Opinion Magazine
Number of visits: 9774303
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અનોખું જોડાણ : ગાંધીજી અને બલરાજ સાહની

ઉર્વીશ કોઠારી|Gandhiana|8 April 2014

ફિલ્મ અભિનેતા અને ડાબેરી ચળવળકાર તરીકે પ્રખ્યાત બનેલા બલરાજ સાહની તેમની ભરજુવાનીમાં, પત્ની દમયંતી સાહની સાથે ગાંધીજીના ‘સેવાગ્રામ’માં કેવી રીતે પહોંચ્યા ? અને ત્યાંનો એમનો અનુભવ કેવો રહ્યો?

કેટલીક યુતિઓ સહેલાઇથી કલ્પી શકાય એવી નથી હોતી. જેમ કે, ગાંધીજી અને ફિલ્મ. ગાંધીએ જીવનમાં બે જ ફિલ્મો જોઈ હોવાની નોંધ છે. એક અંગ્રેજી ફિલ્મ ‘મિશન ટુ મોસ્કો’, જે ગાંધીજીને બતાવવા માટે મીરાંબહેનને કોઈએ સમજાવી-પટાવી લીધાં અને બીજી ફિલ્મ કનુ દેસાઈનું કળા નિર્દેશન ધરાવતી, ‘પ્રકાશ પિક્ચર્સ’ની હિંદી ફિલ્મ ‘રામરાજ્ય’. બન્ને ફિલ્મો ગાંધીજીને પસંદ પડી ન હતી.

ફિલ્મી હસ્તીઓ માટે ગાંધીજી એક એવી તપમૂર્તિ હતા, જેને દૂરથી મનોમન વંદન થઈ શકે, ફિલ્મની જાહેરખબરોમાં તેમના નામ કે ચિત્રનો ઉપયોગ કરી શકાય, પણ તેમની નજીક જવાનો વિચાર ન આવે. કદાચ હિંમત પણ ન ચાલે. પરંતુ બલરાજ સાહની જુદી માટીના બનેલા હતા. ગાંધીજી સાથેનો તેમનો સંસર્ગ અલબત્ત તેમની ફિલ્મી કારકિર્દી પહેલાં થયો, પરંતુ ફિલ્મોમાં સફળ થયા પછી પણ બલરાજ સાહની કદી ‘ફિલમવાળા’ ન થયા. વિચારશીલ અને નિસબત ધરાવતા નાગરિક તરીકેની તેમની મથામણ ચાલુ રહી.

બલરાજ સાહની (મૂળ નામ ઃ યુધિષ્ઠિર સાહની, જન્મ : 1 મે, 1913) 1930ના દાયકામાં અંગ્રેજી સાથે એમ.એ. થયેલા. એ પણ ‘ગવર્ન્મેન્ટ કૉલેજ ઑફ લાહોર’ જેવી પ્રતિષ્ઠિત જગ્યાએથી. ત્યાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાર્થીઓને બાંહેધરી આપવી પડતી કે એ કોઈ રાજકીય ચળવળમાં (એટલે કે આઝાદીના આંદોલનમાં) ભાગ નહીં લે.  આર્યસમાજી સંસ્કાર અને ગાંધી-ભગતસિંઘને બદલે કળા-સાહિત્ય પ્રત્યે ઊંડું ખેંચાણ ધરાવતા બલરાજને આ વાતનો વાંધો પણ ન હતો. ભણી લીધા પછી પિતાના કાપડના ધંધામાં બહુ રસ ન પડતાં, બલરાજ ફિલ્મોમાં કામ મેળવવાના આશયથી કલકત્તા પહોંચ્યા. દરમિયાન એક જૂના મિત્રની બહેન દમયંતી સાથે તેમનું લગ્ન થઈ ચૂક્યું હતું. કલકત્તામાં કંઇ ઠેકાણું ન પડ્યું. એવામાં ‘શાંતિનિકેતન’માં હિંદીના શિક્ષકની જગ્યા ખાલી પડતાં રૂ.40ના માસિક પગારે તે પત્ની સાથે ‘શાંતિનિકેતન’ ઉપડ્યા.

Damyanti & Balraj Sahni / દમયંતી – બલરાજ સાહની

થોડા સમય પછી યોગાનુયોગ એવો બન્યો કલકત્તામાં કોંગ્રેસનું મોટું અધિવેશન હતું અને તેમાં ‘શાંતિનિકેતન’નો સ્ટૉલ સંભાળવા માટે બલરાજને મોકલવામાં આવ્યા હતા. એ અરસામાં ગાંધીજીના આશીર્વાદથી ડૉ. ઝાકીર હુસૈને ‘વર્ધા શિક્ષણ યોજના’ શરૂ કરી હતી. તેના હિંદી સામયિક “નઇ તાલીમ” માટે માણસની જરૂર હતી. બલરાજ સમક્ષ એ પ્રસ્તાવ મુકાતાં તેમણે સ્વીકારી લીધો અને નાટક-સિનેમા-કળા-સાહિત્યમાં ઊંડી રૂચિ ધરાવતું આ દંપતિ ઉપડ્યું સેગાંવ. (તેનું નામ ‘સેવાગ્રામ’ 1940માં પડ્યું. કારણ કે, ગાંધીજીએ કરેલી સ્પષ્ટતા પ્રમાણે મહારાષ્ટ્રમાં જ સેગાંવ નામનું બીજું સ્ટેશન હોવાથી, ટપાલો-તારો પહોંચવામાં ગોટાળા થતા હતા.)

બલરાજ સાહનીએ આત્મકથામાં સેવાગ્રામ વિશે એકાદ ફકરાથી વધારે લખ્યું નથી. મુખ્યત્વે એટલું જ કે ત્યાં સરદાર, નેહરુ, મૌલાના જેવા રાષ્ટ્રીય નેતાઓ વારંવાર જોવા મળી જતા હતા અને એક વાર દમયંતીએ ગાંધીજીને મળવા આવેલા સ્ટેફર્ડ ક્રિપ્સ અને જવાહરલાલ નેહરુને પોતાના હાથેથી ચા બનાવીને પીવડાવી હતી. દંપતિના સેવાગ્રામના દિવસોનું વિસ્તૃત વર્ણન બલરાજના ભાઈ અને ‘તમસ’ સહિત અનેક નામી કૃતિઓના લેખક ભીષ્મ સાહનીએ કર્યું છે. ‘બલરાજ, માય બ્રધર’ નામના પુસ્તકમાં ભીષ્મે પોતે ભાઈ-ભાભીને મળવા સેવાગ્રામ ગયા તેનાં સંભારણાં ચિત્રાત્મક ભાષામાં આલેખ્યાં છે.

Bhisham & Balraj Sahmi / ભીષ્મ અને બલરાજ સાહની

સ્ટેશનેથી ઉતરીને કાચા રોડ પર ચાલતી ઘોડાગાડીમાં બીડી સળગાવતા બલરાજને જોઈને ભીષ્મ સાહનીએ પૂછ્‌યું હતું, ‘બીડી ક્યારથી શરૂ કરી?’ બલરાજનો જવાબ, ‘અહીં બધા બીડી પીએ છે.’

ભીષ્મની બીજી જિજ્ઞાસા : ‘રોજ ગાંધીજી જોવા મળે?’  બલરાજે કહ્યું, ‘ના. ક્યારેક જ. તે આશ્રમમાં રહે છે. આપણે આશ્રમના વિસ્તારની બહાર રહીએ છીએ. તને જોવા મળશે. થોડા દિવસ પહેલાં રાજાજી (રાજગોપાલાચારી) અહીં આવ્યા હતા. તને ખબર છે? ગાંધીજી સમયના એવા પાકા છે કે તેમણે રાજાજીને પણ પાંચ મિનિટથી વધારે સમય ન આપ્યો. ઘડિયાળ બતાવીને મિટિંગ પૂરી થયાનો ઇશારો કરી દીધો.’ બલરાજ સાહની ગાંધીભક્ત ન હતા. પણ સેવાગ્રામમાં ગાંધીજીની વાત કરતી વખતે તેમના અવાજમાં ભળી જતો કંપ અને ક્યારેક ઉમેરાતો આવેશ ભીષ્મ સાહનીએ નોંઘ્યો હતો.

”નઇ તાલીમ”નું કામ આર્યનાયકમ દંપતી સંભાળતાં હતાં. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં તેમના યથાયોગ્ય ઉલ્લેખ આવે છે. (બલરાજ સાહનીનો સ્વાભાવિક રીતે જ ક્યાં ય ઉલ્લેખ નથી.) બલરાજને આર્યનાયકમ સાથે, આશ્રમની પાસે રહીને, પણ તેના ચુસ્ત નીતિનિયમોમાં સારી એવી છૂટછાટ સાથે કામ કરવાનું હતું. છતાં માહોલ તો ગાંધીનો ખરો જ. રાત્રે ઘરે પહોંચેલા ભીષ્મના ભાણામાં દમયંતીએ ભાત પીરસ્યો, દાળ રેડી અને કહ્યું, ‘અહીં કોઇ માંસાહાર કરતું નથી અને યાદ રહે, લોકો ફક્ત એક જ હાથથી- જમણા હાથે- જમે છે. પંજાબીઓની માફક બન્ને હાથે રોટી તોડતા નથી.’ ગાંધીની ભૂમિમાં આવ્યાનો પાકો અહેસાસ આપતાં દમયંતીએ કહ્યું, ‘અત્યારે હું તમારી થાળી ધોઈ નાખું છું, પણ કાલથી એ તમારે ધોવાની રહેશે. અહીંનો નિયમ છે. કોઈ નોકર હોતો નથી. તમારે સંડાસ પણ જાતે જ સાફ કરવાનું રહેશે અને ફ્‌લશ-લેટ્રિન નથી.’

સેવાગ્રામના રાતના સન્નાટામાં ઘડીકમાં હિંદી સાહિત્યની, બલરાજની વાર્તાની, હરિવંશરાય બચ્ચનના કાવ્યસંગ્રહ ‘નિશા નિમંત્રણ’ની, તો ઘડીકમાં ગાંધીજી-કસ્તૂરબાની વાતો કરતા સાહની ભાઈઓનું ચિત્ર એકદમ જીવંત અને આત્મીય લાગે એવું છે. બીજી સવારે ગાંધીજી ચાલવા નીકળે ત્યારે તેમની સાથે જોડાવાનું નક્કી થયું હતું. એ વખતે બલરાજે ભાઈને કહ્યું, ‘સવારે ગાંધીજી જોડે શ્યામ રંગના એક આશ્રમવાસી હોય છે. તેમના શરીરમાંથી ભયાનક દુર્ગંધ આવે છે. કોઈ માણસ ગાંધીજી સાથે ચીટકી પડ્યો છે એવું તેમને લાગે એટલે ચૂપચાપ એ ગાંધીજીની નજીક આવીને ચાલવા લાગે છે. એની થોડી સેકંડોમાં પેલો માણસ ગાંધીજીથી દૂર થઈ જાય છે. લોકોની વાતચીત પર અંકુશ મૂકવાની ગાંધીજીની આ અહિંસક પદ્ધતિ છે.’

‘પણ ગાંધીજીનું પોતાનું શું?’ એવી ભીષ્મની પૃચ્છાનો જવાબ આપતાં બલરાજે રજૂ કરેલું નિરીક્ષણ બીજા કેટલાકે પણ નોંઘ્યું છે : ‘ગાંધીજીની ઘ્રાણેન્દ્રિય- સુંઘવાની શક્તિ બહુ નબળી છે.’

કસ્તૂરબાને જોઈને બલરાજને પોતાનાં માતાજી યાદ આવતાં હતાં. તેમણે ભીષ્મને કહ્યું હતું, ‘એ બરાબર માતાજીની જેમ જ બેસે છે અને પ્રાર્થનામાં વચ્ચે વચ્ચે આંખો ખોલીને જુએ છે.’

બીજી સવારે બલરાજ અને ભીષ્મ ગાંધીજી સાથે જોડાયા. ગાંધીજી ચાલ્યા પછી ટી.બી.ગ્રસ્ત કોંગ્રેસ કાર્યકરને મળવા ગયા. ભીષ્મ સાહનીએ લખ્યું છે, ‘ટી.બી.નો દર્દી ગાંધીજી સાથે આનંદપૂર્વક વાતો કરી રહ્યો હતો. ગાંધીજી શું બોલતા હતા એ મારે સાંભળવું હતું, પણ બન્ને ગુજરાતીમાં વાત કરતા હતા. એટલે મને સમજાયું નહીં.’

બલરાજે ગાંધીજી સમક્ષ નાના ભાઇને રજૂ કર્યો, ‘આ મારો ભાઈ છે. કાલે રાત્રે જ આવ્યો છે.’ એ સમયનું વર્ણન કરતાં ભીષ્મ સાહનીએ લખ્યું છે, ‘ચશ્માંની પાછળ રહેલી ગાંધીજીની આંખમાં ભૂરાશ પડતી ઝાંય હતી. તેમણે સ્મિત કરીને મારી સામે જોયું અને (બલરાજને) કહ્યું, ‘તું એને પણ ખેંચી લાવ્યો.’ બલરાજે કહ્યું, ‘ના બાપુ, એ થોડા દિવસ રહેવા આવ્યો છે.’ એટલે ગાંધીજીએ કહ્યું, ‘મને એમ કે તું એને અહીં તારી સાથે કામ કરવા લઈ આવ્યો છે.’

સાહનીબંઘુઓ ગાંધીજીની સાથે ચાલવા લાગ્યા. ભીષ્મે ગાંધીજીની રાવલપિંડીની મુલાકાત યાદ કરી, એટલે તેમણે અઢાર વર્ષ પહેલાંની ઝીણામાં ઝીણી વિગતો અને થોડા લોકોનાં નામ પણ યાદ કર્યાં. પાછળ ચાલતા મહાદેવભાઈએ કહ્યું, ‘હું ધારું છું, એ જ મુલાકાત વખતે કોહાટથી પાછા ફરતી વખતે રસ્તે ચાલતી કારનો દરવાજો ઉડી ગયો હતો અને ગાંધીજી રસ્તા પર ફેંકાઈ ગયા હતા.’

આ વાત 1938-40ની છે. ભીષ્મ સાહનીએ નોંઘ્યું છે તેમ, પચીસ-સત્યાવીસ વર્ષની ઉંમરે બલરાજ સાહનીને એ સમજાતું હતું કે તેમને રાજકારણમાં જવું નથી. કરવું છે તો સાંસ્કૃિતક પ્રકારનું કામ. લેખક બનવું છે, પણ લેખક બનવા માટે શાંતિનિકેતનમાં રહેવું જરૂરી નથી. લેખકે સંસારની વાસ્તવિકતાઓથી દૂર પોતાના એકદંડિયા મહેલમાં ન રહેવાનું હોય.

‘ગાંધી કે ટાગોર બેમાંથી કોઈ એકની સાથે રહેવાનું હોય તો?’ એવા ભીષ્મના સવાલને પહેલાં તો બલરાજે ટાળી દીધો હતો, પણ ભીષ્મે આગ્રહ કરતાં બલરાજે કહ્યું, ‘ગાંધીજી સાથે જ વળી.’

‘ગાંધીજીની સાદગી ને ખાદી ને એવા બધા તરંગતુક્કા(ફેડ્‌સ)માં શ્રદ્ધા નથી તો પણ?’ બલરાજ સાહનીએ આપેલો તેનો જવાબ સાત દાયકા પછી પણ ટકે એવો અને યાદ રાખવા જેવો છે. તેમણે કહ્યું હતું, ‘ગાંધીજીના તરંગો અગત્યના નથી. તેમને તરંગોની રીતે ન જોવાય … તને ખબર છે? ગોળમેજી પરિષદ વખતે બ્રિટિશ વડાપ્રધાને તેમને દાટી આપવા કહ્યું કે ‘તમારી આખી ચળવળને એક દિવસમાં ખતમ કરી શકાય એટલો દારૂગોળો અમારી પાસે છે.’ ત્યારે ગાંધીજીએ કહ્યું હતું, ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, અમારા લોકો તમારા દારૂગોળાને દિવાળીના ફટાકડા ગણીને તેની સાથે રમશે.’ બલરાજ સાહની માટે આ ગાંધીનું વિરાટ દર્શન હતું. આ માણસે જનસમુદાયમાંથી ભય ખંખેરીને તેમને બેઠા અને ઊભા કર્યા હતા.

ઓલ ઇન્ડિયા રેડિયોના અંગ્રેજ ડાયરેક્ટર લાયોનલ ફિલ્ડનના પ્રસ્તાવથી અને ગાંધીજીની સંમતિથી બલરાજ સાહની બ્રિટન ગયા અને ચાર વર્ષ સુધી બી.બી.સી. પર ઉદ્‌ઘોષક તરીકે સેવાઓ આપી. 1944માં ભારત પાછા આવ્યા પછી તે ‘ઇન્ડિયન પીપલ્સ થિએટર એસોસિયેશન’ અને સામ્યવાદી પક્ષ સાથે જોડાયા. નૈસર્ગીક, ભાવવાહી અભિનેતા તરીકે ખ્યાતિ પામ્યા. એ પછી પણ 1972માં (મૃત્યુના આગલા વર્ષે) જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પદવીઅર્પણ સમારંભના પ્રવચનમાં તેમણે ગાંધીજી અને બ્રિટિશ વડાપ્રધાન વચ્ચેનો સંવાદ યાદ કરીને, દેશ ગાંધીના માર્ગેથી કેટલો ફંટાઈ ગયો છે તેની પીડા વ્યક્ત કરી હતી.

Sunday, March 02, 2014

http://www.urvishkothari-gujarati.blogspot.co.uk/2014/03/blog-post.html

Loading

હું ન ડોશી

નીરવ પટેલ|Poetry|8 April 2014

હું ન ડોશી

(૧)

હાળા, ચાલી પચ્ચા વરહથી બખાળા કર સ
પણ કશો ભલીવાર લાવતા નથી એમનાં કાંમમ.
બે-પાંચ વરહ થયાં નથી
ક આ આયા મત માગવા!
માળી કશી ગતાગમ પડતી નથી –
આતાત્લા મત જાય સ ચ્યાં ?
કે’સ ક આ વખતે તો વાલો નાંમેરી ઊભા સ ..
હૌં કે’સ માંણહ હારો સ.
કે’વાય સ ક ભલો આદમી બાબાસાયેબના વખતથી
ગરીબ-ગુરબાંનાં કાંમ કર સ …
બોલ ડોશી, ચ્યમ કરવું સ ?

તમે તો જનમના ભોળિયા, ડોહા –
વૈતરાં કૂટી ખાવ.
હાંભર્યું સ માથાદીઠ દાહ મલ સ ?
અન ગાંઠિયાનું પડીકું સોગામ,
મોટર મેલી જાય ન લઈ જાય
ઘૈડે-ઘૈડ્પણ જીવી લો બે ઘડી –
પોટલી પોણી પીવું હોય તો પી લો.
વાલા નાંમેરીનું ભગવાંન ભલું કર –
પણ મત તો મનુભઈ ન.
જાવ, જઈ ન ભાવતાલ કરી આવો.

(૨)

ભઈ, હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ
તમાર બાર આલવા હોય તોબે સ :
હું ન ડોશી …
ઝાઝા નથી,
બે દહાડીનાં મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરામાંથી,
બાચી અમે તો આ હેંડ્યા હાડકાં વેણવા,
મગો મેં’તર કોથળે પાંચ આલ સ,
હાંજ પડ રોટલા ભેળા થ્યા
એટલ ભયો ભયો.
ભઈ તમન હોંપ્યા રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કો’ દહાડો ચઢ સ
ન ડોશી ખોટી થાય સ ..
પાપમાં પડવાનું સ
પણ બોલ્યું પાળવાનું સ
એટલે મત તો પાકો મનુભઈન
બોલો, આલવા સ માથાદીઠ બાર?
બે સ :
હું ન ડોશી.

Loading

વેડિંગ એનિવર્સરી

ગુણવંત વૈદ્ય|Opinion - Short Stories|7 April 2014

વર્ષપર્યંત જીવેલી પ્રત્યેક પશ્ચાતાપી ક્ષણ પછી એને માટે આવેલ એ દિવસ હતો … માફીનામું ફરી માગવાનો દિવસ.

'મેં આપને બેહદ સંતાપ આપ્યા છે, દર્પણ, ડેડી, મમ્મી મને માફ કરો .. હું પાપી છું …' એટલું કહેતા તો એ હિબકે જ ચડી. રૂબરૂમાં માફી માગવાની તો એનામાં હવે હિંમત જ ક્યાં રહી હતી? 

સ્વસ્થ થવા એણે ચહેરે પાણી છાંટ્યું. કપાળે લાલચટ્ટક ચાંદલો કરતી વખતે એના  બંને કાન પાછળ ફેલાતી જતી વાળની સફેદી એને સ્પષ્ટ દેખાઈ. કેટલાં બધાં વર્ષો વીતી ગયાં હતાં, એની છોકરમતમાં જ. પરંતુ  એ વાત સમજવાની અક્કલ કેટલી મોડી એને આવી હતી ? 

વિશુદ્ધ નિષ્પક્ષતાથી એની પોતાની વીતેલી જિંદગી એણે તપાસવાનું અભિયાન પછી તો શરૂ કર્યું …. માનસપટ ઉપર ચલચિત્રની જેમ ચિત્રો એક પછી એક ઉપસવા  માંડ્યા. 

જન્મથી જ એ ખૂબ જ જીદ્દી છોકરી હતી.  ગુસ્સો તો એનો એવો કે સાત આસમાન સુધી પહોંચે.  જૂઠાબોલી અને અવ્યવહારુ પણ એટલી જ.  છતાં મુખવટો તો  એ એવો હંમેશાં ચડાવેલો રાખે કે કોઈને તો એની આશંકા તલભાર પણ ન જ આવે. જબરું નાટક … અને સુધરેલી ભાષામાં એને ટેલંટ કહેતા નજદીકી મૂર્ખાઓ !!! એમના ઉત્સાહને પરિણામે જ તો એ લોકોને ઉલ્લુ બનાવવાનું ખૂબ જ સફળતાથી કરતી હતી ને? 

માબાપનું પ્રથમ સંતાન બાળમૃત્યુનો ભોગ બન્યા પછી એ જન્મી હતી એટલે લાડકોડ તો એને અતિશય મળ્યા, પણ એની જોડે જે શિખામણ પણ  મળવી જરૂરી હતી એ જરાયે ના જ મળી અને પરિણામે કોઈ અનિયંત્રિત નદીના વેગીલા પ્રવાહની જેમ એના મારગમાં આવનાર તમામનો સંહાર કરતી એ ધસમસતી જ રહી, ફાવે તેમ. એ ગાળામાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલ તેમ જ  સ્વભાવ અને સ્થિતિસંપન્ન એવા દર્પણની સાથે એના લગ્ન પણ થયા. પરંતુ ….. જીદ, ગુસ્સો, અપમાન કરવાની વૃત્તિ તેમ જ સ્વાર્થવૃત્તિ જેવા ઘણા અસુરો એનામાં ટોળે વળ્યા હતા.  …. દર્પણ, એના માતાપિતા અને  સહુ સંબંધીઓ એના મુખવટે જ છેતરાયા અને તે સૌને કેવળ મૂક પ્રેક્ષક જ કરી દીધાં.  તમામ અસુરોના એક જ સ્થળના સંગઠનનો પ્રત્યેક પગલે વિજય થતો જ રહ્યો. 

'હું બહુ જ જીદ્દી છું, મારા મનનું ધારેલું જ બધું કરું છું અને મારા માબાપે મને અત્યાર સુધીમાં કોઈ દિવસ કશું જ કહ્યું નથી કે કોઈ કામ સોપ્યું નથી.' લગ્ન બાદ પોતે આગળ પડીને  સાસુ સસરાને એણે રોકડું સંભળાવી જ દીધું. જાણે સંબંધની લાઈનદોરી જ બાંધી દીધી !!! 

જનેતાએ આપેલી શિખામણ  મુજબ જ એ વાક્યની સાથે જ સાસરિયા સામે વિના કારણ  યુધ્ધનું  જાણે કે એક રણશિંગુ જ એણે તો ફૂંકી દીધું હતું. પરંતુ એની ઊંડી ચાલનો ખ્યાલ તો દર્પણના સદ્દગુણી પરિવારના સરળ લોકોને તે વખતે ન જ આવ્યો. 

ત્યારબાદ પિયરથી દૂર થવાની પીડાએ તો સાસરામાં સહુને ત્રાસ દેવાની માત્રા એનામાં હજાર ગણી વધારી દેવાનું જ કામ કર્યું હતું. માન મર્યાદા બધું જ સદંતર ભૂલાયું. 

બિચારો દર્પણ અને એનાં માતાપિતા તો અચાનક ફાટેલા ન્ફ્ફ્ટાઈના વાદળોથી અધમૂઆં અને અવાચક જ રહી ગયાં. અમાનવીય વર્તાવના ધોધમારી વાવાઝોડાં અને ઉપરાછાપરી અગણિત પ્રલયકારી તોફાનોનો પછી તો રીતસરનો સુઆયોજિત મારો જ વૈદેહીએ શરૂ કર્યો. 

એમાં દર્પણ સહિત ત્રણ જીવન ઘસડાતા હતાં, ટકી રહેવા મથતા હતાં … બે વૃદ્ધ કાયા સમેત.

વૈદેહીને સમજાવવાના  એમના તમામ ઉપાય કારગર ન જ નીવડ્યા. એવા પ્રયાસોએ  વેદના વધારે જ આપી. 

આટલું બધું વીતતું હતું છતાં 'ક્યારેક તો એને એની ભૂલ સમજાશે, ક્યારેક તો એને એના કરતૂતો બદલ પસ્તાવો થશે જ'ની એક નાનકડી આશા દર્પણનામાં હજી જીવંત હતી અને એ જ એને દુ:ખો સામે ટકવા મનોબળ પૂરું પાડતી રહી.

પોતાના પતિ અને સાસુ સસરા ઉપર ગુજારેલા આવા અનેક સીતમો યાદ કરી કરીને વૈદેહી રડતી જ રહી, આ બધા જ પ્રસંગોની યાદ એને પ્રત્યેક ક્ષણે મારતી જ હતી. એને હવે એમ જ લાગ્યું કે એને પોતાને જીવવાનો જરા પણ અધિકાર નથી જ. પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ખોટેખોટી વાતો પિયરમાં કરતાં રહીને એમની વિરુદ્ધના જ અભિપ્રાય સતત ઊભા કરતા રહી, તેઓની નઠારી છાપ ઊભી કરવામાં એ આટલાં વરસોમાં સફળ રહી હતી, અને એ છાપની જ આડશમાં એમને વૈદેહીએ આપેલી પારાવાર યાતનાઓને યાદ કરી કરીને આજે પણ વૈદેહી ખૂબ જ દુ:ખી થતી હતી. 

એને થયું કે દેહત્યાગ કરવા દ્વારા તો એને પાપમાંથી મુક્તિ નથી જ મળવાની. જીવતા જીવ જ પસ્તાવો કરીને, ક્ષમા માંગતા રહીને પાપનો ભાર થોડો ઓછો કરવા સિવાય બીજો કોઈ જ ઉચિત રસ્તો એની સામે હવે બાકી રહ્યો હતો જ નહીં …….

એ વિચારે એણે સ્કાફમાં પોતાનું મો છુપાવી જ દીધું … હીબકા ચાલુ રહ્યા ….

સામે બિછાવેલી જાજમ ઉપર બીરાજેલો ટોમી બારણું ખૂલવાનો અવાજ સંભળાતાં ઊંચા કાન કરીને ભસવા માંડ્યો. એ પણ સફાળી ઊભી થઈ ગઈ અને ચહેરો સાફ કર્યો. 

'હેપી  એનિવર્સરી' ક્હેતો રાબેતા મુજબ ખુશહાલ ચહેરે દર્પણ દાખલ થયો. વૈદેહી દોડતી જઈને એને વળગી જ ગઈ. 

'એન્ડ ટુ યુ …' કહીને એણે દર્પણને પ્રેમનું પ્રતિક એવું સુંદર લાલ ગુલાબ આપ્યું અને મીઠું પ્રાયશ્ચિતી ચુંબન. 

જવાબમાં દર્પણે પણ પીઠ પાછળથી લાલ ગુલાબનો મઘમઘતો ગુલદસ્તો એને આપ્યો, અને દીર્ઘ ચુંબન. 

અહીં પણ દર્પણ આગળ જ નીકળી ગયો હતો ….. વૈદેહીનાં એક ફૂલની સરખામણીમાં આખો ગુલદસ્તો આપીને.

                   *                                    *                                     * 

'હજી તૈયાર નથી થયો?' બારી પાસે વિચારોમાં ખોવાયેલા દર્પણને રૂમમાં દાખલ થતા જ ઘાંટો પાડીને વૈદેહીએ વિચારોમાંથી જગાડ્યો. …. અને દર્પણનું રોમેન્ટિક દિવાસ્વપ્ન પણ તૂટ્યું … એક જ અવાજે એ વર્તમાનમાં આવી ગયો !!!

વૈદેહી સદેહે ત્યાં વાયુવેગે આવી પહોંચી હતી.

'ડાન્સમાં જવાનું મોડું થાય છે …. ચાલ, જલદી કર' એના બોલવામાં ગુસ્સો એ તો સામાન્ય વાત બની ચુકી હતી.  

'પણ ….'

'પણ શું ..?' એ દર્પણની એકદમ નજીક ધસી જ આવી, બનેના ઊના ઊના ઉચ્છવાસો અથડાયા, 'બરણીમાં સેવ ચેવડો છે જ એમને માટે ….' એની લાલઘૂમ  ફાટેલી આંખોમાંથી વરસતા અંગારાએ તો માનો બર્ફીલા સ્વભાવના દર્પણનામાં પણ આગ જ લગાડી દીધી. 

'પણ એમને બોખા મોંએ એ નહીં ફાવે ….' દર્પણે કહેવા ઈચ્છ્યું, પરંતુ …..

'… અને ટોમીને તો આજનો દિવસ નીતાબહેન જમાડી દેશે' કહેતી વૈદેહી તો ઓરડાની તરત જ બહાર પણ નીકળી ચૂકી હતી. 

કૈંક વિચારીને દર્પણ પણ એની પાછળ જ ગયો. 

અને પછી ……

બે વૃદ્ધોએ સટાક કરતો એક અવાજ પોતાની ઓરડીની દીવાલની બીજી બાજુએ થયેલો સાંભળ્યો  …

દશ દશ વરસથી મળતા રહેલા અમાનુષી ત્રાસથી દર્પણ હવે ત્રાહિમામ થઈ ગયો ….. અને પરિણામે …..

… પોતે સાચો હોવા છતાં આજે અંદર હતો.

વૈદેહીના જીદ, ગુસ્સો જેવા દુર્ગુણોને દર્પણે આખરે જીતાડી જ દીધા !!!! અને …

દિવાસ્વપ્નમાં સુધારાને રસ્તે પહોંચી ચૂકેલ વૈદેહી હકીકતમાં તો પહેલાં હતી ત્યાંને ત્યાં જ અડીખમ ઊભી જ હતી.

'વૃદ્ધ માટે જરાયે દિલ નથી પણ પાલતુ કૂતરા માટે એ હરામજાદીને ચિંતા હતી ……?' બસ, આ એક જ વિચારે  દર્પણનો અત્યાર સુધી જાળવેલો અમાપ ધીરજસ્ટોક ખત્મ કરી દીધો હતો. 

તોફાની દરિયો પાર કરીને કિનારા સુધી હેમખેમ પહોચવા આવેલું વહાણ આખરે એણે જાતે ડુબાડી જ દીધું …. એક ક્ષણનો ગુસ્સો કરીને  !!!

આગળનો હિસાબ બધો જ દર્પણે આ એક ક્ષણમાં જ ધોઈને સફાચટ કરી દીધો હતો, વૈદેહી માટે …!!!  

… અને પોતાનો બેદાગ ચહેરો કેવળ એક જ ક્ષણનો ગુસ્સો કરીને પૂરેપૂરો કલંકિત કરી દીધો !!! 

સળિયા પાછળથી જ સઘળા બનાવનું સરવૈયું કાઢવાનો પ્રયાસ કરતાં દર્પણને  'બે વૃધ્ધો પહેલાં કરતાં પણ વધુ દુ:ખી જણાયાં …….' ….. એ પોતે જ તો જવાબદાર હતો, એ માટે. 

પરદેશીઓના કયદાઓ સમજવામાં એણે જબરી ભૂલ કરી દીધી ….

ગુસ્સાની એ એક ક્ષણ જ જો એણે સાચવી લીધી હોત તો? 

e.mail : gunvantvaidya@outlook.com

Loading

...102030...4,0514,0524,0534,054...4,0604,0704,080...

Search by

Opinion

  • वह एक रात !
  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved