Opinion Magazine
Number of visits: 9584699
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

… અને ગાંધીજીએ શંકરને લખ્યું, તમારી ઠઠ્ઠા મશ્કરી કોઈને ડંખવી ના જોઇએ

વિશાલ શાહ|Opinion - Opinion|2 March 2017

જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીમાં શું ફર્ક હતો? આ સવાલનો જવાબ તો અનેક રીતે વાળી શકાય પણ જો વાત કાર્ટૂનની થતી હોય તો કહી શકાય કે, નહેરુ તેમના પર વ્યંગ કરતાં કાર્ટૂન પણ માણી શકતાં હતા. નહેરુની સેન્સ ઓફ હ્યુમર સારી હતી, પરંતુ ઇન્દિરા ગાંધીથી કાર્ટૂન સહન નહોતાં થતાં અને તેમનામાં સેન્સ ઓફ હ્યુમરનો પણ સદંતર અભાવ હતો. નહેરુયુગમાં સુવર્ણકાળ ભોગવનારી રાજકીય કાર્ટૂન કળાનો ઇન્દિરા યુગમાં અસ્ત થવાની શરૂઆત થઈ ગઈ હતી. કાર્ટૂનકળા પર લખાયેલાં કેટલાંક પુસ્તકોમાં ચોક્કસ નહીં, પણ આ પ્રકારના તુલનાત્મક ઉલ્લેખો જરૂર જોવા મળે છે. નહેરુએ રાજકીય કાર્ટૂનિસ્ટોને ખુલ્લા દિલે પ્રોત્સાહન આપ્યું હતું, જ્યારે ઇન્દિરા ગાંધી કટોકટી લાદીને કાર્ટૂનિસ્ટોને મરણતોલ ફટકો મારવામાં નિમિત્ત બન્યાં હતાં. એવું કહેવાય છે કે, કટોકટી કાળમાં સૌથી જીવલેણ ફટકો લેખકો-પત્રકારોને નહીં પણ રાજકીય કાર્ટૂન બનાવનારા કાર્ટૂનિસ્ટોને લાગ્યો હતો. એટલે જ સમકાલીન ભારતના ‘બિલો ધ બેલ્ટ’ નિવેદનબાજી કરતા, નફરત અને બદલાનું રાજકારણ ખેલતા અને અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપતા નેતાઓએ નહેરુમાંથી એટલિસ્ટ સહિષ્ણુતાનો ગુણ અપનાવવાની ખાસ જરૂર છે.

આજે ય દેશના અનેક અખબારો-સામયિકોમાં રાજકીય કાર્ટૂનનો સમાવેશ કરાય છે એ વાત ખરી, પરંતુ આ ઉચ્ચ પ્રકારની કળાએ તેની અસરકારતા ગુમાવી દીધી છે, એ કડવું સત્ય છે. આ સ્થિતિ રાતોરાત નહીં પણ વર્ષો સુધી કાર્ટૂન અને કાર્ટૂનિસ્ટની ઉપેક્ષાના કારણે સર્જાઇ છે. આંકડાકીય રીતે જોઈએ તો ભારતીય પ્રિન્ટ મીડિયામાં પહેલાં કરતાં કદાચ અત્યારે વધારે કાર્ટૂન સ્પેસ હોય છે. ૩૧મી માર્ચ, ૨૦૧૫ના તાજા આંકડા પ્રમાણે દેશભરની ૨૩ ભાષામાં એક લાખથી પણ વધારે અખબારો-સામાયિકો નોંધાયેલાં હતાં, જેમાંનાં અનેક પ્રકાશનોમાં કાર્ટૂનને સ્પેસ અપાય છે. રસપ્રદ વાત એ છે કે, અંગ્રેજી પ્રિન્ટ મીડિયા કરતાં પ્રાંતીય ભાષાનાં અખબારો અને સામાયિકોમાં વધારે કાર્ટૂન સ્પેસ ફાળવાય છે, પરંતુ તેમાં રાજકીય કરતાં સામાજિક કાર્ટૂન અને કોમિક સ્ટ્રીપનું પ્રમાણ વધારે હોય છે, પોલિટૂનનું નહીં. પોલિટિકિલ કાર્ટૂન મતલબ રાજકીય કાર્ટૂન ટૂંકમાં 'પોલિટૂન' તરીકે ઓળખાય છે.

અબુ અબ્રાહમ, ઓ. વી. વિજયન, શંકર, ઉન્ની અને કુટ્ટી

એક સમયે ભારતના અંગ્રેજી પત્રકારત્વમાં પોલિટૂનની કળા સોળે ય કળાએ ખીલી હતી. ભારતમાં આધુનિક કાર્ટૂન કળાના ભિષ્મ પિતામહ ‘શંકર’ તરીકે જાણીતા કેશવ શંકર પિલ્લાઇ ગણાય છે. શંકરે ૧૯૪૮માં 'શંકર્સ વિકલી' નામનું હાસ્યસભર સામાયિક શરૂ કર્યું હતું, જે તેની ગુણવત્તાના કારણે ભારતના 'પંચ'નું બિરુદ પામ્યું હતું. હેનરી મેથ્યુ નામના અંગ્રેજ પત્રકાર, નાટ્યકાર, સંશોધક અને સામાજિક સુધારાવાદીએ એબેન્ઝર લેન્ડલ નામના ઇલસ્ટ્રેટર સાથે મળીને વર્ષ ૧૮૪૧માં 'પંચ' નામનું કાર્ટૂન સાપ્તાહિક શરૂ કર્યું હતું. ઐતિહાસિક તથ્યો કહે છે કે, 'પંચે' શરૂઆતના દસ વર્ષ યુનાઇટેડ કિંગ્ડમના રાજકારણ પર ધારદાર વ્યંગ કરીને 'નામ જેવું કામ' કરીને ખળભળાટ મચાવી દીધો હતો. ઇલસ્ટ્રેશન એટલે કે રેખાચિત્રો માટે 'કાર્ટૂન' શબ્દ 'પંચે' જ ચલણી કર્યો હતો. ૧૮૪૧માં શરૂ થયેલા આ સામાયિકનો ફેલાવો ૧૯૪૦માં ટોચ પર હતો. એ પછી 'પંચ'નું વેચાણ ઘટ્યું અને ૧૯૯૨માં તો તેને બંધ કરવાનો વારો આવ્યો. વર્ષ ૧૯૯૬માં આ સામાયિક ફરી શરૂ કરાયું, પરંતુ ૨૦૦૨માં ફરી બંધ કરવું પડ્યું. 'શંકર્સ વિકલી'ની સરખામણી ‘પંચ’ જેવા માતબર સામાયિક સાથે થતી હોવાનાં અનેક કારણ હતાં.

શંકરે બાળપણથી જ કાર્ટૂનકળા પર હાથ અજમાવવાની શરૂઆત કરી દીધી હતી. શંકરે એકવાર ક્લાસરૂમમાં જ પોતાના શિક્ષક ઊંઘતા હોય એવું કાર્ટૂન દોર્યું હતું, જેના કારણે તેમને હેડ માસ્ટરનો ઠપકો સાંભળવો પડ્યો હતો. આ ઘટના પછી શંકરના કાકાએ તેમને વધુને વધુ કાર્ટૂન દોરવા પ્રોત્સાહિત કર્યા. સ્કૂલનું શિક્ષણ પૂરું કરીને શંકરે કેરળના મેવલિકારા તાલુકામાં આવેલી રાજા રવિ વર્મા સ્કૂલ ઓફ પેઇન્ટિંગમાં અભ્યાસ કર્યો. 'શંકર્સ વિકલી' શરૂ કર્યાના દોઢેક દાયકા પહેલાં, આશરે ૧૯૩૨માં, શંકરે 'હિંદુસ્તાન ટાઈમ્સ'માં કાર્ટૂનિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી. અહીં તેમણે ૧૯૪૬ સુધી સ્ટાફ કાર્ટૂનિસ્ટ તરીકે ફરજ બજાવી. ત્યાર પછી 'ફ્રી પ્રેસ જર્નલ' અને 'બોમ્બે ક્રોનિકલ' જેવા એ સમયનાં માતબર દૈનિકોને શંકરના પોલિટૂનનો લાભ મળ્યો.

બ્રિટિશ કાળ અને એ પછી આઝાદ ભારતમાં પણ ઘણાં વર્ષો સુધી પોલિટૂન જે તે અખબાર કે સામાયિકનો 'રાજકીય અભિપ્રાય' ગણાતો. આ સ્થિતિમાં પણ ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ અને ‘ફ્રી પ્રેસ જર્નલ’ જેવાં અખબારોમાં શંકર ધારદાર વ્યંગ સાથેનાં કાર્ટૂનો દોરતા. શંકરે બ્રિટિશ કાળમાં જ કાર્ટૂન ચિતરવાનું શરૂ કરી દીધું હોવાથી અનેક બ્રિટિશ વાઇસરોય પણ તેમની અડફેટે ચડી ગયા હતા. જો કે, કડક મિજાજી બ્રિટિશરોની સેન્સ ઓફ હ્યુમર પ્રમાણમાં ઘણી સારી હતી, જેથી કોઇએ શંકરનાં કાર્ટૂન સામે વાંધો લીધો હોય એવું નોંધાયું નથી. ઊલટાનું લોર્ડ વિલિંગ્ટન અને લોર્ડ લિનલિથગો જેવા વાઇસરોય શંકરનાં કાર્ટૂનથી ઘણાં પ્રભાવિત હતા.

ગાંધીજી સંભવત શંકરનું ઝીણા પર વ્યંગ કરતું આ કાર્ટૂન જોઈને ભડક્યા હતા

ઉચ્ચ કક્ષાની રમૂજવૃત્તિ ધરાવતા ગાંધીજી એકવાર શંકરનું કાર્ટૂન જોઈને ભડક્યા હતા. જો કે, એ કાર્ટૂન ગાંધીજી પર નહીં, પણ ઝીણા પર વ્યંગ કરવા દોરાયેલું હતું. આ મુદ્દે ગાંધીજીએ વર્ધાથી રેલવે મુસાફરી કરતી વખતે શંકરને ટપાલ લખીને ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ 'હિંદુસ્તાન ટાઇમ્સ'માં પ્રસિદ્ધ થયેલા ઝીણાના કાર્ટૂન સામે સખત વાંધો લીધો હતો. પરંતુ એ દિવસે શંકરના ઝીણા પરના બે કાર્ટૂન પ્રસિદ્ધ થયા હતા. એટલે ગાંધીજી કયું કાર્ટૂન જોઈને ગુસ્સે થયા હશે એ સંશોધનનો વિષય છે. આ ઘટના વિશે 'ગાંધીજીનો અક્ષરદેહ'માં ઉલ્લેખ નથી, પરંતુ આ ટપાલ આજે ય શંકર પરિવાર પાસે સચવાયેલી છે.

આ ટપાલમાં ગાંધીજીએ લખ્યું છે કે, ''ઝીણા વિશે દોરાયેલું તમારું કાર્ટૂન અરુચિકર અને હકીકતોથી વિપરીત હતું. તેમાં તમે ફક્ત એક કાર્ટૂનિસ્ટ તરીકે કામ પૂરું કરી દીધું છે. કળાની દૃષ્ટિએ તો તમારાં કાર્ટૂન સારાં હોય છે. પરંતુ તમારાં કાર્ટૂનો ચોક્સાઈથી બોલી ના શકતાં હોય અને લાગણી દુભાવ્યા વિના મજાક ના કરી શકતાં હોય તો તમે તમારા વ્યવસાયમાં હજુ ઉચ્ચ સ્તરે નથી પહોંચ્યા. વિવિધ પ્રસંગોનો તમારો અભ્યાસ દર્શાવે છે કે, તમારી પાસે તેનું ચોક્સાઇભર્યું જ્ઞાન છે. છતાં મૂળ વાત એ છે કે તમારે અસંસ્કારી નહીં બનવું જોઈએ. તમારા ઠઠ્ઠા-મશ્કરી કોઇને ડંખવા ના જોઇએ.''

બ્રિટિશ યુગમાં ગાંધીજી સહિતના અનેક નેતાઓ શંકરનાં કાર્ટૂનની નોંધ લેતા. આ પ્રકારની પોઝિટિવ-નેગેટિવ પબ્લિસિટી વચ્ચે શંકરને લંડનમાં ૧૪ મહિનાનો એડવાન્સ કાર્ટૂનિંગ કોર્સ કરવાની સ્કોલરશિપ મળી. આ દરમિયાન શંકરે બર્લિન, વિયેના, પેરિસ અને રોમ જેવી કળાની રાજધાનીઓનો પ્રવાસ કર્યો. ત્યાંથી પાછા આવ્યા પછી જ શંકરનો 'શંકર્સ વિકલી' શરૂ  કરવાનો વિચાર વધારે દૃઢ થયો હતો. વર્ષ ૧૯૪૮માં આ સામાયિકના વિમોચન પ્રસંગે મુખ્ય અતિથિ જવાહરલાલ નહેરુ હતા, પરંતુ શંકરે લસરકા કરતી વખતે નહેરુને પણ છોડ્યા ન હતા. ૧૭મી મે, ૧૯૬૪ના રોજ શંકરે એક કાર્ટૂન દોર્યું હતું, જેમાં દુબળા-પાતળા-થાકેલા નહેરુ ટોર્ચ લઈને ગુલઝારીલાલ નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, કૃષ્ણમેનન અને ઇન્દિરા ગાંધી જેવાં નેતાઓ સાથે દોડી રહ્યા હતા. આ કાર્ટૂન જોઈને નહેરુએ શંકરને કહ્યું હતું કે, ડોન્ટ સ્પેર મી, શંકર. શંકર સાથે આ સંવાદના બરાબર દસ દિવસ પછી ૨૭મી મે, ૧૯૬૪ના રોજ નહેરુનું મૃત્યુ થયું હતું.

આ વિખ્યાત કાર્ટૂન દોર્યાના દસ દિવસ પછી  નહેરુનું મૃત્યુ થયું હતું 

ભારતીય પત્રકારત્વમાં 'શંકર્સ વિકલી'નું બીજું ધરખમ પ્રદાન એટલે અબુ અબ્રાહમ, કુટ્ટી, ઓ. વી. વિજયન, રંગા, ઈ. પી. ઉન્ની અને રંગા જેવા જાણીતા કાર્ટૂનિસ્ટો. 'શંકર્સ વિકલી'માં પ્લેટફોર્મ મળવાના કારણે જ આપણને આ નક્કર કાર્ટૂનિસ્ટો મળી શક્યા. એક આશ્ચર્યજનક યોગાનુયોગ એ છે કે, શંકર સહિત આ તમામ કાર્ટૂનિસ્ટોનો (રંગા સિવાય) જન્મ કેરળમાં થયો હતો. આજે ય દક્ષિણ ભારતમાં, ખાસ કરીને મલયાલમ ભાષાના અખબારોમાં પહેલાં પાને તેમ જ અંદર પણ કાર્ટૂન સ્પેસ ફાળવાય છે, એ પાછળ પણ કદાચ શંકરયુગમાં શરૂ થયેલી પરંપરા જ જવાબદાર હશે!

જો કે, આજકાલ તંત્રીલેખ કે કોલમથી પણ વધારે અધરા અને મહેનત માગી લે એવા પોલિટૂન જેવા ગંભીર વિષયને ગંભીરતાથી નથી લેવાતો, જેની પાછળ અખબારોની કાર્ટૂનકળા પ્રત્યેની ઉદાસીનતા જવાબદાર છે. રાજકીય ઘટનાને ઊંડાણપૂર્વક સમજીને તેમાંથી વ્યંગ નિષ્પન્ન કરતું ચિત્રાંકન કરવું એ અત્યંત વિશિષ્ટ કળા છે. આવી કળા થોડી ઘણી હોય તો વિકસાવીને બહાર લાવવી પડે! એટલે જ એક કાર્ટૂનિસ્ટને મજબૂત વાચકવર્ગ ઊભો કરવામાં થોડો સમય લાગે છે, પરંતુ અખબારના માલિકો ‘માંડ થોડી જગ્યા’ ભરી આપતા કાર્ટૂનિસ્ટને ‘ઊંચો પગાર’ આપીને આર્થિક નુકસાન ભોગવવા તૈયાર નથી હોતા. આ સ્થિતિમાં ફૂલટાઇમ કાર્ટૂનિસ્ટની કારકિર્દી અપનાવીને લોકોના હોઠ પર હાસ્ય કેવી રીતે લાવી શકાય?

'શંકર યુગ'ના મોટા ભાગના કાર્ટૂનિસ્ટનો ખરાબ સમય કટોકટી વખતે જ શરૂ થઈ ગયો હતો. ઇન્દિરા ગાંધી સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુકલએ ૨૫મી જૂન, ૧૯૭૫ના રોજ દિલ્હીમાં પ્રેસ કોન્ફસન્સ બોલાવીને પ્રેસ સેન્સરશિપની જાહેરાત કરી હતી કે, ''રુમર્સ (અફવાઓ) ફેલાતી રોકવા માટે અમે પ્રેસ સેન્સરશિપની જાહેરાત કરીએ છીએ …'' આ પ્રેસ કોન્ફરન્સમાં અબુ અબ્રાહમ પણ હાજર હતા. શુકલ જેવું આ વાક્ય બોલ્યા કે તરત જ અબ્રાહમે તેમને કહ્યું કે, ''પણ હ્યુમરને ફેલાતી કેમ રોકવાની?'' કટોકટીમાં કાર્ટૂનિસ્ટોને લાગેલા જીવલેણ ફટકા અંગે વાત કરતા ઉન્નીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ''કટોકટી વખતે લેખકોએ કોઇ જુગાડ કરીને કમાઇ લેતા, પરંતુ અમે લાચાર હતા અને અમારી સ્થિતિ વધારે કફોડી હતી …''

કાર્ટૂનિસ્ટોને મોકળું મેદાન આપવામાં નહેરુનો જોટો જડે એમ ન હતો, જ્યારે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદતા 'શંકર્સ વિકલી'ને પણ તાળાં મારવાની ફરજ પડી. આ ટ્રેજેડીને સરળ અને સાહજિક ભાવે કોઈ અઠંગ કાર્ટૂનિસ્ટ જ સમજાવી શકે!

[“ગુજરાત સમાચાર”ની ‘શતદલ’ પૂર્તિની 22મી ફેબ્રુઆરી 2017ની લેખકની ‘ફ્રેન્કલી સ્પીકિંગ’ નામક કોલમનો લેખ]

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2017/03/blog-post.htmlVishal Shah

e.mail : vishnubharatiya@gmail.com

Loading

દેશમાં બની રહેલી સતામણીની પ્રત્યેક ઘટના નરેન્દ્ર મોદી માટે વૉર્નિંગ બેલ જેવી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 March 2017

યુદ્ધનાં રહસ્યો વર્ષો સુધી બહાર આવતાં નથી અને જ્યારે બહાર આવે છે ત્યારે એમાંથી એક જ અંતિમ સત્ય પ્રગટ થાય છે કે યુદ્ધ શાસકોએ પોતાની જરૂરિયાત માટે માથે માર્યું હતું. તો પછી ગુરમેહર કૌરે ખોટું શું કહ્યું છે? અપરાધ તેનો એટલો જ છે કે તેણે માતેલા સાંઢોને લલકાર્યા છે. એટલે તો હજારગણાં ડેસિબલમાં દેશપ્રેમનાં ડાકલાં વાગી રહ્યાં છે

નરેન્દ્ર મોદી જ્યારે સોળે સૂરત ઇન્દિરા ગાંધીને અનુસરી રહ્યા છે ત્યારે તેમણે ઇન્દિરા ગાંધીને થયેલા અનુભવમાંથી ધડો લેવો જોઈએ. ૧૯૭૧માં લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની કૉન્ગ્રેસે બે-તૃતીયાંશ બહુમતી મેળવી હતી અને ૪૫ ટકા પૉપ્યુલર વોટ્સ મેળવ્યા હતા. ૧૯૭૧ના ડિસેમ્બર મહિનામાં બંગલા દેશના યુદ્ધમાં ભારતના થયેલા વિજય પછી ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા આસમાને પહોંચી હતી. તેઓ સાક્ષાત્ દુર્ગા તરીકે ઓળખાવા લાગ્યાં હતાં. ૧૯૭૨માં યોજાયેલી કેટલાંક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં કૉન્ગ્રેસે સપાટો બોલાવ્યો હતો. એ સમયે કોઈને એમ નહોતું લાગતું કે ઇન્દિરા ગાંધીને કોઈ દાયકો-બે દાયકો હાથ પણ લગાડી શકશે. માત્ર વાણીવિલાસ નહીં, પાકિસ્તાનને ચીત કરીને ઇન્દિરા ગાંધી છવાઈ ગયાં હતાં.

એ પછી કોઈએ કલ્પના પણ નહોતી કરી એમ ઇન્દિરા ગાંધીનો સમય બદલાવા લાગ્યો હતો. આનું મુખ્ય કારણ હતું ભક્તો અને ભક્તિ. ચલતા પુર્જા‍ કૉન્ગ્રેસીઓ સમજી ગયા હતા કે મૅડમને ભક્તો અને ભક્તિ ગમે છે. જે હજી વધુ નીચ હતા તેમને સમજાઈ ગયું હતું કે જો ભક્તિગાન વારંવાર અને જોરશોરથી કરવામાં આવે તો કરવામાં આવેલાં પાપ પણ નષ્ટ થઈ જાય છે. કોઈની મજાલ છે કે ભક્ત કૉન્ગ્રેસીને હાથ લગાડે? કેટલાક કૉન્ગ્રેસીઓ ઇન્દિરા ગાંધીની કિચન કૅબિનેટમાં ગોઠવાઈ ગયા, કેટલાક મૅડમના ખાસ ગણાવા લાગ્યા, કેટલાક દ્વારપાળ બની ગયા અને બીજા કેટલાક ઇન્દિરા ગાંધીના દરવાજે પગલુછણિયાં બનીને ગોઠવાઈ ગયા. આટલા કોઠા ઓળંગો તો જ મૅડમ સુધી પહોંચી શકાય. સજ્જનોએ મળવાનું જ માંડી વાળ્યું. આનું પરિણામ એ આવ્યું કે મૅડમને બહાર લોકો શું વિચારે છે એની જાણ જ નહોતી થતી. તેમના કાને એ જ વાત આવતી હતી જે મૅડમ સાંભળવા માગતાં હતાં.

ખુશામતખોરીની આ સ્થિતિએ માતેલા સાંઢ પેદા કર્યા. તેઓ જોરજોરથી ભક્તિગાન ગાતાં હતા અને કાયદો હાથમાં લઈને પોતાનો ઉલ્લુ સીધો કરતા હતા. જો જરાક કોઈ વિરોધ કરે તો સાંઢ વધારે જોરથી આરતી ઉતારતા હતા અને વિરોધીઓના કપાળે ગરીબવિરોધી, મૂડીવાદી, અમેરિકન એજન્ટ, CIAના એજન્ટ જેવાં લેબલો ચોડતા હતા. લેબલ ત્યારે પણ ચોડવામાં આવતાં હતાં જેમ આજે ચોડવામાં આવે છે. માત્ર લેબલનાં નામ બદલાઈ ગયાં છે. સમકાલીન સાંઢ દેશદ્રોહી અને રાષ્ટ્રદ્રોહીનાં લેબલ લગાડે છે અને સાહેબને રાજી રાખે છે.

નરેન્દ્ર મોદીએ એક વાત સમજી લેવી જોઈએ કે લોકપ્રિયતાના સ્કેલ પર તેઓ ઇન્દિરા ગાંધી કરતાં ક્યાં ય પાછળ છે. તેમણે ૪૫ ટકા વોટ અને બે-તૃતીયાંશ બહુમતી મેળવી હતી, જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં BJPને સાદી બહુમતી અને માત્ર ૩૧ ટકા વોટ મળ્યા હતા. તેમણે બીજી વાત એ સમજી લેવી જોઈએ કે મીડિયા ખરીદી શકાય છે, મીડિયાને ચૂપ નથી કરી શકાતાં. ઇન્દિરા ગાંધી ઇમર્જન્સી લાદીને મીડિયાને ચૂપ કરી શક્યાં હતાં, જે સવલત નરેન્દ્ર મોદી પાસે ઉપલબ્ધ નથી. મીડિયાના અનેક પ્રકાર છે અને એ ઓપન ર્સોસ પ્લૅટફૉર્મ છે. એ પ્લૅટફૉર્મનો ઉપયોગ વિરોધ કરનારાઓ કરે છે. ત્રીજી વાત તેમણે એ સમજી લેવી જોઈએ કે થોડા લોકોને લાંબો સમય મૂર્ખ બનાવી શકાય છે, પરંતુ બધાને બધો સમય મૂર્ખ નથી બનાવી શકાતા. માણસના ચિત્તમાં ક્યારે પ્રશ્નો અને શંકાઓ પેદા થવા લાગે છે એ માપવાનો કોઈ અંતિમ માપદંડ નથી. ભોળા ભક્તો નિષ્ક્રિય થવા લાગ્યા છે એ જોઇને ચાલુ ભક્તો વધારે ભક્તિનું પ્રદર્શન કરે છે જેથી પ્રભુને એમ ન લાગે કે ઘંટારવ ધીમો પડી રહ્યો છે. ઇન્દિરા ગાંધીને થયેલા અનુભવના આધારે ચોથી વાત તેમણે એ સમજી લેવી જોઈએ કે એકાધિકારશાહીનું વલણ ધરાવતા અભિમાની માણસને અંદરના લોકો જ નિષ્ક્રિય બનીને ડુબાડે છે. તેઓ વિરોધ નથી કરતા, માત્ર સલાહ આપવાનું અને કામ કરવાનું બંધ કરી દે છે અને એ પણ ઘણું મોટું નુકસાન પહોંચાડે છે.

આ પૃષ્ઠભૂમિમાં દિલ્હીમાં રામજસ કૉલેજમાં જે ઘટના બની એનું આકલન કરવું જોઈએ. ગયા બુધવારે [22 ફેબ્રુઆરીએ] રામજસ કૉલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન વચ્ચે સંઘર્ષ થયો હતો. એ ઘટના પછી દિલ્હી યુનિવર્સિટીની બીજી એક કૉલેજ લેડી શ્રીરામ કૉલેજની વિદ્યાર્થિની ગુરમેહર કૌરે પોતાના ફેસબુકની વૉલ પર બે પોસ્ટર હાથમાં રાખીને પોસ્ટ કરી હતી. એક પોસ્ટમાં લખ્યું હતું કે હું ABVPની ગુંડાગીરીથી ડરતી નથી અને યુનિવર્સિટીના બીજા અનેક વિદ્યાર્થીઓ મારી સાથે છે. બીજા પોસ્ટરમાં લખ્યું હતું કે પાકિસ્તાને મારા પિતાનો જીવ નહોતો લીધો, યુદ્ધે લીધો હતો. ગુરમેહરના પિતા લશ્કરમાં હતા અને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ થયા હતા. એ પછી ગુરમેહર પર કટક ઊતર્યું હતું એ ત્યાં સુધી કે કેન્દ્રના ગૃહખાતાના રાજ્યપ્રધાન કિરેન રિજિજુ પણ હંમેશ મુજબ એમાં જોડાઈ ગયા હતા. વીરેન્દર સેહવાગ નામના ક્રિકેટરે ટ્વીટ કરીને લખ્યું હતું કે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી મેં નહોતી કરી, મારા બૅટે કરી હતી.

મૂળમાં માતેલા સાંઢો મોકો જોઈને કાયદો હાથમાં લઈને આતંક મચાવી રહ્યા છે જેમ ઇન્દિરા ગાંધીના સમયમાં બનતું હતું. એને ખુશામતખોરો દેશપ્રેમના વાઘા પહેરીને વરખ ચડાવે છે અને ગુંડાગીરીનો બચાવ કરે છે. કેન્દ્રના ગૃહપ્રધાન નાગરિકોને સુરક્ષા આપવાની જગ્યાએ નસીહત આપે છે અને ડરાવે છે. ઇન્દિરા ગાંધીના સમયમાં ઓમ મહેતા નામના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન આવું કરતા હતા. ઇતિહાસનું જાણે કે આબેહૂબ પુનરાવર્તન થઈ રહ્યું છે.

હકીકતમાં એક દેશના જવાનને બીજો દેશ ચાહી-કરીને મારતો નથી. જવાનો યુદ્ધના કારણે મરે છે એ સનાતન સત્ય છે. બીજું, કોઈ દેશ કબૂલ કરતો નથી કે એણે આક્રમણ કર્યું હતું. યુદ્ધ કરનાર બન્ને દેશ એકબીજા પર આક્રમણ કરવાનો આરોપ મૂકે છે અને પોતાએ સ્વરક્ષણ માટે લડવું પડ્યું હતું એમ કહે છે. આ જગતમાં કોઈ દેશ યુદ્ધમંત્રાલય ધરાવતો નથી, બધા દેશ સંરક્ષણમંત્રાલય જ ધરાવે છે. યુદ્ધ એક રહસ્યમય ઘટના છે. એનાં રહસ્યો વર્ષો સુધી બહાર આવતાં નથી અને જ્યારે બહાર આવે છે ત્યારે એમાંથી એક જ અંતિમ સત્ય પ્રગટ થાય છે કે યુદ્ધ શાસકોએ પોતાની જરૂરિયાત માટે માથે માર્યું હતું. તો પછી ગુરમેહર કૌરે ખોટું શું કહ્યું છે? અપરાધ તેનો એટલો જ છે કે તેણે માતેલા સાંઢોને લલકાર્યા છે. એટલે તો હજારગણાં ડેસિબલમાં દેશપ્રેમનાં ડાકલાં વાગી રહ્યાં છે.

વધારે મોડું થાય એ પહેલાં નરેન્દ્ર મોદીએ ચેતવાની જરૂર છે. ક્યાંક એવું ન બને કે ઇન્દિરા ગાંધીના ઇતિહાસનું સંપૂર્ણ પુનરાવર્તન થાય. ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ તો હારી ગઈ હતી, ઇન્દિરા ગાંધી ખુદ હારી ગયાં હતાં.

ઇન્દિરા ગાંધીને થયેલા અનુભવના આધારે નરેન્દ્ર મોદીએ એ વાત સમજી લેવી જોઈએ કે એકાધિકારશાહીનું વલણ ધરાવતા અભિમાની માણસને અંદરના લોકો જ નિષ્ક્રિય બનીને ડુબાડે છે. તેઓ વિરોધ નથી કરતા, માત્ર સલાહ આપવાનું અને કામ કરવાનું બંધ કરી દે છે અને એ પણ ઘણું મોટું નુકસાન પહોંચાડે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 01 માર્ચ 2017

Loading

જરૂર છે ઉદારવાદી રાજકીય પક્ષની

ગુરુચરણ દાસ|Opinion - Opinion|1 March 2017

ચૂંટણીમાં આર્થિક ઉદારવાદ અને શાસનમાં સુધારણા પર સવાર છે ઓળખ આધારિત રાજકારણ

આપણે ભારતની વધુ એક ચૂંટણીમોસમમાં છીએ. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે, ત્યારે હું એ વિચારીને નિરાશ થઈ જઉં છું કે આપણે સાચા, સ્વતંત્ર અને સુધારો ઇચ્છનારા ઉદાર નાગરિકોના બદલે ફરીથી ગુનેગારોને, લલચાવતી વાતો કરનારા ભ્રષ્ટ લોકોને અને રાજકીય વંશના વારસદારોને ચૂંટી કાઢીશું. આ વખતે તમિલનાડુમાં શશિકલા અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ધક્કો પહોંચાડનારી જીત ચોખ્ખી છબિ ધરાવનારા ઉદારવાદીઓને નિષ્ફળતા દર્શાવે છે.

આ સમસ્યાના સમાધાન માટે મેં એક વખત આદર્શ ઉદારવાદી રાજકીય પક્ષની ભલામણ કરી હતી. 21મી સદીમાં યુવાવર્ગ, અપેક્ષાઓથી ભરેલો ભારત એવા બિનસાંપ્રદાયિક પક્ષના હકદાર છે, જે આર્થિક પરિણામો માટે અધિકારીઓના બદલે બજાર પર ભરોસો રાખે. સાથે સરકારી સંસ્થાઓમાં શાસન સુધારણા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતો હોય. બનવાજોગ છે કે તેને ઝડપથી ચૂંટણીમાં સફળતા ન મળે, પરંતુ તે શાસનમાં સુધારો કરવાનો મુદ્દો ચર્ચાને કેન્દ્રમાં લાવશે. ધીમે ધીમે તે લોકોમાં સાબિત કરી દેશે કે મુક્ત બજાર અને નિયમો દ્વારા સંચાલિત સરકાર જ જીવનસ્તરને ઊચું આણવાનો અને બધાની સમૃદ્ધિનો એક માત્ર સમજદારીપૂર્વકનો રસ્તો છે.

આ જ આધાર પર મારા મિત્ર સંજીવ સભલોકે 2013માં વિશુદ્ધ કહી શકાય તેવો ઉદારવાદી ‘સ્વર્ણ ભારત પક્ષ’ રચ્યો, પરંતુ તેને હજી વ્યાપક સમર્થન મળ્યું નથી. મને અપરાધભાવ થતો રહે છે કે મેં આના માટે પૂરતું યોગદાન ન આપ્યું અને મારા ઉદારવાદી મિત્ર આમાં સામેલ થયા. જ્યારે હું અમારી નિષ્ફળતા પર વિચારતો હતો, ત્યારે હું ચોંકાવનારા પરિણામો પર પહોંચ્યો. મને ખ્યાલ આવ્યો કે ઉદારવાદી સિદ્ધાંતો પર આધારિત પક્ષના જીતવાની લગભગ કોઈ શક્યતા નથી, જ્યાં સુધી તે કોઈ ‘જાણીતા’ પક્ષ સાથે જોડાણ ન કરે.

સસ્તા ભાવે વીજળી અને ભોજનના લોકાકર્ષક વાયદાઓ કરનારા ઉમેદવારો હંમેશાં એ ઉદારવાદીને હરાવી દેશે. કેમ કે તે અંગત ઉદ્યમ અને સ્પર્ધાની વાત કરતો હશે. મુક્ત બજારની વાત ચૂંટણીપ્રચારમાં લોકોના ગળે ઉતારવી અઘરી છે. કારણ કે બજારનો ‘અદૃશ્ય હાથ’ તેમને દેખાતો નથી, જ્યારે સરકારનો દેખાતો હાથ વધારે ચોખ્ખો દેખાવા લાગે છે. પરંતુ ‘ડાબેરી ઉદારવાદીઓ’ની સફળતાની શક્યતાઓ વધારે છે, કારણ કે તે સરકારને હસ્તક્ષેપ દ્વારા વ્યાપક કલ્યાણકારી રાજ્યની ભલામણ કરે છે. એટલા માટે ડાબેરી ઉદારવાદી કૉંગ્રેસ ચૂંટણી દરમિયાન રાહતોની વહેંચણીના મુદ્દાને કેન્દ્રિત કરીને દાયકાઓ સુધી પોતાની સત્તા જાળવી શક્યો.

પરંપરાગત ઉદારવાદ આર્થિક સ્વતંત્રતાના વાતારવણમાં દરેકને ઉપર આવવાની તક પૂરી પાડે છે. આ વ્યવસ્થામાં સરકાર પાસેથી એવું વાતાવરણ ઉપલબ્ધ કરાવવાની અપેક્ષા હોય છે,  જેમાં કોઈ પણ વ્યક્તિ મુક્ત, પારદર્શક બજારમાં શાંતિપૂર્વક પોતાનાં હિત સિદ્ધ કરવાના માર્ગે આગળ વધી શકે. ત્યાર પછી ‘અદૃશ્ય હાથ’ ધીમે ધીમે ચારે તરફનું જીવનસ્તર ઊંચું ઉઠાવવામાં મદદ કરે છે અને લોકોને ગરિમાપૂર્ણ મધ્યમવર્ગીય જિંદગી તરફ દોરી જાય છે.

‘અદૃશ્ય હાથ’નો આ ખ્યાલ એડમ સ્મિથે આપેલો છે, જે પારંપરિક ઉદારવાદના સ્થાપકોમાંથી એક હતા. તેઓ માનતા હતા કે મુક્ત બજારમાં દરેક વ્યક્તિ પોતાના હિતની પાછળ દોડે છે, તો ‘અદૃશ્ય હાથ’ સમાજના સામુહિક હિતને સાકાર કરે છે. અલબત્ત, મતદાર એ નથી સમજી શકતો કે કેવી રીતે બિઝનેસ ચલાવવામાં સરકારના બદલે મુક્ત બજાર વધારે સારું છે. પરંપરાગત ઉદારવાદીઓ સાંસ્કૃિતક તેમ જ સામાજિક ઓળખ ધરાવતા પક્ષોમાં સામેલ થઈ ગયા. અમેરિકામાં તેઓ ‘લિબરલ રિપબ્લિકન’ અથવા ‘કન્ઝર્વેટિવ ડેમોક્રેટ’ બની ગયા છે, પરંતુ તેમણે આની કિંમત તરીકે ‘ગર્ભપાત વિરોધી’ ખ્રિસ્તી એજન્ડા તેમ જ રિપબ્લિકનોની ગન લોબી અને ડેમોક્રેટિક પાર્ટીના સખત, અક્ષમ શ્રમ સંગઠનોને સ્વીકારવા પડ્યાં.

બ્રિટનમાં માર્ગરેટ થેચરે પોતાના પક્ષ(અને દેશ)ને બજારના હિતમાં લાવવા માટે ટોરીના ‘પરંપરાગત અંગ્રેજીપણા’ના આદર્શોને સ્વીકારવા પડ્યા. ભારતમાં પણ અનેક ઉદારવાદીઓ મોદીના ‘વિકાસ’ એજન્ડાનું સમર્થન કરે છે, પરંતુ ભાજપની હિન્દુત્વવાદી સાંસ્કૃિતકતા સાથે તેમને કોઈ લેવાદેવા નથી. 2014ની ચૂંટણીમાં મોદીની ચમત્કારિક સફળતા ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના ઉદારવાદી આહ્વાનનું જ પરિણામ હતું, જેણે મહત્ત્વાકાંક્ષી યુવાનો અથવા કૉંગ્રેસની લલચામણી નીતિઓથી નિરાશ લોકોને આકર્ષિત કર્યા.

આનું પરિણામ એ આવ્યું કે તેમણે ભાજપમાં આર્થિક ઉદારવાદીઓ માટે જગ્યા બનાવી અને ભાજપ પરિપક્વ થઈને જમણેરી ઝોકવાળો મધ્યમમાર્ગી પક્ષ બની થયો, જેમાં આર્થિક અને સાંસ્કૃિતક જમણેરી વિચારધારાનું સ્પષ્ટ વિભાજન હતું. જો કે, મોદી માર્ગરેટ થેચરની જેમ આર્થિક અને સંસ્થાકીય સુધારાઓ માટે વૈચારિક રૂપે પ્રતિબદ્ધ આદર્શ ઉદારવાદી નથી. તેઓ વ્યાવહારિક પરિસ્થિતિઓના આધારે સુધારા લાવે છે.

હજી પણ એ કહેવું ઉતાવળ ગણાશે કે મોદી ‘વિકાસ’ના વાયદાઓ પૂરા કરશે કે નહીં, પરંતુ જો તેઓ પોતાના ઉદારવાદી સમર્થકો જાળવી રાખવા ઇચ્છે છે, તો તેમણે પોતાના પક્ષની સાંસ્કૃિતક શાખાને કડક નિયંત્રણમાં રાખવી પડશે. પરંતુ લોકો ચૂંટણીમાં ગુનાઇત પૃષ્ઠભૂમિ ધરાવનારા લોકોને શા માટે ચૂંટે છે? 2014માં ચૂંટાયેલા સાંસદોમાંથી એક તૃતીયાંશની સામે ગુનાખોરીના કેસ ચાલી રહ્યા છે અને 20 ટકા સાંસદો પર તો હત્યા અને દુષ્કર્મ જેવા ગંભીર આરોપ પણ છે.

સ્પષ્ટ છે કે (543માંથી) 100 કરતાં વધારે કાયદો ઘડનારાઓ પર ગંભીર આરોપ લાગેલા છે. મિલન વૈષ્ણવ પોતાના નવા પુસ્તક ‘વ્હેન ક્રાઇમ પેઝ’માં લખે છે કે ગુનેગાર ચૂંટણીના અત્યંત ઊંચા ખર્ચ અને પક્ષના ભંડોળને સમૃદ્ધ કરવામાં બહેતર સાબિત થાય છે. મતદાર ‘ગુનેગારો’ની ‘કામ કરાવી લેવા’ની કાબેલિયતના કારણે તેમને ચૂંટે છે. કાયદો અને વ્યવસ્થા સાથે સંલગ્ન ફરિયાદો ઉકેલવામાં પોલીસના બદલે ‘ગુનેગાર’ સાંસદ વધારે કારગત નીવડે છે.

મને દુ:ખ છે કે કોઈ ઉદારવાદી પક્ષનું ન તો ભારતમાં કે ન બીજે ક્યાં ય કોઈ ભવિષ્ય છે. છેલ્લી ત્રણ સદીઓથી ઉદારવાદે જ ન્યાયોચિત રાજકીય કાર્યવાહીને સંચાલિત કરી છે. 20મી સદીમાં મહદંશે રાજકીય વિચારસરણીઓ તેના જ હકમાં રહી છે. ઉદારવાદે ભારતને સાંસ્થાનિક ગુલામીમાંથી મુક્તિ આપી છે, સામ્યવાદને જમીનદોસ્ત કરવામાં તેની જ ભૂમિકા હતી અને ભારતના આર્થિક સુધારાઓ પણ તેનાથી જ સંચાલિત થયા. આમ છતાં ઉદારવાદીઓએ આ સુધારાનું શ્રેય લીધું નથી અને એટલા માટે આપણે ચૂપકીદીથી સુધારા કરતાં રહ્યા છીએ. ઉદારવાદીઓ કોઈ સંત નથી, પરંતુ એ વાત શરમજનક છે કે સમૃદ્ધિના પક્ષમાં તર્કપૂર્ણ દલીલો કરવાના બદલે મતદારો માટે વંશ, ધર્મ અને જાતિગત ઓળખના આધારે કરવામાં આવેલી ભાવનાત્મક અપીલોનું મહત્ત્વ વધારે રહે છે.

(લેખક અને કોલમિસ્ટ)

e.mail : gurucharandas@gmail.com

સૌજન્ય : ‘ખાટલે મોટી ખોડ’, “દિવ્ય ભાસ્કર”, 01 માર્ચ 2017

લેખનો મૂળ અંગ્રેજી આધાર :  http://blogs.timesofindia.indiatimes.com/men-and-ideas/why-classic-liberals-dont-win-elections-and-populists-do/

Loading

...102030...3,4363,4373,4383,439...3,4503,4603,470...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved