Opinion Magazine
Number of visits: 9693839
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ નેતાઓનાં રહસ્યમય મૃત્યુનું શું?

હરિ દેસાઈ|Opinion - Opinion|7 October 2015

દીનદયાળ ઉપાધ્યાય-શ્યામાપ્રસાદ મુખરજીના મૃત્યુ માટે કોંગ્રેસ તરફ આંગળી ચીંધનારા હવે કેમ સત્ય બહાર લાવતા નથી?

ઈશુના વર્ષ ર૦૧૬માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. એના પાઈલટ-પરાક્રમ તરીકે બબ્બે વાર કૉંગ્રેસ અધ્યક્ષ રહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ તથા તાશ્કંતમાં ભારત-પાક મંત્રણા વખતે મૃત્યુ પામેલા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં રહસ્યમય મોત પરથી પડદો ઊંચકવા માટેની ગાજવીજ ભારે છે. સ્વરાજ મેળવવામાં ક્યારે ય સક્રિય ભૂમિકા નહીં ભજવનારાઓનાં સંગઠનો અને એમનાં રાજકીય ફરજંદોએ ભૂતકાળમાં ગાંધીજી-નેહરુની નેતાગીરીથી દુભાયેલા કૉંગ્રેસી કે બીજા નેતાઓને પોતીકા ગણાવવાનાં – પ્રજાને પ્રભાવિત કરવાનાં નિતનવાં અભિયાન આદર્યાં છે. કૉંગ્રેસના સૌથી મજબૂત નેતા રહેલા સરદાર વલ્લભભાઈ પટેલને ઍન્કૅશ કર્યા પછી હવે નેતાજી બોઝ અને લાલબહાદુર શાસ્ત્રીનો વારો છે.

સુભાષના પરિવાર સાથે સંબંધ જોડીને વર્તમાન સમયમાં મતનું રાજકારણ ખેલી લેવાની વૃત્તિ-પ્રવૃત્તિ  સોળે કળાએ ખીલેલી જણાય છે. ભા.જ.પ.ને ઉધારીનાં ‘આઇકન’ (પ્રતીકો) મેળવવામાં સવિશેષ રસ હોવાની પરંપરા એના પૂર્વઅવતાર જનસંઘની સ્થાપનાના વખતથી ચાલતી આવી છે. મૂળ કૉંગ્રેસી ધારાસભ્ય અને પછીથી પાકિસ્તાનવાદી ફઝલુલ હકની બંગાળ સરકારમાં નાણાંપ્રધાન રહેલા અખિલ ભારતીય હિંદુ મહાસભાના અધ્યક્ષ અને નેહરુ સરકારના ઉદ્યોગપ્રધાન એવા ડૉ.શ ્યામાપ્રસાદ મુખરજીને જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ બનાવાયા હતા. તેમાં તત્કાલીન સંઘ-સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવલકર(ગુરુજી)ની પ્રેરણા હતી.

ગુરુજી તરફથી જનસંઘની બાંધણી માટે અને દેશભરના સ્વયંસેવકોનો સહકાર મળી રહે એ માટે એમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેવા પ્રચારક આપવામાં આવ્યા હતા. શ્યામાપ્રસાદ અને દીનદયાળ બેઉનાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયાં હતાં. આજે ભા.જ.પ. કે સંઘ પરિવાર થકી સુભાષ અને શાસ્ત્રીના મૃત્યુનાં રહસ્યને ખોલવા ઊહાપોહ મચાવાય છે, પણ જનસંઘના બબ્બે અધ્યક્ષોનાં મૃત્યુનાં રહસ્ય ખુલે એ દિશામાં અનેક રાજ્યો અને કેન્દ્રમાં સત્તાસ્થાને બેઠેલા ભા.જ.પ. અને સંઘના અગ્રણીઓ મૌન સેવે છે અથવા તો જાણી જોઈને એની વિસ્મૃિત કરવાનું પસંદ કરે છે.

દીનદયાળ સ્મૃિત મંચનાં અધ્યક્ષા અને પંડિતજીની ભત્રીજી મધુ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુરોધ કરેલો છે કે દીનદયાળની હત્યાનું વણઉકલ્યું રહસ્ય જાણવા દીનદયાળ પરિવાર આતુર છે. એટલે એની તપાસ આદરવામાં આવે. ભા.જ.પ. તરફથી દીનદયાળની હત્યાને કોંગ્રેસી કાવતરું લેખાવાય છે, પરંતુ પંડિતજીના નિકટના સાથી અને જનસંઘના અધ્યક્ષ રહેલા પ્રા. બલરાજ મધોકે દીનદયાળની હત્યામાં સંઘ પરિવારની જ સામેલગીરી હોવાનું આત્મકથામાં નોંધ્યું છે. રપ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ ચંદ્રભાણ-મથુરામાં જન્મેલા દીનદયાળની આવતા વર્ષે જન્મશતાબ્દીની ઉજવણી પહેલાં એમની હત્યાનું રહસ્ય ઉકેલાય એ અપેક્ષિત છે.

ભા.જ.પ.-જનસંઘના આરાધ્યપુરુષો ડો. શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં મૃત્યુનાં રહસ્ય હજુ વણઉકલ્યાં જ રહ્યાં છે. શ્યામાપ્રસાદનું મૃત્યુ ર૩ જૂન, ૧૯પ૩ના રોજ જમ્મુ-કશ્મીરના તત્કાલીન વડા શેખ અબદુલ્લાની જેલમાં થયાથી દોષનો ટોપલો શેખના મિત્ર પંડિત નેહરુ પર પણ નાખવામાં આવતો રહ્યો છે. ડો. મુખરજીના અંતરંગ સાથી, સંઘના વરિષ્ઠ પ્રચારક અને તે વખતે છ સપ્તાહ પહેલાં જ જનસંઘના અધ્યક્ષ બનેલા પંડિત દીનદયાળનું આકસ્મિક મૃત્યુ મુગલસરાય (ઉત્તરપ્રદેશ) પાસે ટ્રેનમાંથી ફેંકી દેવાયાથી ૧૦ ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ થયું. સી.બી.આઇ. તપાસમાં પંડિત ઉપાધ્યાયનો સામાન ચોરનાર બે જણે ચાલુ ગાડીએ તેમને ધક્કો મારી દીધાનું તારવ્યું અને જસ્ટિસ યશવંત ચંદ્રચૂડ તપાસપંચે પણ એ હાસ્યાસ્પદ વાત માની લીધી હતી. ભા.જ.પ.નું વલણ હત્યાનો દોષ કોંગ્રેસને આપવાનું કાયમ રહ્યું. એટલે તેમના મૃત્યુનું રહસ્ય પણ હજુ વણઉકલ્યું છે.

ભા.જ.પ. અને સંઘ પરિવારનાં પ્રકાશનોમાં ડો. મુખરજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં મૃત્યુ અંગે પ્રશ્નો ઉઠાવાયા. હવે જ્યારે સંઘના સ્વયંસેવકોની કેન્દ્ર સરકાર હોય ત્યારે તેમના પક્ષ ભા.જ.પ. તરફથી સુભાષબાબુ અને લાલબહાદુર શાસ્ત્રીનાં મૃત્યુનાં રહસ્ય ખોલવાની આગ્રહભરી વાત થતી હોય, પણ પોતીકા એવા ડો. મુખરજી અને ‘એકાત્મ માનવવાદ’ના પ્રણેતા દીનદયાળનાં મોત વિશે મૌન સેવાય ત્યારે અજુગતું લાગવું સ્વાભાવિક છે. અત્યારે રાજ્યપાલ તરીકે કાર્યરત તથાગત રાય ડો. મુખરજીની જીવનકથા લખે કે હરીશચન્દ્ર અને પદ્મિની શ્યામાબાબુનાં સંસ્મરણોનો ગ્રંથ પ્રગટ કરે ત્યારે જનસંઘના સંસ્થાપક અને અધ્યક્ષ રહેલા બલરાજ મધોકને અવશ્ય અધિકૃતપણે ટાંકે છે.

જો કે જનસંઘમાંથી તગેડી મૂકાયેલા બલરાજ મધોકલિખિત આત્મકથાના તૃતીય ખંડ ‘જિંદગી કા સફર-૩, દીનદયાળ ઉપાધ્યાય કી હત્યા સે ઇન્દિરા ગાંધી કી હત્યા તક’(દિનમાન પ્રકાશન, દિલ્હી, ર૦૦૩)માં ઇતિહાસના આ પ્રાધ્યાપકે જે રહસ્યોદ્દઘાટન કર્યાં, એ પછી સંઘ-જનસંઘ-ભા.જ.પ.ના કોઈ પણ નેતાની હિંમત શ્યામાબાબુ અને દીનદયાળની હત્યાઓના રહસ્ય પરથી પડદો ઊંચકવાની થઈ શકે તેમ નથી. કારણ? નેહરુઘરાના પર દોષારોપણ કરવાની ચાલતી રહેલી પરંપરાથી વિપરીત બલરાજ મધોકે રજૂ કરેલાં તથ્યો પોતીકાઓની જ સંડોવણી ભણી અંગુલિનિર્દેશ કરે છે. વર્ષ ર૦૦૩થી આજ લગી ઉપલબ્ધ મધોકની આત્મકથા સામે ભા.જ.પ. કે સંઘ કે બીજી કોઈ વ્યક્તિઓએ બદનક્ષીનો દાવો કર્યાનું સાંભળ્યું નથી; ભલે એમાં સંઘના સરસંઘચાલક રહેલા બાળાસાહેબ દેવરસ,વરિષ્ઠ પ્રચારક રહેલા નાનાજી દેશમુખ અને દેશના વડાપ્રધાન રહેલા અટલબિહારી વાજપેયીના નામોલ્લેખ સાથે હત્યાના ષડ્‌યંત્રનાં વિશદ વર્ણન કરાયાં હોય.

બલરાજ મધોકે નવેમ્બર, ૧૯૭૦માં વિદેશપ્રવાસેથી પાછા ફરીને લોકસભામાં છેલ્લું ભાષણ કરતાં રાજકીય હત્યાઓના મુદ્દે કાંઈક આવું કહ્યું હતું ઃ ‘આ દેશમાં ગાંધીજીની હત્યા થઈ, એ વિશે એક ટ્રિબ્યુનલ બેસાડાયું અને ચુકાદો આવ્યો. નેતાજી સુભાષચંદ્ર બોઝ લાપતા થયાનાં વીસ વર્ષ પછી એ વિશે તથ્યોની તપાસ થઈ રહી છે. પરંતુ ડો. મુખરજીની હત્યા અંગે કોઈ તપાસ નથી થઈ. લાલબહાદુર શાસ્ત્રીના મૃત્યુ અંગે તપાસની માગણી થઈ રહી છે. દીનદયાળ ઉપાધ્યાયની પણ હત્યા થઈ, પરંતુ એ વિશે પણ ઢાંકપિછોડો કરાવાય છે. જ્યાં સુધી નિષ્પક્ષ તપાસને અંતે એ સાબિત નથી થતું કે લાલબહાદુરજીનું મૃત્યુ કુદરતી કારણોથી જ થયું હતું, ત્યાં સુધી અમને એને હત્યા કહેવાનો અધિકાર છે.’

અત્યારે ૯૫ વર્ષની વયે દિલ્હીમાં વસતા અને વડાપ્રધાન મોદીને આશીર્વાદ આપનાર પ્રા. મધોકે રાજકીય હત્યાઓનાં રહસ્યો બહાર લાવવામાં ઇંદિરાજીને અવરોધ ગણાવ્યાં હતા અને એમની હત્યા સાથે એ રહસ્ય પણ ધરબાઈ ગયાનું નોંધ્યું છે. હવે તો જનસંઘ-ભા.જ.પ.ના મોદી સત્તાસ્થાને છે અને લોકપ્રિયતાની ટોચ પર બિરાજે છે, ત્યારે સુભાષ અને લાલબહાદુરનાં મોતનાં રહસ્યની સાથે મુખરજી અને દીનદયાળના રહસ્યમય મૃત્યુ પરથી પડદો હટે અને સત્ય બહાર એવી તેમના ચાહકોની પણ અપેક્ષા ખરી.

હરિ દેસાઈ લેખક સરદાર પટેલ સંશોધન કેન્દ્રના નિયામક અને જાણીતા પત્રકાર છે

e.mail : haridesai@gmail.com

http://www.divyabhaskar.co.in/news/ABH-what-about-mysterious-death-of-these-leader-5134237-NOR.html

Loading

સમજ વધે એવી આશે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|7 October 2015

સમાજશાસ્ત્રના અધ્યાપક-સંશોધક ગૌરાંગ જાનીના, વાચકને વિચારોથી ઝકઝોરી દેનારા  ચાળીસ લેખોનું પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’ અત્યારના ગુજરાતમાં શિક્ષણમાં આસ્થા  ધરાવનારા સહુએ અચૂક વાંચવા જેવું છે. અહીં લેખક મુખ્યત્વે  વિદ્યા અર્થાત્  શિક્ષણની વાત સામાજિક માળખું , શાસનતંત્ર, શિક્ષણવ્યવસ્થા અને નવી વિશ્વવ્યવસ્થા એવા દૃષ્ટિકોણોથી કરે છે. અલબત્ત લેખોમાં આ ચાર અલગ પડતા નથી પણ મોટે ભાગે એકબીજા સાથે જોડાતા-ભળતા રહે છે.

વર્ણાશ્રમ પર આધારિત સમાજને કારણે ઊભી થતી શિક્ષણવંચિતતા લેખકને સતત કઠે છે. જ્ઞાતિ, વર્ગ, કારકિર્દી, અટક મુજબનાં હાજરીપત્રક, અનામતની જોગવાઈ જેવા મુદ્દા અહીં છે.  એકલવ્યનો સંદર્ભ પુસ્તકમાં ચારેક વખત આવે તે સ્વાભાવિક છે. વાલ્મીકિઓ અને મહિલાઓ બંને સફાઈ કામની જવાબદારીને કારણે જ શિક્ષણમાં પાછળ રહી ગયાં છે એવું એક ચોટદાર નિરીક્ષણ છે. આપણી સમાજવ્યવસ્થાએ નારીને આપેલા ગૌણ સ્થાનની  સ્ત્રી-શિક્ષણ પર  કેટલી ભયંકર અસર પડી છે એ અહીં અનેક મુદ્દે લખાયું છે.  કુટુંબ નામના જે એકમનો સમાજ બનેલો છે તેમાં બાળકોના ઉછેર અંગે લેખકને ઘણું કહેવાનું થાય છે. ટેલિવિઝન અને મોબાઈલ, ટૉય-ગન્સ અને નૂડલ્સ, અંગ્રેજી અને આકાંક્ષાઓની ઘેલછા, શાળાના બોજ અને જુલમ વચ્ચે સુખી ગણાતાં ઘરનાં બાળકો ઉછરે છે. તો બીજી બાજુ, કચડાયેલાં વર્ગોનાં ‘મૂંગા ઢોરની જેમ’ વૈતરું કરતાં છોકરા-છોકરીઓ છે. એમની પાસેથી શિક્ષણ છિનવાઈ રહ્યું છે. 

ગરીબોની શિક્ષણવંચિતતાનું  એક કારણ ‘સરકાર શિક્ષણમાંથી ઉત્તરોત્તર પોતાને દૂર કરી રહી છે’. સામે પક્ષે તે પ્રવેશોત્સવો કરે છે, જેના છતાં ‘પ્રાથમિક શિક્ષણની વાસ્તવિકતા ગુણાત્મક રીતે બદલાતી નથી’. વિનામૂલ્યે અને ફરજિયાત શિક્ષણનો કાયદો(રાઇટ ટુ એજ્યુકેશન) લેખક વારંવાર યાદ કરાવે છે. તેના થકી મળનાર શિક્ષણને સાર્થક કેવી રીતે બનાવી શકાય તે માટેનાં સૂચનો ‘ગુણોત્સવ’ના સંદર્ભમાં આપે છે. ‘ખાનગીકરણ એટલે ગુણવત્તા એવા વિચારોનો ફેલાવો કરનારા કેળવણીકારો અને રાજકારણીઓનો સહિયારો પ્રયાસ રંગ લાવ્યો છે’. ‘બજારકેન્દ્રી વિચારશાખાની પેદાશ’ એવા સેલ્ફ-ફાઇનાન્સ્ડ શિક્ષણનાં દૂષણો અનેક લેખોમાં બતાવવામાં આવ્યાં છે. ‘ગુજરાત : શિક્ષણના વેપારબીજથી વેપારવૃક્ષ સુધી’ મહત્ત્વનો લેખ છે. આ ઉપરાંતના બે લેખોમાં પણ ગૌરાંગભાઈ ગુજરાતના શિક્ષણના ઇતિહાસની વાત કરે છે.

લેખકના અભ્યાસ મુજબ શાળાશિક્ષણમાં બે વર્ગો છે : ‘મધ્યાહ્ન ભોજનનું આમ ગુજરાત અને લંચ બૉક્સનું ખાસ ગુજરાત’. ભારે દફ્તર, ‘બજારુ બનાવી દેવામાં આવેલાં પીવાના પાણીની બૉટલો’, તેડાગર, મૉનિટર, કાળું પાટિયું, ‘કામ-ઘરકામ-લેસન’ – આ બધું પણ લેખકની નજરબહાર નથી. શાળા-કૉલેજનાં જડ હાજરીપત્રકો તેમ જ ટાઇમટેબલની સામે તે વિદ્યાર્થીઓની કઠિનાઈ અને તંત્રની કચાશોને મૂકે છે. મોંઘી પ્રવેશપરીક્ષાઓ હવે મૂડીરોકાણ માટેનું ક્ષેત્ર બન્યું છે ! ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા કિન્તુ ફાજલ હો સકતા હૈ !’ એવી વ્યંજના પણ તે કરે છે. પાઠ્યપુસ્તકોની પુરુષકેન્દ્રીતા વિશે બે લેખો છે. સામાજિક વિજ્ઞાનોનાં શિક્ષણની અનિવાર્યતા બતાવીને તે કહે છે ‘વિનયન વિદ્યાશાખાનાં વળતાં પાણી નથી પરંતુ આપણી વિદ્યાકીય વિચારધારાનાં પાણી છીછરાં છે !’ ગણિત-વિજ્ઞાનના શિક્ષણનો સામાજિક સંદર્ભ અને સામાજિક સંશોધનની ભૂમિકા  તે પ્રતીતિજનક રીતે મૂકે છે. કૉલેજના વિદ્યાર્થીઓ થકી સ્મશાન કે ગાંધીઆશ્રમની મુલાકાતના ફળદાયી ઉપક્રમ વિશે વાંચવા મળે છે. એક્સ્ટર્નલ પરીક્ષાર્થીઓની દુર્દશા અને વિદ્યાર્થીઓના આપઘાત વિશે ચિંતા સેવનારા જૂજ અધ્યાપકોમાંના એક ગૌરાંગભાઈ છે. ગુજરાતી ભાષાની અવગણના, વાચનનું ઘટતું પ્રમાણ, ધાર્મિકતા અને અંધશ્રદ્ધાની લોકો તેમ જ શિક્ષણ પર વધતી જતી પકડ પણ તેમની નિસબતના વિષયો છે. ‘આપણા તહેવારો : ધર્મથી સંસ્કૃિત તરફ’, ‘હસ્તાક્ષરોનો વારસો’, ‘સર્વધર્મ સમભાવ અને સ્વામી વિવેકાનંદ’ ‘બાળવાર્તાઓનું સમાજશાસ્ત્ર’, ‘સ્ત્રી: જન્મ, ઉછેર અને સશક્તિકરણ’ ખાસ ઉલ્લેખ કરવા જેવા લેખો છે. પુસ્તકનું નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ગ્રંથાલય અને પ્રકાશન પ્રવૃત્તિ વિશેના લેખને અંતે આવતી દલપતરામની પંક્તિ છે. 

પુસ્તકના અવકાશપૂરકોમાં (ફિલર્સ) તેના પ્રત-સંપાદક (કૉપિએડિટર) કેતન રૂપેરાની દૃષ્ટિસંપન્નતાની અને તેના  એકંદર નિર્માણમાં તેની માવજત દેખાય છે. દેવકાન્તે બનાવેલું મુખપૃષ્ઠ સમાજના ઉપેક્ષિત વર્ગની કન્યાકેળવણી તરફની ગતિનું સૂચક છે. ક્ષિતિ પ્રકાશનના આ પુસ્તકના  મુખ્ય વિક્રેતા નવજીવન ટ્રસ્ટ  છે.

સાદી છતાં અસરકારક ગુજરાતી ભાષા અને ભાર વિનાની, ગળે ઊતરે એવી રજૂઆત પુસ્તકના  દરેક લેખને વાચનીય બનાવે છે. ગંભીર મુદ્દાને રોજબરોજની સામાજિક વાસ્તવિકતા થકી સમજાવવામાં આવ્યા છે. પુસ્તકમાં એવાં અનેક મૌલિક નિરીક્ષણો અને વિચારપ્રેરક ગદ્યાંશો છે અનેક છે. અહીં વિરોધ છે, પણ અભિનિવેશ નથી. અત્યારના ગુજરાતી સમાજની ટીકા છે, કડવાશ નથી.

ગૌરાંગ જાનીએ આ પુસ્તક લખ્યું છે તે સમજ વધે એવી આશે.

4 ઑક્ટોબર 2015

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 07 અૉક્ટોબર 2015

Loading

ગુજરાતી સાહિત્ય પરિષદને સો વર્ષ, પછી?

રમણ સોની|Opinion - Literature|6 October 2015

આઠમા દાયકાના ઉત્તરાર્ધમાં, પરિષદના પોતાના મકાન ‘ગોવર્ધન-ભવન’નું નિર્માણ થયું. ‘નદીકિનારે’ એવું એનું સરનામું શોભતું હતું. એ જ વર્ષોમાં ગુજરાતી સાહિત્યના સંપાદિત ઇતિહાસના ચાર ખંડો (૧૯૭૩થી ૧૯૮૧) તૈયાર થઈ ચૂક્યા હતા અને ઉમાશંકર જોશીએ એમાં સીધો, સક્રિય રસ લીધો હતો. તે અગ્રણી સંપાદક હતા, એટલું જ નહીં, નરસિંહ મહેતા વિશેનું એક પ્રકરણ પણ એમણે એમાં (ખંડ-૧માં) લખેલું. એ જ અરસામાં (૧૯૮૦) ‘ગુજરાતી સાહિત્યકોશ’ની યોજના આરંભાઈ હતી. જયંત કોઠારી જેવા ઉત્તમ સંશોધક વિદ્વાનની એના મુખ્ય સંપાદક તરીકે વરણી થઈ હતી. ત્રણ ખંડમાં પ્રકાશિત આ સાહિત્યકોશને પરિષદનું કદાચ એક સૌથી વધારે મહત્ત્વનું પ્રદાન ગણવાનું થશે. ૧૯૮૨ આસપાસ પરિષદ-સંચાલિત સંશોધનની સંસ્થા તરીકે ક.લા. સ્વાધ્યાયમંદિર રચાયું ને ચંદ્રકાન્ત શેઠ એના પહેલા નિયામક થયા. ભાષાવિજ્ઞાન વિશેનું જ એક સ્વતંત્ર સામયિક ૧૯૭૮થી હરિવલ્લભ ભાયાણીના સંપાદન-માર્ગદર્શનમાં પરિષદે આરંભેલું જે ચંદ્રકાન્ત શેઠ અને પછી ચંદ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં ભાષાવિજ્ઞાન ઉપરાંત સાહિત્યવિવેચનવિચારના સામયિક તરીકે ચાલતું રહ્યું. પરિષદની આ એક ગૌરવ-પ્રતિષ્ઠ પ્રવૃત્તિ હતી. સાહિત્યકોશનો પ્રથમ ખંડ ૧૯૮૯માં પ્રગટ થયો …

ઊંચી સાહિત્યવિવેચન-સજ્જતા ઉપરાંત વહીવટી ક્ષમતા ધરાવતા ચંદ્રકાન્ત ટોપીવાળા ક.લા. સ્વાધ્યાયમંદિરના નિયામકપદે આવ્યા ને એમણે પરિષદમાં વિદ્યાપ્રવૃત્તિનો હાથ ઉપર રાખ્યો. ક.લા. સ્વાધ્યાયમંદિરના અન્ય સંશોધકોને સાથે રાખીને – ૧૯૮૬માં ‘સાહિત્યસંજ્ઞા કોશ’ અને એની પૂર્તિરૂપે, ૧૯૮૮માં ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ’ એમણે કરી આપ્યા અને સાહિત્યકોશનો બીજો(૧૯૯૦)ને ત્રીજો (૧૯૯૬) ખંડ પ્રગટ કર્યા. ક.લા. સ્વાધ્યાયમંદિરની, સાહિત્ય-સંશોધનની સંસ્થા તરીકે કાર્યક્ષમ પ્રસ્તુતતા ઊભી થતી રહી ને એણે પરિષદનું ગૌરવ વધાર્યું.

આ દાયકાઓ દરમિયાન પરિષદ મંત્રી રઘુવીર ચૌધરી એમની વહીવટી દક્ષતાથી ને વ્યવહારપટુતાથી પરિષદની લોકાભિમુખ પ્રવૃત્તિઓ તેમ જ એની વિદ્યાભિમુખ પ્રવૃત્તિઓને સંકલિત કરતા રહ્યા. પરિષદ ભવન ઊભું કરવામાં પણ એમની સક્રિયતાનો ફાળો ઘણો મહત્ત્વનો હતો. પરંતુ પછી વહીવટીતંત્ર પર વધુ ભાર મૂકાતો રહ્યો, એમાં ય એમનો ફાળો જ મહત્ત્વનો બનતો રહ્યો. ઉપર ઉલ્લેખાયેલ સમયગાળામાં પણ આ વહીવટી દાબનો અનુભવ, એમાં કાર્યરત વિદ્વાનોને પણ થતો રહેલો.

વિદ્યાપ્રવૃત્તિ મંદ કે નબળી પડતી જાય ને કેવળ તંત્ર-પરકતા વધતી જાય, ત્યારે સાહિત્યસંસ્થાને સામાજિક રાજકીય સંસ્થાથી જુદી પાડવી મુશ્કેલ બનતું જાય. સંસ્થાને એક શિખરે પહોંચાડ્યા પછી અગ્રણી પાછો વળી જાય ને બીજાઓની ક્ષમતાને માર્ગ કરી આપે એ ઇષ્ટ પરંપરા ન પળાઈ. મંત્રી રૂપે, ખજાનચી રૂપે, પ્રમુખ રૂપે, ટ્રસ્ટી રૂપે રઘુવીર કેન્દ્રમાં જ રહેતા ગયા (ટ્રસ્ટી પણ બધી જ સભા-બેઠકો-સમિતિઓમાં પોતાની સક્રિય ઉપસ્થિતિ રાખે એવી ‘પરિપાટી’ સુદ્ધાં એમણે ઊભી કરી). અર્પણને કેવળ અને કેવળ વિધાયક રહેવા દેવું જોઈએ – એ ન થયું. સંગીન વિદ્યાપ્રવૃત્તિનો અભાવ (ગયા આખા દાયકા ઉપર) વિસ્તરતો ગયો ને વહીવટકારની મુદ્રા પ્રભાવક બનતી ગઈ …

[‘પ્રત્યક્ષ’, ઑક્ટોબર – ડિસેમ્બર ૨૦૦૫]

e.mail : ramansoni46@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 12

Loading

...102030...3,7363,7373,7383,739...3,7503,7603,770...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved