Opinion Magazine
Number of visits: 9697063
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહિ‌લા પ્રવૃત્તિને જ્યારે નવો અર્થ જડયો

પ્રકાશ ન. શાહ|Profile|11 January 2014

અલવિદા, ઇલા પાઠક; આવાં કેટકેટલાં પાયામાં પુરાયાં અને પુરાશે ત્યારે નાગરિક સમો બંધાશે, ન જાણે

તાજેતરનાં અઠવાડિયાઓમાં ચાલુ બનાવોની ભરમાર વચ્ચે કોઈ એક વાનું કમબખ્ત ચિત્તનો કેડો જ ન મેલતું હોય તો તે 'આપ’ ઘટના છે. સ્વરાજ સંગ્રામ જો દેવહુમા પક્ષીની પેઠે જયપ્રકાશના આંદોલનમાં પુનર્જીવિત અનુભવાયો હોય તો એનું એક સાતત્ય અને સંધાન જંતરમંતર વાયા તહરીર દિવસોને પગલે આજકાલ 'આપ’ રૂપે અવનવાં સ્પંદનો જગવે છે. એટલે સામાન્યપણે સીધા એ વિષય પર જ ગયો હોત, પણ શુક્રવારની સવારે કર્મશીલ ઇલા પાઠકને પંચ મહાભૂતને હવાલે સોંપવાનું બન્યું તે ક્ષણથી ચિત્ત 'આપ’ પરથી હટીને ઇલા પાઠક નામે માનવ ઘટના પર ઠરવા કરે છે.

ના, કદાચ આ વિષય બદલો નથી. પ્રકારાન્તરે કદાચ એ જ ફ્રિકવન્સી પરની જિકર છે. 'આપ’ આખરે શું છે? છેવટે તો એ ર્જીણ રાજનીતિને વરેલાં સ્થાપિત હિ‌તો વચ્ચે પોતાનું વજૂદ પુરવાર કરતો પ્રાણવંત અને પ્રામાણિક નાગરિક ઉન્મેષ છે. આ ઇલાબહેન અને મિત્રો આજથી એક પચીસી કરતાં પણ પહેલાં નાગરિક સમિતિરૂપે સ્થાપિત પક્ષોથી ઉફરાટે ચૂંટણીમોઝાર ઊતરી આવ્યાં ત્યારે પરિણામનિરપેક્ષ રૂપે પણ એમની હાજરીએ આસપાસનો રાજકીય વિમર્શ બદલી નાખવાની ગુંજાશ દાખવી હતી, અને આજે જેમ કોંગ્રેસ અને ભા.જ.પ. બેઉ વચ્ચે નાગરિક ઘટનાએ પોતાનો સિક્કો પાડી બતાવ્યો છે એનો આછોપાતળો પણ પૂર્વાભાસ એ દિવસોમાં કેમ જાણે મળી રહ્યો હતો.

ઇલા પાઠકને મેં હમણાં કર્મશીલ કહ્યાં. એમની જાણીતી ઓળખ મુજબ મહિ‌લા કર્મશીલ પણ કહી શક્યો હોત. અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રૂપ કહેતાં 'અવાજ’ના સ્થાપક મંત્રી તરીકેની ઓળખ સાથે વાત માંડી શક્યો હોત. પણ નાગરિક નેજા નીચે એ ચૂંટણી લડયાં હતાં એનું સ્મરણ પહેલપ્રથમ કીધું તે સહેતુક અને સાભિપ્રાય કીધું; કેમ કે આપણે ત્યાં મહિ‌લા પ્રવૃત્તિ કે એવીતેવી બીજી પ્રવૃત્તિઓ પોતપોતાના ફળિયામાં ઘરગથ્થાં રમવાની જેમ ચાલે છે. ફળિયાને વટી જઈ નગર આખાની ચિંતાના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવાનું એમને કેમ જાણે સોરવાતું નથી. તમે મહિ‌લા હો કે શ્રમિક, દલિત હો કે વંચિત, આખરે તો તમારે પૂરા કદના નાગરિકમાં સ્થપાવાનું છે અને આ પ્રક્રિયાને અનિવાર્યપણે એનું એક રાજકીય પરિમાણ છે તે મુદ્દો બૂજનારા જૂજ કર્મશીલો પૈકી એક ઇલાબહેન હતાં.

એક રીતે, ઇલા પાઠકને વિશે અને મિશે વાત કરવી તે નવયુગી ગુજરાતની દાસ્તાં માંડવા બરોબર છે. 'ઇલા’ નામ આપણી હજુ હમણાં લગીની આગલી બેત્રણ પેઢીઓમાં, બને કે, ઇલાકાવ્યો અને ચંદ્રવદન મહેતાનું સ્મરણ જગવે. વસ્તુત: ચં.ચી. મહેતાએ પંડે જે થોડીકેક ઇલાઓનાં નામ પાડયાં મનાય છે એમાંના એક આપણાં ઇલાબહેન પણ હતાં. પિતા જયકૃષ્ણ વર્મા પણ ચંદ્રવદન અને મહીડા રાજપરિવારની જોડાજોડ મુંબઈમાં ભેળપુરી સહિ‌તના એજન્ડા પર મળતા કલમ મંડળના સક્રિય સભ્ય હતા, અને મુંબઈના નવોન્મેષ સાથે લુણાવાડાના દીવાનપદા સહિ‌તની ભલે ટૂંકી પણ જિંદગીમાં પુત્રી પર નવયુગના ચોક્કસ સંસ્કારો મૂકતા ગયા હશે તેમ ઇલા પાઠકના કરિયરગ્રાફ પરથી સમજાઈ રહે છે.

મારી વાત સમજાવવા માટે ગુજરાતની સંસાર સુધારા ચળવળથી જરી ઉતાવળે શરૂ કરું? ક્યારેક આ ઈલાકો નીલકંઠ-દિવેટીઆ પરિવારોની સુરત-અમદાવાદ આવનજાવન અને વિકસનનો હતો. વીસમી સદીની છેલ્લી પચીસીમાં જે વ્યક્તિઓ સુરતથી અમદાવાદ આવી સ્થાયી થઈ તેમાં ઇલા ભટ્ટ અને રમેશ ભટ્ટ, પ્રવીણ શેઠ અને સુરભિ શેઠ તેમ ઇલા વર્મા (પાઠક) અને કીર્તિ‌દેવ દેસાઈ પણ હતાં. જાહેર જીવન અને નાનાવિધ નાગરિક પ્રવૃત્તિઓ સાથે એક પ્રકારે સ્વાધ્યાયયુક્ત આપલેનો નાતો એ સૌનો પોતપોતાની રીતે રહ્યો. નીલકંઠ-દિવેટીઆ સંક્રાન્તિથી ભટ્ટ-પાઠક સંક્રાન્તિમાં. શું બન્યું? પહેલી સંક્રાન્તિમાં લિબરલ પરિવારોના પ્રારંભિક કોંગ્રેસકારણમાંથી આગળ જતાં અખિલ હિંદ મહિ‌લા પરિષદ પ્રકારનો માહોલ બન્યો. એને જરી વધુ સુધારકી વળાંક મળ્યો ત્યારે જ્યોતિસંઘનો જમાનો આવ્યો.

ધીમે ધીમે પુરુષ સમોવડી સ્ત્રીનો ખયાલ ઊપસી રહ્યો. દરમિયાન જેમ પુરુષ તેમ સ્ત્રી પણ 'વ્યક્તિ’ છે અને એનું અસ્તિત્વ સ્વત: સિદ્ધ છે એવી જે નવી સમજે બ્રા-બર્નિંગ પશ્ચિમી સ્ત્રીઓ સાથે કાચુંપાકું પણ માથું ઊંચકવા કર્યું એને આપણાં સ્વરાજમૂલ્યો સાથે સાંકળી મહિ‌લા પરિષદ અને જ્યોતિ સંઘની મધ્યમવર્ગી હિ‌લચાલો પછીનો નવ્ય નારીવાદી તબક્કો ગુજરાતમાં જેમને આભારી હોઈ શકે છે એમાંનાં એક ઇલા પાઠક હતાં. વાત એમ છે કે સિવણગૂંથણ અને વડી પાપડ પોતાને ઠેકાણે ઠીક જ છે. પણ ભટ્ટ અને મધ્યમવર્ગી વંડીઓ ઠેકી શ્રમિક સુખદુ:ખ સાથે જોડાવું તે આપણા સમયનો પડકાર છે. તેમ કરતાં બેસ્ટ બેકરી પ્રકરણમાં ન્યાય વાસ્તે રસ્તે ઊતરી આવવું પડે કે લોકાયુક્ત માટે બેનર લઈ ઊભા રહેવું પડે તો તે પણ મુબારક છે.

નારીવાદી હિ‌લચાલનું સેક્યુલર અને નાગરિક સ્વાતંત્ર્ય ચળવળો સાથેનું સંધાન એ ઇલાબહેનનો વિશેષ હતો. મણિપુરની ઈરોમ શર્મિ‌લાથી માંડી અમદાવાદમાં લઠ્ઠાકાંડના પીડિતો, કશું એમને અગરાજ નહોતું. એંસી વરસના પૂર્ણાયુષના છેક છેલ્લા દોરમાં એમને રાષ્ટ્રીય મહિ‌લા આયોગનું સન્માન અને હ્યુમન રાઈટ્સ એર્વોડ બે એક સાથે આવી મળ્યાં, એ કેવળ અકસ્માત નહોતો. આવાં કેટકેટલાં પુરાયાં અને પુરાશે ત્યારે નાગરિક સમો બંધાશે, ન જાણે.



પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.

(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 11 જાન્યુઅારી 2014)

Loading

ઇલાબહેન પાઠકને અંજલિ :

વિવિધ …|Opinion - Opinion|11 January 2014

કેવડી મોટી ખોટ ! એમનાં કામો બોલતાં રહેશે; બહુ મોટી વિરાસત મૂકીને એ ગયાં છે.

− ફારુક ઘાંચી ‘બાબુલ’

•

અા સમાચાર જાણીને હું તદ્દન ભાંગી પડી છું. ઇલાબહેન હકીકતે તો અસાધારણ માનવી હતાં, અને વળી, મારે સારુ તો મુઠ્ઠી ઊંચેરા રૉલ મૉડલ પણ.

એમની સમગ્ર દેણગી નાશ ન પામે તે જોવા કરવા માટે અાપણે ઉચિત કામ કરવાં રહેશે.

− બાલા ઠકરાર

ડિરેક્ટર, એશિયન ફાઉન્ડેશન ફૉર ફિલાન્થ્રોપી

•

ખૂબ આઘાતજનક સમાચાર છે. દુનિયામાં જ્યારે આવાં કર્મશીલોની વધુ જરૂર છે, ત્યારે એમની ખોટ અસહ્ય લાગે. આશા રાખીએ કે એમણે જલાવેલી જ્યોત સંભાળનારાં તૈયાર કર્યાં હોય.

ઓમ શાંતિ.

− અાશા બૂચ

•

ઇલાબહેન પાઠક સરીખાં મહિલા કર્મશીલ હવે હયાત નથી તે જાણી દયા અને હું, બન્ન,ે ભારે અાઘાત અનુભવીએ છીએ. કદાચ એમને રૂબરૂ હળવામળવાનું નહીં થયું હોય, પરંતુ એમની શક્તિશાળી કલમ અને પ્રવૃત્તિઅોથી પૂરતાં વાકેફ રહ્યાં છીએ અને એમના પ્રતિના અાદરમાં સતત વધારો થતો અનુભવ્યો છે.

અા ઘડીએ અમારી પ્રાર્થનાઅો શેષ પરિવાર જોડાજોડ છે. દિવંગતને ચરમ શાંતિ મળજો. અામીન !

− મનસુખ શાહ

•

અા ખરેખરે દુ:ખદ સમાચાર છે ! એમને અહીં છેલ્લે મળ્યાં, ત્યારે એ કેટલાં તંદુરસ્ત દેખાતાં હતાં. એ એંશીનાં હોય તેમ પણ લાગતું નહોતું !!

ગુજરાત અને તેમાં ય ખાસ કરીને ગુજરાતી મહિલાઅોએ એક જબ્બર હામી ખોયાં છે. મહિલાઅોના અધિકાર માટે એ જીવનભર લડતાં અાવ્યાં. એમનું કામ, એમની નીડરતા ચોક્કસપણે નોંધપાત્ર હતાં.

એમને સદાય શાંતિ મળજો.

− ભદ્રા વડગામા

•

અા સમાચાર જાણીને સાચેસાચ બહુ જ દુ:ખ થયું !!

જાન્યુઅારી 2012માં ઇલાબહેનને મળવાનું બન્યું ત્યારે એ 79ની વયે પહોંચ્યાં હશે, તેમ વર્તાતું જ નહોતું. એમની ઊર્જાશક્તિ અને જોમ ભારે અનુકરણીય હતાં ! અને વળી એમણે અાદરેલાં અને અાટોપેલાં અનેક કામો પણ કાબિલે દાદ છે. એમની ભારે મોટી ખોટ સાલતી રહેવાની છે.

– સુષમા સંઘવી

•

તમારા સૌ કોઈનાં દુ:ખ અને વેદનામાં હું પણ સામેલ છું. ઇલાબહેન હવે નથી એ સ્વીકારવાનું બહુ ભારે લાગી રહ્યું છે. અાપણા સૌ માટે અા બહુ મોટી ખોટ છે.

એમના અાત્માને ચિરંજીવ શાંતિ મળજો.

− ઉષા ઠક્કર

•

ઇલાબહેન પાઠકના નિધનથી અમે ય ભારે અાઘાત તથા તીવ્ર વેદના અનુભવીએ છીએ. એ ગુજરાતનાં મહાન સ્ત્રી યોદ્ધા હતાં. બધું અાંચકી લેવામાં રચ્યાપચ્યા અાજના નિરંકુશ રાજ્ય શાસન સામે મહિલાઅોના અને સામાન્ય જનના અધિકારો માટે એ સતત લડતા હતાં. બીજી તરફ નિગૂઢ, મૂઢાગ્રહી, પૂર્વગ્રંથિયુક્ત તેમ જ સુધારાવાદના વિરોધમાં ખદબદતા સમાજ સામે ય એ પડકાર ઝીલી અણનમ લડતાં હતાં.

મારી એમને સહૃદય વિદાય વંદના હજો. એમના અા કમનસીબ અવસાનથી ગુજરાત ખરેખાત રાંક બન્યું છે.

− દાઉદભાઈ ઘાંચી

•

અનુગાંધી યુગિન ગુજરાતના જાહેર જીવનમાં, ઇલાબહેન પાઠકનું કામ, સ્થાન કદથી ક્યાં ય ઊંચેરું રહ્યું છે. ‘અમદાવાદ વીમેન્સ એક્શન ગૃપ’નાં સ્થાપક ઇલાબહેન હકીકતે સ્ત્રીનો અવાજ પૂરવાર રહ્યાં.

પંદેરક વરસના નિજી પરિચયમાં જે સમજાયું તે એટલું કે ઇલાબહેન અંગ્રેજી સાહિત્યના એક કુશળ અધ્યાપિકા હતાં, નાગરિકી સ્વાતંત્ર્યના અનેકવિધ અાંદોલનોમાં કર્મઠ કર્મશીલ હતાં. મહિલા અાંદોલનની દીવાદાંડી જ ન હતાં, તે દરેકની મજબૂત પીઠ પણ હતાં. અન્યાય સામે લડનારાં અાગેવાન હતાં. અત્યન્ત ઋજુ સ્વભાવના, અા નિષ્ઠાવંત વ્યક્તિવિશેષે ભાતભાતનાં માનઅકરામો મેળવ્યાં છતાં તેનો કોઈ અાડંબર કે અહંકાર ક્યાં ય ભાળ્યો જડતો નહોતો.

મહુવાના ખેડૂતોને થયેલા અન્યાય સારુ થયેલા અાંદોલનમાં, ડો. કળસરિયા, ચુનીકાકા, સનતભાઈ મહેતા જોડાજોડ ઇલાબહેન પણ હતાં. કડવીબહેન સાથે સાંપ્રત મુખ્ય પ્રધાનને મળવા ગયેલાં પ્રતિનિધિમંડળની મુખ્ય પ્રધાને સાંગોપાંગ ઉપેક્ષા કરી, તે બધિર મુખ્ય મંત્રીની છબિ એમણે જે રીતે અંકિત કરી હતી, તે બાબત મને સતત સાંભરતી રહી છે. કડવીબહેન પ્રત્યેની એ ઉપેક્ષા એ માત્ર કડવીબહેનની વેદના ન જ બની, એ સમગ્ર ગુજરાતીની, સર્વાંગી માનવતાની ઉપેક્ષા બનતી હતી, તેવી છાપ હજુ મનમાં અંકિત રહી છે.

ઇલાબહેન પાઠક ‘અાવાજ’ના ધણીધોરી જ નહોતાં, એમની સીમા અમદાવાદ વળોટીને ગુજરાતમાં જ પ્રસરી રહી નહોતી, તેનો વ્યાપ ભારતમાં ય ચોમેર હતો; અરે, અહીં અમે વિલાયતમાં ય તેનો પડછાયો અનુભવીએ છીએ.

અહીં લંડનમાં તેમ જ અમદાવાદમાં, ઇલાબહેનને મળવાના અનેક અવસરો મળ્યાં છે. દરેક વેળા એમની કનેથી હું કંઈક મેળવીને સમૃદ્ધ થયો હોઉં તેવો અનુભવ છે.

મરણ રોક્યું રોકી શકાતું નથી. અને હવે તેનું સ્થાન સ્મરણ લેશે તેની ખાતરી. એમનાં કામો, અાદર્યાં અધૂરાં પૂરા કરવાની સૌ કોઈને શક્તિ, મતિ, ભક્તિ મળજો.

− વિપુલ કલ્યાણી

(ફોટો સૌજન્ય : બિનીતભાઈ મોદી)

Loading

સિક્કાની ચોથી બાજુ – હરનિશ જાની પોતે

અિશ્વન દેસાઈ|Opinion - User Feedback|11 January 2014

હરનિશ જાની સાહેબ આપણા નીવડેલા વ્યંગકાર છે. "ઓપિનિયન"માંનો એમનો લેખ ફક્ત એક તાજો પુરાવો છે. બસ, ધાર્મિક ધૂરંધરો અતિ ગહન ચીપિયો પછાડીને જે તાત્ત્વિક તત્ત્વનું વિશ્લેષણ આપણા સામાન્ય માથામાં ઉતારી નથી શકતા – તેને જાની કેટલી હળવાશથી, એમની રમતિયાળ શૈલીમાં, ખૂબ જ સહજ રીતે આપણા મનના ઊંડાણમાં ઉતારીને છાશની માફક આપણી પાસે જ વલોવડાવે છે.

ખરેખર, આ લેખક કોઈ દૈવી સંપદા લઈને જન્મેલો 'કીમિયાગર' છે.

ઓસ્ટ્રેલિયા, Tuesday, 7 January 2014

e.mail : ashvindesai47@gmail.com

Loading

...102030...4,0474,0484,0494,050...4,0604,0704,080...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved