Opinion Magazine
Number of visits: 9554622
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ તો લખવું જ પડે

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|3 July 2015

નાગરિક સ્વાતંત્ર્ય માટે લડતા ગુજરાતના સાત કર્મશીલોને સરકારનો વિરોધ કરવા માટે કેવું વેઠવું પડ્યું તેને લગતી, અગિયારમી જાન્યુઆરીએ બનેલી એક ઘટના ભાગ્યે જ નોંધાઈ છે. પિપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પી.યુ.સી.એલ.)ના મહામંત્રી ગૌતમ ઠાકર પાસેથી મળેલી માહિતીને આધારે એ નોંધવી જ પડે.

અગિયારમી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાતના ઉત્સવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર આવવાના હતા. તેના પહેલા સોળ ડિસેમ્બરે વિંછિયાના ખેડૂતે કપાસના ટેકાના ભાવ નીચા મળવાના વિરોધમાં આત્મવિલોપન કર્યું હતું. કપાસના નીચા ભાવ અને ખેડૂત વિરોધી કાયદાની સામે આંદોલન ચાલુ હતું. તેના ભાગ રૂપે ગાંધીનગર પાસે અડાલજ પાસે એકઠા થઈને કાળા વાવટાના દેખાવો કરવાનું આયોજન હતું. ત્યાં જવા માટે ‘નયા માર્ગ’ના તંત્રી અને ખેતવિકાસ પરિષદના વડા ઇન્દુકુમાર જાની, અર્થશાસ્ત્રી અને ‘અભિદૃષ્ટિ’ માસિકના તંત્રી  રોહિત શુક્લ અને પી.યુ.સી.એલ.ના ગૌતમ ઠાકર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઑફિસ પાસે એકઠા થઈને ઇન્દુકુમાર જાનીની મોટરમાં અડાલજ જવાના હતા. આ ત્રણ હજુ તો ભેગા થયા જ હતા, ત્યાં તો પોલીસવાળા આવ્યા અને એમને અટકાયતમાં લીધા. પોલીસે તેમના ફોન ટ્રૅક કરીને માહિતી મેળવી હતી. ઇન્દુકુમારની મોટરમાં જ ત્રણેયને બેસાડ્યા અને એક પોલીસવાળાએ મોટર ચલાવી. સિત્તેરની ઊંમરે પહોચેલા ત્રણેયને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ક્રાઇમ બ્રાન્ચ વિભાગમાં લઈ જવામાં આવ્યા અને સાંજે છોડવામાં આવ્યા. તેમના મોબાઇલ લઈ લેવામાં આવ્યા. તેમને એમ કહેવામાં આવ્યું કે વડા પ્રધાન વાઇબ્રન્ટ કાર્યક્રમમાંથી દિલ્હી જવા રવાના થશે પછી જ તેમને છોડવામાં આવશે. એટલું જ નહીં, પણ આખો દિવસ પોલીસ અધિકારીઓ તેમની સામે જ બેસી રહ્યા. પોલીસ અધિકારીઓએ તેમને એ મતલબનું કહ્યું કે ‘ ખેડૂતોમાં બુદ્ધિ નથી. તમારામાં છે – તમે એમની થિંક ટૅન્ક છો એટલે તમને અટકાયતમાં લીધા છે.’ ત્રણેય સામે એ મતલબનું કહ્યું કે, ‘આ સરકાર અત્યારે ખેડૂતોની જમીન છીનવી રહી છે, કાલે તમારા લોકોની જમીનો પણ આંચકી લેશે!’ આ જ જગ્યાએ થોડાક સમય પછી  ખેડૂતો માટે લડતા વિરલ કર્મશીલ સાગર રબારી, સ્ટૅચ્યૂ ઑફ યુનિટીને કારણે કેવડિયા પંથકમાં થનાર વિસ્થાપનનો વિરોધ કરનારા સમર્પિત લોકનેતા લખન મુસાફિર, ‘જમીન આંદોલન-ગુજરાત’ના અભ્યાસી સંશોધક પર્સિસ જીનવાલા અને લડાયક કાર્યકર ભરતસિંહ ઝાલાને પણ ત્યાં અટકાયતમાં રાખવામાં આવ્યા. સાગરભાઈ અને લખનભાઈને મધ્યરાત્રિએ ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઊઠાવવામાં આવ્યા હતા.

ગૌતમભાઈએ આપેલી માહિતી મુજબ પોલીસે નેવું વર્ષના સનત મહેતાને વધુ પરેશાન કર્યા. તેમને ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી ખુરશીમાં બેસાડી રાખ્યા, સોફા પર પણ  બેસવા ન દીધા. અંતે ‘તમે જે થાય તે કરી લો, હું તો આડો પડીશ’, એમ કહીને સનતભાઈ પોલીસ સ્ટેશનની લૉન્સમાં આડા પડ્યા. રાજ્યભરમાં સેંકડો ખેડૂતોની ધરપકડો થઈ. એ અંગે અખબારોમાં વાંચવા મળ્યું.

પણ આ સાત કર્મશીલોની અટકાયત અંગે કશું વાંચવા મળ્યું નહીં તેની નવાઈ લાગે છે.

૨૫ જૂન, ૨૦૧૫; મધ્યરાત્રિ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 15

Loading

વસંત-રજબ બેલડીની વિરાસતને વંદન

પીયૂષ મુકુન્દ પારાશર્ય|Opinion - Opinion|3 July 2015

પહેલી જુલાઈનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોમી એકતા માટે બલિદાન આપનાર બેલડી વસંત-રજબની યાદ તીવ્ર રીતે મનનો કબજો લઈ રહી છે. માત્ર ૬૯ વર્ષમાં જ આ દેશે જે પરિવર્તન અને બરબાદી જોયાં છે એવાં ભાગ્યે જ અન્ય કોઈ દેશે જોયાં હશે. વૈશ્વિક શાંતિ માટે ગાંધીજી આપણા સમગ્ર દેશ માટે એક આદર્શ રહ્યા અને શાંતિના પ્રચાર માટે અને આધ્યાત્મિક શાંતિ માટે મોટી અપેક્ષા સાથે ભારત દેશ તરફ સહુ જોતાં રહ્યાં છે.

પણ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ ઍન્ડ પીસ’ના તાજેતરનાં તારણો પ્રમાણે અને તેણે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે શાંતિના સૂચિતાંકમાં વિશ્વના ૧૬૨ દેશોમાં ભારત છેક ૧૪૩માં સ્થાને છે. અહીં શાંતિ અને સુરક્ષાનો સ્તર ખૂબ જ નીચો છે અને દક્ષિણ એશિયાના સાત દેશોમાં ભારત પાંચમાં સ્થાને છે. બ્રિટનની ઉત્તર પશ્ચિમે આવેલો આયર્લેન્ડ સૌથી વધુ શાંતિમય દેશ છે. તો સીરિયા આ યાદીમાં છેલ્લા, ૧૬૨માં ક્રમાંકે છે.

ગાંધીજીએ કલ્પેલા અખંડ ભારતના સીમાડાઓ તો ક્યાં ક્યાં સુધી વિસ્તરેલા હતા! આજનું પાકિસ્તાન, બાંગ્લાદેશ તો ભારતનો જ ભાગ હોત અને તેમાં પડોશનો દેશો પણ ભળ્યા હોત, એવા અખંડ ભારતના દેશની કુલ વસતીનો વિચાર કરીએ તો સહેજે તે આજે ૧૮૦થી ૧૯૦ કરોડની વસતી ધરાવતો દેશ બની જાત. વર્ષ ૨૦૧૪ દરમિયાન વિશ્વમાં છ કરોડ લોકો વિસ્થાપિત થયા પણ ધર્મના આધારે એકબીજાને ધિક્કારતા રહેવાની અને ઝનૂનપૂર્વક લડવાની વૃત્તિએ એવું નથી થવા દીધું, એ એક વાત.

પણ રજબઅલી લાખાણીની વાત જ્યારે મારા વડીલ મિત્ર યોગેન્દ્રભાઈ વાસા (જેમને ૮ જૂનના દિવસે ૯૪મું વર્ષ બેઠું.) પાસેથી જાણું છું ત્યારે થાય છે કે આદર્શવાદી અને ગાંધીજીના આદર્શો ઉપર જીવનભર નિષ્ઠાથી ચાલનારા રજબઅલી લાખાણી અને તેમના કુટુંબીજનોની લોકપ્રિયતા કેટલી અનન્ય હતી! પરમ શ્રદ્ધેય એવા યોગેન્દ્રભાઈ કહે છે કે ભાવનગરના રસ્તા ઉપર રજબઅલી ચાલ્યા જતા હોય અને સામે કોઈ ઓળખીતો સાયકલ સવાર નીકળે તો તે તરત ઊતરી જઈને રજબઅલીને વંદન કરતો. સરકારી નોકરીનો ત્યાગ કરવાની ગાંધીજીની એક જ હાકલને માન આપીને પોસ્ટ ઑફિસમાં નોકરીનો ત્યાગ કરેલો. ઘરની આર્થિક સ્થિતિનો વિચાર પણ તેમણે નહોતો કર્યો. તે પછી રજબઅલી અમદાવાદ સ્થાયી થયા, મોટા ફલક ઉપર કોમી એકતા સ્થાપવાના ઉચ્ચ આદર્શો લઈને જીવ્યા અને શહાદત વહોરી લીધી. રજબઅલી જ્યારે ભાવનગરમાં હતા ત્યારે તેમને ભાવનગર રાજ્યનું પૂરું રક્ષણ હતું. જેવી રીતે સરદાર પૃથ્વીસિંહ આઝાદને ભાવનગરમાં આશ્રર્ય આપીને રક્ષા-કવચ પૂરું પાડવામાં આવ્યું હતું તેવી જ રીતે ભાવનગર રાજ્યે બ્રિટિશ સરકારોને જણાવી દીધું હતું કે ભાવનગર રાજ્યમાં સરકાર વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી રહી નથી. તેથી સરકારે ભાવનગર રાજ્યમાં કોઈ તપાસ કરવાની જરૂર જ નથી. યુવાનોનું શરીર સૌષ્ઠવ સુધારવાનું અને ચારિત્ર્ય ઘડતર કરવાનું કામ ક્રાંતિવીર પૃથ્વીસિંહને સોંપાયું. જે ભાવનગરના શ્રીગણેશ ક્રીડા મંડળમાં ૧૯૨૪થી રહીને જીવનના અંતિમ શ્વાસ સુધી તેમણે ચાલુ રાખ્યું. સ્વામીરાવના છદ્મનામે રહ્યા.

તેવી જ રીતે રજબઅલી લાખાણી અને તેમના સાથીદાર મિત્રો ચિંતનરંજનભાઈ પાઠક, અનિલભાઈ શાહ, પુષ્પેન્દ્રભાઈ ત્રિવેદી, રાવતભાઈ મહેતા, મહેન્દ્રભાઈ મહેતા તથા અન્ય મિત્રો ભાવનગરમાં સત્યના રાયકા રોડ ઉપર આવેલા દક્ષિણામૂર્તિના મકાનમાં (જ્યાં આજે ‘કલાક્ષેત્ર’ નામની નૃત્યસંસ્થા ધરમશીભાઈ શાહના – વય ૯૫ વર્ષ – માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીયનૃત્યશૈલીની તાલીમ આપે છે) રાષ્ટ્રીય ચળવળ અંગેની પત્રિકાઓ તૈયાર કરતા અને ત્યાં જ છાપતાં. પત્રિકાઓનું વિતરણ પણ સારી રીતે પાર પડાતું.

યોગેન્દ્રભાઈ વાસા કરતાં વયમાં રજબઅલી મોટા હતા. રાષ્ટ્રીય ચળવળના સમયમાં સરકારી જીપ નીચે બૉંબ ફોડેલો, પકડાયા નહોતા, જેલ પણ નહોતી થઈ, સરકારી દફતરે શંકાસ્પદ વ્યક્તિ તરીકે નામ નોંધાયેલું એટલે તે પછી સ્વાયંત્ર્ય સેનાનીના ખિતાબથી પણ દૂર રહ્યા જે વાતનું તેમને ગૌરવ આજે પણ છે. ભાવનગરમાં દેના બૅંકમાં યોગેન્દ્રભાઈ કલાર્ક તરીકે નોકરી કરતા હતા ત્યારે ૧૯૪૬માં તેમના એક મિત્રે મુંબઈથી તેમને પત્ર લખ્યો કે ગાંધીજીનું પ્રવચન મુંબઈમાં જુહુ ઉપર યોજાયું અને એ સ્થળ મારા ઘરની સાવ નજીક છે. ગાંધીજીને તારે નજીકથી જોવા હોય તો મુંબઈ આવ. યોગેન્દ્રભાઈએ રજાનો રિપોર્ટ મૂક્યો અને તેમાં મુંબઈ જવા પાછળનું સાચું કારણ લખ્યું. રજા મંજૂર થઈ એ કારણથી કે રજાના રિપોર્ટમાં ગાંધીજીને રૂબરૂ જોવા માટે જવું છે તેવું સાચું કારણ જણાવેલું. દેના બૅંકના શેઠ પ્રાણાલાલભાઈએ આ વાતને ખૂબ જ બિરદાવેલી.

યોગેન્દ્રભાઈ આજે ભાડાના મકાનમાં એકાકીજીવન વ્યક્તિ કરે છે, આધારકાર્ડ નથી, રાંધણગેસથી વંચિત છે. ગાંધીમૂલ્યોને વરેલા યોગેન્દ્રભાઈ, ગાંધીયુગના એ સુવર્ણ દિવસોને યાદ કરે છે, રજબઅલી જેવા સન્માન્ય શહીદને યાદ કરે છે, પોતે તેમની સાથે જીવ્યા છે તેના સંતોષ વ્યક્ત કરે છે. રજબઅલીના એક સમકાલીન આજે પણ ગાંધીમૂલ્યોને કેવાં જતનપૂર્વક યાદ કરે છે અને નિષ્ઠાપૂર્વક આજે પણ એ રીતે જીવનમાં સંતોષ માને છે. પોતે કોઈ રાષ્ટ્રીયપક્ષની કંઠી પણ પહેરી નથી. ધન્ય છે વસંત-રજબ અને ગાંધીમૂલ્યોને વરેલા આવા થોડાએક બચેલા સત્પુરુષોને.

વસંત-રજબ ! આ ક્ષણે તમને શત્ શત્ પ્રણામ. પણ વિશાળફલક ઉપર તમારી વિરાસતને અમે જતનપૂર્વક જાળવી નથી શક્યા, માફ કરશો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 16

Loading

૨૧-૬-૨૦૧૫ની સવારે હું યોગ નહીં, નહીં, નહીં જ કરું

નિરુપમા સુબ્રમણિયન|Opinion - Opinion|3 July 2015

૨૧-૬-૨૦૧૫ની સવારે હું ‘યોગ’ નહીં, નહીં, નહીં જ કરું

એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી હજી ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા બન્યા. બાબા રામદેવનું નામ ત્યારે ક્યારેક ટીવીની ક્ષિતિજ પર ચમકતું રહેતું હતું. હું ત્યારે શ્રીલંકામાં કોલંબોની એક બૅંકમાં કામ કરતી હતી. બૅંકના એક સહકાર્યકર બૅંગલોરના હતા. એમની તાજગી, ચુસ્તીના અને સ્ફૂિર્તથી હું આશ્ચર્યચક્તિ થતી, એક દિવસ એમની આ તાજગીનું રહસ્ય મેં પૂછી નાખ્યું. જવાબમાં એમણે મને સૂર્યનમસ્કાર અને યોગ શીખવાડ્યા. તેમના પત્ની તો વળી યોગનિષ્ણાત અને યોગ શિક્ષક પણ હતાં. યોગની ખાસ મૅટ (ચટાઈ), તેની પર ચોખ્ખી સફેદ ચાદર અને મારે તેના પર કરવાનો આયામ ને આયાસ પંદર દિવસોમાં શ્વાચ્છોશ્વાસ, આસનો, પાયાના ક્રિયા-કૌશલો વગેરે હું શીખી ગઈ. મને બહુ મજા પડી. એકથી બીજી ક્રિયામાં સરવામાં મને નૃત્યના લાસ્ય જેવો લય લાગ્યો. ત્યારથી હું નિયમિત યોગ કરતી આવી છું.

બીજા વર્ષે મારે અમેરિકા રહેવાનું થયું. પહેલી જ વાર મેં સુપરમાર્કેટમાં યોગની મૅટ વેચાતી જોઈ. મેં તરત જ પંદર ડૉલર ખર્ચી મેટ ખરીદી લીધી. અમેરિકામાં આઈવી કેમ્પસમાં એક કૅનેડિયન શિક્ષક પાસે મેં યોગના વિશેષ પાઠો અભ્યાસ કર્યો. પછી ભારત આવવાનું થયું. સામાનમાં સૌથી પહેલા મેં મારી લીલા રંગની યોગમૅટ મૂકી. ભારતમાં એવી મૅટ મળે કે કેમ તેની શંકા હતી. ચાર વર્ષ પછી એવી મેટ ચેન્નાઈમાં મળી. તેના પર જેવા અંગુઠા કે બીજા ડાઘ પડે કે હું નવી મેટ ખરીદી લેતી એવી કેટલી ય મેટ ખરીદી છે. પાકિસ્તાનમાં જવાનું થયું ત્યાં એક સ્વીસબાનુ યોગશિક્ષક તરીકે મળ્યાં. એમની પોલીશ અને ફિનાશ અસલ સ્વીસ હતાં.

હું શીખતી રહી, શીખવાડતી રહી. વિખ્યાત યોગશિક્ષક કૃષ્ણમાચાર્ય અને તેમના પુત્ર દેશીકારની પાસે તાલીમનો લાભ પણ લીધો. મારે માટે અને દેશ-વિદેશના કેટલાક નાગરિકો માટે યોગ નવીનતા નથી. આજથી અડધી સદી પહેલાં, ૧૯૬૦થી ય પહેલાં યોગ લોકપ્રિય છે અને એની ‘પ્રેક્ટિસ’ કરનારા વિશ્વભરમાં આજે કરોડો લોકો છે. વિશ્વવિખ્યાત વાયોલિનવાદક યહુદી મેન્યુિહને યોગગુરુ બી.કે. આયંગરનો વિશ્વને પરિચય કરાવ્યો તે પછી યોગની સિદ્ધિ-પ્રસિદ્ધિ કૂદકે ને ભૂસકે વધી. રખે નરેન્દ્ર મોદી કે બાબા રામદેવ માનતા કે યોગની પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધ અપાવનારા તેઓ પહેલા કે પ્રારંભના મહાનુભાવો છે. યુનોમાં યોગ-ડેની જાહેરાત કરાવવાની કોઈ જરૂર નહોતી અને એનાથી કોઈ પ્રયોજન સરતું લાગતું નથી.

આમ છતાં ૨૧-૬-૨૦૧૫ની સવારે હું મારી પ્રિય યોગમૅટની નજીક પણ જવાની નથી. તે દિવસે હું યોગ કરવાની નથી. વડાપ્રધાન, ભારત સરકાર કે કોઈ રાજકારણી મારા શરીરની ચુસ્તતા કે સ્વાસ્થ્યની દુરસ્તતા વિશે તેમની પસંદગી મુજબ ફરમાન કરે તે મને રૂચતી વાત નથી. ખાસ કરીને ઉઘાડે છોગ કે કપૂટી પ્રપંચ હેઠળ તે ફરમાન ધર્મ, રાષ્ટ્રવાદ, દેશદાઝ કે નીતિમત્તા સાથે જોડવાનો આશય તેમાં દેખાતો હોય, ત્યારે તો તે ફરમાન મુજબ યોગ નહીં જ નહીં. આવું ફરમાન યોગ અને યોગ કરનાર બંને માટે અપમાનજનક છે. જે સ્વૈચ્છિક રીતે વર્ષોથી ચાલે છે તેને ફરમાનથી શાને ઠોકી બેસાડવું? જેઓ યોગ કરવા માગતા નથી કે જેમને તેમાં રસ નથી તેવા લોકો માટે તો આ ફરમાન અધમોધમ છે કારણ કે એ યોગ અને યોગ કરનાર બંનેની વગોવણી કરે છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ વગોવણી આપણે જોઈ રહ્યા છે. જે ઉપકારક અને જોડનાર તત્ત્વ છે તેની વિધ્વંસક અને ભાગલા પાડનાર તત્ત્વ તરીકે ઓળખ ઊભી થઈ રહી છે. ભારતને ‘સોફ્ટ પાવર’ (સમાધાનકારી સત્તા) તરીકે રજૂ કરવાની મુત્સુદીગીરી ‘બુમરેન્ગ’ થઈ અવળી છાપ ઊભી કરે તે સર્વથા અનુચિત છે.

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત લેખનો સંક્ષેપ

અનુવાદ : મહેશ દવે

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 18

Loading

...102030...3,7353,7363,7373,738...3,7503,7603,770...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved