં ઉપર બતાવ્યા પ્રમાણેનાં કામ બાકી છે. હવે ૨૦૧પનો વાયદો કરાયો છે. દરવાજા મૂકવાનું કામ ત્રણ વરસમાં ચાલવાનું થવાનું હોય અને નહેરના ઉપરનાં કામ બાકી હોય તો ૨૦૧પનો વાયદો પૂરો થવો અશક્ય છે.

કામના વેગની વાત કરીએ તો આયોજના પંચની પરવાનગી અને નિગમની કામગીરી ૧૯૮૮માં શરૂ થઈ. પહેલાં સાત વરસ જ્યારે યોજનામાં બંધ અને મતની જુગલબંધી નહોતી રચાઈ ત્યારનાં કામ અને પછીના સત્તર વરસનાં કામની વૈજ્ઞાનિક તુલના થાય તો સત્ય બહાર આવે. હવે તો, સાંઠ માળની ઈમારત જેટલી વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમાનું ગઈ ૩૧ ઓક્ટોબર ખાત મુહૂર્ત થયું છે. હવે નિગમ રૂ. ૨પ૦૦ કરોડના ખર્ચે આ પ્રતિમા ઊભી કરવાનું છે ત્યારે જોવાનું એ રહે કે, એવું તો નહીં બને ને કે પ્રતિમાની અટારીમાંથી જોનાર ગુજરાતના નાગરિકને ઓવરફલો થતાં બંધનું પાણી જોવા મળશે. મુખ્ય નહેર પાણીથી ઊભરાતી જોવા મળશે પણ સરદારનું, ખેતરે પાણી પહોંચાડવાનું સપનું પૂરું થયું નહીં હોય.

સરદાર સરોવર પાણીથી છલકાતું હોય. વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી સમી સરદાર પ્રતિમા વચ્ચે ઊભી હોય પણ પાણી દરિયામાં જ વહી જઈ ખારા થઈ જતાં હોય ત્યારે ગુજરાતની ભાવિ પ્રજા આપણા વિષે શું વિચારશે? માહિ‌તી અધિકાર નીચે મળેલી હકીકતો આજે ય આપણો ઉપહાસ કરે છે, ૨૦૧૦માં યોજના પૂરી થવાનું વચન અપાયું ત્યારથી પાંચ વરસમાં, નર્મદાના વિશાળ રાશિ ચાર વરસ ઓવરફલો થયા અને ૨.પ૯ કરોડ એકર ફીટ દરિયામાં ગયા ટ્રિબ્યુનલે ગુજરાતને નેવું લાખ એકર ફીટ પાણી ફાળવ્યું છે. એનાથી ત્રણગણું પાણી ગયું. છોડાયેલા પાણીનો ક્યાં કેવો વપરાશ થયો, એની અધિકૃતિ વિગત બોલે છે કે, આમાંથી ૨૦૧૧-૧૨ના વરસમાં સિંચાઈ અને પીવા માટે વપરાયેલ ૩૬પ૨ મિલિયન ઘનમિટર પાણીની સામે ૩૮૬૦ ઘનમિટર ઉદ્યોગ અને અન્ય ઉપયોગમાં ગયું. કોના માટે બની યોજના?

હજુ જાગીએ સરદાર સરોવર યોજનાને રાજનીતિમાંથી બહાર લાવી સમગ્ર ગુજરાત એક થઈ સરદાર સાહેબની ઇચ્છા પ્રમાણે પીવા માટે જરૂર હોય એ સિવાયનું પાણી ખેતીને પૂરું પાડવા કટિબદ્ધ થઈએ એ જ સરદારનું સાચું સ્મારક બનશે.



સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Nov 21, 2013

Loading

અમેરિકાવાસી ગુજરાતી લેખિકાની વેબસાઈટ

દીપક મહેતા|Opinion - Literature|21 November 2013

“અમરેલી કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે વિશ્વભરમાં વસતા મારા સહૃદય ભાવકો સાથેનો મારો સેતુ, મારો સંબંધ એટલે મારી કવિતા. ભાવકો સાથેનું આ સખ્ય, ભાવકો સાથેનો આ નાતો મને ગમે છે. એમણે લંબાવેલો ઉષ્માસભર હાથ મને લખતી રાખે છે. અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાં ય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલાં વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે 'વિદેશિની'.

– આ શબ્દો છે અમેરિકાવાસી ગુજરાતી લેખિકા પન્ના નાયકના. અને એ લખાયા છે એમની વેબસાઈટના હોમ પેજ પર. યુરપ અમેરિકાના લેખકોને પોતાની વેબસાઈટ હોય એ વાતની હવે નવાઈ રહી નથી. પણ ગુજરાતી લેખકોની વેબસાઈટ હજી ગણીગાંઠી જ જોવા મળે છે. પન્નાબહેનની આ વેબસાઈટ પાંચ મુખ્ય ‘પેજ’માં વહેંચાયેલી છે. ‘મારા વિષે’માં તેમનો પરિચય અપાયો છે, વ્યક્તિ તરીકે કરતાં વધારે લેખિકા તરીકેનો. તેમાં તેમણે કહ્યું છે: “મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે. આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો. છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી. આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી. મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”

બીજા બે પેજીસ તેમના હાઈકુ સંગ્રહ ‘અત્તર અક્ષર’ વિષે અને ગીતોની ઓડિયો સીડી ‘વિદેશિની’ વિષે છે. પણ સૌથી વધુ ધ્યાનપાત્ર તો છે ‘માય ઈ બુક્સ’ પેજ. કારણ તેમનાં એક-બે નહિ પણ પૂરાં દસ પુસ્તકો ઈ બુક રૂપે સુલભ બનાવ્યાં છે. આ બધી જ ઈ બુક્સ ક્યાંથી ખરીદી શકાય તે પણ જણાવ્યું જ છે. ફરી, ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી લેખકે આમ કર્યું હશે. પહેલા કાવ્ય સંગ્રહ ‘પ્રવેશ’થી માંડી ને સાવ નવા ‘અત્તર અક્ષર’ સુધીનાં બધાં જ પુસ્તકો આ રીતે તેમણે ઉપલબ્ધ કર્યાં છે.

સાદી અને સરળ રીતે તૈયાર થયેલી આ વેબસાઈટ પર એક જ વસ્તુ ખૂટતી લાગે છે. બીજી ભાષાના લેખકોની વેબસાઈટ પર એક વિભાગ તેમના ફોટાઓનો અચૂક હોય છે. અહીં નથી. હોવો જોઈએ. આજે નહિ તો આવતી કાલે આપણા લેખકોએ ઇન્ટરનેટ અને કમ્પ્યુટરનું મહત્ત્વ સ્વીકાર્યા વગર છૂટકો નથી. તો પન્ના નાયકની જેમ આજે જ કેમ સ્વીકારી ન લેવું?

આ વેબ સાઈટનું એડ્રેસ છે: http://pannanaik.com

સૌજન્ય : દીપક મહેતા, ‘અક્ષરની અારાધના’, “ગુજરાત મિત્ર”, 18 નવેમ્બર 2013

e.mail : deepakbmehta@gmail.com

Loading

દેશાન્તરનો સાદ

જયન્ત મ. પંડ્યા|Poetry|19 November 2013

 

બેસી અાજે ઘરની પરસાળે સ્મરું દેશ બીજો !
જ્યાં કોઈ ના સ્વજન સરખું, ને છતાં ના પરાયા
લોકો વચ્ચે દ્રુત ગતિલયે ચાલતી કાર સામે
અાવી પ્હોંચે નિજ જન સમી સૃષ્ટિ સ્નેહે અનન્ય !

નાની નાની ઢીંગલી સરખી ધેનુઅો શૃંગહીન,
લીલી ઝાંયે સભર ઊભર્યા ડુંગરોની પડોશે
ઝૂમી ઝૂમી ટહુકી ઊઠતાં એમ કે અોકવૃક્ષો,
સૌને વીંધી મલકી ઊઠતો સૂર્ય ઉષ્મા ભરેલો.

પાસે, દૂરે વિજનપથની મોકળી રેખ સંગે
તાલી અાપી ઝટ સરી જતાં ગામ, ખીણો નવેલી
કેડે નાનાં ઝરણ ઊંચકી, પાથરી ઘાસશય્યા
અામંત્રી દે શ્રમિત મનને, અંક તેના પ્રસારી !

સૌંદર્યોથી રસિત રમણી, બાલિકા દીપ્તનેત્રા,
મૂંગે મોઢે નિજની પ્રતિમા કોરતાં ચર્ચ – ચૈત્યો;
વચ્ચે માર્ગે ઝબક દીવડે ખેલતા વીજદીવા,
ને અોચિંતાં ટપકી પડતાં અાલયોયે સુરાનાં.

ત્યારે લાગે ઘર વતન ને ભેરુઅો છેક અાઘાં,
અાઘાં અાઘાં, જટિલ જટિયે પાંગળાં તંત્ર બાઘાં;
એમાંયે જ્યાં જનમભૂમિની હાંફતી લોકધારા
જોઉં ત્યારે, ઘરથી દૂરનાં ધામ લાગે રસાળાં.

એવું ના કૈં સઘળું તહીંનું સર્વથા દૂધધોયું,
ત્યાંયે લોકો ખરડી મૂકતા ચિત્ર રૂડાં રૂપાળાં.
કોઈ સ્વાર્થી, મલિન વળી કો, કોક તો સાવ બુઠ્ઠા;
કિન્તુ ઝાઝા જન તહીં વહે ન્યાયના દંડ સાચા

દાઝે હૈયું વતનમહીં, સોરાય ઊંડા વિજોગે
ને અાઘેરા બ્રિટન સરખા દેશમાં હૂંફ ઢૂંઢે !
ચિત્તે જ્યાં હો પિયર સરખી શાન્તિ ને શૈત્ય મીઠાં
ત્યાં સીમાડા ફસકી પડતા દેશ – દેશાન્તરોના !

(‘અામ્રમંજરી’, પૃ. 44-45)

(જન્મકાળ : 19 નવેમ્બર 1928 – 10 અૉગસ્ટ 2006)

Loading

...102030...4,0624,0634,0644,065...4,0704,0804,090...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved