શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના દસમા અધ્યાય, વિભૂતિ યોગમાં, શ્રીકૃષ્ણે પોતે વૃક્ષોમાં પીપળો, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, શસ્ત્રોમાં વજ્ર, નદીઓમાં ગંગા, શબ્દોમાં ઓમકાર હોવાની વાત કરીને શ્રેષ્ઠતા ત્યાં પ્રભુતાનો સિદ્ધાંત સમજાવ્યો હતો. આ તર્જ પર કહેવું હોય તો કહી શકાય કે શ્રીકૃષ્ણ ડિક્શનરીઓમાં ઓક્સફર્ડ બનવાનું પસંદ કરે! ઓક્સફર્ડની અંગ્રેજી ડિક્શનરી વિશ્વશ્રેષ્ઠ મનાય છે, કારણ કે તે લગભગ તમામ શબ્દોને આવરી લેતી અને ભૂલરહિત છે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં શબ્દોની સાચી જોડણી, શબ્દનો અર્થ, તેનું ઉચ્ચારણ તેમ જ શબ્દનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ જાણવા મળે છે. ઓક્સફર્ડ ડિક્શનરીને યાદ કરવાના આજે બે નિમિત્ત છે. એક તો ઇ.સ. ૧૮૮૪ની આજની તારીખે એટલે કે ૧ ફેબ્રુઆરીના રોજ ઓક્સફર્ડ ડિક્શનરીનો પહેલો ખંડ પ્રસિદ્ધ થયો હતો. બીજું નિમિત્ત એ છે કે ઓક્સફર્ડ યુનિર્વિસટી પ્રેસ દ્વારા જ પ્રકાશિત કરવામાં આવતી ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી(ઓએએલડી)ની નવમી સંશોધિત-સંવર્ધિત આવૃત્તિ તાજેતરમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે.
એકવીસમી સદીમાં દુનિયા એક નાનકડા ગામડા જેવી બની ગઈ છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે અંગ્રેજી અવ્વલ છે અને અંગ્રેજી વિશ્વભાષાનો દરજ્જો અને દબદબો ભોગવે છે, એવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. અંગ્રેજી વેપારી ભાષા તરીકે પણ વગોવાતી હોવા છતાં તે કરોડો લોકોની વહાલી ભાષા છે. અંગ્રેજીની સ્વીકાર્યતા આટલી વ્યાપક હોવાના ઐતિહાસિક કારણોની ચર્ચા તો ઘણી લાંબી થાય, પણ એક બાબત નોંધવી જ રહી કે ભાષા તરીકે અંગ્રેજીએ અનેક પ્રદેશો-દેશોની ભાષાના શબ્દોને આવકાર્યા અને સ્વીકાર્યા હોવાને કારણે જ તે આ હદે સ્વીકાર્ય બની છે. અંગ્રેજી ભાષાની જેમ અંગ્રેજીનો શબ્દકોશ એવી ઓક્સફર્ડ ડિક્શનરી પણ નવા નવા શબ્દોને સ્વીકારે છે અને પોતાનામાં સમાવતી રહી છે. એમાં ય ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી, જે ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરવામાં આવી છે, જેમના માટે અંગ્રેજી બીજા ક્રમની ભાષા છે, એટલે કે જે લોકોની માતૃભાષા અંગ્રેજી નથી એવા લોકો માટે આ ડિક્શનરી પ્રકાશિત થાય છે.
ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરીનું પહેલી વાર ૧૯૪૮માં પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ ડિક્શનરીનું આજ સુધીમાં ત્રણ કરોડ ૮૦ લાખ કોપીનું વેચાણ થયું છે તો ૧૩ લાખ લોકોએ તેની એપ ડાઉનલોડ કરી છે. ઓક્સફર્ડ યુનિર્વિસટી પ્રેસ મુદ્રિત સ્વરૂપ ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોથી ડી.વી.ડી. ફોરમેટમાં પણ પ્રસિદ્ધ કરે છે. લર્નર્સ ડિક્શનરીનું આ વખતે પહેલી વાર ઓનલાઇન વર્જન પણ લોન્ચ થયું છે.
ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરીની જે લેટેસ્ટ નવી આવૃત્તિ પ્રકાશિત થઈ છે, તેમાં ૯૦૦ જેટલા નવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આપણા માટે આનંદની બાબત એ છે કે ૯૦૦ શબ્દોમાંથી ૨૪૦થી વધારે શબ્દો તો ભારતીય ભાષાઓના અને ભારતીય અંગ્રેજીના સમાવાયા છે. ભારતીય લોકો દુનિયાભરમાં પ્રસર્યા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદેશોમાં જે રીતે ભારતીય મૂળના લોકો પ્રભાવશાળી બનતા ગયા છે, તેને કારણે ભારતીય ભાષા અને સંસ્કૃિતનો પ્રભાવ પણ વિસ્તર્યો છે. ઓક્સફર્ડની લેટેસ્ટ આવૃત્તિમાં ખાસ કરીને ભારતીય ભોજનના શબ્દોને સ્થાન મળ્યું છે. ભારતીય વ્યંજનો ગ્લોબલ થઈ રહ્યા છે ત્યારે ભારતીય ભાષાના 'પાપડ', 'ખીમા' અને 'કરી લીફ' (કઢીમાં નાખવાની પાંદડી) જેવા શબ્દોને સમાવવામાં આવ્યા છે. ભારતમાં બોલાતી અંગ્રેજી ભાષામાં અનેક નવા અંગ્રેજી શબ્દો સર્જાયા છે તો સાથે સાથે અંગ્રેજી શબ્દોને ભારતમાં નવો-વિશિષ્ટ અર્થ પણ પ્રાપ્ત થયો છે. આવા શબ્દોમાં 'જુગાડ', 'કિટ્ટી પાર્ટી', 'વિદેશી', 'મિક્સી' (ખાદ્ય પદાર્થો માટેનું મિક્ચર), 'ટાઇમપાસ'નો સમાવેશ થયો છે. ઓ.એ.એલ.ડી.ની આઠમી આવૃત્તિમાં રોટી, થાળી, પાન, બિરયાની, ભાજી, સમોસાં, સારી, દુપટ્ટા, સલવાર, કમિઝ, ચુડીદાર, બોલિવૂડ, ભાંગડા, રાગ, મોન્સુન, મેદાન, ઓટો રિક્સા વગેરે આશરે ૨૦૦ જેટલા શબ્દો સમાવાયા હતા.
ઓક્સફર્ડ ડિક્શનરી સતત અપડેટ થતી રહે છે. ડિક્શનરી તરોતાજા રાખવા માટે તેના નિષ્ણાતો સમગ્ર વિશ્વમાં ફરે છે અને અંગ્રેજીમાં પ્રચલનમાં આવ્યા હોય એવા નવા નવા શબ્દો શોધે છે અને આ નવા શબ્દો અંગે ચર્ચા-વિચારણા કરીને કયા કયા શબ્દોને નવી આવૃત્તિમાં સમાવવા એનો નિર્ણય લેવામાં આવે છે. હવે તો સોશિયલ મીડિયામાં વપરાતા નવા શબ્દોને પણ આ ડિક્શનરીમાં સમયાંતરે સમાવવામાં આવે છે. નવી આવૃત્તિમાં ૨૦ ટકા શબ્દો સોશિયલ મીડિયામાંથી લેવાયા છે!
ઓક્સફર્ડ જેવી વિશ્વમાન્ય ડિક્શનરીમાં ભારતીય શબ્દો ઉમેરાય તેનો ગર્વ લેવાની સાથે સાથે આપણે ભારતીય ભાષાઓના શબ્દકોશ અંગે પણ ચિંતા અને ચર્ચા કરવી રહી. ગુજરાતીમાં નર્મદે તૈયાર કરેલો નર્મ કોશ, ગાંધીજીની પ્રેરણાથી તૈયાર થયેલો સાર્થ જોડણીકોશ, કે.કા. શાસ્ત્રીએ તૈયાર કરેલો શબ્દકોશ છે તો રતિલાલ ચંદરયાના અથાક પ્રયાસોથી ગુજરાતી લેક્સિકોન નામે ઓનલાઇન કોશ પણ ઉપબ્ધ થયો છે. જો કે, ગુજરાતી ભાષાના આ જુદા જુદા કોશ અંગે મોટા ભાગના કોસિયા (કોમન મેન) અજાણ છે, એ કમનસીબી ક્યારે દૂર થશે?
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, “સંદેશ’, 01 ફેબ્રુઆરી 2015
http://sandesh.com/article.aspx?newsid=3037512
![]()


રજનીભાઈને અંતિમ ‘આવજો’