Opinion Magazine
Number of visits: 9772466
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નર્મદનું પહેલું પુસ્તક

દીપક મહેતા|Opinion - Literature|24 August 2014

આજે જેનો ૧૮૧મો જન્મ દિવસ છે તે નર્મદાશંકર લાલશંકર દવે ઉર્ફે નર્મદ વધારે જાણીતો થયો કવિ તરીકે અને સમાજ સુધારક તરીકે. પણ પ્રગટ થયેલું તેનું પહેલું પુસ્તક નહોતું કવિતાનું કે નહોતું સમાજ સુધારા વિશેનું. એનું પહેલું પુસ્તક હતું છંદશાસ્ત્ર, એટલે કે પિંગળ વિશેનું. એનું નામ પિંગળપ્રવેશ.

નર્મદના પિતા એ જમાનાના જાણીતા લહિયા હતા. મુંબઈમાં કેપ્ટન જર્વિસના હાથ નીચે કામ કરેલું અને શિલાછાપથી છાપવા માટે કેટલાક પુસ્તકોની હસ્તપ્રત તૈયાર કરેલી. આ અંગે ‘મારી હકીકત’માં નર્મદે લખ્યું છે : “અસલના લહિયાઓના અક્ષર જાડા ને લાલશંકરની કલમ અસલથી જ સાફ ને પાતળી તેથી દશ ઉમેદવારોમાં એ પસાર થયા ને પછી જોન્સે (સુરતની અદાલતના જજ) તીસને પગારે મુંબઈ જવાનું કહ્યું … એના હાથનાં લખેલાં પુસ્તકો ઘણાં જ છે. એના જેટલું કોઈ લહિયાએ લખ્યું નહિ હોય. મુંબઈમાં ત્રણ-ચાર શિલાછાપખાનામાં જેટલી ગુજરાતી ચોપડીઓ જેટલી વાર છપાઈ છે તેમાંની ઘણીએક એના જ હાથની છે.” એટલે પિતા પાસે જ આખું પુસ્તક લખાવી, શિલાછાપ છાપખાનામાં છપાવી પ્રગટ કર્યું. અલબત્ત, આપણા કમનસીબે એ પહેલી આવૃત્તિની નકલ આજે ક્યાં ય જોવા મળતી નથી.

પણ પિતા લાલશંકર આ પુસ્તકના માત્ર લહિયા જ નહોતા. નર્મદે પોતાનું આ પહેલું પુસ્તક અર્પણ પણ તેમને જ કર્યું છે. સાથે લખ્યું છે : “એમનો અપૂર્વ પ્રેમ તથા કવિતા પ્રકરણ સંબંધી પ્રથમ આવો ગ્રંથ કરવાની એઓની જ શુભ આજ્ઞા – એ આદિક કારણો ઉપરથી આ નાનો ગ્રંથ એમના આજ્ઞાંકિત પુત્ર નર્મદાશંકરે પ્રણામપૂર્વક અર્પણ કર્યો છે.” એટલું જ નહિ, આવું પુસ્તક લખવાની નર્મદને પ્રેરણા આપનાર પણ પિતા લાલશંકર હતા. તેમની આ પ્રેરણા અને ‘પિંગળપ્રવેશ’ના પ્રકાશન પાછળ નાનો પણ રસિક ઇતિહાસ છે. ૧૮૫૫ના ઉત્તરાર્ધમાં નર્મદે કવિતા લખવાનું શરૂ કર્યું. પણ ‘મારી હકીકત’માં નર્મદ એકરાર કરે છે કે “એ કવિતા મેં પિંગળના કાયદા પ્રમાણે કરી નહોતી, પણ શામળદાસના દોહરા, ચોપાઈ, છપ્પા વાંચેલા તે ઢાળ પ્રમાણે અને કવિ દલપતરામ તથા મનમોહનદાસની છપાયેલી ચોપડીઓમાંની કવિતા જોઈ જોઇને કરી હતી.” એટલે કે શરૂઆતમાં તો નર્મદ દલપતરામ અને બીજાઓની કવિતાનું અનુકરણ નહિ, તો ય અનુસરણ કરતો હતો. છંદોના શાસ્ત્રને ‘પિંગળ’ કહેવાય એ વાતની પણ ત્યારે નર્મદને ખબર નહોતી. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકનો ઓક્ટોબર ૧૮૫૫નો અંક વાંચતાં તેને એ વાત જાણવા મળી. તેણે પહેલાં તો પિંગળના પુસ્તકની મુંબઈમાં શોધખોળ કરી. પણ ક્યાં ય મળ્યું નહિ એટલે ૧૮૫૬ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે નર્મદે ‘મિત્ર શિરોમણી કાવ્યોપનામક ભાઈ મનમોહાનદાસ વી. રણછોડદાસજી’ને કાગળ લખ્યો. તેમાં નર્મદે લખેલું : “હું કવિતા પ્રકરણમાં છેક અજાણ્યો છઉં, પરંતુ એ વિષય જાણવાની મારી ઉત્કંઠિત ઈચ્છા છે ને ગમ પણ પડશે એમ ધારું છઉં, વાસ્તે તમે મારો કર ગ્રાહી પિંગળ ક્ષેત્રની જાત્રા કરાવશો એમ આશા રાખું છઉં. મારે માસ એપ્રિલમાં લગન સારુ સુરત આવવું છે તે સમયે તમારાં દર્શન કરવાની તથા કેટલી એક શિક્ષા લેવાની આશા રાખું છું. પરંતુ હાલ પિંગળ શાસ્ત્ર પ્રવેશક કિયા ગ્રંથો વાંચવા જરૂરના છે તે લખવું.”

પણ મદદ કરવાની વાત તો દૂર રહી, મનમોહનદાસે નર્મદના પત્રનો જવાબ સુધ્ધાં આપ્યો નહિ. એટલે ૧૮૫૬ના નવેમ્બરમાં નર્મદ સુરત ગયો ત્યારે તેણે પિંગળ વિશેના પુસ્તકની શોધ આદરી. પોતાના મિત્ર અને જ્ઞાન સાગરના મુદ્રક જદુરામની સાથે પિંગળની શોધમાં નીકળ્યો. ગોરધન નામના એક કડિયાના ઘરેથી તેના ગુરુ લાલદાસના લખેલા ગ્રંથ ‘છંદરત્નાવલી’ની હસ્તપ્રત મળી. પણ કડિયો એ હસ્તપ્રત નર્મદ પોતાને ઘરે લઈ જાય તે માટે તૈયાર ન થયો. એટલે, રોજ સવારે કલમ, શાહીનો ખડિયો, ને કોરા કાગળ લઈને નર્મદ એ કડિયાને ઘરે જતો. અને રોજ થોડી થોડી નકલ કરતો. જો કે થોડા દિવસ પછી કડિયાને નર્મદ પર વિશ્વાસ બેઠો એટલે રોજ થોડાં પાનાં નર્મદ ઘરે લઈ જાય તે માટે તે તૈયાર થયો. નર્મદ નોંધે છે : “એ પિંગળના પુસ્તકની મતલબ મેં મારી મેળે સંસ્કૃતને જોરે સમજી લીધી.” 

૧૮૫૭ના જાન્યુઆરીમાં ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયેલ કવિ દલપતરામની પિંગળ અંગેની લેખમાળા વિષે નર્મદ ઘસાતું બોલ્યો ત્યારે પિતા લાલશંકરે ટકોર કરી કે ‘હું તો તારી હોશિયારી ક્યારે જાણું કે પિંગળ બનાવે ત્યારે.’ આમ, કદાચ અજાણતાં જ, દલપતરામ સાથેની સ્પર્ધાનો ભાવ પિતાએ નર્મદના મનમાં રોપ્યો હોય એમ બને. બસ, બીજું બધું લખવાનું બાજુએ મૂકીને નર્મદ પિંગળ વિશેનું પુસ્તક લખવા માંડી પડ્યો. ‘લલગૂ સમજી સગણ ને જગણે જાણ લગૂલ’ એ કુંડળિયો બનાવી પિતાને સંભળાવ્યો ત્યારે તેઓ ખુશ થયા ને બોલ્યા કે હવે મારી ખાતરી થઈ. એ જ વર્ષના ફેબ્રુઆરીમાં નર્મદ મુંબઈના ગોકુલદાસ તેજપાલ વિદ્યાલયમાં મહિને ૨૮ રૂપિયાના પગારે માસ્તર તરીકે જોડાયો. સાંજે નિશાળ છૂટે તે પછી પણ તે નિશાળમાં રોકાતો અને દરિયો, આકાશ, હોડી વગેરે જોવાતાં જાય તેવા એકાંતમાં પિંગળપ્રવેશ માટેની કવિતા બનાવતો. માર્ચ મહિનામાં પુસ્તક પૂરું કરી, પિતા પાસે હસ્તપ્રત લખાવી, મુંબઈના શિલાછાપ છાપખાનામાં છપાવી તેણે ‘પિંગળપ્રવેશ’ બહાર પણ પાડી દીધું.  પહેલી આવૃત્તિની પ્રસ્તાવના નીચે નર્મદે ૬ એપ્રિલ, ૧૮૫૭ની તારીખ નાખી છે.

આજના જમાના માટે પણ અસાધારણ ગણાય એટલી ઝડપે, ‘સત્યપ્રકાશ’ના ૧૨મી એપ્રિલના અંકમાં મહીપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું : “જે પિંગળ વિષે હમે આશા રાખતા હતા તે છપાઈ ચૂકો છે. એની નકલ એના બનાવનાર કવિ નર્મદાશંકર લાલશંકરની કીરપાથી હમને પહોંચી છે. એ વાંચવાથી માલમ પડે છે કે એ ગ્રંથ ઘણો જ ઉપયોગી ને પ્રૌઢ છે, અને એના કાબેલ બનાવનારને આપણા નામાંકિત કવિઓની પદાવિમાં દાખલ કરે છે. કવિતાના નિયમો વિષે ગુજરાતી ભાષામાં આજ સુધી એક્કો પુસ્તક નહિ હતું એ ખોટ ભાઈ નર્મદાશંકરે પૂરી પાડી છે.” અલબત્ત, પાછળથી ‘નર્મગદ્ય’ની સરકારી આવૃત્તિ અંગે મતભેદ થતાં નર્મદ અને મહીપતરામના સંબંધો વણસ્યા હતા. તો જેઓ લગભગ આખી જિંદગી એકબીજાના હરીફ તરીકે રહ્યા તે દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૫૭ના જૂન અંકમાં લખ્યું : “ગુજરાતી ભાષામાં કવિતાની રીત જાણવાનો ગ્રંથ આજ  સુધી કોઈએ બનાવેલો નહોતો તે હાલ મુંબઈમાં ભાઈ નર્મદાશંકરે બનાવીને છપાવ્યો છે. એ પુસ્તક બનાવતાં તેને ઘણી મહેનત પડી હશે અને એ વિશેનું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલવહેલું થયું છે.” અહીં દલપતરામની ખેલદિલીની નોંધ લેવી જ જોઈએ. જે વિષય પર પોતે લેખમાળા લખી રહ્યા હતા તે જ વિષયના પુસ્તકને તેમણે ઉમળકાથી આવકાર્યું છે.

આમ, પિંગળપ્રવેશથી નર્મદ જાણીતો થયો. એટલું જ નહિ, તેની ૫૦૦ નકલ છપાવેલી તે પ્રમાણમાં ઝડપથી વેચાઈ ગઈ હશે, કારણ ૧૮૬૦ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે તેની બીજી આવૃત્તિની ૫૦૦ નકલ છપાઈ હતી. આ આવૃત્તિમાં નર્મદે ઘણા સુધારાવધારા કર્યા હતા અને તે શિલાછાપ પદ્ધતિથી નહિ, પણ મુવેબલ ટાઈપ વાપરતા અને નર્મદના મિત્ર નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાઈ હતી. પુસ્તકની ત્રીજી આવૃત્તિ પણ પ્રગટ થઈ હતી, પણ તેની પ્રકાશન સાલ જાણવા મળી નથી. પિંગળપ્રવેશની શરૂઆતમાં નર્મદ મૂળાક્ષરો, હ્રસ્વ અને દીર્ઘ અક્ષરો, લઘુ-ગુરુનો ભેદ, છંદના ગણો, વગેરેની સમજૂતી પદ્યમાં આપી છે. તે પછી ૨૦ માત્રામેળ છંદોનું બંધારણ સમજાવ્યું છે – પહેલાં પદ્યમાં અને પછી તેની સમજૂતી રૂપે ગદ્યમાં. ત્યાર બાદ અક્ષરમેળ છંદોની સમજૂતી આપી છે. જેની સંખ્યા ૭૫ જેટલી છે. ત્યાર બાદ બીજી કેટલીક શાસ્ત્રીય બાબતોની છણાવટ કરી છે.

પુસ્તકને અંતે નર્મદે પ્રથમ કવિતા કરનારને સૂચના આપી છે. તેની નવ સૂચનામાંથી કેટલીક તો આજના નવા કવિને પણ ઉપયોગી થાય તેવી છે : જેમ કે, ‘જેમ બને તેમ કવિતા મોઢે ને મોઢે જોડી રાખવાની ટેવ રાખવી. કેટલુંક મોઢે જોડ્યા પછી કાગળ ઉપર લખવું. પ્રથમ કાગળ ઉપર જોડતા જવું નહિ.’ વળી લખે છે : ‘બીજાના શબ્દ અને બીજાના વિચાર ચોરીને કવિતા ન કરવી. પણ જેમ બને તેમ પોતાના વિચાર પોતાની જનમની ઢબથી બહાર કાઢવા.’ છે ને આ શબ્દો આજે દોઢ સો વર્ષ પછીયે કોઈ પણ નવા કવિને કામ લાગે તેવા.

XXX XXX XXX

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 24 ઓગસ્ટ 2014

Loading

અનુશાસનનાં સંપૂર્ણ અભાવ

નિહાર મેઘાણી|Opinion - Opinion|24 August 2014

વિકસિત દેશોની મુલાકાત લઈ પાછા ફરેલા ભારતીયો ત્યાંની સ્વચ્છતા વિષે અચૂક વખાણ કરશે. અલબત્ત, તેમાનાં જ કેટલાંકને ત્યાંની ‘વધારે પડતી’ ચોખ્ખાઈથી અનઇઝીનેસ પણ ફીલ થવા માંડતી હોય છે. કારણ કે ભારતીય ગંદકીનાં મૂળભૂત સંસ્કારોની અભિવ્યક્તિને ત્યાં ફરજિયાતપણે અંકુશમાં રાખવી પડતી હોય છે.

અનુશાસનનાં સંપૂર્ણ અભાવમાં જીવતી ભારતીય પ્રજા માટે ચોખ્ખાઈ બિલકુલ અગત્યનો મુદ્દો નથી, કારણ કે ગંદકી સાથેનું સહઅસ્તિત્વ બધાને અનુકુળ આવી ગયું છે. આપણાં રસ્તા, હોસ્પિટલો, રેસ્ટોરાનાં રસોડાં, બસ-અડ્ડા, રેલવે સ્ટેશનો, એરોપ્લેનનાં ટોયલેટ, કામ કરવાની જગ્યાઓ, બિલ્ડીંગના દાદરા, સરકારી સ્કૂલો, તીર્થસ્થાનો તથા તમામ જાહેર શૌચાલયો આપણી બેઢંગી અને ગોબરી રહેણીકરણીની સાક્ષી પૂરાવે છે. જ્યાં ને ત્યાં ગૂ-ત્યાગ કરતાં રખડતા કૂતરા, તથા જ્યાં ને ત્યાં પાનની પીચકારીથી પોતાની સિગ્નેચર ચોટાડતાં લુખ્ખાઓ વચ્ચે સ્વચ્છતા અંગેની સમજણમાં પૂર્ણતઃ એકરૂપતા દેખાય છે. આપણા તીર્થસ્થાનો કોહવાણની દુર્ગંધથી મઘમઘતા હોવા છતાં પ્રતિષ્ઠિત ઘરોનાં કહેવાતા ચોખલિયાઓ પણ ધાર્મિક લાગણીના આવેગમાં આવી જઈ, આ જાતની જગ્યાઓ પર ગૌરવ-પૂર્વક આળોટવા જતા હોય છે.

જાહેર સ્થળોને ‘સરકારી માલિકીની જગ્યા’ માની લઈ તેને બદબૂદાર બનાવતા રહેવાની માનસિકતા આપણી પ્રજામાં કોમન-સેન્સની ડેફિશિયન્સી બતાવે છે. કોઈ પરદેશી પ્રજા ફૂટબોલની મેચ બાદ પોતાની સીટ નીચેનો કચરો વીણીને પ્લાસ્ટિક બેગમાં ભરી લે એ ઘટના આપણને સૌને દિગ્મૂઢ બનાવી મુકે છે કારણ કે આપણે તો આવી કોઈ હરકતની કલ્પના પણ કરી નથી ! આપણે કહેવાતા ઉત્સવ-પ્રેમીઓ માટે તહેવાર એટલે માનવ-મહેરામણનું ઉમટી પડવું, ખૂબ ઘોંઘાટ કરવો, ટ્રાફિક-જામ કરવો અને આખરે આખેઆખા ઇલાકાને ગંદવાડમાં બદલીને બેજવાબદાર બની ચાલતી પકડવી. તહેવારની ઉજવણી એટલે જાહેરમાં બેતમીઝ બની, આવી વિકૃતિઓ આચરી તેનો આનંદ લેવો અને તેનો ગર્વ પણ લેવો.

સમાજની અંદર રહેતા નાગરિકો એકબીજાને આદર આપે તથા એકબીજાને અગવડરૂપ ન બનવા અંગે કાળજી લે એ ભાવનાને વિકસિત દેશોમાં ‘સિવિક સેન્સ’ કહેવામાં આવે છે. આ જાતની સેન્સ માટે ભારતીય મગજો બહુ કેળવાયેલાં નથી. ગીવ એન્ડ ટેક જેવું આ સરળ ગણિત આપણે હજુ શીખ્યા નથી.

જે લોકશાહીમાં નૈતિકતાનું સ્તર નિમ્ન હોય એવી પ્રજા પાસે જાહેરમાં રીતભાત-પૂર્વક વર્તવા અંગે જો કે વધુ પડતી અપેક્ષા રાખી શકાય નહિ.

https://www.facebook.com/nihar.meghani?fref=ts

Loading

ધર્મો રક્ષતિ રક્ષિતા:

અાશા બૂચ|Opinion - Opinion|24 August 2014

મહાભારતમાં આ સૂત્ર વાંચવા મળશે જેનો અર્થ છે, તમે ધર્મની રક્ષા કરો, તો ધર્મ તમારી રક્ષા કરશે. એટલે કે આ વાયદો પરસ્પરનો પરસ્પરને માટે છે. એમાં વન વે નથી. આપણે ધર્મે કંડારેલી પગદંડી પર ચાલીશું તો એ આપણને ધોરી માર્ગ પર થઈને જીવન સંપૂર્ણ કરવાનું બળ આપશે. દરેક વ્યક્તિ અને સમાજ આખાએ પોતે જેની પાસેથી રક્ષણની અપેક્ષા રાખી છે તેની જાળવણી કરવાની પોતાની ફરજ સમજીને નિભાવી ત્યાં સુધી બંનેનું હિત જળવાયું. અધર્મી વ્યક્તિ કે ધર્મચ્યુત પ્રજાનું કોઈ ધર્મ આપોઆપ રક્ષણ કરે એવી અપેક્ષા રાખવાનું આ સૂત્રમાં નથી કહ્યું.

છેલ્લા કેટલાક દાયકાઓથી જે ધર્મે માનવ જાતનું રક્ષણ કર્યું, તેના પ્રતિપાલનમાં ચૂક આવી છે. માનવ પોતે પોતાના ધર્મનું પાલન નથી કરતો અને ધર્મના નામે અધાર્મિક કૃત્યો કરીને પછી ધર્મ સંસ્થાઓ તથા રાજ્ય પાસેથી પોતાના રક્ષણની માંગણી કરે છે.

એવે ટાણે વિચાર આવે કે ધર્મએ આપણને શું શું આપ્યું? પ્રથમ ફાયદો માનવ જગતને નૈતિક મૂલ્યોની પ્રાપ્તિ થઈ એ છે. આમ જોવા જઈએ તો નીતિમત્તા એ કદાચ આધુનિક સંગઠિત ધર્મની વિભાવના કરતાં ઘણી જૂની માર્ગદર્શિકા છે, પરંતુ ધર્મના સંસ્થાપન બાદ નૈતિક મૂલ્યોને વધુ પ્રગટપણે એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત થયું એમ કહી શકાય. એટલે દરેક ધર્મના અનુયાયીઓને પોતપોતાના ધાર્મિક ઉપદેશો, વાર્તા-કથાનકો અને પ્રાર્થના-ભક્તિગીતો દ્વારા નીતિમત્તાના ધોરણોની મંજૂષા મળે છે એમ સ્વીકારી શકાય. ધર્મનું બીજું પ્રદાન એ છે કે તે કોઈ ચોક્કસ માનવ સમૂહને સંગઠિત કરવામાં પણ કારણભૂત છે જે તેનું એક ઉત્તમ પાસું છે. જે તે ધર્મના અનુયાયીઓ એક બીજાના હિતમાં સાથે મળીને કામ કરે અને જરૂર પડયે સંકટ સમયે મદદ કરવા હાજર રહે એમ એક માનવીય પાસું ખીલે અને પોષાય છે તે નફામાં.

ધર્મના અનુસરણથી થતો ત્રીજો મહત્ત્વનો ફાળો એ થયો કે આપણને અનેકાનેક સુંદર પૂજગૃહો મળ્યા. દરેક ધર્મને પોતાની એક આગવી પૂજા-પ્રાર્થના-ઇબાદતની ખાસિયત હોય છે. તો એને માટે બાંધવામાં આવતા ગિરજાઘર, સિનેગોગ, મંદિર અને મસ્જિદ એક અભૂતપૂર્વ સ્થાપત્ય અને કલાના નમૂના પૂરા પાડે છે. એ મકાનોના બાંધકામમાં ગણિત, વિજ્ઞાન, શિલ્પ-સ્થાપત્ય અને ચિત્ર કલાઓનો સુભગ સંયોગ થાય છે. ઈશ્વરાભિમુખ બનવા એ સ્થાનોની સ્વચ્છતા અને શુચિતા જળવાઈ રહેતી હોય છે અને પૂજા, પ્રાર્થના કરતી વખતે તથા ઉપદેશાત્મક પ્રવચનો કરવાને સમયે એક વિશિષ્ટ શિષ્ટાચાર અને શિસ્તનું પાલન થતું હોય છે જે કોઈ પણ માનવ સમૂહ માટે કેળવવા જેવો ગુણ છે.

ચોથું અને આસ્તિક કે નાસ્તિક સહુને સ્પર્શી જાય તેવું ધર્મનું પ્રદાન હોય તો સંગીત-નૃત્ય જેવી લલિત કલાઓને પોષવાની તેની ક્ષમતા. મસ્જિદ પરથી પોકારાતી બાંગ સાંભળો, ગુરુદ્વારામાં ગવાતાં શબદના શબ્દો ઝીલો, ગીર્જાઘરમાં શિસ્તબદ્ધ રીતે ઘૂંટાઈને આવતા હિમ્સના સુરો સાંભળો કે મંદિરોની ઝાલરના રણકારે લલાકારાતા ભજનોની મસ્તી માણો; સાંભળનારને સંગીતના જાદુનો સ્પર્શ કરાવ્યા વિના ન રહે. ગોડ, અલ્લાહ અને ઈશ્વરને યાદ કરવાની કે તેના ગુણગાન ગાવાની રીત જો આવી રસીલી ન હોત, લોક ક્યારનું ય તેનાથી વિમુખ થઈ ગયું ન હોત, ભલા ? જે જે ધર્મમાં ભક્તિ સંપ્રદાય ફૂલ્યો ફાલ્યો, તે તે પ્રજાને ધર્મના ઓઠા હેઠળ નૃત્ય અને નાટ્ય કળા વિકસાવવાની તકો પણ મળી. પુરાતન કાળમાં રાજાઓ અને આધુનિક સમયમાં રાજ્ય કે અન્ય દાનેશ્વરીઓના ટેકાથી આ તમામ કલાઓ વિકસી અને નભી છે તે શેં ભૂલાય? રામ કથા ભજવાતી હોય કે કબીરનાં ભજનો ગવાતાં હોય, ધર્મને નામે અભિનય શક્તિ અને સુર-તાલની કાબેલિયતનો પરચો કરાવવાની તક મળે એ કંઈ ઓછો લાભ કહેવાય?

ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર ગણાતાં સ્થળોની યાત્રા કરવાનું મહત્ત્વ દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોમાં લગભગ સરખું ગણવામાં આવે છે જેને પરિણામે લોકોમાં ભાવનાત્મક એકતા પેદા થાય છે. એ ધર્મનું પાંચમું પ્રદાન માની શકાય. મોટા ભાગનાં યાત્રાધામો પર્વત ઉપર, રણમાં, અતિ ઠંડા પ્રદેશમાં, કોઈ ઊંડી ખીણમાં, ગુફામાં કે માનવ વસતિથી અતિ દૂર એવા સપાટ મેદાનમાં રચવા પાછળ લોકો થોડી સાહસિકતા કેળવે, પ્રકૃતિની મજા માણે, થોડું કષ્ટ ભોગવતા શીખે, સહનશીલ બને, મક્કમ નિર્ધારથી ધ્યેય પ્રાપ્ત કરવાનું બળ મેળવે એ હેતુ હશે, એમ જરૂર માનવાનું મન થાય. જુઓને ભારત જેવા અતિ વિશાળ દેશમાં ચાર ધામની યાત્રા કરવા લોકો પગપાળા, ગાડામાં કે ટ્રૈનમાં જતાં ત્યારે મારગમાં આવતાં જંગલ, ઝાડી, નદી, પર્વતો, હવા પાણી જેવાં કુદરતી તત્ત્વોની વિવિધતા માણતાં અને સાથે સાથે જે તે પ્રદેશના લોકોની બોલી, પહેરવેશ, ખોરાક, તેમની આગતા સ્વાગતા અને રીત રિવાજોથી પણ પરિચિત થતા. કોઈ પણ દેશની પ્રજા માટે ભાવનાત્મક એકતા કેળવવાનું અને ટકાવવાનું આ એક બહુ મોટું પરિબળ છે.

આમ જોઈએ તો ધર્મની ધજાની છાંવમાં માનવ જીવનના વિવિધ પાસાંઓને લાભકારક હોય એવા અનેક ક્ષેત્રોનો ઉદ્દભવ, પોષણ અને વિકાસ થતો રહ્યો છે. આમ છતાં આજે દુનિયા ભરમાં અનેક લોકો ધર્મથી વિમુખ થતા જણાય છે. સંભવ છે કે ધર્મને નામે ધાર્મિક વડાઓ, ઉપદેશકો અને સંસ્થાઓ દ્વારા થતા શોષણ, પાખંડ અને ઢોંગી ધુતારાઓનું વધતું વર્ચસ્વ અને બે ધર્મો વચ્ચે અને એક ધર્મમાં ય અંદરોઅંદર ચાલતા હિંસાત્મક સંઘર્ષોથી વાજ આવીને નવી પેઢી હવે આત્માની ઉન્નતી અને મનની શાંતિ માટે અન્યત્ર શોધ આદરી રહી છે. તો શું હવે માણસ કોઈ ધર્મ નહીં પાળે? ધર્મ વિહીન સમાજ કેવો હશે?

અત્યારે તો એવી ભીતિ રહે છે કે આવનારી પેઢી અનૈતિક જીવન તરફ દોરાઈ રહી છે અને માનવ સમાજ એક વિગઠિત, કળા અને સંસ્કૃિતથી વિખુટો પડી ગયેલો માત્ર અને માત્ર ભૌતિક સુખો પાછળ દોટ મુકતો એક પશુઓનો સમૂહ ફક્ત થઈ જશે. ‘અહિંસા પરમો ધર્મ’ – એ સૂત્રને આધારે ટકેલો સમાજ આજે ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિના વાડાઓ થકી વેરણ છેરણ થઈને હિંસક બની ગયો છે. હિંદુ ધર્મના તેમ જ બીજા સઘળા ધર્મના મુખ્ય ઉપદેશોમાંનો એક છે, ‘યતો ધર્મ તતો જય:’ એટલે કે જે વ્યક્તિ અને સમાજ ધર્મને – ફરજને અનુસરીને કર્તવ્ય કરશે તેનો જ જય થશે એટલે કે પોતાનું ધ્યેય સિદ્ધ કરવામાં સફળતા મેળવશે. હાલમાં એવું જણાય છે કે ભૌતિક સુખની પાછળ આંધળી થઈને દોડનાર પ્રજાને મૂડીવાદ મીઠો લાગે એટલે નૈતિકતાને નેવે મૂકી ધર્મની પહેલી દેનને તેણે વિસારે પાડી દીધી છે. માનવી જાણે એ હકીકત વિસરી ગયો છે કે ધર્મની કેડી ભૂલવાને પરિણામે એ ‘ધર્મેન હીન: પશુભી: સમાન:‘થશે.

દિલનો વલોપાત થોડો શમતાં થયું કે એમ સાવ નિરાશ થવા જેવું છે ખરું? સંભવ છે કે moral અને ethics એટલે કે નૈતિકતાની પરિભાષા નહીં બદલાય પણ તેનો માપદંડ જુદો હશે અને એ માટેની માર્ગદર્શિકા ધર્મને બદલે સામાજિક ધારાધોરણો અને લોકોના માનવતાવાદી મૂલ્યોમાંથી મળી આવશે. તો વળી લોકોને પરસ્પરની સાથે જોડી રાખનાર પરિબળો તરીકે હવે રમત-ગમત, સંગીત કે મનોરંજન ઉદ્દભવતા હોય તેમ ભાસે છે. શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ હવે કદાચિત આર્ટ ગેલેરી, મ્યુિઝયમ, સંગીત-નાટ્યના સભાગૃહો કે પ્રાકૃતિક સૌન્દર્યના સ્થળોની જાળવણી માટેના સ્મારકોમાં જોવા મળશે કે જ્યાં તમામ રસિક જનોને કોઈ પણ ભેદભાવ વિના પ્રવેશ મળશે જેમાં કંઈ ખોટું નથી.

કળા માત્ર કલાને ખાતર વિકસે એવો સમય પાકી ગયો છે. તેને ધર્મ, સંપ્રદાય કે રાજ્યના આશ્રયનો ખપ હવે નથી એમ લાગે છે. સંગીત, નૃત્ય અને નાટ્ય જેવી લલિત કલાઓનું કથાવસ્તુ અને પ્રદર્શિત કરવા માટેના નિમિત્ત હવે શક્ય છે કે બદલાતી ઋતુઓ, દેશ-વિદેશમાં બનતી ઘટનાઓ કે પ્રાકૃતિક પરિબળો પર આધારિત હોય. છેલ્લા વીસેક વર્ષ દરમ્યાન પશ્ચિમી કલાને પૂર્વીય શ્રોતાઓને માણતા અને પૂર્વની કલાને પશ્ચિમના શ્રોતાઓ-દર્શકો આનંદે વધાવતા જોતી આવી છું એટલે એ આશા દ્રઢ થાય છે કે હવે ‘આ મારું સંગીત, નૃત્ય કે નાટ્ય છે’ એવો એકાધિકાર રાખવાને બદલે ‘અમે અમારી માતૃભાષાનું નાટક ભજવીએ છીએ, જેને નાટ્ય કાળમાં દિલચસ્પી હોય તે જરૂર જોવા આવે, અમે એક સામાન્ય ભાષામાં તેની સમજણ આપીશું’ એવો સર્વસમાવેશક દ્રષ્ટિકોણ ખીલશે એવાં એંધાણ જણાય છે.

રહી વાત ધાર્મિક સ્થળોની યાત્રા, કથા શ્રવણ, ભક્તિ ગાન અને તહેવારોની ઉજવણીથી કેળવાતી ભાવાત્મક એકતાની. કુદરતી સૌન્દર્યથી ભરપૂર સ્થળોની મુલાકાત વેળાએ, સુંદર વક્તવ્ય કે સંગીત સાંભળતી વખતે અને અન્ય પ્રકારનાં સંગીત ગાતી વખતે પણ લોકોના દિલના તાર એવા જ સહેલાઈથી જોડાતા અનુભવ્યા છે.

એવું માનવાને મન થાય છે કે વિજ્ઞાનની પ્રગતિને પગલે ધર્મની વ્યાખ્યા બદલાઈ રહી છે. આગામી સદીઓમાં નૈતિકતા, માનવતા અને સૌન્દર્ય દ્રષ્ટિ સચવાઈ રહેશે તો ધર્મનું રક્ષણ થશે અને બદલામાં એ પણ માનવીનું રક્ષણ કરશે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,9793,9803,9813,982...3,9904,0004,010...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved