Opinion Magazine
Number of visits: 9692467
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આકરા રાષ્ટ્રવાદી હિન્દુએ બંધારણસભામાં લઘુમતી કોમને આપેલા અધિકારને લગતી ચર્ચા ધ્યાનથી વાંચવી જોઈએ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|12 October 2015

ભારતનું કોમી વિભાજન થયું અને દેશમાં લોહીની નદીઓ વહી રહી હતી ત્યારે ભારતની લઘુમતી કોમોને તેમના અધિકારોની અને અસ્મિતાની માન્યતા આપવામાં આવી હતી. માત્ર માન્યતા નહીં, બંધારણીય બાંયધરી અને અદાલતી સુરક્ષા આપવામાં આવી હતી. લઘુમતી કોમને અધિકારો આપવાથી ભારતનું બીજું વિભાજન થશે એવો ભય કોઈએ વ્યક્ત કર્યો નહોતો

રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કેન્દ્ર સરકારનો અને શાસક સંઘપરિવારનો કાન આમળ્યો હતો. હા, સમૂળગો સંઘપરિવાર શાસક છે અને એ ભારતની વાસ્તવિકતા છે. ‘ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ’ના એડિટોરિયલ ડાયરેક્ટર પ્રભુ ચાવલાએ રાષ્ટ્રપતિ વિશે એક કૉફી-ટેબલ બુક લખી છે જેનું લોકાર્પણ રાષ્ટ્રપતિભવનમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સહિષ્ણુતા અને વિવિધતા ભારતીય સભ્યતાનાં મૂળભૂત મૂલ્યો છે, જગતની અનેક સભ્યતાઓ આથમી ગઈ છે ત્યારે ભારતીય સભ્યતા ટકી શકી છે એનું કારણ સહિષ્ણુતા અને વિવિધતાને કારણે ભારતીય પ્રજામાં વિકસેલું લચીલાપણું છે, ભારતે અનેક આક્રમણોનો સામનો કર્યો છે અને લાંબી ગુલામી પણ ભોગવી છે અને એ છતાં ભારતીય સભ્યતાને ઊની આંચ નથી આવી એનું કારણ ભારતીય પ્રજાએ અપનાવેલાં સભ્યતાનાં મૂળભૂત મૂલ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જ્યાં સુધી આપણે આ મૂલ્યોને વળગી રહીશું ત્યાં સુધી ભારતીય લોકતાંત્રિક રાષ્ટ્રને અને ભારતીય સભ્યતાને ઊંડી આંચ આવવાની નથી. આ પાયાનાં મૂલ્યો છે એટલે આપણને એ ગુમાવવાં કે નબળાં પાડવાં પોસાય એમ નથી.

ઇશારો અને બૅકગ્રાઉન્ડ સ્પષ્ટ હતાં. દિલ્હી નજીક દાદરીમાં મોહમ્મદ ઇખલાક નામના મુસલમાનની ટોળે મળીને હત્યા કરવામાં આવી એ ઘટના બૅકગ્રાઉન્ડમાં હતી અને એ પછી શાસક સંઘપરિવારે લઘુમતી કોમને ચેતવણીઓ આપવા માંડી હતી એના તરફ રાષ્ટ્રપતિનો ઇશારો હતો.

સમાજ છે. સમાજમાં ક્યારેક વૈમનસ્ય પેદા થતું હોય છે અને શરમજનક ઘટના બનતી પણ હોય છે; પરંતુ એની નિંદા કરવાની જગ્યાએ બચાવ કરવામાં આવે અને ચેતવણીઓ આપવામાં આવે ત્યારે એવી ઘટના એકલદોકલ અપવાદ નથી બની રહેતી, એની ગંભીરતા અનેકગણી વધી જાય છે. ફાસીવાદની એક વાક્યમાં વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે જ્યારે બહુમતી કોમ લઘુમતી કોમની જીવનશૈલી નિર્ધારિત કરે અને એ રીતે જીવવા ફરજ પાડે એને ફાસીવાદ કહેવાય. આ દેશમાં રહેવું હોય તો … એમ કહીને જે શરતોની યાદી બનાવવામાં આવે છે એ જ ફાસીવાદ છે. એટલે તો લઘુમતી કોમની કોમવાદી પ્રવૃત્તિને કોમવાદ કહેવામાં આવે છે, જ્યારે બહુમતી કોમની કોમવાદી પ્રવૃત્તિને ફાસીવાદ તરીકે ઓળખવામાં આવે છે. એ બન્ને એક જ સ્વરૂપના અને એકસરખા ગંભીર નથી. આમાં બૅલૅન્સિંગ કરવાનું ન હોય કે એક જ ત્રાજવે તોળવાનું ન હોય. બહુમતી કોમવાદ કોઈ પણ દેશ માટે ખતરનાક નીવડે છે. એટલો ખતરનાક કે આખેઆખી સભ્યતાને ભરખી જાય છે. એટલે તો રાષ્ટ્રપતિને ચેતવણી આપવી પડી છે.

ભૌગોલિક રીતે કે ઐતિહાસિક રીતે બહુ દૂર જવાની જરૂર નથી. આપણી પોતાની ભૂમિમાં, આપણાથી જ અલગ થયેલા અને આપણી નજર સામે પાકિસ્તાનની કબર કોણે ખોદી છે? પાકિસ્તાનની બરબાદીનું કારણ પાકિસ્તાનની લઘુમતી કોમો છે કે બહુમતી મુસલમાનો? લઘુમતી કોમ તો બિચારી ઓશિયાળી હતી. તેઓ તો પોતાનું અસ્તિત્વ અને અસ્મિતા ટકાવી રાખવા માગતા હતા. કોઈ મોટી માગણી નહોતી અને તેઓ પાકિસ્તાનના વિકાસમાં યથાશક્તિ યોગદાન પણ આપતા હતા. આમ છતાં પાકિસ્તાનની લઘુમતી કોમોને બહુમતી મુસલમાનોએ કહ્યું હતું કે અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો અસ્મિતા છોડવી પડશે. બોલો, શું વધારે વહાલું છે – અસ્તિત્વ કે અસ્મિતા? જ્યારે ભીંસ વધવા માંડી ત્યારે પાકિસ્તાનની લઘુમતી કોમોને સમજાઈ ગયું હતું કે શરતોની યાદી એવડી લાંબી અને આકરી છે કે આમાં આપણે અસ્તિત્વ અને અસ્મિતા બન્ને ગુમાવવાના. આના કરતાં અન્યત્ર જતા રહેવું બહેતર છે. જો બીજ ટકી રહેશે તો ઊગવા માટે જમીન તો ગમે ત્યાં મળી રહેશે.

બહુમતીને લઘુમતીનો ભય લાગે એ વિચિત્ર નથી? પાંચ હિન્દુઓ એક મુસલમાનથી કે પાંચ મુસલમાન એક હિન્દુથી ડરતા હોય તો એને સામાન્ય પ્રકારનો ભય કહેવાય કે માનસિક બીમારી? લઘુમતી અસ્મિતા બહુમતી અસ્મિતાને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે? બહુમતી સંસ્કૃિતમાં ખોવાઈ જવાનો કે ઓળખ ગુમાવી દેવાનો ભય લઘુમતી કોમને રહે એ તો સમજી શકાય એવી વાત છે, પણ બહુમતીને શાનો ડર?

અહીંથી રાષ્ટ્રના અસ્તિત્વની ખરી કસોટીની શરૂઆત થાય છે. વિધાતા જેમ છઠ્ઠીના લેખ લખે છે એમ કોઈ પણ દેશના છઠ્ઠીના લેખ આ ક્ષણે લખાય છે. આને રાષ્ટ્ર માટેનું સાફલ્યટાણું કહી શકાય. જવાહરલાલ નેહરુની ભાષામાં ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની (વિધાતા સાથે કૉલ) કહી શકાય.

ભારતની બંધારણસભામાં આ વિશે કલાકો અને દિવસો સુધી સાંગોપાંગ ચર્ચા કરવામાં આવી છે. ભારત નામના એક પચરંગી અને પ્રાચીન દેશને ટકાવી રાખવો છે, એક રાખવો છે, સમરસ કરવો છે અને ઉપરથી આધુનિક પણ બનાવવો છે. પચરંગીપણું અને પ્રાચીનતા ભારતની શક્તિ અને મર્યાદા બન્ને છે. પચરંગી છે એટલે દરેકની ભાવનાની તેમ જ અસ્મિતાઓની કદર કરવી પડે અને પ્રાચીન છે માટે આધુનિક અને પુરાતન તેમ જ પૌર્વાત્ય અને પાશ્ચત્ય વચ્ચે સંતુલન કરવું પડે. બંધારણસભા એક રાષ્ટ્રીય મંચ હતો જેમાં દરેક પ્રકારની વિચારધારાવાળા લોકો હતા. ભારતના વિભાજન પછી ભારતમાં રહેલા મુસલમાનોના પ્રતિનિધિઓ પણ હતા. આગળ કહ્યું એમ ચર્ચા સાંગોપાંગ હતી. બંધારણસભામાંની ચર્ચા મેકિંગ ઑફ ઇન્ડિયન નેશનનો દસ્તાવેજ છે. ૧૯૪૯ની ૨૫ નવેમ્બરના દિવસે બંધારણસભાની સમાપન બેઠકમાં છેલ્લું પ્રવચન આપતાં ડૉ. આંબેડકરે કહ્યું હતું કે આ મહાન સભામાં બધા જ છે, સવર્‍સંમત રાષ્ટ્રનો જાણે કે આ ચોરો છે, અહીં માત્ર એ લોકો જ નથી જેમને રાષ્ટ્રીય સવર્‍સંમતિ અને સંતુલિત સમન્વય સ્વીકાર્ય નથી.

કૉન્ગ્રેસ અને ગાંધીજી સાથે જીવનભર બાખડનાર ડૉ. આંબેડકર બંધારણસભાને રાષ્ટ્રીય સવર્‍સંમતિના ચોરા તરીકે ઓળખાવે છે. દેશ નસીબદાર હતો કે જેમને રાષ્ટ્રીય સવર્‍સંમતિ અને સંતુલિત સમન્વય સ્વીકાર્ય નહોતો તેઓ હાંસિયામાં હતા. કલ્પના કરો કે જ્યારે ભારતનું કોમી વિભાજન થયું હતું અને દેશમાં લોહીની નદીઓ વહી રહી હતી ત્યારે ભારતની લઘુમતી કોમોને તેમના અધિકારોની અને અસ્મિતાની માન્યતા આપવામાં આવી હતી. માત્ર માન્યતા નહીં, બંધારણીય બાંયધરી અને અદાલતી સુરક્ષા આપવામાં આવી હતી. લઘુમતી કોમને અધિકારો આપવાથી ભારતનું બીજું વિભાજન થશે એવો ભય કોઈએ વ્યક્ત કર્યો નહોતો. ઊલટું સૂર એવો હતો કે લઘુમતીને પ્રત્યક્ષ ન્યાય અને માનસિક સુરક્ષા મળવાં જરૂરી છે. બહુમતી સમાજમાં પોતાની ઓળખ ગુમાવી દેવાનો ભય સ્વાભાવિક છે એટલે એ ભયની ગ્રંથિ સમજવી જોઈએ. લઘુમતી કોમના ભયની ઉપેક્ષા કરવાની ન હોય ત્યાં દાદાગીરી તો બહુ દૂરની વાત છે. 

શું બંધારણસભામાં જે લોકો બેઠા હતા એ બેવકૂફ હતા? તેમને નહોતી ખબર કે કોમી ધોરણે ભારતનું વિભાજન થયું છે અને લોહીની નદીઓ વહી રહી છે? શું તેમને નહોતી ખબર કે પાડોશમાં પાકિસ્તાનની બંધારણસભામાં શું થઈ રહ્યું છે? શું તેમને નહોતી ખબર કે પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે અન્યાય થઈ રહ્યો છે? બંધારણસભામાં ૯૦ ટકા સભ્યો હિન્દુ હતા અને એમાંના મોટા ભાગના ધાર્મિક હિન્દુઓ હતા. કેટલાક તો વળી હળવા હિન્દુવાદી પણ હતા. હિન્દુ હિતનું શું તેમને ભાન નહોતું? અલગ-અલગ ધર્મના અને વિચારધારાના ત્રણસો લોકો રાષ્ટ્રીય સવર્‍સંમતિ સાધી શકે તેમ જ બધાને સાથે લઈને ચાલનારું બંધારણ ઘડી શકે અને એક જ વિચારધારાના અને ધર્મના લોકો ૯૦ વર્ષે પોતાની કલ્પનાના રાષ્ટ્રનો એક દસ્તાવેજ પેદા ન કરી શકે એ શું સૂચવે છે? બંધારણસભામાં ગુજરાતી હિન્દુઓના લાડીલા સરદાર પટેલ પણ હતા અને લઘુમતી કોમોને આપવામાં આવેલા અધિકારોને અંતિમ સ્વરૂપ આપનારી સબ-કમિટીના તેઓ અધ્યક્ષ હતા. એ કમિટીમાં સરદાર ઉપરાંત રાજેન્દ્ર પ્રસાદ અને કનૈયાલાલ મુનશી પણ સભ્ય હતા. હળવા હિન્દુવાદી હોવાની ખ્યાતિ ધરાવતા આ ત્રણ સભ્યો પણ બેવકૂફ હતા? તમે શું માનો છો? વિચારી જુઓ.

ભારતથી ઊલટું પાકિસ્તાનના ગણેશ એની સ્થાપના સાથે જ ઊલટી દિશામાં મંડાયા હતા. જેમને રાષ્ટ્રીય સવર્‍સંમતિ અને સંતુલિત સમન્વય સ્વીકાર્ય નહોતાં એવા લોકો પાકિસ્તાનની બંધારણસભામાં બહુમતીમાં હતા. તેમનો સવાલ એ હતો કે અલગ મુસ્લિમ રાષ્ટ્રીયતાના નામે પાકિસ્તાનની રચના કરવામાં આવી છે તો એ રાષ્ટ્રીયતા રાષ્ટ્રના નિર્માણમાં ઝળકવી જોઈએ. આને પરિણામે સેક્યુલર રિપબ્લિક બનવાની જગ્યાએ પાકિસ્તાન ઇસ્લામિક રિપબ્લિક બન્યું હતું. નાગરિકની પ્રભુસત્તા(સૉવરેન્ટી)ની જગ્યાએ અલ્લાહની પ્રભુસત્તા સ્વીકારવામાં આવી હતી. રાજ્યમાં અલ્લાહના પ્રવેશની સાથે કુરાન, હદીસ અને એનું અર્થઘટન કરનારા મુલ્લાઓએ પ્રવેશ કર્યો હતો. હજી તો બંધારણ ઘડાયું પણ નહોતું (અને આખું બંધારણ તો આજ સુધી નથી ઘડાયું) એ પહેલાં લઘુમતી કોમોને સમજાઈ ગયું હતું કે આ દેશ ભલે આપણો માદરે વતન છે, પરંતુ એ આપણા માટે નથી.

બહુમતી કોમ જો ઓળખનો ભય અનુભવતી હોય તો એ ભય નથી પરંતુ માનસિક બીમારી છે, એક પ્રકારની વિકૃતિ છે, લઘુતાગ્રંથિ છે. લઘુમતી અસ્મિતા આપણી અસ્મિતાને પાતળી પાડશે તો? અભડાવશે તો? એની સમૃદ્ધિને ભ્રષ્ટ કરશે તો? સત્ય તો એ છે કે કોઈ સભ્યતા મ્યુિઝયમના પીસ જેવી નિર્જીવ નથી હોતી. સભ્યતા માનવોની બનેલી છે એટલે સજીવ છે જે સતત વિકસતી રહે છે અને બદલતી રહે છે. એ સજીવ છે એટલે એ બીજાના સંપર્કમાં આવે છે અને સંપર્ક એને પ્રભાવિત કરે છે. આનો કોઈ ઉપાય નથી. રૂપરૂપનો અંબાર રાજકુમારીને કોઈની નજર ન લાગે એ માટે મહેલમાં ગોંધી રાખવામાં આવે તો એક દિવસ તે પાંડુરોગનો શિકાર બનશે, તેનો વિકાસ નહીં થાય અને રૂપ નાશ પામશે. સભ્યતા અને સંસ્કૃિત એટલે જ આપ-લે.

માણસને પ્રેમ કરવા માટે પણ બીજાની જરૂર પડે છે અને લડવા માટે પણ બીજાની જરૂર પડે છે. જો બીજાથી ભય અનુભવશો અને તેને કાઢી મૂકશો તો પ્રેમસંબંધ પણ નજીકના જ લોકો સાથે બાંધવો પડશે અને નજીકના જ લોકો સાથે લડવું પડશે. પાકિસ્તાનમાં અત્યારે આ જ બની રહ્યું છે. અન્ય લઘુમતી કોમની પ્રજાને તગેડી મૂકી એટલે બહુમતી મુસલમાનો પ્રેમ કરવા માટે હજી પોતાનાઓને શોધે છે અને જરાક સાંસ્કૃિતક કે ધાર્મિક રીતે દૂર લાગે એની સાથે લડે છે. આનું પરિણામ એ આવ્યું કે બહુમતી મુસલમાનો બહુમતીમાં હોવા છતાં પરિઘ ટૂંકાવી રહ્યા છે અને મુસલમાન જ બીજા મુસલમાનને મારી રહ્યા છે.

વડા પ્રધાને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં વચનોને અનુસરવાનું વચન આપ્યું છે. જોઈએ શું થાય છે. પ્રત્યેક આકરા રાષ્ટ્રવાદી હિન્દુને મારી નમ્ર સલાહ છે કે તેણે બંધારણસભામાં થયેલી ચર્ચાને, ખાસ કરીને લઘુમતી કોમને આપવામાં આવેલા અધિકારને લગતી ચર્ચાને ધ્યાનપૂવર્‍ક વાંચવી જોઈએ.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામલ લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 11અૉક્ટોબર 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-11102015-15

Loading

જયપ્રકાશ નારાયણ, કાલીઘેલી વાતો નહીં ક્રાંતિના લોકનાયક

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|11 October 2015

બિહાર વિધાનસભાની ચૂંટણીની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. બિહારની ચૂંટણીમાં વારંવાર લેવાતું એક નામ છે – જયપ્રકાશ નારાયણ, ટૂંકમાં જેપી. એક તરફના નેતાઓ ખુદને જેપીના શિષ્યો ગણાવી રહ્યા છે તો બીજી તરફનાં લોકો પણ જયપ્રકાશનું સપનું સાકાર કરવાનો દાવો કરી રહ્યા છે. અલબત્ત, ખુદને જેપીના શિષ્યો ગણાવનારા હોય કે જેપી માટે ભારોભાર માન હોવાનો દાવો કરનારા હોય, તમામને જેપીનાં નામે 'સારા' દેખાઈને મતો મેળવવા છે, બાકી લોકનાયક જયપ્રકાશ નારાયણે કલ્પેલી સંપૂર્ણ ક્રાંતિ અંગેની સમર્પણભરી સમજ કે પછી સંપૂર્ણ ક્રાંતિ માટે જરૂરી સંઘર્ષ આદરવાનું સાહસ ભાગ્યે જ કોઈનામાં શોધ્યું જડે એમ છે.

યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા. ૧૯૭૦ના દાયકામાં દેશભરમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી અને રાજકીય અંધાધૂંધી પ્રવર્તતી હતી એવા માહોલમાં દેશના યુવાનો અકળાઈ ઊઠયા હતા. યુવાનોની અકળામણ અને આક્રોશની એ આગને યોગ્ય દિશા દઈને દેશહિતમાં વાળનારા જયપ્રકાશ જેવા નેતાની ખોટ આજે 'આંદોલનમય' ગુજરાતને પણ સાલી રહી છે ત્યારે ચાલો, આજે ૧૧મી ઓક્ટોબરે જયપ્રકાશ નારાયણના જન્મદિવસ નિમિત્તે તેમનાં વ્યક્તિગત કદ અને કાર્યક્ષેત્રની વિશાળતાની ઝલક મેળવવા સાથે તેમના ક્રાંતિકારી વિચારો વાગોળીએ …

આજીવન રાજકીય ક્ષેત્રે સક્રિય અને લોકપ્રિય છતાં સત્તાનો મોહ તેમને ભાગ્યે જ ચળાવી શક્યો હતો. જયપ્રકાશના ક્રાંતિકારી જીવે તેમને ક્યારે ય સત્તાકારી બનવા જ ન દીધા. બાકી ભારતને હજુ આઝાદી નહોતી મળી ત્યારે જ તેઓ પોતાનાં વિચારો અને કાર્યોથી આંતરરાષ્ટ્રીય સ્તરે  ખ્યાતિ ધરાવતા હતા. ૧૯૪૨ના આંદોલન વખતે તેઓ 'યુવાહૃદય સમ્રાટ'નું બિરૂદ પામેલા. એક જમાનામાં જવાહરલાલ પછી ભારતના વડા પ્રધાન તરીકે તેમની જ યોગ્યતાનાં ગુણગાન ચારેકોર ગવાતાં હતાં. જેપી થોડીક 'વ્યાવહારિકતા' દાખવીને કોંગ્રેસમાં જ રહ્યા હોત તો વડા પ્રધાનપદ માટે તેમણે કોઈ ખાસ પ્રયાસો કરવાની જરૂર પડી ન હોત પણ તેમની દૃષ્ટિ ક્યારે ય ખુરશી-સત્તા તરફ રહી જ નહીં, દેશના આમ આદમીની ભલાઈ પર રહી અને તેઓ સામાન્ય જનતાની સેવા માટે અવિરત કાર્યરત રહ્યા. જેપી ક્રાંતિદૃષ્ટા હતા. જેપી ઝુઝારુ લડવૈયા ખરા પણ એ ઉપરાંત તેમનામાં બાહોશ સેનાપતિના ગુણો અને ચતુર મંત્રી તથા શાણા રાજા પેઠે દેશનું લાંબા ગાળાનું ભલું વિચારવાની કુનેહ પણ હતી અને એને કારણે જ તેઓ કાલીઘેલી ને ઠાલી વાતો નહિ ક્રાંતિના 'લોકનાયક' પુરવાર થયા હતા.

સ્વાતંત્રોત્તર ભારતમાં આંદોલનોનો ઇતિહાસ લખાશે ત્યારે જેપીનું સંપૂર્ણ ક્રાંતિનું આંદોલન સુવર્ણ અક્ષરે લખાશે. જેપીએ આદરેલું દરેક આંદોલન વિશાળ પટે ફેલાયેલું રહેતું, તે કદી એકાંગી જોવા ન મળે. જયપ્રકાશ નારાયણે જ્યારે બિહાર સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ચાલી રહેલા આંદોલનનું સુકાન સંભાળ્યું ત્યારે તેમણે માત્ર નેતાઓ અને સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટ છે, એ દૃષ્ટિએ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને દરેક સ્તરેથી તેને દૂર કરવો જરૂરી છે, એવી દીર્ઘદૃષ્ટિ સાથે આંદોલન આગળ વધારેલું. બિહાર આંદોલન સંદર્ભે ગુજરાતે ગર્વ લેવા જેવી વાત એ છે કે ગુજરાતના યુવાનોએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે ચીમનભાઈ પટેલની સરકાર વિરુદ્ધ ચલાવેલા નવનિર્માણ આંદોલ થકી જેપીને આશા અને દિશા સાંપડેલી. નવનિર્માણ આંદોલનથી સફળતા બાદ દેશના યુવાનોમાં ચેતના વ્યાપી ગયેલી. ૧૯૭૪ના પ્રારંભમાં બિહારમાં પણ કોંગ્રેસી સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ પોતાની મેળે આંદોલન શરૂ કરેલું, જેની કુલ ૧૨ માગણીઓ હતી. આઠ માગણીઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓને સંબંધિત હતી જ્યારે બાકીની ચાર માગણીઓ રાષ્ટ્રજીવન સંબંધિત હતી, જેમાં ભ્રષ્ટાચાર દૂર કરો, મોંઘવારી દૂર કરો, બેકારી દૂર કરો અને શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાની માગણી સામેલ હતી. બિહાર સરકારે વિદ્યાર્થી આંદોલનને લક્ષ્યમાં લીધું નહોતું અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કાળો કેર વર્તાવ્યો હતો. લાઠીચાર્જ તો ઠીક ગોળીબારો પણ કરાયા હતા. જેપીની તબિયત સાથ નહોતી આપતી છતાં તેમણે વિદ્યાર્થીઓની વિનંતીઓ અને સરકારનાં અમાનુષી વલણ-વર્તન જોઈને આંદોલનનો દોર પોતાના હાથમાં સંભાળ્યો હતો.

તેમણે આંદોલન પૂર્ણપણે અહિંસક રાખવા માટે લોકો-યુવાનોનું ઘડતર શરૂ કરેલું. તેમણે પટનામાં મૌન સરઘસ યોજ્યું અને જાહેરસભામાં જે વાત કરેલી એ યાદ રાખવા જેવી છે, "આ શાંતિમય આંદોલનનો પ્રારંભ છે, હવે પછી આપણે સત્યાગ્રહની ભૂમિકામાં કામ કરવાનું છે. એક સરકાર જશે અને બીજી સરકાર આવશે તેટલા માત્રથી આપણું કામ સરવાનું નથી, એ તો ભૂત જશે અને પલીત જાગશે! માટે આપણે સમાજના રોગોનાં મૂળમાં જવાનું છે. હું તમારી સામે કાર્યક્રમ રજૂ કરીશ, પરંતુ આ લાંબી યાત્રા છે. આ કાંઈ અમુક પ્રધાનમંડળને ઊથલાવવાનું કામ નથી." અહિંસક આંદોલનની નીંભર સરકાર પર કોઈ અસર જ નહોતી જોવા મળતી, ઊલટું સરકાર તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આંદોલનને કચડવા અને જેપીને બદનામ કરવા પર ઊતરી આવી હતી, આખરે જેપીને વિધાનસભા વિસર્જનની માગણી કરવાનું ઉપયુક્ત લાગ્યું હતું.

પાંચ જૂન, ૧૯૭૪ના રોજ પટણામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું. રાજ્યભરમાં લાખો લોકોએ વિધાનસભાનાં વિસર્જનનાં આવેદનપત્રો પર સહીઓ કરી હતી. સહી કરેલાં આવેદનપત્રોની એક આખી ટ્રક ભરાયેલી જે રાજ્યપાલને સોંપવામાં આવેલી ત્યાર બાદ જનસભામાં જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનું એલાન કર્યું હતું. તેમણે પોતાનાં ભાષણમાં કહેલું કે "હવે આ સંઘર્ષ માત્ર વિદ્યાર્થીઓના બાર મુદ્દા પૂરતો અને સરકારની બરતરફી અને વિધાનસભાનાં વિસર્જન પૂરતો જ મર્યાદિત રહેતો નથી, આ હવે સમગ્ર જનતાની સંપૂર્ણ ક્રાંતિ માટે લડત બને છે." જેપીનું બિહાર આંદોલનથી સરકાર ઊથલવા જેવું દેખીતું મોટું પરિવર્તન નહીં આવેલું, પરંતુ આ આંદોલને દેશની ચેતનાને જગાડી હતી. દેશનો યુવાન સરકારના અનાચાર-ભ્રષ્ટાચાર સામે જાગ્રત થઈ ગયો હતો, જેણે કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની ઊંઘ પણ હરામ કરી હતી.

જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિને સપ્તક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સમાજનાં સર્વ અંગોના ઝડપી પરિવર્તનની આહ્લેક હતી, જેપી માત્ર રાજકીય પરિવર્તન જ નહીં, પરંતુ મૂલ્યોનું, મનોવૃત્તિનું, સંબંધોનું, માળખાનું પરિવર્તન ઇચ્છતા હતા. જેપીએ કહેલું કે "સાત પ્રકારની ક્રાંતિઓ મળીને એક સંપૂર્ણ ક્રાંતિ બને છે – સામાજિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, રાજનૈતિક ક્રાંતિ, સાંસ્કૃિતક ક્રાંતિ, વૈચારિક અથવા બૌદ્ધિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ અને નૈતિક કે આધ્યાત્મિક ક્રાંતિ. આ ક્રાંતિ શબ્દમાં પરિવર્તન અને નવનિર્માણ બંને અભિપ્રેત છે." આમ, જેપી જડમૂળમાંથી પરિવર્તન આવે એવી ક્રાંતિમાં માનનારા હતા.

સંપૂર્ણ ક્રાંતિના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા હતા, તેવામાં ઇન્દિરા ગાંધીએ ૨૬ જૂન, ૧૯૭૫ના રોજ દેશ પર કટોકટી લાદી. જયપ્રકાશ જેવા મોટા મોટા તમામ નેતાઓને રાતોરાત જેલભેગા કરી દેવામાં આવેલા, જો કે જયપ્રકાશે જગાવેલી આંદોલનની જ્યોતિને પ્રતાપે ઇન્દિરાજીએ ઝૂકવું પડયું અને કટોકટી હટાવીને ચૂંટણીઓ જાહેર કરવી પડી, જેમાં ઇન્દિરા ગાંધી ખરાબ રીતે હારી ગયેલાં. દેશમાં મોરચા સરકાર આવેલી, જે આંતરિક ડખાઓને કારણે લાંબું ટકી શકેલી નહીં અને જેપીનું ભ્રષ્ટાચાર નાબૂદીનું સપનું રોળાઈ ગયેલું.

જેપીનું આ સપનું સાકાર કરવાની દાનત આજે કોનામાં દેખાય છે?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય-સંકેત’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 અૉક્ટોબર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3144733

Loading

ભલા ભાઇ, જેપીનું નામ લેતાં જરી તો લાજો

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|11 October 2015

આઠ સૈકા પુરાણા બૃહન્મઠે તેનું અતિપ્રતિષ્ઠિત બસવશ્રી સન્માન મરણોત્તર ધોરણે કલબુર્ગીને આપ્યું

હિતભાષી એટલાં જ સ્પષ્ટભાષી નયનતારા સહગલ અને યથાપ્રસંગ વાકચતુર એટલા જ મૌનમુખર નમો, કિયે છેડેથી વાત શરૂ કરીશું એ વિમાસણમાં જરી ઇદં તૃતીયમ જેવી મારી પસંદગી દેશની સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિશ્નાથ પ્રસાદ તિવારી ભણી ઢળતી હતી, કેમ કે નયનતારાએ એવોર્ડની રકમ ભલે પાછી વાળી પણ અમારે પ્રતાપે (મારા ને તમારાં નાણે ચાલતી અકાદમી થકી) એમને જે નફો (રિપીટ, નફો), વિશ્વસનીયતા અને શુભેચ્છાઓ મળી એનું શું એવું પ્રશ્નાસ્ર તિવારીજીએ ઉગામ્યું છે. એમ તો દાદરી ઘટના પછી ‘કેવળ શંકાથી થયેલી હત્યા’ ખરેખર જ ખોટી કહેવાય – એટલે કે ધારો કે આ વાત સાચી હોત તો તે હત્યા ખરેખર જ આતતાયીવધ રૂપે ધર્મ્ય લેખાત એવી સુફિયાણી સબબ ‘પાંચજન્ય’ના પૂર્વતંત્રી અને ભાજપ સાંસદ તરુણવિજયે પણ ઠીક ઉડ્ડાનબિન્દુ (‘ટેક ઑફ પોઇન્ટ’) પૂરું પાડ્યું હતું.-

– પણ આ લખવા બેસું છું ત્યાં ચિત્તનો કબજો ચિત્રદુર્ગનો આઠ સૈકા પુરાણો બૃહન્મઠ સહસા લઈ લે છે. એ સમાચાર પટ્ટી નજર સામે દોડતી જોઉં છું, કે આ મઠે એનું અતિપ્રતિષ્ઠિત બસવશ્રી સન્માન મરણોત્તર ધોરણે કલબુર્ગીને આપ્યું છે. આ એ કલબુર્ગી છે જેઓ એમની વિદ્વતા માટે અને રૂઢિદાસ્ય સામેની સક્રિયતા માટે કર્ણાટકમાં પોંખાયા અને એ જ ધારામાં ‘કદર’ રૂપે કથિત સામેવાળાઓ તરફથી આતતાયીરૂપે વધ પણ પામ્યા. પણ બૃહન્મઠનો સમ્યક, સુચિંતિત, સમુદાર મત જુઓ : બસવશ્રી પ્રશસ્તિમાં એણે કહ્યું છે કે કલબુર્ગી બસવેશ્વરની જેમ જ પોતાની સમજ પ્રમાણેના સમાજપરિવર્તન માટે સક્રિય જિંદગી જીવ્યા હોઈ સન્માનાર્હ છે.

વાચકને યાદ હોય જ કે દાભોલકર, પાનસરે અને કલબુર્ગી ‘સનાતન સંસ્થા’ પ્રકારના ધર્મઝનૂનીઓનો ભોગ બન્યા છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર આ બાબતમાં તપાસ તેમ જ ન્યાયને મુદ્દે જ્યારે નામકર ન હોય ત્યારે પણ આઘીપાછી તો અચૂક પેશ આવે જ છે. સરકારોનું વલણ આવાં સાંપ્રદાયિક તત્ત્વો બાબતે પનાહ આપવાથી માંડીને આંખ આડા કાન લગીની સાનુકૂળ ફ્રિકવન્સી પરનું રહેતું આવ્યું છે. અધૂરામાં પૂરું, હાલ જેઓ દિલ્હીમાં તખ્તનશીન છે એમની પાસે હિંદુત્વ વિચારધારા જેવા વાજબીપણાની એક સુવિધા પણ છે. આ સંજોગોમાં ચિત્રદુર્ગનો બૃહન્મઠ જ્યારે કલબુર્ગીને બસવશ્રી સન્માન આપે ત્યારે તે અવશ્ય જ એક વ્યાપકમતિ અર્થઘટનનો પથ પ્રશસ્ત કરે છે. બલકે, એમ પણ માનવાનું મન થાય કે, ‘હિંદુ વ્યૂ ઑફ લાઇફ’ (‘હિંદુ જીવનદર્શન’) પરનાં વિશ્વપ્રતિષ્ઠ વ્યાખ્યાનોમાં રાધાકૃષ્ણને હિંદુ ધર્મની જે વસંત કલ્પી હશે એનો એક હૃદ્ય સંકેત આ પણ છે. 

આરંભે જ મૌનમુખર નેતૃત્વની જિકર કરી. આવતી કાલે (રવિવારે) આ નેતૃત્વ એકદમ જ મુખર અને સોળે કલાએ વાકચતુર પેશ આવશે. 11મી ઑક્ટોબરના જેપી જયંતી પર્વ નિમિત્તે કટોકટીકાળે પોતે અને પક્ષપરિવારે કરેલા સંઘર્ષને બઢાવીચઢાવીને રજૂ કરવાની, કૉંગ્રેસને ઝૂડવાની, અને બિહારમાં ‘ભટકી ગયેલા’ જેપી અનુયાયીઓને બદલે ‘અસલી માલ’ ખપાવવાની એ ચેષ્ટા હશે. 

એક પક્ષપરિવાર તરીકે આ પક્ષ અને એના નેતાની જેપી આંદોલન તેમજ જેપી ચિંતન સંદર્ભે એવી તે શી હેસિયત છે વારુ, એમ કોઈ પણ પૂછી તો શકે. એટલું જ નહીં પણ ઈંતદરાઈ એકાધિકારવાદ બાબતે કરોડરજ્જુ વગરની પ્રજાતિ લેખે ઉભરેલી કૉંગ્રેસ જમાતને તે ચોક્કસ જ ઠમઠોરી પણ શકે. પણ સરસંઘચાલક દેવરસે જેલબેઠાં કરેલા વિષ્ટિપ્રયાસો (અને શરણાગતી ચેષ્ટા) વિશે મહારાષ્ટ્ર વિધાનસભાના રેકર્ડ પર પડેલ સામગ્રીનું શું કરીશું? જેલમાંથી જનસંઘની એક પછી એક હસ્તી સંદિગ્ધ સંજોગોમાં બહાર જવાવાળી ચાલી એ વિશે ભાજપસાથી સુરજિતસિંહ બરનાલાની સાહેદીનું શું કરીશું? દત્તોપંત ઠેંગડી અને માધવરાવ મૂળે જેવા અપવાદરૂપ પ્રચારકો બાદ કરતાં ઘણા બધા કોઈ જુદી જ પેરવીમાં હતા એવી તે વેળાના આર.એસ.એસ.ના કલૈયા કુંવર (બ્લુ આઇડ બૉય) સુબ્રમણ્યમ સ્વામીની સાફ વિશે શું કહીશું? (મૂળેએ સ્વામીને દર્દભરી અપીલ કરી કે તું દેશ છોડીને ભાગી જા – સંઘશ્રેષ્ઠીઓ લગભગ કાંડુ કાપી આપવાની અણી પર છે.) અને હા, કુમાર પ્રશાન્તે નોંધ્યું છે તેમ કોમવાદમાં ઘસડાવા સામે જેપીએ ચિંતા અને ચેતવણીનાં જે હિતવચનો (ખાસ જનસંઘને લક્ષમાં રાખીને) ટપકાવ્યાં હતાં તે હજારો પત્રિકા બિહારમાં પહોંચે એ પહેલાં જ જનસંઘની કડી મારફતે વચ્ચેથી વગે થઈ ગઈ હતી એ વિગતને કેવી રીતે જોશું? 

આખી વાતને આ રીતે જોવીમૂલવવી ગમતું નથી, પણ સમ્યક ચિત્રની દૃષ્ટિએ એની રજૂઆત કદાચ અનિવાર્ય છે. જનસંઘના જનતા અવતાર પછી ભાજપરૂપે શરૂનાં વર્ષોમાં ઠીક ચાલ્યા બાદ અયોધ્યજવર સાથે પલટી મારીને આ પક્ષપરિવારે જે રીતે દેશની યથાસંભવ એકંદરમતી તોડી છે એ ઈતિહાસતપાસ માગી લે છે. કોંગ્રેસના વિકલ્પની રાજનીતિ, લોહિયા-જેપી અભિગમમાં રાષ્ટ્રીય ચળવળની ધારામાં હતી. અયોધ્યાજ્વર સાથે આ એકંદરમતી તૂટી. આ તૂટન…અને 1991થી શરૂ થયેલી નવી આર્થિક નીતિ! ભલા ભાઈ, જેપીનું નામ લેતાં જરી તો લાજો. 

અહીં આટલી લાંબી ચર્ચામાં નહીં જતાં એક એટલો જ મુદ્દો કરીશું કે કટોકટી સામેની એક પ્રમુખ ફરિયાદ સેન્સરશિપ કહેતાં અભિવ્યક્તિ સ્વતંત્રતાને ધોરણે હતી. જાણે કે નિ:શેષ, નિ:શંક વિચારધારાકીય સંમતિ સાથે આજે ગુજરાત અને ભારતનો સત્તાપક્ષ જે રીતે ચાલી રહ્યો છે એમાં અભિવ્યક્તિ સ્વતંત્રતા બિલકુલ સવાલિયા દાયરામાં છે. શિવસેના ગુલામઅલીને ગાવા ન દે અગર તો અમદાવાદમાં ‘ફના’ કે ‘પરઝાનિયા’ (સેન્સર બોર્ડની રજા છતાં) બતાવી ન શકાય તે શું સૂચવે છે? કટોકટી જેનું નામ તે ઘોષિત જ હોવી જરૂરી નથી.

ભાજપ અને સમાજવાદી પક્ષ પહેલાં મુઝફ્ફરપુરમાં વર્ત્યા હતા તેમ અત્યારે પણ દાદરીમાં વરતી રહ્યા છે. બિહારની ચૂંટણી હાલ તો ભાજપની પ્રત્યક્ષ હાજરી અને સામેવાળાની પ્રોક્સી પદ્ધતિએ કદાચ દાદરીમાં જ લડાઈ રહી છે… વિકાસના પેકેજિંગમાં એ જ કોમી ધ્રુવીકરણ, રાબેતા મુજબ! આ સંજોગોમાં એકાદ નયનતારા કે ઉદયપ્રકાશ અગર અશોક વાજપેયી જેવા નરવા અવાજો વચ્ચે સત્તા-પ્રતિષ્ઠાનની ભેર તાણતા અકાદેમી અધ્યક્ષ તિવારી વિશે શું કહેવું, સૂઝતું નથી.

તમને કોઈ આ કે તે પક્ષના પ્રચાર માટે તો કહેતું નથી, વીરા મોરા. પણ એક સાહિત્યસેવી વીરગતિ પામીને અક્ષરશ: અક્ષરવાસી બને ત્યારે એને સારુ જેની કને બે ઉરબોલ પણ ન બચ્યા હોય તે સાહિત્યસંસ્થાઓ અને સંસ્થાપુરુષોને શું કહેવું, કોઈક તો કહો.

સૌજન્ય : ‘હિંદુ ધર્મની વસંતનો સંકેત’, “દિવ્ય ભાસ્કર”, 10 અૉક્ટોબર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-good-brother-jp-name-being-necessary-to-the-ashamed-5137199-NOR.html

Loading

...102030...3,7343,7353,7363,737...3,7403,7503,760...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved