મારે તમારા વિષે કંઈક કહેવું છે; આધુનિક શીરી અને ફરહાદ, લયલા અને મજનુ કે પછી રોમિયો અને જુલિયેટ – તમે જે ગણાઓ તે !
પણ, મારા કથનના પ્રારંભ માટે હું થોડોક અવઢવમાં છું, કેમ કે હું હજુ નક્કી નથી કરી શક્યો કે મારે ક્યાંથી શરૂઆત કરવી ? ચાલો, એ તો થઈ રહેશે; પહેલાં હું તમારી ઓળખાણ તો કરાવી દઉં ! તો આ છે, મેકવાન, થોડા સમય પહેલાં જ વાલ્મિક સમાજમાંથી ધર્માંતર કરીને ખ્રિસ્તી બનેલા અને થોડા સમયથી અનામતના હેતુએ દલિત ખ્રિસ્તી તરીકેની ઓળખ પામેલા એવા પ્રભાવશાળી વ્યક્તિત્વ અને તેજસ્વી શૈક્ષણિક કારકીર્દિના સ્વામી; તો તમારાં શીરી, લયલા કે જુલિયેટ જે ગણો તે છે મંદાકિની; કે જે મૂળે તો ચમાર (ચર્મકાર) સમાજનાં, પણ આત્મગૌરવમાં માનતાં અને રૂઢિગત અછૂતીય સામાજિક વ્યવહારોથી માનસિક રીતે તંગ આવી જતાં તેમનાં માતાપિતા સાથેના માત્ર ત્રણ જ જણના માઇક્રો પરિવારમાંથી એ માત્ર એકલાં જ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યાં છે; જેમાં એમનાં માતાપિતાની મૂક સંમતિ તો છે જ, પરંતુ તેઓ તેમના જીવનની ઢળતી અવસ્થાએ ‘જ્યાં છીએ, ત્યાં બરાબર છીએ’ની ભાવનાએ ઠેરનાં ઠેર જ છે. મંદાકિની, તમે પણ શૈક્ષણિક કારકીર્દિએ મેકવાનની હરોળમાં ઊભાં રહી શકવા ઉપરાંત તમે સૌંદર્યસ્વામિની પણ છો. વાકપટુતા એ તમને મળેલી નિસર્ગદત નવાજીશ છે, તો વળી તમારા ચહેરા ઉપરની કાંતિ એવી તો પ્રભાવક છે કે તમને જોનાર એકાદ ક્ષણથી વધારે સમય સુધી તમારી આંખ સામે આંખ મેળવી શકે પણ નહિ !
મેકવાન અને મંદાકિની, તમે અનેકવિધ વિદ્યાશાખાઓ ધરાવતી યુનિવર્સિટીના કદ જેવી એ સેલ્ફ ફાયનાન્સ ગ્રુપ કોલેજમાં ભણી રહ્યાં છો, તે પછાત વર્ગની અનામત બેઠકોના લાભ અને ઊંચી ટકાવારીના કારણે નજીવી ફી ઉપરાંતની સરકારી અને અનેક ખાનગી ટ્રસ્ટોની સ્કોલરશિપોના પ્રતાપે જ, નહિ તો તમારા માટે એટલી બધી તગડી ફી ચૂકવીને અહીં ભણવું એ તો આકાશકુસુમવત્ વાત જ બની રહેત. તમે મેકવાન, એક્ચ્યુઅરિયલ સોસાયટી ઓફ ઇન્ડીઆ(ASI)ની એક્ચ્યુઅરિયલ પ્રોફેશનલ તરીકેની કારકીર્દિ બનાવવા માગો છો, એ ગણતરી સાથે કે તમે સીધી ભરતીથી કાં તો સ્થાનિક કોઈ મોટી ઇન્સ્યોરન્સ કંપનીના સી.ઈ.ઓ. બની શકો અથવા એ વિષયના નિષ્ણાત તરીકે તમે વિદેશની કોઈક મલ્ટિનેશનલ કંપનીમાં પ્રોડક્ટ ડિઝાઈનીંગ કે કોર્પોરેટ પ્લાનીંગના હોદ્દાએ અઢળક આમદનીનો વરસાદ વરસાવી શકો. તો વળી તમે પણ મંદાકિની, ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઈનીંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાના મક્કમ ઈરાદા સાથે મોટા આર્થિક લક્ષાંકની કેડી ઉપર ચાલી રહ્યાં છો. તમે બંને જણ દ્રવ્યોપાર્જનને લક્ષ બનાવીને જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની દોડ લગાવી રહ્યાં છો, તેની પાછળ માત્ર નિજી પેઢીગત વારસામાં આવ્યે જતી દરિદ્રીને ફેડવાનો આશય જ નથી; પણ તમે સદીઓથી કચડાતા આવતા તમારા સમાજના ઉત્કર્ષ માટે અને વતનના ગામ માટે પણ કંઈક કરી છૂટવા માગો છો.
સો ટકા સાક્ષરતા ધરાવતા ઉત્તર ગુજરાતના પ્રગતિશીલ જે ગામની વિવિધ કોમોનાં અનેક યુવકો અને યુવતીઓ જુદીજુદી વિદ્યાશાખાઓમાં ઉચ્ચતમ શિક્ષણ મેળવીને વિદેશોમાં સ્થાયી થઈ રહ્યાં છે; એ જ ગામનાં વતની એવાં તમે, મેકવાન અને મંદાકિની, વિશિષ્ટ ગણાય એવી અભ્યાસકીય વિષયપસંદગીઓ એટલા માટે કરી છે કે તમે ત્વરિત અને આકર્ષક રોજગારી મેળવી શકો અને ઝડપી પદોન્નતિ પણ પ્રાપ્ત કરી શકો. હમવતની, મૂળમાં સમાન પછાતવર્ણીય, વળી હાલમાં ધર્માંતરે સમવૈચારિક, સમાન વિચારધારાઓ, સમાન સ્વપ્નસેવીઓ, સમવયસ્કો અને સમાન વ્યક્તિત્વો એવાં અનેક પરિબળોએ કોલેજ સંકુલમાં તમારે હળવામળવાનું વિશેષ બનાવ્યું છે અને તમે એકબીજાની નજીક તો હતાં જ અને વધુ નજીક આવવા માંડ્યાં છો.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી આ કોલેજમાં વિદેશી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એમની ખુલ્લા માનસની સંસ્કૃિત પ્રમાણે સહજ રીતે વિજાતીય વ્યક્તિઓ સાથે હળતાંમળતાં રહેતાં હોઈ તેમની અસર આપણાં દેશી કોલેજિયનોએ પણ ઝીલી છે. કોલેજ સત્તાવાળાઓએ પણ વિદ્યાર્થીઓના આવા વિજાતીય હળવામળવાના નિયમોને હળવા જ રાખ્યા છે; હા, એટલું ખરું કે વિદ્યાર્થિનીઓ દિવસ દરમિયાન બોયઝ હોસ્ટેલમાં આવી જઈ શકે, પણ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ પણ સમયે ન જઈ શકે. આમ દરરોજ તમારું બંનેનું અવારનવાર મળવું, બંને હોસ્ટેલની સામાન્ય મેસમાં સવારસાંજ સાથે જમવું, કોઈ રવિવારે ચર્ચમાં સાથે પ્રાર્થના કરવા જવું કે પછી કોઈ થિયેટર અથવા સહેલગાહના સ્થળે કે બાગબગીચે ફરવા જવું એ બધું એટલું વધી ગયું હતું કે સૌ કોઈ તમને ‘એક દુજે કે લિયે’ સમજતું હતું.
મેકવાન, હું છેલ્લાં ત્રણેક વર્ષથી હોસ્ટેલમાં તમારો રૂમપાર્ટનર રહ્યો હોઈ આપણી વચ્ચે પણ ગાઢ મિત્રતા પાંગરતી ગઈ અને આપણે પણ એકબીજાનાં હર્ષશોક પરસ્પર વહેંચતા રહ્યા. સૌમ્ય અને મિલનસાર પ્રકૃતિ ધરાવતા, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં સૌને પ્રિય એવા, મેકવાન, તમારું એ દિવસનું સાવ નવું જ રૂપ મને જોવા મળ્યું હતું. એક શનિવારે સાંજે આપણે આપણા રૂમમાં બેઠાબેઠા જોડેના બે રૂમ પાર્ટનરો સાથે ગપસપ કરતા બેઠા હતા, ત્યાં તો ખિન્ન વદને આવેલાં મંદાકિનીએ આવતાં વેંત જ ફરિયાદરૂપે તમને કહ્યું હતું કે, ‘મેકવાન, આજે હું છેલ્લીવાર તારા રૂમ ઉપર આવી છું. આપણે બહાર ગમે ત્યાં મળીશું, પણ અહીં હું ફરી નહિ આવું.’ આમ કહેતાં તમે, મંદાકિની, રડી પડ્યાં હતાં.
કંઈક ગંભીર અંગત વાત હશે તેમ માનીને અમારા બાજુના રૂમ પાર્ટનર સાથે હું પણ બહાર જવા માંડતો હતો; ત્યાં તો તમે, મંદાકિની, મને હાથ પકડીને રોકી પાડતાં કહ્યું હતું, ‘તું તો મારો ધર્મનો ભાઈ છે અને તારાથી ક્શું જ છૂપું ન હોય, બેસ !’
‘શું થયું, મંદા; કંઈ કહેશે કે પછી મને સંતાપ્યે જશે !’ તમે, મેકવાન, સફાળા ઊભા થઈને મંદાકિનીને આલિંગનમાં લેતાં પૂછ્યું હતું.
‘જો મેક, તમે બંને કોઈની સાથે ઝઘડો ન કરો તો કહું !’
‘એમ કશું જ જાણ્યા વગર તો કઈ રીતે એવી ખાત્રી આપી શકું ? તને ખબર તો છે જ કે તારી આંખમાં એક આંસુ લાવનારની હું શી વલે કરી શકું છું!’
મેં પણ કહ્યું હતું, ‘જો બહેના, તને રડાવનારની જે કંઈ વલે કરવાની થશે, તેમાં એકલો મેક નહિ હોય; મારો પણ સાથ હશે ! જલ્દી બોલી નાખ અને આ રૂમ એ અમારું – તારું ઘર સમજ અને ગાંડી તું પોતાના જ ઘરમાં કેમ ન આવી શકે!’
‘જુઓ, તમે બંને જણા આ બાબતમાં બળ વાપરશો તો વાત વણસશે અને મારી-આપણી-કોલેજની બદનામી થશે ! જો કળથી કામ લેવાની ખાત્રી આપો તો કહું, નહિ તો હું આ રૂમ ઉપર આવવાનું જ બંધ કરી દઉં એ જ મારા માટે સરળ માર્ગ છે.’ તમે, મંદાકિની, સ્વસ્થ થતાં કહ્યું હતું.
‘જા, કળ વાપરીશું. બસ, હવે જલ્દી કહી દે અને મને વધારે દુ:ખી કરીશ નહિ !’ તમે, મેકવાન આર્દ્ર સ્વરે બોલ્યા હતા.
પછી તો મંદાકિનીની કેફિયત સાંભળી લીધા પછી તમે, મેકવાન, આટલું જ બોલ્યા હતા, ‘ચિંતા કરીશ નહિ અને એ સમસ્યા શાંતિથી હલ થઈ જશે, બસ ! બીજું સાંભળી લે, આજે સાંજે આપણે એક જ ટેબલ ઉપર રોજની જેમ સાથે જ ડીનર લઈશું. જો તું દૂર ભાગીશ તો એ લોકો સમજશે કે તેઓ કામિયાબ થયા !’
અને એ જ સાંજે જ્યારે આખો ડાઈનીંગ હોલ ભરચક હતો, ત્યારે બર્થડે કે એવી પાર્ટી માટેના સ્ટેજ ઉપર તમે, મેકવાન અને મંદાકિની, એકબીજાના હાથમાં હાથ પકડીને ચઢી ગયાં હતાં અને મેં વાડકી વડે થાળી વગાડીને બધાંનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. થાળી વાગતી બંધ થતાં પીન ડ્રોપ શાંતિ વચ્ચે તમે, મેકવાન, ચહેરા ઉપરની મક્કમતા સાથે મંદાકિનીનો એક હાથ પક્ડીને તેને ઊંચો કરીને બધાંને ઉદ્દેશીને આમ કહ્યું હતું, ‘જુઓ મિત્રો અને આ એક અપવાદ સિવાયની બાકીની બધી બહેનો …’
સૌ ખડખડાટ હસી પડ્યાં હતાં.
મેં ફરી જોરથી થાળી વગાડી ત્યારે બધાં શાંત થઈ જતાં તમે, મેકવાન, આગળ બોલ્યા હતા, “તમે સૌ મનોમન જાણો છો અને અમારી પીઠ પાછળ અમને ‘એક દુજે કે લિયે’ એમ કહો છો પણ છો, એટલે અમે બંને એકબીજાંને મળીએ કે મંદાકિની મને મારા રૂમ ઉપર મળવા આવે તેમાં આ કલ્પેશના અપવાદ સિવાય અન્ય કોઈને વાંધો હોઈ શકે નહિ. આ કલ્પેશનો અપવાદ એટલા માટે કે તેને મંદાકિનીએ પોતાનો ધર્મનો ભાઈ માન્યો છે. હવે કલ્પેશે પણ સ્વીકારી લીધું છે કે હું સમય આવ્યે તેનો ‘જીજાજી’ થવાનો છું એટલે તેને પણ અમારા મળવામાં કોઈ વાંધો હોઈ શકે નહિ. હવે બધાં એકચિત્તે આગળ સાંભળો. આજે સાંજે કેટલાક રાસ્કલ્સે (Rascals) આપણી પ્રતિષ્ઠિત કોલેજને લાંછન લાગે તેવી અનુચિત અને બીભત્સ એવા શબ્દોએ મંદાની માનહાનિ કરી છે. મહિલાઓની છેડતી કરવી એ અપરાધ છે અને મંદાકિની ૧૦૯૧ નંબરથી પોલિસને બોલાવીને એમની ધરપકડ કરાવી શકતી હતી. પરંતુ તેણે સમજદારી વાપરીને અને એમ ન કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ એવી આપણી કોલેજને બદનામીમાંથી ઉગારી લીધી છે. વળી કદાચ એ અનિચ્છનીય માર્ગ તેણે અપનાવ્યો હોત તો મંદાકિનીને કેટલાક મહિનાઓની કોર્ટકાર્યવાહીના અંતે ન્યાય તો મળત, પણ એ વિલંબિત ન્યાય અન્યાય સમાન ગણાત ! એટલે તેને ઝડપી ન્યાય મળી રહે અને માત્ર એટલું જ નહિ પણ તેની કે અન્ય હોસ્ટેલ યા કોલેજની કોઈ બહેનની ભવિષ્યે પણ આવી માનહાનિ ન થાય તે માટેના કાયમી ઈલાજની એક જાહેરાત કરવા હું જઈ રહ્યો છું. મંદાકિનીને શાબ્દિક રીતે અપમાનિત કરનારાઓ તો ખાસ કાન દઈને સાંભળી લે કે તેમને ઓળખી પાડવામાં આવ્યા છે અને અમે કેટલાકે સંગઠિત થઈને આજે સાંજે જ એક એવો માર્ગ અપનાવવાનું વિચારી લીધું છે કે જે અમને અને આપણી કોલેજ માટે શોભાસ્પદ ન હોવા છતાં તેને અમલમાં મૂકવા સિવાયનો અમારી પાસે કોઈ ઈલાજ બચતો નથી. તમે સૌ એ માર્ગ વિષે પૂછો તે પહેલાં જ હું અમારા સાથીઓની વતી હાલ જ જાહેર કરી દઉં છું કે ભવિષ્યે ગમે ત્યારે એ શેતાની તત્ત્વોનાં કોઈ સગાંસંબંધી, કે જેમાં સ્ત્રીઓ પણ ભલે હોય, તેમને મળવા માટે આવશે ત્યારે તેમનું સ્વાગત અમે અમારાં પાટલૂન ગળે વીંટાળીને માતાની કૂખે જન્મ્યા હોઈએ તે સ્થિતિમાં કરીશું, કરીશું અને કરીશું જ.’
આમ કહીને, મેકવાન અને મંદાકિની, તમે સ્ટેજ ઉપરથી ઝડપભેર નીચે ઊતરી ગયાં હતાં અને ડાઈનીંગ હોલમાં સોપો પડી ગયો હતો.
એ દિવસે સૌ કોલેજિયનોને, મેકવાન, તમારું અનન્ય રૂપ જોવા મળ્યું હતું.
(તા.૦૭.૦૮.૨૦૧૪)
ઈ.મેઈલ – musawilliam@gmail.com
![]()


આ પંક્તિઓથી શરૂ થતું ‘કલ્યાણ’ નામનું કાવ્ય જે કાવ્યસંગ્રહમાં પ્રગટ થયું હતું તે ‘ઇલા કાવ્યો’ ન વાંચ્યો કે જોયો હોય છતાં આ કાવ્યથી પૂરેપૂરા પરિચિત હોય એવા ઘણા બધા વયઃશ્રેષ્ઠીઓ આજે પણ ઘણા બધા જોવા મળશે. કારણ કેટલાં ય વર્ષો સુધી ચંદ્રવદન મહેતાનું આ કાવ્ય પાઠ્ય પુસ્તકોના એક અનિવાર્ય ભાગ જેવું બની ગયું હતું. આપણાં લોકગીતોમાં અને લોક કથાઓમાં ભાઈ-બહેનના સંબંધો અંગેનાં ઘણાં કાવ્યો અને કથા કાવ્યો જોવા મળે, પણ ઓગણીસમી સદીથી શરૂ થયેલા અર્વાચીન યુગના સાહિત્યમાં આજ સુધીમાં ભાઈ-બહેનના સંબંધ વિષે પ્રમાણમાં ઓછું લખાયું છે. તેમાં એક અપવાદ હોય તો ચંદ્રવદન મહેતાનો કાવ્ય સંગ્રહ ‘ઇલા કાવ્યો.’ બે-ત્રણ કાવ્યોને બાદ કરતાં તેમાંનાં બધાં કાવ્યોના કેન્દ્રમાં ભાઈ-બહેનનો સંબંધ રહ્યો છે. ૧૯૩૩માં પ્રગટ થયેલી આ પુસ્તકની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈ કહે છે : “મારી જીવંત મૂર્તિ ઇલાએ મારા જીવનમાં સજીવન કરેલા સંસ્કારના બદલામાં આ સંગ્રહના રૂપમાં વળતર – એનું તે શું પ્રમાણ? બહેનના એ નિર્મળ પવિત્ર નિઃસ્વાર્થ ભાવનો આ કેટલો નિર્બળ પડઘો! એને દીધેલા સંતાપ, એને ચીડવવાના કરેલા પાપનું આ કેટલું નિર્જીવ પ્રાયશ્ચિત્ત! … પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે એક સ્મારક.”