Opinion Magazine
Number of visits: 9584564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિવાજીના ખોટ્ટાડા જન્મદિનની ઉજવણી

હરિ દેસાઈ|Opinion - Opinion|22 February 2017

શિવાજીનો આદર્શ કોઈ ધર્મવિશેષ પ્રત્યે રાગદ્વેષ વગરના હિંદવી સ્વરાજનો હતો, હિંદુ સ્વરાજનો નહીં

‘હિન્દવી સ્વરાજ’ના અસલી વારસ ગણાવાની લડાઈ અદાલતો કે પરિવારમાં નહીં, પણ હવે તો રાજકીય સત્તાની સાઠમારીમાં જોવા મળે છે. ‘હિન્દવી સ્વરાજ’નું નામાંતર ‘હિંદુ સ્વરાજ’માં કરી નાખીને હિંદુહૃદયસમ્રાટો રાજકીય સત્તાના જંગ જીતવા નીકળી પડ્યા છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજનો આત્મા કેવો કણસતો હશે એની સત્તાકાંક્ષીઓને પરવા જ ક્યાં છે?

ભારતમાં નાયક તરીકેની છબિ ધરાવતા શિવાજીના ઈતિહાસની બાબતમાં પણ ઘણા બધા વિરોધાભાસો અત્યારના શાસકોમાં અને મહારાષ્ટ્રના ઇતિહાસકારોમાં જોવા મળે છે. શિવાજી મહારાજના ‘હિંદવી સ્વરાજ’ને આદર્શ માનીને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં શાસન કરતા રહેલા કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ કે ભારતીય જનતા પક્ષ અને શિવસેના જેવા રાજકીય પક્ષોના નેતાઓ છત્રપતિની જન્મતારીખ વિશે આજ દિવસ સુધી એકમત સાધી શક્યા નથી. 

પછી શિવાજી મહારાજના સમગ્ર વ્યક્તિત્વની બાબતમાં એમની વચ્ચે સર્વાનુમત હોવાની શક્યતા તો જણાય જ ક્યાંથી? છત્રપતિને માત્ર હિંદુ શાસક ગણાવવા એ ભૂલ ભરેલું છે. એમનો આદર્શ હિંદવી સ્વરાજનો હતો, હિંદુ સ્વરાજનો નહીં. એ કોઈ ધર્મવિશેષ પ્રત્યે વિશેષ અનુરાગ કે દ્વેષ સાથે નહીં, પણ પ્રજા વચ્ચે ધાર્મિક ભેદ કર્યા વિના સમગ્ર પ્રજાને ન્યાયી રીતે નિહાળનારા રાજવી હતા. એમનું શાસન માત્ર છ વર્ષ જેટલા ટૂંકા સમયગાળાનું એટલે કે ઈ.સ.1674થી 1680 લગીનું જ રહ્યું. પૅલેસ વૉરને કારણે એમની આઠ પત્નીઓમાંથી બીજા ક્રમનાં સોયરાબાઈ થકી ઝેર અપાતાં લોહીની ઊલટીઓ કરનાર છત્રપતિએ 1680માં જીવ ત્યાગ્યો હતો. તે સમયગાળામાં ચોફેર મુઘલ કે મુસ્લિમ શાસકોની બોલબાલા હતી ત્યારે શિવાજીએ પોતાના વિશ્વાસુ હિંદુ અને મુસ્લિમ સરદારોના સાથસહકારથી શિવશાહીની સ્થાપના કરી હતી. શિવાજીના પિતા શહાજી બિજાપુર-કર્ણાટકના મુસ્લિમ શાસકની આદિલશાહીમાં સરદાર હતા. શિવાજીએ આપબળે સામ્રાજ્ય ઊભું કર્યું.

શિવાજીએ ઉત્તરે સુરત વારંવાર લૂટ્યું, હિંદુ તથા મુસ્લિમ વેપારીઓ કનેથી લાખોની લૂંટ ચલાવી, પરંતુ અંગ્રેજોના આશ્રમને હાથ નહીં લગાડ્યાનું સુરત મહાનગરપાલિકાએ પ્રકાશિત કરેલા ઈતિહાસમાં નોંધાયું છે. ‘સુરત ઈતિહાસદર્શન’ના પ્રથમ ખંડમાં શિવાજીની સુરતની લૂંટની લાવણીમાં ‘સત્તર વાર સુરતને લૂંટ્યું, છત્રપતિ છાપો મારી’ના ઉલ્લેખ સાથે હાહાકાર મચાવાયાનું નોંધ્યું છે. સુરત મુઘલ બાદશાહની હકૂમતમાં હતું. બાદશાહ ઔરંગઝેબની આણ હેઠળ હતું. મહારાષ્ટ્રના સર્વસ્વીકૃત ‘શિવાજી ચે પત્રેં’ (ન.ચિં. કેલકર સંપાદિત) મુજબ, શિવાજીને રાજાનું બિરુદ બાદશાહ ઔરંગઝેબે આપ્યું હતું. એના સરસેનાપતિ જયસિંહે મુઘલ બાદશાહ સામે સમજૂતી કરી લેવા ખૂબ સમજાવ્યા છતાં છત્રપતિ શિવાજીએ સ્વતંત્ર રાજ સ્થાપવાની જીદ જાળવીને આજના મહારાષ્ટ્ર અને તમિળનાડુના તાંજોર લગી પોતાના રાજની આણ વર્તાવી હતી. તાંજોર રાજ્ય પોતાના સાવકા ભાઈ વ્યેન્કોજીને આપ્યું હતું. આજે પણ તમિલનાડુમાં એમના વંશજો ગૌરવથી રહે છે.

બળૂકા રાષ્ટ્રપુરુષ છત્રપતિ શિવાજીએ પોતાને મેવાડના સિસોદિયા રાજપૂતોના વંશજ ગણાવ્યા હતા. રાજ્યના બ્રાહ્મણોએ એમને ક્ષત્રિય ગણવાનો નન્નો ભણ્યો, ત્યારે કાશી-બનારસથી ગાગા ભટ્ટને તેડાવીને રાજ્યાભિષેકનું આયોજન કરાવ્યું હતું. ગોવંશના સંરક્ષક જ નહીં, પોતાની પ્રજાના પણ રક્ષક, હિંદુ-મુસ્લિમ ભેદ નહીં કરનાર શિવાજીની આદર્શ શાસન વ્યવસ્થા માટે એમનું અષ્ટપ્રધાનમંડળ હતું. પ્રજાવત્સલ રાજવી તરીકે આજે પણ દુનિયાભરની હિંદુ પ્રજાના દિલમાં વસી ગયેલા શિવાજી મુઘલ સરદાર અફઝલખાનને મળવા ગયા ત્યારે પોતાના અત્યંત વિશ્વાસુ એવા મુસ્લિમ સરદારની સલાહથી જ વાઘનખ પહેરીને ગયા હતા. ઇસ્લામ કબૂલ કરનાર નેતાજી પાલકર દસ વર્ષ મુઘલ સેનામાં સરદાર રહ્યા પછી ફરી હિંદુ થવા ઈચ્છુક હતા ત્યારે શિવાજીએ એમને આવકાર્યા, એટલું જ નહીં પોતાની દીકરી નેતાજીના પુત્ર સાથે પરણાવી હતી.

આવા શિવાજી આજે મહારાષ્ટ્રની સરકાર અને પ્રજા માટે હિંદુ-મુસ્લિમના ભેદ વિના જ નાયક(હીરો) છે. રાજ્ય સરકાર એમના જન્મદિવસની ઊજવણી કરે છે. એ દિવસે જાહેર રજા રાખે છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકાર થકી 19 ફેબ્રુઆરીએ જાહેર રજા રાખવામાં આવી હતી, કારણ છત્રપતિનો જન્મદિવસ 19 ફેબ્રુઆરી 1630 મનાતો રહ્યો છે. રાજ્યમાં ભાજપ અને શિવસેનાની સરકાર આવી ત્યારે પણ ભાજપ થકી 19 ફેબ્રુઆરીને જ છત્રપતિનો જન્મદિવસ ગણાવીને સરકારી રજા જાહેર કરવાની પરંપરા જળવાઈ. જો કે, સરકારમાં સાથીપક્ષ હોવા છતાં શિવસેના હિંદુ કેલેન્ડર મુજબ, 8 માર્ચને જ શિવાજીનો જન્મદિવસ ગણે છે અને એ જ દિવસે શિવાજીના જન્મદિવસની ઊજવણી કરે છે.

મુંબઈની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા ‘ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટીઆઈ.એફ.આર.)ના વૈજ્ઞાનિકોએ છત્રપતિ શિવાજીના જીવનને લગતી તારીખોના સંશોધનને અંતે એવું તારવ્યું છે કે છત્રપતિ શિવાજીની સાચી જન્મતારીખ 1 માર્ચ, 1630 જ ગણાય. શિવાજી મહારાજનો જન્મ ફાગણ વદ ત્રીજે થયો હતો. એ વેળા પ્રચલિત જુલિયન કેલેન્ડર મુજબ, શિવાજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ થયાનું નોંધાયા છતાં પાછળથી ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવાયાથી એમાં 10 દિવસની ગોઠવણ કરવી પડે એટલે  1 માર્ચ 1630 જ તેમની સાચી જન્મતારીખ લેખાય. ટી.આઈ.એફ.આર.ના ગુજરાતી વૈજ્ઞાનિક ડૉ. મયંક વહિયા અને સાથી વૈજ્ઞાનિકોએ ‘કરંટ સાયન્સ’ના જાન્યુઆરી 2003ના અંકમાં આ સંદર્ભમાં શિવાજીના જીવનના ઘટનાક્રમને લગતી સાચી તારીખો તારવી છે. 

વહિયા સાથે મોહન આપ્ટે અને પરાગ મહાજનીએ પણ આ સંશોધન કાર્યમાં યોગદાન કર્યું છે. તેમની ગણતરી મુજબ, છત્રપતિ શિવાજીની જન્મતારીખ જેમ 1 માર્ચ 1630 આવે છે, તેમ પ્રતાપગઢ યુદ્ધની તારીખ 20 નવેમ્બર 1659, આગ્રામાંથી ભાગી છૂટવાની ઘટનાની તારીખ 27 ઓગસ્ટ 1666, રાજ્યાભિષેકની તારીખ 16 જૂન, 1674 અને રાયગઢ કિલ્લામાં નિધનની તારીખ 13 એપ્રિલ 1680 આવે છે. 18મી સદીના ઉત્તરાર્ધમાં જુલિયન કેલેન્ડરમાંથી ગ્રેગોરિયન કેલેન્ડરમાં પરિવર્તિત થવાને કારણે ઐતિહાસિક તારીખોમાં ભૂલ આવે છે. કેલેન્ડર પરિવર્તન લગીના સમયગાળામાં વિશ્વના મોટા ભાગના દેશો પર પ્રોટેસ્ટન્ટ રાજ કરતા હતા અને તેઓ જુલિયન કેલેન્ડર(જુલિયસ સીઝર આધારિત)ને અનુસરતા હતા. 1752 લગી ભારતનો ઇતિહાસ પણ જુલિયન કેલેન્ડર મુજબ બ્રિટિશ ઈતિહાસકારોએ લખ્યો હતો. ગ્રેગોરિયન (પોપ ગ્રેગરી 13 આધારિત) કેલેન્ડર અમલમાં આવતાં એને ઇતિહાસ અને વૈજ્ઞાનિક આધાર લઈને સુધારવામાં આવ્યા પછી પણ મહારાષ્ટ્રના રાજકીય શાસકો હજી એને સ્વીકારે એની પ્રતીક્ષા છે. 

લેખક જાણીતા પત્રકાર, સંશોધક વિશ્લેષક છે

e.mail : haridesai@gmail.com

સૌજન્ય : ‘છત્રપતિની છત્રછાયામાં’, “દિવ્ય ભાસ્કર”, 22 ફેબ્રુઆરી 2017

Loading

બાલસાહિત્યમાં પ્રદૂષણ

રજનીકુમાર પંડ્યા|Opinion - Literature|22 February 2017

અગિયાર વર્ષની મારી દોહિત્રી અનુશ્રીએ એક દિવસ એનું ટેબ્લેટ સ્ક્રીન વેગળું મૂકીને મૌખિક વાર્તા સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. જોગાનુજોગ થોડા સમય અગાઉ જી.એલ.એફ.(ગુજરાત લિટરેચર ફૅસ્ટિવલ)માંથી એને માટે બાલવાર્તાનાં ત્રણેક પુસ્તકો વહોરી લાવેલો. તેમાંથી ‘ગિજુભાઈની બાળવાર્તાઓ’ શીર્ષકની નાની પુસ્તિકા કાઢી (પ્રકાશક : નવસર્જન પબ્લિકેશન્સ, અમદાવાદ). ગિજુભાઈની વાર્તાઓ સાંભળી-સાંભળીને તો હું મોટો થયેલો એટલે એના ઉપર પહેલી પસંદગી ઊતરી. આકસ્મિક જ ‘કૂતરો ને ચિત્તો’ મથાળાની  વાર્તા કાઢી અને બાળકને રુચે એ ઢબથી એની પાસે એનું વાચન શરુ કર્યું. પણ હજુ પહેલો ફકરો પૂરો કરું ત્યાં તો અનુશ્રીને બકારી આવી. એ કંઈ પણ બોલ્યા વગર મોંએ હાથ દઈને ઊભી થઈ ગઈ અને થોડે દૂર પડેલા મારા કમ્પ્યૂટર પાસે ગઈ, ફટફટફટ ચાંપો દાબીને ગેઇમ રમવા માંડી.

કોઈ કલ્પી શકશે કે ગિજુભાઈની વાર્તા સાંભળતાં-સાંભળતાં એને ઊબકા (બકારી) કેમ આવ્યા ?

તો એ વાર્તાનો આટલો અંશ વાંચો : “કૂતરો અને ચિત્તો બન્ને રાફડે ગયા, ત્યાં તો એમાં કેટલી ય જીવાત થયેલી. બંનેએ ખોબા ભરીભરીને જીવાત ઘેર આણી. ચિત્તાની સ્ત્રીએ તેનું મિષ્ટાન્ન બનાવ્યું અને ધરાઈ ધરાઈને ખાધું. બાકી વધ્યું એની સુકવણી કરી.”

એ પછી તો વાર્તા આગળ વધે છે, બેઉ પ્રાણી એ સુકવણીનાં પોટલાં માથે મૂકીને પ્રવાસે જાય છે. રસ્તામાં કૂતરો પોતે ‘નાડાછોડ’ (આ શબ્દ લઘુશંકા માટે વપરાયો છે. કાઠિયાવાડમાં ગ્રામ્યવિસ્તારોમાં એની એક બિભત્સ અર્થચ્છાયા પણ છે.) માટે ચિત્તાથી અળગો થાય છે…

‘જીવાતોનું મિષ્ટાન્ન’ બનાવવા જેવી જુગુપ્સાપ્રેરક ઘટનાં ગિજુભાઈની વાર્તામાં હોય ખરી? મને શંકા છે. કોઈ જાણકાર આનો ખુલાસો કરશે તેવી અપેક્ષા છે.

બાળવાર્તાઓનું બીજું એક પુસ્તક ‘નર્મદા પબ્લિકેશન્સ’નું છે. નામ છે ‘પંચતંત્ર’. એનું પેટા લખાણ છે – ‘બુદ્ધિ,ડહાપણ અને સદ્‌ગુણોની પ્રાચીન ભારતીય વાર્તાઓ.’

તેમાં પહેલી જ વાર્તા છે : ‘કબૂતર, કબૂતરી અને ક્રૂર શિકારી’ અગાઉના અનુભવે બાળકીને એ વાંચી સંભળાવતાં પહેલાં હું વાંચી ગયો. એક ક્રૂર શિકારીની ઠંડી દૂર કરવા એના સળગાવેલા તાપણામાં કબૂતરી અને કબૂતરી સ્વયં એ તાપણામાં કૂદી પડીને ભૂંજાઈ મરે છે. બસ, વાર્તા પૂરી!

આમાં કઈ બુદ્ધિ? કયું ડહાપણ? કયો સદ્‌ગુણ? બલિદાનની વાત હોય તો ય તે આવી બેહૂદી અને સુગાળવી રીતે?

અરે, ઉપર ઉલ્લેખ્યાં તે બન્ને પુસ્તકોમાં ક્યાં ય સંપાદકોનાં નામો સુધ્ધાં નથી. શંકા પડે છે કે ‘પંચતંત્ર’ના નામે કે ગિજુભાઈ બધેકાના નામે કોઈ ભાડૂતી લખી આપનારા પાસે આ ‘કામો’ કરાવ્યાં  છે.

આની સામે બીજી એક વાત મૂકું. મેં મારી કિશોરાવસ્થામાં જયમલ્લ પરમાર અને નિરંજન વર્મા દ્વારા સંપાદિત ‘દેશદેશની લોકકથાઓ’ના ચાર ભાગ વાંચી નાખ્યા હતા, એમાં ‘ગૌડ બંગાળની વાર્તાઓ’ ના ખંડમાં એક જગ્યાએ એક યુવાન પરિણીતા પોતાના આંગણદ્વારે ઊભી હોય છે. તેટલામાં એનો એક યાર એની સામે આંખનો ઇશારો કરતાં કરતાં પસાર થાય છે, તેવો એક પ્રસંગ નિરૂપાયો હતો. મારા કિશોર માનસમાં એ ‘યાર’ શબ્દની અને એ પ્રસંગની બહુ બૂરી અસરો પડી હતી. એ પછી ત્રીસેક વરસે હું રાજકોટમાં હતો, ત્યારે જયમલ્લ પરમાર મારી ‘ઝબકાર’ કટારના વડીલ વાચક બન્યા અને મને મળવાની ઇચ્છા હસમુખ રાવળ દ્વારા મને પહોંચાડી. લેખક રાજુ દવે મારફત અને હસમુખ રાવળ સાથે હું રાજકોટમાં એમના જકાત નાકા, કાલાવડ  રોડ પરના નિવાસસ્થાને મળવા ગયો, સરસ-સરસ વાતો થતી હતી, ત્યાં અચાનક મને પેલી, ‘યાર’ અને ‘ઇશારા’વાળી વાત યાદ આવી ગઈ, મારાથી ના રહેવાયું. એમને ગમે કે ના ગમે તેની ચિંતા કર્યા વગર મેં અતિ નમ્રપણે એમને એ વાત કરી. એમને આંચકો તો લાગ્યો પણ યાદ નહોતું આવતું, પણ તરત ઊભા થયા. કબાટમાંથી એ પુસ્તક કાઢ્યું, જોયું. વિચારમાં પડી ગયા પછી ભાઈ રાજુ પાસેથી પેન્સિલ માગી અને એ પાના પર ચોક્કસ જગ્યાએ નિશાની કરી અને એ પાનું કોરાણેથી વાળીને પુસ્તકને ટેબલ પર રાખ્યું, કહ્યું, ‘તમારો આભાર ભાઈ, બીજી આવૃત્તિ વખતે જરૂર સુધારી લઈશ.’

આ હતી એમની ખેલદિલી અને વ્યાવસાયિક પ્રામાણિકતા!

સરકારી યોજનાઓનો લાભ લેવા અને પુસ્તકમેળાઓ અને બીજી રીતે વિસ્ફોટ પામેલી ઘરાકીનો લાભ લેવા આજે બાળસાહિત્યનાં પુસ્તકો (અને અન્ય સામગ્રી) ઢગલામોઢે બહાર પડે છે. આધુનિક ઝાકઝમાળ અને રંગારંગ ટેકનોલૉજીને કારણે એનાં ઉત્પાદનો પણ ભારે રઢિયાળાં અને રૂપકડાં હોય છે. પણ એના દાબડામાં ઝવેરાત છે કે ઝેર એ જોવાની – અગાઉથી તપાસી જોવાની-કોઈ જોગવાઈ નથી.

ના હોવી જોઈએ ?

યશવંત મહેતા જેવા ભેખધારીઓ બાલસાહિત્ય અકાદમી સુપેરે ચલાવે છે, એ સંસ્થાને એક સ્વયં શિસ્ત તરીકે પ્રકાશકો આગોતરા પરામર્શનનું આ કામ સોંપવા તૈયાર થશે? કે કોઈ કાનૂની પગલાંનો વાજબી ઇંતેજાર છે?

E-mail : rajnikumarp@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 10

Loading

આપણી જાત સિવાય કોઈને માટે નથી આ શબ્દ!

રજનીકુમાર પંડ્યા|Opinion - User Feedback|22 February 2017

૧-૨-’૧૭ના ‘નિરીક્ષક’ના અંકમાં [તેમ જ 20 જાન્યુઆરી 2017ના “ઓપિનિયન” વેબસાઇટ પરે, https://opinionmagazine.co.uk/subcategory/31/ami-ek-jajabar] મિત્ર વિપુલ કલ્યાણીના સુંદર લેખમાં ગુજરાત સાહિત્ય પરિષદની એક નોંધ લેખે ભોગીલાલ ગાંધીને ‘સત્યાગ્રહોમાં એક અદના સૈનિક’ તરીકે ઓળખાવ્યા છે. વાસ્તવમાં એ ભૂલ વિપુલભાઈની નહીં, ગુજરાતી સાહિત્ય પરિષદના કોઈ સંદર્ભ માંહે એ નોંધ કરનારની છે.

‘અદના’ એટલે મામૂલી અથવા રાંક. ભોગીલાલ ગાંધી તો શું પણ કોઈ પણ વ્યક્તિ માટે આપણાથી એ વિશેષણ ના વાપરી શકાય. નમ્રતા બતાવવા ખાતર આપણે આપણી જાતને માટે એ શબ્દપ્રયોગ કરી શકીએ એ એક વ્યાવહારિક ઔપચારિકતા છે, પણ બીજી વ્યક્તિ માટે તો હરગિજ નહીં. (સિવાય કે કોઈ ચોક્કસ હેતુપૂર્વકની આવશ્યકતા હોય.)

આપણે ત્યાં આ વિશેષણનો પ્રયોગ કેટલા ય જાણીતા લેખકો દ્વારા ‘દર્શક’થી માંડીને રઘુવીર ચૌધરી જેવા અનેક મહાનુભાવો માટે થતો મેં જોયો છે. સંભવ છે કે એ લોકોના મનમાં અદના એટલે અદકા (અધિક) જેવો ભાવ હોય, જે સાચું નથી.

ભવિષ્યમાં આપણે સૌ આના પરત્વે સભાન રહીએ એટલા વાસ્તે જ આટલી નુક્તેચીની !

E-mail : rajnikumarp@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 10

Loading

...102030...3,4433,4443,4453,446...3,4503,4603,470...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved