કોઈ ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડતાં, તે અંગેનાં કારણોની સમીક્ષા કરવા જે-તે પક્ષ દ્વારા ‘ચિંતનશિબિર’ યોજવામાં આવે છે. પણ ઘરડાઘરમાં મૂકવામાં આવેલી વૃદ્ધા જેવી અવદશાપ્રાપ્ત માતૃભાષાને તેનો યોગ્ય દરજ્જો મળી રહે, તેને પુનઃ ગૌરવ મળે, તેની ગોદમાં બેસી હાશકારો અનુભવાય, તે માટે શાસનકર્તાઓ દ્વારા કેમ કોઈ ચિંતનશિબિર યોજાતી નથી? નરસિંહ મહેતાથી નિરંજન ભગત સુધીના શબ્દ-સ્વામીઓએ તેનું જતન અને સંવર્ધન કરી, તેને લાડ ન લડાવ્યાં હોત, તો તેનું શું થયું હોત, તેનો વિચારમાત્ર અકળાવી દે છે.
સ્વીકારવી ન ગમે એવી વાસ્તવિકતા એ છે કે, ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તાની છાંટ ધરાવતી ભાષાની વાત તો બાજુએ રહી પણ સાચું, જોડણીની ભૂલ વિનાનું લખવા માટે (ભાષાના અધ્યાપકો સહિત) મોટા ભાગના અસમર્થ જણાય છે.
પોતે ગાંધીબાપુ માટે અનહદ માન ધરાવે છે, તેનો ઢંઢેરો પીટવા અને સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા રાજકર્તાઓ, શિક્ષકો માટે આદેશ બહાર પાડે છે, ‘અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ ખાદી પહેરવી પડશે.’ જે આદર્શ છે, તેને માટેનો કાયમી ધોરણે આગ્રહ શા માટે નહીં? શિક્ષકો વળતો પ્રહાર ન કરી શકે, ‘અઠવાડિયામાં એક દિવસ ભ્રષ્ટાચાર નહીં, સત્તાનો દુરુપયોગ નહીં’? અઠવાડિયામાં એક વાર શિષ્ટ, ગુજરાતી ભાષામાં વ્યવહાર કરવો પડશે.
કાવ્યસર્જનમાં પ્રવૃત્ત કોઈ કવિએ રાજાના સેવકો, ધર્મગુરુઓ અને સંસ્કૃિતના સ્વનિયુક્ત રખેવાળોના સંભવિત હુમલાના ભયથી એક પછી એક કાવ્યપંક્તિનો નાશ કર્યો, ત્યારે આ નષ્ટ પંક્તિઓ પૂછવા માંડી, ‘ન્યાયાધીશો દ્વારા ન્યાયની હત્યા થતી હોવાનું સાંભળ્યું હતું. પણ તમે ય હત્યારા ક્યારથી થઈ ગયા?’
બોગસ પદવી ધરાવનારા, બિનસંવેદનશીલ, સમસ્યાને આડે પાટે ચઢાવી દેવામાં માહેર, જાડી ચામડીના, નપાવટ રાજકારણીઓ કૌભાંડોની ફાઇલો સાચવે કે માતૃભાષા સાચવે? કોઈ રાજકારણી તાર સ્વરે જાહેર કરે ‘અમે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું’ ત્યારે અસહ્ય પીડા થાય છે. ભવિષ્યમાં ‘અમે મોદીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું,’ એમ સાંભળવા મળે તોયે આશ્ચર્યમિશ્રિત પીડા જ થવાની.
દૂર અમેરિકા જેવા દેશોમાં સ્થાયી થયેલા, પોતાના વ્યવસાયમાં અતિ વ્યસ્ત, જેમનો મને અપ્રત્યક્ષ પરિચય છે તે દાક્તરમિત્રે, મોકલાવેલ તેમના પુસ્તકમાં, ગુજરાતી ભાષામાં આવેલાં સ્થિત્યંતરોની વિશદ છણાવટ બાદ વર્તમાન રાજકારણીઓ કેવી નિમ્ન કક્ષાની વાતો કરે છે, અધમ ભાષાનો પ્રયોગ કરે છે, તે અંગે બળાપો ઠાલવ્યો છે, જે આપણો પોતાનો જ હોય તેમ લાગે છે. તેમના જ શબ્દોમાં ‘મને લાગે છે કે રાજકર્તાઓનો સેમિનાર રાખીને પ્રજા સમક્ષ, શાણા માણસોની જેમ કેવી રીતે પ્રવચન આપવું, તે શીખવવું જોઈએ. નેતાઓનું વક્તવ્ય વાસ્તવિક, સત્ય, વિવેકી, સંવેદનશીલ અને ભાઈચારામાં વૃદ્ધિ કરતું હોવું જોઈએ. જેમ શાણા મનુષ્યને ભાન છે કે ‘કોને કહેવું? ક્યાં કહેવું? કેટલું કહેવું?’ તેમ વિચારીને આપણા નેતાઓએ શાણા થવું જ પડશે. પોતાની જાતનું, પોતાના સ્થાનનું, પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતી આ વ્યક્તિઓને સમજદાર કેવી રીતે લેખી શકાય? મહત્ત્વનો હોદ્દો મેળવવા, પક્ષના વડા પ્રત્યે વફાદારી વ્યક્ત કરવા, ટિકિટ મેળવવા બકવાસ કરતા નિર્લજ્જ નેતાઓ હાંસીપાત્ર તો હતા જ, હવે ધિક્કારપાત્ર બની ગયા છે.”
ધર્મગુરુ, રાજનેતા, અધ્યાપક પાસેથી નાગરિકોને ચોક્કસ અપેક્ષાઓ હોય છે, ભાષા પર પણ બળાત્કાર ગુજારવાનો અધિકાર તેમને કોણે આપ્યો વારુ?
જાતજાતના ઉત્સવોના તાયફા પાછળ કરોડોનું આંધણ કરનારા શાસકોને શું માતૃભાષા પ્રત્યે એટલો અણગમો છે કે તે માટે થોડા ઘણા નાણાં ય ન ફાળવી શકે ? તેને અભ્યાસક્રમમાં અન્ય વિષયો જેટલું જ મહત્ત્વ ન આપી શકે ? વાણિજ્ય કે વિજ્ઞાનના વિષયો સમક્ષ તેણે લાચારી શા માટે અનુભવવી પડે?
બી.એસ.પી. એટલે ‘બહેનની સંપત્તિપાર્ટી’ કહેનારને કોઈ પણ કહી શકે તે તમારા પક્ષનાં જ બહેનની સંપત્તિ વિશે તમારે શું કહેવાનું છે?
એક જમાનો હતો, જ્યારે લોકો નેહરુ, માવળંકર, જયપ્રકાશ નારાયણ, લોહિયા, કૃપાલાની વગેરેને હોંશે-હોંશે સાંભળતા હતા. એમનાં વક્તવ્યોમાં સંવેદના ભળી હોવાને કારણે તે સ્પર્શી જતાં હતાં. મેદની ભેગી કરવા નાણાં કે સત્તાનો ઉપયોગ થતો નહોતો. આજના નેતાઓને છાશવારે સલાહ આપવાની કુટેવ પડેલી જોતાં તેને ‘An Age of Advice’ નામ આપી શકાય. ‘શિક્ષકો કામચોર છે. મર્યાદિત વેતનમાં ‘ઘર ચલાવવામાં શું ચૂંક આવે છે?’ બસ આટલું જ કહેવાનું મન થાય છે. વૈદ્ય, તું તારો ઇલાજ કર!’
વિશ્વ માતૃભાષાદિને ઈશ્વરને પ્રાર્થના કે શાસકોનું બૌદ્ધિક સ્તર ઊંચું આવે, તેમના વિશે બાહ્ય જગતમાં જે કંઈ લખાય છે કે બોલાય છે તે સમજી શકે, ગરીબડી બની ગયેલી ગુજરાતીને તેમના જેટલી જ સમૃદ્ધ બનાવે. આપણે એમની પાસેથી સુશાસનની અપેક્ષા રાખવાનું છોડી દીધું છે, પણ મલિન, હલકટ, નિમ્નસ્તરની ભાષા વડે આપણા કાનને તો ન બગાડે. આટલી સેવા તો કરો. સાહેબો, હોપ નામના અંગ્રેજે ‘હોપ ગુજરાતી પાઠમાળા’ અભ્યાસક્રમમાં દાખલ કરાવી હતી. હૂપાહૂપ કરતાં વર્તમાન શાસકો પાસેથી આવી ‘હોપ’ રાખી શકાય ?
તા.ક. : સેવાભાવીની મારા પ્રિ. યાજ્ઞિકસાહેબ પાસેથી મળેલી વ્યાખ્યા – જેને બીજાની સેવા મેળવવાનું ભાવે છે તે સેવાભાવી.
ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૭; ડીસા / અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 12
![]()


દર્શકના એટલે કે મનુભાઈ પંચોળીના ‘સ્વરાજધર્મ’ (૧૯૯૬) પુસ્તક વિશે વિગતે વાત કરતાં પહેલાં લેખકનો આપણે પરિચય કરી લેવો જોઈએ. ગુજરાતી સાહિત્યના આ અગ્રગણ્ય સાહિત્યકાર અને કેળવણીકાર છે. પિતા પ્રાથમિક શિક્ષક હતા. મનુભાઈએ કિશોરવયે ૧૯૩૦ના સત્યાગ્રહમાં ભાગ લેવા શાળાનો અભ્યાસ નવમા ધોરણ પછી છોડી દીધો. દક્ષિણામૂર્તિ અને આંબલામાં ગૃહપતિ અને શિક્ષક તરીકે ઘડાયા પછી ૧૯૫૩માં સણોસરા ખાતે લોકભારતીની સ્થાપના અને સંચાલનમાં તેઓ જોડાયા. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન બન્યા અને ૧૯૭૦માં બહુ ટૂંકા ગાળા માટે ગુજરાતના શિક્ષણમંત્રી પણ થયેલા.