Opinion Magazine
Number of visits: 9695337
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિમાલયનો પ્રવાસ – કાકાસાહેબનો અને અશોક મેઘાણીનો

દીપક મહેતા|Opinion - Literature|8 September 2014

“સિંધીઓ અરધા પારસીઓ જેવા દેખાય છે. પણ તીર્થક્ષેત્રમાં અત્યંત ભાવિકતા બતાવનારા અને ભક્તિથી ગળગળા થનારા યાત્રાળુઓમાં સિંધનો નંબર પહેલો આવે. મહારાષ્ટૃીઓ થોડા વખતમાં અને થોડે ખર્ચે વધારે કેટલું જોવાય અને કેટલા પુણ્યનો સંચય થાય એ તરફ જ નજર રાખનારા હોય છે. ગુજરાતીઓ હંમેશાં ખાવાપીવાની સગવડની શોધમાં ફરતા દેખાય છે, અને બંગાળીઓ પોતાની ભક્તિનો ઊભરો આખી દુનિયાની નજરે બરાબર પડે એ વિષે વધારે ઈન્તેજાર દેખાય છે.”

ના, આ શબ્દો આજકાલના કોઈ બટકબોલા લેખકે નથી લખ્યા છે. એ લખ્યા છે કાકાસાહેબ કાલેલકરે, ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકની છઠ્ઠી આવૃત્તિની પ્રસ્તાવનામાં. આ હિમાલયનો પ્રવાસના લેખનની પોતાની પણ લાંબી પ્રવાસકથા છે. આ પ્રવાસ કાકા સાહેબે કરેલો ૧૯૧૨-૧૩ના અરસામાં. લગભગ ચાલીસ દિવસના આ પ્રવાસમાં તેમના બે સાથીઓ હતા અનંત બુવા મર્ઢેકર અને સ્વામી આનંદ. જન્મે મરાઠીભાષી કાકાસાહેબે પોતે કરેલા હિમાલયના પ્રવાસનું વર્ણન ગુજરાતીમાં લખ્યું, જ્યારે ગુજરાતીભાષી સ્વામી આનંદે મરાઠીમાં લખ્યું. જાહેરમાં જેની ક્યારે ય ચર્ચા નથી થઈ એવી એક વાત આ પ્રવાસ પછી બની. બે મિત્રો કાકાસાહેબ અને સ્વામી આનંદ વચ્ચે કોઈક કારણસર અબોલા થયા, જે જીવનભર ટક્યા. પ્રવાસ કર્યા પછી કાકાસાહેબે સાબરમતી આશ્રમના હસ્તલિખિત સામયિક માટે આ વર્ણન લખેલું. તે પછી ૧૯૨૪માં તે પહેલી વાર પુસ્તક રૂપે પ્રગટ થયું. એ વાતને આ વર્ષે નેવું વર્ષ થયા. નવ દાયકા પછી હવે મળે છે અશોક મેઘાણી જેવા નિષ્ઠાવાન અનુવાદક પાસેથી આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ. 

કાકાસાહેબે પુસ્તકના નામમાં ભલે ‘પ્રવાસ’ શબ્દનો ઉપયોગ કર્યો. હકીકતમાં એ ‘પ્રવાસ’ કરતાં વધુ તો ‘યાત્રા’ હતી. અનુવાદકે પુસ્તકના નામમાં ઉચિત રીતે જ ‘પિલગ્રિમેજ’ શબ્દ પ્રયોજ્યો છે. પણ આ યાત્રા કેવળ ધાર્મિક ઉદ્દેશથી નથી થઈ. તેની પાછળ ભારતની સંસ્કૃિતને જાણવાની નેમ પણ હતી. ઉમાશંકર જોશી સંપાદિત “સંસ્કૃિત”ના નવેમ્બર ૧૯૪૭ના અંકમાં પ્રગટ થયેલા એક પત્રમાં કાકાસાહેબે જણાવ્યું છે : “ભારત ભૂમિ અને ભારતીય સંસ્કૃિતનું ઉઘાડી આંખે અને જાગરુકપણે ધ્યાન કરવાના પ્રયત્નમાં ‘હિમાલયનો પ્રવાસ’ લખાયો હતો.” અહીં અનુવાદકે સુયોગ્ય રીતે જ ‘પિલગ્રિમેજ’ સાથે ‘કલ્ચરલ’ વિશેષણ ઉમેર્યું છે. માત્ર ‘પિલગ્રિમેજ’ રાખ્યું હોત તો અંગ્રેજીના વાચકને ધાર્મિક પ્રવાસનો આભાસ ઊભો થાત. એક તો ગુજરાતી પુસ્તકોના અંગ્રેજી અનુવાદ થાય જ થોડા. અને જે થાય તેમાંના મોટા ભાગના એવા રેઢિયાળ અંગ્રેજીમાં થયા હોય કે અંગ્રેજીના વાચકે તેનો ફરી જાતે અંગ્રેજીમાં અનુવાદ કરતા જવો પડે. આવી સ્થિતિમાં આ અનુવાદ ઊડીને આંખે વળગે તેવો થયો છે. કોઈ પુસ્તકનો અનુવાદ કરવો એટલે શું, એ જાણવા માટે વાંચવો જોઈએ એવો આ અનુવાદ છે. મૂળ પુસ્તકને કેન્દ્રમાં રાખીને અનુવાદકે ચકાસણી, પૂરવણી, સમજૂતી, સ્પષ્ટતા ખાતર આસપાસમાં કેટલા આંટા માર્યા છે એનો ખ્યાલ અનુવાદકની પ્રસ્તાવના વાંચતાં આવે છે.

ઉમાશંકર જોશીએ કાકાસાહેબના ગદ્યને ‘કાકાસાહેબની કવિતા’ એવું લેબલ લગાડેલું. આવા, કાવ્યગંધી ગદ્યનો અંગ્રેજી અનુવાદ કરવાનું સહેલું નથી. કારણ સંસ્કૃત અને તેમાંથી ઉદ્દભવેલી ગુજરાતી, મરાઠી જેવી ભાષાઓમાં આલંકારિક ગદ્ય જેટલું સાહજિક લાગે છે તેટલું અંગ્રેજીમાં ન જ લાગે, કારણ એ ભાષાની તાસીર જુદી છે. બીજું, આપણા દેશનાં ધર્મ, સંસ્કૃિત, ઇતિહાસ, સમાજ, વગેરેના અનેક સીધા તેમ જ આડકતરા સંદર્ભો પુસ્તકમાં સતત આવતા રહે છે. આ બધા સંદર્ભો સચવાય એટલું જ નહિ, સમજાય પણ ખરા, એવી રીતે અંગ્રેજી અનુવાદ કરવાનું કામ જરા ય સહેલું નથી. લેખકે ધીરજ અને સમજપૂર્વક એ કામ પણ કર્યું છે. કાકાસાહેબનાં બીજાં લખાણોની જેમ આ પુસ્તકમાં પણ સંસ્કૃત અને મરાઠી સાહિત્યમાંથી અવતરણો ઘણી જગ્યાએ જોવા મળે છે. સીધાં અવતરણો હોય તે એક વાત. પણ ઘણી વાર તો આ અવતરણો ગુજરાતી લખાણના પ્રવાહમાં ભળી ગયેલાં હોય છે, અને અવતરણ રૂપે જુદાં તારવ્યાં હોતાં નથી. આવાં પ્રગટ કે અર્ધપ્રગટ અવતરણો અંગ્રેજીના વાચકને સમજાય એ રીતે રજૂ કરવાં એ પણ સૂઝ માગી લે છે. બીજી એક ખાસ મુશ્કેલી આ પુસ્તકના અનુવાદકને નડે તેમ છે. પ્રવાસ કર્યા પછી ઠીક ઠીક લાંબે ગાળે આ પુસ્તક લખાયું હતું એટલે કેટલીક વાર વિગતોની બાબતમાં અસ્પષ્ટતા રહી ગઈ છે. આ માટે અનુવાદકે સ્વામી આનંદના પુસ્તક ઉપરાંત ‘વિકિપીડિયા’ જેવાં નવાં સાધનોનો પણ ઉપયોગ કર્યો છે. તો કાકાસાહેબના પોતાના ‘યમુનારાણી’ લેખમાંથી પણ કેટલોક ભાગ આમેજ કર્યો છે. અનુવાદકે કેટલી ઝીણી નજરે મૂળ પુસ્તક વાંચ્યું છે તેનો એક જ દાખલો : ચાલીસમાં પ્રકરણમાં કાકાસાહેબે કેદારનાથ અને બદરીનાથ વચ્ચેનું સીધી લીટીનું અંતર પાંચ માઈલ હોવાનું લખ્યું છે. મૂળ લખાણ એમ ને એમ રાખી અનુવાદકે નીચે ફૂટ નોટ ઉમેરી છે : “સ્થાનિક લોકોના કહેવા પરથી લેખક ગેરમાર્ગે દોરવાયા લાગે છે. બંને જગ્યાના અક્ષાંશ-રેખાંશ પરથી ગણતરી કરતાં આ બંને જગ્યા વચ્ચેનું અંતર ૨૨.૫ માઈલ જેટલું હોવાનું જણાય છે.” જ્યાં જરૂરી જણાય ત્યાં આ રીતે ફૂટ નોટ આપવા ઉપરાંત અનુવાદકે પુસ્તકને અંતે ‘ગ્લોસરી’ આપીને તેમાં ધર્મ, સંસ્કૃિત, સમાજ વગેરેને લગતા કેટલાક શબ્દોની સમજૂતી આપી છે, જે વાચકને ઉપયોગી થાય તેમ છે. આ રીતે ઉપયોગી થવાના આશયથી જ અનુવાદકે  ગ્લોસરીમાંના શબ્દોને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ન ગોઠવતાં પ્રકરણવાર ગોઠવ્યા છે.

આ જમાનો વેલ્યુ એડિશનનો છે. મૂળમાં કશુંક ઉમેરીને તેનું મૂલ્ય વધારો નહિ તો તમારી જરૂર શી છે? અનુવાદકે પણ અહીં મૂળ પુસ્તકનાં મૂલ્યમાં ઉમેરો થાય તેવું વેલ્યુ એડિશન અહીં કર્યું છે. તેમણે પહેલું કામ કર્યું છે પ્રવાસના માર્ગની સ્પષ્ટતા કરતા બે નકશા ખાસ બનાવડાવીને પુસ્તકમાં ઉમેરવાનું. બીજું કામ કર્યું છે લખાણને અનુરૂપ કેટલાક બહુરંગી ફોટા ઉમેરવાનું. (જો કે આ ફોટા સળંગ લખાણ સાથે છાપવાને બદલે અલગથી અને આર્ટ પેપર પર છાપ્યા હોત તો વધુ દીપી ઊઠ્યા હોત.) ત્રીજું કામ કર્યું ઉપર જણાવ્યા પ્રમાણેની ફૂટ નોટ્સ અને ગ્લોસરી ઉમેરવાનું. પણ આ અનુવાદ અંગેની સૌથી વધુ નોંધપાત્ર વાત તો એ છે કે તેની ભાષા ખરા અર્થમાં અંગ્રેજી લાગે છે, ગુજરેજી લાગતી નથી. ઘણા લાંબા સમયથી અમેરિકામાં વસવાટ કરતા અશોકભાઈ પાસેથી અગાઉ આપણને પિતા ઝવેરચંદ મેઘાણીનાં બે પુસ્તકો ‘સંત દેવિદાસ’ અને ‘વેવિશાળ’ના અંગ્રેજી અનુવાદો મળ્યા છે. હવે આ અનુવાદ મળે છે. અને એ પણ અગાઉના અનુવાદોની જેમ મૂળ પુસ્તકને વફાદાર રહીને પણ પરભાષાને ય કઈ રીતે વફાદાર રહી શકાય એના ઉદાહરણરૂપ. પરિણામે આ પુસ્તક જેટલું લેખક કાકાસાહેબનું છે તેટલું અનુવાદક અશોક મેઘાણીનું પણ બની રહે છે.

દિલ્હીની સાહિત્ય અકાદમીએ કરેલું પુસ્તકનું મુદ્રણ, પ્રોડક્શન, અને પ્રકાશન સ્વચ્છ અને સુઘડ છે. પણ કોઈ વ્યવસાયી પ્રકાશકે તેને ઘણું વધુ રૂપકડું અને આકર્ષક બનાવ્યું હોત. પણ તો લગભગ ૩૦૦ પાનાંનું આ અંગ્રેજી પુસ્તક માત્ર ૨૦૦ રૂપિયામાં સુલભ ન થયું હોત. આનંદથી આવકારવા જેવો એક અનુવાદ.    

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 07 સપ્ટેમ્બર 2014

Loading

અમૃતાથી ધરાધામ : શ્રી રઘુવીર ચૌધરી અધ્યયન ગ્રંથ

દીપક મહેતા|Opinion - Literature|8 September 2014

અમૃતાથી ધરાધામ : શ્રી રઘુવીર ચૌધરી અધ્યયન ગ્રંથ. ભાગ ૧,૨ : સં. દૃષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી : રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ. ૩૮૦ ૦૦૯ : આવૃત્તિ, ૨૦૧૪ : પાનાં ૧૬ + ૪૬૪, ૮ + ૪૮૮ :  પ્રત્યેક ભાગના રૂ. ૩૬૦  

બે ભાગનાં કુલ ૯૭૬ પાનાં. તેમાં ૧૫૦ કરતાં વધુ લેખો. બધા એક જ વ્યક્તિ અને તેના સર્જન અને જીવન વિશેના. આ એક લેખક તે રઘુવીર ચૌધરી. ૧૯૩૮ના ડિસેમ્બરની પાંચમી તારીખે જન્મ. ગયે વર્ષે એ વાતને ૭૫ વર્ષ થયાં. આ પ્રસંગ ધામધૂમથી ઉજવી શકાયો હોત. ઉજવાવો જોઈતો હતો. પણ એ અંગેની દરખાસ્તો પર ખુદ રઘુવીરભાઈએ જ ઠંડુ પાણી રેડ્યું. તો અભિનંદન ગ્રંથ ? એની પણ ના. એમાં તો વખાણ ઉઘરાવવા જેવું થાય એમ લાગ્યું હશે. પણ છેવટે અધ્યયન ગ્રંથ માટે રાજી થયા.

રઘુવીરભાઈનાં પુસ્તકો વિષે જેટલું લખાયું છે તેટલું, લેખકની હાજરીમાં, આપણે ત્યાં બહુ ઓછા લેખકો વિષે લખાયું હશે. એ બધામાંથી આ ગ્રંથ માટેની સામગ્રી તારવવાનું કામ સહેલું નહિ જ. પણ દૃષ્ટિ પટેલ અને સુનીતા ચૌધરીએ એ ચેલેન્જ ઉપાડી લીધી. ઉપાડી એટલું જ નહિ, સુપેરે પાર પણ પાડી. મૂળ વિચાર એક પુસ્તક કરવાનો. પણ સામગ્રીની પસંદગી થતી ગઈ તેમ ખ્યાલ આવ્યો કે એક પુસ્તકમાં નહિ સમાય. એટલે બે ખંડ કર્યા. પુસ્તકના પહેલા ખંડમાં ૩૭ નવલકથાઓ વિશેના લેખો છે. તેમાં દર્શક, હરિવલ્લભ ભાયાણી, અને સુરેશ જોશી જેવા ખ્યાતનામ લેખકોથી માંડીને વર્ષા એલ. પ્રજાપતિ અને પ્રવીણભાઈ એસ. વાઘેલા સુધીના લેખકોના લેખો છે. દેખીતી રીતે જ તેમાં સૌથી વધુ લેખો અમૃતા અને ઉપરવાસ કથાત્રયી વિષે છે – પાંચ પાંચ. આ ઉપરાંત આ ખંડમાં નવલિકાઓ વિશેના ૩૨ લેખો છે. તેમાં સંગ્રહો વિશેના લેખો છે તો ચોક્કસ વાર્તાઓ વિશેના આસ્વાદ લેખો પણ છે. બીજા ખંડમાં નાટક, નિબંધ, ચરિત્ર, વિવેચન-સંપાદન-સંશોધન, કવિતા, શબ્દ અને કર્મ એવા પાંચ વિભાગોમાં લેખો સમાવ્યા છે. અંતે રઘુવીરભાઈનાં તમામ પુસ્તકોની સૂચિ તથા સંદર્ભ સૂચિ પણ આપી છે.

‘રઘુવીર એટલે તરણેતરનો મેળો’ એમ કહેનાર સુરેશ દલાલે કહ્યું છે તેમ રઘુવીર એટલે એક વ્યક્તિનો કાફલો. એક રઘુવીરમાં અનેક રઘુવીર છે અને અનેક રઘુવીરમાં એક રઘુવીર છે. આ પુસ્તકના બંને ખંડોમાંના લેખો વાંચતાં આ વાત કેટલી સાચી છે તેની પ્રતીતિ થયા વગર રહેતી નથી. પણ તેઓ માત્ર શબ્દના ઉપાસક નથી, એક સતત કર્મશીલ પણ છે. એ કિંમતના નહિ પણ મૂલ્યોના માણસ છે. મૈત્રીના માણસ છે, પણ આવી પડેલી અ-મૈત્રીને પણ સ્વીકારી લે છે. કપાસના છોડની જેમ જ સંસ્થાઓનું પણ જતન-સંવર્ધન કરે છે. સંસ્થામાં ક્યારેક પોતે કીટનાશકનું કામ પણ કરી લે, અહિંસક રીતે. આટલું લખી શક્યા, આટલું કરી શક્યા, એનું કારણ? કારણ જાણવા મળે છે પત્ની પારુલબહેનના લેખમાંથી. લખે છે : “અગવડ જેવું તો એમણે ક્યારેય કોઈ કામ બાબતે અનુભવ્યું નથી. જેવી પણ પરિસ્થિતિ હોય એને સગવડ જ ગણીને કામ કદી અટકાવ્યું પણ નથી.”

પણ હા. આ પુસ્તકમાં વાચકને કેટલીક અગવડ પડે તેવું છે તે કઠે છે. કદાચ પાનાં બચાવવાના આશયથી બીજા ખંડની અનુક્રમણિકાનો લે-આઉટ થયો છે, પણ તેથી કોઈ ચોક્કસ લેખ શોધતાં થોડી મુશ્કેલી પડે છે. અંતે મૂકેલ ‘રઘુવીર ચૌધરીનું લેખન’ અને ‘સંદર્ભ સૂચિ’માં તો આ મુશ્કેલી વધુ અનુભવાય છે. ગ્રંથમાં જે લેખકોનાં લખાણો સમાવ્યાં છે તેમની કક્કાવારી સૂચિ પણ ઉમેરી શકાઈ હોત. રઘુવીરભાઈની મુદ્રિત કે રેકોર્ડેડ મુલાકાતોમાંથી પણ બે-ત્રણ સમાવી શકાઈ હોત. અને હા, આ હોય ભલે અધ્યયન ગ્રંથ, પણ એટલે કાંઈ એમાં રઘુવીરભાઈના થોડા ફોટા ન મૂકી શકાય એવું થોડું જ છે?  સમારંભ કર્યો હોત તો એનું આયુષ્ય બે-ચાર દિવસનું હોત. અભિનંદન ગ્રંથ કર્યો હોત તો એનું આયુષ્ય બે-ચાર વરસનું હોત. પણ આવો અધ્યયન ગ્રંથ કર્યો તે રઘુવીરભાઈનાં પોતાનાં લખાણોની જેમ દીર્ઘજીવી નીવડશે. લેખક રઘુવીરભાઈના લેખનને જાણવામાં કે માણવામાં રસ હોય તેમણે વાંચવું જ પડે તેવું પુસ્તક.   

સૌજન્ય : ‘બુકમાર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2014

Loading

કિલ્લામાં કોલેજ, કોલેજમાં કારખાનું

દીપક મહેતા|Opinion - Opinion|8 September 2014

વ્યવસાયે હતો ડોક્ટર, સર્જન. વાઢકાપ કરવાનો ધંધો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મેડિકલ સર્વિસમાં જોડાઈને હિન્દુસ્તાન આવ્યો, ૧૭૮૨માં મુંબઈને બંદરે ઊતર્યો. કંપની સરકારની લશ્કરી ટુકડી સાથે પગપાળા ચાલતો પહોંચ્યો કલકત્તા. આવી લાંબી મુસાફરીમાં ઘણા સૈનિકો માંદા તો પડે જ. પોતે હતો ડોક્ટર, છતાં તેમની સારવાર કરી ન શકતો. કેમ? કારણ સૈનિકોની ભાષા તેને આવડતી નહોતી, અને તેની ભાષા સૈનિકોને આવડતી નહોતી. લંડનમાં બેઠેલા કંપનીના બડેખાં ડાયરેક્ટરોના ધ્યાનમાં જે વાત નહોતી આવી તે વાત તેના ધ્યાનમાં આવી. હિન્દુસ્તાનમાં કામ કરવું હોય તો અહીંની ભાષા જાણવી જરૂરી. એટલે હિન્દુસ્તાની ભાષા શીખવા લાગ્યો. હિન્દુસ્તાનીનો શબ્દકોશ બનાવવાનું નક્કી કર્યું. એ માટે લશ્કરમાંથી એક વર્ષની રજા લીધી. પણ રજા પૂરી થયા પછી લશ્કરમાં પાછો ગયો જ નહિ, હિન્દુસ્તાનની ભાષાઓ પાછળ જ મંડી પડ્યો.

એનું નામ જોન બોર્થવિક ગિલક્રિસ્ટ. ૧૭૫૯માં જન્મ, ૧૮૪૧માં અવસાન. પુસ્તકો લખ્યાં. બ્રિટનથી આવતા અંગ્રેજોને હિન્દુસ્તાનની ભાષાઓ શીખવતો. ધીમે ધીમે ગવર્નર જનરલ વેલેસ્લી સુધી પહોંચ થઈ. બ્રિટનથી આવતા સરકારી નોકરોને હિન્દુસ્તાનનાં ભાષા, સાહિત્ય, સંસ્કૃિત, રીતરિવાજ, વગેરે શીખવવા માટે એક સંસ્થા શરૂ કરવાનું સૂચન તેણે ગવર્નર જનરલને કર્યું. વેલેસ્લીને વિચાર ગમી ગયો. લંડનમાં બેઠેલા કંપનીના ડિરેકટરોને પૂછ્યાગાછ્યા વગર જ તેણે કલકત્તાના ફોર્ટ વિલિયમ્સમાં આવી સંસ્થા શરૂ કરવાનું નક્કી કરી નાખ્યું. ૧૮૦૧ના એપ્રિલની દસમી તારીખે વેલેસ્લીએ જરૂરી કાગળિયાં પર સહીસિક્કા કર્યા, અને ચોથી મેએ તો કોલેજ શરૂ!

અલબત્ત, તે કોલેજ ‘દેશીઓ’ માટે નહોતી, ફક્ત અંગ્રેજ સરકારી નોકરો માટે હતી. તેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો હતો. વિદ્યાર્થી પાસેથી ફી લેવાનો તો સવાલ જ નહોતો. દરેક વિદ્યાર્થીને મહિને ૩૦૦ રૂપિયાનું ભથ્થું અપાતું! ધીમે ધીમે હિન્દુસ્તાની ઉપરાંત બીજી ‘દેશી’ ભાષાઓ શીખવવાની સગવડ પણ કરી. ફારસી, અરબી, સંસ્કૃત, બંગાળી, મરાઠી, કન્નડ, તેલુગુ વગેરે ભાષાઓ અહીં શીખવાતી. આટલી બધી ભાષાઓ માટેનું પુસ્તકાલય ઊભું કરવાનું કામ સહેલું નહોતું. પણ ટીપુ સુલતાન સાથેનું યુદ્ધ તેમાં મદદે આવ્યું. તેને હરાવ્યા પછી ટીપુનો સમૃદ્ધ ગ્રંથભંડાર અંગ્રેજોના હાથમાં આવ્યો. એ આખેઆખો સંગ્રહ વેલેસ્લીએ આ કોલેજને આપ્યો.

પણ આવી કોલેજ શરૂ થઈ છે એવા ખબર જ્યારે બ્રિટન પહોંચ્યા, ત્યારે કંપનીના ડિરેકટરોના પેટમાં તેલ રેડાયું. પોતાની મંજૂરી લીધા વગર, અરે, અગાઉથી જાણ પણ કર્યા વગર, ગવર્નર જનરલ આવી મોટી કોલેજ શરૂ કરી દે તે તો કેમ ચલાવી લેવાય? ૧૮૦૨ના જાન્યુઆરીની ૨૭મી તારીખે તેમણે વેલેસ્લીને હુકમ મોકલ્યો : તાબડતોબ બંધ કરો આ કોલેજ ! પણ વેલેસ્લી એમ ગાંજ્યો જાય એવો નહોતો. ઉપરીઓને હંફાવવા માટે તુમારશાહીનો ઉપયોગ કરવામાં પાવરધો હતો. એટલે તેણે લખાપટ્ટી શરૂ કરી, ટાઈમ મેળવતો ગયો. તેણે એવી જોરદાર દલીલો કરી કે ડિરેક્ટરોએ નમતું જોખવું પડ્યું. હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાઓમાં અનુવાદ કરવા માટે એક સો જેટલા સ્થાનિક જાણકારોને રોકીને ‘અનુવાદનું કારખાનું’ કોલેજમાં શરૂ થયું.

પણ બ્રિટનમાંના ડિરેક્ટરો પણ કાઈ ગાંજ્યા જાય એવા નહોતા. ઘી સીધી આંગળીએ ન નીકળે તો કેમ કાઢવું એ જાણતા હતા. હિન્દુસ્તાન જતા કંપનીના નોકરોને ‘દેશી’ ભાષાઓ શીખવવાની વ્યવસ્થા બ્રિટનમાં જ કરી હોય તો કલકત્તાની કોલેજ આપોઆપ ભાંગી પડે! કલકત્તાની કોલેજ પાછળ દર વર્ષે ચાર લાખ રૂપિયા ખર્ચાતા હતા તે તેમને પેટમાં દુખતા હતા, પણ બ્રિટનમાં આવી કોલેજ માટે શરૂ કરવા માટે તેમણે પચાસ હજાર પાઉન્ડ ફાળવ્યા ! ૧૮૦૭માં તો ‘ધ ઈસ્ટ ઇન્ડિયા કોલેજ એટ હેલીબરી’ કામ કરતી શરૂ પણ થઈ ગઈ. હવે કલકત્તાની કોલેજને વિદ્યાર્થીઓનાં સાંસા પડવા લાગ્યા. પડતી શરૂ થઈ. પોતાની અત્યંત સમૃદ્ધ લાયબ્રેરી કોલેજે નવી શરૂ થયેલી કલકત્તા પબ્લિક લાયબ્રેરીને ભેટ આપી દીધી. આ લાયબ્રેરી પછીથી ઈમ્પિરિયલ લાયબ્રેરીમાં ભળી ગઈ. આઝાદી પછી આ ઈમ્પિરિયલ લાયબ્રેરી બની દેશની નેશનલ લાયબ્રેરી. છેવટે ૧૮૫૩ના જાન્યુઆરીમાં કલકત્તાની કોલેજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી. પણ ત્રેપન વર્ષના આયુષ્યમાં કલકત્તાની આ કોલેજે ભારતીય ભાષાઓના શિક્ષણ અને વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો.

સૌજન્ય : ‘માઈલસ્ટોન’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2014

Loading

...102030...3,9393,9403,9413,942...3,9503,9603,970...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved