Opinion Magazine
Number of visits: 9696566
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અિશ્વની ભટ્ટનો અંગ્રેજી અવતાર છે ચેતન ભગત

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Literature|11 August 2014

મધુ રાયની નવલકથા કરતાં અિશ્વની ભટ્ટની નવલકથા હજારગણી વધુ લોકપ્રિય છે અને દસગણું વધારે વેચાણ ધરાવે છે. અંગ્રેજીમાં આ જ થઈ રહ્યું છે. અિશ્વની ભટ્ટનો ગુજરાતી વાચકનો પુત્ર હવે અંગ્રેજી વાંચે છે જેની રસરુચિ પિતા જેટલી જ ટૂંકી છે એટલે તે પિતાની જેમ અિશ્વની ભટ્ટના અંગ્રેજી અવતાર ચેતન ભગતને વાંચે છે



UPSCની પ્રવેશપરીક્ષામાં હિન્દી અને અંગ્રેજીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કોઈ અંગ્રેજી પુસ્તકના પ્રકાશનની આખું પાનું ભરીને ઍડ્વર્ટાઇઝમેન્ટ આપવામાં આવે એ બદલાતા યુગનો સંકેત આપે છે. ફ્લિપકાર્ટ નામના ઑનલાઇન સ્ટોરે ચાર દિવસ પહેલાં “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા”ના કવરપેજ પર ચેતન ભગતનાં પ્રકાશિત થઈ રહેલાં પુસ્તકોની એડ્વર્ટાઇઝમેન્ટ આપી હતી. “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા” ઍડ્વર્ટાઇઝમેન્ટ માટે ભારતનું સૌથી મોંઘું અખબાર છે. એના પહેલા પાના પર ઍડ્વર્ટાઇઝમેન્ટ છપાવવા પાછળ ફ્લિપકાર્ટે ઓછામાં ઓછા ૮૦ લાખથી એક કરોડ રૂપિયા ખર્ચ્યા હશે. આ તો મુંબઈ શહેરની વાત થઈ. બીજાં મહાનગરોમાં કરવામાં આવેલી જાહેરખબરોનો ખર્ચો જોડો તો ફ્લિપકાર્ટે ત્રણેક કરોડ રૂપિયા ખર્ચ્યા હોવા જોઈએ. ચેતન ભગતની પ્રકાશિત થઈ રહેલી અંગ્રેજી નવલકથા ‘હાફ ગર્લફ્રેન્ડ’ની ઓછામાં ઓછી ૩૦ લાખ નકલ વેચાય તો જ ઍડ્વર્ટાઇઝમેન્ટનો ખર્ચો પોસાય અને એટલી પહોંચ આજે અંગ્રેજી પલ્પ લિટરેચરે મેળવી લીધી છે એમ આ ઍડ્વર્ટાઇઝમેન્ટ સૂચવે છે. 



ગુજરાતી સાહિત્યમાં પ્રશિષ્ટ સાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય એવા બે પ્રકાર છે. લોકપ્રિય સાહિત્યકારોને સાહિત્યકાર માનવામાં આવતા નથી, કારણ કે તેમનું સાહિત્ય અભિજાત હોતું નથી પરંતુ ઘટનાપ્રચુર સ્થૂળ હોય છે. તેમના ભાષાકર્મમાં એ બારીકી અને સૌંદર્ય નથી હોતાં જે શિષ્ટ સાહિત્યની કૃતિઓમાં જોવા મળે છે. એક વાર લોકપ્રિય ગુજરાતી સાહિત્યકાર અિશ્વની ભટ્ટે આ લખનારને કહ્યું હતું કે તેમની નવલકથાઓ દળદાર હોય છે એનું એક કારણ ભાષા સાથે કામ લેવાની આવડતનો અભાવ છે. જે વાત મધુ રાય ૧૦ પાનાંમાં કહી શકે એ કહેવા માટે મને (અિશ્વની ભટ્ટને) ૫૦ પાનાંની જરૂર પડે છે અને એ પછી પણ એ સૌંદર્ય તો હોતું જ નથી જે મધુ રાયના ગદ્યમાં જોવા મળે છે. અિશ્વની ભટ્ટ નિખાલસતા માટે જાણીતા હતા, પણ બીજા લોકપ્રિય સાહિત્યકારો પોતાને ઊતરતા સાહિત્યકાર માનતા નથી અને સાહિત્યજગતમાં વિવેચકો દ્વારા કરવામાં આવતી તેમની ઉપેક્ષા કે ટીકા માટે નારાજ છે.

લોકપ્રિય સાહિત્યમાં કથાવસ્તુ સ્થૂળ હોય છે. લેખકો પાત્રોના આંતરજગતમાં પ્રવેશી શકતા નથી, પાત્રો બ્લૅક ઍન્ડ વાઇટ(સારાં અને નરસાં)માં વહેંચાયેલાં હોય છે, પાત્રોના ગ્રે એરિયાને તેઓ પકડી શકતા નથી, ભાષાકર્મમાં બારીક સૌંદર્ય હોતું નથી, ગદ્ય સપાટ હોય છે અને સમસામયિક પ્રશ્નોને તેઓ ઇંગિતો દ્વારા સ્પર્શી શકતા નથી. જે વાચકો શિષ્ટ વાંચન માટે સજ્જ નથી તેમને આવું સાહિત્ય વધારે રુચે છે અને માટે લોકપ્રિય સાહિત્ય લોકપ્રિય હોય છે. કેટલાક વિવેચકો તો આગ્રહ રાખતા હોય છે કે લોકપ્રિય સાહિત્યકારોને સાહિત્યકાર નહીં પણ લેખક તરીકે ઓળખાવવા જોઈએ. લેખક અને સાહિત્યકારમાં ફેર છે. દરેક લેખક સાહિત્યકાર હોતો નથી. જગતભરમાં જનસામાન્યની વાંચનની જરૂરિયાત હોય છે અને લોકપ્રિય સાહિત્યકારો એ જરૂરિયાત પૂરી પાડે છે. પ્રાચીન અલંકારશાસ્ત્રમાં પણ ભાવકની સજ્જતાના આધારે ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. ક્લાસ અને માસનો ભેદ દરેક યુગમાં અને દરેક સમાજમાં જોવા મળે છે. કાળનો ચાળણો એવો હોય છે જે વખત જતાં નબળી કૃતિને ચાળી નાખે છે. સંસ્કૃત ભાષામાં પણ નબળું સાહિત્ય સર્જા‍તું હશે, પણ એને કાળના ચાળણાએ ચાળી નાખ્યું એટલે આજે એ સંઘરાયેલું મળતું નથી. આપણી ભાષાની વાત કરીએ તો એક જમાનામાં જે સાહિત્યકારો લોકપ્રિયતામાં ઊપડ્યા ઊપડતા નહોતા તે આજે ખોવાઈ ગયા છે. 



ભાવકભેદ અને સર્જકતાનો ભેદ તો ચિરંતન રહેવાનો છે, પણ જ્યારે ભાવકની સંખ્યાના આધારે નબળું સર્જન સર્જકતાનું સ્થાન લેવા માંડે અથવા અ-સાહિત્ય સાહિત્ય તરીકે સ્થપાવા માંડે ત્યારે એ ચિંતાનો અને ઊહાપોહનો વિષય જરૂર બને છે. ભારતીય અંગ્રેજી સાહિત્યવિશ્વમાં ચેતન ભગત નામના અ-સાહિત્યકાર સાહિત્યકાર તરીકે સ્થપાઈ રહ્યા છે એ વિશે વ્યાપક ચર્ચા થઈ રહી છે. ભારતીયો દ્વારા અંગ્રેજી ભાષામાં સાહિત્યસર્જનની શરૂઆત ૧૯૩૦ના દાયકાથી થઈ હતી. મુલ્કરાજ આનંદ, રાજા રાવ અને આર. કે. નારાયણ પહેલી પેઢીની સર્જકત્રિપુટી હતી. એમ તો બંકિમચંદ્ર ચૅટરજીએ છેક ૧૮૬૪માં ‘રાજમોહન્સ વાઇફ’ નામની નવલકથા અંગ્રેજીમાં લખી હતી, પરંતુ એ એવી એકલી ઘટના હતી. ભારતીય અંગ્રેજી સાહિત્ય-સર્જનની શરૂઆત તો ૧૯૩૦ પછી જ થાય છે. મુલ્કરાજ આનંદ, રાજા રાવ, આર. કે. નારાયણ, ખુશવંત સિંહ, કમલા દાસ, ગીતા મહેતા, સલમાન રશ્દી, ફારુખ ધોંડી, અમિતાવ ઘોષ, અરુંધતી ઘોષ, ઉપમન્યુ ચૅટરજી, અનીતા દેસાઈ, કિરણ દેસાઈ, જુમ્ફા લાહિરી, વિક્રમ સેઠ, કિરણ નગરકર, રોહિંગ્ટન મિસ્ત્રી, રસ્કિન બૉન્ડ, શશી થરૂર અને વિદેશી ભારતીયમાં વી. એસ. નાયપૉલ વગેરે ભારતીય અંગ્રેજી સાહિત્યનાં મહત્ત્વપૂર્ણ નામ છે.



એક વાત તો સર્વસ્વીકાર્ય છે કે ભારતીય ભાષાઓમાં લખાતા સાહિત્યની તુલનામાં અંગ્રેજીમાં લખાતું ભારતીય સાહિત્ય ઘણું નબળું છે. આઠ દાયકાના અંગ્રેજી સાહિત્ય-સર્જનમાં એવી આઠ કૃતિ માંડ મળશે જેની કાળના ચાળણામાં ચળાવાની શક્યતા ઓછી છે. ભારતીય અંગ્રેજી સાહિત્ય નબળું હોવા માટે ઘણાં કારણો છે જેમાં મુખ્ય કારણ મૂળિયાંના અભાવનું છે. અંગ્રેજીમાં વિચારનારાઓ અને લખનારાઓ ભારતીય પરિવેશ(લોકાલ)માં અને પાત્રોમાં પ્રવેશી નથી શકતા જેટલા તેમની વચ્ચે રહેનારાઓ, તેમની ભાષામાં વિચારનારા અને લખનારા ભારતીય ભાષાકીય સાહિત્યકારો પ્રવેશી શકે છે. જે અનુભૂતિના અંદરના ઊંડાણમાંથી નથી આવતું એ નબળું હોય છે એમ કાવ્યશાસ્ત્ર કહે છે. એટલે જ ભારતીય અંગ્રેજી સાહિત્યકારો સાહિત્ય-વિવેચન નથી કરતા. જયપુર લિટરરી ફેસ્ટિવલમાં ભારતીય અંગ્રેજી સાહિત્યની ગુણવત્તા વિશે વાત કરવાનું ટાળવામાં આવે છે. કૃતિવિવેચન પણ થતું નથી. 



એકંદરે ભારતીય અંગ્રેજી સાહિત્ય ચિરંજીવિતાના સંકટનો સામનો કરી રહ્યું છે એમાં ચેતન ભગત સાહિત્યકાર તરીકે સ્વીકૃતિ પામે અને સ્થપાય એ આઘાતજનક છે. આ યુગ માર્કેટિંગ અને મીડિયોક્રિટીનો છે જેમાં માર્કેટિંગ દ્વારા ઓછું કૌવત ધરાવનારા મીડિયોકરો આઇકન તરીકે સ્થપાય છે. ચેતન ભગત સાહિત્યના ઉદાર ગજથી માપો તો પણ સાહિત્યકાર ન કહેવાય એવા લેખક છે. ૨૦૦૪માં તેમણે તેમની પહેલી નવલકથા ‘ફાઇવ પૉઇન્ટ સમવન’ લખી ત્યારે તેમને કોઈ પ્રકાશક મળતો નહોતો. એક ડઝન પ્રકાશકોએ તેમને કહ્યું હતું કે તેમણે નવલકથાના નામે જે લખ્યું છે એ એક સ્થૂળ અને સપાટ વાર્તા છે જે સરળ અંગ્રેજીમાં લખાઈ છે. તેમની કૃતિમાં જો કોઈ ગુણ છે તો એ બાળવાર્તા જેવી સરળતાનો છે. છેવટે તેમને એક પ્રકાશક મળી ગયો અને પછી તેઓ જે રીતે ઊંચકાયા એ ઇતિહાસ છે. ટીકાકારો ચેતન ભગતને અંગ્રેજી સાહિત્યનાં રાખી સાવંત તરીકે ઓળખાવી રહ્યા છે. 



અંગ્રેજી ભાષામાં સ્થૂળ અને સપાટ વાર્તા સાહિત્યકૃતિ તરીકે અને ચેતન ભગત સાહિત્યકાર તરીકે આટલી ઝડપથી અને આટલા પ્રમાણમાં કેમ સ્થપાયા એની સામાજિક મીમાંસા થવી જોઈએ. અંગ્રેજી અનેક દેશોમાં વસતા લોકોની સ્વાભાવિક પહેલી ભાષા છે એટલે એમાં માતબર અમર સાહિત્ય સર્જા‍યું છે. એ સાહિત્ય એટલું અમર છે કે જગતની અનેક ભાષાઓમાં એના અનુવાદો થયા છે. એ પછી સંસ્થાનવાદી યુગમાં સંસ્થાનોમાં વસ્તી ભદ્ર વર્ગની દેશી પ્રજા અંગ્રેજી અપનાવવા લાગી અને ૧૯મી સદીના અંતભાગમાં દેશીઓ દ્વારા લખાયેલું અંગ્રેજી સાહિત્ય પ્રકાશિત થવા લાગ્યું. આગળ કહ્યું એમ તેમનું સાહિત્ય અનુભૂતિગત નથી એટલે એમાંનું બહુ ઓછું સાહિત્ય ટકી શકે એવું છે એ જુદી વાત છે. દેશી અંગ્રેજી સાહિત્યકારોની કૃતિઓનો જે ભાવક વર્ગ હતો એ પણ પાછો અભિજાત ભદ્ર હતો એટલે એની રસરુચિ કેળવાયેલી હતી. મુલ્કરાજ આનંદનો ભારતીય વાચક શેક્સપિયર વાંચી શકતો હતો અને સલમાન રશ્દીનો વાચક ગૅબ્રિયલ ગાર્સિયા માર્કેઝને વાંચી અને માણી શકે છે.



સમાજચક્ર બદલાતાં હવે નવી સ્થિતિ પેદા થઈ છે. હવે જેની અભિજાત રસરુચિ નથી એવા સામાન્ય માણસે અંગ્રેજી ભાષાને સમજી શકવાની હદે અપનાવી લીધી છે. તે વ્યાકરણદુક્ટ ન હોય એવું અંગ્રેજી વાંચી, લખી અને બોલી શકે છે; પણ તેની રસવૃત્તિ એટલી કેળવાયેલી નથી કે તે શેક્સપિયર કે માર્કેઝને માણી શકે. આવું જ થોડા દાયકાઓ પહેલાં આપણી ભાષામાં થયું હતું અને હજી આજે પણ એ પ્રક્રિયા ચાલુ છે. આપણી ભાષાનો નવશિક્ષિત વર્ગ સામાજિક રીતે નીચલા થરમાંથી આવતો હતો જેની આગલી પેઢી નિરક્ષર હતી. વાંચનવિશ્વમાં નવા ઉમેરાયેલા નવશિક્ષિત વાચકને ગુજરાતી વાંચતાં તો હવે આવડતું હતું, પણ તેની રસવૃત્તિ એટલી હદે કેળવાયેલી નહોતી કે તે સુરેશ જોશીને માણી શકે. આ નવશિક્ષિત વાચકની તેની ભાવનક્ષમતા અનુસારના વાંચનની જરૂરિયાત હતી જેમાંથી આપણે ત્યાં લોકપ્રિય સાહિત્યનો ફાલ આવ્યો હતો. મધુ રાયની નવલકથા કરતાં અિશ્વની ભટ્ટની નવલકથા હજારગણી વધુ લોકપ્રિય છે અને દસગણું વધારે વેચાણ ધરાવે છે. અંગ્રેજીમાં આ જ થઈ રહ્યું છે. અિશ્વની ભટ્ટનો ગુજરાતી વાચકનો પુત્ર હવે અંગ્રેજી વાંચે છે જેની રસરુચિ પિતા જેટલી જ ટૂંકી છે એટલે તે પિતાની જેમ અિશ્વની ભટ્ટના અંગ્રેજી અવતાર ચેતન ભગતને વાંચે છે.



ચેતન ભગતની પ્રચંડ સફળતાનું રહસ્ય હવે સમજાઈ ગયું હશે. ભારતની તમામ ભાષાઓમાં પોતપોતાના અિશ્વની ભટ્ટો હતા અને છે. હવે તેમના વાચકોના વારસદારોએ અંગ્રેજી ભાષા અપનાવી લીધી છે, પણ રુચિમર્યાદા હોવાને કારણે તેમણે અિશ્વની ભટ્ટોના કાઉન્ટરપાર્ટ ચેતન ભગતને અપનાવ્યા છે. કલ્પના કરો કે ભારતની વિવિધ ભાષાઓમાંથી કેટલા વાચકો ઉમેરાયા હશે કે ફ્લિપકાર્ટને “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા”માં આખું પાનું ભરીને ઍડ્વર્ટાઇઝમેન્ટ આપવાનું પોસાય. પ્રારંભમાં કહ્યું એમ આ બદલાયા યુગનો સંકેત છે.



મેં અનેક વાર કહ્યું છે કે ભારતીય સમાજમાં અત્યારે પરિવર્તનનો રેંટ ચાલી રહ્યો છે જેમાં જે પ્રજા સદીઓથી નીચે દબાયેલી હતી એ હવે ઉપર આવી રહી છે. આધુનિક અને સાર્વત્રિક શિક્ષણ, જાગૃતિ તેમ જ લોકતંત્રનું આ પરિણામ છે. ઉપર આવેલા આ નવશિક્ષિત સમાજની રસરુચિ હજી કેળવાઈ નથી અને એમાં દાયકાઓ લાગશે. માટે જ શિક્ષણશાસ્ત્રીઓ શિક્ષણ અને કેળવણીમાં ભેદ કરે છે. શિક્ષણ ઝડપભેર પ્રાપ્ત કરી શકાય છે, પણ કેળવાતાં વાર લાગે છે. દેશના નવશિક્ષિત વર્ગની હજી પૂરી કેળવણી થઈ નથી એટલે આ સંક્રાન્ત સમયમાં ચેતન ભગતો રાજ કરી રહ્યા છે જે રીતે ગુજરાતીમાં લોકપ્રિય સાહિત્યકારોએ રાજ કર્યું હતું અને આજે પણ કરી રહ્યા છે. પહેલાં શિક્ષણ અને પછી કેળવણીની પ્રક્રિયા પૂરી થતાં સો વર્ષ તો જશે જ અને ત્યાં સુધી રાખી સાવંતો અને ચેતન ભગતો સર્જક તરીકે પૂજાતાં રહેશે. 


સૌજન્ય : લેખકની ‘નો નૉન્સેન્સ’ નામક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 09 અૉગસ્ટ 2014

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaat-10082014-16

Loading

ગુજરાતી નવલકથા, કવિતા, અને સ્વતંત્રતા સંગ્રામ

દીપક મહેતા|Opinion - Literature|11 August 2014

તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી!
મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી!

આપણા દેશની આઝાદી માટેની લડત પૂર જોશમાં શરૂ થઈ ચૂકી હતી ત્યારે, ૧૯૩૦માં, આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આ શબ્દો ગાયા હતા. મસાણમાં સૂતેલાં મડદાંને પણ જગાડે એવી સુધા જે શબ્દમાં, ‘સ્વતંત્રતા’માં, ભરી હોય તે સર્જક જેવા સંવેદનશીલ જીવને તો અંદર બહારથી હચમચાવી ન મૂકે તો જ નવાઈ. આપણી સ્વતંત્રતા માટેની ચળવળે અને તેના મુખ્ય સારથી ગાંધીજીએ આપણા અનેક લેખકોને ત્રણ-ચાર દાયકા સુધી લખવા માટેની પ્રેરણા આપી છે.

૧૮૫૭માં સ્વાતંત્ર્ય માટેનું પહેલું યુદ્ધ મંડાયું, પણ તે વખતે આપણા મોટા ભાગના લેખકો પર તેની ખાસ કશી અસર થઈ નહોતી. બલકે, કવિ નર્મદ અને દલપતરામ તથા બીજા ઘણા લેખકો એ વખતે બ્રિટીશ રાજવટની તરફદારી કરતા હતા. આનું એક મુખ્ય કારણ એ હતું કે બ્રિટીશોના અગમાન પહેલાંનાં વર્ષોમાં આ દેશમાં પારાવાર અરાજકતા ફેલાઈ હતી. કાયદો અને વ્યવસ્થા જેવું કશું ભાગ્યે જ બચ્યું હતું. બ્રિટીશ સરકારે એ અરાજકતાને દૂર કરી, કાયદો અને વ્યવસ્થાનું સ્થાપન કર્યું. આ સ્થિરતાને કારણે એ લેખકો બ્રિટીશ શાસનના પ્રશંસક બન્યા હતા. પણ તેમાં ય અપવાદો નહોતા એવું નથી.

“નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ કાંતિમાન કરવાની જરૂર છે કે નહિ? આપણા હક્ક આપણને મુખ્તેસર મળે નહિ અને એક નબળા ગુલામની માફક આપણા પર જુલમની ઝોંસરી ભેરવે, ત્યારે આપણે આપણા ખરા હક્કને સારું સ્વતંત્ર ન થવું? આ ઓશિયાળો અવતાર ક્યાં સુધી ભોગવવો? અહા! વહાલી સ્વતંત્રતા! તારા યશ સદા સુખદાયી છે. અને તે સુખના મીઠ્ઠા સાગરમાં અમને રમતા મૂક, કે જેથી અમે અમારી નિસ્તેજ થયેલી યશસ્વી કીર્તિ પાછી સંપાદન કરીએ.”

કહી શકશો, આ શબ્દો ક્યારે લખાયા હશે? ૧૮૮૫માં મુંબઈમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ તેના કરતાં ય પહેલાં, ૧૮૭૮ના જાન્યુઆરીમાં આ શબ્દો લખાયા હતા અને એ છપાયા હતા સુરતથી પ્રગટ થતા ‘સ્વતંત્રતા’ નામના માસિકમાં. અને તે લખનાર હતા ગુજરાતી પત્રકારત્ત્વના એક અગ્રણી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. લેખક અને સામયિક પર અદાલતમાં રાજદ્રોહનો કેસ ચાલ્યો. બચાવપક્ષે વકીલ તરીકે ઊભા રહ્યા હતા સર ફિરોઝશાહ મહેતા. પાંચ મહિના ચાલેલા ખટલાને અંતે બધા આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. આ જ ઈચ્છારામે ૧૮૮૦માં મુંબઈમાં ‘ગુજરાતી’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઈ તે પછી આ ‘ગુજરાતી’માં સતત કોંગ્રેસ તરફી લખાણો પ્રગટ થતાં રહ્યાં. આમ કરનાર તે વખતે મુંબઈનું એ એકમાત્ર વૃત્તપત્ર હતું. આ જ ઈચ્છારામે ૧૮૮૫માં ‘હિન્દ અને બ્રિટાનિયા’ નામની નવલકથા પુસ્તકાકારે પ્રગટ કરી. માત્ર આપણા દેશનાં જ નહિ, બ્રિટન, યુરપ અને અમેરિકાનાં અખબારો અને સામયિકોએ તેના વિષે લેખો લખ્યા. વાઈસરોય ડફરીનની કાઉન્સિલમાં આ નવલકથાથી રાજદ્રોહનો ગુનો થયો છે કે નહિ તે અંગેની તપાસ શરૂ થઈ. તપાસને અંતે નક્કી કરવામાં આવ્યું કે આ નવલકથાના લખાણથી રાજદ્રોહનો ગુનો બનતો નથી. એ પછી જોતજોતામાં એ નવલકથાની બીજી બે આવૃત્તિ પ્રગટ કરવી પડી એટલી લોકપ્રિયતા તેને મળી.

ઈચ્છારામની જેમ જ બહેરામજી મલબારી પણ એમના જમાના અગ્રણી લેખક, પત્રકાર અને વધુમાં સમાજ સુધારક હતા. બ્રિટીશ સરકારના અધિકારીઓ સાથે જ નહિ, ખુદ શહેનશાહ સાથે પણ મલબારીને સારા સંબધો હતા. અને છતાં તેમના ૧૮૯૮માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘સંસારિકા’ પર પણ રાજદ્રોહનો આરોપ મૂકાયો હતો. કેળવણી ખાતાના અધિકારી મિસ્ટર જાઈલ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું કે ‘સંસારિકા’નાં કાવ્યોમાં મલબારીએ દેશી લોકોને તાજના રાજ વિરુદ્ધ વિદ્રોહ કરવા ઉશ્કેર્યા છે અને તેથી તેમણે રાજદ્રોહનો ગુનો કર્યો છે. પોલીસે મલબારીના છાપખાનાની ઝડતી લીધી. સરકારમાં ચર્ચા ચાલતી રહી, પણ અદાલતમાં કેસ જ મંડાયો નહિ. કારણ લંડનમાં હાઉસ ઓફ લોર્ડ્ઝમાં કેટલાક બ્રિટીશ આગેવાનોએ મલબારીનો જોરદાર બચાવ કર્યો હતો.

પણ સ્વાતંત્ર્યની ભાવના અને તેને માટેની લડતનું સ્પષ્ટ, સ્વચ્છ, અને સચોટ પ્રતિબિંબ ઝીલાતું થયું તે તો ૧૯૩૦ના અરસામાં. એ વર્ષના માર્ચ મહિનાની બારમી તારીખે ગાંધીજીની આગેવાની હેઠળ દાંડી કૂચ શરૂ થઈ અને આખા દેશમાં એક નવી જ ચેતનાનો સંચાર થયો. અને તે જ વર્ષના જુલાઈ મહિનાના અંકથી વિજયરાય વૈદ્ય સંપાદિત ‘કૌમુદી’ માસિકમાં રમણલાલ દેસાઈની ‘દિવ્યચક્ષુ’ નવલકથા હપ્તાવાર પ્રગટ થવા લાગી. એટલે કે હજી લડત ચાલુ હતી તે વખતે જ રમણલાલે આ નવલકથા લખવાનું શરૂ કર્યું હતું.  તેમાં લેખકે સમસામયિક ઘટનાઓ અને વાતાવરણને આલેખવાનો સબળ પ્રયત્ન કર્યો છે. અસહકાર આંદોલનના યુગમાં ગુજરાતના જીવનમાં જે ફેરફાર થયા અને ગુજરાતના યુવાનો પરાક્રમભર્યું જીવન જીવવા લાગ્યા તેને નીરખવાના પોતાના પ્રયાસ રૂપે રમણલાલે ‘દિવ્યચક્ષુ’ને ઓળખાવી છે. અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતા નિવારણ, સમાજ સેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રી સ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી અને તોછડાઈ, જેવી એ જમાનાની ઘણી બધી વૃત્તિઓ, પ્રવૃત્તિઓ અને ભાવનાઓને રમણલાલે આ નવલકથામાં પ્રણય કથાની ઓથે અસરકારક રીતે નિરૂપી છે. ‘દિવ્યચક્ષુ’ પૂરી થઈ તે પછી તરત જ રમણલાલની બીજી નવલકથા ‘કૌમુદી’ માસિકમાં છપાવી શરૂ થઈ. આ નવલકથા તે ‘ભારેલો અગ્નિ.’ ૧૮૫૭ની ક્રાંતિનું ખૂબ જ પ્રભાવક ચિત્રણ આ નવલકથામાં તેમણે કેટલાંક ઐતિહાસિક અને કેટલાંક કાલ્પનિક પાત્રો દ્વારા નિરૂપ્યું છે. પોતે નવલકથા લખી રહ્યા છે, ઇતિહાસ લખવા બેઠા નથી, એ વાતનો લેખકને સતત ખ્યાલ રહ્યો છે એટલે ૧૮૫૭ની ક્રાંતિ આખી નવલકથામાં સતત અસરકારક પાર્શ્વભૂમિ તરીકે રહે છે, પણ કથાના રંગમંચ પર આપણી નજર સમક્ષ રહે છે તે તો તેનાં ગૌતમ, મંગલ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યૂસી, અને રુદ્રદત્ત જેવાં પાત્રો અને તેમના જીવનમાંની ઘટનાઓ. નવલકથાનાં બધાં પાત્રો અને પ્રસંગો પર રુદ્રદત્તના પાત્રની છાયા પથરાયેલી રહે છે, અને રુદ્રદત્ત પર સતત ગાંધીજીની છાયા પથરાયેલી રહી છે. આપણા કેટલાક વિવેચકોને આ અંગે લેખક સાથે વાંકુ પડ્યું છે. ગાંધીજીની જેમ જ રુદ્રદત્ત પણ અહિંસાના પ્રખર પૂજારી છે.

કેટલાક વિવેચકોએ કહ્યું કે આવી અહિંસાભાવના એ જમાનામાં શક્ય જ નહોતી. પણ જમાને જમાને કેટલીક વ્યક્તિઓ એવી પાકતી જ હોય છે જે તેમના જમાનાથી ઘણી આગળ હોય. વળી બુદ્ધ અને મહાવીરની ભૂમિમાં અહિંસાની વાત એ માત્ર વીસમી સદીનો જ ઈજારો ન હોઈ શકે. ઐતિહાસિક નવલકથાકારનું એક મુખ્ય કર્તવ્ય જ પોતાના સમયના સંદર્ભમાં ઇતિહાસનું પુનર્લેખન અને પુનર્મૂલ્યાંકન કરી આપવાનું છે. અને ‘ભારેલો અગ્નિ’માં લેખકે આ કામ સફળતાથી અને અસરકાર રીતે કરી આપ્યું છે. પોતાની નવલકથાઓમાં રમણલાલ દેસાઈએ જે સમર્થતાથી ગાંધી યુગનું પ્રતિબિંબ ઝીલ્યું તેને કારણે તેઓ યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાયા હતા. આ ઉપરાંત મનુભાઈ પંચોળી ‘દર્શક’, મોહનલાલ મહેતા ‘સોપાન,’ કૃષ્ણલાલ શ્રીધરાણી, વગેરે લેખકો પાસેથી પણ આપણને આઝાદી માટેની ચળવળને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથાઓ મળી છે. 

પણ નવલકથા કરતાં ય વધુ ઉત્કટતાથી સ્વાતંત્ર્ય ભાવના ઝીલાઈ હોય તો તે આપણી કવિતામાં. ગાંધી યુગનો ભાગ્યે જ કોઈ કવિ એવો હશે જેણે સ્વાતંત્ર્યની લડત વિષે કે ગાંધીજી વિષે એક પણ કાવ્ય લખ્યું ન હોય. ૧૯૩૦થી ૧૯૫૦ સુધીના સમયગાળામાં આ પ્રકારનાં ઢગલાબંધ કાવ્યો આપણી ભાષામાં લખાયાં. પણ તેમાં સૌથી વધુ લાંબો સમય ટકી રહ્યાં હોય તો તે ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યો. મૂળ જીવ લોક જીવન અને લોક સાહિત્યનો. પણ ગાંધીજી, તેમની ચળવળ, અને દેશની ઉજળી આવતી કાલમાં મેઘાણીને પારાવાર આસ્થા. તેમનો ‘યુગવંદના’ કાવ્ય સંગ્રહ તો ૧૯૩૫માં પ્રગટ થયો, પણ તે પહેલાં ૧૯૩૦ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયેલા ‘સિંધુડો’ નામના ૩૦ પાનાંના સંગ્રહમાં જે ૧૬ કાવ્યો હતાં તે લોકોમાં અગ્નિ જ્વાળાની જેમ પ્રસરવા લાગ્યાં. બ્રિટીશ સરકાર ચોંકી ઊઠી અને આ સંગ્રહની બધી નકલો જપ્ત કરી. પણ સરકાર જાગી તે પહેલાં તો તેની દસ હજાર જેટલી નકલો વેચાઈ ચૂકી હતી! એ જ વર્ષે ધંધુકામાં કરેલા એક ભાષણને નિમિત્ત બનાવી સરકારે મેઘાણી પર રાજદ્રોહનો ખટલો માંડ્યો અને મેઘાણીને બે વર્ષની જેલની સજા થઈ. ૧૯૩૦ના એક જ વર્ષમાં મેઘાણીએ લખેલાં કેટલાં કાવ્યો આજ સુધી તાજાં રહ્યાં છે!

‘રાત ઘંટા ચાર વાગે, જરી સૂતાં લોક જાગે,

ઘોડલાના પાય લાગે, શેરીઓ મોઝાર, હણહણે તોખાર’ એ પંક્તિઓથી શરૂ થતું ‘આખરી સંદેશ’ કાવ્ય.

‘રક્ત ટપકતી સો સો ઝોળી, સમરાંગણથી આવે’ એ પંક્તિથી શરૂ થતું ‘કોઈનો લાડકવાયો’.

‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ એ પંક્તિથી શરૂ થતું ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્ય. આ ત્રણે કાવ્યો એક જ વર્ષમાં લખાયાં છે. આ ઉપરાંત ‘ધરતી માગે છે ભોગ’, ‘બીક કોની મા તને?’, ‘મૃત્યુનો ગરબો’, ‘મોતનાં કંકુ-ઘોળણ’, ‘વિદાય’, ‘શૌરવતીના વિલાપ’, ‘સૂના સમદરની પાળે’, અને ‘સ્વતંત્રતાની મીઠાશ’ જેવાં મેઘાણીનાં આજ સુધી લોકહૈયે વસેલાં કાવ્યો પણ આ ‘સિંધુડો’ સંગ્રહમાં જ પ્રગટ થયાં હતાં.

તો ૧૯૩૧માં પ્રગટ થાય છે કાકાસાહેબ કાલેલકરના આશીર્વચન સાથે ઉમાશંકર જોશીનું ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ.’ તેમાં ગાંધીજીના જીવન અને કાર્યને કવિ વધુ વ્યાપક સંદર્ભમાં મૂકી આપતાં કહે છે :

“તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના,
અહિંસા, સત્ય ને પ્રેમ થોડાં છે કોઈ એકનાં?”

ગાંધી યુગના બીજા મહત્ત્વના કવિ સુન્દરમ્ ૧૯૩૩માં ‘કોયા ભગતની કડવી વાણી’ નામના કાવ્ય સંગ્રહથી ગુજરાતી કવિતામાં પ્રવેશ કરે છે ત્યારે એમની કવિતા પર સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગાંધીજી કરતાં કાર્લ માર્કસના સામ્યવાદની અસર વધુ જોવા મળે છે. પણ પછીનાં વર્ષોમાં સુન્દરમ્ પણ ગાંધીરંગે રંગાય છે. તો એ જમાનાના ત્રીજા મહત્ત્વના કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી ૧૯૩૪મા ‘કોડિયાં’ કાવ્ય સંગ્રહ લઈને આવ્યા. શ્રીધરાણીએ તો પોતે ૧૯૩૦ની દાંડી કૂચમાં ભાગ લીધેલો અને તે માટે જેલની સજા પણ ભોગવેલી. તે વખતની ગાંધીજીની અને બીજા સ્વાતંત્ર્ય-સૈનિકોની મનોદશા શ્રીધરાણીએ આ શબ્દોમાં આબેહૂબ ઝીલી છે :

“આવવું ન આશ્રમે — મળે નહિ સ્વતંત્રતા!
જંપવું નથી લગીર  — જો નહિ સ્વતંત્રતા!
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા!
જીવવું મર્યા સમાન – ના યદી સ્વતંત્રતા!”

તો ઓછામાં ઓછા શબ્દોમાં શ્રીધરાણી ગાંધીજીનું કેવું આબેહૂબ ચિત્ર દોરે છે! તેઓ કહે છે :

“દાહ ભરી આંખો માતાની, તેનું તું આંસુ ટપક્યું;
બળી રહ્યું અંતરમાં કિન્તુ, સૌ પાસે મીઠું મલક્યું.
મૈયાના ઓ ગાંધી વીર! અર્પું છું હૈયાનાં હીર!”

આ ઉપરાંત એ જમાનાના બીજા મુખ્ય કવિઓ સ્નેહરશ્મિ, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, કરસનદાસ માણેક, ઇન્દુલાલ ગાંધી, વગેરેએ પણ સ્વાતંત્ર્ય સંગ્રામને લગતાં કાવ્યો આપ્યાં છે. પણ એ વખતે પ્રભાત ફેરીઓમાં અને સભા સરઘસોમાં જો કોઈનાં ગીતો સૌથી વધુ ગવાયાં હોય તો તે હતાં અંધ કવિ હંસરાજનાં. તેમનું ‘પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં’ એ ગીત તો સરકારના વિરોધનું સંઘગાન બની ગયું હતું. તેમની ૧૮ પાનાંની પુસ્તિકા ‘રાષ્ટ્રીય રણગીતો’ પણ તે વખતની સરકારે જપ્ત કરી હતી.   

૧૯૪૭માં આઝાદી તો આવી, પણ કેટલાક મોટા આઘાતો સાથે આવી. એક તો દેશના ભાગલા પડ્યા અને તે પછી થોડા જ મહિનામાં ગાંધીજીની હત્યા થઈ. ‘સ્વરાજ્ય આવ્યું, પણ સુરાજ્ય ક્યાં?’ એવો સવાલ લોકોના મનમાં ઊઠવા લાગ્યો. વિમાસણ અને હતાશા ડોકિયાં કરવા લાગ્યાં. લોકોના આવા મનોભાવોને ઉમાશંકર જોશીએ આબાદ રીતે પોતાના એક કાવ્યમાં ઝીલ્યા છે. તેઓ કહે છે :

“દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?

અહીં આમ તો આ સવાલ કવિએ પોતાની જાતને પૂછ્યો છે. પણ સવાલ એવો છે કે આપણે દરેકે પોતાની જાતને આજે પણ પૂછવો જોઈએ. આવો સવાલ પૂછીને સાચો જવાબ મેળવશું તો જ કવિની સાથે આપણે પણ ગર્વભેર એ જ કાવ્યની છેલ્લી પંક્તિઓ બોલી શકીશું :

“હર એક હિન્દી હિન્દ છે,
હર એક હિન્દી હિંદની છે જિંદગી.
હો હિન્દ સુરભિત ફુલ્લદલ અરવિંદ:
એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.

સૌજન્ય : ‘ફોકસ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 11 અૉગસ્ટ 2014

Loading

ઇલા કાવ્યો : ભગિનીપ્રેમનું ઉપનિષદ

દીપક મહેતા|Opinion - Literature|10 August 2014


ઇલા ! સ્મરે છે અહીં એક વેળા
આ ચોતરે આપણ બે રમેલાં;
દાદાજી વાતો કરતા નિરાંતે,
વહેલા જમીને અહીં રોજ રાતે.

આ પંક્તિઓથી શરૂ થતું ‘કલ્યાણ’ નામનું કાવ્ય જે કાવ્યસંગ્રહમાં પ્રગટ થયું હતું તે ‘ઇલા કાવ્યો’ ન વાંચ્યો કે જોયો હોય છતાં આ કાવ્યથી પૂરેપૂરા પરિચિત હોય એવા ઘણા બધા વયઃશ્રેષ્ઠીઓ આજે પણ ઘણા બધા જોવા મળશે. કારણ કેટલાં ય વર્ષો સુધી ચંદ્રવદન મહેતાનું આ કાવ્ય પાઠ્ય પુસ્તકોના એક અનિવાર્ય ભાગ જેવું બની ગયું હતું. આપણાં લોકગીતોમાં અને લોક કથાઓમાં ભાઈ-બહેનના સંબંધો અંગેનાં ઘણાં કાવ્યો અને કથા કાવ્યો જોવા મળે, પણ ઓગણીસમી સદીથી શરૂ થયેલા અર્વાચીન યુગના સાહિત્યમાં આજ સુધીમાં ભાઈ-બહેનના સંબંધ વિષે પ્રમાણમાં ઓછું લખાયું છે. તેમાં એક અપવાદ હોય તો ચંદ્રવદન મહેતાનો કાવ્ય સંગ્રહ ‘ઇલા કાવ્યો.’ બે-ત્રણ કાવ્યોને બાદ કરતાં તેમાંનાં બધાં કાવ્યોના કેન્દ્રમાં ભાઈ-બહેનનો સંબંધ રહ્યો છે. ૧૯૩૩માં પ્રગટ થયેલી આ પુસ્તકની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈ કહે છે : “મારી જીવંત મૂર્તિ ઇલાએ મારા જીવનમાં સજીવન કરેલા સંસ્કારના બદલામાં આ સંગ્રહના રૂપમાં વળતર – એનું તે શું પ્રમાણ? બહેનના એ નિર્મળ પવિત્ર નિઃસ્વાર્થ ભાવનો આ કેટલો નિર્બળ પડઘો! એને દીધેલા સંતાપ, એને ચીડવવાના કરેલા પાપનું આ કેટલું નિર્જીવ પ્રાયશ્ચિત્ત! … પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે એક સ્મારક.”

અહી ‘સ્મારક’ શબ્દ નોંધ્યો? ભાઈ-બહેનના સંબંધનાં કાવ્યો ઇલા કાવ્યોમાં છે, પણ તેમાંનાં ઘણાખરાં બહેનના અવસાન પછી લખાયેલાં છે. એટલે વિશાદ, અવસાદ એ આ કાવ્યોનો મુખ્ય સૂર છે. કવિ ભૂતકાળનાં સ્મરણો વાગોળે છે તેમાં આનંદ-ઉલ્લાસ, મજાક-મશ્કરી, રિસામણાં-મનામણાં એ બધું છે જરૂર, પણ છેવટે સંભળાય છે તે તો કવિનો દઝાડતો નિઃશ્વાસ – તે હિ નો દિવસાઃ ગતાઃ. સંગ્રહનું પહેલું કાવ્ય છે ‘અર્પણ.’ તેની પહેલી બે પંક્તિઓ જુઓ :

પ્રિયમ્ – અહહ! નામ એ ન ઉચ્ચરાય હાવાં પૂરું,
અને હૃદયમાં ભર્યું પૂરણ, ઓસરે ના જરી.

પહેલી પંક્તિમાં બહેનનું નામ પણ પૂરું નથી ઉચ્ચારી શકતા કવિ, નામ બોલતાં ગળે ડૂમો બાઝે છે, કંઠ રૂંધાય છે. હૈયે તો સદાનું જડાયેલું છે એ નામ, પણ હોઠે નથી લાવી શકતા કવિ. પણ પોતાના શોક પર કાબૂ મેળવી શ્લોકની રચના ન કરી શકે તો એ કવિ શાનો? ચૌદ પંક્તિના સોનેટની છેલ્લી પંક્તિ સુધી પહોંચતાંમાં કવિ જાત પર અંકુશ મેળવી લે છે, અને કહે છે :

‘છો તૂટે ઉર પ્રિયંવદા! ઓ ઈલા!’

ચન્દ્રવદન મહેતાનો જન્મ ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે. ‘ઇલા કાવ્યો’ સંગ્રહ પ્રગટ થયો ૧૯૩૩માં. એટલે કે એ વખતે કવિની ઉંમર માંડ બત્રીસ વર્ષની. અને બહેનનું અવસાન તો તે પહેલાં થઈ ચૂક્યું છે. એટલે અહીં જે કાવ્યો સંગ્રહાયાં છે તેમાંનાં ઘણાંમાં કિશોર અવસ્થાના ભાવ, પ્રસંગ, વિચાર, તરંગ જોવા મળે છે. ‘દેવબાલ’ નામના કાવ્યમાં કવિ કહે છે :

ઇલા! કદિ હોત હું દેવબાલ!
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડી દાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.

આવું, સપના જેવું, બાળપણ શું વીતી જશે? શું ક્યારેક મૃત્યુ પણ સામે આવીને ઊભું રહેશે? ‘ઓળખ’ નામના કાવ્યના આરંભે કવિ કહે છે :

કેવો મજેનો સુખી બાલ્યકાળ!
આ મસ્તી, તોફાન, જવું નિશાળ;
ઇલા! થશે શું અતિ દિવ્ય એવું
નિર્દોષ આ જીવન સ્વપ્ન જેવું?

અહીં મોટા ભાગનાં કાવ્યો ભાઈની બહેનને સંબોધીને થતી વાત રૂપે રજૂ થયાં છે, પણ ક્યારેક બહેનની ઉક્તિ રૂપે પણ જોવા મળે છે. જેમ કે :

આજે મને એક થઈ છ હોંશ,
તે ભાઈ તારો નકી જોઉં જોશ;
જન્મોત્રી તારી અહીં લાવ વારુ,
એમાં ગણીને કહું ભાવી તારું.

‘જન્મોત્રી’ નામના આ કાવ્યમાં પછી તો બહેન મજાકમાં આમ પણ કહે છે :

એથી મને જો કંઈ દાન થાય,
તો નક્કી આજે ગ્રહ શાંતિ થાય.

ગાંધી યુગના આપણા બે કવિઓ સુન્દરમ (૧૯૦૮) અને ઉમાશંકર (જન્મ ૧૯૧૧) કરતાં ઉંમરમાં અને કાવ્યલેખનની બાબતમાં પણ ચંદ્રવદન થોડાક આગળ. સુન્દરમને સહજ (ઉમાશંકરને કદાચ નહિ) એવી નિખાલસતાથી તેમણે શકવર્તી ગણાયેલા ગ્રંથ ‘અર્વાચીન કવિતા’માં કહ્યું છે : “જ્યારે ચંદ્રવદન મહેતાએ ‘યમલ’માં પૃથ્વી છંદનો ચોટદાર પ્રયોગ કર્યો ત્યારે સુંદરમને એ છંદનું જ્ઞાન ન હતું, અને સુન્દરમે જ્યારે ઠીક ઠીક કાબૂથી એ છંદ વાપરવા માંડ્યો ત્યારે ઉમાશંકર જોશી એ ‘પ્રભુત્વ’થી આશ્ચર્યમુગ્ધ થઈને પોતાની એવા છંદ લખવાની અશક્તિથી દિલગીર થયા હતા.” અલબત્ત, પછીથી કવિતા નહિ, પણ નાટક એ ચંદ્રવદનભાઈ માટે અભિવ્યક્તિનું મુખ્ય માધ્યમ બની રહ્યું. સુંદર, સ્વચ્છ, સુઘડ પુસ્તકોનું પ્રકાશન આપણી ભાષામાં છેલ્લાં વીસેક વર્ષમાં જ થવા લાગ્યું એવો ભ્રમ જેમને હોય તેમણે ઇલા કાવ્યોની ૧૯૩૩ની પહેલી આવૃત્તિની નકલ મળે તો જોવી. દરેક પાને કનુ દેસાઈનાં સુંદર રેખાંકનો સાથેની એ આવૃત્તિમાં સાદગીનો વૈભવ છે અને વૈભવની સાદગી છે.

ગાંધી યુગના આપણા બે લેખકો પૂરેપૂરા આખાબોલા અને કડવાબોલા. તેને કારણે વિવેચકો અને અભ્યાસીઓ તરફથી તેમને ખાસ્સું વેઠવું પડ્યું. તેમાંના એક ચંદ્રવદન, અને બીજા મનસુખલાલ ઝવેરી. એટલે ઇલા કાવ્યોને માથે પણ કેટલાકે પસ્તાળ પાડેલી. કોઈ કહે કે આ ઇલા સાચી છે કે ખોટી? કોઈ પૂછે કે ઇલા એક છે કે એક કરતાં વધારે? કોઈએ તો ત્યાં સુધી પણ કહી નાખ્યું કે આ કાવ્યોમાં ભાઈ-બહેનના પ્રેમની નહિ, સ્ત્રી-પુરુષના પ્રેમની ગંધ આવે છે. સંગ્રહની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈએ લખ્યું હતું : “ઇલા કલ્પિત નથી; જીવંત વ્યક્તિ છે. ઘણાના જીવનમાં ઘણી વ્યક્તિઓ વણાએલી હોય છે, એમ એ મારા જીવનમાં વણાએલી છે. વળી ઇલા એક નથી, ત્રણ છે. ત્રણમાંની બે મને મૂકીને ચાલી ગઈ.” છતાં, કવિની વાત માને તો એ વિવેચક શાના? જે ત્રણ વ્યક્તિઓને એકરૂપ કરીને કવિએ ‘ઇલા’ નામ આપ્યું છે તે ત્રણે વ્યક્તિઓને અંગત રીતે ઓળખનાર એક વયોવૃદ્ધ સાક્ષરે જાહેરમાં લખ્યું કે ઇલા કાલ્પનિક વ્યક્તિ છે. એટલે પછી ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં ત્રણ વ્યક્તિઓનાં નામ ચન્દ્રવદનભાઈએ જાહેર કર્યાં. હકીકતમાં કાવ્ય કૃતિનું સર્જન થઈ જાય તે પછી વાસ્તવિકતાની ભૂમિ સાથેનો તેનો સંબંધ જ કપાઈ જાય છે – જેમ બાળકનો માતા સાથેનો નાળ-સંબંધ જન્મ પછી કપાઈ જાય છે તેમ. એટલે ઇલા વાસ્તવિક કે કાલ્પનિક, ઇલા એક છે કે ત્રણ, ઇલામાં બહેન નજરે પડે છે કે પછી … આવા સવાલો જ અસ્થાને છે. એક-બે દાખલાથી વાત સ્પષ્ટ થશે. પહેલી પત્નીના અવસાન પછી રામનારાયણ વિ. પાઠકે એક અદ્દભુત હૃદયસ્પર્શી સોનેટ લખ્યું – ‘ધમાલ ન કરો, જરી ન નેણ ભીનાં થશો’ એ પંક્તિથી શરૂ થતું. થોડા વખત પછી તેમણે બીજું લગ્ન કર્યું. પણ તેથી કાંઈ પેલા કાવ્યની હૃદયસ્પર્શીતા ઓછી થતી નથી. પરદેશી નાગરિક હોવાને કારણે અમદાવાદ છોડવું પડે એવી શક્યતા ઊભી થઈ ત્યારે આદિલ મન્સૂરીએ ‘નદીની રેતમાં રમતું નગર’વાળી કૃતિ રચી. થોડાં વર્ષો પછી તેઓ સ્વેચ્છાએ ભારત છોડી અમેરિકાવાસી થયા. પણ તેથી કાંઈ પેલી ગઝલનું દર્દ ઓછું થતું નથી.

આપણી કવિતામાં – અને ગદ્ય લખાણોમાં પણ – જે સંબંધની વાત ઘણી ઓછી થઈ છે તે ભાઈ-બહેનના સંબંધને ઉજાગર કરતાં આ કાવ્યો આજ સુધી અનોખાં રહ્યાં છે. ઇલા કાવ્યો એટલે રક્ષા બંધનને દિવસે તો અચૂક યાદ કરવા જેવું ભગિની-પ્રેમનું ઉપનિષદ.       

સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 10 અૉગસ્ટ 2014

Loading

...102030...3,9573,9583,9593,960...3,9703,9803,990...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved