Opinion Magazine
Number of visits: 9768656
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉદારમતવાદીઓેની મૂંઝવણ અને વિકલ્પો

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|13 December 2016

જો લોકોએ મોદી વડા પ્રધાન બને તો અમેરિકા જતા રહેવાની વાત કરી હતી તે ખરેખર અમેરિકા ગયા હોત તો તેમનું શં થાત ?

અમેરિકામાં ટ્રમ્પની જીત અને ત્યાર પહેલાં યુરોપિયન યુનિયનમાંથી છૂટા થવાના બ્રિટનના લોકમત (‘બ્રેક્ઝિટ’) પછી ઉદારમતવાદીઓ કદાચ અભૂતપૂર્વ કહેવાય એવી કટોકટી અનુભવી રહ્યા છે. પહેલી નજરે એ સ્થિતિ સોવિયેત રશિયાના વિભાજન પછી થયેલી સામ્યવાદીઓની હાલત જેવી લાગે, પરંતુ એ સામ્ય સાવ ઉપરછલ્લું છે. કેમ કે, અંગ્રેજીમાં ‘લિબરલ’ તરીકે ઓળખાતા ભારતના ઉદારમતવાદીઓ અમેરિકાને ‘શ્રદ્ધાકેન્દ્ર’ ગણતા ન હતા અને પોતાની વૈચારિક ખુલ્લાશ – અંતિમવાદના વિરોધ માટે અમેરિકા પર સંપૂર્ણપણે આધારિત ન હતા.

અમેરિકા લિબરલ્સ માટે પ્રેરણાભૂમિ હતું, શ્રદ્ધાભૂમિ નહીં. ઉદારમતવાદની ખૂબી જ એ છે કે તેમાં રાષ્ટ્ર કે ધર્મના નામે આંખે પટ્ટી બાંધવાની હોતી નથી. ખુલ્લી આંખે જે દેખાય તે બધું જ તેમાં જોવું-સ્વીકારવું પડે છે અને વખત આવ્યે તેનો વિરોધ પણ કરવો પડે છે. જગતજમાદાર તરીકેની દાંડાઈ અને પોતાના સ્વાર્થ ખાતર સરમુખત્યારોને ટેકો આપવા કે લડાઈઓ કરાવવા જેવી દુષ્ટતાઓની સાથોસાથ, અમેરિકાએ પોતાની ભૂમિ પર ઉદારમતવાદને ઘણું પ્રોત્સાહન આપ્યું.

અમેરિકાએ વિએતનામમાં તબાહી મચાવી ત્યારે ‘દેશપ્રેમ’ના ઉભરાથી અલગ જઇને, ઘણા અમેરિકનો અમેરિકાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી શક્યા. તેમને સરકારે દેશદ્રોહી તરીકે ‘ફિટ’ કરી દીધા નહીં. ઉદારમતવાદી મોકળાશનો એ સિલસિલો ત્યાર પછી પણ ચાલુ રહ્યો. ભારત સહિતના દેશોમાંથી ગયેલા ઘણા લોકો અમેરિકાને નવું ઘર બનાવી શક્યા, ત્યાં સારી તકો મેળવીને બે પાંદડે થયા. વિચાર, અભિવ્યક્તિ અને કાયદાની સમક્ષ સમાનતા જેવી નાગરિકી સ્વતંત્રતાની બાબતમાં અમેરિકા વિશ્વભરના ઉદારમતવાદીઓનો આદર્શ બની શક્યું. તેની એ છાપને લીધે, ભારતમાં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદની હોડમાં ઝુકાવ્યું ત્યારે ભારતના કેટલાક ઉદારમતવાદી લોકોએ કહ્યું હતું કે ‘મોદી વડા પ્રધાન બનશે તો અમે દેશ છોડીને અમેરિકા જતા રહીશું.’

બે જ વર્ષમાં આ કહાનીમાં એવો આંચકાજનક વળાંક આવ્યો કે નરેન્દ્ર મોદીની અમેરિકન અને બગડેલી આવૃત્તિ જેવા ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેના પગલે કેટલાક જાણીતા લોકોએ અમેરિકા છોડીને કૅનેડા વસી જવાની ઇચ્છા જાહેર કરી. વિચાર કરો : જે લોકોએ મોદી વડા પ્રધાન બને તો અમેરિકા જતા રહેવાની વાત કરી હતી તે ખરેખર અમેરિકા ગયા હોત તો તેમનું શું થાત? એ લોકોનો મોદી સામેનો વાંધો વ્યક્તિગત કે અંગત ન હતો.

તેમનો તીવ્ર વિરોધ મુખ્ય મંત્રી મોદીના શોબાજી – વાણીવિલાસથી ભરપૂર, ઝનૂની-કોમવાદી લોકરંજકતામાં ઝબોળાયેલા રાજકારણ સામે હતો અને એ બાબતમાં મોદીથી ચાર ચાસણી ચડે એવા ટ્રમ્પ અમેરિકામાં પ્રમુખ બની જાય, તો પછી શું કરવાનું? તેમને બે જ વર્ષમાં ફરી દેશ બદલવાની નોબત આવત – અને આવા દેશબદલા પણ ક્યાં સુધી ચાલત? કારણ કે યુરોપ-અમેરિકા જેવા નાગરિકી સ્વાતંત્ર અને ઉદારમતવાદના ગઢમાં માત્ર કાંગરા ખર્યા નથી – દીવાલોને જમીનદોસ્ત કરી નાખે એવાં મોટાં ભગદાળાં પડ્યાં છે. આ સ્થિતિમાં ઝનૂની વલણોનો વિરોધ કરતા ઉદારમતવાદી, મધ્યમમાર્ગી નાગરિકો – સંગઠનો માટે કટોકટીની સ્થિતિ પેદા થઈ છે. તેમની પાસે આટલા વિકલ્પો રહ્યા છે અથવા તેમનામાં આટલી પ્રતિક્રિયાઓ જોવા મળે છે.  

1. અવાસ્તવિક વાયદા અને બેફામ નિવેદનો કરીને, જૂઠાણાં અને અર્ધસત્યો ચલાવીને, લોકોમાં આશા અને ભયની લાગણી ભડકાવનારા નેતાઓ – પક્ષોની બોલબાલાને વૈશ્વિક પ્રવાહ અથવા નિયતિ ગણીને તેનો સ્વીકાર કરી લેવો. કુદરતી ક્રમમાં ‘જેની ચડતી થાય, તેની પડતી નિશ્ચિત છે’ એમ માનીને આશ્વાસન લેવું અને પ્રવાહો બદલાય ત્યાં સુધી સામા વહેણે તરવાની કવાયત છોડીને નિષ્ક્રિય થઈ જવું.

2. ‘આ પરિબળો ભલે જીત્યાં, પણ એ છે તો અનિષ્ટ જ અને આપણે એમના જેવા નથી, એટલે હારી ગયાં … સારાનો જમાનો જ નથી રહ્યો’ એવું આશ્વાસન લેવું અને જે પ્રમાણે અત્યાર સુધી કામ કર્યું એ જ રીતે, એ જ દિશામાં કામ ચાલુ રાખવું. અત્યાર સુધીની કામગીરીમાં આત્મનિરીક્ષણ કરવાની કે વ્યૂહરચના બદલવાની દિશામાં કશો વિચાર ન કરવો. સામેવાળા ખરાબ છે એટલી પ્રતીતિને જ પૂરતી ગણી લેવી અને તેમની સફળતાનાં કારણોમાં ‘જમાના ખરાબ હૈ’થી વધારે ઊંડા ઉતરવું નહીં. આત્મદયામાં સરી પડવું, તે આ વિકલ્પનું સૌથી ખતરનાક પરિણામ હોઈ શકે છે.

3. આ પરિબળોની જીતને ન્યૂ નૉર્મલ તરીકે – ‘હવે તો આમ જ રહેવાનું છે’ એ રીતે – સ્વીકારી લેવી. એટલું જ નહીં, પોતાની ‘મધ્યમમાર્ગ’ની વ્યાખ્યા પણ એ પ્રમાણે બદલવી અને તેને ‘ન્યૂ નૉર્મલ’ સાથે ગોઠવી દેવી. જેમ કે, પહેલાં કોઈ મોટો નેતા જાહેરમાં જૂઠું બોલે અને પકડાઈ જાય, તો ‘આ કેવી રીતે ચલાવી લેવાય?’ એવી પ્રતિક્રિયા આવતી હોય. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં, ‘આજકાલ બધા જૂઠું બોલે છે. આ પણ જૂઠું બોલે છે. છતાં ફલાણી બાબતમાં તો એ સારો છે અને અત્યારે આવું જ ચાલે’ એવું વલણ અપનાવવું. આવું કહેનારા પહેલાં ‘સમર્થક’ ગણાતા હોય, પરંતુ ‘ન્યૂ નૉર્મલ’ સ્થિતિમાં પોતાની જાતને ઉદારમતવાદી કે મધ્યમમાર્ગી ગણાવનારા લોકો પણ આવી દલીલ કરી શકે.

એનાથી ઉપરની કક્ષા એ છે કે બદલાયેલી સ્થિતિમાં જેનો સિતારો ચડતો હોય તેની વિરુદ્ધના મુદ્દા ગણકારવા નહીં અને ફક્ત તેમની કહેવાતી ખૂબીઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું. ટૂંકમાં, બની જવું સમર્થક, પણ ઉદારમતવાદી તરીકેનો જૂનો દાવો છોડ્યા વગર અને તેમાં જમાના પ્રમાણે બદલાવ આણવાના ખ્યાલ સાથે. એકાદ વર્ષ પહેલાં પ્રો. ભીખુ પારેખે એ મતલબનું કહ્યું હતું કે જમણેરી પરિબળો જીતે તો જાહેર જીવન – જાહેર ચર્ચાનું મધ્યબિંદુ પણ જમણી તરફ ખસે છે. એટલે કે પહેલાં જે બોલવું, પ્રચારવું કે વિચારવું જમણેરી ગણાતું હોય એવું ઘણું, બદલાયેલા મધ્યબિંદુ પછી ‘આવું તો કહેવાય. એમાં શું વાંધો છે?’ની વ્યાખ્યામાં આવી જાય છે.  આમ કરવામાં પવન જોઈને સઢ બદલવાનો નહીં, પણ જમાના સાથે તાલ મિલાવ્યાનો અહેસાસ થાય છે, વ્યાપક સ્વીકૃતિ ધરાવતી માન્યતાઓ – કામગીરીઓ સાથે સંઘર્ષનો તનાવ મટી જાય છે. તેનાથી રાહત લાગે છે.

4. જે થયું છે તેનો સ્વીકાર કરવો. સામા પક્ષની સફળતાનાં કારણ સમજવાં, દેખીતા અનિષ્ટને આટલી સ્વીકૃતિ કેમ મળી અને તેમાં લોકોનાં ભય અને આશા સહિતનાં કેટકેટલાં પરિબળ સંકળાયેલાં છે, તેમાં ઊંડા ઉતરવું અને તેની સાથે કેવી રીતે પનારો પાડી શકાય એ વિચારવાની કોશિશ કરવી. આપણને જે અનિષ્ટ લાગે, તેની જીતથી કે વ્યાપક સ્વીકૃતિથી તેની અનિષ્ટતા ઓછી થઇ જતી નથી, એ યાદ રાખવું. કોઈ પણ તબક્કે આત્મદયામાં કે નિયતિવાદમાં સરી ન પડવું. ‘આપણું કામ તો ખોટું લાગે તેની સામે લડવાનું છે.

તેમાં જીત થાય તો ઉત્તમ ને જીત ન થાય તો પરવા નહીં. જીત માટે વધુ પ્રયાસ કરીશું, વધુ વ્યૂહરચનાઓ વિચારીશું ને વઘુ લડત આપીશું, પણ આપણને જે ખોટું લાગે તેનો સ્વીકાર નહીં કરીએ – તેની સામે ઝૂકી નહીં જઈએ.’ એવો વિચાર પાકો કરવો.  આ વિકલ્પો ફક્ત અગ્રણીઓને કે જાહેર જીવનમાં પડેલા લોકોને જ નહીં, તમામ નાગરિકોને લાગુ પડે છે.

સૌજન્ય : ‘વળાંક’, “દિવ્ય ભાસ્કર”, 13 ડિસેમ્બર 2016

Loading

સોનમ વાંગચુક ‘થ્રી ઈડિયટ્સ’નો અસલી ઈડિયટ

વિશાલ શાહ|Opinion - Opinion|12 December 2016

તમને 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મમાં છેલ્લે આવતો ફૂનસૂક વાંગડુ યાદ હશે! ફિલ્મના અંતિમ દૃશ્યોમાં આમિર ખાનને લદાખમાં અનોખી સ્કૂલ ચલાવતા ભેજાબાજ એન્જિનિયર ફૂનસૂક વાંગડુ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફૂનસૂક વાંગડુ અને એમની સ્કૂલનું દૃશ્ય એ ફિલ્મી કલ્પના નહીં, પણ સત્ય ઘટના છે. જો કે, ફિલ્મમાં ક્યાં ય આ વાતનો ઉલ્લેખ નથી આવતો. અત્યારે પણ ફૂનસૂક વાંગડુ લદાખમાં એવી જ સ્કૂલ ચલાવે છે. વાંગડુ મૂળ લદાખના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિક્ષક અને ઈનોવેટર છે. ૧૬મી નવેમ્બરે વાંગડુએ પોતે જ ટ્વિટ કરીને સમાચાર આપ્યા ત્યારે ભારતમાં મોટા ભાગના લોકોને જાણ થઈ કે, તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રોલેક્સ એવોર્ડનું સન્માન મળ્યું છે.

બાય ધ વે, ફૂનસૂક વાંગડુનું અસલી નામ સોનમ વાંગચુક છે. લદાખમાં પાણીની અછત ધરાવતા ગામોમાં 'આઈસ સ્તૂપ'નો આઈડિયા આપવા બદલ તેમને રોલેક્સ એવોર્ડ મળ્યો છે. રોલેક્સ એવોર્ડ એકસાથે અનેક લોકોનું જીવન બદલી નાંખવા સક્ષમ હોય એવા ઈનોવેટિવ પ્રોજેક્ટ પર કામ કરનારાને અપાય છે. આ એવોર્ડ સાથે એક લાખ સ્વિસ ફ્રાંક(આશરે રૂ. ૬૭.૬૮ લાખ)નું રોકડ ઈનામ પણ મળે છે. આ વર્ષે રોલેક્સ એવોર્ડ માટે ૧૪૪ દેશમાંથી ૨,૩૩૨ અરજી આવી હતી, પરંતુ દર વર્ષે ફક્ત પાંચ જ બ્રેવ હાર્ટ્સને આ સન્માન અપાય છે.  

પણ આઈસ સ્તૂપ શું છે? એનાથી અનેક લોકોનું જીવન કેવી રીતે બદલાય? જરા, વિગતે વાત કરીએ.

આઈસ સ્તૂપ, એક ક્રાંતિકારી વિચાર

૮૬,૯૦૪ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા લદાખમાં ૮,૮૫૮થી ૧૩ હજાર ફૂટ ઊંચાઈએ અનેક ગામ આવેલા છે. અહીંના મોટા ભાગના વિસ્તાર બર્ફીલા રણ છે, જેથી ખેતીવાડી માટે તો ઠીક ઘરેલુ જરૂરિયાત માટે પણ ખૂબ ઓછું પાણી મળે છે.

સોનમ વાંગચુકની ટ્વિટ

લદાખમાં શિયાળામાં તાપમાન માઈનસ ૩૦ ડિગ્રીએ પહોંચે અને આખા વર્ષનો વરસાદ માંડ ચાર ઈંચ પડે છે. એપ્રિલ-મે મહિનામાં ઠંડી ઘટતા જ ખેડૂતો ખેતી શરૂ કરે ત્યારે તેમને પાણીની ભારે અછત પડે છે. બર્ફીલા રણમાંથી પાણી ઓગાળીને લાવી શકાય. પણ કેવી રીતે? આ પ્રકારના 'તુક્કા' આપવા સહેલા છે, પણ અમલ અઘરો. સિંચાઈ માટે એ અકસીર ઉપાય નથી એ વાત સાબિત થઈ ગઈ છે.

હા, ઠંડી ઘટતા હિમનદીઓ એટલે કે ગ્લેિશયર પીગળવાનું શરૂ થઈ જાય છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ગ્લેિશયર પીગળવાનો સમય બદલાઈ ગયો છે, વહેણ બદલાઈ ગયા છે અને પાણીનો પ્રવાહ પણ ઓછો થઈ ગયો છે. આ સ્થિતિમાં પણ ખેડૂતો ગ્લેિશયરનાં પાણીનો જ ખેતીકામમાં ઉપયોગ કરે છે, પરંતુ મોટા ભાગનું શુદ્ધ પાણી પહાડી ઢોળાવોનાં કારણે ખૂબ ઝડપથી સિંધુ ખીણમાં વહી જાય છે. કારણ કે, મહાકાય ગ્લેિશયર રહેણાક વિસ્તારો નજીક નહીં, અત્યંત દુર્ગમ પહાડી વિસ્તારોમાં ઊંચાઈ પર આવેલા હોય છે.

સોનમ વાંગચુકનો આઈડિયા અહીંથી શરૂ થાય છે. કુદરત કંઈ માણસને જોઈએ ત્યાં ગ્લેિશયર ના બનાવે પણ આપણે તો બનાવી શકીએ ને?

ભેજાબાજ એન્જિનિયરની 'યુરેકા મોમેન્ટ'

મે મહિનાના ઉનાળાના દિવસોમાં સોનમ વાંગચુક લદાખની વાદીઓમાં ટહેલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક પુલ નીચે બરફ જામેલો જોયો અને તેમને 'યુરેકા મોમેન્ટ'(મળી ગયું, મળી ગયું)નો અનુભવ થયો. વાંગચુકને આઈડિયા આવ્યો કે, પુલના પડછાયામાં સૂર્યપ્રકાશ નહીં પડવાથી બરફ પીગળ્યો નથી. જો આપણે શિયાળામાં પસંદગીના સ્થળોએ કૃત્રિમ ગ્લેિશયરો બનાવી દઈએ તો? તો એ ગ્લેિશયર પણ ઉનાળા સુધી પીગળે નહીં અને એનું પાણી પાઈપલાઈનથી સીધું ખેતરોમાં પહોંચાડી શકાય. પિરામિડ જેવા આકાર ધરાવતા બર્ફીલા પહાડોની સપાટી મજબૂત બરફથી જામેલી હોય પણ અંદર શુદ્ધ પાણી હોય એ વાત વાંગચુક જાણતા હતા.

સોનમ વાંગચુક

જો કે, આ વાત સાંભળવામાં જેટલી સરળ લાગે છે એટલી જ અઘરી છે. કોઈ જગ્યાએ બરફનો ઢગલો કરો એટલે કૃત્રિમ ગ્લેિશયર ના બની જાય! એ માટે પાણીનો સતત પ્રવાહ જોઈએ. પાણી તો છે નહીં! તો શું કરી શકાય? વાંગચુકે વિચાર્યું કે, ગ્લેિશયરનું વેડફાઈ જતું લાખો લિટર પાણી જ પાઈપલાઈનની મદદથી પસંદગીના સ્થળે લાવીને કૃત્રિમ ગ્લેિશયર બનાવી શકાય!

આ વિચારને સાકાર કરવા વાંગચુકે જાન્યુઆરી ૨૦૧૪માં તેમની સ્કૂલ નજીક એક ખુલ્લી જગ્યા પસંદ કરી કૃત્રિમ ગ્લેિશયરનો પ્રયોગ શરૂ કર્યો. એ માટે તેમણે લેહ ખીણ વિસ્તારનો દરિયાઈ સપાટીથી સૌથી નીચો (ઊંચાઈ પર ઠંડી વધુ હોય એટલે) અને સૂર્યપ્રકાશથી ભરપૂર વિસ્તાર પસંદ કર્યો હતો. આવો વિસ્તાર પસંદ કરવાનું કારણ એટલું જ કે, જો અહીં કૃત્રિમ ગ્લેિશયર ટકી જાય તો લદાખના કોઈ પણ વિસ્તારમાં તે ટકી શકે અને પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય. એટલું જ નહીં, અરુણાચલ પ્રદેશથી લઈને છેક અફઘાનિસ્તાન સુધીના પહાડી વિસ્તારોમાં હાડમારીભર્યું જીવન જીવતા લોકોને ખેતી સહિતની જરૂરિયાતો માટે ઓછામાં ઓછા ખર્ચે પાણી આપી શકાય!

… અને ઉનાળાની ગરમીમાં જાદુ થઈ ગયો

એ સ્થળે વાંગચુક સ્કૂલ કેમ્પસમાંથી પાણીની એક પાઈપલાઈન ખેંચી લાવ્યા અને પચાસેક ફૂટની ઊંચાઈએથી જમીન પર પાણીનો ધીમો પ્રવાહ આપવાનું શરૂ કર્યું. એકાદ મહિના પછી ત્યાં ૨૨-૨૩ ફૂટ ઊંચું ગ્લેિશયર બની ગયું. આટલી ઊંચાઈ અને ૬૦ ફૂટ જેટલો ઘેરાવો ધરાવતા કૃત્રિમ ગ્લેિશયરમાં એક કરોડ લિટર જેટલું પાણી સંઘરાયેલું હોય! વાંગચુકે વિચાર્યું કે, જો મે મહિનામાં પણ આ 'મેડ ઈન લદાખ' ગ્લેિશયર પીગળે નહીં તો જાદુ થઈ જાય! અને ખરેખર એવું જ થયું!

વાંગચુકની સ્કૂલ નજીક તૈયાર થયેલું કૃત્રિમ ગ્લેિશયર

ગ્લેિશયર બનવા અને નહીં પીગળવા પાછળ અનેક પરિબળો જવાબદાર હોય છે. આપણે જેમ ઊંચાઈએ જઈએ તેમ સૂર્યના કિરણોની શક્તિ ઘટે અને હવા પણ પાતળી થાય. ખૂબ ઊંચાઈએ આવેલા કુદરતી ગ્લેિશયરને પણ આ નિયમ લાગુ પડે, એટલે તે કૃત્રિમ ગ્લેિશયર જેટલા ઝડપથી પીગળે નહીં. લદાખ દરિયાઈ સપાટીથી ૯,૮૦૦ ફૂટ ઊંચાઈ પર છે. મે મહિનામાં લદાખમાં દિવસનું તાપમાન ૧૬ ડિગ્રી અને રાત્રિનું ત્રણ ડિગ્રી હોય છે. આ ઉપરાંત હિમાલયના બર્ફીલા અને શુદ્ધ પવનો પણ ત્યાં સતત વહેતા હોય છે.

ટૂંકમાં, અમદાવાદનું તાપમાન ૧૬ ડિગ્રી જેટલું નીચું જાય તો પણ કૃત્રિમ ગ્લેિશયર ના બને. અમદાવાદ તો ઠીક, માઉન્ટ આબુ જેવા સ્થળે પણ ગમે એટલી ઠંડીમાં ગ્લેિશયર ના બને! જો કે, વાંગચુકે સર્જેલું કૃત્રિમ ગ્લેિશયર પહેલી મેએ પણ દસ ફૂટ ઊંચું હતું અને પાણી આપવા સક્ષમ હતું. એટલું જ નહીં, આ ગ્લેિશયર છેક ૧૮મી મેએ આખું પીગળ્યું અને ત્યાં સુધી પાણી આપતું રહ્યું. એ ખરેખર જાદુ હતો.

કૃત્રિમ ગ્લેિશયરનો પ્રયોગ સફળ થતા જ વાંગચુકે ઓક્ટોબર ૨૦૧૪માં ક્રાઉડ ફન્ડિંગની મદદથી આ યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ક્રાઉડ ફન્ડિંગ એટલે ઈન્ટરનેટની મદદથી વિશ્વને તમારી યોજના જણાવો અને દાન ઉઘરાવો. કૃત્રિમ ગ્લેિશયરને વાંગચુકે બૌદ્ધ સ્તૂપ પરથી આઈસ સ્તૂપ નામ આપ્યું છે. જો કે, અસલી ગ્લેિશયર કરતાં તેનું કદ ઘણું નાનું હોય છે. આ આઈડિયાના આધારે વાંગચુક લદાખના સૂકાભઠ વિસ્તારોને ફરી ગાઢ લીલોતરીથી આચ્છાદિત કરવાનું પણ સપનું જોઈ રહ્યા છે.

થોડી જાણકારી, સોનમ વાંગચુક વિશે

સોનમ વાંગચુકનો જન્મ (પહેલી સપ્ટેમ્બર, ૧૯૬૬) માંડ પાંચ ઘર ધરાવતા ઉલેય ટોકપો નામના અંતરિયાળ ગામમાં થયો હતો. આ ગામમાં સ્કૂલ તો ક્યાંથી હોય! એટલે વાંગચુક સાડા આઠ વર્ષ સુધી ઘરમાં માતા સાથે જ ભણ્યા. એ પછી વાંગચુક પરિવારે તેમને નજીકના નુબ્રા ગામની સ્કૂલમાં મૂક્યા, પરંતુ વાંગચુકને છ મહિનામાં બે સ્કૂલ બદલવી પડી અને છેવટે લેહની સ્કૂલમાં ભરતી થયા. જો કે, શિક્ષકોએ વાંગચુકની પ્રતિભા પારખીને તેમને સીધેસીધા ત્રીજા ધોરણમાં બેસવાની મંજૂરી આપી.

આઈસ સ્તૂપમાંથી છૂટી રહેલી પાણીની જાદુઈ ધારા  

જમ્મુ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં શિક્ષણની આવી મુશ્કેલીઓ છે. વિચાર કરો, સોનમ વાંગચુકના પિતા તો રાજ્ય સરકારમાં મંત્રી હતા, છતાં સોનમ વાંગચુકની આ સ્થિતિ હતી. જો કે, વાંગચુક અનેકવાર જાહેરમાં ગૌરવથી કહી ચૂક્યા છે કે, હું મોટી કહી શકાય એવી ઉંમર સુધી માતા પાસે વાંચતા-લખતા શીખ્યો અને એ પણ માતૃભાષામાં. એટલે જ હું સ્વતંત્ર રીતે કુદરત સાથે ઓતપ્રોત થઈને શક્ય હતું એટલું સારું શિક્ષણ લઈ શક્યો …

આ દરમિયાન નવ વર્ષની ઉંમરે વાંગચુકને પિતા સાથે શ્રીનગર જવું પડ્યું. એટલે વાંગચુકનો અભ્યાસ શ્રીનગરની સ્કૂલમાં ચાલુ થયો અને તેમના માટે એ નવી મુશ્કેલી હતી. કારણ કે, શ્રીનગરમાં ઉર્દૂ અને કાશ્મીરી ભાષામાં જ શિક્ષણ અપાતું એટલે વાંગચુક કશું જ સમજી નહોતા શકતા. આ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વાંગચુકને 'ઈડિયટ' સમજતા. વાંગચુકે કહ્યું હતું કે, એ મારા જીવનના સૌથી અંધકારમય દિવસો હતા …

છેવટે ૧૯૭૭માં ૧૧ વર્ષની વયે સોનમ વાંગચુક જાતે જ દિલ્હી આવીને વિશેષ કેન્દ્રિય વિદ્યાલયના પ્રિન્સિપાલને મળ્યા. ભારતના સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સરકાર કોઈ જ ફી લીધા વિના આવી રેસિડેન્શિયલ સ્કૂલો ચલાવે છે. આ સ્કૂલના શિક્ષકોએ વાંગચુકને સતત અને સખત પ્રોત્સાહન આપીને ભણાવ્યા. વાંગચુકે પણ અભ્યાસ, એક્સ્ટ્રા-કરિક્યુલમ એક્ટિવિટીઝમાં મન પરોવી દીધું અને ૧૯૮૩માં નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી-શ્રીનગરમાં મિકેનિકલ એન્જિનિયર બનવા સરળતાથી પ્રવેશ પણ મેળવ્યો.

પહાડી જિંદાદિલીથી આગળ વધ્યા

જો કે, સોનમ વાંગચુકની મુશ્કેલીઓનો અંત ન હતો. તેમના પિતા ઈચ્છતા હતા કે, સોનમ મિકેનિકલ નહીં સિવિલ એન્જિનયર બને. આ જીદના કારણે તેમણે વાંગચુકને ફી ભરવાના પૈસા ના આપ્યા. જો કે, જિંદાદિલ વાંગચુકે દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા વેકેશન બેચ શરૂ કરીને પૈસા કમાવવાનું શરૂ કર્યું અને એન્જિનિયરિંગ અભ્યાસનો ખર્ચ જાતે જ ઉઠાવ્યો. દસમા ધોરણના ટ્યૂશન કરતી વખતે વાંગચુકે અનુભવ્યું કે, અનેક હોશિયાર વિદ્યાર્થીઓ ભાષાની મુશ્કેલીઓ કે સામાજિક પ્રશ્નોના કારણે અમુક વિષયોમાં નાપાસ થઈ જાય છે અને જીવનભર એના ભાર તળે જીવે છે. એટલે વાંગચુકે શૈક્ષણિક સુધારા કરવાની ગાંઠ વાળી લીધી.

ફે ગામમાં સેમકોલ સ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ

વાંગચુક ૧૯૮૭માં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કરીને લદાખ પાછા ફર્યા અને બીજા જ વર્ષે ૧૯૮૮માં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદાખ (સેકમોલ) નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી. આ સંસ્થાનો હેતુ 'એલિયન એજ્યુકેશન સિસ્ટમ'નો ભોગ બનેલા લદાખી વિદ્યાર્થીઓમાં ફરી એકવાર આત્મવિશ્વાસનો સંચાર કરવાનો છે. આ આખી ઈન્સ્ટિટયુટના તમામ ઉપકરણો વીજળીથી નહીં, સૂર્ય ઊર્જાથી ચાલે છે, જેની પાછળ વાંગચુક અને બીજા વિદ્યાર્થીઓની મહેનત છે.

વર્ષ ૧૯૯૪માં કેન્દ્ર સરકાર, સિવિલ સોસાયટી અને ગ્રામ્ય આગેવાનોએ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધારવા 'ઓપરેશન ન્યૂ હોપ' શરૂ કર્યું હતું. આ યોજનામાં પણ વાંગચુક ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. એક સમયે લદાખમાં ધોરણ ૧૦માં માંડ પાંચ ટકા વિદ્યાર્થી પાસ થતા હતા, પરંતુ આ આંદોલન પછી સફળતાની ટકાવારી ૭૫ ટકાએ પહોંચી ગઈ છે!

***

મહાન વિચારક ચાણક્યે કહ્યું હતું કે, ''શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ …'' આ વાત ચાણક્યએ સોનમ વાંગચુકને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરનારા અને ખુદ સોનમ વાંગચુક જેવા 'અસાધારણ' શિક્ષકો માટે કરી હશે!

—-

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.in/

Loading

ડુડિયા

સરોજબહેન ન. અંજારિયા|Opinion - Opinion|12 December 2016

થોડાએક વર્ષોથી અલગ અલગ ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા સારાયે વિશ્વમાં વધતી જાય છે એવું હું અનુભવું છું. ધર્મના ફાંટાઓ પણ એકબીજાને સહન કરી શકતા નથી. અને તેમાં આજે અન્ય ધર્મો પ્રત્યેનો આદર લગભગ લુપ્ત થતો જાય છે. મારા બાળપણની વાત યાદ આવે કે અમે અમારા મિત્રોને કોઈ દિવસ પૂછ્યું નહોતું કે તું કઈ નાતનો છે, કે કયા ધર્મનો છે. ત્યારે આજે બાળકને પણ ખબર પડે છે કે મારો ધર્મ મારા મિત્ર કરતાં જુદો છે કારણ કે સર્વધર્મસમાનત્વની વાત કયારે ય પણ શાળા-મહાશાળાઓમાં શીખવાડવામાં આવી નથી.

જાન્યુઆરી 2016માં બોસ્નિયામાં 1992માં થયેલ સામૂહિક હત્યાકાંડની વિગત મારા જાણવામાં આવી. ત્યાંની વિષમ પરિસ્થિતિથી ત્રસ્ત થયેલ કેટલાક લોકો યુનાઇટેડ કિંગ્ડમ આવેલા તેમાંની એક મહિલા ડુડિયા મને માન્ચેસ્ટરમાં મળવા આવેલી જેની વિગત વાચકો સમક્ષ મુકવા ધારું છું.

બોસ્નિયાના પાટનગર સારાયેવોથી 50 કિલોમીટર દૂર આવેલ ઓલોવો નામના ગામમાં એક સાધારણ કુટુંબમાં ડુડિયાનો જન્મ. પ્રાથમિક શિક્ષણ મેળવીને 19 વર્ષની ઉંમરે લગ્ન થયાં. પતિ એક બાંધકામની કંપનીમાં નોકરી કરે. બંને જણા માર્શલ ટીટોના સામ્યવાદી શાસન દરમ્યાન જન્મેલા અને રોજી રોટી કમાઈને સુખેથી રહેતાં. ડુડિયા એક કાપડની મિલમાં રસોડામાં રસોઈ કરવાનું કામ કરતી.  રોજ 800 કામદારોની રસોઈ તેને હાથે થતી. તેણે કહ્યું કે બોસ્નિયામાં કેથલિક, ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન અને મુસ્લિમો હળીમળીને સદીઓથી રહેતા હતા. લગભગ 48% લોકોએ તો આંતર્ધર્મી લગ્ન પણ કરેલાં. એ પોતે કયા ધર્મની અનુયાયી છે તે વિષે સભાન પણ નહોતી.

ઈ.સ. 1992માં ડુડિયાની પાડોશણ કે જે સર્બિયન હતી તેણે અચાનક કહ્યું, “હું જાઉં છું, આ લે મારા ઘરની ચાવી, જે જોઈએ તે લઈ લેજે, પણ મારો પતિ જો વર્દીમાં દેખાય તો તારાં બાળકોને લઈને આ ઘર અને ગામ છોડીને જતી રહેજે.” ડુડિયાને આ વાત માન્યામાં ન આવી. બીજે દિવસે નોકરી પર ગઈ ત્યારે વર્દીમાં સજ્જ થયેલ એ જ પાડોશીએ ડુડિયાને કહ્યું કે તું કામ પર નહીં જઈ શકે. સારાયેવોનો કબજો સર્બિયન લશ્કરે લઈ લીધો છે. ડુડિયાના પતિ તે વખતે રશિયામાં કામ કરતા હતા. બાજુના નાનકડા ગામમાં પોતાના પાંચ વર્ષના દીકરા, અઢી વર્ષની દીકરી અને બહેનની સાત વર્ષની દીકરીને સંભાળીને રહેતી પોતાની મા પાસે જઈને આ સ્ફોટક પરિસ્થિતિની વાત કરી. તેની માએ કહ્યું, “મેં તો જિંદગી જીવી લીધી, આ સર્બિયન લશ્કરના સૈનિકો બહુ બહુ તો મારા પર બળાત્કાર કરશે કે મને મારી નાખશે, તો શું થયું? પણ તું આ ત્રણેય બાળકોને લઈને અહીંથી સલામત જગ્યાએ જતી રહે.” ભારે હૃદયે પોતાની માને ઝાઝેરા જુહાર કરીને ત્રણ બાળકોને આંગળીએ વળગાડી ચાલતી નીકળી પડી.

માર્શલ ટીટોના રાજ્યમાં યુગોસ્લાવિયા પ્રમાણમાં સુખ શાંતિમાં જીવતું. પછી છ રાજ્યોમાં વિભાજન થતાં અશાંતિ વધી. સર્બિયાને રાજ્ય વિસ્તાર કરવાની ઘેલછાનું ભૂત વળગ્યું અને બોસ્નિયા સ્થિત મુસ્લિમ પ્રજાનો સંહાર કરી તે પ્રદેશને મુસ્લિમ વિહોણું બનાવી નાખવા સંહાર આદર્યો. ડુડિયા એક કાપડ લઈ જતી લોરીમાં બેસી ક્રોએશિયાના પાટનગર ઝાગ્રેબ પહોંચી, જ્યાં એક ઓરડામાં 30 નિરાશ્રિતો સાથે રહી. દિવસો સુધી સુવાની અને નાહવા-ધોવાની સુવિધા વિના અનિશ્ચિત દશામાં રહ્યાં. ત્યાર બાદ રેડક્રોસની સહાયથી તેમને યુનાઇટેડ કિંગ્ડમ લઈ જવામાં આવ્યાં. ડુડિયા માન્ચેસ્ટર આવી. થોડા સમય પછી તેની બે બહેનો પણ આવી.

માન્ચેસ્ટર આવી, ઈંગ્લીશ ભાષાના વર્ગોમાં ભરતી થઈ. એડલ્ટ એડ્યુકેશનની કોલેજમાં રસોયણ તરીકે નોકરી મેળવી, બંને બાળકોને શાળા-કોલેજનું શિક્ષણ અપાવ્યું. આજે તેનો પુત્ર બોલ્ટનની શાળામાં શિક્ષક છે અને પુત્રી પીએચ.ડી.નો અભ્યાસ કરે છે. તે દરમ્યાન તેના પતિ કે જે રશિયામાં હતા તેની બીમારી અને છેવટ મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા. ડુડિયાનો વલોપાત હવે તેના જ શબ્દોમાં: “મેં કોઈ ગુનો કર્યો હોય તેમ લાગે છે. મને વિચાર આવે કે મારા પતિ ભૂખ્યા રહ્યા હશે, તેને છેવટે પાણી કોણે પાયું હશે? હું મારી માને પણ એકલી મૂકીને આવી છું અને બાર વર્ષ પછી ફરી બોસ્નિયા ગઈ.” એમ કહી મારો હાથ પકડીને ખૂબ રડી અને મને પણ રડાવી.

મારું મન વિચારે ચડ્યું. શું ધર્મ આવો ક્રૂર હોઈ શકે? શું વિધર્મીઓ પ્રત્યે આવો અનાદર? હજારો નિર્દોષ લોકોની વિના કારણ હત્યા કરવામાં હાથ ધ્રૂજે નહીં?  માનવતા સાવ આમ મરી પરવારી? એક વિચાર એવો પણ આવ્યો કે ભારતમાં પણ જુદા જુદા ધર્મના લોકો એકબીજાને પરાયા ગણે તો હિંસા ફાટી નીકળવામાં વાર શી લાગે?  

આ વાતચીતને અંતે અમે બંને એકબીજાને સવાલ પૂછતાં રહ્યાં બોસ્નિયા અને અન્યત્ર આવા સંહાર શા માટે થયા કરે છે? એ સવાલ લાજવાબ રહ્યો. ડુડિયા મારી મિત્ર બની ગઈ. દેશ, ધર્મ અને ભાષાના વાડા તૂટી ગયા અને માત્ર માનવતા અમને બાંધી રહી. આ રહી એ મીઠડી મહિલાની તસ્વીર.

Loading

...102030...3,5613,5623,5633,564...3,5703,5803,590...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved